સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: અનુવાદ

ઉપર જુઓ – કે અંદર?

CortesyErik Hohn , Arlington, Texas

——–

એક અમેરિકન મિત્ર એરિક હોહ્ને એક બહુ જ સરસ ઈમેલ મોકલ્યો. એનો ભાવાનુવાદ….

ગીધને ૮ ફુટ લાંબા, ૬ ફુટ પહોળા, અને ઉપરથી ખુલ્લા ઓરડામાં પૂરવામાં આવે તો તે હમ્મેશ તેમાં બંદી બની રહેશે.

  • કારણ કે, ઊડવા માટે તેને પહેલાં વીસેક ફુટ દોડવાની ટેવ છે.

*****

ચામાચીડીયું જમીન પર પડી જાય તો, તે તરફડિયાં માર્યા કરશે; પણ ઊડી નહીં શકે,

  • કારણ કે, ઊડતા પહેલાં તેને પડવાની ટેવ છે.

*****

મધમાખીને ખુલ્લી બરણીમાં મુકો તો તે તેમાંથી બહાર નહીં નીકળી શકે.

  • કારણ કે, તે સીધું ઊડવા જ ટેવાયેલી છે.

*****

અને અત્યંત શક્તિશાળી મન ધરાવતા આપણે સૌ આગળ, પાછળ, ઉપર નીચે, આમ તેમ હવાતિયાં મારતાં આપણી વ્યથાઓમાં અને અપેક્ષાઓમાં જીવન ભર ઘેરાયેલા રહીએ છીએ.

  • કારણ કે, આપણે કદી ઉપર જોતા નથી, જ્યાંથી પરમ કૃપાળુ પ્રભુની અમી વર્ષા સતત વરસતી રહે છે.

…………

મારા તરફથી એક નાનકડો ફેર…

  • આપણે કદી આપણી અંદર જોતા નથી – જ્યાં ‘તે’ આપણા કણ કણમાં હાજરાહજૂર વસેલો  છે.

ઓકે! આપણે જઈશું – O.K. We’ll go – ભાગ – ૩

અને આ નિર્ણય લીધા બાદ આઈક સાવ અસહાય બની ગયા. લડાઈ હવે મોરચા પરના સૈનિકોના હાથમાં હતી. લશ્કરી ઈતિહાસમાં સૌથી મોટો  જલસ્થલીય ( એમ્ફિબિયન) હૂમલો આગળ વધતો ગયો; ત્યારે એમણે માત્ર પરિણામની રાહ જ જોવાની હતી. જે સૈનિકો પ્રારંભિક હૂમલા પછીને હરોળ માટે તૈયાર થઈ રહ્યા હતા; તેમને તે મળવા ગયા. તેમણે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી.

૬ જૂનની સવારના ૭-૦૦ વાગે તેમને પહેલા ખબર મળ્યા કે, પેરાટ્રૂપરોનું રાત્રિ ઉતરાણ સફળ રહ્યું હતું. આ વખતે કિનારા પરના દળો દરિયો ઓળંગી રહ્યા હતા.

બ્રિટીશ અને કેનેડિયન દળોને તેમના કિનારા પર મામૂલી પ્રતિકાર જ નડ્યો. જનરલ ઓમર બ્રેડલીની આગેવાની હેઠળના અમેરિકન દળો એટલા સદભાગી ન હતા. ખાસ કરીને ઓમાહા મોરચે એમને ભયાનક પ્રતિહૂમલા સામે ઝઝૂમવું પડ્યું. (હજુ પણ અમેરિકામાં એ ‘બ્લડી ઓમાહા’ તરીકે યાદ કરાય છે.) સૈનિકો છાતી સમાણા દરિયામાંથી વરસતી મશીન ગનની ધણધણાટી સામે આગળ ધપી રહ્યા હતા. સૈનિકોનાં શબો દરિયા પર તરતાં હતાં અને કિનારાની રેતી પર પણ ઠેર ઠેર લોથની લોથ પડેલી હતી. જો કે, આ વખતે ઓમાહા બીચ પરની નાની ટેકરીઓ અને ઢોળાવો અમેરિકી સૈનિકોને આડશ લેવા માટે બહુ ઉપયોગી નીવડ્યાં. જો સૈનિકો આગળ વધવા જાય તો તરત જ તેઓ મશીનગનના ફાયરના ભોગ બની જાય તેમ હતું.

બ્રેડલીને તો એક ક્ષણે ઓમાહાનો હૂમલો સમેટી લઈ, પીછેહઠ કરવા પણ વિચાર આવ્યો હતો. પણ તેણે પોતાની જાતને ખાળી કારણકે, આવી પીછેહઠ આખા હૂમલાને સજ્જડ હાનિ પહોંચાડે. તેણે કેસરિયાં કરવા નિર્ણય લઈ લીધો – આ પાર કે પેલે પાર! અમેરિકન નેવીએ એના યુદ્ધ જહાજો અને ક્રૂઝરો પરથી ઓમાહા બીચ પરના જર્મન રક્ષણ સ્થળો પર અવિરત બોમ્બ મારો ઝીંક્યે રાખ્યો. જર્મન નિશાનો પર બોમ્બ વર્ષા કરવા અમેરિકન ડિસ્ટ્રોયરોએ છીછરા પાણીમાં જવાની હિમ્મત પણ કરી; જેથી લક્ષ્યાંકોની નજીકથી આમ થઈ શકે.

આ બધાને કારણે અસર જરૂર થઈ. કિનારા પરના ‘વી કોર’ નામની લડાયક ટૂકડીએ પછીથી હેવાલ પણ આપ્યો હતો કે, “અમેરિકન નેવીને પ્રભુ મદદ કરે. (God bless US navy.)” આ બધાની સામૂહિક તાકાતના કારણે અમેરિકી દળો ઓમાહા બીચ ઉપર પણ આગળ ધપી શક્યાં અને લડાઈ દુશ્મનની નજીક પહોંચવા માંડી.

લોહિયાળ ઓમાહા

ખાસ એમ્ફિબિયન બોટમાંથી ઊતરાણ

ગ્લાઈડરો સાથે જુગલબંધી

 આ દરમિયાન, ઊટા અને બ્રિટીશ/ કેનેડિયન મોરચાઓ પર ફતેહ વધારે જોરથી આગળ ધપી રહી હતી. દિવસના અંતે બધાજ કિનારાઓ પર મિત્ર દળોનો કબજો જામી ગયો હતો. બીજા દિવસે – ૭મી જૂને આઈકે બ્રિટીશ જહાજ ‘એપોલો’ પરથી લડાઈનું નિરીક્ષણ કર્યું. અધાં ઉતરાણ ભારે જાનહાનિ છતાં સફળ રહ્યાં હતાં. થોડાક દિવસો બાદ, તે અમેરિકન  લશ્કરના સર્વોપરી ( ચીફ ઓફ સ્ટાફ)  જનરલ જ્યોર્જ માર્શલ સાથે કિનારા પર પણ ગયા. તેમની સાથે જનારાઓમાં અમેરિકી નેવીના એડમિરલ અર્ન્સ્ટ જે. કિન્ગ અને લશ્કરી જનરલ હેન્રી આર્નોલ્ડ પણ હતા. રાહત અને છૂટકારાની લાગણી સાથે આ બધાએ નોર્મન્ડી, ફ્રાન્સ ખાતે સવારનું ખાણું ( લન્ચ) લીધું.

 આ દરમિયાન અમેરિકી પ્રજાએ હૂમલાની સફળતાને મૂક્ત કંઠે અને ઉત્સાહથી વધાવી લીધી. તેમને એ સમજાયું કે, પશ્ચિમ યુરોપિયન મોરચા પર આગળ ધપવા માટે નોર્મન્ડીનું આ ઝંપલાવ બિંદુ (Launching point) બહુ જરૂરી હતું.  આ સફળતાએ આ આકરા સમયમાં અમેરિકી પ્રજાને બહુ મોટી હૈયાધારણ અને વિશ્વાસ સમર્પિત કર્યાં. ન્યૂયોર્ક શહેરમાં તો લડી રહેલા જવાનો માટે દેવળોએ યોજેલી પ્રાર્થના સભામાં લોકોનાં ટોળે ટોળાં ઊમટી પડ્યાં હતાં. ફિલાડેલ્ફિયાના મેયરે તો જવલ્લિત રીતે જ વપરાતા લિબર્ટી ઘંટને વગાવડવા હૂકમ કર્યો હતો. બધાં અખબારોમાં આઈઝનહોવરની અખબારી મૂલાકાતો અને છબીઓ પહેલાં પાનાં પર છપાયાં હતાં. આઈકે યોગ્ય રીતે આ હૂમલાને નાઝીઓની નાગચૂડમાંથી યુરોપને મૂક્ત કરવાની જેહાદ ( crusade) ગણાવી હતી.

જેમ જેમ લડાઈ આગળ વધતી રહી; તેમ તેમ મિત્ર દેશોના દળો ધીમી પણ મક્કમ આગેકૂચ કરતાં રહ્યાં. નોર્મન્ડીના હૂમલાના એક મહિના બાદ, આ દળોએ જર્મન હરોળોને તોડી પાડી અને તેમની પીછેહઠની શરૂઆત થઈ ગઈ.

૧૯ જૂને ઈન્ગ્લીશ ખાડીમાં ફરીથી અને વધારે જોરથી ખાબકેલા વાવાઝોડાંના કારણે, ૬ જૂને હૂમલો જારી રાખવાના આઈકના નિર્ણય પાછળનું ડહાપણ અને તેમનું સારું નસીબ યોગ્ય પૂરવાર થયાં.   

આ મહાન હૂમલાની સફળતાના કારણે આઈઝનહોવર બન્ને અર્થમાં, સમગ્ર જગતનો હીરો બની ગયા. આ સફળતા આઈઝન હોવર માટે અમેરિકાના ભાવિ પ્રમુખ બનવાની પાયાની ઈંટ બની રહી.  

– સમ્પૂર્ણ 

ડી.ડે.  અંગે અમેરિકન લશ્કરની ઓફિસિયલ સાઈટ

આવતીકાલે આ રોમાંચક ઘટના પર અવલોકન (!) જરૂર વાંચજો. 

ઓકે! આપણે જઈશું – O.K. We’ll go – ભાગ -૨

ભાગ – ૧  

મિત્ર દેશોના લશ્કરના જનરલ - ડ્વાઈટ આઈઝનહોવર

    ડી-ડે ની લડાઈ બહુ ચિવટથી યોજવામાં આવી હતી. પણ તેમાં આ છેવટનો નિર્ણય લેવા માટે સૌથી અગત્યનું ( ક્રિટિકલ) ઘટક હતું – હવામાન. લડાઈ શરૂ કરવાના દિવસની થોડેક જ પહેલાં ૩ –જુને ઈન્ગ્લીશ ખાડીમાં એક દરિયાઈ વાવાઝોડું ત્રાટક્યું હતું. સારામાં સારું હવામાન હોય તો પણ, દરિયો ઓળંગવો અને હવાઈદળોને જમીન પર ઊતરાણ કરાવવું એ બહુ જ જોખમકારક કામ હતું. જ્યારે હવામાન ખાટી કઢી જેવું (!) થઈ ગયું, ત્યારે ‘ઓપરેશન ઓવરલોર્ડ’ તરીકે નામાભિધાન થયેલી આ લડાઈ પોતે જ જોખમમાં મૂકાઈ ગઈ હતી.

આમેય યુદ્ધ માટે હવામાન હમ્મેશ ખાસ વિચારણા માંગી લેતો અવયવ હોય છે. હવામાન બરાબર એકદમ અનુકૂળ હોવું જ જોઈએ. ગ્લાઈડર પાઈલોટોને બરાબર દેખાવું જોઈએ. રાત્રે હવાઈ ઊતરાણ  કરનાર પેરાટ્રૂપરોને માટે પુનમનો દિવસ હોવો જોઈએ.  દરિયો ઓળંગનાર દળોને ઓછી ભરતી હોય તેવો દિવસ હોવો જોઈએ. આ અગાઉ, સાધન સામગ્રીની અછતને કારણે આઈકને લડાઈ એકવખત રોકી રાખવી પડી હતી. ૫થી ૭ જૂન સુધીના ગાળામાં ચન્દ્ર અને ભરતીની પરિસ્થિતિ ફરીથી અનુકૂળ હતાં. હવે જો ફરી વાર લડાઈ મૂલતવી રાખવામાં આવે તો, હુમલાની યોજનાની ગુપ્તતા બહુ ગંભીર રીતે જોખમાય તેમ હતું.

     જો આમ કરવું હોય તો, હુમલા માટે ચન્દ્ર અને ભરતીની સાનુકૂળ પરિસ્થિતિ પ્રાપ્ત કરવા, આઈકે છેક ૧૯મી જૂન સુધી યોજના મૂલતવી રાખવી પડે. અને એ દરમિયાન જર્મન જાસૂસો અવશ્ય આ ગુપ્ત  યોજના ફોડી નાંખે; અને નોર્મન્ડી ખાતે તેમની સંરક્ષાણત્મક હરોળને એકદમ સખત રીતે અભેદ્ય બનાવી દે. આમ ઢીલ કરવાથી આક્રમણ કરવા ટાંપીને તૈયાર બેઠેલા દળોનું ધૈર્ય પણ ઓસરવા માંડે. વળી આ હૂમલાની સમયસારણી પૂર્વ મોરચા પર જર્મની સામે સોવિયેટ આક્રમણની સાથે જ તાલબદ્ધ કરવામાં આવી હતી ( synchronized?). આવી ઢીલ   સોવિયેટ શાસનમાં અવળા લશ્કરી અને રાજકીય પ્રત્યાઘાતો પાડી શકે તેમ હતું. આની સામે જો આઈક ગરજતા વાવાઝોડાની વચ્ચે દળોને લડાઈમાં ઝંપલાવવા હૂકમ આપે તો, તે નિર્ણય દળો માટે અપરંપાર દુર્ઘટના સાબિત થઈ શકે તેમ તો હતું જ.અને સર્વોચ્ચ સેનાધ્યક્ષ તરીકે આ નિર્ણય તેમણે એકલાએ જ લેવાનો હતો.

     હવામાન અંગે સલાહ માટે આઈક બ્રિટીશ કેપ્ટન જોહ્ન સ્ટેગ પર આધાર રાખતો હતો. હૂમલાના નિર્ણય માટે અત્યંત કટોકટીવાળી હવામાન આગાહી પૂરી પાડવી એ સ્ટેગ અને તેના સ્ટાફની જવાબદારી હતી. સ્ટેગે સચોટ આગાહી કરી હતી કે, ૩જી જૂને ઈન્ગ્લીશ ખાડીમાં વાવાઝોડું ત્રાટકશે. તે વખતે આઈકે કામચલાઉ રીતે હૂમલો મોકૂફ રાખ્યો હતો. કેપ્ટન  સ્ટેગે આગાહી કરી હતી કે, ૫ અને ૬ જૂને તે થોડુંક હળવું પડશે; પણ તેના સ્ટાફના બધા જ સભ્યો તેની સાથે સહમત ન હતા. પોતાના બધા હવામાન નિષ્ણાતો એકવાક્ય ન હોય તેવા હવામાનના વર્તારાના આધાર પર આઈકે હવે એક મહાન અને અત્યંત જોખમી નિર્ણય લેવાનો હતો. આઈકે તેની ડાયરીમાં લખ્યું પણ હતું,

” આ દેશની આબોહવા એકદમ અવિશ્વસનીય છે.”

     આઈકે તેમના મૂખ્ય મથક પર તેમના કમાન્ડરોની બેઠક ગોઠવી. તેમણે તેમની સલાહ માંગી. બ્રિટીશ એર માર્શલ ટ્રેફર્ડ લે-મેલરીએ હૂમલો ફરી એક વાર મૂલતવી રાખવા મંતવ્ય આપ્યું. તેમને ભય હતો કે લશ્કરી વિમાનો માટે આ હવામાન બહુ જ નબળું હતું.તેમના પોતાના સ્ટાફના અમૂક સભ્યોએ પણ ઢીલ કરવી વધારે હિતાવહ છે; તેમ જણાવ્યું. બ્રિટીશ કમાન્ડર બર્નાર્ડ મોન્ટગોમરી સહિત બીજા કમાન્દરોએ જો કે, આગળ ધપવાનો અનુરોધ કર્યો.

આઈક હોલની ફર્શ પર દેખીતી વ્યગ્રતાથી આંટા મારતા હતા; અને પોતાની લાક્ષણિક ઢબે હડપચી પર આંગળી રાખી, સૌનો અભિપ્રાય પૂછતા રહેતા હતા. આ છેવટનો અને ખતરનાક નિર્ણય કેવળ તેમના પર જ નિર્ભર હતો. તેમણે પોતાની ડાયરીમાં થોડાક વખત પહેલાં લખ્યું હતું,

” શું કરવું તેનો આખરી અને ઈતિહાસમાં શકવર્તી નીવડનાર નિર્ણય લેવાની આવી ખાસ અને સીધી જવાબદારી જેને અદા ન કરવાની હોય, તેવી કોઈ વ્યક્તિ આવા માનસિક ભારની તિવ્રતા ન સમજી શકે.

અને થોડીક વારે તેમણે એ જગવિખ્યાત હૂકમ લઈ લીધો …

ઓકે! આપણે જઈશું.
O.K. We’ll go. 

———————————————————

– ત્રીજો અને આખરી ભાગ આવતીકાલે…

Translation from 1st chapter of …

“Dwight D.Eisenhower” – D.Clayton Brown

ઓકે! આપણે જઈશું – O.K. We’ll go : ભાગ- ૧

“O.K. We’ll go.”

આ શબ્દો સાથે જગતના ઈતિહાસમાં સૌથી મોટા લડાઈના હુમલાની શરૂઆત થઈ ગઈ. આ વાક્ય  ૬-જૂન ૧૯૪૪ની વહેલી સવારે અમેરિકી જનરલ ડ્વાઈટ આઈઝનહોવર બોલ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે, ઈતિહાસમાં પ્રસિદ્ધ, મિત્ર દેશોના લશ્કરી દળો દ્વારા નાઝી જર્મનીએ કબજે કરેલ ફ્રાન્સમાં આવેલ નોર્મંડી પરના,અપ્રતીમ હુમલાની આ વાત છે.

  આ દિવસ ‘ડી –ડે’ તરીકે બહુ જ જાણીતો છે; અને આવા કોઈ પણ શકવર્તી કાર્યના આરમ્ભ માટે હજુય વપરાય છે. આ દિવસે, અમેરિકા, કેનેડા અને બ્રિટીશ દળો જર્મનીના દુઃસહ્ય તોપમારા સામે ફ્રાન્સના દરિયાકિનારા પર વાવાઝોડાની જેમ ધસી ગયા હતા. આ પ્રારમ્ભિક દળોએ જર્મનીના પશ્ચિમ મોરચાનો વિનાશ કરવા માટે અત્યંત જરૂરી એવા દરિયા કિનારા પરનું આક્રમણ મથક (લોન્ચિંગ પોઈન્ટ) ઊભું કર્યું હતું.

ઉપર જણાવેલ હુકમ ઉચ્ચારવાની સાથે જ જનરલ આઈઝનહોવરે ૨૩,૦૦૦ એર બોર્ન લશ્કરી જવાનોને જર્મનીએ કબજે કરેલ પ્રદેશ પર ધસારો કરવા ઉતારી  દીધા હતા. ખાસ બનાવેલ ગ્લાઈડરો અને પેરેશ્યુટ વડે આ બધા કાળી ડિબાંગ રાતે દુશ્મનના પ્રદેશ પર ત્રાટક્યા હતા. તેમણે પૂલો, રસ્તાઓ પરના વ્યુહાત્મક મથકો કબજે કરી લીધા અને જર્મન દળોમાં અંધાધુંધી ફેલાવી દીધી. આ વ્યૂહરચનાના કારણે, ઈન્ગ્લીશ ચેનલના ફ્રાન્સ તરફના, નોર્મંડીના રેતાળ કિનારા (બીચ) પર મિત્ર દળોના મુખ્ય હુમલાને બહુ જરૂરી ટેકો મળ્યો હતો.

   અને આ મુખ્ય હુમલો કેવો હતો?

મિત્ર દળોના એક લાખ અને ત્રીસ હજાર સૈનિકો! આ જાતના યુદ્ધ માટે  ખાસ તાલીમ મેળવેલ આ સૈનિકોએ બીજા વિશ્વ યુદ્ધ વખતના કદાચ સૌથી વધારે ભયાવહ, જર્મન તોપમારાનો પ્રતિકાર કરવાનો હતો.મિત્ર દેશોના હૂમલાને ખાળવા જર્મનીએ ઊભી કરેલી, ‘એટલેન્ટિક દિવાલ’ તરીકે જાણીતી સજ્જડ શસ્ત્રોથી સજાવેલી, અભેદ્ય, સંરક્ષણાત્મક આડશ પર તેઓ બહાદૂરી પૂર્વક ધસી રહ્યા હતા. અને નોર્મંડી ખાતે જર્મન દળોનો કમાન્ડર કોણ હતો? બીજો કોઈ નહીં પણ, ‘રણના શિયાળ’ ( ડેઝર્ટ ફોક્સ) તરીકે પ્રખ્યાત, અને જેનાં  લડાયક વ્યૂહરચના અને મિજાજનો આદર મિત્ર દેશોના સેનાપતિઓ પણ કરતા હતા તેવો….. અરવિન રોમેલ! તેની લડાયક કાબેલિયતે ઉત્તર આફ્રિકાના મોરચે મિત્ર દેશોના દાંત ખાટા કરી દીધા હતા.   

ડી-ડેના યુદ્ધના કારણે જનરલ આઈઝનહોવર જગપ્રસિદ્ધ બની ગયા. તેઓ મિત્ર દેશોના સર્વોચ્ચ સેનાપતિ હતા અને બીજા વિશ્વ યુદ્ધના આખરી તબક્કામાં, બ્રીટનની તળ ભૂમિમાથી કામ કરતા ત્રીસ લાખ પુરુષો અને સ્ત્રીઓના કાફલાને વ્ય્વસ્થિત રીતે કામ કરતા રાખવાની અંતિમ જવાબદારી તેમની હતી. આધુનિક લશ્કરી ઈતિહાસમાં આઈક તરીકે જાણીતા જનરલ આઈઝનહોવરને શિરે બહુ જ મુશ્કેલ અને જટિલ નિર્ણયો લેવાની જવાબદારી હતી; અને તે સાચા નિર્ણયો લઈ શક્યા હતા. ભયાનક રીતે ગાજી રહેલા દરિયાઈ તોફાનોની પાર્શ્વભૂમિકામાં, ઈતિહાસમાં સૌથી મોટો, જળ તેમ જ સ્થળ પરનો (એમ્ફિબિયન) હુમલો કરવામાં આગળ વધવું કે નહીં; તેનો નિર્ણય તેમણે લેવાનો હતો.

હવામાન સારું અને અનુકૂળ હોય તો પણ આ હુમલો બહુ જ જોખમકારક હતો. આ હુમલામાં એમ્ફિબિયસ ઉતરાણ કરવાનું હતું. આમાં દુશ્મનના સતત અને અસહ્ય તોપમારા અને મશીનગનના ફાયર સામે,  લશ્કરી ટૂકડીઓને  હોડીઓ મારફત ઈન્ગ્લીશ ખાડી (ચેનલ) ઓળંગાવવાની હતી. બીચ પરના ઊતરાણ માટેનાં લક્ષ્યસ્થાનો ( ટાર્ગેટ)ને કોડ નામ આપવામાં આવ્યાં હતાં. અમેરિકન ટૂકડીઓ ઓમાહા અને ઉટા બીચો પર ઊતરવાની હતી. બ્રિટીશ અને કેનેડિયન ટૂકડીઓ સ્વોર્ડ, જુનો અને ગોલ્ડ નામના બીચો પર ઊતરવાની હતી. આમાં અમેરિકન લક્ષ્યો – ખાસ તો ઓમાહા – સૌથી ભારે સુરક્ષિત નીવડ્યા હતા. ત્યાં આખીને આખી દરિયાઈ લશ્કરી સ્ટીમરોને ડુબાડી શકે તેવી ભયાનક તાકાતવાળી, જર્મન તોપો બન્કરોમાં ગોઠવાયેલી હતી. ભુગર્ભ બન્કરો અને બીજા વ્યૂહાત્મક ફાયદાવાળા સ્થાનોએ જર્મન લશ્કરી જવાનો ખડે પગે ગોઠવાયેલા હતા. આ કિનારાઓ આગળના દરિયામાં પાણી નીચેની માઈનો અને ટેન્કોને આગળ વધતી અટકાવવા અવરોધકો રાખેલા હતા. અને ઓમાહા બીચ પર તો નાની નાની ટેકરીઓ અને ખાડાખૈયાવાળી ઘણી જગ્યાઓ હતી.

ટૂકડીઓ બીચ પર પહોંચે, તે પહેલાં તેમણે ઊતરાણ માટે બનાવેલાં ખાસ, એમ્ફિબિયન વાહનોમાં મુસાફરી કરવાની હતી. લડાઈ દરમિયાન જર્મન તોપોએ આવાં ઘણાં વાહનો ઉડાડી મૂક્યાં હતાં; પણ અનેક સંખ્યામાં એ તો આવતાં જ રહ્યાં. જ્યારે આ વાહનો કિનારે પહોંચે ત્યારે તેમણે દુશ્મનના ભારે, મશીનગન ફાયરને વીંધીને, ખુલ્લી જમીન પરથી દોડી જવાનું હતું. આઈક અને તેમના સાથીઓને ભય હતો કે, લશ્કરને ભારે જાન હાનિ ભોગવવી પડશે. હવાઈ દળો વાપરવા સામે પણ શંકા કુશંકાઓ હતી. આઈકના એક સાથીને તો શંકા હતી કે, આ લડાઈમાં ૭૦% જવાનો ખપી જશે અથવા ઘવાશે. એક બ્રિટીશ સેનાપતિએ તો એના રિપોર્ટમાં લખ્યું હતું કે,

“આખા યુદ્ધમાં આ સૌથી ભયાનક તારાજી બની રહેશે.”       

આઈકને આ જવાબદારી અદા કરવામાં મદદ કરવા  માટે અનેક સેનાપતિઓ ( જનરલો) અને બીજા સલાહકારો હોવા છતાં; છેવટના નિર્ણયો તો તેમણે જ લેવાના હતા. તેઓ પોતે પણ આ લડાઈ વિશે અંગત આશંકાઓ ધરાવતા હતા; પણ તેમણે તેમની ટીમને આશાવાદી બનવા અને ઘડાયેલી વ્યૂહરચનામાં વિશ્વાસ રાખવા હૂકમ કર્યો હતો. આમ છતાં, લડાઈમાં પીછેહઠ કરવી પડે તો, હુમલાની આગલી સાંજે, તેમણે પ્રેસને આપવા માટેની એક નોંધ લખી રાખી હતી  

“ આપણાં ઊતરાણો નિષ્ફળ ગયાં છે… આ માટેના પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય કે, કોઈને દોષિત ઠરાવવાનું હોય તો, તે માટે એકલો હું જ જવાબદાર છું. ”  

—————–

Translation from 1st chapter of …

“Dwight D.Eisenhower” – D.Clayton Brown

વધુ આવતા અંકે… 

સુરક્ષિત: પ્રકરણ – 1 : લાગણી – શરીરની મન તરફ પ્રતિક્રિયા- 1

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

બાંગલાદેશના ગાંધી – શ્રી. મોહમ્મદ યુનુસ

ગ્રામીણ બેન્ક દ્વારા  બાંગલાદેશથી શરૂ કરીને વિશ્વના અનેક દેશોમાં દારૂણ ગરીબીમાં સબડતા, અને ગુલામી અવસ્થા જેવી સ્થિતિમાં સદીઓથી જીવતા, લોકોને પગભર કરી; વિશ્વમાંથી ગરીબી નાબુદ કરવાનું સ્વપ્ન સેવનાર, અર્થશાસ્ત્રના નોબલ ઈનામ વિજેતા, શ્રી. મોહમ્મદ યુનુસ સાચા અર્થમાં બાંગલાદેશના ગાંધી છે. એમની આત્મકથાના ગુજરાતી અનુવાદમાંથી આ પ્રસંગ અહીં રજુ કરું છું.

…………………………………

મોહમ્મદ યુનુસ

એક અમેરિકન પત્રકારે મારો સમ્પર્ક સાધ્યો. વિશ્વ બેન્ક સામે હું સતત રોષ ઠાલવતો હતો; તેનાથી તેમને ચીડ ચઢી હતી. તેમને તો વિશ્વ બેન્ક અત્યંત દયાળુ અને પ્રબુદ્ધ સંસ્થા લાગતી હતી. તેમને એ જે કંઇ શ્રેષ્ઠ કરી શકે, તે કરનારી સંસ્થા દેખાતી હતી.

એમણે અમારા બેની વચ્ચે હવામાં કેસેટ રેકોર્ડરનું માઈક્રોફોન ઊંચું કર્યું અને એકદમ ઊંચા અવાજે બોલ્યા

“ આખો વખત  ટીકા કરવાને બદલે, તમે એમ કહો કે, તમે જો વિશ્વ બેન્કના પ્રમુખ થાવ તો તમે કયાં નક્કર પગલાં ભરો?”

તેમની આંખોમાં મને હરાવવાની ઈચ્છા હું જોઈ શકતો હતો. જાણે કે, તેઓ એમ કહેવા માંગતા હતા કે, લો! હવે તમે શું કરી બતાવશો?

“ હું વિશ્વ બેન્કનો પ્રમુખ થાઉં તો હું શું કરું, એને વિશે મેં કશું વિચાર્યું નથી. પણ જો હું થાઉં તો પહેલું કામ એ કરું કે, વિશ્વ બેન્કનું વડું મથક વોશિંગ્ટનથી ખસેડીને ઢાકા લઈ જાઉં. “ મેં એ પ્રશ્ન વિશે સહેજ વિચારીને કહ્યું.

“ શા માટે એમ કરશો?”

