સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: રશ્મીકાંત દેસાઈ

ઝફરનો ખજાનો – રશ્મિકાન્ત દેસાઈ

ગુજરાતના એક મોટા શહેરમાં કેંદ્ર સરકારની કર્મચારી વસાહતમાં રમેશભાઈ રહેતા હતા. તેમના પડોશી રહીમભાઈ સાથે તેમને ઘણો સારો સંબંધ થઈ ગયો હતો. રમેશભાઈને પિંકી નામની એક પુત્રી અને ચિરાગ નામે એક પુત્ર હતા. પિંકી આશરે પંદર વર્ષની હતી જ્યારે ચિરાગ ત્રણેક વર્ષનો હતો. રહીમભાઈને એક જ પુત્રી સલમા લગભગ ચૌદ વર્ષની હતી. પિંકી અને સલમા ગાઢ મિત્રો બની ગયા હતા.

રજાના એક દિવસની સાંજે બંને કુટુંબો તેમના આંગણામાં ખુરશીઓ નાંખી વાતો કરતા બેઠા હતા. થોડું થોડું અંધારૂં થવા આવ્યુ હતું. ચિરાગને બાથરૂમ જવાનું થયું. પણ એકલા ઘરમાં જવાની તેની હિંમત ચાલતી નહોતી. તેણે પિંકીને સાથે જવા કહ્યું. પણ રમેશભાઈએ ના પાડી. પૂછ્યું, ‘કેમ ચિરાગ તને શાની બીક લાગે છે?’. ચિરાગ કહે ‘ભૂતની’. રમેશભાઈ કહે, ‘જો, ભૂતબૂત કશું હોતું નથી. તું તારે ભગવાનનું નામ લઈ જઈ આવ.’ ચિરાગ તો ગયો.

ચિરાગના ગયા બાદ રહીમભાઈ કહે, ‘રમેશભાઈ, ભૂત હોય છે. અમારા દિલ્હીના ઘરમાં ભૂત આવે છે એટલું જ નહીં પણ તે ગુજરાતી રામાયણ વાંચે છે અને ન્હાય પણ છે.’ આ સાંભળીને પિંકીનું કૂતુહલ જાગી ગયું. આમેય તેને રહસ્યકથાઓ વાંચવાનો શોખ હતો. તેથી તેને આ રહસ્ય ઉકેલવાનું ખૂબ મન થયું. રહીમભાઈ કહે, ‘અમે દીવાળીની રજાઓમાં દિલ્હી જવાના છીએ તો તું પણ સાથે આવજે.’

થોડી રકઝક અને આનાકાની બાદ પિંકીને પરવાનગી મળી. ને દીવાળીની રજાઓમાં રહીમચાચાના પરિવાર સાથે તે પહોંચી ગઈ દિલ્હી. પહેલે દિવસે તો આરામ કર્યો. બીજે દિવસે સવારના રહીમચાચાએ દિલ્હી જોવા જવા તૈયાર થવા કહ્યું પણ પિંકી કહે, ‘ના ચાચા, મારે તો તમારા ભૂત વિશે જ જાણવું છે. મને પૂરેપૂરી માહિતી આપો.’ રહીમચાચાએ તે આપવી જ પડી. તેમના ઘરમાં નીચે ભોંયરામાં લાયબ્રેરી હતી. તેમાં ગુજરાતી રામાયણની હસ્તપ્રત પણ હતી. આમ તો તેને આલમારીમાં રાખતા હતા તો યે કોઈ કોઈ વાર તે વચ્ચેના ટેબલ પર ખુલ્લી પડેલી જોવા મળતી હતી. નજીકમાં તાજો ઓલવાયેલો દીવો પણ મળતો. તે રાતે વહેતા પાણીનો ખળખળ અવાજ જાણે કોઈ ન્હાતું હોય તેવો સંભળાતો હતો. આના પરથી મનાતું હતું કે રાતના ભૂત આવીને આ બધી હરકતો કરતું હતું. રાતના નીચે જઈને તપાસ કરવાની કોઈની હિંમત ચાલતી નહોતી.

ચાચાની પરવાનગી લઈને પિંકી તે રામાયણની હસ્તપ્રત પોતાના ઓરડામાં લઈ આવી. આખી બપોર તેનો અભ્યાસ કરવામાં ગાળી. સાંજે બહાર નીકળી ઘરની આજુબાજુના વિસ્તારનું અવલોકન કર્યું. ઘર તો ખાસ્સી મોટી હવેલી હતી. જુના જમાનાની જાહોજલાલી જણાઈ આવતી હતી. હવેલીનો આકાર અંગ્રેજી એલ જેવો હતો. તેની બે પાંખો જ્યાં મળે ત્યાં વચ્ચે મોટો હૉલ હતો. તેની નીચે લાયબ્રેરી હતી. નીચેના ઓરડાઓમાં એક બાજુ રસોડું, ભોજનખંડ, ભંડાર વગેરે હતા, બીજી બાજુ નોકરોના ઓરડાઓ હતા. કુટુંબના સભ્યો તથા મહેમાનોના બેડરૂમ બધા બીજા માળ પર બંને પાંખમાં હતા. હવેલીની ચારેય બાજુઓ પર વિશાળ ખુલ્લી જગ્યામાં બાગ બનાવેલા હતા.

તે રાતે પણ પિંકી મોડી રાત સુધી રામાયણ વાંચતી રહી. બીજે દિવસે તેને ઊઠતાં મોડું થઈ ગયું. તે ઊઠી ત્યારે ચાચાના સૌ કુટુંબીજનો વચ્ચેના હૉલમાં ભેગા થયા હતા. બધા બારી બારણા બંધ હતા. નોકર આવીને તેને ભોજનખંડમાં ચ્હાનાસ્તો આપી ગયો. તે પતાવે ત્યાં સુધીમાં બધા બહાર નીકળી ડાઈનીંગ ટેબલ પર આવી ગયા. ચાચાના કાકાઓ, ભાઈઓ, ભત્રીજાઓ પણ આવેલા હતા.

મોડા ઊઠવા બદલ પિંકીએ ચાચાની માફી માંગી. તો ચાચા કહે, ‘પિંકી બેટા, સારૂં જ થયું કે તું મોડી ઊઠી. વહેલી ઊઠી હોત તો પણ તારાથી હૉલમાં આવી ન શકાત. અમારા કુટુંબમાં એક રિવાજ છે કે દરેક દીવાળી ને દિવસે સવારના પોરમાં અમે સૌ ભેગા થઈને એક ખાનગી વિધિ કરીએ છીએ. આમ તો અમને કોઈને તેમાં સમજણ પડતી નથી પણ વડીલોની આજ્ઞા હોવાથી તેનું પાલન કરીએ છીએ. તે દરમ્યાન બહારની કોઈ વ્યક્તિને હાજર રાખી શકતા નથી. બધા જ કુટુંબીઓ જ્યાં હોય ત્યાંથી અહીં આવીને ભેગા થઈએ છીએ. એ બહાને અમારો સંપ ટકી રહે છે..’

પિંકી કહે,’ તો ચાચા મને એ કહો કે આપણે ત્યાં ખજૂરીનું ઝાડ ક્યાં હતું?’ ચાચાને નવાઈ લાગી, પૂછ્યું, ‘તને ક્યાંથી ખબર કે આપણે ત્યાં એવું ઝાડ હતું? મેં તો કોઈ દિવસ જોયું નથી.’ પણ નજીક ઊભેલા એક વયોવૃધ્ધ કાકાએ આ સંવાદ સાંભળ્યો અને બોલ્યા, ‘રહીમ બેટા, તારા જનમ પહેલાં એક ખજૂરી હતી ખરી.’ તેમણે પછી તે ક્યાં હતી તે સ્થળ પણ બતાવ્યું. બપોરે બધાના ગયા પછી રહીમચાચા બધાને ફરવા લઈ ગયા. ફરતાં ફરતાં પણ પિંકીને તો રામાયણવાળા ભૂતના જ વિચારો આવ્યા કરતા હતા.

ત્રીજે દિવસે સવારે ચાચાનો વિચાર બધાને કુતુબમિનાર જોવા લઈ જવાનો હતો. પણ પિંકીએ ના પાડી, કહે, ‘ચાચા મને મદદ કરો.’ પિંકીના આગ્રહને વશ થઈ ચાચા તેના કહેવાથી ખજૂરી હતી તે સ્થળથી પૂર્વમાં ૨૫ પગલા અને ત્યાંથી ઉત્તરમાં ૨૦ પગલા ચાલ્યા. છેલ્લા બે પગલા તેઓ ચાલી ન શક્યા કારણ કે તેમનું ઘર નડે તેમ હતું. હવેલીની એક પાંખના છેવાડાના રૂમમાં જવું પડે તેમ હતું. તે રૂમ ઘણા સમયથી બંધ રહેતો હતો અને તેને તાળું મારેલું હતું. ચાવી પણ હાથવગી નહોતી. રહીમભાઈને આ રમત નિરર્થક લાગી અને તે પડતી મૂકી ફરવા જવા કહ્યું. પણ પિંકીએ આગ્રહ કરતાં થોડી શોધાશોધ બાદ ચાવી જડતાં તાળું ખોલી રૂમમાં ગયા. રૂમ લગભગ ખાલી જેવો જ હતો, બહુ જ થોડી વસ્તુઓ તેમાં હતી. પિંકીએ આખા રૂમની ઝીણવટથી તપાસ કરી. બધી દિવાલો તેમ જ ફરસમાં કશેથી પણ ખુલી શકે તેવું કશું જ મળ્યું નહીં. ચાચા કહે ‘છોડ માથાકૂટ, આપણે લાલ કિલ્લો જોવા જઈએ.’ ત્યાં પણ પિંકીનું મન તો ભૂતની વાતમાં જ હતું.

તે રાતે પણ પિંકીએ મોડે સુધી રામાયણનો અભ્યાસ કર્યો. સવારે ફરી એક વાર ચાચાએ કુતુબમિનાર જવા કહ્યું પણ પિંકીએ ના પાડી. ‘મારે તો આ ખજાનો શોધી કાઢવો છે’ એમ કહીને ચાચાના હાથમાં એક કાગળ આપ્યો. તેમાં પિંકીના હસ્તાક્ષરમાં પ્રશ્નોત્તર હતા.

“પતંગ ક્યાંથી ચગાવશો?” “ખજૂરી પરથી.”

“કઈ બાજુ ઉડાડશો?’ “પૂર્વમાં ૨૫ ઉત્તરમાં ૨૦”

“ગોથ કેટલી મારશો? “૧૫”.

ચાચાના મોં પર આશ્ચર્યનો ભાવ અડધી સેકંડ માટે આવી ગયો પણ પોતાની જાતને સંભાળી લીધી. “અરે આ તો ” એટલું બોલી ને અટકી ગયા. પછી કહે, “આવી રમત શું કામની?”.

પિંકી કહે, “ચાચા, આ રમત નથી. શેરલોક હોમ્સની (Sherlok Holmes) ધ મસ્ગ્રેવ રીચ્યુઅલ (The Musgrave Ritual) નામની એક વાર્તામાં પણ આવી એક પ્રશ્નોત્તરી આવે છે. તે પણ ઉપલક નજરે નકામી લાગતી હતી પણ તેનો હેતુ છુપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો.”. “અરે બેટા, આપણા ઘરમાં ખજાનો હોત તો નોકરી કરવા મારે ગુજરાત સુધી શીદ આવવું પડે?” રહીમભાઈ કહે. “ચાચા, ખજાનો જડે તો પણ તમારે મારે ખાતર પણ ગુજરાત તો આવવું પડશે, પણ પહેલાં પ્રયત્ન તો કરીએ!”

પિંકી તેમને હૉલની નીચેની લાયબ્રેરીમાં લઈ ગઈ. એક પાવરફૂલ બેટરી (ફ્લેશલાઈટ) વડે ખૂબ જ બારીકીથી તળિયાની અને ભીંતોની તપાસ કરી. કશું ન મળ્યું. તો યે તપાસ ચાલુ રાખી. ચોપડીઓના એક કબાટની બાજુમાં તેને એક ફાટ દેખાઈ. ચાચાની મદદથી કબાટ ખસેડ્યું તો પાછળ એક સાંકડું બારણું જડયું. તેની પાછળ એક સાંકડી ગલી જેવું બોગદું (ટનલ) હતું. હવે તેમાં જવું થોડું જોખમી હતું. બેટરી ના પ્રકાશથી જોયું તો તેના તળિયાની ધૂળમાં કોઈના પગલા પડેલા હતા. પગલા બંને દિશામાં હતા. કોઈ ત્રણ ચાર વાર આગળ જઈને પાછું આવ્યું હતું. વળી નાની સરખી હવાની લહેરખી આવી ગઈ જેમાં ફૂલની આછેરી સુગંધ પણ હતી. તેથી થોડી હિંમત આવી.

ચાચીને લાયબ્રેરીમાં જ રોકાવા કહી ને ચાચા, પિંકી અને સલમા સાવધાનીપૂર્વક આગળ વધ્યા. પંદરેક ડગલા ગયા હશે ત્યાં તો એક રૂમ હતો. બે દિવાલમાં બે નાના નાના જાળિયા (હવાબારી) હતા જેમાંથી ખૂબ ધીમી હવા આવતી હતી. બહાર ફૂલછોડ હશે તેથી ખાસ અજવાળું આવતું નહોતું. બેટરીના પ્રકાશમાં જોયું તો દૂરના ખૂણામાં એક કૂવો હતો જેનો વ્યાસ લગભગ સાડા ત્રણ ફૂટ (એક મીટર જેટલો) હશે. નજીકમાં પ્લાસ્ટિકની એક ડોલ તથા દોરડું પડેલા હતા. એક કાગળમાં કશુંક લખાણ ઉર્દુ લિપિમાં હતું. તે વાંચી ચાચા કહે, “પિંકી, તારી વાત સાચી લાગે છે. તેં જે પ્રશ્નો ગુજરાતીમાં લખ્યા છે તે જ પ્રશ્નો અહીં ઉર્દુમાં લખ્યા છે.”

પિંકી કશું કહે તે પહેલાં તો ચાચીએ ચાચાને બોલાવ્યા કારણ કે તેમનો ફોન આવ્યો હતો. બધા ઉપર હૉલમાં ગયા. ફોન નજીકની પોલિસ ચોકી પરથી હતો. તેમણે જણાવ્યું કે કોઈ શકમંદ માણસ પાસેથી એક ગુજરાતી રામાયણ મળ્યું હતુ. તેના પર રહીમભાઈનું નામ તથા સરનામું હોવાથી પોલિસે તેમને જાણ કરી. પિંકીએ કહ્યું, “ચાચા, એ માણસને રોકી રાખવા કહેશો. તેણે હજુ સુધી કોઇ મોટો ગુનો કર્યો હોય તેમ લાગતું તો નથી પણ કર્યો હોય તો છટકી ન જવો જોઈએ.” રહીમભાઈની સામાજિક અને ઉચ્ચ સરકારી અધિકારી તરીકે ઘણી આબરૂ હોવાથી પોલિસે તેમની વિનંતિ સ્વીકારી.

હવે તો રહીમભાઈની પણ ઇંતેજારી વધી ગઈ હતી તેથી તેમને પાછા નીચે કૂવા પાસે જવું હતું. પિંકીના કહેવાથી એક મોટું જાડું પ્લાયવુડ સાથે લઈને બધા નીચે ગયા. ચાચી ને લાયબ્રેરીમાં રોકાવા કહીને ત્રણે જણા કૂવા પાસે ગયા. કૂવા પર પ્લાયવુડ મૂકી બંધ કરી દીધો. પ્લાયવુડ પર ભારે વજન મૂકી ને ખાતરી કરી લીધી કે તેના પર ઊભા રહેવામાં કશું જોખમ નહોતું.

છતાં પિંકીની કેડે દોરડું બાંધી તેના છેડા ચાચા તથા સલમાએ પકડી રાખ્યા. હળવે હળવે પિંકી પ્લાયવુડ પર ચાલીને તે ખૂણામાં ગઈ ત્યાંની ભીંતોનું બારીકાઈથી અવલોકન કરવા લાગી. થોડી મથામણ બાદ તેને એક છૂપું બારણું જડ્યું. તે ખોલી ને અંદર ગઈ. બેટરીના પ્રકાશમાં જોયું તો સ્તબ્ધ થઈ ગઈ. તે તો એક ખાસ્સો મોટો રૂમ હતો અને કિંમતી જરઝવેરાતથી ભરપૂર હતો. તેણે બહાર આવી ચાચાને વાત કરી, “ચાચા, હવે તમારે નોકરી નહીં કરવી પડે એટલું ધન અંદર છે.”

ચાચાએ પણ અંદર જઈને જોયું તો તેઓ પણ અવાચક્ થઈ ગયા. પણ કહે, “ના બેટા, આ કંઇ મારૂં ધન નથી, દેશનું છે.” તરત ઉપર આવી સત્તવાળાઓને જાણ કરી. સંબંધિત ખાતાઓના અધિકારીઓ અને કર્મચારીઓ આવી પહોંચ્યા અને બધી દોલતની યાદી બનાવી લઈ ગયા. આ બધી ધમાલ દરમ્યાન પણ પિંકી પેલા ‘રામાયણચોર’ને ભૂલી નહોતી. તેના કહેવાથી રહીમભાઈએ તેને છોડાવી ઘેર બોલાવી લીધો.

