પરિચિત છું છતાંયે દૂર ખૂણામાં ઊભેલો છું,
મને શું ઓળખે લોકો સમય વીતી ચૂકેલો છું.
તિરસ્કારો અભિમાની ગણીને યોગ્ય એ ક્યાં છે?
મનાવી લેશો હું તોય ગણતરીથી રૂઠેલો છું.
ના કોઈ નોંધ ના ઉલ્લેખ મારો થાય કિસ્મત છે,
મુગટની જેમ ક્યારેક મસ્તકે હું પણ રહેલો છું.
ઉપેક્ષાઓ જમાનાની સહી હસતે મુખે ‘અબ્બાસ’,
રહ્યું છે શીશ અણનમ પણ કમરથી તો ઝુકેલો છું.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’
સ્વમાની, નવોદિત સર્જકની મનોવ્યથાની આ ગઝલ ઘણા બ્લોગરોને ગમી જાય તેવી છે! દાદની અપેક્ષા કયા સર્જકને ન હોય? ભલે કોઈ કહે કે, ‘હું તો નિજાનંદ માટે સર્જન કરું છું.’ પણ અંતરમાં એ આરજૂ તો રહે જ કે, ‘કોઈક તો વાહ! કહે.’ અરે! નવોદિત શું ? – લબ્ધપ્રતિષ્ઠ સાહિત્યકાર કે કલાકારને પણ આ વ્યથા કઠતી હોય છે. પણ બ્લોગરની વ્યથા વધારે તીવ્ર હોય છે. ઈ-માધ્યમની ઝડપથી એ ટેવાયેલી વ્યક્તિ છે. એને તરત પરિણામ જોઈએ છે.
સામે પક્ષે , વાંચનાર માટે વ્યથા એ હોય છે કે, ‘કેટલાને દાદ આપવી? હવે તો ઢગલાબંધ સર્જકો ફૂટી નીકળ્યા છે.’ આનો ઉકેલ સોશિયલ મિડિયામાં ‘લાઈક’થી હોય છે!
પણ પાછી નવી વ્યથા – ‘કોને કેટલી ‘લાઈક’ મળી! જેને વધારે મળે – તેનો ડંકો! પણ એ ય પોતાની જ પીઠ થાબડવાની ને? ઘણા તો એની જાહેરાત પણ કરે – ‘આટલી લાઈક મળી! ‘
બાલાશંકર કંથારિયા તો કહી ગયા.
કવિરાજા થયો શી છે પછી પીડા તને કાંઈ
નિજાનંદે હમ્મેશાં ‘બાલ’ મસ્તીમાં મઝા લેજે.
પણ એ ગાવામાં ઠીક લાગે. એનાથી તો વાંઝણો સંતોષ જ મળે ને? સૌ જાણે છે કે, આ નવો રોગ છે. શીશ અણનમ રાખતાં કમર ઝૂકી જાય , એવું દર્દ! પણ એનો કોઈ ઉકેલ છે ખરો? તમને હોય તો કહો.
Like this:
Like Loading...
Related
–
એવું દર્દ! પણ એનો કોઈ ઉકેલ છે ખરો? તમને હોય તો કહો.
કદાચ તેમની આ ગઝલમા ઉકેલ લાગે છે
સાચા ને સારા થવું, ઈશ્વરને ગમતું કાર્ય છે;
જીવતર દીપાવવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
ક્યાંક હો મતભેદ તો એવી ક્ષણે ખુલ્લા મને;
ખુદની અંદર ઝાંકવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
કોશિશો કે પ્રાર્થના, અંગત ગણિત સાથે કદી-
સૌનું હિત સ્વીકારવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
થાય જ્યાં ઘાતક પ્રહારો શ્રધ્ધા ને નિષ્ઠા ઉપર;
સ્થિર ચિત્તને રાખવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
એ જ સાચી નીતિ છે માનવ-દયાના ધર્મની;
માંગે પહેલાં આપવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
રડતાં રડતાં આગમન જગમાં ઈશારો એજ કંઇ;
હસતાં હસતાં ત્યાગવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
રોજ રાતે પાપ ને પુણ્યોનો દઈ ખુદને હિસાબ;
એ પછી ઊંંઘી જવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
તત્વને કે સત્વને કે વ્યક્તિને “નાશાદ” બસ;
શુધ્ધ દિલથી ચાહવું, ઈશ્વરને ગમતું કાર્ય છે.
– ગુલામ અબ્બાસ ‘નાશાદ’