કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં, ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.
હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં, ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.
સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં, કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.
હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં, કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
‘જે ક્ષણે પોતાને પૂછ્યું હોય’ની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.
– સ્નેહી પરમાર
ડલાસ – ફોર્ટવર્થના ગુજરાતી સમાજના ઉપક્રમે યોજાયેલ ગીત–ગઝલ મુશાયરામાં યુવાન સંગીતકાર શ્રી. આલાપ દેસાઈના કંઠે આ ગઝલ સાંભળી દિલ ઝૂમી ઊઠ્યું. સાવ નવો વિષય પણ સમજતાં સહેજ પણ તકલીફ ન પડે તેવી આ ગઝલનું રસદર્શન સહેજ પણ જરૂરી છે વારુ? સુસંસ્કૃત સમાજની સભામાં હાજર રહેવા કોણ લાયક હોઈ શકે, તેની આ કવિની કલ્પના સૌને જચી જાય તેવી છે.
માણસ કહી શકાય તેવા માણસની વાત!
આ ગઝલ વાંચતાં ‘મરીઝ’ની કલમે એક સામાન્ય માણસની પત્નીનો એના માટેનો આ આદર પણ યાદ આવી ગયો –
સદીઓથી એવું જ બનતું રહ્યું છે, કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા. સખી એને જોવા તું ચાહી રહી છે, જે સપનું રહે છે હંમેશાં અધૂરૂં.
પ્રીતમનો પરિચય તું માગી રહી છે, વિષય તારો સુંદર, કુતૂહલ મધુરૂં. લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે, હૃદય એનું ભોળું, જીવન એનું સાદું.
ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો, ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ. કવિતાના પણ એ નથી ખાસ રસિયા, ન સંગીતમાં કંઇ ગતાગમ છે એને.
પસંદ એ નથી કરતા કિસ્સાકહાણી, કલાથી ન કોઇ સમાગમ છે એને. એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે, છે ચુપકિદી એની સદંતર નિખાલસ.
નથી એની પાસે દલીલોની શકિત, કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ. જુએ કોઇ એને તો હરગિઝ ન માને, કે આ માનવીમાં મહોબ્બત ભરી છે.
કોઇના બુરામાં ન નિંદા કોઇની, નસેનસમાં એની શરાફત ભરી છે. જગતની ધમાલોથી એ પર રહે છે, છે પોતાના રસ્તે જ સૂરજની માફક.
સખી તારા પ્રીતમની છે એ જ ઓળખ, છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક. ભિખારણની પાસે કે રાણીના પડખે,
પરંતુ સખી! આવી દુનિયાની અંદર, ભલા એવા માણસને કોણ ઓળખે છે. સદીઓથી એવું જ બનતું રહ્યું છે, કે પ્રેમાળ માણસ નથી ઓળખાતાં.
– ‘મરીઝ’
નેટ પર ખાંખાંખોળાં કરતાં એ આનંદ પણ થયો કે, આ કવિતાનો સમાવેશ દસમા ધોરણના ગુજરાતી પાઠપુસ્તકમાં કરવામાં આવ્યો છે.
પણ એમ કેમ કે, આવા માણસ જવલ્લે જ જોવા મળે છે? કેમ એ આકાશ કુસુમવત બાબત જ રહી જાય છે? (Utopian world) કદાચ અદના આદમીઓમાં આવા માણસ વધારે મળી જતા હશે. પણ, જેમ જેમ સમૃદ્ધિ અને તાકાત વધે, તેમ તેમ સભાઓ ગજવતા મહાનુભાવો શા કારણે વધારે ને વધારે સ્વલક્ષી બની જતા હોય છે? આ માહોલ કોઈ પણ દેશ, સમાજ કે જાતિમાં હાજરાહજૂર હોય છે. કદાચ એનું પ્રમાણ જેટ ઝડપે વધતું જ જાય છે.
બીજાના પગ ખેંચી આગળ ધપવાની મૂષક દોડ!
ખેર, એ રસમ ભલે એમ રહે. આપણા નાનકડા વિશ્વમાં – આપણા પોતાના ઘરમાં આપણે આ કલ્પના જેવી જીવનરીત અજમાવી જોઈએ તો ?
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
માત્ર પૂછીને અટકી નથી ગયા;
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.
પ્રમાણિક, નિખાલસ સભાપાત્રો વીણવા પડે એમ છે.
માણસ કહી શકાય તેવા માણસની વાત!
…………………………..
પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે.
સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતાં.
વાહ
અદ્ભુત્
એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ? એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.
માત્ર પૂછીને અટકી નથી ગયા;
જે ક્ષણે પોતાને પૂછ્યું હોયની બીજી ક્ષણે, આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.
પ્રમાણિક, નિખાલસ સભાપાત્રો વીણવા પડે એમ છે.
માણસ કહી શકાય તેવા માણસની વાત!
…………………………..
પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે.
સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતાં.
વાહ
અદ્ભુત્