બપોર બાદ ઉચ્ચ અધિકારીઓ રહીમભાઈને ત્યાં ભેગા થયા. સૌએ તેમને અભિનંદન આપ્યા તો તેમણે બધાને પિંકીની ઓળખાણ કરાવી કહ્યું કે બધો જશ તેને મળવો જોઈએ. બધાએ તેને અભિનંદન આપ્યા, પૂછ્યું કે તેણે કેવી રીતે આ કોયડો ઉકેલ્યો.

પિંકી કહે, “ગુજરાતમાં જ્યારે રહીમચાચાએ કહ્યું કે તેમને ત્યાં ભૂત આવતું હતું, રામાયણ વાંચતું હતું અને ન્હાતું પણ હતું ત્યારે જ મને થયું હતું કે કશો ભેદ હતો કારણ કે ભૂત હોતા જ નથી. પણ ધારો કે હોય તો પણ તે ન તો ચોપડી ઉંચકી શકે, કે ન તો દીવો પેટાવી શકે. અહીં આવીને રામાયણ જોયું તો તેના પર હાથની આંગળીઓના ડાઘા હતા જે ભૂતના ન હોઈ શકે. ચાચા પાસેથી પરવાનગી લઈને તેને મારા ઓરડામાં લઈ જઈ ધ્યાનપૂર્વક તપાસ્યું તો શરૂઆતના પાના પર જ એક અક્ષર પર ખાસ નિશાની જોઈ. તેવી નિશાનીવાળા બધા અક્ષરો એક કાગળ પર લખ્યા તો તેમાંથી સવાલજવાબ નીકળ્યા. તેવા સવાલજવાબ શેરલોક (Sherlok Holmes) હોમ્સની મસ્ગ્રેવ રિચ્યુઅલ (Musgrave Ritual) નામની વાર્તામાં આવે છે જેને હેતુ કિંગ ચાર્લ્સ ધ ફર્સ્ટ (King Chrlaes the First) ના છૂપાવેલા ખજાનાનું સ્થળ બતાવવાનો હતો. મને થયું કે અહીં પણ કદાચ તેવો હેતુ હોય તો શું?

“પહેલા પ્રશ્નના જવાબમાં ખજૂરીનો ઉલ્લેખ હતો. પણ અહીં તો કોઈ ખજૂરી જ નથી તેથી મને થયું કે હું વધારે પડતી કલ્પના કરતી હતી. તો પણ ચાચાને પૂછ્યું અને તેમના વયોવૃધ્ધ કાકાએ ખજૂરીની જગ્યા બતાવી ત્યારે મારો ઉત્સાહ વધ્યો. પણ જ્યારે ઉપરના ખાલી રૂમમાથી કશું જ ન મળ્યું ત્યારે ફરી ઢીલી પડી ગઈ.

“તે રાતે મને ખૂબ વિચાર આવ્યા. આખરે મારૂં ધ્યાન ત્રીજા સવાલ પર ગયું. ગોથ મારવાની શા માટે? કદાચ તેનો હેતુ એમ દર્શાવવાનો હશે કે શોધવાની વસ્તુ ખજૂરીની ઉપર નહીં પણ નીચે છે? નીચે હોય તો ક્યાં હોય? અને ત્યાં પહોંચવું કેવી રીતે? ‘ભૂત’ લાયબ્રેરીમાં આવતું તે પરથી મને લાગ્યું કે ત્યાંથી જવાતું હશે. તેથી બીજે દિવસે લાયબ્રેરીમાંથી શરૂઆત કરી.

“કૂવો જડ્યો તે જ વખતે ચાચા માટે ફોન આવી ગયો તે પણ સારૂં થયું. તેઓ વાત કરતા હતા ત્યારે મારી નજર બહાર પડી અને મેં જોયું કે અગાઉ જે ખાલી રૂમ જોયો હતો તેનું હૉલથી અંતર કૂવા કરતાં વધારે હતું. કૂવો કદાચ એક અંતરાય તરીકે અને અજાણી વ્યક્તિને ગૂંચવવા માટે મૂક્યો હશે કે જેથી ફક્ત તે જ વ્યક્તિ જઈ શકે કે જેને માટે આ વસ્તુ છૂપાવી હતી. હવે આપણે જાણીએ છીએ કે તે હેતુ બર આવ્યો હતો કારણ કે ‘ભૂતે’ કૂવામાંથી ખજાનો શોધવાનો પ્રયત્ન કર્યો હતો. જો તેણે ચોરી કરી હોત તો રામાયણ સાથે રાખ્યું ન હોત. પણ તે સમયે બનવાજોગ હતું કે ખજાનો ચોરાઈ ગયો હોય. તેથી ‘રામાયણચોર’ને કસ્ટડીમાં રાખવો જરૂરી હતું.

“હવે એક બીજો મુદ્દો ધ્યાનમાં આવ્યો. ગોથ ૧૫ માપ જેટલી જ મારવાની હતી. એક માપ આશરે એક પગલા જેટલું એટલે લગભગ અઢી ફૂટ જેટલું થાય એવું અનુમાન કરીએ તો કુલ ૩૭ ફીટ થાય. માપ ખજૂરી પાસેથી નહીં પણ તેના ‘પરથી’ લેવાનું હતું. ખજૂરી જો ૨૫ ફીટ ઊંચી હોય તો આપણે જમીનથી ૧૨ જ ફીટ નીચે જવાનું રહે. તો પછી કૂવાની અંદર તપાસ કરવા કરતાં તેની પાસે શોધખોળ કરવી યોગ્ય લાગી. આમે ય કૂવાથી આગળ જવાની જરૂર જણાતી જ હતી. તેથી પ્લાયવુડ મૂકી ને ભીંતમાં તપાસ કરી. પરિણામ આપ સૌની સમક્ષ છે.”

પિંકીનો ખુલાસો પૂરો થયો એટલે રહીમભાઈએ તેમની વાત કહી.

“અમારા કુટુંબમાં એક રિવાજ પેઢીઓથી ચાલ્યો આવે છે કે દર દીવાળીને દિવસે અમે સૌ ભેગા થઈને એક પ્રશ્નોત્તરી વાંચીએ છીએ. પિંકીએ વાંચ્યા તેના પછી પણ બીજા થોડા સવાલજવાબ છે. અમને તો આ રિવાજ નકામો લાગતો હતો પણ હવે તેનું રહસ્ય સમજાયું પણ હજુ અધુરૂં છે. બાકી રહેલા સવાલજવાબ હવે જણાવું છું.

આ બધું કોનું હતું? જેને લઈ ગયા છે તેનું.

કોને આપવાનું છે. જેને પાછો લાવીશું તેને.

આનો શો અર્થ થાય તે વિચારવા જેવું છે.”

પિંકી કહે, “કદાચ ‘રામાયણચોર’ને ખબર હોય. તેને પૂછી શકાય?.”

અધિકારીઓએ હા પાડી. તેને અભયવચન આપી ખુલાસો કરવા કહ્યું. તેણે વિગતે વાત કરી.

“મારૂં નામ ફરીદ છે. મારા બાપ તમારા દાદાના વખતમાં આ ઘરમાં નોકરી કરતા હતા. એક વાર તે આ બધા સવાલજવાબ સાંભળી ગયા. તેથી તમારા દાદાએ તેમને નોકરીમાંથી કાઢી મૂક્યા. કશેકથી તેમને જાણવા મળ્યું કે તે સવાલજવાબનું રહસ્ય ગુજરાતી રામાયણમાં હતું. મારા બાપ તો બહુ જીવ્યા નહીં પણ મરતા પહેલા મને કહી ગયા કે તને રામાયણમાંથી ખજાનાનો ભેદ જડશે. મેં ગુજરાતી શીખી લીધું. તક મળે ત્યારે લાયબ્રેરીમાં જઈને વાંચતો. તમને બધાને ભૂતની બીક લાગતી એટલે હું પકડાઈ ન ગયો. કૂવો જડ્યો પછી તેના પાણીમાંથી ખજાનો કાઢવા કોશિશ કરતો. પાણી પાછું ઢોળી દેતો તે સાંભળી તમે માનતા કે ‘ભૂત’ ન્હાય છે.

મેં બીજી પણ થોડી તપાસ કરી હતી. ૧૮૫૭ ના બળવા વખતે તમારા વડવા હિંદુ હતા અને શહેનશાહ બહાદૂરશાહ ઝફરના વિશ્વાસુ ખજાનચી હતા. અંગ્રેજો જીતી જશે એવું લાગ્યું ત્યારે તેમણે શાહી ખજાનો તમારા ઘરમાં સંતાડી દીધો. અંગ્રેજોએ તેને શોધવા બહુ પ્રયત્નો કર્યા હતા પણ તે હિંદુઓના ઘરોની જ ઝડતી લેતા હતા કારણ કે તેમની માહિતી પ્રમાણે ખજાનો હિંદુ ખજાનચીના ઘરમાં હતો. તેથી અંગ્રેજોથી બચવા માટે તમારા કુટુંબે ઇસ્લામ અપનાવી લીધો. પણ ખજાનાનું રહસ્ય તો રામાયણમાં જ રહ્યુ.

કૂવામાંથી તો ખજાનો ન મળ્યો તેથી રામાયણની બીજી નકલ લઈ તેમાંથી ભેદ જાણવા કોશિશ કરતો હતો. પણ તમને માપ લેતા જોયા એટલે પરગામ જતો હતો ત્યારે પોલિસે મને પકડી લીધો. લો આ તમારું રામાયણ પાછું.

‘જેને લઈ ગયા છે’ તે ઝફર માટે હતું. શરૂમાં તો બધાને એવી આશા હતી કે ઝફરને છોડાવી લવાશે અને ખજાનો તેને સોંપી શકાશે. પછી તેના વારસદારને સત્તા પર લાવવાની આશા હતી. તેથી ‘જેને પાછો લાવીશું તેને’ એવો જવાબ રાખ્યો. તમારા વડીલોની ઈચ્છા હતી કે આ બધો ખજાનો ઝફરને અથવા તેના વારસદારને સોંપવામાં આવે. આ જવાબદારી યાદ કરાવવા ખાતર દર દીવાળી પર આ સવાલજવાબ વાંચવાને રિવાજ પાડ્યો.”

ફરીદનું બયાન પૂરૂં થતાં ફરી એક વાર બધાએ પિંકીને શાબાશી આપવા માડી. પણ પિંકી કહે, “આનું શ્રેય ફરીદને પણ આપવું જોઈએ. તેમણે જો ખજાનો શોધવાનો પ્રયત્ન ન કર્યો હોત તો ભૂતની ભ્રમણા ઊભી ન થઈ હોત અને હું ગુજરાતથી અહીં આવી ન હોત. મેં તો ફક્ત પિંકી (આંગળી) જ ચીંધી ને?”

સાંભળી સલમા કહે, “પણ ચિરાગ જો ભૂતથી બીતો ન હોત તો મારા પપ્પા તમને કહેત પણ નહીં કે અમારા ઘરમાં ભૂત થતું હતું. તેથી ખરો જશ તો ચિરાગને મળવો જોઈએ,”

બધા ખૂબ હસ્યા. પણ રહીમભાઈએ ફરીદને છોડી મૂકવા પોલિસને ભલામણ કરી એટલું જ નહીં પણ સારી એવી રકમ આપી ખુશ કર્યો.

પિંકી કહે, “ચાચા, હવે તો રજાના બહુ થોડા દિવસ રહ્યા છે, ચાલો દિલ્હી બતાવો.”

સરકારી કાયદા પ્રમાણે રહીમભાઈને યોગ્ય પુરસ્કાર મળ્યો. તે તેમણે પિંકીને આપવા પ્રયત્ન કર્યો પણ તેણે કે રમેશભાઈએ ન લીધો.

સમતુલા અને પ્રમાણસરતા – ભાગ -2 , રશ્મીકાન્ત દેસાઈ

         એક ખાસ જોડકા વીશે વધુ વીચારવા જેવું છે, આત્મા અને દેહ.  શ્રીકૃષ્ણએ ભલે દેહને ઉતારી પાડ્યો હોય, તે પણ આત્મા જેટલો જ મહત્ત્વનો છે. ન તો ઓછો, ન વધારે. જેટલો નકામો આત્મા વગરનો દેહ છે તેટલો જ નકામો દેહ વગરનો આત્મા (ભુત?) પણ છે. દેહનું કશું જ મહત્ત્વ ન હોત તો, નવ નવ વખત અવતાર લેવાની (દેહ ધારણ કરવાની) જરૂર કેમ પડી? નીર્ગુણ પરમેશ્વર નીર્ગુણ અવસ્થામાં જ દુશ્ટોનો વીનાશ અને સજ્જનોનું પરીત્રાણ કેમ ન કરી શકે? જેના ‘બહૂની’ જન્મો થયા છે તેના જન્મદીનો ઉજવવા માટે ઘણા દીવસો ન જોઈએ? દર વર્ષે શ્રાવણ વદ આઠમને દીવસે જે ઉજવીએ છીએ, તે દેવકીને પેટે કંસના કારાગારમાં જન્મેલા નશ્વર દેહનો નહીં તો શું તેના આત્માનો જન્મ હતો? જો જન્મનો આનંદ ઉજવીએ તો મરણનો શોક ન થાય એમ કેમ બને? સ્વયં શ્રીકૃષ્ણના મુખેથી ગીતાનો ઉપદેશ સાંભળનાર અર્જુનને અભીમન્યુના મૃત્યુનો શોક થયો; તેનાથી શું પુરવાર નથી થતું કે, તે ઉપદેશ પાળી શકાય તેવો છે જ નહીં?

        આત્મા અને શરીર વચ્ચેનો સંબંધ કંઈ શરીર અને કપડા વચ્ચેના સંબંધ જેવો છીછરો (superficial) નથી. આત્મા અને શરીર વચ્ચે એકએકસંગતતા (one-to-one-correspondence) હોય છે. એક આત્મા એક જ શરીરમાં વસી શકે, એક શરીરમાં એક જ આત્મા વસી શકે. જ્યારે એક શરીર જુદા જુદા કપડા પહેરે, એક કપડું કાઢી નાંખી, ધોવાયા બાદ ફરી પાછું પહેરે. શરીરો એક બીજાના કપડાં પહેરી શકે, આત્માઓ એક બીજાના દેહ ધારણ ન કરી શકે. આમ આ બે સંબંધો જરા પણ સરખા નથી. તેથી શરીરની વસ્ત્ર સાથેની સરખામણી (ભગવદ્ગીતા ૨.૨૨) વ્યર્થ છે. તેમ ન હોત તો પ્રહલાદ નામના નાશવંત શરીરને હીરણ્યકશીપુ નામના નાશવંત શરીરના દુઃખમાંથી બચાવવા નરસીંહ નામનું કામચલાઉ શરીર ધારણ કરવાની ફરજ વીશ્ણુને પડી ન હોત.

      અહીં જ પ્રમાણસરતાની જરુર પડે છે. કોઈ સ્વજન કે સ્નેહીના દેહાંતનો શોક તો થાય જ. અને તેમાં કશું ખોટું નથી. શોક ન જ કરવો તે એક આત્યંતીકતા (extremism) થઈ. બીજે છેડે શોકનો અતીરેક એવો થાય કે આપણો કે આપણા જીવીત સ્વજનોનો વ્યવહાર સાવ ઠપ્પ થઈ જાય. બંન્ને પ્રતીક્રીયા અનુચીત છે. મરનારની વય તથા મરણના સંજોગો અનુસાર વધતોઓછો પ્રમાણસર શોક કરવો જોઈએ.

       તેવી જ પ્રમાણસરતા બીજા ભાવો અંગે પણ જાળવવી જોઈએ. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર પણ આપણા નૈસર્ગીક ભાવો છે;  શત્રુઓ નહીં. તેમને સાવ નીર્મુળ કરવાની જરુર નથી. જો તેમને યોગ્ય દીશામાં વાળવામાં આવે તો (channelize કરવામાં આવે તો)  પર્યાપ્ત પ્રમાણમાં તેઓ પણ ઉપયોગી નીવડી શકે. જેમકે દ્રશ્ટી સમક્ષ અત્યાચાર થતો હોય; ત્યારે ક્રોધ કરવામાં કશું ખોટું નથી. બીજી તરફ પ્રેમ, દયા, ઇત્યાદી સારા ગુણોનો અતીરેક પણ યોગ્ય નથી.

