સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

સપનાં – એક અવલોકન

  

સપનાંનું અવલોકન કરી શકાય ? અને તે પણ જાગતાં?! પણ એ વાત થોડેક પછીથી કરીશું. સપનાંની તો દુનિયા જ અલગ. એને આપણે આંખોથી નહીં મનથી જોતાં હોઈએ છીએ. જો કે, આવાં અવલોકન પણ મનમાં ઉપજતા વિચાર જ હોય છે ને? 

તો  ચાલો,રાતે આવતાં  સપનાંનું અવલોકન કરીએ !

     સપનાંમાં શું આવશે તેની આપણે કદી કલ્પના કરી શકતા નથી. એનું કોઈ પ્લાનિંગ પણ થઈ શકતું નથી. મનોવિજ્ઞાનની એક શાખા છે, જેમાં સપનાંનું અર્થઘટન કરવામાં આવે છે. પણ એ વિષયમાં તો આ જણના હાથ ઊંચા! પણ અનુભવે એ જણાયું છે કે, આખા દિવસમાં જો તનાવ અનુભવાયો હોય તો, તેનો પડઘો સપનામાં નકારાત્મક બાબતથી પડતો હોય છે. એમ જ સુખદ ઘટના બની હોય તો કદાચ આનંદદાયી સપનાં આવતાં હોય છે. પણ સપનાંની એ કથાનો સર્જક કોણ હશે? આપણે તે જાણી શકતા નથી. જાગૃત અવસ્થામાં એ સર્જનો કદી સર્જી શકાતા નથી.

    ઘણી કાલ્પનિક કથાઓ સપનાંની દુનિયાનો પડઘો હોય છે – પરીકથાઓ, શેખચલ્લીની વાતો, પ્રયોગાત્મક શૈલીમાં લખાતી અસંગત / વાહિયાત વાતો –  absurd stories. જો કે, એમાં લેખક જરૂર કશુંક કહી જતો હોય છે. સામાન્ય માણસને કદીક સમજ ન પડે, તેવી એ વાતો સાહિત્ય જગતમાં ઠીક ઠીક આવકારો પામતી હોય છે. પણ એ ય બધી સપન ભોમકા જ ને?

     હવે જાગૃત અવસ્થામાં આવતાં સપનાંની વાત !   

   ભાગ્યે જ કોઈ એવું જણ હશે, જેને આવાં સપનાં ન આવતાં હોય. કદાચ જીવનના માર્ગની દિશા આવાં સપનાંથી ઘડાતી/ બદલાતી હોય છે. ઓલ્યાં સપનાં ઊંઘમાં આવતાં હોય છે, પણ ઉઘાડી  આંખનાં સપનાં ઊંઘવા દેતાં  નથી! એ હોય છે , તો જીવન રગશિયા ગાડાં જેવું નથી રહેતું. જો કે, ઘણી બધી આપત્તિઓ પણ એના કારણે ખડી થઈ જતી હોય છે. ખાસ કરીને ટોચ પર બેઠલા માંધાતાઓનાં સપનાં વિકાસ અથવા વિનાશનાં સ્રોત હોય છે. યુદ્ધો, યુગપરિવર્તનો, હત્યાકાંડો વિ. એ જ રીતે વિવિધ ક્ષેત્રનાં સર્જકોનાં સપનાંઓએ માનવજાતને હરણ ફાળો ભરતી કરી દીધી છે. 

અને છેલ્લે …

એમ નથી લાગતું કે, જાગૃતિની ઉષાનો આહ્લાદ માણ્યા વિનાનું જીવન પણ સાવ અંધારિયું હોય છે? જાગૃતિની પળોમાં એ સઘળી પ્રવૃત્તિઓ પણ ઓલ્યાં સપનાં જેવી વાહિયાત અને બાલીશ લાગવા નથી માંડતી?

2 responses to “સપનાં – એક અવલોકન

  1. pragnaju ઓક્ટોબર 1, 2022 પર 9:59 એ એમ (am)

    સપનાંઓ.
    પથ્થર જેવા નિર્જીવ અને ભારે સપનાંઓ જે બેગને એટલી વજનદાર બનાવી રહ્યાં હતાં કે બેગ યુવાનના ખભાને ઝુકાવી દે આપણામાં આત્મવિશ્વાસનો અભાવ હોય એમાં આપણો પોતાનો વાંક કેટલો? આપણો પોતાનો વાંક કેટલો? જિંદગીનાં છેલ્લાં દસ-વીસ વર્ષને રિવાઈન્ડ કરીને એની ઝલક આજે પોતાની જાતને બતાવવાનો પ્રોગ્રામ રાખશો તો સમજાઈ જશે.
    નાનાં નાનાં સપનાંઓ સાકાર થશે તો જ મોટાં સપનાંઓ હકીકતમાં પલટાશે.

  2. nabhakashdeep ઓક્ટોબર 1, 2022 પર 11:58 એ એમ (am)

    સપનાં આનંદ અવસરનાં, ડરામણાં ને જંગ બહાદૂરનાં એટલે કે પાપડતોડ પહેલવાન કિંગકોંગને પછાડે – એ સપનાંની ખાણ.

    સપનાં , કયાં સગપણે તમે સંધાયાં?.,,

    સપનામાં ભાઈ સરી પડ્યા ને
    વાગી રે શરણાયું
    ભાવ ભવને કયા રે નાતે
    મીઠડાં તમે રે ભાવ્યાં
    સપનાં , કયાં સગપણે તમે સંધાયાં?

    નિંદર કેડીનાં એ ભેદી પાથરણાં
    ઘટમાળાના ડુંગરીયે રમતાં છાનાં
    ઘોર નિંદરનાં છે ઘમ્મર વલોણાં
    મનોવિહારી માયાએ બંધાણાં.

    દિવાસ્વપ્નોમાં ખોવાઈ જાોબનિયું
    ને સપનાં હાંકે વણઝારુંનાં ધાડાં
    સગપણ શોણલાનાં રે અળવીતરાં
    લૂંટાવે આશાનાં રજવાડાં

    અજંપાને ફોગટમાં ફુલાવી ઝુલાવી
    અધૂરપને ઠેબે જ ખેલે ખેલો
    વાઘ બની બીવડાવી સપને કનડે
    સપનાંને ગમતો ધીંગાણાંનો મેળો

    સેના સપનાંની ઝંખના વાદળીયો
    મૃગજળી લોભાવતા જ ખજાના
    લાગે વસમું , જો નંદવાય મીઠડાં શોણલાં
    ડરાવે અધૂરાં સપનાંનાં અઠખેલાં

    સપનાં ઘડવૈયાં, શોણલાં લડવૈયા
    ભીતરમાં ચક્રવ્યુહે ટકરાયાં
    અચરજના અંબરમાં સગપણે સંધાયાં
    તકદીરના અશ્વ બની ભાવે હરખાયાં
    સોણલાં જીવન વાટે વિખરાયાં(૨)

    રમેશ પટેલ(આકાશદીપ)

તમારા વિચારો જણાવશો?

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: