અધઃ પતન અને પુનરુત્થાનની ગાથા
પ્રારંભ
પર્વતના ઉત્તુંગ શિખર ઉપર તે પોતાના ગર્વમાં મુસ્તાક મલકી રહી હતી. ભૂમિ પરનાં બધાં તત્વો દૂર તળેટીમાં સાવ વામણા લાગતાં હતાં. સૌથી નજીકના લીલાં શંકુદ્રુમ વ્રુક્ષો પણ નાના છોડવા જેવા ઘણે દૂર , નીચે મગતરાં જેવાં લાગતાં હતાં. એ કાળમીંઢ ચટ્ટાન આખા જગતના છત્રપતિ જેવો ભાવ ધારણ કરી પોતાની એકલતાના સામ્રાજ્યમાં રમમાણ હતી. તેને કશાનો ડર ન હતો. કોઈ તેની પાસે ઢુંકી શકે તેમ ન હતું. એક મહાન ઈશ્વર જેવા તેના હોવાપણાના ગર્વમાં તે શીલા મહાલી રહી હતી. કોની મગદુર છે તેના એક કણને પણ ચળાવી શકે? ઓતરાદા પવન હોય કે દખણાદા; હમ્મેશ ધવલ બરફના વાઘા તે હમ્મેશ ધારણ કરી રાખતી. કોઈ ઉષ્માની, સુર્યના કોઈ કિરણની મગદૂર ન હતી, તેના આ વાઘાને લવલેશ ઊતારી શકે. ધવલગિરિનું આ સૌથી ઉંચું શિખર સંસારનું સર્વોચ્ચ બિન્દુ હતું તેવો તેને દર્પ હતો.
એક કાજળકાળી, ઘનઘોર રાતે નભોમંડળમાં કાળાંડિબાંગ વાદળો આ શિખરથી ઘણે ઊંચે ઘેરાયેલાં હતાં. શીલા તેની એકલતામાં એક નાનો શો ભય દિલમાં ધારણ કરીને બેઠી હતી. કાંઈક છુપો અણસાર તેના દર્પને પડકારી રહ્યો હતો. આ પોચાં ગાભાં જેવાં વાદળ તેનાથી ઘણે ઉપર જાણે તેની હાંસી ઉડાવી રહ્યાં હોય તેવો તેને આભાસ થતો હતો. તે ઘણે ઉંચે હતાં અને તેનાથી ઘણાં મોટાં હતાં. પણ વાયરો તેમને હમણાં તાણી જશે તેની તેને ખાતરી હતી. હમ્મેશ આમ જ બનતું આવ્યું હતું. વાદળો વિખેરાઈ જતાં, અને શીલા પોતાની મગરુરીમાં પાછી મહાલવા માંડતી. પણ આજની રાત વિલક્ષણ હતી. કાંઈક અણધાર્યું બનવાનું છે તેવા ભયનો ઓથાર તેના ચિત્તને કોરી રહ્યો હતો.
અધઃ પતન
અને એ વાદળાં ટકરાયાં. વિદ્યુતનો એક કડાકો થયો. પહેલાં પણ આમ ઘણી વાર બનતું હતું અને શીલા થરથરી ઉઠતી. એ વિજળીની ક્રોધભરી નજર અચુક પેલાં વામણાં વ્રુક્ષો ઉપર પડતી અને તે સળગી ઉઠતાં. બસ એવા સમયે શીલાને તેમના માટે ઘડી બે ઘડી કરુણા ઉપજતી. પણ આજે આ વિજળીબાઈના મગજમાં શું થયું કે, તેણે પોતાનો ગુસ્સો ઠાલવવા આ શીલાને લક્ષ્ય બનાવી. આજે એ કડાકો શીલાના મસ્તક ઉપર તાટક્યો. પણ એ કાંઈ થોડી જ પેલાં નિર્માલ્ય વ્રુક્ષો જેવી હતી? એક ક્ષણ એ થથરી અને પછી બધું હતું તેમનું તેમ.
બધાં તોફાન શાંત થઈ ગયાં. બીજા દિવસના સવારના ઉજાસમાં શીલાએ પોતાના દેહ પર નજર કરી. એક નાનીશી તરડ તેના ઉત્તુંગ શિખરની એક કિનારી ઉપર સર્જાઈ હતી. ક્ષણ બે ક્ષણ માટે પોતાની અજેયતા ઉપર શીલાને શંકા પેદા થઈ. પણ તેણે તે વિચાર ખંખેરી નાંખ્યો. પણ ગઈ રાતના તોફાની વરસાદે એ તરડમાં થોડું પાણી જમા કરી દીધું હતું.
‘ ઠીક , હશે! આ ક્ષુદ્ર જીવડાં જેવું પાણી મારું શું બગાડી દેવાનું હતું?’ – શીલાએ વિચાર્યું.
હવે દિવસમાં પાછું ઠંડીનું મોજું આવ્યું અને બરફ વર્ષા શરુ થઈ ગઈ. પાણીનાં એ થોડાં ટીપાં પણ બરફ બની ગયાં. શીલાને અકળામણ થઈ. આ ક્ષુદ્ર જંતુઓ તેને દબાવી રહ્યાં હતાં. છટ્. આવાની તો એસી તેસી. પણ તેણે જોયું કે પેલી તરડ તો થોડી લાંબી બની હતી. બીજો વરસાદ અને થોડું વધારે પાણી ‘માન ન માન પણ હું તારો મહેમાન ‘ કરીને આ તરડમાં ઘૂસી ગયું. ફરી બરફ અને ફરી એ અકળામણ.
તરડ તો મોટી ને મોટી થતી જતી હતી. અજેય, અવિચળ એ શીલાના દર્પભંગનો પ્રારંભ થઈ ચૂક્યો હતો.
ફરી વાદળ ઘેરાયાં અને ફરી વિજળી તાટકી. આ વખતે તેની ટોચના બીજા પડખે બીજી તરાડ ઊભરી આવી. કાળક્રમે તે પણ વધતી ચાલી. ચાર પાંચ વરસ વીતી ગયાં અને ઉત્તુંગ શીલાને પહેલી વાર ઘડપણ આવ્યું હોય તેમ લાગવા માંડ્યું. તેના દેહ પર પાંચ છ તરાડો હવે ઘર કરી બેઠી હતી અને દિન પ્રતિદિન તે વધતી જતી હતી. તેના દર્પને સ્થાને હવે એક અજ્ઞાત ભય ઘર ઘાલી બેઠો હતો. કશુંક અમંગળ બનવાનું છે તેવી ધાસ્તિ તેને લાગી રહી હતી.
અને એવા જ એક અમંગળ દિવસે ધવલગિરિ ધણહણી ઉઠ્યો. આખી ધરતી કંપી રહી હતી. એ કંપનો એક ઉલાળો અને શીલા તહસ નહસ થઈને ધવલગિરિથી છૂટી પડી ગઈ. પર્વતના ઢોળાવ પર તે ગબડવા લાગી. કોઈ તેને બચાવી શકે તેમ ન હતું. પર્વતની કોર આગળ આવીને તે ઉભી.પેલાં ક્ષુદ્ર વ્રુક્ષોએ તેને ટેકો આપ્યો. તેની અધઃપતનની ગતિ રોકાણી. તે વ્રુક્ષોને ચગદી શીલા અટકી ગઈ હતી.
તેની ભયમાં બંધ થયેલી આંખો ખુલી. અને એક પ્રચંડ ભય તેના સમગ્ર હોવાપણાને થરથરાવી ગયો. જેનું ઊંડાણ કળી ન શકાય તેવી ભયાનક ખીણની ઉપર, પર્વતની એક કોર ઉપર તેનો નવો મુકામ હવે થયો હતો. જે તળેટીઓની તે હાંસી ઉડાવતી આવી હતી, તે તળેટીઓ તેને નીચે આવવા આમંત્રણ આપી રહી હતી.
પોતાના વિતેલી ઉત્તુંગતાના મહાન દિવસો યાદ કરી, શીલા પોશ પોશ આંસુડાં સારી રહી હતી.
કંઈ કેટલાય વર્ષ વીતી ગયા – આમ પર્વતની કોરે લટકતા રહીને. શીલાને આધાર આપી પોતાના પ્રાણની આહૂતિ આપનાર વ્રુક્ષો તો ક્યારનાય નામશેશ થઈ ગયા હતા. પર્વતની જે કોરને શિખર પર બિરાજેલી શીલા તુચ્છકારથી મગતરા જેવી ગણતી હતી; તે જ કોર આજે તેના અસ્તિત્વનો આધાર બની રહી હતી. પણ તેની નીચેની ધરતી દર સાલ વરસાદને કારણે ધોવાતી રહી. જે આધાર પર શીલા ટેકવાઈને બેઠી હતી, તે આધાર પણ હવે નિર્બળ થવા માંડ્યો. કોક દુર્ભાગી પળે એ ધરતીના કણ સરકવા માંડ્યા. મોટું પોલાણ થઈ ગયું. શીલાના વજનને ટેકો આપી રહેલી માટી જ ન રહી. રહીસહી માટી સાગમટે ધસી પડી. શીલાએ પોતાનું સમતુલન ગુમાવ્યું. એક પ્રચંડ ધડાકા સાથે શીલા હજારો ફુટ ઊંડી ખીણમાં ફંગોળાઈ ગઈ. હર ક્ષણે તેના પતનનો, વિનિપાતનો વેગ વધવા માંડ્યો. છેવટે જ્યારે તે ખીણના દુર્ગમ પાતાળ સાથે અફળાઈ, ત્યારે તેના સહસ્ત્ર ટુકડા થઈ ગયા. એક ટુકડો આમ પડ્યો તો બીજો તેમ.
તેનું શિખર પરના ભુતકાળનું ગૌરવ નામશેષ થઈ ગયું.
એ સલ્તનત સંકેલાઈ ગઈ.
એ દર્પ સમયના વહેણમાં ક્યાંય ઓગળી ગયો.
એ ઉન્મત્તતાનો કોઈ અવશેષ ન બચ્યો.
તેનો કોઈ ઈતિહાસ ન લખાયો.
હવે તો તેના વારસ જેવી ભેખડો પરથી પર્વતનાં ઝરણાંથી પુષ્ટ બનેલી જલધારાઓ પ્રચંડ પ્રપાત બનીને અફળાતી રહી. શીલાના ફરજંદ નાના મોટા પથ્થરો આ પ્રપાતમાં ઘસાતા રહ્યા, આમથી તેમ અફળાતા રહ્યા. જે કોઈ નાના ટૂકડાઓ હતા તે, પાણીના પ્રવેગમાં ખેંચાઈ આગળ ધકેલાતા ગયા, હડસેલા ખાઈ ખાઈને તેમની તિવ્ર ધારો ઘસાતી રહી. તેના મૂળ પ્રતાપના બધા અવશેષ નામશેશ થતા રહ્યા. લાખો વરસની આ સતત પ્રક્રિયાએ મોટાભાગના ટુકડાઓનું રુપ જ જાણે બદલી નાંખ્યુ. એ સૌ ધવલગિરિના શિખરે બેઠા હતા તે યાદો પણ ભુલાવા માંડી. પવનના સુસવાટા સિવાય જ્યાં કોઈ અવાજ શીલાને સંભળાતો ન હતો; ત્યાં સતત જલપ્રપાતનો ઘોર રવ દિન રાત તેના શ્રવણને બધીર બનાવતો રહ્યો. ક્રૂર વર્તમાનની થાપટો ખાતાં ખાતાં દુર્દશા જ તેમની દશા બનતી રહી.
‘સગાં દીઠાં મેં શાહઆલમનાં,
ભીખ માંગતાં શેરીએ.. ‘
પુનરૂત્થાન
જ્યારે શીલાના આ સંતાનો નદીના પ્રવાહની સાથે તણાતા મેદાનો સુધી આવી પહોંચ્યા, ત્યારે તે સૌ માંહોમાંહે બાખડીને ચળકતી રેતીના સાવ નાનાં કણ જ બની ગયા હતા. હવે તેનો પ્રતાપ ઓસરી ગયો હતો, જે શીલાની ઉપર એક તરણું પણ ઉગવાની હેસિયત કરી શકતું ન હતું, તેની અંદર ભાતભાતની વનસ્પતિ ઊગવા લાગી. વિવિધ કિટકો તેમાં પોતાનો આવાસ બનાવી રહ્યા. તેમના રેશમ જેવા નાજુક પોતમાં પશુ પંખીઓ કિલ્લોલ કરવા માંડ્યા. બાળકો રેતીના કિલ્લા બનાવી મોજ માણવા લાગ્યા. તેના ઢગલાઓમાં માટી કે ચુનો ભેળવી માણસો પોતાના નિવાસો બનાવવા લાગ્યા. જે શીલા ઉત્તુંગ શિખરે પોતાના એકલવાયા, એક્દંડીયા મહેલમાં મદમાં ચકચૂર બની મહાલતી હતી, તેના વારસોની વચ્ચે માનવજીવન ધબકવા લાગ્યું. સંસ્કૃતિના પાયાની ઈંટો શીલાના આ શત શત વિન્યાસ પર ચણાવા લાગી.
