(એ ભાઇયું અને બેન્યું ! ઉંઝા જોડણી વાપરવા બદલ જરીક મને ખમી ખાજો! )
મને યાદ નથી કે, કઇ તારીખે હું આમાં પડ્યો કે તર્યો! પણ 2006 ના એપ્રીલ મહીનામાં આ ફુલ થવાનું (!) કાર્ય હાથમાં લીધું હતું તે નક્કી છે. રીડ-ગુજરાતીનો પાડ માનું કે, ત્યાં કોઇ એક લેખ વાંચતાં કોઇની કોમેન્ટમાં ‘બ્લોગ’ શબ્દ પહેલી વાર વાંચ્યો અને તેમના બ્લોગની મુલાકાત લીધી. તેના પરથી બ્લોગસ્પોટ ડોટ કોમની મુલાકાત માત્ર કુતુહલ વૃત્તીથી લીધી. જાણવા મળ્યું કે મારો પોતાનો બ્લોગ પણ હું બનાવી શકું – પાંચ જ મીનીટમાં; કોઇ ટેક્નીકલ જાણકારી વગર અને ખાસ અગત્યનું તો એ કે, એક પૈસા કે સેન્ટના ય ખર્ચ વગર – ખાસ આ અમદાવાદી માટેનું આકર્શણ – સારું, નમતું અને સસ્તું કે ઉધાર નહીં પણ મફત – અરે સાવ મફત !!

આપણે તો બાપુ ધોડ્યા ! અને પહેલા જ દિવસે ઉત્તર ધ્રુવ પરની એક રાત્રીનું ચીત્ર ચોંટાડી દીધું. સુર્ય કરતાં ય ચન્દ્રને મોટા બતાવતું આ ચીત્ર બહુ જ સાંકેતીક હતું . સુર્યના પ્રકાશથી અજવાળાતા ચન્દ્રની જેમ મહાન સાહીત્યકારોની રચનાઓના પ્રતાપે સાવ અંધારામાંથી થોડો ઉજાસમાં આવેલો આ વાચક પાંચ જ મીનીટમાં મારી પોતાની દુનીયાનો સૌથી મોટો લેખક બની ગયો ! પેલી એસ.એસ.સી. “ “ – પાંચ મીનીટમાં વાળી ગાઇડોની જેમ!
વાહ! આપણે જ લેખક, આપણે જ તંત્રી, આપણે જ ટાઇપ સેટર અને આખું પ્રેસ પણ આપણું પોતાનું જ, અને કોઇ ટપાલી કે છાપું વહેંચતા છોકરડાની મદદ વગર આખી દુનીયાના ખુણે ખુણે આપણું છાપું એજ ક્ષણમાં વાંચવા મળી જાય ! અને બીજું કોઇ ના વાંચે – ઘરના માણસો પણ નહીં – તો આપણે પોતે તો છીએ જ ને ?! પાછા ઘણા બધા વિભાગોની અભરાઇઓ પણ બનાવાય, જેમાં ટપાલો વ્યવસ્થીત ગોઠવી શકાય. કેલેન્ડર પણ હાજરા હજુર, જુનાં છાપાં પસ્તીમાં નહીં પણ એક બે ક્લીકેજ હાજર ! આપણી કાનપટ્ટી પકડવા કે આપણી વાહ વાહ કરવા કોમેન્ટ બોક્ષ પણ ખરી જ સ્તો . કોઇ ટપાલમાં કોઇ અક્ષમ્ય ક્ષતી રહી ગઇ હોય તો પાછી સુધારી પણ લેવાય. કોઇના વાંધા વચકા આવે તો પાનીયું પાછું પણ ખેંચી લેવાય ! અને કોઇ ચોક્કસ તારીખે અને સમયે છાપું બહાર પાડવું હોય તો તે ય એડવાન્સ બુકીંગમાં કરાય. એની એ ટપાલ જ્યારે જોઇએ ત્યારે ફરી પાછી સુધારા વધારા સાથે છાપી પણ શકાય. સામટી પાંચ સાત ટપાલો ચા પીને અને ઉજાગરો કરીને બનાવી દઇએ, એટલે ક્રુઝમાં વીના ઉચાટે ફરવા પણ જતા રહેવાય. અને ભાઇબંધ દોસ્તાર રાખ્યા હોય તો, આપણા ખભા અડોઅડ આપણું કામ પણ ઉપાડી લે.
‘વાહ રે મેં વાહ’ કહી આપણે પોતે જ આપણો બરડો થાબડી લેવાનો ! ( અરે! ભાઇ , આ જાતે જ બરડો થાબડવાનું કામે ય મુશ્કેલ તો છે જ વારુ! બરાબર વચ્ચે જ થબડાવો જોઇં ને વળી ! )
આથી મૃગેશનો આભાર, એ અનામી કોમેન્ટકાર નો આભાર ( આ વળી એક નવો વર્ગ અને શબ્દ ઉપસી આવ્યો છે – બ્લોગીંગને કારણે સ્તો! ) અને ખાસ તો હીમાંશુભાઇ, કીશોરભાઇ, એસ.વી. , પંચમ, ધવલ અને બીજા મીત્રોનો આભાર – જેમણે મને ગુજરાતીમાં ટાઇપ કરતો કર્યો અને બ્લોગ વાપરવામાં મારા અજ્ઞાનને અજવાળવામાં મદદ કરી. હજારો અનામી આઇ. ટી. નીષ્ણાતો અને આવી મફત સેવા આપતી સંસ્થાઓને યાદ ન કરું તો હું નગુણો જ કહેવાઉં. તેમનો તો જેટલો પાડ માનીએ તેટલો ઓછો. વાંચનારો વર્ગ પણ કેમ ભુલાય- જેમની અમુલ્ય કોમેન્ટોએ કેટલો બધો પ્રાણવાયુ પુર્યો ? – આ ચોસઠ વરહના ખોળીયામાં? અને મારી ઘરવાળીને તો યાદ કરવી જ પડે, જેણે આ બધા ચાળા બહુ ઉદારભાવે સહન કર્યા !
અને આ બંદા આ સહુના પ્રતાપે લેખક બની ગયા ! પછી તો વર્ડપ્રેસમાં બનેલા બ્લોગ જોયા અને નવાં લગન કર્યા ! જુનીને ફારગતી યે આપી દીધી અને ઉતાવળમાં એ લગનની તારીખ પણ ભુંસી નાખી !
હવે બ્લોગીંગ વીશે કહું, તો આના થકી મારા આ પાછલા જીવનમાં એક નવી ઉશા ઉગી છે. નવા નવા અખતરા કર્યા છે, નવી દીશાઓ ખુલી છે. વાંચન એક દીશામાંનું બન્યું છે. એક કેન્દ્રીય વેબ સાઇટનું સ્વપ્ન ઉજાગર થયું છે. અનેક નવા મીત્રો મળ્યા છે – એવા ખાનદાન મીત્રો કે જેમના મોં પણ હજુ જોયા નથી, કે જેમની સાથે એક હરફ પણ વાત કરી નથી. આખી દુનીયાના બધા ખંડોમાં પથરાયેલા વાચકો મળ્યા છે. અને આપણું પ્રેસ ધમધોકાર ચાલે છે.
બ્લોગીંગના ઘણા બધા ફાયદા તો આગળ જણાવી જ દીધા છે. થોડા કોઇ રહી ગયા હોય તો સખી દાતાર જેવા વાચકો કોમેન્ટમાં આપી જ દેવાના છે !
બહુ લોંબું થઇ જ્યું લ્યો ! હવે આગલી વાત કાલ પર… નહીં તો નેટ પર કુણ વાંચહે? !!
વાચકોના પ્રતિભાવ