          આજકાલ ઘણા લોકો ધ્યાન ધરતા થઈ ગયા છે; અથવા તેવો દાવો કરે છે. સારી વાત છે. તેથી પણ વધારે અગત્યની વાત ધ્યાનના સમય સીવાયના સમયમાં આપણે કેવું વર્તન રાખીએ છીએ તે છે. ધ્યાન તો દીવસમાં થોડા કલાક જ ધરી શકાય. બાકીના સમયનું શું? એવા પણ ‘ધ્યાની’ઓ હોય છે કે, વચગાળાના સમયમાં દુશ્ક્રુત્યો કરતા હોય.  તેથી ‘ધ્યાન રાખવા’નું મહત્ત્વ વધારે છે. એટલે કે જે કાંઈ કર્મ કરીએ તેમાં ધ્યાન રાખીએ કે, તે ઈશ્વરપ્રીત્યર્થે જ કરવાનું છે. કદાચ આપણી મનોવૃત્તી એવી ધાર્મીક પ્રકારની ન હોય. આપણા સ્વાર્થ માટે જ કર્મ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેનાથી બીજાનું હીત ભલે ન થાય, પણ અહીત તો ન જ થવું જોઈએ. પરમાર્થનું કામ કરતી વખતે પણ ધ્યાન રાખવું જોઈએ કે, તેનાથી આપણું પોતાનું, આપણા સ્વજનોનું કે ત્રાહીતનું અહીત ન થાય. પ્રત્યેક પળે એ ધ્યાનમાં રાખવું જોઈએ કે ઈશ્વરથી આપણી કોઈ પ્રવૃત્તી અજાણી નથી.

      ગુરુઓ કહે છે કે અહમ્ છોડો. પણ પોતાના આધ્યાત્મીક ચડીયાતાપણાના અભીમાન વગર ગુરુ બની શકાતું નથી. કોઈ એક આત્મા અને તેના તે સમયના શરીરની એક વીશેશ ઓળખાણ હોય છે. જેમકે જેના ‘બહૂની’ જન્મો થયા તે કૃષ્ણ તેના મીન કે વરાહ અવતારથી સાવ નોખા હતા. તેમ ન હોય તો બધા જ અવતારને એક જ નામથી ન બોલાવીએ? અથવા તેમના ક્રમાંકથી, જેમ કે રામને સપ્તમ અને કૃષ્ણને અષ્ટમ કહીએ તો કેવું લાગે? આમ આપણી વીશીશ્ટતા સાચવવા અહમ્ બહુ જ જરુરી છે. તેનો સદુપયોગ કરી શકાય કે દુરુપયોગ કરી શકાય. સદુપયોગ જ કરવો જોઈએ. પણ તેને નીર્મુળ કરવાની સલાહ સાવ ખોટી છે. આપણે કંઈ એક ક્રમાંક (નંબર) નથી.  જીવતા, જાગતા, વીચારતા માનવો છીએ. આપણું આગવું વ્યક્તીત્વ ભુલાવી દેવાથી આપણું, પરમેશ્વરનું કે પછી સમાજનું શું ભલું થઈ શકે? કદાચ શીશ્યોને દબાયેલા રાખવા માટે ગુરુઓને તે જરૂરી જણાતું હશે.

      હવે આપણે પહેલા ફકરામાં પુછેલા પ્રશ્નનો ઉત્તર આપી શકીશું. આપણી વર્તણુંક સુધારવામાં સૌથી મોટો અંતરાય હતો બીનજરુરી અને અશક્ય આદેશોનો. જેવા કે ‘બ્રહ્મચર્ય પાળો’,  ‘શોક ન કરો’,  ‘અહમ્ છોડો’ વગેરે. આને લીધે જે શક્ય અને જરુરી હતા અને છે; તે સીધા અને સરળ નીયમો –  જેવા કે ‘સાચું બોલો’, ‘દયા રાખો’ વગેરે – પણ દબાઈ ગયા અને ભુલાઈ ગયા.

      ન પાળી શકાય એવા સો નીયમો કરતાં પાળી શકાય એવા દસ નીયમો સારા.

web site  —   http://tatoodi.googlepages.com/home

સમતુલા અને પ્રમાણસરતા – ભાગ -1 , રશ્મીકાન્ત દેસાઈ

       ગુરુઓ અને બીજા પ્રવચનકારોનાં ભાશણો અને લખાણોની ભરમારમાંથી છેવટે તાત્પર્ય શું નીકળે છે? આ બધા ઉપદેશો આચરણમાં મુકી શકાય એવા છે? હોય તો તેમની ફલશુતી શું? ન હોય તો શું? ‘સાક્ષાત્પરબ્રહ્મો’ની પુજાનો કશો ફાયદો સમાજને થાય છે? ધર્મનો ઉદ્દેશ આપણી વર્તણુંક સુધારવાનો છે; એમ કહેવામાં આવે છે. તો તે હજારો વર્શો પછી પણ કેમ ફળ્યો નથી? આપણે સામાન્ય માનવીઓ શું કરી શકીએ?

       સાધક હોવાનો દાવો કરવાનો ખાસ ફાયદો એ છે કે, પછી નોકરીધંધો કશું જ કરવું ન પડે, સમાજ જ આપણું ભરણપોશણ કરે. તેમ છતાં બધાં સ્ત્રીપુરુશો કંઈ ‘મુમુક્ષુ’ બની ‘સાધના’ કરી શક્તા નથી કે કરવા ઈચ્છતા નથી. બધાં જ બ્રહ્મનીર્વાણ પામે તો ઈશ્વરના નાનાં કામો કોણ કરે? ઘડીઘડી અવતાર થોડા જ લેવાય છે? સાચા ઈશ્વરપ્રેમીઓ તો અનેક જન્મોમાં તેના કાર્યો કરવા તત્પર રહે, મોક્ષ ન વાંછે.

      એક કવિ (મનસુખલાલ ઝવેરી?) એ કહ્યું છે.

“ને દીઠું મેં જીવન ધર્મ્ય એક.
સામાન્યોના રાગ ને દ્વેષ વચ્ચે
રાખી હૈયાપાંખડીને અડોલ
આત્મા કેરી વર્ષવી સત્કલાને.”

     આમ કરવા માટે જરુર હોય તો તે સમતુલા અને પ્રમાણસરતા કેળવવાની, બહુ મોટી આધ્યાત્મીક સાધનાની નહીં. સમતુલા બે પ્રકારની હોય છે, નીશ્ક્રીય અને સક્રીય. આપણે સુતા હોઈએ ત્યારે તો કમાલની સમતુલા હોય; પણ બેસીએ, ઉભા થઈએ તેમ સમતુલા જાળવવા વધારે ધ્યાન રાખવું પડે. પછી ભલે તે આપોઆપ થતું હોય.

      ચાલવા માટે સક્રીય સમતુલા જાળવવી પડે. આ પ્રક્રીયા સમજવા જેવી છે. કઈ દીશામાં જવું તે માટે આંખો વાપરવી પડે. પણ ગતી  તો પગ વડે જ કરી શકાય. એક પગ આગળ જાય ત્યારે બીજો પગ પાછળ રહે પણ તે બાજુનો હાથ આગળ જાય. વારાફરતી બંને પગ તથા હાથ આગળપાછળ થયા કરે. પણ એક સાથે નહીં. બન્નેની લંબાઈ તથા મજબુતાઈ પણ સરખા જ હોવા જોઈએ. બીજી પણ એક વાત જરુરી હોય છે. તે છે – જે સપાટી પર ચાલવું હોય તેનું ઘર્શણ અને પ્રતીક્રીયા. તે ન હોય તો લપસી પડાય. ઘર્શણ અને પ્રતીક્રીયા પહેલી નજરે ખરાબ જણાય; પણ ગતી માટે તે પણ આવશ્યક છે. હવે આનો ઉપયોગ જીવનગતી સમજવા કરીએ.

        કેટલાક લોકો કેવળ બુદ્ધીને મહત્ત્વ આપે છે, બીજા કેટલાક કેવળ ભાવનાને.  ડાબાજમણા પગની જેમ આ બન્ને આવશ્યક છે. બન્નેને અવરોધો પણ આવે; પણ તેમની મદદથી આગળ વધવું જોઈએ. બેમાંથી એક ઓછું હોય તો જીવનયાત્રા ખોડંગાતી ચાલે. આવા જ બીજા પણ દ્વંદ્વો (જોડકાઓ) ઘણા છે જેવા કે શ્રધ્ધા અને તર્ક, વીદ્યા-અવીદ્યા, સંભુતી-અસંભુતી, હીંસા-અહીંસા, ભક્તી-કર્મ, આધ્યાત્મીકતા-ભૌતીકતા વગેરે. તે બધાનું વીશ્લેશણ કરવાની જરુર નથી. દરેક વાંચક પોતપોતાની રીતે તેમને સમજીને તે પ્રમાણે વર્તી શકે છે.   

            શ્રીકૃષ્ણએ ભલે કહ્યું (ભગવદ્ગીતા ૨-૩૮) પણ સુખ-દુઃખ, લાભ-અલાભ, કે જય-પરાજયને સરખા ગણી શકાય જ નહીં. તેમણે પોતે પણ છ સાત વાર પાંડવોનો વીજય કરાવવા માટે ગેરરીતી અપનાવી હતી. બધું જ સરખું ગણવાનું હોય તો પછી ‘સાધુ’ઓનું પરીત્રાણ અને દુશ્ક્રુતોનો વીનાશ શીદ કરવો? એટલા માટે કે દુર્જનો સજ્જનોને (‘સાધુ’ એટલે ‘સારા’ નહીં કે ભગવા વસ્ત્રધારી) ત્રાસ અર્થાત્ દુઃખ આપતા હોય છે. હવે જો સુખ્-દુઃખને સરખા જ ગણવાના હોય તો પરમેશ્વર સજ્જનોને તેવો ઉપદેશ આપીને સંતોશ ન માને? અવતાર શા માટે લે? આપણે પણ આરતીમાં ‘દુઃખ વિનશે મનકા, સુખ સંપતિ ઘર આવે, કશ્ટ મીટે તનકા’ ગાઈએ છીએ તે શું ગીતાના ઉપદેશની વીરુધ્ધનું નથી? સ્પશ્ટ છે કે, સુખ અને દુખને સરખા ગણી શકાય જ નહીં. એ ખરું કે પરમેશ્વર કંઈ સુખદુખનો ડીપાર્ટમેન્ટલ સ્ટોર નથી ચલાવતો કે, આપણી પસંદગી પ્રમાણેના સુખદુખ આપે. તે તો તેની અકળ સ્વયંસંચાલીત વ્યવસ્થા પ્રમાણે મળ્યા કરે.

web site  –   http://tatoodi.googlepages.com/home

————————–

ભાગ – 2 વાંચો આવતીકાલ   તા. 30 ડીસેમ્બર ના રોજ….

સત્ય, શ્રધ્ધા અને તર્ક – ભાગ – 2 રશ્મીકાંત દેસાઈ

                ઘણું ખરું તો જેને આપણે ઈશ્વર પરની શ્રધ્ધા માનતા હોઇએ છીએ; તે ખરેખર તો બીજા કોઈ પરની જ શ્રધ્ધા હોય છે.  આપણે હીંદુઓ વેદને ઈશ્વરવચન માનીએ છીએ અને તેથી વીશ્ણુ ઈત્યાદીને પરમેશ્વર તથા દેવો માનીએ છીએ. તેનું કારણ એ જ કે, આપણા બચપણથી જ આપણા વડીલોએ શીખવ્યું હોય છે.  વેદ પરની આપણી શ્રધ્ધા આમ ખરેખર તો આપણા વડીલો પરની શ્રધ્ધા જ હોય છે.

        હવે તો આપણે જાણીએ છીએ કે, પૃથ્વી હેઠળ શેશનાગ નથી. તેથી વીશ્ણુ તેના ખોળામાં સુતેલા નથી. દશાવતાર તો થયા જ ક્યાંથી હોય? અર્થાત વેદપુરાણોની વાર્તાઓ કેવળ કાલ્પનીક વાર્તાઓ જ છે, ઇતીહાસ નહીં, પછી ભલે તે ઘણી જ કુશળતાપુર્વક લખાઈ હોય.

        પરંતુ આટલું સ્પશ્ટ સત્ય પણ આપણે સ્વીકારી શકીશું નહીં; કારણ કે તેમ કરવામાં આપણું ‘વયમ્’ (સામૂહીક અહમ્) નડશે. ‘આપણા અત્યંત મહાન રુશીમુનીઓ તો કોઈ ભુલ કરી શકે નહીં; તેથી તેમણે કહેલી કે લખેલી બધી વાતોને આપણે માનવી જ રહી’ ,  એવું આપણું મમત્વ સત્યનો સ્વીકાર થતો અટકાવશે. એટલું જ નહીં પણ હજારો વર્ષોથી મનાતા આવેલા અસત્યોને સત્ય પુરવાર કરવા બધા જ પ્રયત્નો કરાવશે.

       એક મુદ્દો એવો ઊભો કરવામાં આવશે કે, શ્રધ્ધાના વીશયમાં તર્કનો ઉપયોગ ન કરી શકાય. આ પણ અણસમજનું જ પરીણામ છે. જો તે સાચું હોય તો બે વ્યક્તીઓ કેવળ પોતપોતાની શ્રધ્ધા જણાવી જ શકે, કોઇ પ્રકારનો વીચારવીમર્શ કરી ન શકે. શંકરાચાર્ય અને મંડનમીશ્ર વચ્ચે વીવાદ થઈ શક્યો ન હોત. તે સીવાય પણ ઘણા પ્રસંગે ચર્ચા વીચારણાઓ થઈ છે અને થાય છે; તે પણ નીરાધાર બની જાય. પ્રજાના જુદાજુદા સમુહો પોતપોતાની શ્રધ્ધા-અંધશ્રધ્ધાઓમાં રાચ્યા કરે. માનવ જાતની પ્રગતી રુંધાઈ જાય.

          શ્રધ્ધા અને તર્ક એકબીજાના પર્યાય નથી પણ પુરક છે; અને એકબીજા પર આધાર રાખે છે. ચમત્કાર કરનાર કોઈ ગુરુ  અથવા ઈસુને ઈશ્વરીય વીભુતી કે પછી સ્વયં ઇશ્વરપુત્ર માનવા; તે શ્રધ્ધા નહીં પણ તર્ક છે. કારણકે તે માન્યતા ચમત્કાર કરવાની શ્રદ્ધીતની શક્તી કે આવડત પર જ નીર્ભર હોય છે. આધુનીક વીજ્ઞાન જતે દીવસે બધા પ્રશ્નોના જવાબ આપી શકશે; એવી માન્યતા પણ એક પ્રકારની શ્રધ્ધા જ છે. તર્ક નહીં. કારણ કે તે કશા પર આધારીત નથી.

       વસ્તુતઃ તર્કના પાયામાં શ્રધ્ધા જ હોય છે. તર્કની શરુઆત કરતા પહેલાં કેટલાંક તથ્યો ગૃહીત કરવા પડે; એટલે કે સાબીતી  આપ્યા વગર સ્વીકારવા પડે. જાણે કે તે સ્વયંસીધ્ધ સત્ય હોય. આને પુર્વધારણા  ( postulates )  કહે છે. કયા મુલ્યોને ગૃહીત કરવા અને કયાને નહીં; તે જે તે તાર્કીકની વ્યક્તીગત શ્રધ્ધા પર નીર્ભર કરે છે. દાખલા તરીકે આ લખનારની શ્રધ્ધા એવી છે કે, પરમેશ્વર હમેશાં સત્ય અને ન્યાયનું સમર્થન કરે, તેથી વીપરીત વર્તન ન જ કરે; અને કોઈએ કર્યું હોય તો તેને માફ પણ ન જ કરે. કોઈને જો આ તથ્ય સ્વીકાર્ય ન હોય તો તે જુદા જ નીશ્કર્શ પર આવી શકે.

          તો પછી પ્રશ્ન એ થાય છે કે, દરેક સમુહ પોતપોતાના ગ્રુહીતોને આધારે જુદાજુદા દેવોની પુજા કરે, તો તેમાંથી એકેયને અંધશ્રધ્ધા કેમ ગણી શકાય? ઉત્તર એ છે કે તર્કનું પરીણામ મુળભુત ગ્રુહીતને અનુરુપ હોવું જોઈએ. ધારો કે, આપણે પ્રારંભમાં માની લઈએ કે પરમેશ્વર સકળ માનવજાતને પ્રેમ કરે છે. વળી તેના દસ આદેશો પૈકીનો એક એમ કહેતો હોય કે ‘હત્યા કરીશ નહીં’. (Thou shalt not kill) પણ પછી તે જ પરમેશ્વર તેમના કોઈ ભક્તને એવો આદેશ આપે કે ‘ જા! જેરીકો શહેરના બધા પ્રજાજનોનો સંહાર કરી નાંખ.’ અને તે ભક્ત – જોશુઆ લગભગ ૩૦  જેટલા નગરોના સર્વ નીવાસીઓની કત્લેઆમ કરી નાંખે તો; ક્યાં તો આપણું ગ્રુહીત ખોટું હોવું જોઈએ; અથવા પરમેશ્વરના નામે ઉપજાવેલી વાર્તા ખોટી હોવી જોઈએ. પસંદગી બીજા વીકલ્પ પર જ જઈ શકે. છતાં એક ઘણો મોટો સમુદાય આવી ખોટી વાર્તાને ઈશ્વરનો શબ્દ માને છે. તેમની ‘શ્રધ્ધા’ ખરેખર તો અંધશ્રધ્ધા જ ગણી શકાય.

