‘વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં
રશ્મિ સંપટ. ( મુંબઇ)
સત્યકથા આધારિત
કોઈ કારણસર હાઈવે ટ્રાફિક માટે બંધ હતો. ‘ડાયવર્ઝન’નું બોર્ડ મારેલું હતું. ડ્રાઇવરે ગાડી કાચા રસ્તે લીધી. રસ્તામાં ભરવાડ ઘેટાં-બકરા લઈને નીકળ્યો, સાંકડો રસ્તો હોઈ ગાડી થોભાવવી પડી.
માલવિકા મેડમની નજર નજીકના એક કાચા ગાર-માટીના ઘર પર પડી. એક યુવતી દિવાલ પર સુંદર મજાના મોર, પોપટ અને ફૂલવેલનું ચિતરામણ ગળીથી કરી રહી હતી. ચિતરામણ પૂરું થયું એટલે આંગણું સાફ કરી શાકભાજી વાવેલા તે ક્યારા સાફ કરવા લાગી.
માલવિકા મેડમને તે છોકરી પોતાના એકનાએક, હાવર્ડ યુનિવર્સિટીમાંથી હમણાં જ એમબીએ થઈને આવેલા અને પિતાના ‘બિઝનેસ’માં લાગેલ યુવાન પુત્ર મૌલિક માટે ગમી ગઈ. તેની પારખું નજરે જોયું કે આ છોકરી પાસા પાડ્યાં વગરનો હીરો છે. રસ્તો ખાલી થતાં ડ્રાઈવરે ગાડી આગળ લીધી. સાંજે કામ પતાવી પાછા ફરતાં પણ, તે ઘર આગળથી નીકળ્યા ત્યારે પણ તે છોકરી કંઈક ભરત ભરી રહી હતી અને લોકગીત ગાઈ રહી હતી.
ઘરે આવીને તેમણે બધી વાત તેમના પુત્ર અને પતિને કરી. આપણા મૌલિક માટે મને તે છોકરી ગમી ગઈ છે. તે છોકરી આપણો બિઝનેસ અને ઘર બંને સંભાળી લેશે.
બીજે દિવસે માલવિકા મેડમ તે છોકરી માટે પોતાના પુત્રનું માંગુ લઈને ગયા. તેનું નામ પાંચી હતું. તે ગરીબ ખેતમજુરની દીકરી હતી અને ચાર ધોરણ જ ભણેલી હતી. પાંચીના મા-બાપને થયું આટલા મોટા શેઠના એકનાએક દીકરાને તો છોકરીવાળા માથે પડે. અમ ગરીબની ચાર ચોપડી ભણેલી પાંચી માટે સામું માગું લઈને આવ્યા છે. દીકરીના મા-બાપ તરીકે ચિંતા થઈ.. કંઈ આડું અવળું તો નહીં હોયને? માલવિકા મેડમે ધરપત આપી કે તમે અમારા વિશે તપાસ કરી લો પછી જવાબ આપજો.
પાંચીના પિતાને કંઇ બનાવટ જેવું ન લાગ્યું. તેમણે આ સંબંધ માટે હા પાડી પણ શરત રાખી લગન તો મારા આંગણે મારી ત્રેવડ પ્રમાણે થશે. જાનમાં વીસ માણસો લઈને આવજો.
માલિકા મેડમે હા પાડી. દેશના અતિ ધનાઢ્યના દીકરાના લગ્ન એક ખેત મજુરની દીકરી સાથે તેના જ આંગણામાં સાવ સાદાઈથી થયાં.
માલવિકા મેડમે પાંચીને ક્યારેય કોઈ જાતની રોકટોક ન કરી. ત્રણ વર્ષમાં પાંચી એટલી તૈયાર થઈ ગઈ કે આજે ‘બોર્ડ ઓફ ડિરેક્ટર્સ’ની મિટિંગમાં ‘બિઝનેસ’ની, દેશ-વિદેશની ‘સ્ટ્રેટેજી’ વિશે, ભાવિ આયોજન, નવા પરિવર્તન, સરકારી નીતિનિયમો વિશે.. વિદેશી મહેમાનોની સામે જ્યારે પોતાની વાત વિદેશી ભાષામાં તથા ‘ફરાટેદાર’ અંગ્રેજીમાં કરી ત્યારે બધાએ ઊભા થઈને તાળીઓથી વધાવી. પાંચીમેડમની દૂરંદેશી અને કુનેહના ખૂબ વખાણ કર્યા.
