સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કવિતા

એકલો

lonely_1

Advertisements

શહેરી સંસ્કૃતિ – એક હાઈકૂ

ઝાંઝવાં ઝગે
કાળોડિબાંગ રસ્તો
ધગધગતો.

અગડમ – બગડમ – હર્ષિદા દીપક ત્રિવેદી

રમત મંડાણી પાંચીકાની દાણા કેવા મોટા
પાંચ વાંભના પંડે ભર્યા દાણા કેવા ખોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

કોરી પાટી મોટું મીંડું,
ઇચ્છા ભરવા કર્યું છીંડું
અહમ-બહમને આડાં રાખી ચીતરે છે લીસોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

ચમકારો  વીજળીનો થાતો,
મોતી દોરો પ્રોવા જાતો
ભીતર ભીનો નાદ ઘૂઘવતો સમજે છે પરપોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

દુઃખમાં એ સખણો ન હાલે
સુખમાં છલકી છલકી મ્હાલે
ખુદને કાપે ડાળે બેસી જગમાં જડે ન જોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?

રસ્તામાં અજવાસ કરી લે
અંતરમાં જઈ વાસ કરી લે
પ્રેમનગર તો ધમ્માચકડી જીવી લે ને મોટા
શું છે બાપુ …
અગડમ બગડમ ?


સાભાર -‘વેગુ’ … મૂળ પ્રકાશન આ રહ્યું.

મિત્રતા – તાળીઓના તાલે

તાળીઓના તાલે (૨) મૈત્રી આઘી પાછી થાય રે,
જીવનની રીત આ છે જીવનની રીત

આજ તમે તો કાલે કોઈ, મૈત્રી ના સચવાય રે!
જીવનની રીત આ છે જીવનની રીત

નેટ નહીં આ નોટ છે ભાઈ! નોટ કરો આ જાળ છે
જીવનની રીત આ છે જીવનની રીત

નિત્ય નવો કોઈ ઈમેલ મળતો, ફિમેલ હોય કે મેલ જો
જીવનની રીત આ છે જીવનની રીત

સાચા મિત્રો દૂર થયા, આ નેટ – મિત્ર- યુગ જાણજો
જીવનની રીત આ છે જીવનની રીત

મૈત્રી કેવી? સાથ વળી શું? ‘કેમ છો?’ – કહી વિદાય રે!
જીવનની રીત આ છે જીવનની રીત

ભીની આંખ ને હૈયું ધડકે, દિવસો ભુલી જાઓ રે!
જીવનની રીત આ છે જીવનની રીત

જેટ યુગમાં કરવી સારી, લટકંતી સો સલામ રે!
જીવનની રીત આ છે જીવનની રીત

સાચી દોસ્તી ‘સાહેબ’ની જે કોશ કોશમાં શ્વાસ લે
જીવનની રીત આ છે જીવનની રીત

છંદકણિકાઓ

     એક જમાનો હતો કે, આ જણ કવિતા પાછળ પાગલ હતો, સામ્પ્રત ગુજરાતી સાહિત્યમાં બહુ પ્રચલિત ગઝલો નહીં પણ, જૂના અને જાણીતા સંસ્કૃત છંદોમાં લખાયેલી રચનાઓ વધારે ગમતી. એ કાળ છેક ૧૯૫૭-૧૯૫૯ નો.

     પછી તો વિજ્ઞાન/ એન્જિ.ના અભ્યાસ અને વ્યવસાય, કુટુમ્બ અને સમાજના બંધનોના કુછંદમાં(!)  જકડાયેલા એ જણનો છંદરસ છુટી ગયો.

    આભાર નેટ મિત્ર અને ઉમરમાં લગભગ સમવયસ્ક,  શ્રી.જુગલકિશોર વ્યાસનો કે, એ રસ તેમણે ફરીથી જાગૃત કર્યો અને બહુ પ્રેમથી એ છંદોનું જ્ઞાન તાજું કરી દીધું.

    એના પ્રતાપે ફરી આ જણ છંદમાં લવારા કરતો બની ગયો. તેમના સાથ અને સહકારથી બની ગયેલી એક રચના……

ગ્રીષ્મ

( વસંત તિલકામાં સોનેટ )

વાતો સમીર વીંઝતો અતિ ઉષ્ણ જ્વાળા
આદિત્ય આગ ઝરતો અરિ-આંખ કા’ઢે.
પૃથ્વી તણાં રજકણો શમશેર ભાસે
દાઝે બધાંય જન આ અસુરી પ્રતાપે.

(અહીં ક્લિક કરો.)

      એ જૂની પુરાણી યાદો આજે શા માટે?

     ઉમરમાં ઘણા મોટા એવા બીજા એક નેટ મિત્ર, શ્રી. પી.કે. દાવડાએ નીચેની છંદકણિકાઓ મોકલી અને એ મધુર યાદો  પુનર્જિવીત થઈ ગઈ. દાવડાજીના આભાર સાથે એ કણિકાઓ પ્રસ્તુત છે –

છંદમાં છંદ

મંદાક્રાંતા, સરળ રચના, આગવી ને અનેરી   

મધુરો ને મીઠો, રણઝણ થતો તું શિખરિણી    

નવીન રચના કરો, સરળ રીત પૃથ્વી મહીં 

સાદો સીધો, ભલો ભોળો, છંદ છે આ અનુષ્ટુપ

સિંહોની ડણકો સમો ગરજતો, શાર્દુલવિક્રીડીતો

ધીરે ધીરે છટાથી, રસમય થતો  સ્ત્રગ્ધરા છંદ થાયે.

મધુર મધુર કાવ્યો, માલિની માં મળે છે

રૂડો વસંતતિલકા સમજાવ આજે

આવો રચાવો લય ઇન્દ્રવ્રજ્રા

 પી. કે. દાવડા

સફર

આમ તો કવિતા સાથે સંબંધ બહુ અતીતની વાત બની ગઈ છે… પણ

એક જૂના મિત્રની કવિતા વાંચી – સફર અને મંઝિલની વાત ….

safar_1

અને આખાયે આયખાની સફર એક ક્ષણાર્ધમાં નજ઼ર અંદાજ઼  થઈ ગઈ….અડસઠ વર્ષની ઉમરે મળેલ હીરો ઝગમગી ઊઠ્યો.

આખી કવિતા માણો…

safar

જીવન કસરત

કોઇ સરકે છે. કોઇ ટહેલે છે.
કોઇ ધસમસ શ્વાસે દોડે છે.

કોઇ હાંફે છે. કોઇ નીતરે છે.
કોઇ લયમાં શિરને ડોલે છે.

કોઇ મરકે છે. કોઇ બબડે છે.
કોઇ રડમસ ચહેરે લટકે છે.

કોઇ ભારે ભારને ઊંચકે છે.
કોઇ હળવા દડાથી ખેલે છે.

ધરતી સરકે છે પગ નીચે,
પણ  ચિંતા વિણ હું ઊભો છું.

બળે કેલરી ક્ષણે ક્ષણે,
પણ હું તો સાવ જ શીતળ છું.

કેટકેટલાં અંતર કાપું,
છતાં નથી હું સહેજ ખસ્યો.

આ વાત જીવનની છે કે પછી,
ટ્રેડમીલથી એક દર્શન છે?.

———————————————————

આભાર

શ્રી. પ્રદીપ રાવળ નો

‘ જન ફરિયાદ’ પર પ્રકાશિત કરવા માટે 

Jan_Fariyad_Aug_14

ગ્રામ્યકન્યા

[તોટક]

રમતી, ભમતી, હસતી દીકરી
વસતી ઝૂંપડી મહીં એ કલિકા
દિલમાં દીવડો, મનમાં શમણાં
હતી વ્હાલસમી,ચતુરી વનિતા

[શિખરિણી]

નરેશે બોલેલા શબદ વસમા સાંભળી ગઈ
સુકન્યા ખોલીને ઝૂંપડી મહીંથી બા’ર નીકળી.

[શાર્દૂલ વિક્રીડિત]

રાજાને દુઃખમાં નિહાળી વનિતા, બોલી ઊઠી ખેતમાં
“શા માટે દુઃખમાં રહો, ભૂપતિ હે? આવું નહીં બોલશો.
હમ્મેશાં જનતા તણો ધરમ છે; ભરવા કરો શાનથી
સુખેથી કરમાં વધાર કરજો, ભરશું અમે પ્રેમથી.”

