સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: નીતિન નરેશ

ટોળાંશાહી

નયન સહગલ, તમે તમારા ઘરથી ત્રીસેક માઈલ દુર આવેલી એક જગ્યાએ જવા બસમાં બેઠા છો. તમારે જવાની જગ્યા હાઈવેથી થોડેક દુર છે. ત્યાં જવા માટેના આડા રસ્તા પાસે બસ ધીમી પડે છે અને એ રસ્તા પાસે અટકે છે. તમે બસમાંથી ઉતરી પડો છો અને તમારા એ નાનકડા રસ્તા પર માંડ કદમ માંડો છો; ત્યાં જ એક ભયાનક ધડાકો હાઈવે પરથી સંભળાય છે.

તમે પાછા વળીને હાઈવે પર નજર માંડો છો. તમારા એ રસ્તા પરથી સ્કુટર પર એક  યુવતી પુર ઝડપે હાઈવે પર પ્રવેશ કરતી હતી; ત્યાં જ . હાઈવે પરથી વેગમાં આવી રહેલી વાન સાથે તે અથડાઈ પડી હતી. તેનું માથું લોહીલુહાણ થઈ ગયું હતું. કારવાળા મહાશય ઉદ્વીગ્ન ચહેરે નીચે ઉતરીને તેણીને મદદ કરવા જઈ રહ્યા છે. તમે પણ આ આઘાતમાં અટકી પડો છો. થોડીક જ મીનીટોમાં હાઈવે પર એક ટોળું ભેગું થઈ જાય છે; અને કશું સમજ્યા કર્યા વીના કારચાલકને પીટવા માંડે છે. એનું ખમીસ ફાટી જાય છે અને તે પણ લોહી લુહાણ થવાની તૈયારીમાં છે.

તમારા વાસ્તવદર્શી સ્વભાવના કારણે તમે આ ટોળાંશાહી સહન નથી કરી શકતા. તમે પણ ઝડપભેર ઘટના સ્થળે પહોંચી જાઓ છો. આંખે દેખેલા આ અકસ્માતની પુરી જવાબદારી એ યુવતીની જ હતી ; તે તમે સામાન્ય સમજથી સમજી ગયા છો. એ તો ઠીક પણ વધારે અગત્યની વાત એ છે કે, એ યુવતીને તત્ક્ષણ સારવારની  જરુર છે. એ પણ તમારા દીમાગમાં ઝબકી જાય છે.

તમારી નજર બાજુમાં પડેલા પાઈપના એક ટુકડા પર પડે છે. અને ટોળાંશાહીનો .ઉન્માદ તમને પણ ઘેરી વળે છે. તમે એ પાઈપ ઉઠાવી એ ટોળાંની વચ્ચે પહોંચી જાઓ છો અને પાઈપ ઉગામી મોટેથી બરાડી ઉઠો છો ,” અરે અક્કલના ઓથમીરો ! આ છોકરીની તરફ તો નજર કરો. એને સીધી હોસ્પીટલ ભેગી કરવાને બદલે આ બધું શું માંડી બેઠા છો? “

તમારા બોલવાથી નહીં પણ, તમારા હાથમાં રહેલા અમોઘ શસ્ત્રના પ્રતાપે મારઝુડ બંધ પડે છે! ત્રણ હરોળ વાળી એ મોટી કારમાં વચ્ચેની સીટ પર એ યુવતીને સુવાડી, બીજા ત્રણ વટેમાર્ગુ અને તમને સાથે બેસાડી પેલા મહાશય નજીકની હોસ્પીટલ તરફ તેમની કાર હંકારી મુકે છે. રસ્તામાં પણ તેમની ઉપર આક્ષેપોની વર્ષા તો ચાલુ જ છે. તે તો ચુપચાપ બેઠેલા છે. એમના માથે કોઈ મોટી અંગત ચીંતા સવાર છે, એમ તમને ચોક્કસપણે લાગે છે. તમે એટલી જ ખબર પડે છે કે. તેમનું નામ મહેશ ગુપ્તા છે.

હોસ્પીટલમાં સ્ટાફ સદભાગ્યે સારો છે. એ પોલીસ તપાસની તરખડમાં પડ્યા વીના, યુવતીને ઈમર્જન્સી રુમમાં લઈ જાય છે. .ડોક્ટર કહે છે,” આ બહુ જ  મુશ્કેલ કેસ છે. તેનું બહુ જ લોહી વહી ગયું છે. મને સહેજ પણ આશા નથી કે, તેને હું બચાવી શકીશ. પણ  મારાથી બનતા બધા પ્રયત્ન હું કરીશ. પણ કોઈકે તત્કાળ લોહી આપવું પડશે.”

આ વાત  સાંભળી મહેશ અને તમારા સીવાયના બીજા સજ્જનો રફુ ચક્કર થઈ જાય છે. તમારું લોહી , એ યુવતીને માટે યોગ્ય નથી એમ ખબર પડે છે. મહેશ ગુપ્તાના લોહીનો બાટલો ભરી એ યુવતીને ચઢાવવામાં આવે છે. તેની પર્સમાંથી મળેલી માહીતી મુજબ ફોન કરતાં તેનાં સગાંવહાલાં પણ એટલામાં ત્યાં આવી પહોંચે છે. મહેશ એમને પોતાનો સમ્પર્ક કરવાની  પુરી માહીતી અને પ્રારંભીક જોગવાઈ માટે  10,000/-  રુપીયા એક વડીલને પકડાવી દે છે. તમે અને મહેશ હોસ્પીટલની બહાર નીકળો છો.

મહેશ તમને તમારા સ્થાને પહોંચાડવાની તૈયારી બતાવે છે. પણ તેની પત્નીને બીજી હોસ્પીટલમાં પહેલું જ બાળક આવવાની તૈયારી હોવાના કારણે પહેલાં ત્યાં થઈ તમને ઉતારી દેશે, એમ ક્હે છે. તમારું કામ એટલું અગત્યનું ન હોવાથી અને મહેશની સજ્જનતાથી પ્રભાવીત થઈ, તમે એની સાથે જવા કબુલ થાઓ છો.

બીજી હોસ્પીટલે પહોંચતાં  સારા સમાચાર મળે છે કે, ઈશ્વર કૃપાએ પ્રસુતી સારી રીતે પતી ગઈ હતી, અને મા અને બાળક બન્નેની તબીયત સારી છે.

     મહેશ ગુપ્તા તમને તમારી જગ્યાએ ઉતારી તો જાય જ છે;  પણ આ સમગ્ર ઘટનાના કારણે દસ લાખની કાર વાપરનાર કરોડપતી મહેશ ગુપ્તા, અને એસ.ટી બસમાં મુસાફરી કરનાર તમે જીગરી દોસ્ત બની ગયા છો તમારી આ મીત્રતા ઘણી લાંબી ટકવાની છે.

    પરંતુ, કોઈ પણ જાતની અને ઉંડી માહીતી વગર, કાયદો હાથમાં લઈ લેવાની ટોળાંની વૃત્તી,  લઘુમતી પ્રત્યે કૃર આચરણ; વીચારવીહીંનતા અને પાગલપન વીશે તમે વીચારતા થઈ જાઓ છો.

……………………

દીલ્હીસ્થીત શ્રી. નીતિન નરેશના સ્વાનુભવ પર આધારીત સત્યકથા

મુળ ઘટના વાંચવા અહીં ‘ ક્લીક’ કરો. .

.