સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: શરદ શાહ

કંકોતરી – શરદ શાહ

બીજી ઓક્ટોબર. ગાંધી જયંતિ. પણ પ્રાઇવેટ નોકરીમા રજા થોડી હોય? નોકરી પરથી છુટી પંકજ સીધો ઘેર આવ્યો. પત્નીએ દરવાજો ખોલ્યો કે ખોલતાની સાથે પ્રશ્નોની ઝડી વરસી.

” સુલુ (સુલોચના) એક કંકોતરી ટ્રિપાઇ પર રહી ગઇ હતી, એ ક્યાં છે? તારા હાથમાં આવી? મને યાદ છે ત્યાં સુધી મેં ત્યાં જ મૂકી હતી. તેં લઇને કબાટમાં તો નથી મૂકીને?.

” સુલોચના, ” કોની હતી? તે આમ હાંફળા ફાંફળા થાઓ છો?”

“અરે,મારા શેઠના છોકરાના પાંચમીએ લગન છે તેની કંકોતરી હતી.”

“તે એમા આમ રઘવાયા શું કામ થાઓ છો. મળી જશે. અને ન મળેતો કાલે ઓફીસમાથી બીજાને આપેલ હોય તેનો મોબાઈલ માં ફોટો પાડી લેજો્”

“સુલુ, એ વાત નથી. ગઇકાલે શેઠે પગારના વીસ હજાર આપેલા તે પણ મેં એમાં મૂકેલા.

” “પીળા રંગનુ કવર હતું?”

“હા, હા એ જ.” પકજ બોલ્યો.

“હાય રામ. આજે જ મેં પસ્તીવાળાને પસ્તી આપી તેમા પૂંઠા, નકામી નોટો, છુટ્ટા કાગળો, જાહેરાતના ચોપાનિયા બધુ છાપાઓની વચ્ચે ઘુસાડી આપી દીધું. મુઓ, છાપાની પસ્તીના બાર રુપિયા અને આવા કાગળોના બે રુપિયા જ આપે છે. એટલે હું તો દરવખતે પસ્તી આપું ત્યારે આવું બધુ છાપામા ઘુસાડી દઉં. જરુર એ પીળુ કવર પસ્તીવાળાને અપાઇ ગયું છે.”

સુલોચનાએ ડર સાથે કથની કહી. પંકજની નીચેથી ધરતી સરકી ગઇ.

” અરે, હવે આ મહિને રોહિતની સ્કુલની ફી, કિરાણાનુ બીલ, લાઇટ, દુધ, છાપાના પૈસા કેમ ચુકવશું?

ઘરનુ વાતાવરણ ગમગીન થઇ ગયું . સાંજનુ ન વાળુ કરી શક્યા કે ન રાત્રે સૂઇ શક્યા. બીજે દિવસે ઓફીસના બીજા કર્મચારીઓ પાસે ઉધાર માંગી કરીને દસેક હજાર ભેગા કર્યા. થોડા ઘણા સુલોચનાએ બચાવેલ અને બીજા બેંકમા બચતમાંથી ઉપાડી વીસ હજારનો મેળ કર્યો.

આજે પાંચમીએ શેઠના છોકરાના લગનમા જવા બસમા જ ગયા. હોલના પગથિયા ચઢતાતા ત્યાં એક આધેડ વયનો માણસ સામે આવ્યો અને બોલ્યો, ” બેન તમે શારદા સોસાયટીમાં રહો છો?

એક અજાણ્યા માણસનો સવાલ સાંભળી સુલોચનાબેન ઘડી ખચકાઇને બોલ્યા,

“હા,”

ત્યાં તો બીજો સવાલ આવ્યો. , ” તમે બે ત્રણ દિવસ પહેલા પસ્તી આપી હતી?”

સુલોચના અને પંકજના કાન ઉંચા થઇ ગયા. અને સુલોચનાબેને કહ્યું,

“હા”.

“બેન એ પસ્તીવાળો હું જ છું. અહીં લગનમા આવીને તમને શોધવાના હતા એટલે દાઢી કરાવી, મારા ભાણેજ જમાઇને ત્યાં થી લગનમા શોભે તેવા કપડા પહેરીને આવ્યો ને એટલે તમે મને ઓળખી નહીઁ શક્યા. પણ રાત્રે છાપાની પસ્તીમાંથી પૂંઠા ને કાગળો છુટા પાડતો હતો ત્યારે આ એક કંકોતરી નીકળી. બેન લોકો છાપા ભેગા આવા કાગળો નાખી દેતા હોય છે જે અમારે રોજ છુટા કરીને ફક્ત છાપા જ વહેપારીને આપીએ તો પૂરતા પૈસા આપે. નહીં તો ૨૦%ઓછા આપે. કંકોતરી વજનદાર લાગી એટલે મેં ખોલી તો અંદરથી વીસ હજાર રુપિયા નીકળ્યા. કકોતરીની તારિખ જોઇ તો પાંચમી હતી. એટલે થયું કે જેમની પસ્તીમાંથી આ કંકોતરી નીકળી છે તે લગનમા આવશે. એટલે તેમને લગ્નના હોલ પર શોધી કઢાશે. એટલે હું અહી તમને શોધવા જ આવ્યો.”

એમ કહેતા એ પસ્તીવાળાએ પોતાના પાકિટમાંથી પેલી કંકોતરી કાઢી ને સુલોચનાબેનના હાથમા મૂકી. ઝટ પંકજે કંકોતરીનુ કવર ખોલી વીસ હજાર જોતાની સાથે ખુશ ખુશ થઇ ગયો. વીસ હજારમાંથી એક હજાર પસ્તીવાળાને આપવા હાથ લંબાવ્યો,

પણ પસ્તીવાળાએ હક વગરના પૈસા ન લીધા તો ન જ લીધા.

આસ્તિક  / નાસ્તિક – શ્રી. શરદ શાહ

       [ શરદ ભાઈનો પરિચય વાંચવા આ ફોટા પર ‘ક્લિક’ કરો

અને અહીં પણ ]

 • હું કોણ છું?
 • ક્યાંથી આવ્યો છું?
 • ક્યાં જવાનો છું?
 • શું હું કરોડો સેલમાંથી બનેલ દેહ માત્ર છું?
 • શું હું આત્મસ્વરૂપ છું? આ આત્મા શું છે?
 • આ પરમાત્મા શું છે ?
 • ઈશ્વર જેવું કંઈ છે કે નહિ?
 • જો ઈશ્વર છે તો કેવો છે?
 • જો નથી તો આ બધા ધર્મશાસ્ત્રો માં ઉલ્લેખ અને વ્યાખ્યાઓ છે તે શું તરકટ છે?
 • શું આ દેહનું મૃત્યુ એ મારું પણ મૃત્યુ છે?
 • મૃત્યુ પછી જીવ ક્યાં જાય છે?
 • તેનું શું થાય છે?
 • ભટકતા જીવ ભૂત પ્રેત થાય છે?
 • શું ભૂત પ્રેત ખરેખર હોય છે?
 • કે પછી આ બધા મનના વહેમ માત્ર છે? 

     આ અને આવા હજારો પ્રશ્નો આપણી ભીતર ઉઠે છે અને તેના જવાબો આપણે શાસ્ત્રોમાં, પુસ્તકોમાં, કે બુદ્ધ જનોના વચનોમાં શોધીએ છીએ; કે પછી પંડિતો, ગુરુઓ, ધર્માચાર્યો કે મિત્રોને પૂછીએ છીએ. આ પ્રશ્નોના ગમે તેટલા અને ગમે તેવા જવાબો આપવામાં આવે; પરંતુ તે જવાબો આપણને આત્મસંતોષ, સમાધાન કે શાંતિ નથી આપી શકતા.  ઉપરથી એક જવાબ  આપવામાં  આવે કે તરત જ બીજા અનેક પ્રશ્નો ઉભા થઇ જાય  છે.અને જેમ જેમ પ્રશ્નો પૂછતા  જઈએ અને જવાબો મળતા જાય તેમ તેમ વધુને વધુ આપણે ગુંચવાતા  જઈએ છીએ – એવો અનુભવ આપણને ઘણીવાર થયો હોય છે.માણસ આખરે થાકી ને એક યા બીજા જવાબને સ્વીકારી શરણું  લઇ લે છે. કાળક્રમે એ સ્વીકારેલો જવાબ તેનો પોતાનો છે; તેમ તે માનતો થઇ જાય છે અને તેના જવાબના સમર્થનમા અનેક તર્ક શોધી કાઢી; તે સંતુષ્ટ થઇ જાય છે. હવે તેને ખબર છે કે ઈશ્વર છે કે ઈશ્વર નથી.હવે તેને ખબર છે કે આત્મા પરમાત્માનો અંશ છે કે આત્મા જેવું કંઈ છે અથવા  નથી. હવે તેને કદાચ ખબર છે કે, પુનર્જન્મ છે- કે પુનર્જન્મ ધુતારાઓની ઈજાદ માત્ર છે.

     આ અને આવી અનેક ભ્રમણાઓનાં આપણે શિકાર થઇ;  પાકે પાયે આપણી ભીતર ‘એક ભ્રમણા નું  જગત’ નિર્માણ કરીએ છીએ. હવે આ ભ્રમણાને  કારણે આપણને લાગે છે કે,  ‘મને બધી ખબર છે અને હું બધું જાણું છું. હવે મારી પાસે બધા પ્રશ્નોના જવાબ છે.’ આપણે તેવો દાવો પણ કરવા માંડીએ છીએ. અને ‘ હું જ સાચો અને મારાંથી  વિરુદ્ધ વિચાર, મંતવ્ય કે જવાબ ધરાવનાર બધા ખોટા અને મુર્ખ છે.’ – તેવું સાબિત  કરવામાં આપણે લાગી જઈએ છીએ.

       આવી ભ્રમણાને કારણે માનવ સમાજ મુખ્યત્વે બે ધારામાં વિભાજીત થઇ ગયો. એક ધારા જે ઈશ્વર (પરમાત્મા)  છે તેવું માનનારો વર્ગ છે. અને બીજો વર્ગ છે જે માને છે ઈશ્વર જેવું કંઈ નથી. ઈશ્વરને માનનાર વર્ગ ‘આસ્તિક’ અને ના માનનાર વર્ગ ‘નાસ્તિક’ તરીકે ઓળખાય છે.

       આપણે જોઈએ છીએ કે,  અત્યાર સુધી આસ્તિકો ની સંખ્યા બહુમતીમાં હતી; જયારે નાસ્તિકોની સંખ્યા અલ્પ હતી. ઘણા બધા પરિબળો તેને માટે જવાબદાર હતા. પરંતુ સામ્પ્રત સમયમાં; જયારે વિજ્ઞાન અને ટેકનોલોજી કુદકેને ભૂસકે વધી રહ્યાં છે; સામાજિક ઢાંચામાં પરિવર્તન આવી રહ્યા છે; અને માહિતીનો વિસ્ફોટ થઇ રહ્યો છે – ત્યારે પરિણામ સ્વરૂપ માનવ મન અને બુદ્ધિ પણ તેજથી વધી રહ્યાં છે. એના ફળરૂપે, નાસ્તિકોની સંખ્યામાં દિન પ્રતિદિન વૃદ્ધિ થઇ રહી છે. એક રીતે આ દૃષ્ટિ શુભ છે; કારણ કે,  તર્ક- બુદ્ધિનો સદુપયોગ જ્ઞાન માર્ગમાં સહાયક છે.

પણ દુરુપયોગ એટલો જ ખતરનાક પણ છે. 

      સમયે સમયે આસ્તિક-નાસ્તિક માટે  વિધ વિધ શબ્દ પ્રયોગ પ્રયોજાતા  રહ્યા છે. જેમકે આસ્તિક માટે ઈશ્વરવાદી, ધાર્મિક, શ્રદ્ધાળુ, વેદાંતી, સનાતની કે અન્ય. તે જ રીતે નાસ્તિક માટે નિરીશ્વરવાદી, અધાર્મિક, ચર્વાકી, કાફિર,કમ્યુનિસ્ટ વગેરે વગેરે. પરંતુ છેલ્લા કેટલા સમયથી નવો શબ્દપ્રયોગ અમલમાં આવી રહ્યો છે. નાસ્તિકો માટે વિવેકપંથી (રેશનાલિસ્ટ) અને આસ્તિકો માટે અંધશ્રધ્ધાળુ (નોનરેશનાલિસ્ટ).

બોટલ નવી માલ જૂનો! 

     આ આસ્તિક-નાસ્તિકનું યુદ્ધ કે વાદ-વિવાદ નવાં નથી, સદીઓથી ચાલે છે અને આવતી અનેક સદીઓ સુધી ચાલ્યા જ કરશે. આસ્તિકો ક્યારેય નાસ્તિકોને સમજાવી શક્યા નથી કે, નથી નાસ્તિકો ક્યારેય આસ્તિકોને સમજાવી શક્યા. બન્ને પક્ષે અનેક દલીલો અને તર્ક છે; અને આ તર્ક ખોટા  છે -તેમ તમે કહી પણ ના શકો. આ અંતહીન, અર્થહીન, વિનાશકારી યુદ્ધ છે. આને કારણે ભીષણ સંગ્રામો પણ ખેલાયા છે; અને અનેકોને બલિસ્થંભ પર પણ ચઢાવી દેવામાં આવ્યા છે.

      કારણ? કારણકે બંને પક્ષે અહમનો ખેલ છે, એમને  વિવાદમાં તો રસ છે; પણ સંવાદમાં બિલકુલ નહીં. એ સૌને ‘હું જ સાચો છું.’ તે સાબિત કરવામાં તો રસ છે જ; પરંતુ સત્ય શું છે તે જાણવામાં કોઈ રસ નથી. બંને પક્ષ એકબીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપમાં વ્યસ્ત છે અને તેમના કોચલામાંથી બહાર આવવા માંગતા નથી.  બંને પક્ષ પાસે રેડીમેઈડ જવાબો છે – ‘ઈશ્વર છે.’; ‘ઈશ્વર નથી.’ વિ. અને પોતપોતાના જવાબોના સમર્થનમાં અનેક તર્ક અને દલીલો પણ છે.

     ગણિતના દાખલાના જવાબો પાઠ્યપુસ્તક પાછળ વાંચીને સાચા કે ખોટા એ જાણી શકાય. અથવા  ભૂગોળ, વિજ્ઞાન કે અન્ય વિષયોના જવાબ ગાઈડથી ગોખીને આપી શકાય છે. પરંતુ જીવન સંબંધે , કે ધર્મ સંબંધે તે શક્ય નથી હોતું.

     ન્યુટને  અથાક પરિશ્રમને અંતે ગુરૂત્વાકર્ષણનો  નિયમ શોધ્યો. અને આઈન્સ્ટાઈને એમાં ગૂઢ તર્કો વાપરીને સુધારા સુચવ્યા; અને તે  ક્યાં લાગુ ન પડી શકે, તે બતાવ્યું. આપણે એ બધું કશા જ પરિશ્રમ કર્યા વગર સીધું સ્વીકારી શકીએ છીએ.

    પરંતુ નેમિનાથ કે પાર્શ્વનાથનાં વચનો દોહરાવી વર્ધમાન માંથી મહાવીર નથી થવાતું. કૃષ્ણના ગીતાના વચનો દોહારવવાથી પડિત કે પુરોહિત બની શકાય; પરંતુ જે ઊંચાઈ ના શિખરો કૃષ્ણ ભગવાને સર કર્યા તે નથી કરી શકાતા! મહાવીર કે કૃષ્ણ બનવા દરેક વ્યક્તિએ સ્વયં અંતરયાત્રા કરવી પડે છે, અને  ત્યારેજ એ ભીતરી ખજાનો ઉપલબ્ધ થાય છે – જે હજારો બુદ્ધ પુરુષોને ઉપલબ્ધ થયો છે.

       કૃષ્ણ હો કે ક્રાઈસ્ટ, મહાવીર હોય કે મહંમદ, નાનક હોય કે કબીર – દરેકે સ્વયં અંતરયાત્રા કરી, તેમના પ્રશ્નોનું સમાધાન મેળવેલ છે. આ અંતર યાત્રાને   ભારતીય મનીષીઓ ‘તપ’ કહે છે. તમામ બુદ્ધ પુરુષો આપણને અંતરયાત્રા કેમ કરવી તેના ઈશારા કરતા ગયા છે. પરંતુ આપણને અંતરયાત્રામાં રસ ઓછો અને રેડીમેઈડ ઉત્તરો વાંચી, વાદ-વિવાદ કરી,  હું સાચો અને સામો પક્ષ ખોટો અને મુર્ખ છે તે સાબિત કરવામાં રસ ઝાઝો છે.

      અહમનો આ ખેલ આપણે જોઈ શકીએ અને ખબર પડે કે, “અરે! બેહોશીમાં હું પણ આ ખેલમાં ભાગીદાર છું”. તો હવે સ્વાધ્યાય શરુ થયો અને અંતર યાત્રાની શરૂઆત થઇ સમજવી. આ સત્ય તરફ કે પરમાત્મા તરફનું પહેલું કદમ  છે. કહે છે કે,

યોગ્ય દિશામાં

પહેલું કદમ માંડો

એટલે 

અડધી યાત્રા

પૂરી થઇ સમજવી.

      પ્રભુ સૌને અંતરયાત્રા ની દિશામાં કદમ માંડવાની શક્તિ અને સામર્થ્ય આપે એ જ અભ્યર્થના.

