ગુજરાતી લેખિનિમાં સ્વૈરવિહાર
માનવંતા મુલાકાતીઓ
- 651,772 લટાર મારી ગયા.
પરમપૂજ્ય બા/બાપુજી

Join 418 other subscribers
ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર
તે દિવસે હું ઓફિસમાં ગયો; ત્યારથી ચેન પડતું ન હતું. સવારનો રાબેતા મુજબનો રાઉન્ડ બેળે બેળે પતાવ્યો. પેસાબ કરવાની હાજત થતી હતી; પણ પેસાબ થતો ન હતો.
ભૂતકાળના અનુભવે તરત ખબર પડી ગઈ કે, હું ફરી પથરીનો શિકાર બન્યો છું.
એ પીડા યાદ કરી હું કમકમી ગયો. ‘અરેરે! ફરી વાર એ પીડા?’
હું પાવરહાઉસના દવાખાનામાં પહોંચી ગયો. ડોક્ટરે મને કહ્યું ,” બોલો સોનોગ્રાફી કરાવવી છે કે, પથરી કાઢવી છે?”
મને થયું ,’આ એક વરસમાં ઓપરેશનથી પથરી કાઢતા હશે.’ સર્જરીના એ ખયાલે શરીરમાં વિના ઠંડીએ, અમદાવાદની ગરમીમાં ઠંડીનું લખલખું ફરી વળ્યું.
પણ ડોક્ટરે હૈયાધારણ આપી,” ના, ના, આ તો એક નવી જ જાતના ઈલાજની મને ખબર પડી છે. તમે ત્યાં પહોંચી જાઓ; અને ચોવીસ કલાક પહેલાં તમને રાહત થઈ જશે.”
મને આપેલા સરનામે હું તો પહોંચી ગયો. એ હતા હોમિયોપથી ડોક્ટર. એમણે મારી વાત સાંભળી. તરત ગળી ગળી, ઝીણી ગોળીઓની શીશી મારા હાથમાં પકડાવી દીધી. દર બે કલાકે સાત આઠ ગોળી ગળી જવાની સૂચના આપી અને બને તેટલું વધારે પાણી પીવા કહ્યું.
હું ઘેર તો ગયો પણ કોઈ પેન કીલર વિના શી રીતે આવતા ચોવીસ કલાક જશે, એમ વિચારતો રહ્યો.
પણ આ અફલાતૂન તબીબની થીયરી કાંઈક અજબ જ હતી.
‘ઝેરથી ઝેર મરે.’
એવા હોમિયોપથીના સિદ્ધાંત વિશે સાંભળ્યું હતું. મને એમ કે , આ મીઠી ગોળીઓમાં જરૂર ધૂળ ભરેલી હશે !
જે હોય તે, પણ સાંજ થતાં થતાં તો પેશાબ કરકરો આવવા માંડ્યો. જૂના અનુભવે પથરીને ઝીલવા કાચનો પ્યાલો હાથમાં તૈયાર જ રાખ્યો હતો. પણ એ માળી ન જ ઝીલાઈ. આ અફલાતૂન દવાએ એ રાઈ જેવડી માયાની હજારો ઝીણી કરચો કરી નાંખી હતી. ત્રણેક વાર આમ કકરો પેશાબ થયો; અને રાતે હું આરામથી સૂઈ ગયો.
સવારે છેલ્લો પેશાબ અને બધી કરચો નીકળી ગઈ. હજુ ચોવીસ કલાક પુરા થયા ન હતા!
ત્યાર બાદ અમેરિકા આવ્યા પછી પણ પથરી થઈ હતી; પણ અહીં એ અફલાતૂન તબીબ કયાં? અહીંની માન્યતા મૂજબ, પથરીના ઈલાજ માટે, જિંદગીમાં પહેલી વાર ત્રણ કેન બીયર પીવો પડ્યો હતો! પથરી તો બે દિવસે મટી; પણ પછી એ અફલાતૂન તબીબની ગોળીઓનું પાર્સલ ટપાલમાં મંગાવી લીધું હતું. પણ સદ્ભાગ્યે ફરી એ વાપરવા વારો ન આવ્યો. હજુ એ બોટલ દવાઓના કબાટમાં અકબંધ સચવાયેલી પડી છે.
આ એક સાવ નવો નક્કોર પ્રયત્ન છે.
અત્યાર સુધીમાં ઘણાં અવલોકનો કર્યાં અને છાપ્યાં! પણ સઘળામાં અમૂક વાતો સામાન્ય હતી.
- કશુંક દેખાય અને એની ઉપર મારું અર્થઘટન હોય
- અનુભવો
- જાણકારી
- અધૂરું જ્ઞાન
- આઘાતો
- પ્રત્યાઘાતો
- મૂલ્યાંકનો
- સાર ગ્રહણ
- ઉપદેશ.
………… એવું બધું; પણ બધું જ ભૂતકાળના આધાર પર. કદીક ભવિષ્યની કલ્પના પણ હોય.
માટે જ એનું નામ હતું ‘અવલોકન’ – પાછળ, નીચે જોવું તે.
પણ જેમ જેમ વર્તમાનમાં જીવવાની રીત પર મહાવરો વધતો જાય છે; તેમ તેમ આ બધું અર્થહીન અથવા સીમિત અર્થવાળું લાગ્યા કરે છે – લાગ્યા કરતું હતું .
આવી જ વાત સ્વાભાવિક રીતે ‘સ્વાનુભવો’ની હતી. ‘સુવિચારો’ પણ મોટે ભાગે ભૂતકાળ કે ભવિષ્ય પર આધારિત હતા.
સાવ વર્તમાનમાં જીવવાની અભિવ્યક્તિ કેવી હોય?
કશું જ ન સૂઝ્યું; લખવાનું જ બંધ કરવાનું વિચાર્યું. પણ મૂંઝારો થવા લાગ્યો; મિત્રો પણ પ્રેમથી પાછળ લાગી ગયા –‘ આમ ન કરો’ . અને ચાર વરસની લખવાની તલપ એમ છૂટે પણ શી રીતે?
બીજો કોઈ શબ્દ ન જડવાને કારણે હાલમાં જોવાની અને એને અભિવ્યક્ત કરવાની રીતને આ નામ આપ્યું -આ સ્વયંફોઈએ !
અને પહેલું હાલોકન આ રહ્યું ( તમને કોઈ યોગ્ય શબ્દ જડે , તો જણાવજો.)
કોઈ શબ્દ નહીં, ચિત્ર પણ નહીં … અને શિર્ષક પણ નહીં !
પણ .. આમ તો લાંબું નો હાલે ને! કેટલાં ખાલી માટલાં ચીતરવાં?
આવતીકાલે પહેલું શબ્દ- હાલોકન …
(* સ્વ. આદરણીય ક.મા.મુન્શીની
આત્મકથાના પહેલા ભાગ
‘ અડધે રસ્તે’ ના
એક પ્રકરણનું નામ)
( ક. મા. મુન્શી ની જીવનઝાંખી –
ગુજરાતી પ્રતિભા પરિચય પર )
તેની સાથે ફોન પર વાત થઈ. સ્વીટ હોમ સોસાયટીમાં આવેલા તેના ‘સ્વીટ હોમ’ નું સરનામું લીધું. ( અગાઉ એક વખત, એને ઘેર આમ તો ગયો હતો; પણ પંદરેક વરસ પહેલાં; એટલે ખાસ યાદ ન હતું.) અને સ્કૂટર હંકારી ત્યાં પહોંચી ગયો. રસ્તાથી સહેજ ઊંચે તેનો બંગલો હતો. આથી તેને માટે શાળાજીવન દરમિયાન વાપરતો હતો તે વિશેષણ ‘ટેકરાના મુન્શીઓ’ યાદ આવી ગયું.
અને એ તો મારો વ્હાલો બંગલાના દરવાજાની આગળ આવીને તો ઊભો હતો. મેં શાળાજીવનની ધિંગામસ્તી યાદ કરી, સડસડાટ સ્કૂટર એની સાવ લગોલગ, જુવાનિયા ઈસ્ટાઈલે હંકાર્યું- ધસાવ્યું. એ સહેજ પાછો હટ્યો. અને મેં સ્કૂટરને ચઈડ દઈને બ્રેક મારી !
ઘરમાં પ્રવેશીએ, ત્યાં સુધી થોડી રાહ જોવાય? અમે ચસચસાવીને ભેટ્યા. ભણતા’તા ત્યારે તો બાખડેલા; કદી ભેટ્યા નો’તા! પણ કિશોરાવસ્થામાં અવ્યક્ત રહેલ એ વ્હાલ ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે વરસી ગયું. એના ઘરમાં ગયો; અને તેની પત્ની ‘લીલી’ તો અમારી વચ્ચે વરસી રહેલ વ્હાલની ઝડી જોઈ રાજીના રેડ થઈ ગઈ. માર્કંડ એનું સાંભળતો નથી, એ ફરિયાદ કરી, મારું હિયરિંગ એઈડ એને પહેરાવી પણ જોયું!
ચાર વર્ષ, દિવાન બલ્લુભાઈ માધ્યમિક શાળામાં એક જ પાટલી પર સાથે બેસી ગાળેલી એ દિવસોની કેટ કેટલી યાદો ઊભરાઈ આવી?
પછી સુદામોજી બોલિયા,મને સાંભરે રે!
વળી નાનપણાંની પ્રીત, મને કેમ વિસરે રે!
… જેવી વાતો.
એણે મારા ખરાબ અક્ષર જોઈ કેવો ટોણો મારેલો?
‘ સુરેશ! તું ભણવામાં આટલો હોંશિયાર,
પણ તારા અક્ષર આટલા ખરાબ?’
અને પછી તો હું અક્ષર સુધારવા મચી પડેલો. અને એટલે જ મારા અને ગાંધીજીમાં અક્ષરો પૂરતુંય સરખાપણું ના આવ્યું!
સ્વ. ક. મા.મુન્શીનો એ માળો કાંઈક સગો થાય. અમારી શાળાના સુવર્ણ જયંતિ મહોત્સવનું ઉદ્ઘાટન કરવા મુન્શીજી આવેલા, ત્યારે કોલર ઊંચા કરી કરીને, ઈવડો ઈ ફરતો! મુન્શીજીનાં પત્ની લીલાવતી અમારી શાળાનાં વિદ્યાર્થીની, એટલે મુન્શીજીએ અમારી શાળાને ‘સાસુ શાળા’ કહેલી, તે મેં યાદ દેવડાવ્યું અને ફટાફટ ઈવડા ઈને યાદ પણ આવી ગયું.
કેટકેટલી યાદોના ખડકલા થઈ ગયા?
પણ નેટ પરના મારા કોઈ મિત્ર આ ટેકરાના મુન્શીને જાણતા નથી – સિવાય કે, માર્કંડના નાના ભાઈ , ‘નીલકંઠ મુન્શી’. માર્કંડે મારી એક પણ વાત મારા બ્લોગ પર વાંચી નથી; અને નીલકંઠ ભાઈએ તો? મોટા ભાગના મારાં ગાંડાંવેડા ખમી ખાધાં છે ! એમની એક કોમેન્ટ …
Short cut is always dangerous. Short cut means you want to avoid regular steps, which can lead to trouble. In banking industry, first lesson given is to refrain from shortcut. Shortcut leads to human failure or system failure.
(નોંધ – બન્ને ભાઈઓ બેન્કર હતા. હવે તો મારી જેમ નવરા ધૂપ!)
પણ અહીં થોડી ‘ ગદ્યસુર’ની વાત કરવાની છે?
અને પછી તો કિશોર કાળના આ ગોઠિયાને બીજી બે વાર મળવાનું થયુ.
બીજી વાર બન્ને એમની પત્નીઓ– લીલીબેન અને દર્શનાબેન -સાથે ‘લાલાને વ્હાલાં’ નાં ભજન સાંભળવા મારા ફ્લેટ પર આવ્યા હતા. પણ એ વખતે તો ભજનરસમાં અમારી વચ્ચે માંડીને વાત જ શી રીતે થાય?
પણ અમારી ત્રીજી મૂલાકાત તો યાદગાર બની રહી. કર્ણાવતી ક્લબના સભ્ય હોવાના સબબે માર્કંડે એક રવિવારે મને ત્યાં લન્ચ માટે બોલાવ્યો; અને અમે ત્રણે મિત્રોએ દિલથી એ મિલન અને એ જમણ માણ્યું. પછી, એના ઘેર સત્સંગ અને આજ દિન સુધીની વસમી વિદાય.
નીલકંઠ ભાઈ અને દર્શના બેનનો દિકરો યાત્રિક તો ફોર્ટવર્થમાં જ રહે છે; આથી તે બન્ને તો વારંવાર અહીં આવીને રહે છે. ( હાલ પણ તેઓ અહીં જ છે.) પણ માર્કંડ અને લીલીબેનને મળવા બહુ મન થાય છે. અને……
અઢી મહિનાનાના દેશવાસની
મહામૂલી યાદોમાં
ટેકરાના મુન્શીઓ
હમ્મેશ માટે જડાઈ ગયા.
આ ચિત્ર જુઓ –
વૃક્ષોની આખી હારમાળા; એમની કુદરતી અવસ્થાથી સાવ વિકૃત. બાજુમાંથી પસાર થતી, શહેરની ૧૧ કેવીની પાવર લાઈન, ——ક્રીક રસ્તાનું સાઈન બોર્ડ અને કોન્ક્રિટનો રસ્તો.
કશું કહેવા જેવું છે ખરું?
શું અવલોકી શકીએ?
આપણે ઘણું બધું વિચારી શકીએ. પણ સઘળાં અવલોકન આપણી ચિત્તવૃત્તિ પર આધારિત હોય છે. આ લખાય છે; તે ૨૩૨ મું અવલોકન છે. દરેકમાં એ વખત મને સૂઝેલો વિચાર. એનાથી સાવ વિપરિત વિચાર પણ હોઈ શકે! કયા દૃષ્ટિકોણથી જોઉં એના પર જ અવલોકનનો આધાર રહે.
અને આમ જ બધા અભિપ્રાયો અને પ્રતિભાવોનું પણ હોય છે ને? ચર્ચાઓ , સંવાદો અને વિસંવાદોનું હોય છે ને?
નજર સૌની નોખી,
નિયમ સૌના નોખા
– ચીનુ મોદી
વૃક્ષને વિકૃત કરનાર માણસ અને આ દૃષ્યને જોનાર માણસ – બેય વિકૃત?
અવલોકન જ શા માટે?
જેને મારાં અવલોકન ગમે છે, તે ટેકો આપશે – સરસ નિજાનંદ.
જેને એ નથી ગમતાં , તે કહેશે ,’ આના કરતાં વાર્તા કે કવિતા લખતા હો તો?’
અને કોઈક એમ પણ કહેશે ,’ આ બધી લખાપટ્ટી અને માથાકૂટી છોડો ને યાર! કશુંક કામ કરો, અથવા ગોદડામાં મોં ઘાલી, ઊંઘી જાઓ!’
તો તો પછી એમ પણ પૂછાય – આ વૃક્ષ જ શા માટે? અને એને જોનાર પણ શા માટે? લખનાર અને વાંચનાર પણ શા માટે? જગત શા માટે?
પૂછવાના તો હજાર રસ્તા હોય છે. જવાબ આપવા જ અઘરા હોય છે !
આમ તો આ અવલોકન રસોડામાં પેપર નેપકિન પરથી સર્જાયું છે.
ચા ગાળતાં થોડીક ચા કુકિંગ પ્લેટફોર્મ પર ઢોળાઈ. તરત પેપર નેપકિન લઈ લૂછી લીધી. ફરી ચોક્ખાઈ થઈ ગઈ.
બાથરૂમમાં ઘણું બધું પાણી ઢોળાયું હતું. પોતું લીધું અને ફર્શ પર ફેરવી, ડોલમાં નિચોવતો ગયો. ચારેક વખત આમ કર્યું અને છેલ્લે કોરાં પોતાંથી સમાપન કર્યું. સાથે ફર્શ પર વળગેલો મેલ પણ સાફ થઈ ગયો અને બાથરૂમની ફર્શ સાફ સુથરી થઈ ગઈ.
આમ તો આ ઘટના કેશાકર્ષણના વૈજ્ઞાનિક સિદ્ધાંત પર આધારિત છે. સાદો કે પ્લાસ્ટિકનો કાગળ આ કામ ન કરી શકે. નેપકિન કે પોતાંના રેસાઓમાં અસ્તિત્વ ધરાવતી અનેક પાતળી નળીઓ આ કામ ઝપાટાભેર કરી નાંખતી હોય છે.
અને અવલોકનકારની નજરે?
ચૈતન્યના, સંવેદન જન્માવે એવી પ્રવાહિતાના વિશાળ દરિયા આપણી ચારે બાજૂ પથરાયેલા જ હોય છે. પણ કશું જ ગ્રહણ ન કરી શકે તેવું, પ્લાસ્ટિકના કાગળ જેવું મન એને ઝીલી, આત્મસાત્ નથી કરી શકતું. એ સંવેદનાઓને ઝીલવા મગજના ન્યુરોનના રેસાઓમાં સત્વ અને સત્ય ગ્રહણ કરવાની કાબેલિયત કેળવવી પડે છે.
અવલોકનકાર થવું પડે છે!
—
અને…….
‘ વાહ રે! મેં વાહ! ‘ ! મારો અહમ્ પુષ્ટ બન્યો !
“ હું અમદાવાદ આવ્યો છું – અમદાવાદ રેડિયો પર કાવ્યપઠનના શૂટિંગ માટે; અને સાંજે તમને મળવા આવવું છે.” –બપોરના પહોરે વૈદરાજનો અવાજ ફોનમાં રણકી ઊઠ્યો.
હું તો હરખઘેલો થઈ ગયો. મારા નાનકડા ફ્લેટમાં સાફસૂફી કરી દીધી; બજારમાંથી નાસ્તો લઈ આવ્યો; ફ્રિજમાં દૂધ છે કે નહીં; તે ચેક કરી લીધું. સાંજ પડતાં જ એમના બીજા ફોનની આતૂરતાથી રાહ જોતો હતો; અને એ રણકી ઊઠ્યો.
વૈદરાજે કહ્યું ,” મારા સાળાને ઘેરથી નીકળું છું; તમારું સરનામું આપો,”
મેં વિવેક કર્યો,” હું સ્કૂટર પર આવીને તમને લઈ જઉં.”
વૈદરાજ ,” ના રેના, આ રીક્ષામાં આવી પૂગ્યો.
પણ કલાક થયો એ આવ્યા નહીં. એમના સાળાના ઘેરથી રીક્ષામાં પંદર મિનીટથી વધારે સમય લાગે તેમ ન હતું – અને આ આખો કલાક? મારી ધીરજ ખૂટવા આવી. મેં એમને ફોન જોડ્યો. વૈદરાજે વ્યથા વ્યક્ત કરી,” રીક્ષાવાળાને જગા જડતી નથી.” મેં રીક્ષાવાળા સાથે વાત કરી , એને દિશા સમજાવી. ફ્લેટના નાકા આગળ ઊભો રહ્યો. બધી આવતી જતી રીક્ષાઓની અંદર આતૂરતાથી નજર ફેરવું; પણ ક્યાંય વૈદરાજના સગડ નો મળે.
અને છેવટે એ આવી પહોંચ્યા. મને હાશ થઈ. તેમણે એમની કાવ્યરચનાઓનું પુસ્તક ‘નવેસર’ અને ચેતનાબેન શાહે મોકલેલ એક ભેટ મને સુપ્રત કરી. મારા ફ્લેટમાં પ્રેમવર્ષાની ઝડીઓ ‘નવેસર’ વરસવા લાગી.
આ વૈદરાજ એક અદ્ભૂત વ્યક્તિ છે. એ વૈદરાજ છે, કવિરાજ છે; છ મહિના રાજકોટ અને છ મહિના અમેરિકા રહે છે.
હવે તો ઓળખી લીધા ને?
લો! એમની છબી જોઈ લો.
અને એમની વેબ સાઈટ પર આંટો પણ મારી આવો.
તમે ધારતા હશો કે, અમારી વચ્ચે કવિતા વાંચનની ઝડીઓ વરસી હશે. પણ ના! એમના અને મારા જીવન અનુભવોની આપ-લેમાં સમય વહેતો જ રહ્યો. અને એમ થયું એ સારું પણ થયું એમની કવિતાઓ વાંચી છે; એમના અવાજમાં સાંભળી પણ છે. પણ એ કવિની પાછળ રહેલો માણસ પરખાયો, ઝળહળ્યો. ત્રણ કલાકની એ મૂલાકાત જીવન ભરનું સંભારણું બની રહી.
બે એક વરસ પર હું એમની એકે એક કવિતા વાંચતો હતો. રોજબરોજના જીવન સ્તરથી બે આંગળ ભીતર ‘ અંતરની વાણી’ ઊલેચતી એ કવિતાઓ મને બહુ પ્રિય હતી. કાળક્રમે મારો કવિતારસ સૂકાયો અને એમની કવિતા વાંચવી બંધ કરી; પણ એમનો પ્રેમ એવો ને એવો અક્ષુણ્ણ મળતો જ રહ્યો.
મારા ક્રિયાશીલ લેખનકાળ દરમિયાન; મને ઊંઝા જોડણીનું ઘેલું લાગ્યું હતું; અને કવિતા છોડીને ગદ્યસર્જન તરફ વળ્યો હતો – એમની ઋચિને સાવ પ્રતિકૂળ . પણ ‘ અવલોકનો’નું મારું પહેલું ઈ-પુસ્તક પ્રગટ કરતાં પહેલાં મેં એમને પ્રતિભાવ આપવા કહ્યું. અને એમણે તો એક સરસ ગઝલ જ લખી દીધી.
અર્થનો આયામ,આવીશ્કાર શતદલ
વાસ્તવીકતાથી સભર,શણગાર શતદલ
પર્વનાં પર્યાય જેવી જીંદગીનો
લાગણીથી તર-બ-તર વ્યવહાર,શતદલ
શબ્દનાં ઐશ્વર્યનો અભીગમ વણીને
પલ્લવીત,આખી કથાનો સાર શતદલ
ક્યાંક રસ્તો,ક્યાંક પગલાં,ક્યાંક પગરવ
ક્યાંક નવતર ઢાળનો અણસાર શતદલ
સુર્ય જેવી શખ્સીયત લઈ,રોજ ઉઘડે
સ્પષ્ટ, અવલોકન ભર્યો આધાર શતદલ
ગદ્યમાં કે પદ્યમાં અભીવ્યક્ત સઘળું
કંકુ ચોખા સમ,સહજ શ્રીકાર શતદલ
તર્કનો પરીણામલક્ષી હોય આશય
ત્યાં સુખદ અંજામનો,રણકાર શતદલ !
અને ચોપડીનું નામ ‘અવલોકન શતદલ’ રાખવા સૂચવ્યું. અને ફોઈબાને કાંઈ નારાજ કરાય? ‘અવલોકન શતદલ’ નેટ પર ચઢી ગયું.
એ ચોપડી અહીંથી ડાઉનલોડ કરી શકશો.
ત્રણ કલાકે મહેશભાઈ ઊઠ્યા ત્યારે તો મારો ભત્રીજો આવી ગયો હતો; તેણે એમના સાળાને ઘેર એમને ઉતારી દીધા.
ફરી એક વાર નીલમબેન દોશીના પુસ્તક વિમોચન સમારંભમાં તો એ સજોડે મળી ગયા. પણ એ માહોલમાં વધારે ગોષ્ટિ કરવાનો સમય ક્યાં મળે?
પણ ‘માણસ કહી શકાય એવા’ આ જણ સાથેની એ ત્રણ કલાકની ગૂફતગૂ હજીય કાનમાં ગૂંજ્યા કરે છે. આ માણસ કવિતા લખતો નથી – જીવે છે.
તેમની મને બહુ ગમતીલી એક ગઝલ
તફાવત એકધારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
સહજતાનો સહારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ખુલાસા કોણ પૂછે સાવ અમથી ધૂમ્રસેરોના ?
હથેળીમાં તિખારો લઈ,અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન દરિયો, કે ન દરિયાની પરાકાષ્ઠા ગળે વળગી
તરસથી પર જુદારો લઈ, અમે બસ અહીં સુધી પહોચ્યા
અજાણ્યું કોણ છે, ઇતિહાસ બનતા પૂર્ણ કિસ્સાથી ?
નવીનતમ ફેરફારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ઊતર-ચડ શ્વાસ ક્યારે, ક્યાં અટકશે, કોણ જાણે છે ?
પળેપળનો ધ્રુજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
ન ચર્ચા કર હવે એ દોસ્ત ! અંગતના પ્રહારોની
દરદનો એજ ભારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
સવાલ જ ક્યાં હતો સિધ્ધાંત વેંચી, પેટ ભરવાનો ?
ખુમારીનો ઇજારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
બદલતી પાત્રવરણી સ્પર્શ કરતી ગઈ, કથાનકને
પ્રસંગોથી પનારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા
અજાણ્યો કેમ લાગ્યો રોજનો રસ્તો, પરત ફરતાં ?
મનોમન એ વિચારો લઈ, અમે બસ અહીં સુધી પહોંચ્યા.
ડો.મહેશ રાવલ
‘મેથીપાક’ લખ્યા બાદ અઠવાડીયામાં માત્ર બે જ દિવસ, સવારે નયણા કોઠે મેથી લેવાનું રાખ્યું. પણ આથી એ બે દિવસ સિવાય ઢીંચણનો દુખાવો ચાલુ જ રહ્યો. વળી મારા ફેમિલી ડોક્ટર પ્રેશરની ગોળી દર મહિને બદલ્યા કરતા હતા; પણ પ્રેશરમાં ખાસ ફરક પડતો ન હતો.
આથી ત્રણ અઠવાડીયા પહેલાં, અહીં અમારા સ્થાનિક ભજન ગ્રુપમાં જતાં પહેલાં નિર્ણય કર્યો કે, આ બધી જફાનો એક જ રામબાણ ઈલાજ અજમાવવા દે…..
જો કે, એ કતલની સાંજે તો આ બામણ ભાઈ બરાબર દાબીને જમ્યા! અને બીજા દિવસથી હું તો આદુ ખઈને મચી પડ્યો ! અરે! ભૂલ્યો … ઉપવાસથી શરૂઆત કરી.
પહેલે દિવસે ભીમભાઈએ કર્યો હતો, એવો નકોરડો અપવાસ. હા! એક ફરક; પાણી પ્યાલે પ્યાલા ભરીને પીધે રાખ્યા. માથું તો એવું દૂખે કે, ન પૂછો વાત. અશક્તિ તો રહે જ ને? અને થોડોક તાવ પણ ખરો. ભૂખ્યા પેટે, રાતે તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.
અને બીજા દિવસથી ચાર દિવસ ફળાહાર. સવાર અને બપોરે એ જ મોસંબી. જો કે, અહીં મળતી મોસંબી દેશ જેવી ફિકી નથી હોતી. અને મોટી પણ વધારે. ત્રણ મોસંબીમાં તો પેટ ફાટ ફાટ થઈ જાય. બબે કલાકે જુદાં જુદાં ફળ તો ખરાં જ. હા! એક સાથે એક જ જાતનું ફળ – કોઈ ભેળસેળ નહીં.
અને પછી, ધીરે ધીરે રોજના ખોરાક પર ચઢવા માંડ્યો. એક મહાન ફરક સાથે – ખાંડ અને મીઠું બને તેટલાં ઓછાં કરી દીધાં. ચામાં અઢી ચમચી ખાંડ લેતો હતો; તેની એક જ કરી નાંખી.
અને આ શું?
પ્રેશરની ગોળી લીધા વિના ધીરે ધીરે પ્રેશર નીચું આવવા માંડ્યું. અને સાતમા દિવસે તો મેથી, બામ કે કોઈ પેઈન કીલર વિના ઘરડો ઢીંચણ જવાન થવા લાગ્યો! માંડ ૩૦ % જેટલો જ દુખાવો રહ્યો.
તમે નહીં માનો; સાવ બેઠાડુ થઈ ગયો હતો; એની જગ્યાએ રોજ વીસેક મિનિટ ચાલવાનું શરૂ કરી શક્યો.
——————————————————-
અગાઉ લખેલી અફલાતૂની ……
પાર્કમાં દિકરીના બે દિકરાઓને લઈને હું આવ્યો છું. હવે તો બન્ને મોટા થઈ ગયા છે. એમની ઉપર હવે ખાસ ધ્યાન રાખવાની જરૂર નથી. એ બન્ને પાર્કના નાનકડા તળાવને કાંઠે બતક અને ગીઝને ચીઢાવવામાં અને બ્રેડના ટૂકડા ખવડાવવામાં મશગૂલ છે.
સામે એક છોકરાને એનો બાપ બેઝબોલની તાલીમ આપી રહ્યો છે. બાજુમાં સ્ટ્રોલરમાં એક ભૂલકું કિલકારીઓ કરી રહ્યું છે; અને એનાં માબાપ મિત્રો કે સગાંઓ સાથે પાર્ટીમાં મશગૂલ છે.
મારી બરાબર સામે નાનાં બાળકો માટેની એક લપસણી છે. એક દમ્પતી એમની દોઢેક વરસની બેબીને લપસાવવા કોશિશ કરી રહ્યું છે. બાળકી દેખીતી રીતે જ ગભરાતી હોય, એમ લાગે છે. એનો બાપ એનો હાથ ઝાલીને લપસાવે છે; અને મા એને ઝીલી લે છે. બે ત્રણ વાર આમ બને છે. બાળકીનો ભય હવે દૂર થઈ ગયો છે. ચોથી વાર એ એના બાપને ઉપર ચઢાવવા ના પાડે છે; અને જાતે નિસરણી પરથી ચઢી જાય છે; અને થોડાક ગભરાટ સાથે જાતે લપસે છે. એના મોં પર જાતે લપસી શક્યાનો ઉમંગ ખિલખિલાટ હાસ્યમાં પરિવર્તન પામતો જોઈ હું પણ આનંદિત બનું છું. બેચાર લપસણીની મજા માણી, એ લશ્કર બીજે વિદાય લે છે.
થોડીક વાર પછી ૮-૯ વરસના બે છોકરાઓ દોડતા આવે છે, અને સીધા લપસણી પર કૂદકા મારતા ચઢી જાય છે. કદાચ એ ચોર પોલીસની રમત રમી રહ્યા છે. એક જણ બીજાને પકડવા દોડતો હોય, એમ લાગે છે. એમને માટે આ લપસણી એક વિશેષ પરાક્રમ ભૂમિ માત્ર જ છે.
હવે મારી સામે નીરવ શાંતિ પથરાયેલી છે. ત્યાં બીજું એક દમ્પતી પાંચેક વરસની બેબીને લઈને લપસણી આગળ આવી પહોંચે છે. પણ કશુંક બરાબર નથી, એમ એ બેબીના હાવભાવ પરથી તરત ખબર પડી જાય છે. તે કશું બોલતી નથી. થોડી થોડી વારે એ ન સમજાય એવી ચીસો પાડે છે. બહુ સમજાવટથી એનો બાપ એને લપસણી પર ચઢાવે છે. પણ એ તો ત્યાં બેસી જ રહે છે. હવે એનાં મા અને બાપ બન્ને એના બે હાથ ઝાલીને એને લપસાવે છે. બેબી ફરી માત્ર ચીસો જ પાડે છે. એને ગમ્યું કે નહીં , એની કશી ખબર મને પડતી નથી. એનાં માબાપ પાંચ વખત એને લપસવામાં મદદ કરે છે. પણ બેબી કશું શીખી હોય, તેમ લાગતું નથી.
હું વ્યગ્ર બનીને એ દમ્પતીની મનોવેદનામાં માનસિક રીતે સહભાગી બનું છું.
——————————————-
લપસણી અને એની પર ચઢવાની સીડી. કોઈક ઝપાટાભેર એની ઉપર ચઢી જાય; કોઈક ઠેકડા પણ મારે. અને કોઈક પહેલે પગથીયે જ અટકી ગયું હોય.
આપણને નાની નાની કેટલી બધી ક્ષમતાઓ મળી છે; એનો આપણને કશો જ ખ્યાલ હોય છે ખરો?
એના માટે આપણે એ શક્તિઓ આપનાર પરમ તત્વનો કદી આભાર માન્યો છે ખરો?
અને કોઈક આવી ક્ષમતાઓથી વંચિત પણ હોઈ શકે, એવી સંવેદનશીલતા આપણામાં છે ખરી?
—————————————————————-
– પણ……
કઠોર પરિશ્રમ અને પારાવાર ધીરજ માંગી લેતી તાલીમ અપંગની પ્રતિભાને પણ મહેંકાવી શકે છે; નવપલ્લવિત કરી શકે છે.
ત્યારે માત્ર દસ જ પત્તાં લક્ષ્યસ્થાને પહોંચેલાં હતાં અને એક જ પત્તું ખસેડતાં આખો મહેલ કડડભૂસ પડી ગયો – એનો હરખ હતો.
પછી તો આમ આ રમત રમવાની આદત ઘર ઘાલી ગઈ. ઉત્તરોત્તર વધારે ને વધારે નવા જંગ જીતાતા ગયા.
લો એની આ તવારીખ.
અને કાલે તો આ બધા રેકર્ડ ટૂટી ગયા. માત્ર બે જ પત્તાં સુધી પહોંચી ગયો.
અને મિત્રોને ખબર આપી દીધી –
….
અને અવલોકન શરૂ!
અરેરે! જીવડા. રમત બનાવનારે એમાં દસ લાખ વિકલ્પો ભરેલા છે. એમાં આ બધા ઈડરિયા ગઢો હતા જ. તેં કાંઈ એ પેદા નથી કર્યા! હજુ વળી રમીશ તો એક જ પત્તા સુધી પહોંચીશ અને કદાચ બધાંય નીચે જ રહે – એમ પણ બને.
તો શાને ખાલી ગુમાન કરે? રમત રમવાની મજા માણ.
પણ ભાઈયું અને બેન્યું! આમ નવા શિખરો હાંસલ કરવાના ધખારાથી એ મજા બમણી, ત્રણ ગણી, અરે! અનેક ગણી વધી નથી જતી?
માનવ જીવનનો બધો પ્રપંચ આવા ધખારાને કારણે જ છે ને? કશું લક્ષ્ય જ ન હોય, તો શી મજા?
ફિલસૂફો એવી મજા ગોતવાનું કહે છે – જે આમ ક્ષણિક ન હોય; શાશ્વત હોય.
પણ આ જીવને એમ થાય છે કે, એવી કાયમની મજા જ્યારે મળે ત્યારે એ માણીશું. આજે તો આ બે પત્તાંની મજા માણી લઈએ.
માત્ર એક જ વાત – ગુમાન નો હાલે ! એને તો બાય બાય !
આજે મેમોરિયલ દિવસ છે. યુદ્ધમાં ખપી ગયેલા સૈનિકોની શહીદીને યાદ કરવાનો – માતમનો દિવસ.
એનો ઈતિહાસ જાણવા અહીં ‘ક્લિક’ કરો
We cherish too, the Poppy red
That grows on fields where valor led,
It seems to signal to the skies
That blood of heroes never dies.
– Moina Michael
બહુ લાંબો ઈતિહાસ છે – આ લશ્કરી મિજાજના દેશનો; એના જાન ફેસાન થયેલા શહીદોનો.
પણ આજે એક વિશેષ વાત કરવાની છે.
આજે આ દસ વર્ષમાં નહીં બનેલ ઘટના બની છે. મારી દિકરીના દિકરાઓ નિશાળે ગયા છે; અને દિકરી અને જમાઈ ઓફિસમાં રજાના કારણે ઘેર છે!
આમ કેમ બન્યું તેની તપાસ કરતાં ખબર પડી કે, વચ્ચે એક દિવસ મોટા કરાનું વાવાઝોડું ( Hail storm) આવી પડવાને કારણે અહીં નિશાળો બંધ રહી હતી; અભ્યાસ ખોરંભાયો હતો. એ ખોટ પૂરી કરવા આજે શાળાઓ ચાલુ છે.
અમેરિકાના આ લશ્કરી મિજાજને સલામ!
અમેરિકાના શહીદોને સલામ.
વાચકોના પ્રતિભાવ