સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

ગઝલમાં ‘કેમ છો?’ – ગઝલાવલોકન

      એક ગુજરાતીની ઓળખ એટલે – ‘કેમ છો? ‘ – આપણી ભાષામાં કદાચ સહુથી વધારે વપરાતું વાક્ય! મળતાંની સાથે જ આવી પૂછપરછ ન થાય તો એ બે જણ ગુજરાતી કહેવાય?!  કવિઓએ પણ આની નોંધ લીધી છે.

        અહીં પ્રયત્ન છે – કવિતા કે ગઝલમાં ‘કેમ છો?’ અથવા ‘કેમ છે?’ વાક્ય ક્યાં ક્યાં વપરાયું છે?  આમ તો આ શોધ સાવ સરળ બની જશે એમ લાગતું હતું. પણ ધાર્યા મુજબ એ શોધ આ વાક્ય જેવી સરળ ન રહી. માત્ર આટલી પંક્તિઓ જ શોધી શકાઈ –

૧) કોણ   જાણે   હતી  કેવી  વર્ષો  જૂની

  જિંદગીમાં  અસર  એક  તનહાઈની

કોઈએ  જ્યાં  અમસ્તું  પૂછ્યું  ‘કેમ  છો?’

એને  આખી  કહાણી સુણાવી દીધી

– બેફામ

૨) હો ભીડમાં જ સારૂં, બધામાં ભળી જવાય,
એકાંતમાં તો જાતને સામે મળી જવાય;
સામે મળી જવાય તો બીજું તો કંઈ નહીં,
પણ ‘કેમ છો?’ કહીને ન પાછા વળી જવાય.

– મુકુલ ચોકસી

૩) મારાં પહેલાં કોણ આવીને ગયું,

એશ-ટ્રે ને કપરકાબી કેમ છે?

-ખલીલ ધનતેજવી

૪) હેમન્તનો શેડકઢો તડકો સવારનો
પીતાં હતાં પુષ્પ.
પીતાં હતાં ઘાસતૃણો
હીરાકણીશાં હિમચક્ષુએ મૃદુ
પુષ્પો ફોરે સૌરભપ્રશ્ન મૂક :
પૃથ્વીજાયાં તોય પ્રસન્ન શાં અમે !
કેમ છો તમે ?

– ઉમાશંકર જોશી

૫) દર્પણમાં જોએલા ચહેરાને રોજ રોજ
આમ  જ  પૂછવાનું  કામ  મારું  છે?
કેમ છો ? સારું છે ?

– ચિનુ મોદી

૬) કેટલા વરસે મળી ગ્યા ‘કેમ છો?’
સાવ બસ ભૂલી ગયા’તા ‘કેમ છો?’

અર્થ એના કેટલા એ કાઢશે?
કોકને પૂછ્યું’તું અમથા, ‘કેમ છો?’

– કૈલાસ પંડિત

૭) મુખ પર ઢંકાયેલી
મૃત્યુની ચાદરને સહેજ આઘી કરીને
તમે માત્ર ‘કેમ છો?’ એટલું જ પૂછ્યું હોત
તો હું જીવી ગયો હોત.

– જયંત પાઠક

૮) આકાશે આમ ક્યાંક ઝુકી લીધું
ને ફૂલોને ‘કેમ છો?’ પૂછી લીધું
પણ મૂંગી આ વેદનાનું શું?

– જગદીશ જોષી

૯) મળે જો કોઈ રસ્તામાં મુંઝાયેલું ને રત ખુદમાં
કશું નહિ તોય એને ‘કેમ છો?’ પૂછાય ને, એમ જ

ઘણું છે તોય, ‘અહિંયા કેમ ?’ પૂછે કોઈ’ને સામે
હસીને આપણાથી એટલું કહેવાય ને – ‘એમ જ !’

– ડૉ. નીરજ મહેતા

૧૦) આ નકાબો ને ફગાવી સાદ દેજો, ‘કેમ છે?’,
પ્રેમને સંતાડતા અમને કહેજો, ‘વ્હેમ છે’.

– મનીષ દેસાઈ

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: