સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

જાગૃતિમાં હરણફાળ

     ૨૦૦૦ ની સાલમાં નિવૃત્ત થયા પછી જાતજાતની અને ભાતભાતની અનુભૂતિઓએ સુજાને નવી નવી દિશાઓ જરૂર આપી, પણ પોતાની કાબેલિયતનો અહં અને કર્તાભાવ હજુ વારંવાર ફૂંફાડા માર્યા કરતા હતા. આના પ્રતાપે અન્યને જેવા હોય, તેવા સ્વીકારી શકવા જેવી કાબેલિયત વિકસી શકતી ન હતી. બ્લોગિંગ પૂરબહારમાં હતું એ વખતે એ માધ્યમ દ્વારા જ કલ્યાણ મિત્ર શરદ ભાઈ શાહના પરિચયમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. એમની સાથે આ બાબત ઘણી ચર્ચા અને ઉગ્ર વાદ વિવાદ પણ થતા. ૨૦૧૦ ની સાલમાં અમદાવાદની મુલાકાત દરમિયાન એમની ઓફિસમાં સાક્ષાત મુલાકાત થઈ. એ વખતે તેમણે તેમના ગુરૂ શ્રી. બ્રહ્મવેદાન્ત સ્વામીની વાત કરી, અને માધવપુર, ઘેડમાં આવેલા એમના આશ્રમના ફોટા બતાવ્યા. એ વખતે તો સમયના અભાવે ત્યાં જઈ ન શકાયું. પણ ૨૦૧૨ની સ્વદેશયાત્રા વખતે અમે બન્ને અમદાવાદથી ત્યાં  ગયા અને તેમના ત્યાં આવેલા ફ્લેટમાં ત્રણ દિવસ રહ્યા. સ્વામીજીની દિવ્ય કાંતિ અને સીધા દિલમાં ઊતરી જાય તેવાં, સાવ સરળ ભાષામાં બે પ્રવચનો પણ સાંભળ્યા. એમને પથ્થરની જૂની ખાણોમાં ખોદકામ કરતા શિષ્યોને દોરવણી આપતા અને જાતે સાવરણાથી સફાઈકામ કરતા પણ જોયા.

   આમ છતાં સુજાની સાચી જાગૃતિ આવવાની ઘડી બે વર્ષ દૂર હતી. એ અંતરાલ પછી છેવટે શરદ ભાઈએ કહ્યું,”સુરેશ ભાઈ! હવેની વખતે તમે આવો ત્યારે, ગુરૂજીની જાતે જ પૂછી લેજો. “

    એ સુભગ ક્ષણનો અનુભવ આ રહ્યો –

સ્વામીજી સાથે અંગત સંવાદ

૨૦૧૩, જાન્યુઆરી, ઓશો આશ્રમ, માધવપુર, ઘેડ

બ્રહ્મવેદાન્ત સ્વામી

  સવારનું સ્વામીજીનું પ્રવચન પતી ગયું છે. શરદભાઈએ સ્વામીજીને ઘેર એમની સાથે અંગત મુલાકાત ગોઠવી આપી છે. લક્ષ્મીકાન્તભાઈ ઠક્કર અને શરદભાઈ સાથે સુજા પહોંચી જાય છે. શરદભાઈતો ત્યાંના સ્ટાફ સાથે આગળના નાના મેદાનની સફાઈના કામમાં જોડાય છે. લક્ષ્મીકાન્તભાઈ અને સુજા વરંડામાં બેઠેલા સ્વામીજીને વંદન કરી એમની સામેની ખુરશીમાં બેસે છે. થોડીક ઔપચારિક વાતો પછી –

સ્વામીજી – “બોલો, શું સંશય છે?”

સુજા – “કર્તાભાવ જતો નથી. સ્વીકારભાવ આવતો નથી, અને શરણાગતિભાવ તો કદી આવશે જ નહીં  – એમ લાગે છે.

     સ્વામીજી આંખો મીંચી દે છે. બે ત્રણ મિનિટ વીતી જાય છે. સંશયાત્મા સુજાને વળી સંશય થાય છે કે, સ્વામીજી તેના આટલા ટૂંકા સવાલ કદાચ ન સમજ્યા હોય. પણ સ્વામીજી આંખો ખોલી, પ્રેમાળ નજરથી સુજાની આંખોમાં આંખ પરોવી કહે છે. “તમે તમારી જાતનો સ્વીકાર કરો છો ખરા?“

સુજા – “ના. હું બરાબર નથી. બહુ સુધરવાની જરૂર છે.”