[મનહર]

સાંભળી આ વાત શાણી, રાજવી તો ચોંકી ઊઠ્યો.
“નકી આની મહીં કોઈ, ચાલ તો જણાય છે.
જનતાને કર કોઈ, ભરવો ગમે ન કદી
મૂંઝવણ ભારી આ તો, મંત્રીજીને સોંપવી છે.

[ભુજંગી]

સભામાં સહુને, પછી પ્રશ્ન પૂછ્યો
“વનિતા કહે કેમ, આવું? બતાવો.”
કહે મંત્રી મોઢું, વકાસી, ત્વરાથી
“નકી કામ આ કોઈ, જોશી કરી દે.
જુએ જોશ જોશી, વનિતા તણા એ.
ભલે સુંદરી આ, સભામાં પધારે.”

[ધનાક્ષરી]

ઝટપટ દોડી ગયા, સૈનિકો વચન સુણી.
ગ્રામ્યમાતા રહેતી તે, ખેતરમાં આવી પૂગ્યા.
દીકરીને વેણ કીધું,” રાજા બોલાવતા તને.
ફટાફટ તૈયાર થા; રાજદરબારે જવા.”

[શિખરિણી]

પછી આવી પૂછે, દીકરી ચમકી મ્હેલની મહીં.
“પ્રતાપી રાજા હે! મુજ ભૂલ થઈ શું ગઈ, કહો.”

[સ્રગ્ધરા]

જોશી બોલ્યા પછી ત્યાં, ચપળ નયનની,સુંદરીને નિહાળી
“તારો ગુનો નથી કો; નસીબ તુજ અહીં, તાણીને આજ લાવ્યું.
તારા ભાગ્ય મહીં હા ! વદન તવ અને ભાલ બોલી કહે છે;
રાજા સાથે લખાણું, નસીબ તુજ નકી; ટીપણું આ વદે છે.”

[શિખરિણી]

“થવાને સરજાણી, ચપળ વનિતા, રાજરાણી
અરે! રાજા તારું, નસીબ સઘળું હા! ખુલી ગયું.”

પછી રાજા બોલ્યા,“ ચપળ વનિતા! ધ્યાનથી સુણો.
અમારી સાથે શું, જીવન જીવશો આપ અહીંયાં?”

[કવિત]

શરમાઈ ગઈ ભોળી, ગ્રામ્યકન્યા કુમળી
વદનને નીચું કરી, મંદ સ્મિત મુખે ધારી,
મૃદુ સ્વર ટપકતા, સો સો કળીઓ ખીલી
સભાજનો સહુ સુણે, ‘ગ્રામ્યકન્યા કહે છે શું?’

“ગ્રામ્યકન્યા જાત મારી, રાજ-કાજ જાણું શું હું?
ગામડાની પ્રીત મારે, ખેતરમાં જીવ મારો.
મ્હેલમાં મુંઝાઉં હું તો, માવતર-પ્રીત છોડી.
વચન તમે જો આપો, જનતાનું હિત જાણી;
જનતાનું હિત વ્હાલું, સદા દિલમાં ધરો;
આપ સંગે વિચરવા, ધરપત મુને થાશે.”

[પૃથ્વી]

વિચાર શબદો સુજાણ, પસર્યા સભામાં અહો!
સહુ જન સુણે લગાર, નિસરે શબ્દ ના તહીં.
ઘડીક સમયે વિચારી, ભૂપતિ સભામાં વદ્યા,
“કબુલ અમને તમામ, વચનો બધાં આપનાં.
રહેશે દિલમાં વિચાર, જનતા હિતોનાં બધાં.
સુખેથી કરજો સમસ્ત, જનને સુખિયાં સદા.”

[શાર્દૂલ વિક્રીડિત]

‘સાધુ!’નાદ પુકારતા સહુ જનો, આ રાજવાણી સુણી
દુંદુભિ રવ ગાજિયા નગરમાં, આનંદ ઉલ્લાસના.
આખા દેશ મહીં અમોઘ ઉમટ્યા, આનંદના ધોધ હા!
સુખોના દરિયા અમાપ ઘુઘવ્યા, સઘળી દિશાઓ ભરી.


‘કલાપી’નો ટૂંક પરિચય

અને ‘ગ્રામ્યમાતા’ના બે વીડિયો….

