[મુળ અંગ્રેજી ઉપરથી ભાવાનુવાદ]
પ્રવેશક
આ વાર્તા સત્યકથા છે કે, નહીં એની ખબર નથી ; પણ દસેક વર્ષ પહેલાં અંગ્રેજીમાં એક ઈમેલ બહુ જ વાઈરલ થયો હતો. એનો આ ભાવાનુવાદ છે. એ કથાની સત્યતા કે અસત્યતાને બાજુએ મુકીએ તો એક વાત નિર્વિવાદ છે કે, એની પાછળનું મૂળ એક નક્કર હકીકત છે. એક સન્નિષ્ઠ સૈનિકના જીવન અને તેના સમર્પણને ઊજાગર કરતી આ વાર્તા ગુજરાતી નેટ જગતના એક માત્ર સૈનિક, અને ‘વેબ ગુર્જરી’ના સંપાદક મંડળના સભ્ય કેપ્ટન નરેન્દ્ર ફણસેને ભાવપૂર્વક સમર્પિત કરતાં, સૌના વતી આ રૂપાંતરકારની નરેન્દ્રભાઈ અને સૌ નિષ્ઠાવાન સૈનિકોને લશ્કરી સલામ.

સતીશ યાદવ કડવાશભર્યા ચિત્તે, શતાબ્દી એકસપ્રેસના ડબ્બામાં દાખલ થયો. વાતાનુકુલિત ડબ્બાની, પોચી ગાદી વાળી અને પહેલેથી આરક્ષિત એ સીટ પણ તેની કડવાશને મીઠી બનાવી શકતી ન હતી. હમણાં જ તે શહેરની એક મોંઘીદાટ હોટલમાં જમણ પતાવીને, ટેક્સીમાં રેલ્વે સ્ટેશન આવ્યો હતો અને આ ગાડી પકડી હતી.
સતીશ એક નાની સોફ્ટવેર કમ્પનીમાં પ્રોજેક્ટ મેનેજર હતો; અને છતાં તેની કમ્પનીના, જમાનાજૂના નિયમો પ્રમાણે હવાઈ મુસાફરી માટે અધિકારપાત્ર ન હતો. ‘મને ક્યાં હવાઈ મુસાફરીનો શોખ કે એ પ્રતિષ્ઠાભર્યા હવાઈ પ્રવાસની કોઈ લાલસા છે? પણ કામની અગત્યના સબબે ટ્રેનની આ મુસાફરી સમયનો અક્ષમ્ય બગાડ જ છે ને?
આમ તો સતીશ સાવ મધ્યમ વર્ગમાંથી આવેલો મહેનતુ જણ હતો. પણ કેવળ પોતાની આવડત, મહેનત અને સત્યનિષ્ઠાના બળે, આટલી નાની ઉમ્મરે, આવી જવાબદારી સંભાળતો મેનજર બની શક્યો હતો. તેણે પ્લેનની ટિકિટ કઢાવી આપવા માટે કમ્પનીના વહીવટી અધિકારીને કેટકેટલી રીતે સમજાવવા પ્રયત્ન કર્યો હતો? તેને પ્લેનમાં જવા દીધો હોત, તો કેટલો બધો સમય બચી જાત? દિલ્હીમાં કામ કરતા બીજા મદદનીશો અને સમકક્ષ અધિકારીઓ સાથે તેણે કેટલી બધી ચર્ચા કરવાની હતી? કેટલા બધા જટિલ પ્રશ્નોનું નિવારણ લાવવાનું હતું? એક પ્રોજેક્ટ મેનેજર તરીકે કેટલી મોટી જવાબદારીનું એ કામ હતું? અને પ્રોજેક્ટની ડેડ લાઈન તો સાવ ઠૂંકડી આવી ગઈ છે ને?
‘પ્રતિસ્પર્ધી વિદેશી કમ્પનીના, એનાથી સાવ હલકું કામ કરતા, સાવ છોકરડા જેવા, સાવ પ્રારંભિક આવડત વાળા, અને મહાપરાણે ભણેલા, એનાથી પાછળ સ્નાતક થયેલા, કોલેજ કાળના સાથી પંકજને વિમાની સફર ક્યારનીય મળતી હતી. એ વિદેશી લોકો સમયની કિમ્મત વધારે સારી રીતે સમજે છે.’
સતીશે એની બ્રિફકેસ ખોલી અને અંદરથી લેપટોપ કાઢ્યું. કડવાવખ દિલે એ આ કડવો ઘૂંટડો અનેકમી વાર ગળી ગયો. ‘કામ કર્યા વિના થોડો જ છૂટકો છે?’ તેણે આ બધા નકારાત્મક વિચારો દૂર કરી, સમયનો સદુપયોગ કરવાનું નક્કી કર્યું.
“ તમે સોફ્ટવેરનું કામ કરો છો? “
એની બાજુવાળા જડસુ જેવા, કદાવર બાંધાના અને રૂક્ષ દેખાવવાળા સહપ્રવાસીએ પુછ્યું. તેની નજર આ લેપટોપ જોઈ, અહોભાવથી પહોળી થયેલી જણાતી હતી. સતીશે લેપેટોપમાં જ ડોકું ઘાલેલું રાખીને, હકારમાં ધૂણાવ્યું. હવે તે ગૌરવભરી રીતે, કોઈ મહામૂલી લક્ઝરી કાર ચલાવતો હોય તેમ, પોતાના લેપેટોપને પકડી રહ્યો. કોઈ મહાન કામ તે કરી રહ્યો છે; તેવો ભાવ પણ દર્શાવી રહ્યો. એ જડસુના આ અહોભાવવાળા પ્રતિભાવે તેના ગર્વને પોષ્યો હતો.
“ તમે લોકોએ દેશમાં કેટલી બધી પ્રગતિ લાવી દીધી છે? અરે! બધે કોમ્યુટર વપરાતાં થઈ ગયાં છે.”
“આભાર.” – સ્મિત કરીને સતીશે કહ્યું.
સતીશે હાથી કોઈ જંતુ સામે ચૂંચી આંખે નજર કરે; એવી રીતે અભિમાન અને અસૂયાની નજરે, એની સામે તિરછી આંખે જોયું. જોકે, અંતરમાં પોતાના કામની આ કદરદાની તેને ગમી તો હતી જ ! એ માણસ કદાવર બાંધાવાળો અને સાવ સામાન્ય જણાતો હતો. શતાબ્દીની, પ્રથમ વર્ગની, આ વૈભવશાળી મુસાફરીમાં તે સાવ ગામડેથી આવેલા ગમાર જેવો દેખાતો હતો. જાણે ગામઠી નિશાળમાંથી પબ્લિક સ્કૂલમાં ઘૂસી ન ગતો હોય? કદાચ એ મફત રેલ્વે પાસ પર મુસાફરી કરતો, રેલ્વેનો જ કોઈ કર્મચારી જેવો લાગતો હતો.
“ તમને લોકોને જોઈને મને હમ્મેશ આશ્ચર્ય અને આનંદ થાય છે.” પેલાએ ચાલુ રાખ્યું. “તમે એરકન્ડિશન ઓફિસમાં બેસી, ચાર પાંચ લાઈનો આમાં પાડો અને કોમ્પ્યુટર હેરતભરી કામગીરી કરતું થઈ જાય. બહારની દુનિયામાં એની કેટલી મોટી અસર થઈ જાય?“
સતીશે કટાક્ષભર્યું સ્મિત કર્યું. ઓલ્યાની આ ગમાર જેવી પણ ભલીભોળી વાત પર તેને ગુસ્સો તો આવ્યો, પણ થોડી સમજ પાડવી તેને જરુરી લાગી. “એ એટલું બધું સીધું નથી. એ બે ચાર લાઈનોની સાથે કોમ્પ્યુટરમાં કેટલી બધી પ્રોસેસ થતી હોય છે, તેની તમને શી ખબર પડે?“
કમ્પનીના નવા શિખાઉઓને આપતો હતો તેમ, એક ક્ષણ સતીશને ‘સોફ્ટવેર ડેવલપમેન્ટ’ની આખી પધ્ધતિનો ચિતાર આપતું પ્રવચન આપવાનું મન થઈ ગયું. પણ સતીશે ટૂંકમાં પતાવ્યું, “ એ બહુ જટિલ હોય છે – કોમ્પ્લેક્સ, બહુ કોમ્પ્લેક્સ!”
“એ તો એમ હશે જ ને? એટલે તો તમને લોકોને આટલા મોટા પગાર મળતા હોય છે ને? ” –પેલાએ તો બાપુ! આગળ ચલાવ્યું.
હવે સતીશને ખરેખર ગુસ્સો ચઢી આવ્યો. આ વાતચીત તેણે ધાર્યા હતા તેવા, તેના ગર્વને પોષતા રસ્તે આગળ વધતી ન હતી. એ તો કોઈ જુદો જ વળાંક લઈ રહી હતી. તેને આ ઉત્તર કટાક્ષ અને કડવાશથી ભરેલો લાગ્યો. સતીશના વિવેકી વર્તનમાં હવે બધી કડવાશ ઉભરાઈ આવી.
તેણે સમજાવટભર્યા અને મિલનસાર અવાજને બદલીને તીવ્ર અવાજમાં કહ્યું,
“ બધાંને અમને મળતો પગાર જ દેખાય છે. કોઈને એની પાછળ કેટલો પસીનો પાડવો પડતો હોય છે, એની ક્યાં ખબર હોય છે? આપણા દેશી લોકની સંકુચિત નજરમાં આ સખત મહેનતની ક્યાં કશી કિમ્મત જ હોય છે? અમે એરકન્ડિશન ઓફિસમાં બેઠેલા રહીએ છીએ; એનો અર્થ એમ નહીં કે અમારે પસીનો પાડવો નથી પડતો. તમે લોકો તાકાત વાપરો છો; અમે મગજ. તમે એમ ન માનતા કે એમાં શ્રમ નથી પડતો. ભેજાનું દહીં થઈ જાય છે, દહીં.“
સતીશને લાગ્યું કે, ‘તેણે એ જડસુની સાન બરાબર ઠેકાણે લાવી દીધી છે, અને પોતાની જળોજથા બરાબર સમજાવી દીધી છે.’
પેલાને નિરુત્તર થયેલો જોઈ, સતીશને હવે વધારે શૂર ચઢ્યું.
“ જુઓ, હું તમને એક દાખલો આપું. આ ગાડીનો દાખલો જ લો ને. રેલ્વેની આખી આરક્ષણ પધ્ધતિ હવે કોમ્પ્યુટરથી ચાલે છે. તમે આખા દેશમાં પથરાયેલી સેંકડો આરક્ષણ ઓફિસોમાંથી, કોઈ પણ બે સ્ટેશન વચ્ચેની મુસાફરી માટે સીટ આરક્ષિત કરી શકો છો. આખા દેશના એક જ ડેટાબેઝનો આવા હજારો વપરાશોનો (Transactions) એકદમ સલામતી ભરી રીતે, લોકીંગ અને ડેટા સીક્યોરીટી સાથે અને કોઈ ભુલ ચુક કે નુકશાન વગર, એક સાથે હિસાબ કરી લે છે. આ માટેની જટિલ ડિઝાઈન અને તેનાથીય વધારે જટિલ કોડિંગની તમને સમજ પડે છે?”
જાણે કોઈ પ્લેનેટેરિયમ સામે એક બાળક જોઈ રહે; તેમ પેલા ભાઈ તો હેરતભરી આંખે સતીશની સામે જોઈ રહ્યા.
“ તમે આ બધા માટે કોડ લખો છો? “
“ હું લખતો હતો – મારી કારકિર્દીની શરૂઆતમાં. પણ હવે તો હું વધારે મુશ્કેલ કામ કરું છું. હું પ્રોજેક્ટ મેનેજર છું.” – સતીશે ગર્વથી જણાવ્યું.
“વાહ! “ જાણે કે એક વાવાઝોડું પસાર થઈ ગયું હોય, તેવા ભાવથી પેલાએ ઉદ્ ગાર કાઢ્યો. “તો તો હવે તમારી જિંદગી મેનેજરો જેવી સરળ થઈ ગઈ હશે.”
હવે તો હદ થઈ ગઈ. સતીશની દુખતી નસ દબાઈ ગઈ હતી.
‘શતાબ્દી’ના આગળ વધવાની સાથે આપણી આ કહાની પણ અહીં આગળ વધે છે.
વાચકોના પ્રતિભાવ