સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

કરોળિયાનું જાળું – એક અવલોકન

કરોળિયાનું જાળું અને કરોળિયાનો ઉદ્યમ – એ બહુ જાણીતી વાત નથી કરવાની. આ અવલોકન એક જુદી જ ઘટનાના સંદર્ભમાં છે. આખો ને આખો એક સાપ કરોળિયાના આ જાળામાં ફસાઈ ગયો છે!

એ ઘટનાનો વિડિયો પહેલાં જોઈએ –

સોશિયલ મિડિયા પર એ વિડિયો યોગ્ય રીતે જ બહુ વાઈરલ થયો હતો. આ જોતાં બે વિચાર તરત ઉદ્ભવ્યા –

એક એ કે, કરોળિયાની જાળનો એક તંતુ સાવ બારીક હોય છે, અને એની તાકાત પણ સાવ ઓછી જ હોય. આંગળીની એક ઝાપટ જ એને તોડવા પૂરતી હોય છે. પણ જ્યારે ઘણા બધા તાંતણા ભેગા થાય ત્યારે? આ કિસ્સામાં કરોળિયા કરતાં ઘણો મોટો અને  વધારે વજન વાળો સાપ એમાં ફસાઈ ગયો છે. એટલું જ નહીં પણ છૂટવા માટેનાં તેનાં હવાતિયાં પણ એ જાળને તોડવા અસમર્થ બની ગયાં છે. ખુલ્લી હવામાં ફૂંકાતા પવનની પણ એ ટક્કર ઝીલી શકે છે.  જેમ જેમ સાપ છૂટવા માટે તરફડિયાં મારે છે, તેમ તેમ એ વધારે ને વધારે ફસાતો જાય છે.

સાવ મામૂલી એવી કરોળિયાની જાળની તાકાત

આવું જ  અવલોકન જાતે બનાવેલ એક ચીજ વિશે – આ ચિત્ર જુઓ

સાવ નકામી ચીજ છે ને? ટોયલેટ કાગળની વચ્ચેનું, ફેંકી દેવાનું, સાવ મામુલી બોબિન જ ને? હવે તે ચીજોને ઉપરથી જોઈએ.

ડાબી  બાજુ એ એકલી છે. જમણી બાજુએ એવી આઠ ભેગી કરી છે. એની તાકાત પહેલાંની ચીજ કરતાં આઠ ગણી વધારે થઈ ગઈ. જૂની અને જાણીતી લાકડીઓના ભારાની વાત જ ને?

પંચકી લકડીએકકા બોજ.

એકલી એ સાવ ક્ષુદ્ર, તાકાતહીન, ફેંકી દેવાની ચીજ. પણ આઠ ભેગી કરી તો તાકાતવાન બની ગઈ. એનો કશોક ઉપયોગ કરી શકાય. એની પર રૂપાળું આવરણ લગાવી દઈએ તો, સરસ મજાની ફૂલદાની બની જાય.

આપણે એકલા બહુ સીમિત તાકાત ધરાવતા હોઈએ છીએ. પણ ઘણા ભેગા થઈએ તો?

રસ્સા ખેંચની હરીફાઈ જોવા જેવી ખરી!

પણ મોટા ભાગે આપણે આપણી શક્તિ પર જ મુસ્તાક હોઈએ છીએ – એનાં બણગાં ફૂંકવામાં માહેર. સમૂહમાં હોઈએ તો પણ એનું નેતૃત્વ લેવાની હોડ. સ્પર્ધા, કાવાદાવા, વિ. પણ થોડોક અભિગમ બદલીએ તો ઘણી બધી શક્તિઓ વેડફાતી અટકે અને સમૂહપ્રવૃત્તિથી ઘણાં મોટાં કામ થઈ શકે.

સમૂહ બળ

બીજી વાત –   અત્યંત શક્તિમાન હોય એવું કોઈ અસ્તિત્વ જ્યારે મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાઈ જાય, ત્યારે એ સાવ લાચાર બની જાય છે. એની બધી આવડત અને મુસ્તાકી કશા કામનાં નથી રહેતાં. એની સરખામણીમાં સાવ અશક્ત એવું અસ્તિત્વ પણ સબળ બની શકે છે. જો એ વિશિષ્ઠ પ્રકારની આવડત કેળવે તો અશક્ય લાગે તેવું કામ કરવા સશક્ત બની શકે છે.

