સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: સુરેશ દેસાઈ

મોટા થવું એટલે જુના થવું?

      ભાઈ શ્રી. સુરેશ દેસાઈ  સુરતથી પ્રકાશિત  થતા નીચે લિખિત  સાપ્તાહિકના તંત્રી છે. તેઓ નિયમિત તેના અંકો ઈમેલથી મોકલે છે, અને દેશના સામ્પ્રત પ્રવાહોથી વાકેફ કરે છે.

priyamitra

આ મુખડા પર ક્લિક કરી વાંચો

     ગઈકાલે મોકલેલ અંકમાં છેલ્લા પાના પર વયસ્કો માટે સરસ વિચારો વાંચ્યા અને ગમી ગયા. તેમને વિનંતી કરી કે, એની ફાઈલ મોકલો તો અહીં સૌના લાભાર્થે પીરસી શકાય. અને તરત જ તેમણે એ ફાઈલ મોકલી આપી. તેમના આભાર સાથે એ વિચારો આરહ્યા …….


 મોટા થવું એટલે જુના થવું?

      તમે પહેલી ફિલ્મ ક્યારે જોયેલી?કઇ જોઇ હતી? કેટલીક ફિલ્મો તમને ખૂબ ગમી ગઇ હતી,ખરું ને? કેટલીક ફિલ્મો તમે પણ કદાચ બે વાર જોઇ હશે.મારી પહેલી ફિલ્મ દિલીપકુમારની ‘ઇન્સાનિયત’ હતી. એમાં ચિમ્પાન્ઝી જીપ્પી હતો. એના ઉપર હું વારી ગયો હતો. દિલીપકુમાર પણ ત્યારથી જ ફેવરીટ !

      પછી તો અંદાઝ,આઝાદ,ઘુંઘટ, સસુરાલ, કોહીનુર,જીસ દેશમે.., કાલા બાઝાર, આશિક,પૈગામ,તૂમ સા નહીં દેખા,આઓ પ્યાર કરે,પ્યાસા,મેરે મહેબૂબ, ઉજાલા, ધુલ કા ફુલ-અને બીજી કેટલીય ફિલ્મો ખૂબ ગમેલી.એ વખતે,બીજી વાર જોવાની ઇચ્છા પણ થતી. પહેલાં અદભૂત લાગી હતી એ જ ફિલ્મો હવે ફરી જોઉ છું તો બોર થઈ જાઉં છું. એ ખૂબ ગમતી હતી એ ફિલ્મો સાથે હવે મનનો મેળ બેસતો નથી. ખબર નથી પડતી આવું કેમ બને છે?
જો કે જૂની કવિતાઓ ગાવી,માણવી, જુની  નવલિકાઓ, નવલકથાઓ હજુ ફરી વાચવી ગમે છે,ખૂબ આનંદ આવે, પણ જૂની, ગમી હતી એ ફિલ્મો હવે નથી ગમતી.આવું કેમ?

       કોઇ  ગામ,સ્થળની મનમાં સચવાયલી સ્મૃતિઓ સાથે પણ આવું બને છે.પંદર વરસની ઉમર સુધી રહ્યો હતો એ ગામની નદી,કિનારો,કિનારે ઉભું હતું એક મંદિર, પ્રવૃત્તિઓથી ધમધમતો ‘મહાદેવ ગલી’ નામે ઓળખાતો હતો એક મહોલ્લો-આ સહુ મનમાં સ્થિર થઈ ગયા હતા. પછી તો એ ગામ છૂટી ગયું પણ ફરી એ ગામ,નદી, મહોલ્લો જોવાની મને ખૂબ ઇચ્છા થતી.બધું દ્રષ્ટિ સામે આવતું રહેતું. 25 વર્ષો પછી મારૂં બાળપણ જોવા હું ત્યાં ગયો ત્યારે મનમાં એ સ્થળોની બચપણમાં જોયેલી જે છબી હતી એ સ્થળો દ્રષ્ટિ સામે હોવા છતાં ઝાંખા થઈ ગયાં હતાં. નદી,મહોલ્લો બધાં ખુબ નાના અને  ધુળિયા લાગ્યા.. આ એ જ નદી! આ જ એ જ મહોલ્લો! થોડો વાર ત્યાં ઊભો રહ્યો, પછી નિરાશ થઇને પાછો વળી ગયો…!

      આવું કેમ બનતું હશે..!  પહેલાં વિશાળ લાગતી હતી એ તસવીર કેમ નાની અને સાકડી બની જાય છે?
મોટા થતા જઇએ એમ આપણી લાગણીઓનું વિશ્વ કેમ બદલાય જાય છે?જેના વિના ઘડી ચાલતું નહોતું એના તરફની લાગણીમાં ઉણપ આવી જાય છે,વહાલું સ્વજન કોઈ કારણ વિના હવે વહાલું નથી રહેતું. રૂચિઓ બદલાય જાય છે.પહેલાં ગમતાં હતા એ ગીતો હવે નથી ગમતાં, સિનેમા નથી ગમતાં, નાટક નથી ગમતાં,બસ કંઈ નથી ગમતું. જીવન રૂટીન બની જાય છે,જીવવાનો રોમાંચ જતો રહે છે.પાસે બધું હોય છે છતાં લાગે છે કે કાઇ નથી.

        હવે ઉંમર વધે છે એમ આપણે ખૂબ સાવધાન બની જઇએ છીએ. આહાર લેતી વખતે આપણને ડર લાગે છે કે ’હું આ ખાઇશ તો એસીડીટી થઇ જશે.’ સ્કુટર ચલાવતાં હવે અકસ્માત થવાનો ડર લાગે છે.‘મારા – થી હવે સ્કુટર નહીં ચલાવાય.સામેવાળો મને પાડી નાખશે’ આવી ભયગ્રંથિ ઘર કરી જાય છે.સ્વભાવ અકારણ ડરપોક થઇ જાય છે.મને અકસ્માત થશે કે લાંબી માંદગી આવશે તો મારા કારણે કુટુંબીજનો હેરાન થઇ જશે એવો સતત ડર રહે છે.લાંબો સમય પથારીવશ રહેવું પડે તો કાળજી લેવાવાળું કોઇ નહીં હોય એવી ભયગ્રંથિ ઘર કરી જાય છે.આવા વિચારોના કારણે જીવનમાંથી ચાર્મ જતો રહે છે,સવાર થતાં સવારની સુંદરતા અને શાંત વાતાવરણથી પ્રફુલ્લતાનો અનુભવ કરવાના બદલે આપણે બ્લડ પ્રેસર કે સુગરની ટેબ્લેટ ગળવાનું ટેન્શન કરતા થઇ જઈએ છીએ.

     શરીર એના ગુણધર્મ પ્રમાણે વીકનેસ અનુભવે એ ચાલે. એની સામે બીજો ઉપાય પણ નથી પરંતુ નને યુવાન રાખવાનું,પ્રફુલ્લિત રાખવાનું તો આપણા હાથમાં છે. મન યુવાન રહેશે તો ઉંમર ગમે તે હોય,મોટી ઉંમરનો ભાર નહીં લાગે,હતાશાનો ભોગ નહીં બનવું પડે.