હૈદ્રાબાદમાં આ ઘર આવેલું છે, એટલે તેલુગુમાં પેટા શિર્ષક! ( અંદરી ઇલ્લુ) . સહિયારું એટલે માત્ર એક બે કે ચાર કુટુંબોનું જ નહીં – આખો દિવસ ખુલ્લું રહે, એમાં કોઈ પણ વ્યક્તિ પરવાનગી વિના પ્રવેશી શકે, જાતે રસોઈ બનાવી જમી શકે, પુસ્તકો વાંચી શકે, એવું ઘર.
એક રૂપિયો પણ આપ્યા વિના!
કેમ નવાઈ લાગી ને? પણ આ સત્ય હકીકત છે. અને એક બે નહીં – છેલ્લા ૧૪ વર્ષથી!
એના સ્થાપક છે – ડો. સૂર્ય પ્રકાશ અને ડો. કામેશ્વરી વિન્જામુરી ૪૮ વર્ષના ડો. સત્યપ્રકાશ ઓસ્માનિયા યુનિ.માંથી ડોક્ટર થયા હતા અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સમાંથી(TISS) અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી હતી. તેમણે હૈદ્રાબાદના કોઠાપેટ વિસ્તારમાં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇંડિયા કોલોનીમાં આવેલા પોતાના મકાનના ભોંયતળિયામાં આ ઘર ૨૦૦૬ની સાલની ૧૫ જૂને શરૂ કર્યું હતું. ગરીબીની રેખાની નીચે જીવતા લોકોની ભુખના દુઃખથી વ્યથિત સૂર્યપ્રકાશે એના ઉકેલ માટે ઘણા અવનવા નૂસખા અજમાવી જોયા હતા. એમાં કેળા વેચવાની અને વહેંચવાની લારી પણ એક નૂસખો હતો! જેની પાસે ખરીદવા રકમ ના હોય, તે ત્યાં જ કેળાં ખાઈ ‘રામ રામ’ કહી વિદાય થઈ શકે!
પણ છેવટે એમને લાગ્યું કે, આનો કોઈ કાયમી ઈલાજ હોવો જોઈએ. આથી પોતાના દવાખાનાને ઉપરના માળે ખસેડી તેમણે નીચે ‘અંદરી ઇલ્લુ’ – સહિયારું ઘર શરૂ કર્યું . અલબત્ત એમની પત્નીનો આમાં પૂર્ણ સહકાર હતો જ.
આ સહિયારું ઘર સવારે પાંચ વાગે ખૂલે છે અને રાતે ૧ વાગે બંધ થાય છે. કોઈ પણ વ્યક્તિ એ સમય દરમિયાન અંદર પ્રવેશી, પોતાની રસોઈ બનાવી જમી શકે છે. એ માટે જરૂરી ગેસ સ્ટવ, રાંધવાના અને જમવાનાં વાસણો અને અનાજ / શાક / મસાલા વિ. સામગ્રી હાજર હોય છે. જમી કરી વાસણ સાફ કરી વ્યક્તિ વિદાય થઈ જાય છે. થોડોક સમય બેસી ત્યાં રાખેલ પુસ્તકો અને સામાયિકો વાંચી પણ શકે છે. જો કોઈને નહાવા માટે વ્યવસ્થા ન હોય તો અહીં નાહી ધોઈ તૈયાર પણ થઈ શકે છે.
જો કોઈને ઉતાવળ હોય અને વાસણ સાફ ન કરી શકે તો તે માટે અને અન્ય વ્યવસ્થા માટે આછો પાતળો સ્ટાફ પણ ત્યાં હાજર હોય છે. કોઈની પાસેથી કશી મદદની અપેક્ષા ડોક્ટર દંપતી રાખતાં નથી. પણ કોઈને મન થાય અને અનાજ કે બીજી રસોઈ સામગ્રી આપી જાય, તો તે સ્વીકારવામાં આવે છે.
અહીં મેસનો ખર્ચ ન પોસાતો હોય એવા વિદ્યાર્થીઓ કે હોટલનો ખર્ચ પોસાતો ન હોય તેવા કર્મચારીઓ આવતા હોય છે. અરે! જેમને રાંધતાં ના આવડતું હોય તેવી વ્યક્તિઓ પણ મિત્ર સાથે આવી જાય છે અને બધા સાથે રસોઈ બનાવીને ભુખ સંતોષે છે. પછી તો એ પણ રસોઈ બનાવતાં શીખી જાય છે, અને આત્મનિર્ભર બની જાય છે.
અને આ બધું કોઈ જાતની જાહેરાત કે ફંડ ફાળાની જાહેરાત વિના જ – ગાંઠના ખર્ચે ગોપી ચંદન જ !
રસ્તે પુસ્તકોની દુકાન ચલાવતી એક મહિલાને કામ પતે પછી પુસ્તકો મૂકવા જગ્યા ન હતી. તે કામ પતાવી સાંજે પુસ્તકો મૂકી જાય છે , અને સવારે લઈ જાય છે. જેટલો સમય પુસ્તકો અંદરી ઇલ્લુમાં રહે તેટલો સમય અને વધારાના સ્ટોકનાં પુસ્તકો મુલાકાતીઓને વાંચવા મળે છે.
રોજ ૪૦ થી ૫૦ વ્યક્તિઓ આ સવલતનો લાભ લે છે . રવિવાર કે રજાના દિવસે તો ઘણા વધારે મહેમાનો આવી જાય છે.
ઘરના બીજે માળે એમનું દવાખાનું છે. તેમાં પણ બન્ને દંપતી લોકોને સમતોલ અને નૈસર્ગિક આહાર માટે દોરવણી આપે છે, અને ‘યોગ્ય ખોરાક દવા કરતાં વધારે અસરકર્તા છે.’ એ સંદેશનો વ્યાપ કરતાં રહે છે.
આ ઉપરાંત બન્ને દંપતી અવારનવાર આજુબાજુના ગામડાઓમાં સ્ત્રીઓના સ્વાસ્થ્ય માટે જ્ઞાન પ્રસાર કરવા માટે શિબિરો યોજે છે. કોઈ જાતની માનવતા વિના અને માત્ર તગડી આવક ઊભી કરવા માટે જ ડોક્ટરો જરૂર વિના ગર્ભાશય કાઢી નાંખવા સ્ત્રીઓને મજબૂર કરતા હોય છે – એની સામે બન્નેને સખત ચીડ છે, યોગ્ય આહાર અને સ્વચ્છતાના પાઠ શીખવી ઘણી સ્ત્રીઓને એમણે આ દૂષણમાંથી બચાવી લીધી છે.
દરેકે દરેક બાબત માટે સરકારની પાસે અપેક્ષા રાખતા અને માત્ર ટીકાઓ અને ચર્ચાઓ કરીને જ અટકી જતા સમાજને માટે આ ડોક્ટર દંપતી દિવાદાંડી સમાન છે.
સહિયારું વાતે યાદ આવે કહેવત સહિયારી સાસુ, ને ઉકરડે મોંકાણ
ત્યારે બીજી તરફ- સુ.શ્રી મધુમતીની રચના
આ મંગળફેરા ફરવાનું છે તારુંમારું સહિયારું,
આ એકબીજાને જડવાનું છે તારુંમારું સહિયારું .
આ ગઢની રાંગે ઝૂલવાનું છે તારુંમારું સહિયારું ,
ને ધજા બની ફરફરવાનું છે તારુંમારું સહિયારું.
છો બીજ બનીને ફેંકાણાં’તાં નોખે નોખા ક્યાંય ના ક્યાં ,
પણ વૃક્ષ બનીને ફળવાનું છે તારુંમારું સહિયારું .
આ અંધારાના કિસ્સા પાછળ સૂરજ હો કે હું કે તું ,
પણ દીવો થઈને ઠરવાનું છે તારુંમારું સહિયારું.
આ છીપ શંખ હોડી મોજાં હલ્લેસાં દરિયા વડવાનલ
કે છોળ બનીને ઊડવાનું છે તારુંમારું સહિયારું.
આ પોતપોતાના લખચોરાસી ચક્કરનો છે ચકરાવો,
પણ અધવચાળે મળવાનું છે તારુંમારું સહિયારું.
ત્યારે સહિયારું ઘરની વાત સાથે-‘ દરેકે દરેક બાબત માટે સરકારની પાસે અપેક્ષા રાખતા અને માત્ર ટીકાઓ અને ચર્ચાઓ કરીને જ અટકી જતા સમાજને માટે દંપતી દિવાદાંડી સમાન આ ડોક્ટરની પ્રેરણાદાયી વાતો માણી આનંદ

સરસ વાત. પણ અંગત સહિયારાપણાથી આ દંપતીનું ક્ષિતિજ ઘણું વિશાળ બની ગયું છે.