मूकं करोति वाचालं, पंगुं लंघयते गिरिं ।

આ જ ભાવની એક નાનકડી પણ શક્તિમાન અંગ્રેજી કવિતા સાથે વિરમીએ –

It is not growing like a tree
In bulk, doth make man better be;
Or standing long an oak, three hundred year,
To fall a log at last, dry, bald, and sere:

A lily of a day
Is fairer far in May,
Although it fall and die that night—
It was the plant and flower of Light.
In small proportions we just beauties see;
And in short measures life may perfect be.

-Ben Johnson

દાદરાની રેલિન્ગ – એક અવલોકન

અમારી ફિટનેસ ક્લબમાં બીજે માળ જવા માટેનો આ દાદરો છે. એને બે બાજુએ રેલિન્ગ છે. દરરોજ એના ૨૪ પગથિયાં ચઢવાના અને અલબત્ત(!) ઊતરવાનાં – એક વખત નહીં, પાંચ વખત! કારણ ? પગની અને ફેફસાંની કસરત ( aerobic exercise ) . પણ એ સ્વાસ્થ્ય અંગેની વાત અહીં કરવાની નથી. વાત છે – એ ચઢ ઊતર કરતાં સૂઝેલ અવલોકનની.

ચઢતી વખતે, દરેક પગથિયું ચઢવાની સાથે હાથ અચૂક ઉપર ખસેડવો પડે. પણ નીચે ઊતરતાં ? હાથ એની મેળે જ રેલિન્ગ પર સરકી જાય.

ઉપર ચઢવા માટે વધારે મહેનત કરવી પડે છે.

નીચે તો સડસડાટ ઊતરી જવાય !

એમ જ પર્વત પર ચઢવા બહુ શ્રમ કરવો પડે. નીચે તો સડસડાટ ઊતરી જવાય.

કેમ? બહુ જાણીતી વાત લાગી ને?! એમ જ હોય . દાદરો હોય, પર્વત હોય કે, જીવન હોય !

રોજ આ દાદરા પર ચઢ ઊતર કરતાં આ વિચાર અચૂક આવે જ. આજે એ અવલોક્યો !

પણ જુવાનિયાં? એમને આ રેલિન્ગ પર હાથ ટેકવવાની સહેજ પણ જરૂર ન લાગે. એ તો દાદરાની વચ્ચે રહીને સડસડાટ ચઢી જાય. એમની નજર તો એનાથી ઘણી બધી તાકાત માંગી લેતાં મશીનો પર મહેનત કરવાની હોય.

સમયનો તકાજો, વાર્ધક્યની મજબૂરી.

સમય સમય બળવાન છે,

નથી પુરૂષ બળવાન

જો કે, જીવનના પથ પર આપણે એક જ દિશામાં મુસાફરી કરી શકીએ છીએ !

સપનાં – એક અવલોકન

  

સપનાંનું અવલોકન કરી શકાય ? અને તે પણ જાગતાં?! પણ એ વાત થોડેક પછીથી કરીશું. સપનાંની તો દુનિયા જ અલગ. એને આપણે આંખોથી નહીં મનથી જોતાં હોઈએ છીએ. જો કે, આવાં અવલોકન પણ મનમાં ઉપજતા વિચાર જ હોય છે ને? 

તો  ચાલો,રાતે આવતાં  સપનાંનું અવલોકન કરીએ !

     સપનાંમાં શું આવશે તેની આપણે કદી કલ્પના કરી શકતા નથી. એનું કોઈ પ્લાનિંગ પણ થઈ શકતું નથી. મનોવિજ્ઞાનની એક શાખા છે, જેમાં સપનાંનું અર્થઘટન કરવામાં આવે છે. પણ એ વિષયમાં તો આ જણના હાથ ઊંચા! પણ અનુભવે એ જણાયું છે કે, આખા દિવસમાં જો તનાવ અનુભવાયો હોય તો, તેનો પડઘો સપનામાં નકારાત્મક બાબતથી પડતો હોય છે. એમ જ સુખદ ઘટના બની હોય તો કદાચ આનંદદાયી સપનાં આવતાં હોય છે. પણ સપનાંની એ કથાનો સર્જક કોણ હશે? આપણે તે જાણી શકતા નથી. જાગૃત અવસ્થામાં એ સર્જનો કદી સર્જી શકાતા નથી.

    ઘણી કાલ્પનિક કથાઓ સપનાંની દુનિયાનો પડઘો હોય છે – પરીકથાઓ, શેખચલ્લીની વાતો, પ્રયોગાત્મક શૈલીમાં લખાતી અસંગત / વાહિયાત વાતો –  absurd stories. જો કે, એમાં લેખક જરૂર કશુંક કહી જતો હોય છે. સામાન્ય માણસને કદીક સમજ ન પડે, તેવી એ વાતો સાહિત્ય જગતમાં ઠીક ઠીક આવકારો પામતી હોય છે. પણ એ ય બધી સપન ભોમકા જ ને?

     હવે જાગૃત અવસ્થામાં આવતાં સપનાંની વાત !   

   ભાગ્યે જ કોઈ એવું જણ હશે, જેને આવાં સપનાં ન આવતાં હોય. કદાચ જીવનના માર્ગની દિશા આવાં સપનાંથી ઘડાતી/ બદલાતી હોય છે. ઓલ્યાં સપનાં ઊંઘમાં આવતાં હોય છે, પણ ઉઘાડી  આંખનાં સપનાં ઊંઘવા દેતાં  નથી! એ હોય છે , તો જીવન રગશિયા ગાડાં જેવું નથી રહેતું. જો કે, ઘણી બધી આપત્તિઓ પણ એના કારણે ખડી થઈ જતી હોય છે. ખાસ કરીને ટોચ પર બેઠલા માંધાતાઓનાં સપનાં વિકાસ અથવા વિનાશનાં સ્રોત હોય છે. યુદ્ધો, યુગપરિવર્તનો, હત્યાકાંડો વિ. એ જ રીતે વિવિધ ક્ષેત્રનાં સર્જકોનાં સપનાંઓએ માનવજાતને હરણ ફાળો ભરતી કરી દીધી છે. 

અને છેલ્લે …

એમ નથી લાગતું કે, જાગૃતિની ઉષાનો આહ્લાદ માણ્યા વિનાનું જીવન પણ સાવ અંધારિયું હોય છે? જાગૃતિની પળોમાં એ સઘળી પ્રવૃત્તિઓ પણ ઓલ્યાં સપનાં જેવી વાહિયાત અને બાલીશ લાગવા નથી માંડતી?

વિયેટનામનું અદભૂત ગ્રામ્યજીવન

 વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં        

આપણા મસ્તિષ્કમાં  ગ્રામ્ય જીવનનું ચિત્ર સ્વાભાવિક અને લાક્ષણિક રીતે ગુજરાતીતાથી ભરપૂર હોય છે. બહુ બહુ તો જમુનાના કાંઠે બાળ કૃષ્ણનું કે, સરયૂ તટે કિલ્લોલતા બાળ રામનું કલ્પન હોય.

ગ્રામ જીવનની સમસ્યાઓની સાથે  સાથે….
નદીનો તટ, કુવાનો કાંઠો,
લીલૂડી ધરતી, લહલહાતાં ખેતરો
વાંસળીના સૂર.

      પણ, એવાં ગામ પણ હોય કે, જેમાં એક બાજુ મગરોથી ઊભરાતી નદી હોય, બીજી બાજુ ભયાનક જાનવરોથી ઊભરાતું જંગલ હોય, ત્રીજી બાજુ નાના પર્વતો પર  જંગલી વાનરો કૂદાકૂદ કરતા હોય, કે પંદર-વીસ ફૂટ લાંબા અને પગના નળા જેટલા જાડા ભયાનક સાપ ફૂંફાડાં મારી રહ્યા હોય! એવાં ગામમાં એ બધાંની વચ્ચે છીછરાં પાણી અને પાણીમાં જીવતા સાપથી ભરેલાં ખેતરોમાં જાનના જોખમે ડાંગરની ખેતી, માછીમારી, પશુપાલન  અને શિકાર કરતાં,  વીસ પચીસ કૂબાઓમાં વસતા ગ્રામવાસીઓની સાવ નાની પણ આત્મનિર્ભર જમાત પણ હોય!

એવા ગ્રામજીવનની  આપણે કલ્પના કરી શકીએ ખરા?

    ન જ કરી શકીએ. પણ વાંચી તો શકીએ જ! પંદર સત્યઘટનાઓથી  ભરપૂર એવું એક પુસ્તક વાંચવામાં આવ્યું અને એ પણ એક વસાહતી અમેરિકનની કલમે – ત્યારે ગુજરાતી વાચકને ધરવા મન થઈ ગયું.

