ગઝલમાં ગઝલ ! અહીં કોઈ વિશિષ્ઠ અર્થ અભિપ્રેત નથી! માત્ર ગઝલોના એવા શેર ગોતવા પ્રયાસ છે , જેમાં એક શબ્દ ‘ગઝલ’ હોય.
૧) ગઝલની ગૂંજતી સરગમ સરળ ભાષામાં કહી દઈએ.
મુલાયમ મૌનનું રેશમ, સરળ ભાષામાં કહી દઈએ.
– શોભિત દેસાઈ
૨) એક પ્રણાલિકા નિભાવું છું લખું છું ‘સૈફ’ હું
બાકી ગઝલો જેવું જીવન ક્યાં હવે જીવાય છે ?
– સૈફ પાલનપુરી
૩) અનાદિ મથામણ છે મારી ગઝલમાં,
નશીલું નિવારણ છે મારી ગઝલમાં.
– મકરંદ દવે
૪) ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે.
– મરીઝ
૫) ભૂલાતી પ્રેમ મસ્તીની કહાની લઈને આવ્યો છું.
કલાપી કાલની અંતિમ નિશાની લઈને આવ્યો છું.
કદી ગઝલોય સાંભળવી ઘટે સાહિત્ય સ્વામીઓ,
નહીં માનો હું એ રંગીન વાણી લઈને આવ્યો છું.
– અમૃત ‘ઘાયલ’
૬) જુઓ શી કલાથી મેં તમને છૂપાવ્યા
ગઝલમાં પણ આવ્યા તો નામે ન આવ્યા.
– મરીઝ
૭) દીવો થઈને ઝળહળ્યા તારી ગઝલના શેર
આંખોમાં રોશનીએ રચી ભાત ગઝલની
– તુષાર શુકલ
૮) જાહેરમાં જે સાંભળી શરમાઈ જાય છે,
તે ખાનગીમાં મારી ગઝલ દિલથી ગાય છે.
– અમૃત ‘ઘાયલ ‘
૯) દેહના કોડિયે, પ્રાણની વાટને,
લોહીમાં ભીંજવીને જો બાળી શકો,
તો જ પ્રગટી શકે દર્દની મ્હેફિલે,
દિલને રોશન કરે એવું નૂરે ગઝલ.
જન્મ-મૃત્યુ છે, મત્લા ને મક્તા ઉભય,
શ્વાસના કાફિયા, જિંદગીનો વિષય ;
રંગ લૌકિક છે પણ અલૌકિક લય ,
ગાય છે ‘ શૂન્ય’ ખુદની હજૂરે ગઝલ.
-“શૂન્ય” પાલનપુરી
૧૦) ગામ શહેર સુતાં છે રેશમી રજાઈમાં
કોક બેઠા જાગે છે, લો ગઝલ સરાઈમાં.
-રાજેન્દ્ર શુકલ
Like this:
Like Loading...
Related
વાચકોના પ્રતિભાવ