“ ઠીક છે, જો વિશ્વ બેન્કના પ્રમુખ લુઇ પ્રેસ્ટન એમ કહેતા હોય કે, વિશ્વ બેન્કનો મુખ્ય હેતુ જગતમાંથી ગરીબીની નાબૂદીનો છે; તો મને એમ લાગે છે કે, વિશ્વ બેન્કે જ્યાં ગરીબી ખૂબ પ્રમાણમાં હોય ત્યાં પોતાનું વડું મથક લઈ જવું જોઈએ. ઢાકામાં વિશ્વ બેન્ક માણસોની કંગાલિયત અને ભયંકર ગરીબીથી ઘેરાઈ જશે. ગરીબોની અને એમની સમસ્યાઓની  ખૂબ જ નજીક રહીને મને લાગે છે કે, વિશ્વ બેન્ક ખૂબ ઝડપથી અને સાચી રીતે ગરીબોની સમસ્યાને ઉકેલી શકશે. “

તેમણે સહેજ માથું ધુણાવ્યું અને તેઓ મુલાકાતના આરંભે જેટલા આક્રમક લાગતા હતા, તેટલા હવે નહોતા લાગતા.

“ વળી, વિશ્વ બેન્કનું વડું મથક ઢાકા થશે, તો વિશ્વ બેન્કના 5000 કર્મચારીઓમાંથી ઘણા બધા તો ત્યાં આવવાનો જ ઈન્કાર કરે. ઢાકા એ કંઈ એમની પસંદગીનું સ્થળ નથી કે, જ્યાં તેમનાં બાળકોનો ઉછેર થાય; અથવા ત્યાં તેમને સામાજિક રીતે આહ્લાદક જિંદગી જીવવા મળે. એટલે ઘણા બધા તો સ્વૈચ્છિક રીતે નિવૃત્તિ લઈ લે; અથવા નોકરી બદલી નાંખે.  એનાથી બે વસ્તુઓ સિદ્ધ થાય. એક તો એ કે, જેઓ ગરીબી સામે લડવા માટે સહેજે પ્રતિબદ્ધ નથી, એવા લોકોથી મને છુટકારો મળે; અને એમને બદલે હું એવા લોકોને નોકરીએ રાખી શકું કે, જેઓ પ્રતિબદ્ધ હોય અને ગરીબીની સમસ્યાને સમજતા હોય. “

“ બીજું એ કે, એનાથી હું એવા લોકોને રાખીશ કે, જેમને બહુ ઊંચા પગારો આપવા ન પડે. કારણકે, ઢાકા કંઈ વોશિંગ્ટન જેટલું ખર્ચાળ શહેર તો નથી જ. આમ થવાથી તેમની જીવનશૈલી બદલાશે અને ખર્ચ ઘટશે.”

‘વંચિતોના વાણોતર’ પુસ્તકમાંથી – પાના નં. 40 અને 41  (અનુવાદકાર શ્રી. હેમંત કુમાર શાહ )

ગ્રામીણ બેન્ક – ઢાકા

1976 માં પોતાના ખિસ્સામાંથી 42 જણને 856 રૂ . થી મહમ્મદ યુનુસે શરૂ કરેલું, ગરીબી નિવારણ અભિયાન આ મકાન સુધી પાંગર્યું. 1998માં 23 લાખ કુટુમ્બોને 92 અબજ રૂપિયા ધીરવામાં આવ્યા.

2007 માં

  • 347.75 અબજ ટકા ( બંગલાદેશનું ચલણ ) – 6.55 અબજ ડોલર
  • 31.2  લાખ કુટુમ્બો
  • 80, 257 ગામડાં
  • 24,703 બે ન્ક કર્મચારીઓ
  • 2.468 શાખાઓ

વિશેષ માહિતી

શ્રી. મોહમ્મદ યુનુસ વિશે ઉદયન ત્રિવેદીનો એક સરસ લેખ વાંચો.

મોહમ્મદ યુનુસ   :        –  1  – :   –  2   –

ગ્રામીણ બેન્ક      :          –  1  – :   –  2  –

અમેરિકામાં ગ્રામીણ બેન્ક !

સુરક્ષિત: પ્રકરણ – 1 : જાગૃતિ – વિચારની પાર ઉત્થાન : 3

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 : જાગૃતિ – વિચારની પાર ઉત્થાન : 2

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 : જાગૃતિ – વિચારની પાર ઉત્થાન

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો:

સુરક્ષિત: પ્રકરણ – 1 તમે તમારું મન નથી : 6

આ સામગ્રી પાસવર્ડ સુરક્ષિત છે. તે જોવા માટે નીચે તમારો પાસવર્ડ દાખલ કરો: