સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: લેખ

જાગૃતિની શરૂઆત

૨૦૧૧, જાન્યુઆરી – અમદાવાદ

‘સુજા’ – તમે દેશની મૂલાકાત વખતે મોટાભાઈને ઘેર મળવા આવ્યા છો. થોડીક વાર પછી, એમની પુત્રી કૌમુદી બહારથી થાકીપાકી આવે છે. ખભા પરનો થેલો ઊતારી સામે બેસે છે. તમને ખબર છે કે, તે આર્ટ ઓફ લિવિન્ગની શિક્ષિકા છે, અને કલોલમાં એનું શિક્ષણ આપીને આવી છે.  થોડીક વાતચીત પછી તમે મનમાં સળવળતો કુતૂહલનો કીડો સંતોષવા એને પૂછો છો –

“આ આર્ટ ઓફ લિવિન્ગ શું છે?”

     કૌમુદી – “એ સમજવા કે જાણવાથી તમને કશો ફાયદો નહીં થાય. તમારે એની બરાબર તાલીમ લેવી પડે, અને એનો નિયમિત અભ્યાસ કરવો પડે.”

     પછી તો તમે ઘેર ગયા. પણ મનમાં જવાબ ન મળવાની ચટપટી વળગી ગઈ. એકાદ અઠવાડિયા પછી, તેને વિનંતી કરી કે, એના હવે પછીના કોર્સમાં તમને સામેલ કરે. એણે તમને દાખલ પણ કરાવી દીધા. કાળક્રમે એમાં પહેલા દિવસે ગયા પછી, બીજું કામ આવવાના કારણે એ પૂરો ન થઈ શક્યો. કૌમુદીને એ ન ગમ્યું – એટલે બીજા બે ત્રણ સંબંધી અને અન્ય વીસેક ભાઈ બહેનોની એક ખાસ બેચ બનાવી તેણે અમદાવાદમાં જ એક કોર્સ યોજ્યો.

   આર્ટ ઓફ લિવિન્ગની સુજાને મળેલી આ બીજી તક પણ એના સ્વભાવ મુજબ ‘ગનાન’ મેળવવા પૂરતી જ મર્યાદિત રહી!  

   પણ છ મહિના પછી, જુલાઈ – ૨૦૧૧ માં અરવિન, ટેક્સાસ ખાતે યોજાયેલ રિફ્રેશર કોર્સમાં તમે ફરીથી ભરતી થઈ ગયા. એના અંતે એના શિક્ષક શ્રી. વેન્કટે પ્રતિજ્ઞા લેવડાવી કે,

    ‘ચાલીસ દિવસ એની સાધના ચાલુ રાખીશ. જો એકાદ દિવસ પડે તો વાંધો નહીં, ફરીથી એકડે એકથી શરૂઆત કરીને નવા ચાલીસ દિવસ સાધના કરીશ.“

    અને……એ બીજી નાનકડી સૂચના કામ કરી ગઈ! સુજા – તમે બરાબર ચાલીસ દિવસ યોગ, પ્રાણાયમ અને સુદર્શન  ક્રિયાની સાધના પૂરી કરી શક્યા.

    બસ – એ ઘડી અને એ સતત મહાવરો – આજના દિન સુધી એ અભ્યાસ જારી રહી શક્યો છે. અલબત્ત એમાં પણ ઘણીવાર ઘણી ચૂક થઈ છે. પણ દસ વર્ષના મહાવરાના કારણે, શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરી મનના પ્રવાહો અને આવેગો પર નજર રાખી શકવાની આદત તમને હવે ‘સહજ’ બની ગઈ છે.

એના ફાયદા સ્વયંસંચાલિત રીતે ( automatically) મળતા થવાના કારણે, એ પધ્ધતિ કામ કરે છે.’

– એ વિશ્વાસ તમારા ચિત્તમાં વજ્રલેપ બની ગયો છે.

ભજન / માળાને રામ રામ !

૨૦૦૨ની સાલમાં આશરે નવેમ્બર મહિનો

સુજા તમે કાર ચલાવતાં સ્થાનિક મંદિર તરફ જઈ રહ્યા છો. આખા રસ્તે ગાયત્રી મંત્રની માળા ચાલુ જ છે.  પાંચ માળા પૂરી કરવાનો નિત્ય નિયમ ચૂક્યા વિના પાળવાનો છે. દીકરીના ઘરના બેક યાર્ડમાં આવેલા હિંચકા/ લપસણી પર એનાં બાળકોને ઝૂલાવતાં તમે પાંચ ભજનનો ક્વોટા પૂરો કરી દીધો છે. છેલ્લી માળાનો છેલ્લો શ્લોક પતાવી  ‘આજનું કામ પૂરું થયું.’ એવો હાશકારો કરી તમે ઉપરછલ્લો આનંદ માણી લો છો. પણ,  ‘આમ માળા/ ભજન કરવાથી પરમ આનંદ અને શાંતિ મળશે.’  –  એ માન્યતા રોજની જેમ જ ઠગારી નિવડી છે. ખેર! આ જ તમારી નિયતિ છે, એમ મન મનાવી તમે કાર પાર્ક કરીને મંદિર તરફ પ્રયાણ આદરો છો.

  ‘દેશમાં કેવી દોમ દોમ સાહ્યબી હતી? કમ્પનીએ આપેલ મહેલ જેવા ક્વાર્ટરમાં ચાર ચાર કામ કરનારા મદદનીશો હતા. (ચોવીસ કલાક માટે નોકરો માટેના ક્વાર્ટરમાં રહેતી કામવાળી બાઈ, ઘરની સાફસૂફી માટે સફાઈ કામદાર, મોટા બગીચામાં કામ કરવા માટે માળી અને કમ્પનીએ આપેલ ગાડી ચલાવવા માટે ડ્રાઈવર). ઓફિસમાં એક પટાવાળો માત્ર તમારી સેવા માટે હાજર રહેતો. અંગત સ્ટેનોગ્રાફર – ભૂલ્યો, પ્રાઈવેટ સેક્રેટરી તમારો પડ્યો બોલ ઝીલી લેવા તમારી ઓફિસની બહાર હમ્મેશ હાજર રહેતો. ૧૫૦ ઓફિસરોની ફોજ તમારી ૨૫૦૦ માણસોની સેનાના મોખરે હતી.’