ગ્રામ માતા: ભાગ – ૧

ગ્રામ માતા: ભાગ – ૨ કલાનિકેતન – રાજકોટના સ્વરાંકનમાં

એવું ના બને? એવુંયે બને

આમ તો આ કવિતા ‘કાવ્યસૂર’ પર ૩૦, નવેમ્બર-૨૦૦૯ ના રોજ પ્રકાશિત કરી હતી. પણ કળાના એક સાવ અલગ જ પાસાંને ઉજાગર કરવા એનું બહુ જ કલાત્મક રૂપ ‘હોબી વિશ્વ’ પર ૨૧, જુલાઈ- ૨૦૧૧ના રોજ તરતું મુક્યું હતું. યુ.કે.ના અનેક પ્રતિભાઓ ધરાવતા શ્રી. દિલીપ ગજ્જરે એ કવિતાને કેલિગ્રાફિક દેહ આપ્યો હતો.

સૂર ની સાધનામાં આ બહુ જ વ્હાલી રચનાના  આ બન્ને  દેહ વાચકોને માણવા મળે; એવો ભાવ જાગ્યો; અને આ કવિતા પુનઃ પ્રકાશિત થઈ રહી છે.

કેલિગ્રાફિક દેહ

શબ્દ દેહ

મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહૂકો રણકારતો સ્વર જો ભળે – એવું ના બને? એવુંયે બને.

નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને? એવુંયે બને.

બળબળતી હોય આગ દુખતા દિલે,
શિતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને? એવુંયે બને.

મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે .- એવું ના બને? એવુંયે બને.

કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને? એવુંયે બને.

વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને? એવુંયે બને.

ભૂત અને ભાવિનાં વમળો  ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને? એવુંયે બને.

————————

      તા. 28 નવેમ્બર, 2009 ના દિને  રીવરસાઈડ, કેલિફોર્નીયા ખાતે (લોસ એન્જેલસ વિસ્તારમાં) શ્રી. રમેશ પટેલ (આકાશદીપ) ના ત્રીજા કાવ્ય સંગ્રહ ‘ત્રિપથગા ના વિમોચન પ્રસંગે એક બહેને અત્યંત મધૂર કંઠમાં રમેશભાઈની  એક રચના ‘એવું ના બને’ નું પઠન કર્યું હતું; અને બીજાં બહેને વહેતા  કરી દે તેવા લયમાં એ પંક્તિઓ ગાઈ સંભળાવી હતી. આજે, મારા ભાણેજ શ્રી. સમીર વ્યાસ અને તેની પત્ની ભૈરવીના સાન હોઝે ખાતેના ઘેર પાછા ફરી, બપોરની વામકુક્ષી દરમિયાન ઉપરોક્ત રચના આકસ્મિક ઊભરી આવી.

     આ પસંગે નેટમિત્રો સર્વ શ્રી. ચન્દ્રકાંત મિસ્ત્રી, દિલીપ પટેલ, જયેશ પટેલ, વલ્લભ ભક્ત અને બીજા નવા મિત્રોને મળવાનો પણ અમૂલ્ય લ્હાવો મળ્યો. બીજા આવા જ સ્નેહી મિત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેના 75મા જન્મદિનની ઊજવણી પણ આ જ સમયે હોવાના કારણે તેઓ આવી શક્યા ન હતા; પણ અંતરથી બધાંની સાથે જ હતા. કેપ્ટનને જન્મદિન મુબારક.

    આવો અપ્રતિમ સંજોગ પૂરો પાડવા માટે,  રમેશભાઈ અને તેમના કુટુમ્બીજનોનો અને સમારંભના સંચાલકોનો અને કાર્યકરોનો આભાર માનું એટલો ઓછો છે.

રમેશભાઈનો પરિચય

રવિવાર તા. 29 ના રોજ શ્રી રમેશભાઈએ પોતાનો બ્લોગ આકાશ દીપ નેટ જગતમાં તરતો મૂક્યો છે. એની મૂલાકાત લેવા વાચકોને ઈજન છે.

આ સમારંભનો લાગણી સભર પ્રારંભિક અહેવાલ વાંચવા અહીં ‘ ક્લીક’ કરો.

ધ્યાન હાઈકુ

વિચાર, કામ

નહીં હર્ષ શોકેય.

આતમ દીવો ઝગે.