સ્વામીજી – “બસ, આ છોડી દો. તમે જો જાતને જ સ્વીકારતા નથી, તો બીજાનો સ્વીકાર શી રીતે કરી શકશો?”

અચંબો પામીને સુજા – “પણ તો તો આગળ શી રીતે વધાય?”

અને સ્વામીજીએ બ્રહ્માસ્ત્ર છોડ્યું, “કશે જવાનું  જ નથી. કશું બનવાનું જ નથી. આપણે જેવા છીએ, તેવા જ રહેવાનું છે. આપણને જેવા બનાવવામાં આવ્યા છે – તે બરાબર જ છે. માત્ર આપણે જે કાંઈ વિચારીએ કે કરીએ, તે જોતાં થવાનું  છે.“

અને એકાએક સુજાના મનનો બધો અંધકાર/ નિર્વેદ ગાયબ બની ગયા. અહોભાવથી અંતર છલકાઈ ગયું અને તે બોલ્યો,” એ તો સાવ સહેલું છે.”

સ્વામીજી – “ હા! એમાં કાંઈ જટિલતા છે જ નહીં. જેમ જેમ આમ જોતાં થશો તેમ તેમ, કર્તાભાવ એની મેળે ઓગળતો જશે. જે કરતા હો તે કરતા રહો. કાંઈ છોડવાનું છે જ નહીં. માત્ર સતત જાગૃત રહો – મોજમાં રહો. અહંને ઓગાળવાનો ‘અહં’ -પણ નહીં રાખવાનો. એની મેળે જ એ સરતો  જશે.  ‘કર્તા ભાવ કાઢવો છે’ – એ જ સૌથી મોટો કર્તાભાવ છે, અહં છે!”

સુજા – “પણ શરણાગતિનું શું? “  

સ્વામીજી – “ એ પણ એની મેળે જ ખીલતી જશે. જેમ જેમ, ‘બધું જેમ છે, તે બરાબર છે.’ એ સ્વીકારતા થશો પછી એની મેળે શરણાગતિ આવવા માંડશે. એ માટે પણ કશી જહેમત કરવાની નથી.”

સુજા – “શરણાગતિ થાય પછી કશું  નહીં કરવાનું?”

અને છેલ્લું બ્રહ્માસ્ત્ર……

 સ્વામીજી – “નમાલા, હારી ગયેલાની કદી શરણાગતિ ન થાય. એ તો વીર સૈનિક વરસતી ગોળીઓ વચ્ચે દેશને ખાતર જાનની આહૂતિ આપે, તેમ પરમ ચેતનાને આપણા સમગ્ર અસ્તિત્વનું  સમર્પણ. આપણા કાર્યમાંથી એક ડગલું પણ પીછેહઠ કરવાની નથી. એનું ફળ મળે કે ન મળે, પૂર્ણ નિષ્ઠાથી અને પૂર્ણ આનંદથી કામગરા રહેવાનું છે. આ શૂરાનો માર્ગ છે – થાકેલા/ હારેલાનો નહીં“

સુજા- “ અર્જુનની જેમ?”

સ્વામીજી – “એને તમે જોયો છે? !”

સુજા – “ ના, વાંચેલું છે.”

સ્વામીજી – “ એ બધાં શાસ્ત્ર કાંઈ કામ ના આવે. એની તમારે કશી જરૂર નથી. તમારે જાતે હેંડવું પડશે -આંખો ખુલ્લી રાખીને.”

અહોહો! બધા સંશય ટળી ગયા. હવે બસ ચાલવાની મજા, જીવવાની મજા- હરેક ક્ષણ  –  જાગતા રહીને. કોઈને માટે દ્વેશ નહીં, કોઈની પ્રશંસાની જરૂર નહીં. કોઈ દ્વેશ કરે, તે માટે મનમાં કોઈ ભાર નહીં. કોઈ પાસેથી કશી અપેક્ષા નહીં”  

અમે બન્નેએ પ્રણામ કરીને સ્વામીજીની રજા લીધી.

બસ. એ ઘડી અને…
સુજાની ઘોર નિદ્રા ગાયબ થઈ ગઈ.

6 responses to “જાગૃતિમાં હરણફાળ

  1. pragnaju જાન્યુઆરી 1, 2022 પર 9:19 એ એમ (am)

    ધન્ય ધન્ય
    વારંવાર ચિંતન મનન કરવા જેવી વાત

    રી બ્લોગ કરી નીરવરવે પર મુકશોજી

  2. સુરેશ જાન્યુઆરી 1, 2022 પર 10:06 એ એમ (am)

    Reblogged this on નીરવ રવે and commented:

    સુજાનો વિચારતા કરી દે, તેવો અનુભવ

  3. mhthaker જાન્યુઆરી 1, 2022 પર 1:23 પી એમ(pm)

    Eternal awareness moment to moment – choiseess awareness !

  4. hirals જાન્યુઆરી 5, 2022 પર 1:35 એ એમ (am)

    બહુ સરસ. વારંવાર યાદ કરવા જેવી વાત.

    બહુ નાનપણમાં નક્કી કરેલું કે રોજ બધાને માફી આપીને જ સૂવું. ક્યારે કેમ આમ વિચારેલું તે યાદ નથી પણ જીવનમાં એટલે કોઈ જ એવી વ્યક્તિ નથી જેની સામે સ્મિત કરવું અઘરું બન્યું હોય. પોતાની જાતને પણ માફ કરી દેવાની અને જેની સાથે ખટપટ થઇ હોય તેને પણ. દરેક દિવસ નવો દિવસ.
    માફી આપવામાં પોતાનો, સામેનાનો, પોતાની નબળાઈનો, સામેનાની નબળાઈનો સહજ સ્વીકાર ક્યારે સ્વભાવ બની ગયો તે પણ ખબર નથી. કદાચ આ બધું પ્રભાવનું પુણ્યનું ભાથું જ હશે.

    માતા , પિતા, ભાઈ, બહેન, આડોશી, પાડોશી, સાગા-વ્હાલા , બહેનપણીઓ, કોઈ પણ હોય. આ સ્વભાવમાં વણાઈ ગયેલું એટલે સાસરે પણ એ જ પદ્ધતિથી દૂધમાં સાકરની જેમા ભળી ગઈ. પણ તોયે……


    મિલન સાથે અમુક તમુક ફરિયાદો હતી, એક દિવસ મારા સાસુ-સસરા સામે બળાપો કાઢી રહી હતી, લૌકિક ભાષામાં આક્રોશ કે ઝગડો કહી શકાય. એમાં એમની ઉછેર પદ્ધતિ પર પણ સીધો વાર હતો.
    પણ સાસુ-સસરા બહુ જ પીઢ. જરાય વિચલિત થયા સિવાય બધું જ શાંતિથી સાંભળ્યું.
    પછી મને પાણી પીવડાવ્યું. એમના દીકરા વિષે એલ-ફેલ બોલ્યું છે કે એમનો વાંક જોયો છે એવો કોઈ જ ભાવ એમના ચહેરા પર નહિ.
    માત્ર એક દુઃખી દીકરી માટે કરુણતાનો ભાવ.

    હું તો એમ જ પીગળી રહી.
    મને શાંત કરતા કરતા મારા સસરાએ કીધું, એ તો છે જ એવો, પણ આટલો વખત આ બધું યાદ રાખીને તારું મન તેં શીદને બગાડ્યું?
    એને તો આમાંનું કશું જ યાદ પણ નહિ હોય. જાણી કરીને એણે નથી કર્યું એ તને પણ ખબર છે. તે પણ એને માફ કર્યો છે.
    પછી બ્રહ્માસ્ત્ર છોડ્યું,
    તું વાસી ખાવાનું ખાય છે? અથવા ના ખવાય તો કેમ ના ખવાય?
    મેં કીધું શરીર બગડે.
    બસ, વાસી વાત જે ફેંકી દેવાની હોય એને વાગોળીએ તો મન બગડે.

    એ પછી તો ભાગ્યેજ કોઈનું આગલું -પાછલું યાદ છે. મન ચોખ્ખું કેમ રાખવું તે મારા સાસુ-સસરાએ એમના વર્તનથી શીખવ્યું. મેં ઘણી ભૂલો કરી છે, ઘણીવાર વર્તન બગાડ્યું છે, ના બોલવાનું બોલ્યું છે પણ એમણે મને હું જેવી છું તેવી જ સહજ સ્વીકારી છે.

    ત્યારથી એ બને મારા સ્પિરિચ્યુઅલ ગુરુ. જીવન ધન્ય થઇ ગયું એ ઘડીએ.

  5. jugalkishor ડિસેમ્બર 30, 2022 પર 8:22 એ એમ (am)

    હમ્મ્ ! સાવ સીધી વાત…….
    પણ આમ સહજતા આવવીય અઘરી તો હશે જ. એટલું ખરું કે “જે છે તે છે. આપણે ડાપ્પણ જેટલું ન રાખીએ એટલું વહેલું એ બધુ મળે…..કેટલીક જગ્યાએ તો પ્રયત્નને પણ નિંદ્યો છે. ગીતામાં આરંભો છોડવાનું કહેલું જ છે.

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: