સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: અમેરીકા

અમેરિકન જુસ્સો – ૫૦૦૦ માઈલ પદયાત્રા!

uws2slf

અનુવાદ કરવાની આળસે….

અહીં જાણો અને માણો….

ed2

આ ચિત્ર પર ક્લિક કરો…

કોઈને આ સત્યકથા પરથી વાર્તા બનાવવી હોય તો ગમશે.

હુંશિયારીની કસોટી – અમેરિકા; જવાબ/ અવલોકન

‘સૂર સાધના’ હોય એટલે અવલોકનનો મિજાજ હોય જ ને?!
———
પણ અવલોકન પહેલાં સવાલ/ જવાબ-

સવાલ હતો…

‘અમેરિકા’ની શોધ કોણે કરી?
પાંચ વિકલ્પોમાંથી…..

 • ક્રિસ્ટોફર કોલમ્બસ
 • અમેરિગો વાસ્પુસી
 • રશિયાના ઈશાન પ્રદેશના એસ્કિમો લોકો
 • નાકાહામા મન્જિરો
 • ઉપરના બધા

વાચકોને બહુ જ રસ પડ્યો. ઉમળકાભેર ભાગ લીધો. સૌનો ખુબ ખુબ આભાર.

પહેલાં જવાબ આપનાર મિત્રોને મળીએ.

ક્રિસ્ટોફર કોલમ્બસના ચાહકો

 • વિનોદ પટેલ
 • અશ્વિન સંઘવી
 • શશિકાન્ત
 • મયુર ગોધાણી
 • પ્રવીણ
 • ધીરજલાલ વૈદ્ય
 • સુરેશ ઝવેરી
 • અતુલ શાહ
 • સતીશ ધોળકિયા
 • રાજેન્દ્ર ત્રિવેદી
 • રજનીકાન્ત શાહ
 • અનીલા પટેલ
 • દિપક પટેલ
 • નિરંજના
 • ગહન મુન્જાની

અમેરિગો વાસ્પુસીના ચાહકો

 • અવિનાશ
 • મનસુખલાલ ગાંધી
 • કુમાર ગૌરવ
 • સુરભિ રાવળ
 • ડો. કનક રાવળ
 • કમલ જોશી

‘એ બધા’ એમ માનનાર

 • અમિત પટેલ

આમ તો બધા જ સાચા છે. સાવ સીધા કારણે –

ખોટો જવાબ શક્ય જ નથી !!

પણ એ જ કારણે ભાઈ શ્રી. અમિત પટેલ સૌથી વધારે સાચા છે.

આ બધાએ ‘અમેરિકા’ નામથી હાલ જાણીતા ખંડને શોધી કાઢ્યો હતો. 

 1. સૌથી પહેલા શોધનાર હતા – રશિયાના ઈશાન ખૂણે રહેતા એસ્કિમો લોકો. કદાચ ૨૦,૦૦૦ કે ૩૦,૦૦૦ વર્ષો પહેલાં – હીમ યુગ આથમ્યો નહોતો ત્યારે- રશિયાનો એ છેડો અને અલાસ્કાનો છેડો બરફથી જોડાયેલા હતા. એસ્કિમોની કોઈક ટોળી શિકાર કરતાં કરતાં, અલાસ્કાવાળા પ્રદેશમાં વસી ગઈ. પછી તો બરફ ઓગળી ગયો; ત્યાં બેરિંગની સામુદ્રધુની બની ગઈ અને એ ટોળી પાછી જઈ શકી નહાં. એમના વંશજો  હજારો વર્ષોના સ્થળાંતરે છેક દક્ષિણ અમેરિકાના દક્ષિણ છેડા ‘ટેરા ડેલ ફુએગો’  સુધી પહોંચી ગયા.
  એસ્કિમો અને અમેરિકન આદિવા સીઓ એક જ કૂળના છે; એમ  ડી.એન.એ. પરિક્ષણ  પુરવાર કરે છે. એમણે સર કરી લીધેલો પ્રદેશ કોઈ પણ યુરોપિયન દેશ કરતાં સેંકડો ગણો મોટો હતો. પણ એમને માટે એ માત્ર રહેવાની જમીન જ હતી- એને કોઈ નામ એમણે આપ્યું ન હતું.
  (વિકિપિડિયા ઉપર) 
  ( નેટિવ અમેરિકનો  વિશે) 
 2. અલબત્ત યુરોપના કોઈ પણ જણે  હાલ અમેરિકા કહેવાતા પ્રદેશ પર પહેલું પગલું માંડ્યું હોય; એવા જણ કોલમ્બસ અને તેના સાથીઓ જ હતા.( ઈ.સ. ૧૪૯૨) પણ એમને એ ખબર જ ન હતી કે, તેમણે નવો કોઈ ખંડ ગોતી કાઢ્યો છે. કોલમ્બસ તો મરણ લગણ એ જ પ્રતિપાદન કરતો રહ્યો કે, તેણે ચીન/ ભારત જવાનો પશ્ચિમ દિશાનો રસ્તો ગોતી કાઢ્યો છે. તે એક સાહસિક  સાગરખેડુ જરૂર હતો; પણ તેની પાસે ગણતરીની કોઈ આવડત ન હતી કે, પૃથ્વીના પરીઘનો માંડ ૨૦% ભાગ જ તેણે કાપ્યો હતો ! જ્યારે ભારત તો સ્પેનથી પશ્ચિમી રસ્તે ૨૭૦ અંશના અંતરે છે! પોતે શોધેલા પ્રદેશનું આગવું નામ આપવાનો વિચાર પણ એને આવ્યો ન હતો.
  (વિકિપિડિયા ઉપર) 
 3. કોલમ્બસ પહોંચ્યો, એના થોડાક જ વર્ષ બાદ અમેરિગો વાસ્પુસીએ પણ આ ખંડમાં પગ માંડ્યા હતા. પણ તે ભૂગોળ અને ગણિતનો ‘ખાં’ હતો. તેણે અનેક લેખો લખીને એ પુરવાર કર્યું હતું કે, આ એક નવો નક્કોર, ખંડ છે; અને ભારત/ ચીનની સોનાથી લથપથ ભરેલી જમીન તો પશ્ચિમ દિશાના રસ્તે,  હજુ હજારો માઈલ દૂર છે. એના આ વૈજ્ઞાનિક તારણોના કારણે જ આ બે નવા ખંડો હવે ‘અમેરિકા’ તરીકે ઓળખાય છે.
  (વિકિપિડિયા ઉપર) 
 4. અને આપણામાંના ઘણા જે વાત જાણતા જ ન હતા( આ લખનાર સમેત) ; એ છે – ‘મન્જિરો અમેરિકાની ધરતી પર પગ મૂકનાર પહેલો જાપાનીઝ હતો.( ઈ.સ. ૧૮૪૬)  જાપાન દેશના સંદર્ભમાં તેણે અમેરિકાની શોધ કરી હતી.’
  (વિકિપિડિયા ઉપર) 

અને માટે જ આ બધા જવાબો સાચા છે !

———-

અને હવે આ લખનારનો માનીતો અને જાણીતો ‘ અવલોકન’ કાળ ‘ – આ બ્લોગનો આગવો  મિજાજ …

સત્ય એ અનેક પાસા વાળો હીરો છે. અનેક ચીજો એકસાથે સાચી હોઈ શકે છે. અમુક જ મત સાચો અને બીજા ખોટા; એ કદાચ હમ્મેશ સાચું ના પણ હોય !

બીજી રીતે જોઈએ તો..

     આપણામાંના મોટા ભાગના એક જ, ચીલાચાલુ રીતે વિચારવા ટેવાયેલા હોઈએ છીએ. ‘અમેરિકા કોણે શોધ્યો’ એનો આપણને શીખવાડાયેલો ઉત્તર આપણા ચિત્તમાં એટલો તો વસી ગયો છે કે, બીજો કોઈ વિકલ્પ હોઈ જ ન શકે!

લો! સાદો દાખલો આપું.

      આ જણને  ‘અમેરિકા’ વિશે નિશાળોમાં ભણાવવામાં આવ્યું હતું; તે પરથી અને ચપટીક વાંચન પરથી, એને ખબર હતી કે, ‘અમેરિકા’ નામના બે ખંડો છે; અને એમાંના એક દેશને ‘અમેરિકા’ કહેવામાં આવે છે! પણ એ પ્રદેશ પર એનું પહેલું પગલું પડ્યું – છેક સપ્ટેમ્બર,૧૯૮૮માં. આમ સુ.જા. ના હોવાપણાને અમેરિકાની શોધ થઈ – ખાલી પ્રદેશ જ નહીં; પણ એની મુક્ત હવા અને આગવા મિજાજની શોધ એણે કરી !

માટે મિત્રો…

આપણા સત્યની શોધ આપણે જ કરવી પડે છે.

      બીજાના સત્યશોધનના વાચન/ શ્રવણના કીડા બનીને ‘સત્ય શું છે?’ એનો આવિષ્કાર થઈ શકતો નથી! એ ગાઈડ બુક બની શકે; પણ…. દરેક શોધ મૌલિક જ હોય છે – ભલે તે હજારમી/ લાખમી કે કરોડમી વખતનો, એનો એ  જ ઝબકાર ન હોય? શોધકના દિમાગમાં તો એ પહેલો ઝબકાર જ હોય છે.

     આ અભિમાનની વાત નથી. સ્વ-ગૌરવની વાત છે – સત્ય શોધક બનવાના ઉલ્લાસની વાત છે.

આપણે શોધેલા
દિવ્ય જીવનના એ પ્રદેશના
આપણે જ એસ્કિમો;
આપણે જ કોલમ્બસ;
આપણે જ અમેરિગો
અને આપણે જ મન્જિરો.

સામ્પ્રત અને દિવ્ય જીવન’ અહીં જરૂર વાંચજો

———

      અને જેના અદભૂત જીવનના વાંચનને પ્રતાપે આ કસોટી, આ જવાબ અને આ અવલોકન શક્ય બન્યા; તે ‘નાકાહામા મન્જિરો‘ ની વાત – આવતી કાલે

હુંશિયારીની કસોટી – અમેરિકા

કેમ, ખોટી જગ્યાએ આવી ગયા હો; એમ લાગે છે ને? !

આમ તો ‘ હુંશિયારીની કસોટી ‘ માટે હાસ્ય દરબાર વિખ્યાત છે. -૩૯ કસોટીઓ…… ( આ રહી )

પણ અહીં એનો મિજાજ સાવ અલગ જ છે.

તો , આ રહી આ સાવ અવનવી કસોટી…

સાચો જવાબ આવતી કાલે….
અને વળતરમાં એક હેરત ભરી વાર્તા બોનસમાં મળશે – સાચો જવાબ જાહેર થયા બાદ!

અમેરીકા પ્રશ્નોત્તરી – ૮

પ્ર

 • અમેરિકા આવીને અફસોસ થાય એવા કોઈ લોકો છે? અને એ અફસોસથી પ્રેરાઈને પાછા જનારાના શું મન્તવ્ય હોય છે?

સુ

 • અહીં રહ્યે એની તો શી ખબર પડે? મોટે ભાગે આવા કિસ્સા જવલ્લે જ બનતા હોય છે. નોકરી છૂટી ગઈ હોય; તો ભણવાનું ચાલુ કરીનેય સ્ટુડન્ટ વિસા પર લોકો રહેવાનું ચાલુ રાખે છે. અનેક મુશ્કેલીઓ વેઠી, ઠેબાં ખાતાં ખાતાં મોટા ભાગનાની ગાડી પાટા પર ચઢી જ જતી હોય છે. તમે કહો છો; તેવો એક પણ કિસ્સો મારા ધ્યાનમાં નથી આવ્યો.
 • દેશમાં પાછા આવેલા મોટા ભાગના લોકો વધારે સારી તકો માટે અને અહીંથી ઠીક ઠીક સંપદા ભેગી કરીને જ આવ્યા હોય; તેમ મારું માનવું છે . એવા ઘણા વ્યક્તિઓના સમ્પર્કમાં પણ આવ્યો છું.

ચિ

 • મોટે ભાગે તો મોટી ઉમ્મરે આવતા લોકોમાં આવી લાગણી વધુ હોય છે. તેમને નવા વાતાવરણમાં ગોઠવાઈ જવામા ઉમ્મર, શારીરીક ક્ષમતા, અપુરતી ધંધા/રોજગારની તકો વગેરે કારણોને લીધે આ લાગણી આવતી હોય છે.
 • પાછા તો ભાગ્યે જ કોઈ જતા હોય છે. એટલે એ વીશે વધારે ખ્યાલ નથી કે એમનું મંતવ્ય શું હોય છે.

પ્ર

 • આપણા લોકો અમેરિકા જવા બહુ ઉત્સુક હોય છે; અને ત્યાં ગયા પછી ત્યાંની રીતભાત અપનાવી લે છે. અને પાછા એમ કહેતા હોય છે કે. અમેરિકન સંસ્કૃતિ બરાબર નથી. તેઓ આમ કેમ કરે છે?

સુ

 • આ સ્વાભાવિક છે. અહીંની ગમે તેવી ઝાકમઝાળ અને સુવિધાવાળું જીવન હોવા છતાં વતનઝૂરાપો મોટા ભાગનાને સાલે છે. અમેરિકન સંસ્કૃતિ ન ગમવાનું કારણ આપણે ત્યાંથી મળેલો વારસો છે. જો કે, ઘણા એવા પણ હોય છે કે. જેમને અમેરિકા સદી પણ જાય છે.
 • પ્રામાણિક રીતે અહીંથી રોટલો રળતા હોઈએ, અને અહીંની રીતરસમને , જીવનને ભાંડીએ; એ બરાબર નથી. પણ આપણો સાંસ્કૃતિક વારસાને ભૂલવો ન જોઈએ.
 • એવી જ રીતે અહીંની પણ ઘણી સારી, અપનાવવા જેવી બાબતો  છે જ.

ચિ

 • આ પણ મોટી ઉમ્મરે ગયેલા લોકોની તકલીફ છે. તેઓ ભારતની “મહાન” સંસ્કૃતીનુ રટણ ગળથુથીમા લઈને આવ્યા હોય છે એટલે બીજી કોઈ સંસ્કૃતીની સારી વાતો જોઈ શકતા નથી. પણ, વ્યવહારમાં પોતે અભણ કે પછાત નથી એ બતાવવા અમેરીકન હોવાનો દમ્ભ કરે છે. આ દમ્ભ પણ બીજા ભારતીયો કરતા પોતે મોટા છે એ બતાવવાની માનસીક્તાને લીધે જ આવેલી લાગણી છે.

પ્ર

 • અહીયાં જ્યારે કોઈ પણ બજાર માં ઉથલપાથલ થાય ત્યારે એમ કહેવાય છે કે(મેં બોલતા સાંભળ્યુ છે લોકોનાં મોઢે) અમેરીકા માં કુતરુ મરી ગયુ હશે..એમનો કહેવાનો મતલબ છે કે અમેરીકા માં કાંઇ પણ થાયે ની અસર અહીયાં જોવા મલે…જેમ કે હમણા ત્યાંની એક બેંકનાં રામ બોલો ભાઈ રામ થયા..અને કેટલા લોકો નાં રામ બોલો ભાઇ રામ થયાં..એટલી નુકશાની થઈ છે અહીયાં લોકોની…તો મને ક્યારેક વિચાર આવે કે એ લોકો ભલે દેશ છોડીને ગયાં પણ આપણે હજી એમનાં ગુલામ છીયે…ગોરા એટલે ગોરા..પછી આપણી પર રાજ કર્યુ એ જે હોય તે….

સુ

 • અમેરિકન ઇકોનોમીની અસર તો આખા જગત ઉપર પડે છે – ભારત એમાંથી બાકાત શી રીતે રહી શકે? અમેરિકન ઇકોનોમી બીજા વિશ્વ યુદ્ધ બાદ એટલી તો અસરકારક બની છે કે, આમ થાય જ.
 • પણ હવે પરિસ્થિતી બદલાઈ રહી છે. બીજા દેશો પણ ઘણા સમ્રુદ્ધ બન્યા છે. યુરોપ, બ્રાઝિલ, ભારત, ચીન , રશિયા બહુ ઝડપથી બજારના હિસ્સા ઝડપી રહ્યા છે.
 • આપણી ગુલામ મનોવૃત્તિ વિશે અહીં રહ્યે કશું કહેવું યોગ્ય નથી. પણ ઘણા સુધારાની જરૂર અવશ્ય લાગે છે.

ચિ

 • આપણે ભારતીયો એકબાજુ તો આપણી “મહાન” સંસ્કૃતીના ગાણામાંથી ઉચા નથી આવતા અને બીજી બાજુ “કોલોનીયલ” માનસીક્તા જાળવી રાખી છે. એટલે, અહોભાવથી પીડાઈને આવા ઉદ્ગારો નીકળે છે. જો કે, નવી પેઢીમા આ માનસીક્તા નથી એટલે 10-15 વર્ષમાં નવી બાબતો જોવા મળશે.

અમેરીકા પ્રશ્નોત્તરી – ૭

પ્ર –
 • અમેરિકામાં વસતા ભારતીય મૂળના લોકો (પહેલી પેઢી, બીજી પેઢી અને ક્દાચ ત્રીજી પેઢી પણ). ભારતને યાદ કરે એ તો સમજાય, પરંમ્તુ ત્યાં જુદા જુદા પ્રદેશોમાંથી આવેલા ભારતીયો વચ્ચેના સંબંધો કેવા છે?

સુ

 • મોટા ભાગે લોકો પોતપોતાના વર્તુળોમાં જ ભળતા હોય છે. ગુજરાતીઓ, બંગાળીઓ, આન્ધ્રના લોકો, તામિલ .. એવા ચોકા અહીં બહુ જડબેસલાક હોય છે. પણ આ પહેલી પેઢીના માટે જ, બીજી અને ત્રીજી પેઢી મોટા ભાગે અમેરિકન વધારે હોય છે ; અને આવા વર્તુળોમાં ઓછા ભળે છે. દરેક જગ્યાએ ભારતીય મંડળો હોય છે ; પણ તે પ્રાદેશિક જૂથો જેટલા સક્રીય નથી હોતા. ન્યુયોર્ક કે એલ.એ. જેવા વિસ્તારોમાં કદાચ આમ ન હોય ; પણ ત્યાંય પ્રાદેશિક જૂથોનો પ્રભાવ વધારે હોય છે.

ચિ

 • આફ્રીકા કે ગયાના/ત્રીનીદાદથી આવેલા ભારતીયો માટે ભારત એમની ભુમી નથી રહી. એ લોકો એમના નવા વતનને ચાહે છે અને ત્યાંની જ યાદ દીલમા રાખે છે.
પ્ર.
 • ભારતીય લોકો અને શ્વેત, કે અશ્વેત અને કલર્ડ પ્રજા વચ્ચે સંબંધો કેવા છે?

સુ

 • બીજી અને ત્રીજી પેઢીના ભારતીય મૂળના લોકોને બાદ કરીએ તો; પહેલી પેઢીના લોકોના ગોરા, કાળા અને બીજી પ્રજાઓ સાથેના સંબંધો વ્યાવસાયિક જરૂરિયાત માટે વધારે હોય છે. બહુ ઓછા વ્યક્તિઓ મળશે કે જે, બીજા લોકો સાથે મૂક્ત રીતે ભળતા હોય. પણ એટલું જરૂર છે કે, કોઈ તનાવ વાળા સંબંધો અમેરિકામાં મોટા ભાગે જોવા મળતા નથી. સૌ પોત પોતાનામાં જ મશગૂલ હોય છે.
 • આથી જ અમેરિકા ‘ મેલ્ટિંગ પોટ’ કહેવાય છે.  બીજી પેઢીમાં દુનિયાના બધા પ્રદેશોમાંથી આવેલા લોકોમાં મોટા ભાગના ફરકો ઓગળી જતા જોવા મળે છે. આખી દુનિયાના લોકો સાવ નાની જગ્યાઓએ પણ જોવા મળે છે;  પણ અમેરિકનતા  એમની વચ્ચેના  તફાવતોને અતિક્રમી જાય છે.

ચિ 

 • બીજી પ્રજા ભારતીયો પ્રત્યે માન, ઇર્ષ્યા અને પરાણે રાખવો પડતો સમ્પર્ક એમ બધી રીતનુ વલણ ધરાવે છે. ભારતીય લોકો શ્વેત પ્રત્યે અહોભાવ, અશ્વેત પ્રત્યે તીરસ્કાર અને પીળી પ્રજા પ્રત્યે સમાંતર અંતરનું વલણ ધરાવે છે. અપવાદ જો કે દરેક સમ્બંધમા હોય છે, પણ મોટેભાગે મારો અનુભવ આગળ લખ્યા મુજબનો છે.


અમેરીકા પ્રશ્નોત્તરી – 6

પ્ર – ભારતમાંથી બહાર ગયેલા લોકોનું પોતાની જન્મભુમીને પ્રદાન શું?

ગૃ –

ભારત છોડતી વખતે જાત સાથે વણાયેલી એ સમયની સંસ્કૃતીનો વીશ્વને પરિચય કરાવનાર માધ્યમ બની રહે છે. દેશના સામાન્ય નાગરીકની અસામાન્ય શક્તીનો દુનીયાને અનુભવ કરાવે છે. સાથે સાથે પોતાને પ્રાપ્ત થતી આર્થીક સમૃધ્ધીમાં દેશબંધુઓનો હીસ્સો/ ઋણ અદા કરવાની ભાવના સાથે દાન દ્વારા વહેંચતા રહે છે. હમ્મેશાં પોતાના દેશ તરીકે ભારતનું ગૌરવ વધારવાના પ્રયત્નમાં રહે છે. ઉપરાંત ભારતના વીકાસમાં પોતાની રીતે શક્ય ફાળો આપવાની કોશીશ કરતા રહે છે.

ચી –

જ્યાં સુધી ભારતમાં પાછા ફરીને પોતાને વીદેશમાં મળેલા જ્ઞાન, શીસ્ત, આચાર-વીચાર મુજબ જન્મભુમીને મદદ ના કરીએ ત્યાં સુધી કશું પ્રદાન નહીં! હા, ભારતની વસ્તીમાં નજીવો ઘટાડો કરીને એટલી ભારતની કુદરતી સમ્પદાને બચાવીએ છીએ! ઉપરાંત, એન.આર.આઈ.નો મોટો ભાગ દર વર્ષે ઘણીબધી ખરીદી ભારતમાંથી કરીને થોડોક આર્થીક ફાળો આપે છે.

ભારતની નવી પેઢીને પશ્ચીમનું આંધળું અનુકરણ કરતા જોઈને એવું થાય છે કે, આના બીજ બીનનીવાસી ભારતીયોએ જ વાવેલા છે. મેં એવા ઘણાં લોકોને જોયા છે; જે દેશમાં જઈને ભપકો, શરાબ, ખાનપાનનો અતીરેક કરીને ત્યાંના લોકોને અભડાવીને એવું કરવાની પ્રેરણા આપતાં હોય છે (ભલે પછી અમેરીકા પાછા ફરી બધાં મોંઘા કપડાં અને કેમેરા રીટર્ન કરી દે, ત્યાં તો વટ પડી ગયોને…).

છેલ્લા 3 વર્ષથી ઘણાં એંજીનીયરો પાછા દેશમાં જાય છે અને ત્યાં પોતાનું પ્રદાન આપતાં હોય છે. આવા લોકોને દીલથી સલામ. બાકી મારી જેમ ઘણાં એ અભરખો લઈને જીવે છે પણ હજી હીમ્મત નથી કરતા. ઘણાં અમેરીકી-ભારતીયો બી.પી.ઓ. કે બીજા આઈ.ટી. બીઝનેસ શરુ કરીને ત્યાં વ્યવસ્થીત કોર્પોરેટ કલ્ચર અને નોકરી આપવા કૃતનીશ્ચયી છે. બાકી તો, મોટો ભાગ સાધુ-સંતોને પોષીને, વતનમાં પ્રોપર્ટીના ધન્ધામાં તેજી લાવે છે. એ સહુથી મોટુ પ્રદાન!

સુ 

અહીં રહેતા ગુજરાતીઓને ( બીજા રાજ્યોમાંથી આવેલા લોકોનો મને બહુ અનુભવ નથી, માટે ભારતીય શબ્દ નથી વાપરતો.) ત્રણ કક્ષામાં વહેંચી શકાય.
એક – સાવ નીચલા થરના – જે વખાના માર્યા અહીં આવ્યા છે અને મહેનત મજુરી કરીને જીવનગુજારો કરે છે. એમને માટે જીવન એટલા સંઘર્ષોથી ભરેલું હોય છે, કે આવું કશું વીચારવાનો એમને માટે અવકાશ જ નથી. દેશમાં પાછા જાય ત્યારે તમાચો મારીને ગાલ લાલ રાખવા જેવી એમની હાલત હોય છે.

બે– સારું ભણેલા અને અહીં ઉચ્ચ અભ્યાસ કરેલા લોકો – એમનું જીવન પણ સંઘર્ષમય તો હોય જ છે; પણ એ લોકો વત્તા ઓછા પ્રમાણમાં સાંસ્કૃતીક પ્રવૃતી કરી શકતા હોય છે. એમાંના મોટા ભાગના ભારતીય હોવાનું ગૌરવ જરુર અનુભવે છે; પણ ભારતની મર્યાદાઓથી ખાસ્સા માહેર હોય છે. એમની હાલત ત્રીશંકુ જેવી બની જાય છે. નહીં અહીંના કે નહીં ત્યાંના.

ત્રણ – અહીં ઘણા વખતથી સ્થાયી થયેલા અને બે પાંદડે થયેલા લોકો. એમણે દીધેલ દાનોથી ભારતની ઘણી બીન-સરકારી, સેવાભાવી સંસ્થાઓ નભે છે. પણ મહત્તર ધાર્મીક સમ્પ્રદાયો આનો વધુ લાભ લઈ જાય છે; અને પોતાના વાડાઓની સરહદો અને ભ્રષ્ટાચારો પણ વધારતા જાય છે. ધારે તો આ વર્ગ ભારતની કાયાપલટ કરી શકે એટલી ક્ષમતા ધરાવતો હોય છે.

સાહીત્ય સર્જનમાં હવે ભારતની બહાર રહેતા ઘણા લોકોનો ફાળો છે જ. એમાં અહીંના સમાજજીવનનું પ્રતીબીંબ અવશ્ય પડતું હોય છે. એમાંથી પ્રેરણા લઈ ભારતમાં ઘણું હકારાત્મક સામાજીક પરીવર્તન શક્ય બની શકે.

પ્ર – અમેરીકા માં ઝાડુ મારવુ પડે તો પણ લોકોને ચાલે છે, પણ પોતાના દેશ માં પટાવાળાની નોકરી કરવી પડે તો એને એ તુછ્છ ગણે છે એમ કેમ??

ગૃ –

પટાવાળાની નોકરી કરનારને ત્યાં સમાજ તુચ્છ ગણે છે. આથી સમાજનો તુચ્છકાર સહન કરવો પડે. જ્યારે અહીં જાહેર સંડાસ બાથરૂમ સાફ કરનારને પણ સમાજનો તુચ્છકાર નથી નડતો.

ચી –

પરદેશની ભીખ પણ માફ એમ અમસ્તુ કહેવાયુ છે? જો કે આ બાબતે જે તે સ્થળનું પરીબળ વધુ ભાગ ભજવે છે. અમેરીકામાં ચામડીનો ભેદ છે, કામનો નહી. કોઈ પણ કામ નાનુ કે મોટુ નથી. જ્યારે ભારતમાં કામનો બહુ મોટો ભેદ છે. અમુક કામ અમુક જાતીના લોકો જ કરે, ભલે પછી ભુખે મરવું પડે. વળી, જીવનધોરણ પણ એક કારણ છે. અહીં ઝાડુ મારનારો પણ અમેરીકાનો પ્રમુખ ખાતો હોય એ સેન્ડવીચ ખાઈ શકે છે. બન્ને એક્સરખું દુધ, માખણ વાપરતા હોય છે. અને આપણે ત્યાં? વાત જ જવા દો…

સુ

આપણા સમાજનો આ દેખીતો દંભ જ છે. અમેરીકા ભલે મુડીવાદી દેશ ગણાતો હોય; પણ એ સાચા અર્થમાં શ્રમજીવી દેશ છે. અહીં શ્રમનો મહીમા છે. એક પ્લમ્બર કે ઈલેક્ટ્રીશીયન બેન્કના કે સરકારી કારકુન કરતાં વધુ કમાતો હોય છે. એવું જ શીક્ષકોનું છે. આપણે ત્યાં પંતુજી ગણાતો/તી માસ્તર અહીંનો/ની સન્માનનીય વ્યક્તી છે.
ભારત ભલે પોતાને સમાજવાદી ગણાવતો હોય; એ હજુ સામંતશાહી યુગમાંથી બહાર નથી આવ્યો.

અમેરીકા પ્રશ્નોત્તરી – 5

પ્ર – અમેરીકામાં રહેતા ભારતીયો પોતાને શું ગણાવામાં ગર્વ અનુભવે છેં? –  ભારતીય કે અમેરીકન?

ગૃ.

ભારતમાં હોઈએ તો અમેરીકન અને અમેરીકામાં હોઈએ તો ભારતીય! ટુંકમાં બન્નેથી અલગ આપણી ઓળખ. અહીં સાઉથ એશીયન અમેરીકન શબ્દ વધુ પ્રચલીત છે – જે ભારત, પાકીસ્તાન, બાંગલાદેશ અને શ્રીલંકાથી આવેલા લોકોને લાગુ પડે છે. આ બધા ધર્મ અને થોડાક રીતરીવાજો બાદ કરતાં, લગભગ એક સરખી સંસ્કૃતીના વંશજ છે.

ચી.

જ્યારે એક અમેરીકન કે ચાઈનીઝ સામે મળે તો ભારતીય અને કોઈ ભારતીય સામે મળે તો અમેરીકન ! સાચે જ ABCDEFG!!! ( અમદાવાદ બોર્ન કંફ્યુઝ્ડ દેશી ઈમીગ્રટેડ ફ્રોમ ગુજરાત.) હું પોતે ભારતીય હોવામાં ગર્વ અનુભવું છું, પણ દેશમાં જાઉં તો “નોન-રીક્વાયર્ડ ઈંડીયન”ની ઓળખા આપોઆપ ઉભી કરી દઉં છું. પુરા અમેરીકન થવાતું નથી અને ભારતને સમ્પુર્ણ સમર્પીત પણ થવાતું નથી. પણ હું “ભારતીય” તરીકે જ અત્ર-તત્ર-સર્વત્ર ઓળખાવા માંગું છું.

સુ.

ભલે કાયદેસર અમે અમેરીકન હોઈએ; દીલથી તો હીન્દુસ્તાની જ. જો કે, આ માત્ર ભારતમાં જન્મેલા અને ભારતમાં જ પુખ્ત વય સુધી ઉછેર મેળવેલાઓને લાગુ પડે છે. જે અહીં જન્મ્યા છે અથવા સાવ નાની ઉમ્મરે ( છ વર્ષથી નાની) અહીં આવી ગયેલા છે; અને પ્રાથમીક શીક્ષણ અહીં મેળવેલું છે તે લગભગ ABCD ( અમેરીકા બોર્ન કંફ્યુઝ્ડ દેશી) કહી શકાય. એ લોકો સ્વાભાવીક રીતે જ 90% અમેરીકન હોય છે.

પ્ર – અમેરીકામાં રહીને અમેરીકાએ પૈસો આપ્યો, માન અપાવ્યું, ઇજ્જત વધારી. પણ તોય એક કુંટુબ ન હોવાનો અહેસાસ કેમ ખાતો રહે છે એમને?

ગૃ.

અહીં સૌને પોતપોતાની રીતે રહેવાનો અવકાશ છે આથી બાળકો જ નહી, માબાપ પણ પોતાની રીતે રહેવા માંગે છે એટલે સાથે રહેવા માટે જરૂરી બાંધછોડ થતી નથી અને એનો લાભ પણ મળતો નથી. આથી કુંટુંબ ભાવના નબળી પડતી જાય છે.

ચી.

આ સવાલ અમેરીકાને જ માત્ર લાગુ નથી પડતો. આખી દુનીયામાં આ હાલત છે. આજના યુગની તાસીર. નોકરી-ધન્ધા-ઉચ્ચ અભ્યાસ વગેરે કારણોસર માનવી પોતાનું વતન છોડી, બહાર નીકળતો થયો છે (નડીયાદ છોડીને બેંગલોર રહેવું પણ પરદેશ વેઠવો ના કહેવાય?). જ્યારે એના વડીલો જ્યાં સ્થાયી થયા હોય ત્યાંથી દુર નીકળવા ના ઈચ્છતા હોય. વળી, ભાઈ-બહેન પણ જુદા જુદા કરણોસર અલગ રહેતા હોય છે. પતી-પત્ની-બાળકો દીવસનો મોટો ભાગ જૉબ, ધન્ધો, અભ્યાસ વગેરે કારણોસર એક્બીજાને મળતા હોતાં નથી. એટલે એક કુટુમ્બનો એહસાસ રવીવારે કે રજામાં જ થાય.

સુ.

આપણે આવા સામાજીક પ્રશ્નને એક સરખી રીતે મુલવી ન શકીએ. આ દરેક જણની અંગત કુટુમ્બભાવના ઉપર આધાર રાખે છે. પણ એ સત્ય છે કે, જેમ સમૃધ્ધી વધે તેમ આ ભાવના ઓછી થતી જાય છે –  લોકો વધુ ને વધુ સ્વલક્ષી થતા જાય છે. ભારતમાં પણ આમ જ નથી થતું  વારુ?

અમેરીકા પ્રશ્નોત્તરી – 4

પ્ર

જે ભારતીયો અમેરીકામાં સ્થળાંતર કરીને રહે છે તેઓએ શું માત્ર પૈસા જ ભેગા કર્યાં? તેઓ ન તો પુરા ભારતીય રહ્યાં કે ના પુરા અમેરીકન.

ચી

વીદેશ વેઠવાનો મુખ્ય ઉદ્દેશ દ્રવ્ય ભેગું કરવાનો જ હોય છે,  આ વાત સ્ટુડન્ટ વીઝા, જોબ વીઝા, અને ગ્રીનકાર્ડ પર આવતાં મોટા ભાગનાં લોકોને લાગુ પડે છે.( 99.9999 %)

અને એમાં ખોટું પણ શું છે? આ તો આખા જગતમાં પુરાણી પરમ્પરા રહી છે, માત્ર ગુજરાતી કે ભારતીય નહીં, સમગ્ર માનવજાતીની. કોઈ શોખથી વીદેશ નથી વેઠતું.

બીજા એક કારણમાં, જે  અહીં સ્થાયી થયા છે એમને કૌટુમ્બીક ટેકો આપવો અથવા એમની પાસેથી લેવા માટે. ખાસ કરીને વૃધ્ધો, બાળકોનો ઉછેર, યુવાન પુત્ર/પુત્રીને અમેરીકા લાવવાનો ઉદ્દેશ વગેરે.

જો કે માત્ર પૈસા જ ભેગાં કરવાનો ઉદ્દેશ હોવા છતાં અહીં રહીને પ્રમાણીક્તા, કાર્યનીષ્ઠા, સમાજ પ્રત્યે આદર, જીવનને અલગ રીતે જોવાની સમજ, વગેરે જેવાં ગુણો ચોક્કસ ખીલે છે; જે ભારતમાં મુરજાઈ જવા પામે એ ચોક્કસ.

જે દેશમાં અડધી જીન્દગી કાઢી હોય ત્યાંથી દુર થઈને નવી જગ્યાએ ગોઠવાઈ જવું અઘરું છે; અને સમય લે છે. એમાં પુરા નવા પણ નથી થવાતું. અને જે છોડીને આવ્યાં એ ભુલી પણ નથી શકાતું. જે પહેલાં અહીં આવી ગયા હોય; એમનાથી નોખાં પણ પડી જાય.

સાચે જ ના પુરા અમેરીકન અને ના પુરા ભારતીય. મને જો કે એનો કોઈ હરખ-શોખ નથી. જે પરીસ્થીતી છે એ સ્વીકારીને એની મજા માણવી. જે સારુ અને નવું શીખી શકાય એ શીખવું.

સુ.

ચીરાગની વાતમાં વીશેષ એ ઉમેરવાનું કે,

1. અમુક લોકો ( ભલે બહુ નાની સંખ્યામાં હોય ) અહીં આવી વીશેષ કાર્યદક્ષતા મેળવે છે, અને પોતાના ક્ષેત્રમાં સારી નામના પણ મેળવે છે. દા.ત. સામ પીત્રોડા, કમલેશ લુલ્લા વી.

2. અહીં સ્થાયી થયેલા મોટા ભાગના કુટુમ્બોમાંથી વરસે બે વરસે કોઈને કોઈ કારણે કોઈક તો દેશમાં જતા જ હોય છે. ત્યાંથી પાછા આવે ત્યારે ઘણી બધી દેશી વસ્તુઓ લેતા આવતા હોય છે. આને કારણે ભારતમાં, નવેમ્બર ડીસેમ્બરમાં,  એનારાઈ  માર્કેટ ઉભું થયું છે !

3. અહીં વસ્તી વધવાને કારણે દેશી ગ્રોસરી સ્ટોર, ભારતીય હોટલો વી, ધંધા વધ્યા છે. આને કારણે ઘણી બધી ભારતની પેદાશોને માટે નવું માર્કેટ ઉભું થયું છે. આ ભારતને માટે સારી વાત છે.

અમેરીકા પ્રશ્નોત્તરી – 3

પ્ર. – શું અમેરીકાની બીજી ભાષા સ્પેનીશ છે? લેટીન અમેરીકન લોકો કોણ છે?

સુ

 • હા, એમ કહી શકાય – ખાસ કરીને દક્ષીણ અને પશ્ચીમના રાજ્યોમાં – જ્યાં મેક્સીકોથી આવેલા લોકો ઘણા છે.
 • સ્પેનીશ ભાષા જ્યાં મુખ્ય છે તે લેટીન અમેરીકન દેશો ગણાય છે. મધ્ય અમેરીકા ( યુ.એસ.એ.થી નીચેના દેશો) અને દક્ષીણ અમેરીકાના બધા દેશોમાં (બ્રાઝીલ સીવાય – જ્યાં પોર્ચુગીઝ ભાષા મુખ્ય છે.) સ્પેનીશ મુખ્ય ભાષા છે. કેનેડામાં અંગ્રેજી અને ફ્રેન્ચ બન્ને ભાષા વપરાય છે.

ચી

 • અમેરીકાની કોઈ રાષ્ટ્રભાષા નથી! ભારતમાં હીન્દી છે એમ અહીં કોઈ રાજકીય ભાષા નથી. પરંતુ અમેરીકાનો મોટોભાગ ઈંગ્લીશ ભાષા વાપરે છે જ્યારે મેક્સીકોને કારણે સ્પેનીશને બીજી ભાષાનું બહુમાન મળેલું છે.
 • યુરોપમાં લેટીનમાંથી ઉતરી આવેલી રોમાંસ ભાષાઓ જેવી કે સ્પેનીશ, ફ્રેંચ, પોર્ચુગીઝ વગેરે વાપરતાં રાષ્ટ્રોને લેટીન અમેરીકન દેશો કહે છે. સરળતાં ખાતર એવું કહી શકાય કે યુ.એસ.એ.ની દક્ષીણે આવેલાં બધાં દેશો લેટીન અમેરીકા છે.

—————————

પ્ર- એવું કેમ લાગે છે, કે ભારતીય લોકોની અમેરીકામાં આટલી મોટી વસ્તી હોવા છતાં પણ અમેરીકી વીદેશનીતી પર યહુદીઓ અને પાકીસ્તાની લોબીનો પ્રભાવ વધુ રહ્યો છે? જ્યારે ભારતની તરફેણમાં ફક્ત કેટલાંક નીવેદનો જ થાય છે? શું ભારતીયો ફક્ત નીજનો વીચાર કરીને અસંગઠીત જ રહ્યા છે ? શું અમેરીકાને મજબુત ભારત કરતા વીશાળ બજાર રૂપી ભારત વધુ જરુરી લાગે છે?

સુ

 • આ અટપટા રાજકારણનો પ્રશ્ન છે – જે પીઢ, અમેરીકી રાજકારણી, કે તેના અભ્યાસી જ આપી શકે.
 • પણ મારી સમજ પ્રમાણે અમેરીકાની વીદેશનીતી લઘુમતી પ્રજાની લાગણી પ્રમાણે નહીં, પણ અમેરીકાના સ્થાપીત હીતોને લક્ષ્યમાં રાખીને ઘડાતી હોય છે. ઘણી વખત તો એમાં પક્ષીય નીતી( ડેમોક્રેટ કે રીપબ્લીક્ન ) પણ ગૌણ હોય છે. ઔદ્યોગીક અને વ્યાપારી હીતો આ નીતી ઘડવામાં વધુ મહત્વના અને અસરકારક હોય છે. જો કે, અહીં માનવતાવાદી અને પર્યાવરણીય પરીબળો પણ મજબુત છે; એટલે અમુક અંશે એ પણ અમેરીકી નીતી ઘડવામાં ભાગ ભજવતા હોય છે. અમેરીકી પત્રકાર લોબી પણ બહુ જ સક્રીય હોય છે.
 • એ રીતે અહીંની લોકશાહી અને રાજનીતી બહુ જ પુખ્ત છે. દાત. ઈઝરાયેલ અમેરીકાનો લાડકો દેશ મનાય છે. પણ એને પંપાળવા પાછળ અમેરીકાની પેટ્રોલીયમ જરુરીયાતો જ મુખ્ય પરીબળ છે.
 • ભારત અને ભારતના રાજદ્વારી પક્ષોએ દેશનું હીત શેમાં છે; એ બાબતમાં અમેરીકા પાસે ઘણું શીખવાનું છે.

ચી

 • ભારતીયો અસંગઠીત જરાય નથી, નહીંતર અણુકરાર થયો ના હોત કે નરેન્દ્ર મોદીને અમેરીકાના વીઝા મળી શક્યા હોત. જોકને બાજુ પર રાખીએ. ભારતીયો સંગઠીત છે, પણ મોટે ભાગે ધાર્મીક કે સાંસ્કૃતીક બાબતો માટે. રાજકીય બાબતોમાં આપણે બહુ માથું નથી મારતાં.
 • વળી, અહીંના રાજકારણમાં લોબીઈંગનું બહુ મહત્વ છે. અમુક ધન્ધાદારી માણસો  પૈસા આપીને જે તે કોંગ્રેસમેનને પોતાની ફેવરમાં બોલતો કરી શકાય છે. (આપણે ત્યાં સાંસદોને પ્રશ્નો પુછવાના પૈસા લેતાં પકડવામાં આવે છે, જ્યારે અમેરીકામાં આવું ઉઘાડે છોગ થાય છે. બોલો…) ચીન અને અમુક દેશો લોબીઈંગ પાછળ ઘણાં પૈસા ખર્ચે છે અને પોતાની ફેવરમાં નીર્ણયો લેવડાવે છે. જ્યારે ભારત આ બાબતે તદ્દન ઉદાસીન છે.
 • મારું માનવું છે કે ભારતે માત્ર અને માત્ર પોતાનું હીત જોવું જોઈએ. આપણી છતમાં બધા ભાગ પડાવશે, અછતમાં કોઈ મદદ કરવા નહીં આવે.

—————————————–

સૌ વાચકોને વીનંતી કે તેમને મુંઝવતા પ્રશ્નો અમને મોકલી આપશે તો અમે તેનો જવાબ આપવા પ્રયત્ન કરીશું.

અમેરીકા પ્રશ્નોત્તરી – 2

પ્ર- શું અમેરીકામાં શરુઆતથી આવેલા કેથોલીક લોકોમાં આવી કુટુમ્બભાવના વધારે હોય છે? એ લોકો બાળ ઉછેરમાં વધુ ધ્યાન આપતા હોય છે? કુટુમ્બોએ ગોઠવેલાં લગ્નો વધારે થાય છે?

સુ- કેથોલીક લોકોમાં એમ હોય છે, કે કેમ તેની મને ખબર નથી. પણ ગ્રામ વીસ્તારોમાં કુટુમ્બ ભાવના વધુ જળવાયેલી જોવા મળે છે. વળી મેક્સીકન, અમેરીકન આફ્રીકન વી. જેવા આર્થીક રીતે નીચલા થરના લોકોમાં પણ આવી ભાવના વીશેષ જોવા મળે છે. પણ ક્યાંય લગ્નો કુટુમ્બો દ્વારા નક્કી થતા હોય તેવું હું નથી માનતો.

ચી – અમીશ લોકોમાં કુટુમ્બ દ્વારા ગોઠવેલાં લગ્નો હોય છે. મોટેભાગે તો વયસ્ક લોકો જાતે જ ડેટીંગ કરીને નક્કી કરતાં હોય છે.
સામાન્ય અમેરીકન કુટુમ્બ બાળઉછેર બાબતે ઘણું સજાગ હોય છે. આપણે એમની તોલે ના આવીએ. જો કે એ લોકો બાળકોને 6 મહીનાના થાય એટલે અલગ સુવાડતાં થઈ જાય છે એ મને નથી ગમતું. કોઈ પ્રાણીનું બચ્ચું પગભર ના થાય ત્યાં સુધી માની હુંફમાં જ સુતું હોય છે. એ કુદરતી ગોઠવણ છે. અમેરીકન દમ્પતી આ સગવડ મોટેભાગે પોતાની સેક્સલાઈફ સંતોષવા અપનાવે છે, એવું મને લાગે છે.

વળી, અહીંના કાયદા બાળકોને સમ્પુર્ણ સલામતી આપવા માટે ઘણાં કડક છે. અહીં ડ્રગ્સ જેવી બદી વ્યાપક હોવાથી ઘણાં લોકો પોતાના બાળકોને ક્રુરતાથી મારતાં/રાખતાં હોય છે. અમેરીકન સમાજનું મુખ્ય લક્ષણ સમજવા આ એક જોક: એક પતી પત્નીને કહી રહ્યો હતો – Honey, your kids and my kids are beating our kids!

પ્ર – ભારતમાંથી ત્યાં ગયેલા લોકો બહુ ઝડપથી ત્યાંની જીવન રસમ અને સંસ્કાર અપનાવતા થઈ જાય છે. એમ શા માટે?

સુ – જેવો દેશ એવો વેશ – રોમમાં હો ત્યારે રોમનની જેમ રહો. આ સ્વાભાવીક પ્રક્રીયા છે – ખાસ કરીને આર્થીક રીતે નબળા વસાહતીઓ માટે. દા.ત. ભારતની જીવન પધ્ધતીનું એક મહત્વનું કારણ બહુ સસ્તી મજુરી છે. અમેરીકામાં મજુરી અત્યંત મોંઘી હોવાના કારણે સામાન્ય માણસ માટે એ રીતે રહેવું શક્ય નથી. વળી અહીં જન્મેલા અને ઉછરેલા બાળકો તો વધુ અમેરીકન હોવાના જ. એમને ભારતીય બીબામાં ઢાળવા જાઓ તો એ એ.બી.સી.ડી. જ બની રહે. છતાં ભાગ્યેજ કોઈ અમેરીકન ભારતીય કુટુમ્બ પુરેપુરું અમેરીકન બની ગયેલું જોવા મળશે.

ચી – દાદાની વાત સાચી છે. પરંતુ આપણે ભારતીયો એમાં અતીરેક કરી દઈએ છીએ. આપણે અહોભાવથી પીડાતી વ્યક્તીઓ છીએ. એક જર્મન કે ઈટાલીયન કે આયરીશ મુળના અમેરીકન કુટુમ્બમાં એમની મુળ ભાષા બોલાતી હશે, જ્યારે આપણે ભારતીયો ઈંગ્લીશ બોલવામાં ગૌરવ અનુભવીએ છીએ.

આ તો થઈ ભાષાની વાત. પણ, આપણાં લોકો બીજાઓ કરતાં પોતાને વધુ અમેરીકન દેખાડવામાં ગર્વ લેતાં હોય છે. એટલે, એનું પ્રદર્શન તો કરવું જ પડે!

થોડીક મઝાની અમેરીકન ગુજરાતી :

 • “ચાલો, બધાં પીપલ પેલા સ્ટોરમાં સુગર આવી છે ત્યાં ગયા છે, આપણે પણ સેલમાં છે તો બાય કરી લઈએ.”
 • “તમે આવતાં પહેલાં ફોન કરીને મેઈક સ્યોર કરી લેજો.”
 • “પટેલમાં (સ્ટોર) કેરી છે એ લેતા આવજો, થોડાંક બનાના પણ.”

એક ભારતીય બીજા ભારતીયને જોશે તો જાણે અજાણ્યો થઈ જશે.

છતાંય આપણે અમેરીકામાં બોલીવુડ ફીલ્મો અને મન્દીરોને પ્રતાપે ગર્ભનાળ સાવ કાપી નથી નાંખી એટલું સારું છે. નવી પેઢી છેવટે “રામા” કે “ક્રીશ્ના” કોણ હતાં એ ઓળખશે તો ખરાં…