અમે ત્રણેક માઇલ ગયા હઇશું કે તેમના F 86 સેબર જેટ અને F104 સ્ટાર ફાઇટર્સ આવ્યા. બાળકના હાથમાંનું મિઠાઇનું પડીકું ઝુંટવી લેવા આકાશમાંથી તીરની જેમ સમળી આવે તેમ દુશ્મનના વિમાનો મારા કૉન્વોય પર ત્રાટક્યા. રૉકેટ અને ૫૦ mmની મશીનગનની ગોળીઓનો મારો કરવા ઉપરાંત તેમણે માર્ચ કરી રહેલા અમારા સૈનિકો પર નેપામ બૉમ્બ નાખવાની શરૂઆત કરી. આવી હાલતમાં અમારા વાહનોએ સડક પરથી ઉતરી વિખરાઇ જવું પડે, નહિ તો મશીનગનમાંથી છુટતી ગોળીઓની લાઇનમાં અસંખ્ય વાહનો ઉધ્વસ્ત થઇ જાય. તેમાં બેઠેલા જવાનો યુદ્ધમાં દુશ્મન સાથે ‘ચાર હાથ’ કરતાં પહેલાં કૅઝ્યુઆલ્ટી થઇ જાય. જીપને બાવળના ઝાડ નીચે ઉભી રાખી હું બહાર દોડ્યો અને એક પછી એક ગાડીને મારી પાછળ પાછળ આવવાનો હુકમ આપી આસપાસના ખેતરોમાં દોરીગયો. આ બધું સેબર જેટના અમારા પર થતા ગોળીબાર દરમિયાન થતું હતું.

નેટ ફાઈટર પ્લેન

સેબર જેટ ફાઈટર
તેમના વાયરલેસની ફ્રીક્વન્સી આપણા સેટમાં આવી જતી. જેવો અમે તેમના OPનો હુકમ સાંભળીએ “સેક્ટર ૭૫૩૬, બૅટરી ફાયર”, પાંચ-સાત મિનીટમાં તેમની તોપના ગોળા અમારા પર પડે, પણ તે પહેલાં અાપણી ટૅંક્સ, સેલ્ફ-પ્રોપેલ્ડ તોપ અને સૈનિકોને લઇ જતી ટ્રક્સ ખેતરોમાં વિખરાઇ જતી. આમ આપણું જાનમાલનું નુકસાન સાવ ઓછું થવા લાગ્યું.

પેટન ટેન્ક
દુશ્મનના પ્રદેશમાં રાતના સમયે ગાડીઓએ જવું હોય તો અમારી ગાડીઓને વગર લાઇટે જવું જોઇએ. જરા જેટલી રોશની થાય તો દુશ્મનનો OP અમારી પોઝીશન તેના તોપખાનાને ખબર કરે અને ફરીથી અમારા પર બૉમ્બ વર્ષા શરૂ થાય. અમારા વાહનો ધીમે ધીમે જતા હતા ત્યારે એવું લાગ્યું જાણે સડક પર ચાલતી મારી જીપની નીચે રોડા પડ્યા હોય તેવું લાગ્યું. નીચા વળીને જોયું તો સડક પર જીપની નીચે અને તેની આજબાજુમાં પાકિસ્તાની સૈનિકોનાં મૃતદેહ પડ્યા હતા. કોઇકના લાડકવાયા – ભલે તે દુશ્મનના કેમ ન હોય, ત્યાં કાયમ માટે પોઢ્યા હતા. તે સમયે અમારા મનમાં એક જ વાત હતી: જો દુશ્મનના આ સૈનિકો જીવતા હોત તો તેમની જગ્યાએ આપણી માતાઓના લાડકવાયા અહીં ચિરનિદ્રામાં પડ્યા હોત.
——————–
નેપોલિયને કરેલું રણનીતિનું ચિરસ્મરણીય વાક્ય આજે પણ સત્ય છે: લશ્કર પોતાના પેટ પર કૂચ કરતું હોય છે. (Army marches on its stomach!) યુદ્ધમાં આ પ્રકારનાં વાહન બૉમ્બ વર્ષામાં નષ્ટ થાય તો તેની અવેજીમાં બીજા વાહનો તરત આપવામાં આવે છે. અમને ખાતરી હતી કે બહુ બહુ તો એકાદ દિવસનું મોડું થશે, અને બીજા દિવસની રાત સુધીમાં બીજા ટ્રક્સમાં લદાઇને ભોજન અને દારૂગોળો આવી જશે. કમનસીબે પરિસ્થિતિ એવી થઇ કે હજી સુધી અમારી ભોજનની ગાડીઓ અમારા સુધી પહોંચી નહિ. કૂચ કરવાના પહેલા દિવસે મળેલી પુરીઓ ત્રીજા દિવસે ચામડા જેવી થઇ ગઇ હતી. આ વખતે મેં સાથે લીધેલ દાલમોઠના ડબા મને યાદ આવ્યા. પણ જ્યાં આખી ફોજ અન્ન-વિહીન હોય ત્યાં હું એકલો ખાવાનો વિચાર પણ કેવી રીતે કરી શકું?
આપણી જુની કહેવત છે કે લાખ મરજો પણ લાખોના તારણહાર ન મરજો. અમારા વખતમાં બટાલિયનના કમાન્ડીંગ અૉફિસર (CO)ને જવાનો માઇબાપ કહેતા. તેમને ૧૦૦૦ સૈનિકો તારણહાર માને. હું મારી પાસે હતા એટલા દાલમોઠના ડબા, રમની બાટલી વિ. લઇ અમારા (ગોરખા બટાલિયનના) CO કર્નલ ગરેવાલ અને 2IC મેજર બાગચી પાસે ગયો અને આ વસ્તુઓ તેમને આપી. કર્નલ ગરેવાલે ઉર્મિભર્યા સ્વરે કહ્યું,”તારી ભાવનાઓની હું અંત:કરણપૂર્વક કદર કરું છું. પણ આપણી આખી પલ્ટન ભૂખી છે, ત્યાં હું આ નાસ્તો કેવી રીતે ખાઇ શકું? ”
મેજર બાગચીએ કહ્યું, “નરેન, તારી આ ભેટને આ દિવસની યાદગીરી તરિકે કાયમ માટે શો કેસમાં રાખીશ.”
અમે બધાં જ ભુખ્યા રહ્યા.
………………………….
સવારે જ્યારે અમે ગામને ‘ક્લિયર’ કર્યું ત્યારે નજીકના શેરડીના ખેતરમાં છુપાયેલ ૩૦-૩૫ કિશોરીઓ, બાળાઓ તથા મહિલાઓ, કેટલાક આધેડ અને વૃદ્ધજનોને અમારા સૈનિકો અમારા અૅડમિનીસ્ટ્રેશન એરીયામાં લઇ આવ્યા. યુવાન પાકિસ્તાની સ્ત્રીઓ ભારતીય સૈનિકો કેવા ખરાબ હાલ કરશે એ બીકથી એટલી ગભરાઇ ગઇ હતી કે તેમાંની કેટલીક બહેનો થરથર કાંપતી હતી. ઘણી બહેનોની આંખોમાંથી આંસુની ધારાઓ વહેતી હતી. હું અૅડમિનીસ્ટ્રેશન એરિયા કમાંડર હતો, તેથી તેમને મારી પાસે લાવવામાં આવ્યા. મેં તેમને એટલું જ કહ્યું, “જુઓ, અમે ભારતીય સિપાહીઓ છીએ. તમારી સ્ત્રીઓ અમારા માટે મા-બહેન સમાન છે. અમારી લડાઇ તમારી સરકાર સામે છે, તમારી સાથે નહિ. લડાઇના વિસ્તારથી દૂર અમે નિર્વાસીતો માટે કૅમ્પ બનાવ્યા છે, ત્યાં તમને હમણાં જ અમારી ગાડીઓ લઇ જશે. ગભરાશો મા.”
આ સમૂહના આગેવાન ગામની શાળાના હેડમાસ્તર હતા. આ પ્રૌઢ સદ્ગૃહસ્થ ગળગળા થઇ ગયા અને કહ્યું, “ભારતીય સેના પાસેથી અમને જે ઉમેદ હતી તેમાં તમે સાચા ઉતર્યા છો. અમારા અખબાર અને રેડિયો તો તમારી સામે ગંદો પ્રચાર કરતા રહે છે, પણ તમે….” તેઓ આટલું જ બોલી શક્યા.
———————————–
ખેમકરણ મોરચે પહોંચાડી દીધા ને? આ તો એક ઝલક માત્ર જ છે. જેમણે આ બધું પોતાની આંખે જોયેલું જ નથી; પણ જાતે આ વાસ્તવીક ઘટનાના એક પાત્ર હતા; એવા વીરલ મરાઠી / ગુજરાતી કેપ્ટન નરેન્દ્રની પોતાની કલમે લખાયેલ લેખમાળાનો એક નાનકડો અંશ છે.
‘જીપ્સીની ડાયરી’ વાંચવા અહીં ક્લીક કરો .
આ વાંચીને આપણને રોમાંચ થાય, સનસનાટી થાય, લોહી ગરમ થઈ જાય પણ ..
કોઈ પણ યુધ્ધ ભયાનક હોય છે. તે તારાજી, તબાહી, લોહી, આંસુ, ઉજડેલા સંબંધો અને દુશ્મનાવટની અપરીવર્તનીય લાગણીઓનું જનક જ હોય છે.
આ વાંચનાર એક ભારતીય પણ હોઈ શકે છે. એ પાકીસ્તાની પણ હોઈ શકે છે.
એ બધી કડવાશ, માન્યતાઓ, વીવાદો, મત મતાંતરો અને દુશ્મનાવટ ભુલી, આપણે એક જ ધરાના સંતાનો, એક જ સંસ્કૃતીને વરેલા માનવો એકમેકને ભેટીને ફરીથી બાંધવ બનીએ તો?
હું નથી માનતો કે, કેપ્ટન નરેન્દ્રનો અભીપ્રાય આનાથી જુદો હોય.
—————————————————-
એક સૈનીકની કથા વાંચો : અગ્નીવર્ષા ભાગ -1 : ભાગ – 2
વાચકોના પ્રતિભાવ