ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
‘વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં
આશા ગોન્ડ – મધ્ય પ્રદેશના પન્ના જિલ્લાના નાનકડા ઝંવર ગામની આદિવાસી કન્યા; માંડ બે ટંકનું પેટિયુ રળતા, ગરીબીની રેખાની નીચે આયખું ગુજારતા કુટુમ્બની કન્યા. પણ ક્યાંથી ક્યાં પહોંચી ગઈ? છેક ચીનના નાનજિંગમાં – વાયા દિલ્હી અને ઇન્ગ્લેન્ડના ઓક્સફર્ડ શાયરનું વોન્ટેજ ગામ!
લો. એની વાત માંડીને –
ઝંવર ગામના ધર્મજ અને કમલા ગોન્ડની એ પુત્ર. માંડ ૧૨૦૦ માણસની વસ્તીવાળું એ ગામ. આવા પછાત વિસ્તારમાં એનું જીવન ચીલાચાલુ રીતે વીતી રહ્યું હતું. પણ ૨૦૧૫ની સાલમાં ઉલરિક રાઈનહાર્ડના દિમાગમાં એના ગામમાં સ્કેટ પાર્ક બનાવવાનો ધખારાએ જન્મ લીધો, અને આશા અને એના જેવાં ઘણાં બાળકોની જિંદગીમાં એક નવી શક્યતાની ઉષા પ્રગટી.
ઉલરિક ૧૯૬૦માં જર્મનીના હીડલબર્ગમાં જન્મી હતી. ટેલીવિઝન અને મિડિયાના વ્યવસાયમાં પાંગરેલી એની કારકિર્દીમાંથી કોઈક અનોખી પળે એને વિશ્વસમાજના છેવાડાના માનવીઓમાં રસ પેદા થયો. એના પ્રતાપે ૨૦૧૨ ની સાલમાં તે ભારત આવી. ઉલરિકને શરૂઆતમાં તો ભારતના કોઈક પછાત વિસ્તારમાં એક નવી રસમની બુનિયાદી શાળા સ્થાપવી હતી. પણ ભારતના શિક્ષણ ક્ષેત્રની આગવી પરંપરાઓ અને મર્યાદાઓએ એના મગજમાં કાંઈક અવનવું કરવા વિચાર આવ્યો. આ જ ગાળામાં સ્કેટિંગ દ્વારા બાળકો અને યુવાનોમાં જાગૃતિ આણવાનો પ્રયાસ કરતી ‘સ્કેલિસ્ટન’ નામની સંસ્થાનો તેને પરિચય થયો. આમ તો ભારતના શહેરોમાં પણ આ રમત ખાસ પાંગરેલી નથી. પણ સાવ નાના અને છેવાડાના કોઈક ગામમાં આવી સવલત ઊભી કરવાનો નવતર પ્રયોગ કરવાનું ઉલરિકને સૂઝ્યું.
આ ધખારાના પરિણામે ઉલરિકે ઝંવર ગામમાં અદ્યતન સ્કેટ પાર્ક બનાવવાનું નક્કી કર્યું. સ્કેલિસ્ટન અને થોડાક સ્થાનિક નેતાઓના સહકારથી તેનો આ વિચાર અમલમાં મૂકી શકાયો. વિશ્વભરમાંથી આવેલી બાર ઉત્સાહી વ્યક્તિઓ અને સ્થાનિક પ્રજાના પરિશ્રમ અને સહકારથી એ સ્કેટ પાર્ક સ્થપાયો. બાળકોના અભ્યાસને વાંધો ન આવે તેમ અને કોઈ પણ જાતના જાતિભેદ વિના, આની તાલીમ આપવાનું શરૂ થયું. ખાસ કરીને છોકરીઓ આમાં જોડાય તેનો આગ્રહ રાખવામાં આવ્યો હતો. બીજી નોંધવા જેવી વાત તો એ છે કે, ઉલરિકને પોતાને તો આ રમતની ખાસ આવડત ન હતી પણ આ તાલીમ માટે તેણે યુ -ટ્યુબના વિડિયોનો ભરપેટ ઉપયોગ કર્યો છે!
ઝંવરગામનાં આદિવાસી બાળકો કદી એમનાથી ઉચ્ચ વર્ણનાં બાળકો સાથે ભળી શકતાં ન હતાં. વર્ણાશ્રમ વ્યવસ્થા પર આધારિત મધ્ય પ્રદેશના પન્ના જિલ્લામાં ગોન્ડ આદિવાસી પ્રજા સમાજના સાવ તળિયે છે. એમનાથી સહેજ ઊંચેની યાદવ જાતિ પણ એમને હલકા ગણે છે. શરૂઆતમાં તો ઉલરિકને ગામના ઉચ્ચ વર્ણના લોકોના ઉપહાસ અને અસહકારનો ઘણો સામનો કરવો પડ્યો. પણ છેવટે એ પાર્ક ધમધમતો બની ગયો અને નાતજાતના વાડાઓ તહસ નહસ થઈ ગયા.
આશાની જ વાત કરીએ તો તેની માતાને ધમકીઓ મળતી અને ‘આ પરદેશી લોકો તેની દીકરીને ઊઠાવી જશે.’- તેવી ચેતવણીઓ પણ મળ્યા કરતી. પણ દિકરીમાં પ્રગટેલો ઉત્સાહ જોઈ તેણે આશાની પ્રગતિમાં સહકાર આપવા માંડ્યો. પડી જઈને માથું ભાંગવાની દહેશત ધીમે ધીમે ઓસરતી ગઈ અને આશા અવનવી તરકીબો શીખવા લાગી. બધા બાળકોમાં તેની આવડત સૌથી વધારે વિકસવા લાગી. આના પ્રતાપે તે સ્કેટબોર્ડિંગની સ્પર્ધાઓમાં ભાગ લેવા લાગી.
દેશના સીમાડાઓ ઓળંગી શકે તેટલો આત્મવિશ્વાસ તેનાં પ્રગટે, તે માટે આશાને તાલીમ આપવા ઉલરિકે તેને ઇન્ગ્લેન્ડના ઓક્સફર્ડ શાયરના વોન્ટેજ ગામના બટલર સેન્ટરમાં (વિશ્વવિખ્યાત ઓક્સફર્ડ યુનિ.થી ૨૪ કિ. મિ. દૂર) ટૂં કા ગાળા માટે જવાની વ્યવસ્થા પણ કરી આપી.
૨૦૧૮ ની સાલમાં તો આશા ચીનના નાનજિંગમાં વિશ્વસ્પ્રર્ધામાં ભાગ લેવા પહોંચી ગઈ!
બીજા ઉત્સાહીઓના સહકારથી હવે તો આશાએ ‘Barefoot Skateboarders’ નામની સંસ્થા સ્થાપી છે, અને ઝંવર ગામના બાળકોમાં જાગૃતિ આણી છે.
અને…… આશા ન્યુ યોર્કના ટાઈમ સ્ક્વેરમાં !
આવા જ કથા વસ્તુ વાળી આ હિન્દી ફિલ્મ ‘સ્કેટર ગર્લ‘ જોઈ ત્યારે આશાની વાત જાણવા મળી હતી. આશા ગોન્ડની વાત સૌ શહેરીજનોએ સમજવા જેવી છે. ભારત દેશની મહત્તમ વસ્તીના જીવનનો એમાં વાસ્તવિક ચિતાર છે. પણ સાથે સાથે એમાં ધરબાઈને રહેલી અદભૂત શક્યતાઓ અને ઊજળા ભાવિ માટેની અભિપ્સાઓ પણ એટલી જ પ્રસ્તુત છે.
——–
આ લખનારે જ્યારે આ વાત જાણી ત્યારે યુગાન્ડાના કમ્પાલા શહેરની કોટવે નામની ઝૂંપડપટ્ટીમાંથી આમ જ ચેસની રમતના સહારે ન્યુયોર્કના મેનહટન માં પહોંચી ગયેલી ફિયોના મુતેસી યાદ આવી ગઈ. વેબ ગુર્જરી પર એ સત્યકથા ધારાવાહિક રૂપે પ્રકાશિત થઈ હતી. અકસ્માતે એ હવે અહીં નથી . પણ એની અદભૂત અને પ્રેરક જીવન કહાણી આ ઈ-બુકમાં જરૂર વાંચજો –
સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Asha_Gond
https://en.wikipedia.org/wiki/Skater_Girl
વાચકોના પ્રતિભાવ