——————————–

‘બની આઝાદ’ લેખ શ્રેણી માટે ઉપરના ચિત્ર પર ‘ક્લિક’ કરો

બની આઝાદ – ઈ બુક, પ્રસ્તાવના – શરદ શાહ

૧૭ , ફેબ્રુઆરી-૨૦૧૩ ના રોજ શરૂ કરેલ આ યાત્રા આજના રોજ સમાપ્ત થાય છે.

દરેક ક્ષણમાં જીવતા રહેવા માટે,
તમે દરેક ક્ષણમાં મૃત્યુ પામો છો.

ક્ષણો આવે છે, અને જાય છે.
ફૂલની માફક તે ખીલે છે અને કરમાય છે.
પણ દરેક ક્ષણ અને દરેક વ્યક્તિમાં કશુંક મધુર હોય છે.
મધમાખીની જેમ દરેક ક્ષણમાંથી મધ ચૂસી લો;
અને ચાલતા રહો.
સતત વ્યસ્ત મધમાખીની જેમ બની રહો;
અને હોવાપણામાં જ સતત રહો.

શ્રી. શ્રી. રવિશંકર

એક અગત્યનું પુનરાવર્તન……. આ ઈ-બુકની તમારે જરૂર નથી

જો………

 • તમે ગરીબીની રેખાની નીચે જીવતા હો અને આજનો રોટલો શી રીતે મેળવવો એ તમારો દરરોજનો  સળગતો પ્રશ્ન હોય તો; તમારે કોઈક મહમ્મદ યુનુસની જરૂર છે. ‘ભાગ્યના સૃષ્ટાઓ’, ‘આગળ ધસો’ જેવા જીવનમાં ભૌતિક પ્રગતિ હાંસલ કરવા પ્રેરણા આપે તેવાં વાંચનની જરૂર છે.
  કદીક એમ કરતાં ‘બે પાંદડે’ તો નહીં પણ ‘પા પાંદડે’ પણ થાઓ તો કોઈ મંદિર કે ધર્મસ્થાનમાં એમાંની મહામૂલી બચત વેડફી ન દેતા. ત્યાં તો પૂણ્ય કમાવી લેવાના ઈરાદા વાળા અનેક ધનિકોના ખજાના ખાલી થતા જ રહેવાના છે. કોઈક ભૂખ્યા બાળકને રોટલીનો ટૂકડો દેજો. તમે જ્યાંથી આટલે આવ્યા છો – એ સ્થિતીમાં હજુ સબડતા તમારા બાંધવોને નાનકડો ટેકો દેજો. જો એવી ક્ષમતા કે મરજી ન થતી હોય તો પણ, ક્યાંક કોઈકને નાનકડો સહારો કે દિલી સધિયારો દેતાં ખચકાતા નહીં. સહાનુભૂતિનો એ ભાવ ક્યાંક ને ક્યાંક – ક્યારેક તમારા જીવનની અડાબીડ ગલીઓમાં પડઘા પાડતો તમને ઉત્સાહિત કરતો રહેશે.
 • જો તમે તમારી મગરૂરીમાં મસ્ત બની, પિરામીડની ટોચ કે તેની નજીક મ્હાલતા હો; અને તમારું જીવન તમને ભર્યું ભર્યું લાગતું હોય – કશાયની કમીના વર્તાતી ન હોય, તો આજે તો તમને આ માત્ર વાણી વિલાસ જ લાગવાનો છે. લાગવા દો.
  પણ.. એટલું જરૂર કરજો કે, જીવન ભરના અથાક પ્રયત્નોથી એકઠી કરેલી તમારી મહામૂલી સંપદાનો થોડોક પણ હિસ્સો કોઈ મંદિર કે ધર્મ સ્થળમાં સામૈયા કે યજ્ઞો કરાવવામાં ન વાપરતા. ઉપર જણાવેલા કમનસીબ મનુષ્યોના જીવનમાં કશોક ઉજાસ પ્રગટે એ માટે એ ખર્ચજો. કો’ક મહમ્મદ યુનુસને કે એવી કોઈક સંસ્થા કે જે માનવતાના કાર્યમાં સન્નિષ્ઠ રીતે સંકળાયેલી હોય; તેને આપજો.
 • જો તમે આવા કોઈક રસ્તા પર એકનિષ્ઠાથી ચાલવાનું શરૂ કર્યું હોય; તો એને વળગેલા રહેજો અને તમારી અભિપ્સાને સાકાર કરવા પ્રતિબદ્ધ રહેજો. બીજા કશાની તમારે જરૂર નથી. પણ નિસ્વાર્થ સેવાનો ભાવ સદા તમારા અંતરમાં ધરબાયેલો રાખજો. સેવાની એવી તકો મેળવવા હમ્મેશ આતૂર રહેજો.
  સેવા ધર્મ સૌ ધર્મોથી ચઢિયાતો છે…છે…છે…ને છે જ. 

પણ…..

જો આમાંનું કશું તમને લાગુ ન પડતું હોય , અથવા તમે જ્યાં હો ત્યાં કશુંક ખૂટતું લાગતું હોય;જીવનમાં કશીક અધુરપ વર્તાતી  હોય, તો ….

તમારે તમારી જાત સાથે જીવવાની જરૂર છે.

અને તો કદાચ
આ ઈબુક
તમને એ રસ્તે
ચાલતા કરી શકે…

આ પાનાં પરથી તે ડાઉનલોડ કરી શકશો, અથવા પ્રકરણ વાર ઈન્ટરનેટ ઉપર વાંચી શકશો. 

એની પ્રસ્તાવના – પ્રેમપૂર્વક લખી આપવા માટે કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહનો ખુબ ખુબ આભાર.

( તેમનો પરિચય અહીં.

———————–

પ્રસ્તાવના

        આ ઈ-બુકની પ્રસ્તાવના પહેલાં સુરેશભાઈને સમજવા જરુરી છે.સુરેશભાઈનો મારો જેટલો પરિચય અને સહવાસ છે; તે પરથી મને સદા લાગ્યું છે કે તેઓ ખુલ્લા દિલે જીવનભર ખોજતા રહ્યા છે.જ્યાં પણ એમ લાગે કે કાંઈ તેમના જીવને તૃપ્તિ આપી શકે તેમ છે તો ત્યાં દોડી જવું, જે કાંઈ મળે તેને પોતાની સમજ અને શક્તિ પ્રમાણે મુલવવું અને યોગ્ય લાગે તો તેને ગાંઠે બાંધવું અને તે દિશામાં પ્રમાણિકતા પૂર્વક જીવન જીવવા પ્રયત્ન કરવો.

       પરંતુ જ્યારે માણસને એમ લાગે કે, હવે એક જીવનદર્શન મળ્યું છે અને પ્રયોગો પછી જણાયું છે કે આ અને આવા પ્રયોગો કરવાથી જીવનમાં થોડો ઘણો આનંદ આવી શકે તેમ છે; તો આ આનંદને અને અનુભવને વહેંચવો રહ્યો.કાંઈક આવી જ ભાવદશામાંથી આ પુસ્તકનું સર્જન થયું છે.જે મને મળ્યું તે હવે મિત્રો અને બીજા ખોજીઓને વહેંચું’

        આ પુસ્તકમાં એવા અનેક અધ્યાત્મના વિષયો અને જાત પ્રયોગોનો સમાવેશ કરવામાં આવ્યો છે; જે વિષે અનેક મતમતાંતરો અને ચર્ચાઓ માણસજાત વર્ષોથી કરી રહી છે.અને છતાં યોગ્ય સમાધાન મળતું નથી.સુરેશભાઈ પણ કોઈ દાવો કરતા નથી કે જીવનનુ અંતિમ ધ્યેય તેમણે મેળવી લીધું છે. આ ગહરા વિષયોને તેમણે આપણી સમક્ષ આવડી શકે તેવી ભાષામાં મુક્યા છે અને તે માટે સૌ મિત્રોને ખુલ્લું આમંત્રણ પાઠવે છે કે, આવો અને તમારો અભિપ્રાય, વિચારો કે જે કાંઈ આ દિશામાં ચિંતન હોય તે આપો જેથી આ વિષયની ગહરાઈઓને સમજવામાં લોકોને અને પોતાને પણ સહાયક બને.

       સુરેશભાઈનો આમેય સ્વભાવ છે સૌને સાથે લઈને ચાલવાનો; જે તેમના વર્ષોના વ્યવસાયિક અનુભવમાંથી તેઓ શિખ્યા છે.સાચો નાયક (લીડર) એ જ હોય છે જે બધાને સાથે લઈને ચાલે અને નાનામાં નાના વ્યક્તિના મંતવ્યો અને અભિપ્રાયોને ન અવગણે.