  ‘અને આ દોજખમાં? દિવસમાં ત્રણ વખત વાસણ ઊડકવાનાં- એ તો ઠીક; દોહિત્રોનું મેલું પણ તમારે સાફ કરવું પડે છે. રાજરાણીની જેમ દેશમાં  મ્હાલતી તમારી પત્ની અહીં રસોયણ છે. મેલાં લુગડાં એને જ ધોવાં અને વાળવાં પડે છે.’

  ‘બધી મજા ઓસરી ગઈ.
એ સલ્તનત ભાંગીને ભૂક્કો બની ગઈ.
એ તાજ ગયો, એ પાટ ગઈ, એ શહેનશાહી ગઈ.
જીવન ઝેર જેવું બની ગયું.’

    આ રોજ અનેક વાર થતી સ્વગતોક્તિ ક્યારે તમારો પીછો છોડશે? આવા હાયકારા સાથે તમે મંદિરમાં પ્રવેશો છો. આજે દેશમાંથી આવેલા, દંતાલીના સચ્ચિદાનંદ સ્વામીનું વ્યાખ્યાન છે. તમે સાવ નીરસ ભાવે એ સાંભળવા ખુરશી પર બિરાજમાન થાઓ છો. એમના તેજસ્વી મુખારવિંદ સામે જોતાં  તમે ચપટિક ઈર્ષ્યાભાવ પણ સેવી લો છો. ‘આવી પરમ શાંતિ અને સંતોષ આ જન્મમાં કદી તમારા નસીબે આવશે ખરાં?’

     સ્વામીજીનું વ્યાખ્યાન શરૂ થાય છે. એમની વેધક અને અસ્ખલિત  વાણીના પ્રવાહમાં તમે તણાવા લાગો છો. ધીમે ધીમે એમના વિચાર અને વાણી તમારા ચિત્તમાં કોઈક નવા જ પ્રવાહોને જન્મ આપવા માંડે છે. ‘મરણ બાદ મોક્ષ પ્રાપ્તિના લક્ષ્ય કરતાં, આ ક્ષણમાં જીવતા થવાની  વાત જરૂરી છે.’  એમ વળી વળીને અને અનેક ઉદાહરણો આપીને સ્વામીજી સમજાવતા રહે છે. કશીયે સાધના વિના તમારા અંતરમાં એક ટાઢો શેરડો વહેતો થયાનો ક્ષણિક ઉલ્લાસ તમારા કોશે કોશમાં તમે અનુભવો છો. સેવાના આનંદની સર્વોત્તમતા પણ સ્વામીજીએ દાખલા દલીલો સાથે સમજાવી છે. દીકરીના ઘરમાં કામ કરી, તમે પણ એક નાનકડો સેવાયજ્ઞ આદર્યો છે – એ સત્ય તમને સમજાતું જાય છે.

     વ્યાખ્યાન પૂરું થાય છે. આખા રસ્તે કોઈક પરમ ઉલ્લાસ તમારા અંગેઅંગમાં ફરી વળ્યાનો અહેસાસ તમે કરતા રહો છો. આશાના એક નવા કિરણ સાથે તમે ઘેર પાછા ફરો છો. ‘આજથી જ બધા ભજન અને માળાને બાય બાય…’ આ સંકલ્પ સાથે તમે મોડી સાંજના ઘેર પહોંચો છો. કેટલા બધા મહિના પછી તમને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે.

    એ ઘડી અને એ પ્રસંગ –

‘સુજા’એ પાછું વાળીને જોયું નથી.

ખલીલ ધનતેજવી હવે નથી

આજે અવસાન પામેલા બુલંદ અવાજવાળા , મનગમતા , અમદાવાદી શાયર સ્વ. ખલીલ ધનતેજવીનો આ શેર નેટમિત્ર નિરંજન મહેતાએ મોકલ્યો અને એની પર ગઝલાવલોકન લખવા ચળ ઊપડી !

પણ એ અવલોકન પહેલાં ખલીલજીનો પરિચય વાંચી લો – અહીં

ઘોર અંધારામાં મધરાતે જે ભટકાયો હતો,
ભરબપોરે ગૂમ થયેલો મારો પડછાયો હતો.

હાથ તેં ઊંચો કર્યો હતો આવજો કહેવા અને,
લાલ પાલવ કોઈનો અધવચ્ચે લહેરાયો હતો.

એ ખરો ખોટો હતો, એ તો પછી સાબિત થયું,
એક જણ મૃત્યુ પછી લોકોને સમજાયો હતો.

આ અજાણ્યા શહેરમાં પણ ઓળખે છે સૌ મને,
એ હદે ક્યારે વગોવાયો કે પંકાયો હતો !

જો પતંગિયું હોલવી દેતે તો દુઃખ થાતે મને,
મારો દીવો સીધો વાવાઝોડે ટકરાયો હતો.

ભીંત ફાડીને ઊગ્યો છું પીપળાની જેમ હું,
હું વળી ક્યાં કોઈના ક્યારામાં રોપાયો હતો ?

પર્વતો કૂદી જનારો સ્હેજમાં ભાંગી પડ્યો,
આ વખત એ કોઈની પાંપણથી પટકાયો હતો !

હું ખલીલ, આજે મર્યો છું, એ પ્રથમ ઘટના નથી,
જિન્દગીભર હપ્તે હપ્તે રોજ ચૂકવાયો હતો.

– ખલીલ ધનતેજવી

અને હવે…… ગઝલાવલોકન

એમના અવસાન કાળે જીવન અને મરણ વિશેની આ ગઝલ એ બન્ને વિશે ઘણું બધું કહી જાય છે. ગઝલાવલોકનમાં કાવ્ય રસ દર્શન કરવાની ઝંઝટ નથી હોતી; એટલે સીધા જ મનમાં આવેલા વિચારો-

જીવનની ભરબપોરે ગુમાનમાં ચકચૂર આપણને આપણો પડછાયો દેખાતો નથી હોતો ! અજ્ઞાનથી ભરેલી અંધારી મધરાતે પણ આપણો નકારાત્મક દેહ આપણે જોઈ શકતા નથી હોતા. પણ જીવનની હકીકત એ છે જ કે, આપણે હર ક્ષણે મરતા હોઈએ છીએ! આપણી મગરૂરીમાં મુસ્તાક એવા આપણને એ ભાન નથી હોતું કે, મરણ એક એક ક્ષણે નજીક આવતું જ હોય છે –

અચૂક ……

મોટા ભાગે તો આપણે મડદા જેવા જ મુડદાલ હોઈએ છીએ. જીવતા હોવાનો તો એક ખયાલ જ હોય છે. આપણને જીવવું શી રીતે એ શીખવવામાં જ આવ્યું નથી હોતું – ભલે પી. એચ.ડી. સુધીની ‘ઉપાધિ’ પ્રાપ્ત કરી હોય! પીપળા જેવો ઊંચો આપણો અહંકાર દિવાલ ફાડી નાંખે તેવો હોય છે.

આમ જ જીવનનાર સૌને …..

અવસાન મુબારક !

નૂતન ભારત – ૧

આજથી ‘વેબ ગુર્જરી’ પર શરૂ થયેલી એક લેખ શ્રેણીના પ્રાસ્તાવિકમાંથી…

     પ્રિન્ટ મિડિયા અને હવે તો નેટ ઉપર પણ, સમાચારોનું વર્ગીકરણ કરીએ તો મોટા ભાગના સમાચારો ફિલ્મો, રાજકારણ, ધર્મ કારણ, હિંસા, અત્યાચાર, સેક્સ, બદ દાનતો,ભ્રષ્ટાચાર વિ. ને લગતા જ વાંચવા મળે છે – મોટા માણસોની નાની નિયતની ઘણી બધી વાતો. ભારતમાં તો બધું આવું જ છે, અને એમ જ ચાલે – તેવી માન્યતા વિશ્વમાં તો શું ખુદ ભારતીય લોકોના માનસમાં પણ ઘર ઘાલી ગઈ છે.

     પણ છેક એમ નથી. નાના માણસોની મોટી વાતો પણ છે જ. એ પૂણ્યના પ્રતાપે તો દેશનું ગાડું ચાલે છે.

પહેલી વાર્તા…

http://webgurjari.in/2016/10/16/the-modern-india_1/

રાક્ષસી યંત્રો

       એ યંત્રો જોજનોનાં જોજનો સુધી પથરાએલાં છે. દુનિયાનો કોઈ પણ દેશ એનાથી બાકાત નથી. એ યંત્રો દિનરાત ધમધમતાં જ રહે છે. અલબત્ત ક્યાંક એ મશીનરી એકવીસમી સદીની, એકદમ હાઈટેક છે; તો ક્યાંક એ સાવ ચૌદમી સદીના રેંટિયા જેવી ! ભાગ્યે જ કો’ક રડીખડી જગ્યા હશે જ્યાં આવાં કોઈ યંત્રો અસ્તિત્વ ધરાવતાં નહીં હોય ! આ યંત્રોને કોઈ ‘હોલી-ડે’ હોતો નથી ! માનવસંસ્કૃતિના વિકાસ અને ઉત્ક્રાન્તિ સાથે એ યંત્રો પણ વધારે ને વધારે જટિલ, વધારે રાક્ષસી બનતાં રહ્યાં છે.

     એ શેતાની ચરખાનું મૂળ પ્રયોજન તો માનવજીવનને સુખમય બનાવવા માટે જ છે; અને એમ કરવાનો એનો હેતુ બાહ્ય  દૃષ્ટિથી  દેખાય પણ છે. પરંતુ વાસ્તવમાં એણે અગણિત તબાહીઓ સર્જ્યાં જ કરી છે. માનવસમાજના મહત્તમ હિસ્સાને તેણે નર્કની બળબળતી આગમાં હજારો વર્ષોથી શેક્યે જ રાખ્યો છે. એણે માનવજીવન માટે જાતજાતની સુવિધાઓ અને આનંદપ્રમોદનાં સાધનો ભલે ને બનાવ્યાં હોય; એ બધી મતા હડપ કરી લેવાની, ન સંતોષી શકાય એવી ભૂખ અને તરસ પણ એની જ આડ પેદાશો છે.

     જે ચંદ માનવજંતુઓ એનાથી લાભ પામી ઊંચા પિરામિડો પર મ્હાલે છે; એમને પણ એમના વૈભવશાળી, કુશાદ રજવાડી મહેલોમાં આરામની ઊંઘ આવી શકતી નથી. ક્યાંક કોઈક બીજું જંતુ એમની સંપદા ઓહિયાં ન કરી જાય એની ચિંતા એમને સતાવતી રહે છે. સરવાળે એ રાક્ષસી યંત્રો અકલ્યાણકારી વધારે સાબિત થયાં છે.

    આમ તો એના ચારેક મુખ્ય ભાગ છે. દરેક ભાગનું કાર્યક્ષેત્ર સાવ અલગ છે. એ બધાય ભાગો બહારથી તો બહુ જ ચિત્તાકર્ષક લાગે છે; બહુ ઝળહળતું એમનું ‘પેકીંગ’ છે, પણ દરેકનું સરવાળે લક્ષણ તો ઉપરોક્ત તબાહીઓ સર્જવાનું જ રહ્યું છે. એ હંધાયનાં જિન્સ ‘કોમન’ છે ! હા, એ એકમેકની રાક્ષસીયતાને સંવર્ધે છે જરૂર ! એ એકમેકનાં પૂરક છે. એમની વચ્ચે મજેની સાંઠગાંઠ જમાનાઓથી હાલી આવે છે !

    આ રાક્ષસી યંત્રોનો કાચો માલ અબજો અંધારી ખાણોમાં પાકે છે. બીજા કાચા માલની ખાણો તો કાળક્રમે માલ વિનાની બનીને બંધ પડે, પણ આ ખાણો તો રાતે ન વધે એટલી દિવસે વધતી જ રહે છે !

    એ કાચો માલ સીધો આ યંત્રોમાં લાવવામાં આવતો નથી. એને એ યંત્રોને યોગ્ય બનાવવા બીજાં ચારેક સ્તરનાં નાનાંનાનાં યંત્રો પણ છે. આમ તો આ બાળયંત્રોનો ઉદ્દેશ પણ ગુણવત્તા ભરેલો માલ તૈયાર કરવાનો જ છે; પણ એ પણ ઓલી રાક્ષસી માયાનાં ફરજંદ જેવાં જ છે.

    કોઈક કાચો માલ આ યંત્રોને યોગ્ય બની શકતો નથી. એમને સ્વીકારી ‘કશુંક’ કરી શકે તેવી ‘કાબેલિયત’ આપવાનાં યંત્રો પણ મોજૂદ છે ! આ યંત્રો એ ઘટિયા માલની કાળાશને વધારે ને વધારે ગોબરી, કાળા ગ્રેનાઈટ જેવી ચમકતી અને ધારદાર કરી આપે છે. એમણે આમ ‘પ્રોસેસ’ કરેલો માલ ઓલ્યાં યંત્રોને વિનાશક પ્રવૃત્તિઓ સતત કર્યે રાખવામાં મશગૂલ રહે છે.

    આ કાચો માલ યંત્રોમાં પીસાતોપીસાતો વધારે ચમકતો અને દમકતો બનતો હોય એમ લાગે છે. એવો ચમકતો બનેલો માલ એ મશીનરીના બહુ વિકસિત હિસ્સાઓ તરફ ઉર્ધ્વગતિ કરી શકે છે, પણ બહુ નાની માત્રામાં એ ‘ફિનિશ્ડ પ્રોડક્ટ’ બની શકે છે. મોટા ભાગનો માલ તો ઘસાઈઘસાઈને ચારણી જેવો બની કચરાપેટીમાં ગમન કરવા જ સર્જાયો હોય છે.

    જે ઝગમગતો માલ માખણની જેમ તરીને ઉપર આવે છે, તે આ યંત્રોને ગ્રસી જવા હોડ બકે છે ! વળી આશ્ચર્યની વાત તો એ છે કે ઓલ્યા ‘કશુંક’ કરી શકે તેવા ગોબરા માલની પણ આ જ વૃત્તિ રહી છે. આ બન્ને આખરી માલ  – ઝગમગતા અને કાળા કોલસા જેવા – એકમેકની બહુ નજીક જોવા મળે છે !

     બીજી આશ્ચર્યની વાત તો એ છે કે અન્ય યંત્રોમાં તો એના પુર્જા ઘસાતાં નકામા બની જાય છે, પણ અહીં તો એ વધારે ને વધારે રાક્ષસી બનતા જાય છે. એ પુર્જા કદી અવસાન નથી પામતા.

     ક્યાંક એ પુર્જાઓએ આ રાક્ષસી યંત્રને અતિ ભીષણ બનાવવા કરેલું પ્રદાન(!) તોડી ફોડી; એની જગ્યાએ એ યંત્રને રાક્ષસી નહીં, પણ દૈવી બનાવે તેવા પુર્જા વસાવવાના પ્રયત્નો થયા છે – જેથી આ યંત્રનો માનવકલ્યાણનો મૂળ ઉદ્દેશ બર આવે, પણ કમનસીબે એ પુર્જા તો ઘણા વધારે રાક્ષસી જ પુરવાર થયા છે.

     અને આ સમસ્ત પ્રપંચ શું પેદા કરે છે?

    ગગનચુંબી મહાલયો, માઈલોના માઈલો સુધી ફેલાયેલા રસ્તાઓ, મહાસાગર કે આકાશને તો શું સ્પેસને પણ આંબી દે તેવાં જહાજો, અત્યંત મનોહારી  કલાકૃતિઓ, સાહિત્યો, અવનવી વૈજ્ઞાનિક શોધો, જ્ઞાન વિજ્ઞાનના સતત વર્ધમાન ખજાનાઓ…

    અને ગંદી, ગોબરી અને સડતી ઝૂંપડપટ્ટીઓ; વેશ્યાલયો, ખુનખાર યુદ્ધો, આગ, લૂંટ, અત્યાચાર, પાશવતા, માનવસંહાર, જાળ અને ફરેબ, ગંદી કામનાઓ, કદી ન સંતોષાય એવી એષણાઓ અને એને સંતોષવાના કરતૂતોની વણાજારોની વણજારો………

    કદાચ હવે થોડોક અણસાર આવતો જાય છે ને ? કયાં છે આ રાક્ષસી યંત્રો ?

    માનવ સમાજની સમાજવ્યવસ્થા, અર્થવ્યવસ્થા, રાજકીય વ્યવસ્થા, કાયદાકીય વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા વગેરે.

    એનો કાચો માલ પૂરો પાડનારી ખાણો એટલે કુટુંબો; તમે, હું, આપણે સૌ !  એ માલને તૈયાર કરનારાં નાનાંનાનાં યંત્રો એટલે શાળાઓ, કૉલેજો, યુનિવર્સિટીઓ અને એ ગ્રેનાઈટી માલનાં થાનકો –અંધારી આલમો.

    એ વિકલ્પી પુર્જાઓ એટલે સામ્યવાદ, નાઝીવાદ, ફાસીવાદ જેવી વૈકલ્પિક વ્યવસ્થાઓ.

    આપણે આ સમગ્ર વ્યવસ્થાને ‘માનવસંસ્કૃતિ’ જેવું રૂપાળું નામ ભલેને આપ્યું હોય – એ બહુ મોટી માયા જ છે !

    અગાઉ જણાવ્યું હતું તેમ, કો’ક રડીખડી જગ્યાઓના માનવસમાજોએ આ માયાને જાકારો આપેલો છે. કદાચ ‘હાદઝા’ જેવા એ સમાજો વધુ નૈસર્ગિક, વધુ સમતોલ, વધુ સુખી અને સંતોષી છે. એમને આવાં કોઈ યંત્રો વસાવી પીડા વ્હોરી લેવામાં આજની તારીખમાં પણ રસ નથી !

    બોલો ! તમારી પાસે આ માયાનો કોઈ વિકલ્પ છે ખરો?

…………

વધારે વાંચન માટે :

તમે ટહૂક્યાં

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું.
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું.

– ભીખુ કપોડિયા

પહેલી નજરે પ્રણયકાવ્ય લાગતું આ ગીત આમ તો પ્રિયતમાના કોકિલકંઠી અવાજની સ્તુતિ જ લાગે. પણ શ્રી. અજિત શેઠની આ અદભૂત સ્વરરચના સાંભળતાં પહેલાં એનો રેકોર્ડીંગમાં ઊમેરેલો અનેરો રસાસ્વાદ સાંભળીને કોઈ પણ સર્જક ઝૂમી જ ઊઠે.

જ્યારે કોઈ સર્જકના અંતરના ઊંડાણમાંથી બોલ ઊઠે છે; ત્યારે સર્જન નર્તનના ચાળે ચઢી ઊઠે છે. સર્જકની સર્જ્કતાને પાંખો ફૂટે છે અને આખુંયે આકાશ લીલ્લેરા હિલ્લોળે ચઢી ઊઠે છે. જાણે કે, લીલી વનરાઈમાં સારસની બે જોડ પ્રણયમસ્તીમાં મ્હાલતી ન હોય? અંતરમાંથી ઊઠતા એ ટહૂકાને વાંસળીના મધુર સૂરની ઉપમા આપનાર આ કવિ પણ ટહૂકી ઊઠ્યો છે. એના અંતરની તરસને  સંતોષતું એ જળ વનવનમાં વહેતા નાનકડા ઝરણાની ઉપમાને પાત્ર જ છે ને?  ગમે તેવો બળબળતો તડકો ન હોય; સર્જકની આંખ મોરલાના પીંછા જેવી રંગબેરંગી અને રમણીય બની જાય છે.

સર્જકના અંતરની વાણીને આનાથી વધારે સારી અંજલિ શું હોઈ શકે? એ ભાવની નાજૂકાઈને બહુ જાણીતા નહીં તેવા આ કવિએ બહુ માર્દવતાથી મઢી લીધી છે.

આ ભાવ માણવા એ ગીતજ માણવું  પડે; એના બોલની સાથે ગુંજારવ જ કરવો  પડે.

આ પ્રણયગીત કરતાં સર્જનક્રિયાની મધુરતાનું ગીત વધારે છે.

એક બીજો પ્રયોગ !

પ્રીય ભાઇ શ્રી. કાર્તીક મીસ્ત્રીના બ્લોગ ‘મારા વીચારો, મારી ભાષામાં’ પરની એક ટપાલ વાંચીને આ ડોહાને શુર ચડ્યું કે ,ગુજરાતી કક્કો આખો આવી જાય તેવું વાક્ય લખું તો જ ભડનો દીકરો ખરો !!

અને બાપુ ! આંય કણે આ ડોહો મચી પડ્યો…..  જુઓ આ ગઇકાલ રાતનું સર્જન  –

ઇ.સ. 1978 ની 25 તારીખે, 06-34 વાગે, ઐશ્વર્યવાન, વફાદાર , અંગ્રેજ ઘરધણીના આ ઝાડ પાસે ઉભેલા બાદશાહ; અને ઓસરીમાંના ઠળીયા તથા છાણાના ઢગલા દુર કરીને, ઔપચારીકતાથી ઉભેલા ઋષી સમાન પ્રજ્ઞાચક્ષુ ખાલસાજી ભટ મળ્યા હતા.

આમાં ‘અ’ ની બારાખડી ; ‘ક’ થી ‘જ્ઞ’ વ્યંજનો અને 0 થી 9 ના આંકડા આવી જાય છે !!!

હવે ટેસ્ટીંગ વાળા ભાયું ને બેન્યું , આ અંગ્રેજ ઘરધણી, બાદશાહ અને ભટજીની વાત દીલ દઇને વાપરો…

ગુજરાતી લીપીમાં ધ્વની અભ્યાસ

મેળાની વેળા જે જે જીતી હતી તે તે મેહુના માં વીચારો કમના પા હેલાં બીંદુની જે ચમતા તા. ‘શું શોના  દોડીને તેનેકાશે કે, મોંઢું ઢાવીને ચાતી પકશે?’

————————————————–

       ઉપરના એક સાવ નાના વાક્યનો આપણે અભ્યાસ કરીએ. આ અભ્યાસમાં માત્ર  ‘અ’,  ‘એ’ અને ‘ઓ’ ની બારાખડી ઉપર ધ્યાન કેન્દ્રીત કરેલું છે. જે જે અક્ષરો થોડી મોટી માત્રામાં બોલાય છે તેમને અહીં લાલ દર્શાવ્યા છે. જે જે અક્ષરો થોડી નાની માત્રામાં બોલાય છે તે વાદળી અક્ષરે દર્શાવ્યા છે.

          બહુ જ સરળતાથી આપણે અહીં જોઇ શકીએ છીએ કે, જેમ બોલીએ છીએ તેમ આપણે લખતા હોતા નથી.  અને આ બધાને ચુસ્તીથી જુદા તારવવા લીપી સર્જીએ તો તે કેટલી ક્લીશ્ટ થઇ જાય. આપણને આમ જ વાંચવા ટેવ પડેલી છે, માટે આપણને તે સહેજ પણ કઠતું નથી. હવે આ જ વાક્ય સામાન્ય રીતે લખેલું વાંચો –

—————————————————–

        મેળાપની વેળા જેમ જેમ નજીક આવતી હતી તેમ તેમ મેહુલના મનમાં વીચારો કમળના પાન પર રહેલાં જળબીંદુઓની જેમ ચમકતા હતા. ‘શું શોભના  દોડીને તેને આવકારશે કે, મોંઢું ચઢાવીને ચાલતી પકડશે?’

બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 3

ભાગ -1   :    ભાગ -2   

(એય …….  ભાયું ને બેન્યું ! ઉંઝા જોડણી વાપરવા બદલ જરીક મને ખમી ખાજો બાપલા ! )

        સ્વાનુભવની બીજી વાત…….. આ બ્લોગીંગ માળું એક વ્યસન બની ગયું છે. તેના કારણે રોજના ઇમેલોની સંખ્યા પણ ઘણી વધી ગઇ છે. જે પ્રવૃત્તી નીજાનંદ માટે શરુ કરી હતી, તે થોડી બોજારુપ બનતી જતી હોય તેમ સતત લાગ્યા કરે છે. હવે તો નેટ પર વાંચવાનું પણ ઘણું બધું વધી ગયું છે. ઘણું જતું પણ કરવું પડે છે. માટે દરરોજ દરેક બ્લોગ પર એક ટપાલ મુકવાનો નીયમ નેવે મુક્યો છે. જ્યારે પ્રેરણા થાય, સમયની અનુકુળતા હોય અને બીજા કામોની અને જવાબદારીઓની ધોંસ ન હોય ત્યારે આ પ્રવૃત્તી કરવી; તેમ નક્કી કર્યું છે. વળી ટાઇમ સ્ટેમ્પની સગવડના કારણે આગોતરી પોસ્ટ કરી શકાય છે, તેનો લાભ લેવાનું પણ શરુ કર્યું છે. પણ હવે ક્યાંક બ્રેક મારવી પડશે એમ લાગે છે!

       સ્વાનુભવની ત્રીજી વાત  ……..એક સાવ નવો ત્રીભેટો પણ આકાર લઇ ચુક્યો છે. અને તે એ કે, આ પ્રવૃત્તીએ ‘પેશન’ માંથી ‘મીશન’ નું સ્વરુપ કંઇક અંશે ધારણ કર્યું છે. આપવાની નવી જન્મેલી વૃત્તી, જાતમાંથી બહાર આવી જવા મારા હોવાપણાને લલચાવી રહી છે. આનાં મીઠાં તેમજ માઠાં ફળ પણ ચાખવા મળતા જાય છે. જ્યારે ખુદની બહાર આવીએ ત્યારે આપણી ચીત્તવૃત્તી કોઇને અનુકુળ આવે, કોઇને ના પણ આવે. આમ સારા નરસા અનુભવો પણ થવા માંડ્યા છે. લોકોના સ્વભાવના વૈવીધ્યનો પણ ઠીક ઠીક અનુભવ થતો જાય છે ! હવે આ રસ્તે ચાલ્યા બાદ પાછા કદમ તો શેં મુકાય ? વળી આ ખુદમાંથી બહાર આવવાના સાવ નવા નક્કોર અનુભવની સાથે થોડી થોડી પ્રીતડી પણ બંધાતી જાય છે !

      સ્વાનુભવની ચોથી વાત  …… હવે વાતો મંડાણી છે – એક કેન્દ્રીય ગુજરાતી વેબ સાઇટ બનાવવાની. આની પહેલી પરીક્લ્પના મારા દીમાગમાં આજથી છ કે સાત મહીના પહેલાં પેદા થઇ હતી, જેમાં બધા ગુજરાતી બ્લોગો અને વેબ સાઇટોનું વીભાગવાર સમ્મેલન વાંચવા મળે. જ્યાં નવા બ્લોગરો માટે માર્ગદર્શન મળી રહે. રોજના સુવીચાર, શેર, વ્યક્તીવીશેશ, ટુચકા અને કોયડા પણ હોય. બાળકો અને ગૃહીણીઓ માટે અલગ વીભાગ હોય. વાચકો માટેનો ચર્ચામંચ હોય – જ્યાં અનેક વીશયો પર નીરંતર ચર્ચા અને વીચારવીમર્શ કરી શકાય. મેં તો માત્ર આમ વીચાર્યું જ હતું, પણ હ્યુસ્ટનના શ્રી. વીજય શાહે આ માટેનું બીડું ઝડપ્યું છે; અને ચાર પાંચ જવાંમર્દ જવાનીયાંઓએ આ માટે કમર પણ કસી છે. મને ચોક્કસ આશા છે કે, આ પ્રયત્નો એળે નહીં જ જાય, અને મોડા કે વહેલાં આવી વેબ સાઇટ બનશે જ. જ્યારે પણ તે આકાર લેશે ત્યારે, નેટ પર એક જ મંચ પર, આપણી વહાલી અને જાજરમાન ‘ મા ગુર્જરી’ સાતેય ખંડમાં ગૌરવથી મ્હાલશે.

          એક વર્શના આ બધા અનુભવોના આધારે અને આવી ગયેલ નેટ યુગની જરુરીયાતોને ધ્યાનમાં રાખીને નીચેની આચારસંહીતા મેં મારા પોતાના માટે નક્કી કરી છે :-

  1. સમયની અનુકુળતાએ કાંઇ ને કાંઇ પ્રદાન નેટ પર કરતા રહેવું , પણ તેનું વ્યસન પડે અને બીજી જવાબદારીઓ અદા કરવામાં અડચણ થાય તેનાથી દુર રહેવું.
  2. બની શકે તેટલા મારા રસના વીશયો પીરસતા બ્લોગ કે વેબ સાઇટની મુલાકાત લેવી, અને તેના સંચાલકોનો ઉત્સાહ વધે તેવી નાની મોટી કોમેન્ટ આપતા રહેવું.
  3. ઉગતા બ્લોગરોને બની શકે તેટલી મદદ કરતા રહેવું.
  4. નેટ પર બની શકે તેટલા વૈવીધ્યવાળી સામગ્રી પીરસાય તેવી પ્રક્રીયામાં સાથ આપવો.
  5. આ પ્રવૃત્તી દેશ પરદેશના ખુણે ખાંચરે રહેતા આમ આદમી સુધી કઇ રીતે પહોંચાડી શકાય, તેનો પરામર્શ કરતા રહેવું, અને મીત્રોને આ માટે સહકાર આપવા પ્રેરવા.
  6. એક નવા, મુક્ત મનના, કોઇ પણ પુર્વગ્રહ વીનાના અને વૈશ્વીક માનવ ચેતનાના ખયાલને ઉજાગર કરતા વીચાર-પ્રવાહને આકાર આપવાની પ્રક્રીયામાં સહભાગી થવું, અને તેમાં ઉદ્દીપન થાય તેવી પ્રવૃત્તીને પ્રાધાન્ય આપવું.

         મને ચોક્કસ વીશ્વાસ છે કે, માનવ ચેતનાનો આવી રહેલો નવો યુગ ‘નેટ યુગ’ જ હશે. આ શક્તીશાળી સાધનના પ્રતાપે મુળમાંથી જ માનવીય હોય તેવી વીચારસરણી ઉજાગર થશે, થશે ને થશે જ. કોઇ પણ ધર્મ, જાતી, રંગ, માન્યતા અને પુર્વગ્રહ રહીત એક નવી માનવજાતીના ઉત્કાંતીના આ નવા તબક્કામાં આપણે આપણો યત્ કીંચીત ફાળો આપીએ તો આપણે આપણો ધર્મ અદા કર્યો ગણાશે.
         મહામાનવના જન્મની પ્રસુતીપ્રક્રીયાનો આ એક ભાગ છે. ચાલો આપણે સૌ આ મંગળ ઘડીને વધાવીએ.

 –   સમ્પુર્ણ

—————————————————————————————-

ઉંઝા જોડણીમાં જ આ ત્રણ લેખ લખવાનો પ્રયોગ કેવો લાગ્યો?

         મારી ચીત્તવૃત્તી આ બાબતમાં સાવ મુક્ત અને પુર્વગ્રહ રહીત છે.  64 વર્શથી પડેલી આદતના કારણે લખવામાં થોડી ઘણી તકલીફ તો પડી છે જ. અરે! ઘણી જગાએ સામાન્ય જોડણીમાં લખાયેલો શબ્દ સભાન રીતે અને પ્રયત્ન પુર્વક નવી રીતે પણ લખવો પડ્યો છે ! પણ એકંદરે એક મહાન ઉદ્ વેગમાંથી મુક્તી મળી છે કે, ક્યાંક જોડણીની ભુલ રહી ગઇ હશે તો? કોઇકે અર્થનો અનર્થ થતો હતો, તેવી એક બે જગાની સાવ યોગ્ય ટીકા પણ કરી. એવું થોડું ઘણું તો રહેવાનું ! આમે ય પહેલાં ખોટી જોડણીને કારણે મુદ્રારાક્ષસો વીલસી જતા જ હતા ને ?!! અહીં વાક્યમાં સંદર્ભની સાપેક્ષતાના કારણે શબ્દનો સાચો અર્થ ગ્રહણ કરવામાં ખાસ કાંઇ અગવડ પડે તેમ મને લાગતું નથી.  અને જે સાધનની મદદથી આપણે સરળતાથી આપણા વીચારનો ભાવ સામી વ્યક્તીને સમજાવી શકીએ તે આપણી ભાશા, એમ હું માનું છું. અહીં અમેરીકામાં પાર્કમાં કોઇ મેક્સીકન કે વીયેટનામની વ્યક્તીને હું મારી વાત સમજાવી શકું તો મને અભીવ્યક્તી કરતાં આવડે છે તેમ ગણાય !
      અને જીવનમાં  આપણે કેટકેટલા ચઢાવ અને ઉતરાવમાંથી પસાર થઇ ચુક્યા છીએ ? ક્યાંય કશી ય બાંધછોડ ન જ કરી હોય, તેવા એક મહાનુભાવ કે એક સન્નારી આંગળી તો ઉંચી કરે ! તેમને સો સલામ મારી દઉં.  ( હવે માળું ! નેટ પર આંગળી શી રીતે ઉંચી કરાય? ! આવડતી હોય તો કરજો. ) અહીં થોડી મારી માન્યતાઓમાં બાંધછોડ કરી, પણ ખોટું લખવાનો પરીતાપ મારા જેવા અદના માનવીને માથેથી તો ટળ્યો …….. ! 
       પસં તો આપ હંધા ભાયું નં બેન્યુંને ચ્યમનું લાગ્યું સં,  તીં  કે ‘જો મારા બાપલીયા ! 
     ( આ સમજાય છે ને? –  આ પણ આપણી જ ભાશા છે અને મને તો બઉ મેંઠી લાગં સં.  આપણાં બધાં ગંદા ગોબરાં કામ કરતાં આપણાં વ્હાલા ભાઇબ્હેનોની આ ભાશા આપણે સમજી જ લઇએ છીએને?  તેમની વ્હાલથી ભરેલી આ ભાશા, કપટી અને મનના મેલાં વીદેશીઓની સુસંસ્કૃત ભાશા કરતાં મને તો બહુ જ પ્યારી લાગે છે.
      તમને ગમી? ) 

         સૌને વીનંતી કે આ ત્રણ લેખોમાં ઉંઝા જોડણીમાં જ લખવાના આ પ્રયોગની ચર્ચામાં મુક્ત મને જોડાય.
         મને કાંઇ માઠું નહીં લાગે.