         આ તો થઈ બીજાના ધર્મની વાત. હવે થોડું આપણા જ ધર્મનું આત્મનીરીક્ષણ કરીએ. ભગવાન શ્રી વીશ્ણુનો છઠ્ઠો અવતાર પુરો થાય તે પહેલાં જ રાવણનો વધ કરવા માટે સાતમા માનવ અવતારની જરુર પડી. છઠ્ઠો અવતાર પૃથ્વી પર જ વીચરતો હોવા છતાં રાવણનો વધ કેમ ન કરી શક્યો? કૃષ્ણએ કંસનો વધ કર્યો પણ કંસત્વનો કેમ નહીં? આવી તો અનેક વીસંગતતાઓ અને મુલ્યદ્રોહના પુશ્કળ પ્રસંગો આપણા ધાર્મીક સાહીત્યમાંથી સાંપડે છે. વીશયાંતર ટાળવા તેમનું સવીસ્તર વર્ણન અહીં ન કરતાં એક બીજા લેખમાં (અસત્યો અને અન્યાયો) કર્યું છે.

          લગભગ બધા જ ધર્મો એમ માને છે કે, પરમેશ્વર સર્વવ્યાપી, સર્વશક્તીમાન, સર્વજ્ઞ, દયાળુ અને ક્ષમાવાન ઇત્યાદી છે. છતાં બધા જ ધર્મોના કેટલાક નીયમો એવા હોય છે કે તે ઉપરોક્ત વર્ણનની અવગણના કરતા હોય અને અનુયાયીઓ તેમનો વગર વીચાર્યે અમલ કરતા હોય છે. અને તે પણ શ્રધ્ધાને નામે. પરમેશ્વર જો સર્વવ્યાપી હોય તો પછી મોઝીસને તેના અનુયાયી યહુદીઓ સાથે ઈજીપ્ત છોડીને જતા રહેવાની સલાહ ઈશ્વરે પોતે આપી હોય તે શક્ય જ નથી. છતાં યહુદીઓ તેમાં માને છે.

         આવા જ અવીચારીપણાને લીધે તો અત્યંત અમાનુશી, ઘ્રુણાસ્પદ અને અન્યાયી એવી આપણી જ્ઞાતીપ્રથા અસ્તીત્વમાં આવી અને ટકી પણ શકી.

       ઉપર કહ્યું તેમ તર્કની શરુઆત જ શ્રધ્ધાથી થાય છે. તો તર્કના બીજા છેડે પણ શ્રધ્ધા હોય છે. જે પશ્નોના જવાબ આપણે તર્કથી નથી આપી શકતા; તેમના ઉત્તર માટે આપણે શ્રધ્ધાની સહાય લેવી પડે છે. કેટલાક સંજોગોમાં તે ખોટું પણ નથી. પરંતુ જે બાબતો બુદ્ધીથી વીચારી શકાય તેમને માટે શ્રધ્ધાનો સહારો લેવો યોગ્ય નથી. વળી જેમ જેમ માનવજાતનું સામુહીક જ્ઞાન વધતું જાય તેમ તેમ તર્કનો આધાર વધારતા જવું જોઇએ. જેમ કે યાજ્ઞવલ્ક્ય ઇત્યાદી  રુશીઓએ ભલે એમ કહ્યું હોય કે પ્રુથ્વી શેશનાગ પર આધારીત છે. હવે તો આપણે એ માન્યતા ફગાવવી જ રહી.

       યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયીના પ્રશ્નોત્તરને અંતે યાજ્ઞવલ્ક્યએ કહ્યું કે, છેલ્લા સવાલનો જવાબ કોઈથી આપી શકાય તેમ નહોતો. અન્ય પ્રશ્નોના તેમણે આપેલા જવાબ તેમના અનુમાનો તેમજ પોતાની કલ્પના પરની તેમની શ્રધ્ધા પર આધારીત હતા. પરંતુ અમુક બાબતો તો કલ્પના અને શ્રધ્ધાની પણ પારની હોય છે. ખરેખર તો મૈત્રેયીના પહેલા પ્રશ્ન ‘પૃથ્વી કોના આધારે છે?’ એનો યાજ્ઞવલ્ક્યનો ઉત્તર પણ ખોટો હતો. તેના પરથી પૂછાયેલા અનુગામી પ્રશ્નોના ઉત્તર કેટલે અંશે સાચા હતા તે તો કોણ જાણી શકે?

        તર્ક તેમજ શ્રધ્ધાની પારના પણ કેટલાક વીશયો છે. સૌથી મોટી ભુલ આપણો અને લગભગ બધા જ ધર્મો કરે છે કે, આવી બાબતો, જેવી કે જન્મ પહેલાં અને મૃત્યુ પછીની આત્માની સ્થીતી અને ગતી. આ અંગેના પ્રશ્નોના ધર્મો જવાબ આપે છે. આ જવાબો ન તો શ્રધ્ધા પર કે ન તો તર્ક પર આધારીત હોય છે. તે તો કાલ્પનીક અનુમાનો હોય છે. એક વાર કોઈએ કલ્પના કરી એટલે ‘અહો રૂપં અહો ધ્વની ‘ ની જેમ તેમના સાથીઓએ અને શીશ્યોએ સ્વીકારી લીધી અને પ્રચલીત થતી ગઈ. તે કલ્પના ઈશ્વરના વર્ણનને અનુરૂપ છે કે નહીં, તે વીચારવાની તસ્દી કોણ લે? દાખલા તરીકે પૃથ્વી અને માનવજાતની ઉત્પત્તી માટે આદમ અને ઈવની વાર્તા જીનેસીસના લખનારે કલ્પી, કહી અને લખી.  લખનાર પ્રત્યેના સકારણ અથવા નીશ્કારણ આદરભાવને લીધે સાંભળનાર અને વાંચનારાઓએ વગર વીચાર્યે તેને ઈશ્વરના શબ્દની પદવી આપી. પણ થોડો વીચાર કરતાં જણાશે કે, તે વાર્તા જો સાચી હોય તો પરમેશ્વર ધારવા જેટલો શક્તીશાળી, જ્ઞાની કે દીર્ઘદ્રશ્ટીવાળો નહીં હોય- જે આપણા મુળભુત ગ્રુહીતથી ઉંધું પરીણામ છે. (જુઓ આ લખનારનું અંગ્રેજી લખાણ UnGodly Genesis) ડાર્વીનનો ઉત્ક્રાન્તીવાદ ખોટો સાબીત થાય, તો પણ જીનેસીસની વાર્તા તો અસ્વીકાર્ય જ ગણાવી જોઈએ. પરંતુ અંધશ્રધ્ધાળુઓ તો તેમાં માન્યા જ કરશે; અને તે પણ શ્રધ્ધાના ભ્રામક નામ હેઠળ. તેવી જ રીતે આપણે હીંદુઓ પણ ચોર્યાશી લાખ યોનીવાળી વાત માની લઈએ છીએ.

      આપણા ધર્મગુરુઓ કહે છે કે, ‘બ્રહ્મ સત્યં જગત્  મીથ્યા’. બ્રહ્મ કદાચ સત્ય હશે, પરંતુ જગત જો મીથ્યા હોય, તો પછી વસુદેવસુત, કંસચાણુરમર્દન, દેવકીપરમાનંદ કૃષ્ણ પણ મીથ્યાગુરુ  જ ગણાવા ન જોઈએ? શંકરાચાર્ય અને અન્ય જગદ્ગુરુઓ પણ મીથ્યાગુરુઓ જ હોય ને? મીથ્યા જગતના મીથ્યા લોકોના ઉધ્ધાર માટે ચાર ચાર મઠ બંધાવવાની શી જરુર હતી? આટલા બધા ધર્મોપદેશોની પણ શી જરૂર? આ સુત્રનું વીવેચન પણ તર્ક પર જ આધારીત હોય છે. જગતની બધી વસ્તુઓ બદલાયા કરે છે તેથી તે મીથ્યા છે; અને બ્રહ્મ બદલાતું નથી તેથી સત્ય છે એમ આપણને સમજાવવામાં આવે છે. એટલે ખરેખર તો એમ કહેવું જોઈએ કે ‘બ્રહ્મં નીત્યં જગત્ અન્યથા’. પણ બદલાયા કરે તેથી જ કાંઈ જગત મીથ્યા નથી થઈ જતું.