     આ પુસ્તક વાચકને કોઈ મદદ નહી કરી શકે; જો ફક્ત તેને વાંચીને કોરાણે મુકી દેવામાં આવશે કે, ફક્ત મગજની ખુજલી મિટાવવા પુરતું જ વાંચવામાં આવશે.આ પુસ્તક તમને જીવનમાં પ્રયોગો કરવા પ્રેરણા આપે અને તે વાંચી તમે તમારી ક્ષમતા અને સામર્થ્ય મુજબ પ્રયોગો કરશો તો અવશ્ય સુરેશભાઈનો પ્રયત્ન સફળ થશે.

       બાકી કચરો ભેગો કરવાનો શોખ હોય તો અનેક પુસ્તકોથી સંખ્યાબંધ પુસ્તકાલયો ભર્યા છે અને ધૂળ ખાય છે.જેમને જીવનમાં સાચા-ખોટા પ્રયોગો કરવા છે;તેમના માટે જ આ પુસ્તક વધુ ઉપયોગી છે. મારી સમજ છે કે નકશાઓ લઈને માર્ગોની ચર્ચાઓ કરવા કરતાં સાચા કે ખોટા મારગે પણ ચાલવું વધુ સારું છે.જેમને ચાલવું છે તેમનું સ્વાગત છે.જે ચાલશે તે એક દિવસ ગંતવ્ય સુધી અવશ્ય પહોંચશે જ આ અફર નિયમ છે.

શેષ શુભ

પ્રભુશ્રીના આશિષ

શરદ

અમદાવાદ

મસ્તી અને ગુલાલ – શ્રી. શરદ શાહ

      મને બહુ જ ગમતીલા, માનનીય શાયર શ્રી. જવાહર બક્ષીનો – મારા જીવનમંત્ર જેવો – શેર…..
મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો. 
     કલ્યાણમિત્ર શ્રી. શરદ શાહને જણાવ્યો; અને એમનામાં પ્રચ્છન્ન રહેલી સર્જકશક્તિએ પ્રતિ-શેર બનાવી; ટેબલ ટેનિસની રમતની જેમ સામો બીજો શેર મોકલી દીધો…
હસ્તી મટી ગઈ તો,  વિરાટ થઈ ગઈ;
ઘેરાવ જો ગયો તો, આકાશ થઈ ગયો.
      માશાલ્લા, શરદભાઈ, ચાલો આમ શેર- ટેનિસ રમતા રહીએ. ગુલાલ, મસ્તી, વિરક્તિ, હસ્તી, મુક્તિની રમત રમતા રહીએ.
      એવી જ એક રમતની અદભૂત ગઝલ – બીજા એવા જ એક ગમતીલા શાયર, શ્રી. કૃષ્ણ દવેની ..
મારી પાસે ઢગલો રેતી,
તારી પાસે ખોબો જળ,

ચાલને રમીએ પળ બે પળ.

પ્રતિતી પ્રમાણ – શ્રી. શરદ શાહ

મીઠી નીંદર
સપન મનોહર
શબ્દ પ્રમાણ

ભોજ છબીલા
સોડમ અલબેલા
શબ્દ પ્રમાણ

શબ્દ પ્રમાણ
સૌ મન રજકણ
જૂઠ જમણ

લિમકા, કોક
ચિત્ર, સમજ ફોક
દ્રશ્ય પ્રમાણ

ફિલ્મ ચરિત્ર
સુંદર ચલચિત્ર
દ્રશ્ય પ્રમાણ

દ્રશ્ય પ્રમાણ
સૌ મન ભટકણ
ભૂત ભ્રમણ

રાગ ભોપાલી
સૂર તાલ ખયાલી
શ્રાવ્ય પ્રમાણ

કબીર વાણી
અનુભવથી જાણી
શ્રાવ્ય પ્રમાણ

શ્રાવ્ય પ્રમાણ
અતિ મન રંજક
દુઃખ ભંજક

માંહી નિરખ
વર્તમાન પરખ
તરસ છીપે
ફકત નીરખંદા
ફકત પરખંદા

પ્યાસ બુઝે છે
જનમ જનમની
ગુરુ નિશ્રામાં
જ્યાં પ્રત્યક્ષ પ્રમાણ
ત્યાં પ્રતિતી પ્રમાણ.

બે તાન્કા – શ્રી. શરદ શાહ

   શ્રી. શરદભાઈ ( શાહ) ની કોમેન્ટની જિજ્ઞાસુ બ્લોગરો હમ્મેશ અભિપ્સા રાખતા હોય છે. દિવાળીની આ સાંજે તેમણે બહુ ભાવથી બે તાન્કા મોકલ્યા છે.

લ્યો આ ફગાવ્યા
લેબલો જગતના
હિન્દુ કે ખ્રિસ્તી
મુસલમાં કે શિખ
નથી થાવું અમારે.

==============

બસ માનવ.
ન કોઈ સંગી-સાથી
કોઈ બૈસાખી
ડગર અનજાણી
બસ ફના થવાની.

દિલથી અંતરના ભાવો વ્યક્ત કરનાર આ કલ્યાણમિત્રના ભાવોને અહીં પ્રગટ કરવા તે  મારું અહોભાગ્ય છે.

માતા – શરદ શાહ

માતાના ગુણગાન ભલે ગવાતા હોય, પણ ભારતિયો જેને જેને માતાનુ બિરુદ આપે છે તેને સૌથી વધૂ પીડે છે.

આપણે ગાયને માતા કહીએ છીએ અને ભારતિય ગાયોની દુર્દશા જેવી ભારતમાં છે તેવી કદાચ બીજે ક્યાંય નહી હોય. ભારતિય ગાયો ઉકરડા, પ્લાસ્ટીકની થેલીઓ, કાગળના ડુચા અને ગંદકી આરોગી શેરીઓમાં ભટકી જીવન પૂરું કરે છે. હિન્દુઓ કહે છે કે ગાયમાતામાં સોલ કરોડ દેવતાઓનો વાસ છે, પણ ભારતિય ગાયને જોઈને કોઈપણ કહી શકે કે સોલ સત્તર રોગોનુ ઘર છે ભારતિય ગાય. અને સૌથી વધારે ગૌરક્ષક મંડળો પણ ભારતમા જ છે. હિન્દુઓને એની સહેજ પણ શેહશરમ પણ નથી.

બીજુ માતાનુ બિરુદ આપણે નદીને આપીએ છીએ અને દુનિયાભરનો કચરો નદીમાં ઠાલવીએ છીએ. પહેલાં તો ધરમના નામે ફૂલહાર કે અસ્તિ કે લાશ વિસરજન નદીમાં થતું પણ હવે તો ઝેરી કેમિકલ અને તમામ પ્રકારનો ઔદ્યોગિક કચરો નદીઓમાં ઠલવાવા માંડ્યો છે. એકપણ ભારતિય નદીનુ પાણી પીવા લાયક રહ્યું નથી. હિન્દુઓ મરતા માણસના મોમાં પવિત્ર ગંગાજળ મૂકતાં. પણ હવે ગંગાનુ જળ એટલું દુષિત થઈ ગયું છે કે મરનાર ગંગાજળ મૂકતા વેંત જ દેહ છોડી દે. મને નથી લાગતું કે વિશ્વમાં ક્યાંય પણ નદીઓ આટલી દુષિત હશે.

ત્રીજું આપણે ભારત આપણી જન્મભૂમીને પણ માતાનું બિરુદ આપીએ છીએ. અને આ દેશની દુર્દશા કરવામાં આપણને વૈશ્વિક ખિતાબ મળવો જોઈએ તેટલી હદે આપણે ભારતની દુર્દશા કરી ચૂક્યા છીએ. તમામ કુદરતી ભંડારોથી સમૃધ્ધ દેશ વિશ્વ કલક પર હાંસીપાત્ર છે અને ભિખારીઓનો કે મદારીઓનો દેશ તરીકે ઓળખાય છે. અને આપણને કોઈ છોછ નથી. મેરા ભારતના ગાણા ગાવાથી દેશ સમૃધ્ધ નથી થતાં, પણ પરિશ્રમથી અને બુધ્ધિના સદઊપયોગથી થાય છે તેવી સાદી વાત પણ આપણે સમજી નથી શકતાં.

ચોથું આપણે ધરતીને પણ માતાનુ બિરુદ આપીએ છીએ અને એ ધરતીમાતા ના સ્તન લોહીની ધારાઓ વહેવા માંડે ત્યાં સુધી ચૂસી રહ્યા છીએ વસ્તી વધારીને. પાત્રીસ કરોડની વસ્તી આજે સાઈઠ વર્ષમાં ૧૨૦ કરોડે પહોંચી ગઈ છે અને ૨૦૩૦ સુધી મા આપણે ૧૫૦ કરોડનો આંકડો વટાવી જઈશું. આ ધરતી કેટલું ખમશે તેવો વિચાર પણ આપણને આવતો નથી.

ભારતિય માતાઓને તેમના લાડલા પ્રસુતિ ઉપરાંત બીજી કેવી પીડાઓ આપે છે તે ભારતિય માતાઓ જ કહી શકે.

શરદ શાહ