કોઈ સુભગ પળે, નદીના ઉપરવાસમાં રખડતા કોઈ માનવને હાથે હજુ મેદાન સુધી ન પહોંચેલો શીલાનો એક ટુકડો આવી ગયો. તેની હેરતભરી આંખો આ ચળકતા, લિસ્સા પથ્થરને જોઈ રહી. તેણે એ ટુકડાને ઊઠાવ્યો અને વસ્તીમાં પોતાના મિત્રોને બતાવવા લઈ ગયો. અણીશુધ્ધ અંડાકાર અને ચમકતા નખશીષ કાળા આ પથ્થર માટે સૌને અહોભાવ ઉપજ્યો. કદી કોઈએ આટલો મોટો અને અણીશુધ્ધ ગોળાકાર અને ચળકતા રંગનો પથ્થર જોયો ન હતો.
વસ્તીના મુખીયા જેવા વયોવૃધ્ધ વ્યક્તિએ કહ્યું, ‘અરે , આ તો ઊપરવાળાની મહેરબાની છે. આ તો સાક્ષાત પ્રભુ સ્વયંભુ પ્રગટ્યા. ચલો આપણે તેમનું સન્માન અને અભિવાદન કરીએ.’
એ ગોળમટોળ પથ્થર દેવ બનીને ગામના મંદિરમાં બિરાજ્યો. મંગળ ગીત ગવાણાં અને આબાલ વૃધ્ધ સૌ અહોભાવથી ઈશ્વરના આ અવતારને નમી રહ્યા.
શીલાનો આ નવો અવતાર મનોમન વિચારી રહ્યો,
કયું ગૌરવ સત્ય?
પર્વતની ટોચ પરનું,
રેતીમાંનું
કે
આ સિંહાસને બિરાજેલા
કહેવાતા દેવનું? ‘
અને ઊપરવાળો શીલાની, આ ગોળ પથ્થરની, રેતીના કણોની અને માણસોની આ બાલિશતા પર મંદ મંદ સ્મિત કરી રહ્યો.
Like this:
Like Loading...
Related
સજીવારોપણ અલંકાર પૂરબહારમાં ખીલી ઊઠ્યો. ગજબનું વર્ણન જાણે કે કાલિદાસના આત્માએ શબ્દબળ પૂરું પાડ્યું! આગળ ભાગ-૨ કે તેથી આગળ કંઈ આવશે કે?
ધન્ય ધન્ય
યાદ આવે
જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો
–
-રાહ ભાગ ૨
ધન્ય ધન્ય
યાદ આવે
જો સૌનાં મોં સિવાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌનાં મોં સિવાય;
જયારે સૌએ બેસે મોં ફેરવી, સૌએ ડરી જાય;
ત્યારે હૈયું ખોલી, અરે તું મન મૂકી,
તારાં મનનું ગાણું એકલો ગાને રે ! – તારી જો …
જો સૌએ પાછાં જાય,
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય;
ત્યારેકાંટા રાને તારે લોહી નીગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે ! – તારી જો …
જયારે દીવો ન ધરે કોઇ,
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ,
જયારે ઘનઘેરી તુફાની રાતે, બાર વાસે તને જોઇ;
ત્યારે આભની વીજે, તું સળગી જઇને
સૌનો દીવો એકલો થાને રે ! – તારી જો
.
.રાહ ભાગ ૨
Pingback: શીલા – ૨ | સૂરસાધના
Pingback: શીલા – ૩ | સૂરસાધના