માલવિકા મેડમની પસંદગી માટે શેઠ અને મૌલિકને તો ક્યારેય કંઇ કહેવાપણું ન લાગ્યું. રાત્રે ‘સેવનસ્ટાર હોટલ’ માં ‘ડિનર પાર્ટી’માં ચાંદીના ‘ડિનર સેટ’માં જમ્યા. છુટા પડતી વખતે એક વિદેશી મહેમાને પાંચીના માતા-પિતાને મળવાની ઇચ્છા દર્શાવી. પાંચીએ કહ્યું: “ભલે, કાલે ચાર વાગ્યે જઇશું.”
બીજે દિવસે પાંચીએ, તેમની માતાએ આપેલા સાવ સાદાં કપડાં પહેર્યાં, હાથમાં બંગડીઓ પહેરી, કપાળમાં મોટો ચાંદલો કર્યો. ‘બી એમ ડબલ્યુ’ ગાડી ‘ડ્રાઇવ’ કરીને પોતાના પિતાના ઘરે વિદેશી મહેમાનને લઈ ગઈ.
એક કાચા ઘર આગળ ગાડી ઉભી રહી. પાંચીના માતા-પિતા વેવાઈને સામા આવ્યા, બે હાથ પકડી રામરામ કર્યા. ખાટલો ઢાળી માથે ગોદડું પાથરી બેસાડ્યાં, ખબર-અંતર પૂછ્યાં. એક ગરીબ ખેતમજૂર પાસે દુનિયાની કઈ વાત હોય?! તે, ઉમળકાથી ખેતરની, પોતાની ગાયની, વાડામાં વાવેલ ચીભડાં વગેરેની વાતો કરી. એક ‘એલ્યુમિનીયમ’ની કિટલીમાં ચા લાવી હાથમાં રકાબી આપી તેમાં ચા રેડી. લીંબુના પાંદડાં અને લીલી ચા ઉકાળીને ચા બનાવેલ. ગાયતો વસુકી ગયેલ હોઈ, દૂધતો ઘરમાં ક્યાંથી હોય?
વાતો કરતાં હતાં ત્યાં ગાય સુરાવા મંડી. ગાય વિંયાણી. પાંચીએ કછોટો વાળ્યો અને ગાયને દોહી. બાજરાની ઘઉંરી ખવડાવી. ઓર ઉકરડે નાંખી આવી. ગમાણ સાફ કરી. ગાયને ધુમાળી કરી પછી પોતે નાહીધોઇને તૈયાર થઈ ગઈ. મહેમાન તો જોતાં જ રહી ગયા. તેને થયું ક્યાં કાલની પાંચી મેડમ અને કયા આજની! તેમને અહીં કશો નવો જ આધ્યાત્મિક અહેસાસ થતો હતો. તેમને પોતાના વૈભવ સુખ વામણા લાગવા મંડ્યા.
પાંચીના પિતાએ કહ્યું, “વાળુંનો ટેમ થઈ ગયો છે તો વાળું કરીને જજો.” કોઈ કાંઈ બોલે તે પહેલાં જ મહેમાને કહ્યું, “હા… હા.. જમીને જઈશું.” જમવામાં બાજરીના રોટલા, તુરિયાનું શાક અને ડુંગળી જ હતાં.
જમીન ઉપર બેસીને પતરાવળીમાં જમ્યાં. મહેમાને જમવાનો આવો અમૃતનો સ્વાદ તેની જિંદગીમાં ક્યારેય નો’તો ચાખ્યો. જવા સમયે પાંચીના પિતાએ મહેમાન અને વેવાઈને ‘ધડકી’ ભેટ આપી. પાંચીને ફાળિયાના છેડેથી 10ની નોટ કાઢીને આપી.
વિદેશી મહેમાને પાંચીના નાના ભાઈને બે હજારની પાંચ ‘નોટ’ કાઢીને મોકલાણી આપવા ગયા તો પાંચીના પિતા કહે: “દીકરીના ઘરનું ન લેવાય, અમારામાં અગરજ હોય.” ત્યારે વિદેશી મહેમાનને થયું.. સાચા શ્રીમંત તો આ લોકો છે. જ્યારે મારા વેવાઈને ૫૦૦ કરોડની સહાય કરી, બેન્કમાંથી ૩૦૦ કરોડની ‘લોન’ મારી શાખે અપાવી દીધી તોય વેવાઈને વાકું પડ્યું. જ્યારે અહીં દીકરીના ઘરનું અગરજ હોય.