           સત્ય અને ન્યાય પરસ્પર આધાર રાખે છે. ન્યાય વીનાનું સત્ય નકામું છે, સત્ય વીના ન્યાય અશક્ય છે. એટલે જો કોઈ વાત બેમાંથી એક્નું સમર્થન કરતી ન હોય તો તે સમાજને માટે નીરુપયોગી તો ખરી જ, પણ હાનીકારક પણ હોઈ શકે છે. તેથી જે અસત્યો અને અન્યાયોને આપણે અત્યાર સુધી સ્વીકારી અને ચલાવી લીધા છે; તેમને ઉઘાડા પાડવા જોઈએ કે જેથી તેમણે કરેલા નુકશાનને અટકાવી અને સુધારી શકાય.

સત્ય, શ્રધ્ધા અને તર્ક – ભાગ – 1, રશ્મીકાંત દેસાઈ

    સત્યનું મુખ હીરણ્યમય પાત્ર વડે ઢંકાયેલું છે એમ ઉપનીશદો કહે છે. કયું સત્ય અને કયું પાત્ર એવો પ્રશ્ન પુછી શકાય. મુમુક્ષુઓ અને ‘સીદ્ધ’ પુરુષો જેને સત્ય કહે છે; તે સત્યની વાત આપણે કરી શકીએ તેમ નથી. અહીં તો આપણે આપણા દૈનીક વ્યવહારમાં અનુભવાતા સત્યની વાત કરવી છે કે જે સત્ય સમાજવ્યવસ્થાને અસર કરે છે.

      પાત્ર પણ કાંઈ જેવું તેવું નથી હોતું. હીરણ્યમય હોવાથી તે આકર્ષક અને મોહક હોય છે અને જોનારને મુલ્યવાન પણ જણાય છે. પરીણામે સત્યને છુપાવવાનું અત્યંત સરળ થઈ જાય છે. કોઈ કોઈ વાર કડવા સત્યને ‘સાત્વીક’ અથવા સ્વીકાર્ય બનાવવા તેને મીઠા શબ્દોમાં રજુ કરવામાં આવે છે. જેમ કે અગ્નીપરીક્ષા અંગે સીતાના પ્રશ્નના જવાબમાં રામે કહ્યું કે ‘આ પરંપરાનો આરંભ તમારાથી થશે અને અંત પણ તમારાથી જ આવશે.’  ટુંકમાં આ અન્યાય કેવળ તમને જ કરવામાં આવશે. આમ શાબ્દીક મીઠાશ પણ એક પ્રકારનું હીરણ્યમય પાત્ર બની જાય છે. ઘણી વાર પ્રવચનકારોની વાગ્છટામાં કે લેખકોના ભારેખમ (આધ્યાત્મીક જણાતા પણ ખરેખર તો પોલેપોલા) શબ્દોમાં સત્યને છુપાવવાનું ખુબ જ સહેલું થઈ જાય છે.

       સત્યનું મુખ શું કાયમ માટે ઢંકાયેલું રહી શકે ખરું? હીરણ્યમય પાત્ર શું એવું સ્વયંસંચાલીત બનેલું છે કે, કોઇએ ખસેડ્યું હોય તો તે આપમેળે જઈને સત્યને ફરીથી ઢાંકી દે? સત્ય તો સદૈવ ઉઘાડું (અપાવૃત) જ હોઈ શકે. કેવળ એટલું જ કે આપણે તેને જોઈ શકતા નથી કારણ કે, આપણે હકીકતોને પુર્વગ્રહોના ચશ્માંઓમાંથી જોતાં હોઈએ છીએ. આપણી દ્રશ્ટી ઢંકાયેલી હોય છે. આપણી આંખો પર પડળ ઝામી જાય છે.

       આ પડળો વીવીધ પ્રકારનાં હોય છે. કેટલાંક પડળો આપણી વીચારસરણી સંબંધીત હોય છે, જેવી કે મુડીવાદી, સમાજવાદી ઈત્યાદી. બીજાં કેટલાંક પડળો આપણા સ્વાર્થમાંથી ઉપજે છે. વળી આપણું મમત્વ પણ સત્ય દર્શન રુંધે છે. આપણી સંસ્કૃતી, ધર્મ કે પરંપરાથી પ્રતીકુળ હોય તેવું કોઈ પણ સત્ય જોવા આપણે તૈયાર નથી હોતા. પણ સૌથી પ્રબળ અવરોધ હોય છે; આપણી શ્રધ્ધાનો. શ્રધ્ધા અને ભક્તીભાવના રુપાળા અંચળા હેઠળ આપણે ઘણાં અસત્યો અને અન્યાયોને ધરબી દીધાં છે. શ્રધ્ધાની સોહામણી જાળ પાથરીને આપણે એવા ‘ભક્તો’ ઉત્પન્ન કરીએ છીએ કે જેઓ અંતઃકરણપુર્વક સ્વયંભુ  પ્રાર્થના કરવાને બદલે ધર્મગુરુઓએ નીયંત્રીત કરેલા પુર્વનીર્ધારીત સમયે, રીતે અને શબ્દોમાં યંત્રવત્ સામુહીક પ્રાર્થના કરે છે. ભક્તી એટલે પરમેશ્વર રુપી પતી પ્રત્યેની જીવાત્મા રુપી પત્નીની ઉત્કટ લાગણી; અને તે જાહેરમાં નીયંત્રીત રીતે ન થઈ શકે. તે સમજવામાં આપણી ગુરુઓ પરની શ્રધ્ધા નડે છે. ગરુઓને પણ તે અનુકુળ આવે છે.

      બુદ્ધી અને તર્કની મર્યાદા તો જાણવી જ જોઈએ; પણ શ્રધ્ધાની મર્યાદા જાણવી પણ જરુરી છે.

      સૌથી વધુ દુરુપયોગ શ્રધ્ધાની વીભાવના (concept) નો થયો છે. ‘શ્રધ્ધા’ને નામે આપણે અનેક બેહુદી માન્યતાઓને (જેવી કે શીતળામા અને બળીયાબાપાની પુજા)  સ્વીકારી લઈએ છીએ. કારણ કે, સાચી શ્રધ્ધા શું છે તે આપણે સમજ્યા જ નથી; અને ગુરુઓ રુપી સ્થાપીત હીતોએ સમજવા દીધી જ નથી. ઘણી વાર તો એમ પણ લાગે કે, ક્યાંક શ્રધ્ધા એટલે ઈશ્વર તરીકે પોતાની પુજા કરાવવા માટે ગુરુઓએ ઉભી કરેલી ભ્રમણા તો નથી ને? કે પછી ‘શ્રધ્ધા’ એટલે ઈશ્વરે આપેલી બુદ્ધી ન વાપરવા માટેનું બહાનું માત્ર?       શ્રધ્ધા એટલે એવી વાત કે, જે ન તો સાચી પુરવાર થઈ શકે; ન તો ખોટી. જે વાત સાચી કે ખોટી સાબીત થઈ શકે; તે વાત શ્રધ્ધાનો વીશય રહેતી નથી. જો કોઈ વાત આપણે અત્યાર સુધી શ્રધ્ધાપુર્વક સાચી માનતા આવ્યા હોઈએ , પણ નવા મળી આવેલા પુરાવા પ્રમાણે ખોટી ઠરતી હોય તો તેને ‘શ્રધ્ધા’ને નામે વળગી રહેવું ન જોઈએ.

        કોઇ એક વ્યક્તી, પુસ્તક કે વ્યવસ્થામાં શ્રધ્ધા રાખવી તે કાંઈ સાચી શ્રધ્ધા નથી. ઈશ્વર અને ઇશ્વરીય સીધ્ધાન્તો અને ગુણો જેવાં કે સત્ય, અહીંસા, ન્યાય, પ્રેમ ઇત્યાદીમાં રાખીએ ;તે જ સાચી શ્રધ્ધા ગણી શકાય. વળી સીધ્ધાન્ત પરની શ્રધ્ધા પણ આપણે કેવી રીતે વાપરીએ છીએ, તે પણ અગત્યનું છે. જેમ કે કર્મનો સીધ્ધાન્ત ભલે ગમે તેટલો સાચો અને સારો હોય તો પણ કોઈ દુખીયારાની પરીસ્થીતીને અવગણવા અથવા અન્યાયનો ભોગ બનનારને(victim) દોશ દેવા માટે જો તેનો ઉપયોગ કરીએ, તો તે યોગ્ય ન જ ગણી શકાય.    

–  રશ્મીકાંત દેસાઈ  ( તેમનો પરીચય વાંચવા અહીં ‘ક્લીક’ કરો )  :  તેમની વેબ સાઈટ ‘ તતુડી’

ભાગ -2 વાંચો  ….  આવતીકાલ 23 ડીસેમ્બર, 2007 ના રોજ