      આ પુસ્તકના લેખકે (Huynh Quang Nhuong) જીવનની પ્રારંભનાં સોળેક વર્ષ આવા ગ્રામ પ્રદેશમાં ગુજાર્યાં હતાં. વિયેટનામના પાટનગર હો ચિ મિન્હ સીટીથી માંડ ૭૦ કિ. મિ. દૂર અને મહાકાય મેકોન્ગ નદીના એક ફાંટા,  માય થો નદીના કાંઠે, એ જ નામનું શહેર આવેલું છે. એનાથી  થોડેક જ દૂર આવેલા, ઉપર જણાવેલ વર્ણન વાળા ગામમાં ૧૯૪૧ માં ક્વાન્ગનો જન્મ થયો હતો.

      માય થો શહેરમાં માધ્યમિક કક્ષા સુધીના શિક્ષણ બાદ, તે સાયગોન યુનિ.માં ( હાલનું હો ચિ મિન્હ શહેર) રસાયણશાસ્ત્રનો સ્નાતક થયો હતો. વિયેટનામની સરકારમાં જોડાયા બાદ સામ્યવાદ તરફી ઉત્તર ભાગ અને મુડીવાદી દક્ષિણ ભાગ વચ્ચે ૧૯૫૫માં યુદ્ધ ફાટી નીકળ્યા બાદ, તે અમેરિકન  લશ્કરમાં ભરતી થયો હતો અને ફર્સ્ટ લેફ્ટેનન્ટના હોદ્દા સુધી પહોંચ્યો હતો. લડાઈમાં બેસૂમાર ઘવાતાં તેને સારવાર માટે અમેરિકા લઈ જવામાં આવ્યો હતો. અમેરિકાએ યુધ્ધમાંથી પીછેહઠ કર્યા બાદ, ક્વાન્ગ અમેરિકામાં જ રહી પડ્યો હતો અને આગળ અભ્યાસ શરૂ કર્યો હતો.  ૧૯૭૩માં તેણે મિઝોરી યુનિ.માંથી ફ્રેન્ચ ભાષામાં  અનુસ્નાતકની પદવી  પણ મેળવી હતી. આમ તો તે વિયટનામથી આવેલા અન્ય વસાહતીઓની જેમ અનામી જ રહ્યો હોત પણ; તેણે ૧૯૮૨માં પોતાના બાળપણના યાદગાર પ્રસંગોનું વર્ણન કરતું, ઉપર જણાવેલ  પુસ્તક પ્રસિદ્ધ કર્યું. એ સાથે જ તે અમેરિકન સાહિત્ય જગતમાં મશહૂર બની ગયો.

    એના યુવાવસ્થાના જીવનની વાત બાજુએ મૂકી, સાવ છેવાડે આવેલા ગામમાં તેણે ગાળેલ જીવનની ચપટીક વાત અહીં જાણીએ.

   એમાં નદીની ભેંસો અને જોરાવર પાડાઓની વાતો છે – ખાસ તો ક્વાન્ગના પશુધનના મુખિયા એવા ‘ટાન્ક’ નામના પાડાની વાત. પર્વતો પર રહેતા જોરાવર જંગલી પાડા અને પાલતુ ભેંસનું એ ફરજંદ જાણે કે, એના કુટુમ્બનો એક સભ્ય હોય, એવી પ્રતીતિ આપણને  વારંવાર થતી રહે છે. જંગલી પાડાઓ અને ખૂંખાર વાઘ  સામે ભેંસોના ધણ અને ક્વાન્ગના કુટુંબને રક્ષણ માત્ર જ નહીં, પણ મોટી માછલીઓ પકડવામાં પણ એ પાડો મદદ કરતો!  સહેજ ઈશારા માત્રથી જ એણે કરવાનું કામ એ સમજી જતો. આપણને ઘરઆંગણાના અક્કલવાન બળદો તરત યાદ આવી જાય.

   જીવલેણ અને ઝેરી સાપ પણ પાળેલ પ્રાણી હોઈ શકે – એ વાત પણ આપણને અહીં જાણવા મળે છે. પંદર ફૂટ લાંબા અને પગના નાળા જેટલા જાડા  ‘ઘોડા સાપ’ના ( horse snake) શિકારની એક વાત પણ આપણને જકડી રાખે છે. એમાં એક પાડોશી ડોશીએ  પાળેલા વાંદરાની વાત પણ છે – જેના વાંદરવેડાને કારણે તે બાઈનું ઝૂંપડું બળી ગયું હતું! એમ જ ક્વાન્ગે પાળેલ બે પક્ષીઓની વાત પણ મજાની છે.

    પણ એમાં માત્ર જંગલી કે પાળેલાં પ્રાણીઓની જ વાતો છે -એમ નથી. ખેડૂત જીવનના અવનવા પાસાંની અવનવી વાતો પણ આ પુસ્તક કહી જાય છે. એક નવવધુ લગ્નવિધિ બાદ રિવાજ પ્રમાણે નદીમાં સ્નાન કરવા જાય છે, અને જીવલેણ મગરના સકંજામાં આવી જાય છે. હેતરભરી રીતે તે એનાથી છૂટી પણ જાય છે – એ વાત આપણને શરૂથી અંત સુધી જકડી રાખે છે. આવી જ એક લગ્ન વિધિ બાદ બીજો એક નવકોડીલો વર પહેલી જ રાતે સાવ નાનકડા કણા જેવા પણ અત્યંત ઝેરી સાપના મોંમાંથી નીકળતો વાયુ શ્વાસમાં જતાં તરફડીને  મરણ શરણ થાય છે – એની કરૂણ કથની પણ છે.

    આવી જ એક વાત ક્વાન્ગની એંશી વરસની દાદીમાની છે. વ્યવહારિક  હોંશિયારી, માથાફેર શખ્શને કરાટેથી ચિત કરવાની બહાદુરી, લુંટારાઓને કળથી ભગાડવાની સૂઝ – એ બધાંની સાથે સાથે, કરૂણાંત ગ્રામ નાટિકાની કથાવસ્તુથી  ભાવવિભોર થઈ, ચોધાર આંસુએ રડી પડવાની તેની સંવેદનશીલતાની દાસ્તાન પણ છે. માનવજીવનના વિવિધ પાસાંઓને ઉજાગર કરતી એની કથની આપણને મહેનતકશ નારીજીવનને સલામી ભરતા કરી દે છે.

    આ બધી વાતોની મજા તો એ પુસ્તક વાંચતાં જ આવે. વિગતે એ પુસ્તકમાંથી આ બધી વાતો વાંચીએ, ત્યારે ક્વાન્ગની  વર્ણનશક્તિ અને એના જીવનની દુષ્કરતાઓ પર આપણે અભિભૂત થઈ જઈએ.

    આશા છે કે, વાચકને ભારતીય જીવન કરતાં સાવ નિરાળા આવા ગ્રામ્ય જીવનની આ નાની ઝલક ગમશે. ગમે તે પ્રદેશ હોય; ભલે ત્યાંની અલગ જીવન રસમ હોય, પણ માનવજીવનની મીઠાશ, કડવાશ, કારૂણ્ય, અને માધુર્યનું પાયાનું પોત સમાન હોય છે. આવી જીવનકથાઓ વાંચીએ ત્યારે, માણસના પાયાના હોવાપણામાં રહેલ જીવનના પડકારોને ઝીલી, એનો સામનો કરી, પોતાના આગવા વિકલ્પો શોધી શકવાની ક્ષમતા પર આપણને વિશ્વાસ જરૂર બેસી જાય છે. નહીં વારૂ ? .

સંદર્ભ –    

1.  Land I lost – Book

2. https://en.wikipedia.org/wiki/Quang_Nhuong_Huynh

દિલની વાત

સાભાર – સ્વ. ઝફર શેખ

મૂળ પ્રેરક શેર

૧૫, ઓગસ્ટ – ૧૯૪૭

 એ સપરમો દિવસ મને બરાબર યાદ છે.

અમારાં બહેન, બાપુજી અને અમે ત્રણ ભાઈઓ રણછોડજીની પોળ, સારંગપુર, અમદાવાદમાં આવેલા અમારા મકાનમાં રહેતાં હતાં. અમારી બાને અમે બહેન કહેતાં હતાં. હું ત્યારે માંડ સાડા ચાર વરસનો હતો. એ દિવસે, અમને ત્રણ ભાઈઓને સાથે લઈને, અમારા બાપુજી અમદાવાદના ભદ્રના કિલ્લા પાસે લઈ ગયા હતા.

મારા બાપુજી મને તેડે એ મને બહુ ગમતું. પણ એ મને હવે ચાલવાનો જ આગ્રહ કરતા હતા. હું ચાલીને બહુ જ થાકી ગયો હતો. આટલા બધા રાક્ષસ જેવા ઊંચા માણસોની વચ્ચે ચાલતાં મને બીક પણ લાગતી હતી. સાંજનું અંધારું થઈ ગયું હતું. પણ રસ્તા પર માણસોની ભીડ પાર વિનાની હતી. કદાચ મારાથી નાની બહેનનો જન્મ હજુ બે ત્રણ અઠવાડિયા બાદ થવાનો હતો. એટલે અમારાં બહેન અમારી સાથે નહોતા આવ્યાં – એમ મારું માનવું છે.

મને એટલું જ યાદ છે કે, હું સખત થાકેલો હોવા છતાં, આજુબાજુ ટોળામાંના બધા માણસો અત્યંત ખુશ હતા – તે મને બહુ જ ગમતું હતું.  મોટેથી બરાડી બરાડીને કાંઈક બોલતા હતા. ( કદાચ ‘જયહિંદ’ અથવા ‘ભારતમાતાકી જય’ હશે.) મને એનાથી કોઈક અજાયબ લાગણી થતી હતી. કાંઈક હરખ થાય એવું બની ગયું હતું; કે બનવાનું હતું. ‘ગુલામી શું? આઝાદી શું?’ એવા બધા અઘરા વિચારો મારા નાના ( કે મોટા !) મગજમાં હજુ પ્રવેશી શકે તેમ ન હતું. પણ એ થાક અને હર્ષની મિશ્રિત લાગણી પંચોતેર વરસ પછી આજે પણ તરોતાજા છે.

હવે ભીડને કારણે બાપુજીએ મને તેડી લીધો હતો. એ આનંદના અતિરેકમાં બેય મોટા ભાઈઓનું અનુકરણ કરીને હું પણ તાળીઓ પાડવા માંડ્યો હતો. ચારે બાજુ અપ્રતિમ ઉલ્લાસ છવાયેલો હતો. હરખના સરોવરમાંથી, આનંદના ઓઘ અને ધોધના ઢગલે ઢગલા, ઢળી ઢળીને છલકાઈ રહ્યા હતા.

પાછા ઘેર જતાં અમારા બાપુજી કદી અમને લઈ જતા ન હતા; તે ‘ચન્દ્રવિલાસ’[1]નાં ફાફડા-જલેબી ખવડાવ્યાં હતાં. મારા મોટાભાઈને ડરતાં ડરતાં મેં કાનમાં પૂછ્યું હતું,  “સિનેમા કહે છે – તે આ છે?!”. અને બાપુજી આ સાંભળી; ‘હોટલ કોને કહેવાય અને સિનેમા કોને?’ તે વિશે અમારાં અજ્ઞાન અને ભોળપણ જોઈ, પોતાના પુત્રોના સંસ્કાર માટે આનંદિત થયા હતા; એવું આછું આછું યાદ પણ છે.

ઘેર આવ્યા ત્યારે ફાનસના  આછા ઉજાસમાં2] હું ક્યારે પોઢી ગયો તે ખબર ન પડી. પણ અમારી બહેનના મોં ઉપર બધી વાતો સાંભળી; જે આનંદ અને ઉલ્લાસ પ્રગટ્યાં હતાં તે હજુય યાદ છે.

ત્યાર બાદ તો  સ્વતંત્રતા દિનની અનેક ઉજવણીઓ જોઈ છે. ધ્વજવંદનો કર્યાં છે. શાળામાં ક્વાયત કરીને ધ્વજને છટાભરી સલામી આપી છે. બેન્ડના સૂર સાથે ‘ જન ગણ મન’ ગાયું છે. ટીવી ઉપર લાલ કિલ્લા પરથી થતું ધ્વજવંદન અને પ્રધાનમંત્રીઓનાં પ્રવચનો પણ સાંભળ્યાં, જોયાં છે.

પણ સ્વતંત્રતાના જન્મ વખતની એ સાદગી, એ ઉત્સાહ અને માતૃભૂમિ માટેનું એ વખતના લોકોનું ગૌરવ – એ બધાં ભુલ્યાં ભુલાતાં નથી


[1] એ વખતના રીચી રોડ -હાલના ગાંધી માર્ગ- પરની દેશી ઢબની અતિવિખ્યાત હોટલ

[2] અમદાવાદમાં રહેતાં હોવા છતાં, અમારે ઘેર તે વખતે વીજળી આવી ન હતી!

નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય

યુરોપની સરખામણીમાં ભારતના પુનર્જીવન – ‘રેનેસાં’નો યુગ ઘણો મોડો આરંભાયો હતો. અને યુરોપ કરતાં ભારતની પાર્શ્વભૂમિની ભિન્નતા તથા ‘રેનેસાં’ સમયની પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ પણ નોંધપાત્ર હતી. ભારતમાંના આ પુનર્જીવન સાથે પશ્ચિમી-યુરોપી પ્રજાઓના ભારત-આગમનની અને વિશેષે ભારતમાં અંગ્રેજી રાજ્યશાસનની ઘટના, તેનાં શુભાશુભ લક્ષણો સાથે, નિર્ણાયક પરિબળ બની હતી.

તે બેસે અહીં – ગઝલાવલોકન

કોઈનું પણ આંસુ લૂછ્યું હોય, તે બેસે અહીં,
ને પછી છાતીમાં દુઃખ્યું હોય, તે બેસે અહીં.

હાથ વચ્ચે નામ ઘૂંટ્યું હોય તે બેસે અહીં,
ને અદબથી એને ભૂસ્યું હોય તે બેસે અહીં.

સૂર્ય તપતો હોય એનો મધ્યમાં ને તે છતાં,
કોઈનાં ચરણોમાં ઝૂક્યું હોય, તે બેસે અહીં.

હાથ પોતાનોય બીજો જાણવા પામે નહીં,
કીડિયારું એમ પૂર્યું હોય તે બેસે અહીં.

એટલો લાયક ખરો કે હું અહીં બેસી શકું ?
એટલું પોતાને પૂછ્યું હોય તે બેસે અહીં.

‘જે ક્ષણે પોતાને પૂછ્યું હોય’ની બીજી ક્ષણે,
આ સભામાંથી જે ઊઠ્યું હોય, તે બેસે અહીં.

– સ્નેહી પરમાર

   ડલાસ – ફોર્ટવર્થના ગુજરાતી સમાજના ઉપક્રમે યોજાયેલ ગીત–ગઝલ મુશાયરામાં યુવાન સંગીતકાર શ્રી. આલાપ દેસાઈના કંઠે આ ગઝલ સાંભળી દિલ ઝૂમી  ઊઠ્યું. સાવ નવો વિષય પણ સમજતાં સહેજ પણ તકલીફ ન પડે તેવી આ ગઝલનું રસદર્શન સહેજ પણ જરૂરી છે વારુ? સુસંસ્કૃત સમાજની સભામાં હાજર રહેવા કોણ લાયક હોઈ શકે, તેની આ કવિની કલ્પના સૌને જચી જાય તેવી છે.

માણસ કહી શકાય તેવા માણસની વાત!

આ ગઝલ વાંચતાં ‘મરીઝ’ની કલમે એક સામાન્ય માણસની પત્નીનો એના માટેનો આ આદર પણ યાદ આવી ગયો –

સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતા.
સખી એને જોવા તું ચાહી રહી છે,
જે સપનું રહે છે હંમેશાં અધૂરૂં.

પ્રીતમનો પરિચય તું માગી રહી છે,
વિષય તારો સુંદર, કુતૂહલ મધુરૂં.
લે સાંભળ, એ સામાન્ય એક આદમી છે,
હૃદય એનું ભોળું, જીવન એનું સાદું.

ન ચહેરો રૂપાળો, ન વસ્ત્રોમાં ઠસ્સો,
ન આંખોમાં ઓજસ ન વાતોમાં જાદુ.
કવિતાના પણ એ નથી ખાસ રસિયા,
ન સંગીતમાં કંઇ ગતાગમ છે એને.

પસંદ એ નથી કરતા કિસ્સાકહાણી,
કલાથી ન કોઇ સમાગમ છે એને.
એ મૂંગા જ મહેફિલમાં બેસી રહે છે,
છે ચુપકિદી એની સદંતર નિખાલસ.

નથી એની પાસે દલીલોની શકિત,
કદી પણ નથી કરતાં ચર્ચાનું સાહસ.
જુએ કોઇ એને તો હરગિઝ ન માને,
કે આ માનવીમાં મહોબ્બત ભરી છે.

કોઇના બુરામાં ન નિંદા કોઇની,
નસેનસમાં એની શરાફત ભરી છે.
જગતની ધમાલોથી એ પર રહે છે,
છે પોતાના રસ્તે જ સૂરજની માફક.

સખી તારા પ્રીતમની છે એ જ ઓળખ,
છે સૌ સ્ત્રીઓ માટે જીવન એનું લાયક.
ભિખારણની પાસે કે રાણીના પડખે,

પરંતુ સખી! આવી દુનિયાની અંદર,
ભલા એવા માણસને કોણ ઓળખે છે.
સદીઓથી એવું જ બનતું રહ્યું છે,
કે પ્રેમાળ માણસ નથી ઓળખાતાં.

– ‘મરીઝ’

     નેટ પર ખાંખાંખોળાં કરતાં એ આનંદ પણ થયો કે, આ કવિતાનો સમાવેશ દસમા ધોરણના  ગુજરાતી પાઠપુસ્તકમાં કરવામાં આવ્યો છે.

      પણ એમ કેમ કે, આવા માણસ જવલ્લે જ જોવા મળે છે? કેમ એ આકાશ કુસુમવત બાબત જ રહી જાય છે? (Utopian world)  કદાચ અદના આદમીઓમાં આવા માણસ વધારે મળી જતા હશે. પણ, જેમ જેમ સમૃદ્ધિ અને તાકાત વધે, તેમ તેમ સભાઓ ગજવતા મહાનુભાવો  શા કારણે વધારે ને વધારે સ્વલક્ષી બની જતા હોય છે? આ માહોલ કોઈ પણ દેશ, સમાજ કે જાતિમાં હાજરાહજૂર હોય છે. કદાચ એનું પ્રમાણ જેટ ઝડપે વધતું જ જાય છે.

બીજાના પગ ખેંચી આગળ ધપવાની મૂષક દોડ!

          ખેર, એ રસમ ભલે એમ રહે. આપણા નાનકડા વિશ્વમાં – આપણા પોતાના ઘરમાં આપણે આ કલ્પના જેવી જીવનરીત  અજમાવી જોઈએ તો ?

ચિત્રકૂ

ચકલી જુએ

કારના આ કાચમાં.


ભૂતકાળને ?!

આઠનું બળ – એક અવલોકન

આ ચિત્ર જુઓ

સાવ નકામી ચીજ છે ને? ટોયલેટ કાગળની વચ્ચેનું, ફેંકી દેવાનું, સાવ મામુલી બોબિન જ ને?

અને હવે તે ચીજોને ઉપરથી જોઈએ તો આ ફોટો –

ડાબી બાજુ એ એકલી છે. જમણી બાજુએ એવી આઠ ભેગી કરી છે. એની તાકાત પહેલાંની ચીજ કરતાં આઠ ગણી વધારે થઈ ગઈ. જૂની અને જાણીતી લાકડીઓના ભારાની વાત જ ને?

પંચકી લકડી, એકકા બોજ.

એકલી એ સાવ ક્ષુદ્ર, તાકાતહીન, ફેંકી દેવાની ચીજ. પણ આઠ ભેગી કરી તો તાકાતવાન બની ગઈ. એનો કશોક ઉપયોગ કરી શકાય. એની પર રૂપાળું આવરણ લગાવી દઈએ તો, સરસ મજાની ફૂલદાની બની જાય.

અને હવે આ અવલોકન –

આપણે એકલા બહુ સીમિત તાકાત ધરાવતા હોઈએ છીએ. પણ ઘણા ભેગા થઈએ તો?

રસ્સા ખેંચની હરીફાઈ જોવા જેવી ખરી!

પણ મોટા ભાગે આપણે આપણી શક્તિ પર જ મુસ્તાક હોઈએ છીએ – એનાં બણગાં ફૂંકવામાં માહેર. સમૂહમાં હોઈએ તો પણ એનું નેતૃત્વ લેવાની હોડ. સ્પર્ધા, કાવાદાવા, વિ.

પણ થોડોક અભિગમ બદલીએ તો ઘણી બધી શક્તિઓ વેડફાતી અટકે અને સમૂહપ્રવૃત્તિથી ઘણાં મોટાં કામ થઈ શકે.

સંઘબળ

આ જ વિચાર આગળ વધારીએ તો, સમાજો અને દેશો સહકાર અને સંગઠન કરતા થાય તો કેટલો બધી ખાનાખરાબી અને સંરક્ષણનો ખર્ચ બચી જાય? રચનાત્મક પ્રવૃત્તિઓ કરતા થાય તો કેટલી બધી કરુણતાઓ, વ્યથાઓ અને વિનાશો અટકી શકે?

અસ્તુ!