એક વિદેશી મહેમાન જે અરબપતિ હતો તે, જતી વખતે, એક સાવ ગરીબ ખેતમજુર એવા પાંચીના પિતાને ભેટીને રડી પડ્યાં અને બોલ્યા: “સાચા સુખી તો તમે જ છો.”
Like this:
Like Loading...
Related
જૂની કહેવત —- પહેલું સુખ તે જાતે નર્યા
આ સત્ય કથા વાંચી ને આ કહેવત બનાવી — સાચું સુખ તે હય્યા ભર્યા
જોરદાર ,વારંવાર વાંચવાનું મન થાય છે અને વાંચું છુ .
ખૂબ સુંદર વાતની સ રસ રજુઆત—
‘એક વિદેશી મહેમાન જે અરબપતિ હતો તે, જતી વખતે, એક સાવ ગરીબ ખેતમજુર એવા પાંચીના પિતાને ભેટીને રડી પડ્યાં અને બોલ્યા: “સાચા સુખી તો તમે જ છો.”—–
સુખ, ખરો ભ્રામક શબ્દ છે! લોકો સામાન્ય રીતે તેને ધન-ધાન્ય, વસ્તુ, મિલકત, સગવડ, વ્યવસ્થા વગેરે સાથે જોડી દે છે. શું ખરું સુખ આ બધામાં રહેલું છે? ના, સુખ એ મનુષ્ય માટે, મનુષ્ય થકી અને મનુષ્ય વડે સર્જવામાં આવતી અનુભૂતિ છે. પરિગ્રહ ક્યારેય સુખનો પર્યાય ન બની શકે. ઘણું બધું સમેટી લેવાની પ્રકિયા જે સુખ નથી આપી શકતી એ જ સુખ સઘળું ન્યોછાવર કરવાથી મળતું હોય છે. આપણે કોના માટે, શું અને કેટલું આ ત્રણ સીમાઓમાં બંધાયા વિના જ નિસ્વાર્થ ભાવ સાથે જે કંઈ પણ કરીએ એ સુખ તરફ દોરી જાય છે અને બાકી તો આપણા માટે સદ્ભાવ ધરાવતું દરેક હૃદય તેની હાજરી માત્રથી આપણને જે અનુભવ કરાવે છે તે જ છે સાચું સુખ!
“સોના ચાંદીના ઘરેણા થી મેં ભર્યું આખુંય કબાટ છે,
પણ, પ્રસંગે આવીને ઉભા રહે એવા, મારા સંબંધીઓ માટે હું તરસું છું.
ભરેલુ આખુંય ભોંયતળિયું મોંઘીદાટ ગાડીઓથી છે,
પણ, એ ગાડીમાં સાથે બેસી પ્રેમ ભર્યા પળ વિતાવે, એવા મારા પ્રેમ માટે હું તરસું છું.
બનાવ્યું આલીશાન ઘર મેં જે સર્વ સુવિધાથી સજ્જ છે,
પણ, એ જ ઘરમાં મારી સાથે બેસીને કોઈ બે ઘડી વાત કરે, એવા મારા પરિજન માટે હું તરસું છું.
અર્પણ કરી દીધી આખીય ઝીંદગી મેં રૂપિયા ભેગા કરવામાં,
પણ, અંત સમય આવ્યો ત્યારે વ્હાલથી કોઈ માથે હાથ ફેરવે, એવા કોઈ માણસ માટે હું તરસું છું.”
અરે, મારા મિત્રો,
જીવનનું સાચું સુખ તો આપણી સાથે રહેતા આપણા જ સગા-સંબંધીઓની સાથે રહેવામાં છે.
જીવનનું સાચું સુખ તો આકરા સમય મા આપણી પડખે ઉભા રહેતા આપણા મિત્ર અને એની મિત્રતામાં છે.
જીવનનું સાચું સુખ તો આપણા ઘરમાં રહેતા વડીલોનાં મુખમાંથી વહેનારા આશિષનાં ઝરણાંમાં છે.
very best touchy story of real happiness and how Malvika Bahen seached that raw diamond. further comments of Sachi Sukh by Pragnya bahen is par excellent.
ખૂબ સુંદર , સાચું સુખ અપરિગ્રમાં જ છે.