આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને
ભાનનો તડાક દઇ તૂટી જાય કાચ
એના જોયાની વેળ એવી વાગે
છુંદણાના મોર સાથે માંડું હું વાત
મને એટલું તો એકલું રે લાગે
આજ તો અભાવ જેવા અંધારે ઊભી છું
પડછાયો મારો હું ખોઇ ને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
એવું તે કેવું આ સિંચાતું નીર
મારા નામનાં સુકાય પાન લીલાં
લેતી આ શ્વાસ હવે એમ લાગે જાણે કે
છાતીમાં ધરબાતા ખીલા
પરપોટો ફૂટે તો જળને શું થાય
નથી જાણ થતી કોઇ દિવસ કોઇને
આયનાની જેમ હું તો ઊભી ‘તી ચૂપ
ગયું મારામાં કોઇ જરા જોઇને.
– મનોજ ખંડેરિયા
દિલને કોરી ખાતી વ્યથાની આ કવિતા એક વિશિષ્ઠ છાપ મૂકી જાય છે. ખાલીપાની આ વ્યથા પ્રિયજન દૂર હોય કે સ્વદેશથી દૂર સ્થળાંતર કરવું પડ્યું હોય – તે સૌની વ્યથા છે. એકધારાં ચાલ્યા કરતા જીવનમાં કોઈ પ્રવેશે અને આયના જેવી જડ અવસ્થામાં ન સાંધી શકાય એવી તરાડ પડી જાય – એની આ વાત બહુ જ અલગ અંદાજમાં મનોજ ભાઈએ કહી છે. ખાલીપાના અંધારામાં સૂરજ કે દીવો પડછાયો પાડી શકતા નથી, અથવા વિરહી હૃદય તે જોવા અશક્ત બની જાય છે.
કદાચ આવી જ અવસ્થા ઇશ્કે હકીકીમાં પણ પ્રસ્તુત બની જાય છે.
Like this:
Like Loading...
Related
પડછાયો અંધારામાં ન હોય. ગજબનો વિચાર. ઘણા બધા વિચાર જન્માવી જતો વિચાર. નવું અવલોકન ?
આજે પણ કવિ-સંમેલન મનોજ ખંડેરિયાની આ કાવ્યપંક્તિઓથી જ શરૂ કરવામાં આવે છે! : ‘રસમ અહીંની જુદી ને નિયમ સાવ નોખા,
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા…’
મૃદુ સ્વભાવના આ કવિની કાવ્યબાનીનું રેશમી પોત આજેય ભાવકને ભીંજવે છે.
કવિ-સંમેલનોમાં મનોજની બીજી બે ગઝલોના શેર આજે પણ અચૂક બોલવામાં-કહેવામાં આવે છે : ૧. ‘મને સદ્્ભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા, ચરણ લઇ દોડવા બેસું તો વરસોનાં વરસ લાગે!’
૨. ‘પકડો કલમ ને કોઇ પળે એમ પણ બને, આ હાથ આખેઆખો બળે એમ પણ બને!’
સ્વ મનોજની સંવેદનામાં ઊંડાણ અને આલેખનમાં અધ્યાત્મ કે દર્શન હોય છે. અનેક સંદર્ભોથી સભર એમની કવિતામાં વ્યંજના પ્રગટતી રહે છે – ને છતાં એમાં સહજતા છે, સરળતા છે.
આ ખૂબ સુંદર કવિતા અનેક બ્લોગોમા માણી છે
આયનામાં કોણ છૂપું જોઇ ગયું ?કાવ્ય રસદાર છે હોં !
આ મનોવ્યથા આંખ નમ કરે આપે કહ્યું તેમ ‘આવી જ અવસ્થા ઇશ્કે હકીકીમાં પણ પ્રસ્તુત બની જાય છે’