એ સપરમો દિવસ મને બરાબર યાદ છે.
અમારાં બહેન, બાપુજી અને અમે ત્રણ ભાઈઓ રણછોડજીની પોળ, સારંગપુર, અમદાવાદમાં આવેલા અમારા મકાનમાં રહેતાં હતાં. અમારી બાને અમે બહેન કહેતાં હતાં. હું ત્યારે માંડ સાડા ચાર વરસનો હતો. એ દિવસે, અમને ત્રણ ભાઈઓને સાથે લઈને, અમારા બાપુજી અમદાવાદના ભદ્રના કિલ્લા પાસે લઈ ગયા હતા.
મારા બાપુજી મને તેડે એ મને બહુ ગમતું. પણ એ મને હવે ચાલવાનો જ આગ્રહ કરતા હતા. હું ચાલીને બહુ જ થાકી ગયો હતો. આટલા બધા રાક્ષસ જેવા ઊંચા માણસોની વચ્ચે ચાલતાં મને બીક પણ લાગતી હતી. સાંજનું અંધારું થઈ ગયું હતું. પણ રસ્તા પર માણસોની ભીડ પાર વિનાની હતી. કદાચ મારાથી નાની બહેનનો જન્મ હજુ બે ત્રણ અઠવાડિયા બાદ થવાનો હતો. એટલે અમારાં બહેન અમારી સાથે નહોતા આવ્યાં – એમ મારું માનવું છે.
મને એટલું જ યાદ છે કે, હું સખત થાકેલો હોવા છતાં, આજુબાજુ ટોળામાંના બધા માણસો અત્યંત ખુશ હતા – તે મને બહુ જ ગમતું હતું. મોટેથી બરાડી બરાડીને કાંઈક બોલતા હતા. ( કદાચ ‘જયહિંદ’ અથવા ‘ભારતમાતાકી જય’ હશે.) મને એનાથી કોઈક અજાયબ લાગણી થતી હતી. કાંઈક હરખ થાય એવું બની ગયું હતું; કે બનવાનું હતું. ‘ગુલામી શું? આઝાદી શું?’ એવા બધા અઘરા વિચારો મારા નાના ( કે મોટા !) મગજમાં હજુ પ્રવેશી શકે તેમ ન હતું. પણ એ થાક અને હર્ષની મિશ્રિત લાગણી પંચોતેર વરસ પછી આજે પણ તરોતાજા છે.
હવે ભીડને કારણે બાપુજીએ મને તેડી લીધો હતો. એ આનંદના અતિરેકમાં બેય મોટા ભાઈઓનું અનુકરણ કરીને હું પણ તાળીઓ પાડવા માંડ્યો હતો. ચારે બાજુ અપ્રતિમ ઉલ્લાસ છવાયેલો હતો. હરખના સરોવરમાંથી, આનંદના ઓઘ અને ધોધના ઢગલે ઢગલા, ઢળી ઢળીને છલકાઈ રહ્યા હતા.
પાછા ઘેર જતાં અમારા બાપુજી કદી અમને લઈ જતા ન હતા; તે ‘ચન્દ્રવિલાસ’[1]નાં ફાફડા-જલેબી ખવડાવ્યાં હતાં. મારા મોટાભાઈને ડરતાં ડરતાં મેં કાનમાં પૂછ્યું હતું, “સિનેમા કહે છે – તે આ છે?!”. અને બાપુજી આ સાંભળી; ‘હોટલ કોને કહેવાય અને સિનેમા કોને?’ તે વિશે અમારાં અજ્ઞાન અને ભોળપણ જોઈ, પોતાના પુત્રોના સંસ્કાર માટે આનંદિત થયા હતા; એવું આછું આછું યાદ પણ છે.
ઘેર આવ્યા ત્યારે ફાનસના આછા ઉજાસમાં2] હું ક્યારે પોઢી ગયો તે ખબર ન પડી. પણ અમારી બહેનના મોં ઉપર બધી વાતો સાંભળી; જે આનંદ અને ઉલ્લાસ પ્રગટ્યાં હતાં તે હજુય યાદ છે.
ત્યાર બાદ તો સ્વતંત્રતા દિનની અનેક ઉજવણીઓ જોઈ છે. ધ્વજવંદનો કર્યાં છે. શાળામાં ક્વાયત કરીને ધ્વજને છટાભરી સલામી આપી છે. બેન્ડના સૂર સાથે ‘ જન ગણ મન’ ગાયું છે. ટીવી ઉપર લાલ કિલ્લા પરથી થતું ધ્વજવંદન અને પ્રધાનમંત્રીઓનાં પ્રવચનો પણ સાંભળ્યાં, જોયાં છે.
પણ સ્વતંત્રતાના જન્મ વખતની એ સાદગી, એ ઉત્સાહ અને માતૃભૂમિ માટેનું એ વખતના લોકોનું ગૌરવ – એ બધાં ભુલ્યાં ભુલાતાં નથી
[1] એ વખતના રીચી રોડ -હાલના ગાંધી માર્ગ- પરની દેશી ઢબની અતિવિખ્યાત હોટલ
[2] અમદાવાદમાં રહેતાં હોવા છતાં, અમારે ઘેર તે વખતે વીજળી આવી ન હતી!
Like this:
Like Loading...
Related
સ્વતંત્રતાના જન્મ વખતની એ સાદગી, એ ઉત્સાહ અને માતૃભૂમિ માટેનું એ વખતના
લોકોનું ગૌરવ – એ બધાં ભુલ્યાં ભુલાતાં નથી
Nice memories!