બ્લોગીંગનું એક વર્શ – મારો અનુભવ – ભાગ 2

(એ ભાઇયું અને બેન્યું ! ઉંઝા જોડણી વાપરવા બદલ જરીક મને ખમી ખાજો! )
         બ્લોગીંગ શરુ કર્યું તો કર્યું હતું માત્ર નીજાનંદ માટે અને એક રમકડું કોઇ બાળકને મળ્યું હોય અને તે કુતુહલથી રમે તેવો ભાવ હતો. પહેલાં તો એમ જ લાગતું હતું કે આ કોણ વાંચશે? જેમ જેમ વાચકોના પ્રતીભાવ મળતા ગયા અને નવા નવા સાધનો સાથે ફાવટ આવતી ગઇ તેમ તેમ આ ઉત્સાહ ઘટવાને બદલે વધતો ચાલ્યો. સાચું કહું તો, જો વાચકોના પ્રતીભાવ ન મળ્યા હોત તો કદાચ એક વરસ તો શું એક મહીનો પણ ચાલ્યું ન હોત.
          પછી તો આમ કરું ને તેમ કરું એમ નવા નવા વીચારો આવવા માંડ્યા, સર્જકતા કદીયે નહોતી એટલી પાંગરી. કોઇ નવા નીશાળીયાની મુશ્કેલી દુર કરતાં નવા મીત્રો બનવા માંડ્યા. આમ મારી ગાડી તો છુક છુક કરતી પુરપાટ દોડવા માંડી. શરુ કર્યું ત્યારે હું ન ભુલતો હોઉં તો પંદરેક બ્લોગ હતા. અને પછી તો જુના જોગી ધવલના મંતવ્ય પ્રમાણે બીલાડીના ટોપની જેમ બ્લોગો ફુટવા માંડ્યા ! વાંચવાના સીન્ડીકેશન થવા માંડ્યા.
           મારા જ બ્લોગની વાત કરું તો શરુઆત, ગમતી કવીતાઓ અને તેના મને લાગેલા અર્થઘટનથી થઇ. આ એક અભુતપુર્વ ઘટના મારા જીવનમાં હતી. આ પહેલાં વાંચનનો આનંદ માત્ર મારા પુરતો સીમીત હતો. હવે બધાને તે વહેંચવાનો આનંદ અનેરો લાગ્યો. આમાં પોતાનામાંથી, પોતાના કુટુમ્બ અને મીત્રમંડળના એક નાના વર્તુળમાંથી બહાર આવવાનો એક નવો અનુભવ હતો. એક નવા આકાશમાં ઉડવાનો અનુભવ હતો. અને કેટલું મોટું આકાશ. જ્યાં જ્યાં નેટ પહોંચે તે બધાં આકાશ. પોતે મેળવવાના આનંદને સ્થાને કોઇને આપવાનો આનંદ. એક નવી પાંગરી રહેલી સર્જકતાનો આનંદ.
           પછી કોઇ ક્ષણે વીચાર આવ્યો કે જે સર્જકોની રચનાઓ મને ગમી છે, તેમના વીશે હું શું જાણું છું? સદ્ ભાગ્યે ઘરમાંથી જ અમુક પુસ્તકો મળી ગયા, જેમાં આવી માહીતી હતી. મને તે વાંચવાની મઝા આવી. તરત વીચાર સ્ફુર્યો કે આ મારા બ્લોગ પર મુકું તો કેટલા બધાને ફાયદો થાય? આમ વર્ડપ્રેસ પર સારસ્વત પરીચયનો પહેલો બ્લોગ બનાવ્યો અને પહેલી જીવનઝાંખી ફાધર વાલેસની મુકી – જેમના લખાણોએ મારા યુવાનીકાળમાં મને નીરાશાના ગર્તામાંથી બહાર કાઢ્યો હતો. સારા પ્રતીભાવો મળ્યા અને ગાડી આગળ ચાલી. આ કામમાં સૌથી પહેલા ભાઇશ્રી હરીશભાઇ દવે મારી સાથે જોડાયા અને પછી તો ધીરે ધીરે અમીત પીસાવાડીયા, ઉર્મીસાગર, જયશ્રી ભક્ત, જુગલકીશોર વ્યાસ અને છેલ્લે જય ભટ્ટ પણ મારી સાથે આ પુણ્યકામમાં જોડાયા. આજની તારીખમાં 244 જેટલી જીવનઝાંખી અમે આપી શક્યા છીએ. બીજા ક્ષેત્રોના ખ્યાતનામ વ્યક્તીઓના જીવનચરીત્રો આપતો ‘ગુજરાતી પ્રતીભા પરીચય’ બ્લોગ પણ બન્યો. મારી રચનાઓ અને માનીતી કવીતાઓ માટે આ ‘ કાવ્યસુર’ શરુ કર્યો. ત્યાર બાદ તેમાં નવો ‘આજની વ્યક્તીવીશેષ ‘ વીભાગ ઉમેર્યો.
             એક દિવસ કુન્દનીકાબેનની ચોપડી ‘પરમ સમીપે’ વાંચતાં થયું કે આ તો બધાને વંચાવવું જ પડશે. આ પ્રેરણાથી ‘અંતરની વાણી’ બ્લોગ ચાલુ થયો, જે મારો પોતાનો સૌથી માનીતો બ્લોગ બની રહ્યો.
             આ ઉપરાંત બીજા મીત્રોના બ્લોગો “ લયસ્તરો, કવીલોક, હાસ્ય દરબાર, તુલસીદલ, કલરવ, સર્જન સહીયારું ” વી. પર સાથે કામ કરવાનો મોકો પણ સાંપડ્યો. આ સૌ મીત્રોનો આ તક મને આપવા માટે હું અત્યંત ઋણી છું.
          ભાઇશ્રી જુગલકીશોરે શરુ કરેલ ‘ નેટ – પીંગળ ‘ અને ઉર્મીસાગર સાથે મારા બ્લોગ ‘ સર્જન સહીયારું ‘ ના કારણે મારું કાવ્ય લેખન, જે નહીંવત્   હતું, તે નીયમીત બન્યું.
          આમ પ્રવૃત્તી વધતી ચાલી….
વધુ આવતા અંકે ….