વાદળોની ઘટા હોય. ઘટાટોપ હોય. કોઈક રડી-ખડી વાદળી હોય. [ જાતજાતનાં વાદળો માટે આ વૈજ્ઞાનિક વેબ સાઈટ પર પણ નજર નાંખી લો ! ]
પણ વાદળ સેના?
હા! આજે આ સેના જોઈ
👇
આનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની આ અવલોકનકારની ક્ષમતા નથી. પણ એને સેના કહેવાની આ ઉપમા તરત સૂઝી. તરત વળતો વિચાર પણ આવી ગયો કે, આ પણ મન – તરંગ જ ને? વાદળ તો બાષ્પ, પવન અને તાપમાનના સમન્વયથી થતી કુદરતી રચના. એને નામ તો આપણે આપ્યા. અને એ આકાર કે રંગ ક્યાં સ્થાયી હોય છે? એ તો સતત બદલાયા જ કરે.
પરિવર્તન જ પરિવર્તન
આ લખનારનો માનીતો વિષય. જૂનું એક અવલોકન આની સાથે યાદ આવી ગયું –
હિમકણિકા
હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમીટરનો પારો શૂન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબિંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચૂક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!
અને ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબિંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. સરકતો એ રેલો ઠંડા બાષ્પબિંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.
પાંદડા પરથી ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતિસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો. સોડ વાળીને પોઢી ગયો. ઓલ્યું બાષ્પબિંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વિસ્તરવા લાગી. લાખેરાં મૂલ્ય વાળું મોતી બનતું ગયું.
વરસાદ તુટી પડ્યો – રેલે રેલા – પાણીની છાકમ છોળ. થીજેલા મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝૂલતું લટકણિયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવિંગની લાકડી જેવડું, ને પછી પેકનની ફાડ જેવડું.
અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હિમકણિકા બની ગયું. આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં ઝુલતી ઝુલતી, કોની મીલ્કત મોટી એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હિમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.
વરસાદ થંભી ગયો. વાદળ વીખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સૂરજે, બીતાં બીતાં ડોકિયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ વિરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સૂરજરાણો, ક્રોધમાં પ્રદિપ્ત બની, થર્મોમીટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઊંચે ને ઊંચે ચઢાવતો રહ્યો.
ધીમે ધીમે બધીય હિમકણિકાઓ ટપક ટપક ઓગળવા લાગી અને ફરી પાછું એ ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… ચાલુ. સૂકા ઘાસની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં સંતોષાવાની થોડી હતી? પણ શિયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?
કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સૂકાશે. એ હિમકણિકાઓ ફરી પાછી ભેજ બનીને પર્યાવરણમાં ઓગળી જશે.
વરસાવું,
રેલાવું,
થીજાવું,
જામવું,
ઝૂલવું,
ઓગળવું,
રેલાવું,
સૂકાવું,
વિસ્તરવું,
વિખેરાવું
સતત પરિવર્તન જ પરિવર્તન …
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