સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: અમેરીકા

અમેરીકા – પ્રશ્નોત્તરી -1

   અહીં અમેરીકા અંગે વાચકોના પ્રશ્નોના ઉત્તર જુની પેઢીના પ્રતીનીધી સુ. ( સુરેશ જાની – 65 વર્ષ ) અને નવી પેઢીના પ્રતીનીધી ચી. ( ચીરાગ પટેલ – 32 વર્ષ ) આપશે.

     વાચકોને નીમંત્રણ છે કે ગુજરાતી, હીન્દી કે અંગ્રેજી – કોઈ પણ ભાષામાં અમને પ્રશ્નો મોકલી શકે છે. અઠવાડીયે એક વાર તેના ઉત્તર આ જ રીતે, ગુજરાતીમાં આપવામાં આવશે.

પ્ર: – ત્યાં ભણવા ગયેલાં આપણાં બાળકો શું કામ અહીયા પાછા નથી આવતા?

 • સુ – પરદેશમાં જીવનધોરણનું ઉચ્ચ સ્તર, વ્ય્વસાયમાં આગળ વધવાની ઘણી તકો, અને સામાન્ય જીવનમાં નહીંવત્ ભ્રષ્ટાચાર.
 • ચી – અહીં આવવાનો મુખ્ય ઉદ્દેશ્ય સારું જીવનધોરણ મેળવવું એ હોય છે. અને એકવાર એક બીબામાં ઢળાયા બાદ (જે લગભગ હાડમારી વગરનું છે) એમાંથી નીકળવાની ઈચ્છા નથી થતી.

પ્ર: – ત્યાં ગયેલા લોકો અહીયાંનાં લોકો સાથે વાત કરવામાં શું કામ સંકુચીત થઈ જાય છે?

 • સુ – છેક એમ તો નથી. પણ પરદેશમાં લોકોને વ્યવસાયમાં સખત કામ કરવું પડતું હોય છે. ઘરકામ પણ બધું જાતે જ કરવું પડતું હોય છે. શની – રવીવારે પણ કામના ઢગલા ચઢી ગયેલા હોય છે. આથી તેમને સમય ઓછો મળે તે સમજી શકશો.
  દેશમાં આવે ત્યારે થોડા ટુંકા સમયમાં ઘણાં બધાં કામ આટોપવાના હોય છે, ઘણા બધા મીત્રો અને સગાંઓને મળવું હોય છે. આથી ત્યારે પણ સમયની સખત ખેંચ હોય છે.
 • ચી – અહીંની સમાજરચનામાં ઢળાયા બાદ સ્વ-લક્ષી વર્તણુંક અને સમયનો અભાવ.

પ્ર: – શું એ લોકોને ડર હોય છે કે સગાંઓ ત્યાં આવવાની જીદ કરશે?

 • સુ – પહેલાં એવું હતું. હવે તો ઈમીગ્રેશનના કાયદા એટલા સખત થઈ ગયા છે કે, અડીને નજીકના સગાંને પણ વસાહતી તરીકે પરવાનગી મળતાં વાર લાગે છે. વળી એ પણ હકીકત છે કે, પોતાનું જ માંડ પુરું થતું હોય ત્યાં બીજાનો ખર્ચો ઉપાડી ન શકાય. અમુક અંશે પરદેશમાં રહેતા દેશી લોકો ઘણા દ્રવ્ય લક્ષી બની જતા હોય છે . એટલે તો આપણે અમેરીકાને ડોલરીયા દેશ તરીકે ઓળખીએ છીએ.
 • ચી – સગાંઓ માટે ફાઈલ તો બધાં જ કરે છે, અને વહેલામોડાં તેઓ આવી પણ શકે છે. તકલીફ છે નવા આવનારને સેટ થવાની. આજથી 25-30 વર્ષ પહેલાં આવેલાંઓ કરતાં 10-15 વર્ષમાં આવેલાંઓ સગાંઓનું વધુ સારું સ્વાગત કરે છે.

અમેરીકન જુસ્સો : ભાગ -11 : ટોમ,ડીક અને હેરી

ટોમ

      રસ્તાની બાજુએ આવેલ બાંકડા પર હું બેઠો છું. મારી સામે ટોમ એવરી, એની માઉન્ટન બાઈકની બાજુમાં, રસ્તાની કીનારી પાસે પોરો ખાતો બેઠો છે. એનાથી સહેજ જ દુર આ જગ્યાની વીશીષ્ઠતા દર્શાવતું એક પાટીયું છે. એની ઉપર જણાવ્યું છે કે, વીશ્વનું સૌથી વધારે ઉંચાઈએ આવેલું, મોટર રસ્તો ધરાવતું આ સ્થળ છે. રસ્તા અને પાર્કીગ લોટની સામેની બાજુએ 300-400 ફુટ ઉંચે, કોલોરાડો રાજ્યમાં આવેલું, મહાન રોકી માઉન્ટનની પર્વતમાળાનું બીજા નમ્બરનું, માઉન્ટ એવાન્સનું 14,358 ફુટ ઉંચું શીખર ઉન્નત મસ્તકે ગર્વમાં મુસ્તાક બની સૌને ડારી રહ્યું છે.

      મારી મજાલ નથી કે, એની ઉપર પગપાળા ચઢું. મારો પુત્ર ઉમંગ એને સર કરવાનો પોતાનો ઈરાદો જાહેર કરે છે. સાથે સાથે એ પાટીયાને પાર્શ્વભુમાં રાખી, મારો ફોટો લેવાનો ઈરાદો પણ. હું એનો ફોટો લેવાનો વીવેક કરું છું! ટોમ ગુજરાતી ભાષામાં થતી, અમારી આ મીઠી રકઝક ચહેરા પરના હાવભાવથી પામી જાય છે. ઉભો થઈને એ અમારા બન્નેનો ફોટો સાથે લેવા ઓફર કરે છે. અને એક નાનકડો સંબંધ અને એને આનુષંગીક સંવાદ આકાર લે છે. થોડીક જ વાતચીતમાં અમને એ જાણ થાય છે કે…

અધધધ…

       ટોમ 65 વર્ષનો છે. આ સ્થળથી 60 માઈલ દુર આવેલા, કોલોરાડોના પાટનગર ડેનવરનો રહેવાસી છે. ગઈકાલે સવારે તે એની બાઈક પર નીકળ્યો હતો. ઈડાહો સ્પ્રીન્ગ નામના નાનકડા શહેરમાં રાતવાસો કરી, સવારના છ વાગે તેણે બાઈક મારી મુકી હતી. વાંકાચુંકા, 14 માઈલ લાંબા, સતત ચઢાણ વાળા, અનેક હેરપીન વળાંકો વાળા રસ્તાને પાર કરી તે અત્યારે અમારી સામે ઉભો હતો.

અને…
આ તેની આઠમી સફર હતી!

    અમે વીસ્ફારીત આંખે 65 વર્ષના આ યુવાનને અહોભાવથી નીહાળી રહીએ છીએ.

વિશેષ વાંચન

3-D Picture of Mt. Evans

ડીક

     ઉમંગ એવાન્સ શીખર સર કરી, પાછો આવે છે. થોડેક દુર, બીજા બાંકડા પર બેઠેલા ડીકને મળવા તે મને દોરી જાય છે.

      67 વર્ષનો ડીક એને માઉન્ટ એવાન્સના શીખર પર મળી ગયો હતો. સવારના છ વાગ્યાથી તળેટીમાં આવેલા વીઝીટર સેન્ટરના પાર્કીંગ લોટમાં એની કાર આરામ કરી રહી છે. ડીક એ જગ્યાએથી પગપાળો નીકળ્યો હતો. કાર માટેના વાંકાચુંકા રસ્તા પર ચાલવાની તેને જરુર ન હતી. બધા હેરપીન વળાંકો આગળ તેણે નાના નાના ઉંચાણો ચઢીને શોર્ટકટ લીધા હતા. આમ છતાં એને સાડા ચાર માઈલનો ફાસલો તો કાપવો જ પડ્યો હતો : અને તે પણ સતત ચઢતા રહીને; નાના નાના, રોક ક્લાઈમ્બીન્ગ કરીને.

અને ડીકની આ બારમી સફર છે.

હેરી

       અમે પાછા વળીએ છીએ. થોડેક નીચે, 11,500 ફુટની ઉંચાઈ પર સમીટ લેક આવેલું છે. ગ્લાસીયરનો બરફ ઓગળીને એમાં ભેગું થયેલું પાણી નીતર્યા કાચ જેવું છે. એ તળાવની સામેની બાજુએ તોતીંગ માઉન્ટ એવાન્સનું શીખર ઝળુંબી રહ્યું છે. તળાવના કીનારે, રસ્તાની બાજુમાં એક ટ્રાઈપોડ ઉભી કરેલી છે અને તેની ઉપર એક કેમેરા ચઢાવેલો છે. ટ્રાઈપોડની બાજુમાં હેરી હાથની અદબ વાળીને ઉભો છે. તે શેના ફોટા પાડી રહ્યો છે; અથવા કેમ કશા ફોટા પાડી રહ્યો નથી; એ જાણવાનું મને કુતુહલ થાય છે.

       અને એ સત્ય જાણીને અમે હેરત પામી જઈએ છીએ.

       ત્રણ દીવસથી હેરી આ જ જગ્યાએ ટ્રાઈપોડ જમાવતો રહ્યો છે. સવારના અજવાળું થતાં જ તે અહીં ધામા નાંખે છે; અને અંધારું થાય તેની થોડીક જ પહેલાં આ માયા સંકેલી ઘરભેગો થઈ જાય છે. એને એક જ ફોટો પાડવો છે – પવન પડી જાય અને તળાવનું પાણી લહેરખી વીનાનું થઈ જાય, એ ઘડીની એ રાહ જોઈ રહ્યો છે. એમ બને કે તરત, એના કેમેરાની ચાંપ ક્લીક થવાની છે; અને તળાવના ઘડીક સ્થીર થયેલા પાણીમાં મહાન એવાન્સ શીખરનું પ્રતીબીંબ ઝડપાઈ જવાનું છે!

      અને 65 વર્ષનો હેરી, ધીરજ પુર્વક, એ શુભ ઘડીનો ઈન્તજાર કરી રહ્યો છે. કદાચ એણે એની જુવાનીમાં એની પ્રીયતમાની વાટ પણ આટલી આતુરતાથી નહીં જોઈ હોય!

       હું આ જોક એને સંભળાવું છું; અને તે હસતાં હસતાં મારી વાતંબે અનુમોદન આપે છે.

———————————————–

       ટોમ, ડીક અને હેરી -રસ્તા પરના, સાવ સામાન્ય માણસ માટે વપરાતો, અંગ્રેજી ભાષાનો રુઢીપ્રયોગ.

ત્રણ ક્રેઝી અમેરીકન.

 • સાઠ દસકા વીતાવી ચુકેલા ત્રણ જણ.
 • વાર્ધક્યની ગરીમા જેવા ત્રણ જણ.
 • અમેરીકન જુસ્સાના પ્રતીક જેવા ત્રણ જણ

અને આવા તો ઢગલાબંધ ટોમ, ડીક અને હેરી અહીં ઠેર ઠેર મળી આવે છે.

અમેરીકન જુસ્સો – ભાગ -10 : આતંકવાદ અને ન્યાય

     રીચાર્ડ કોલ્વીન રીડ( અબ્દુલ રહીમ ઉર્ફે તારીક રાજા ઉર્ફે શુ બોમ્બર) ને અમેરીકન એરલાઈનની ફ્લાઈટ એ એ -63 ના પ્લેનમાં બુટની સાથે બાંધેલા બોમ્બને ચેતાવી, આત્મઘાતી ધડાકો કરી પ્લેનને ઉડાવી દેવાના નીષ્ફળ પ્રયત્ન માટે પકડવામાં આવ્યો હતો. ન્યાયની અદાલતમાં બધી દલીલો પતી ગયા બાદ અમેરીકાની ડીસ્ટ્રીક્ટ કોર્ટના જજ શ્રી. વીલીયમ યન્ગે રીદને પોતાના બચાવ માટે કાંઈ કહેવું હોય તો કહેવા પરવાનગી આપી.

રીડ વીશે વધારાની માહીતી વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

 • રીડ :

“  હું કોઈ બચાવ વગર મારો ગુનો કબુલ કરું છું. હું ઓસામા બીન લાદનને, ઈસ્લામને અને અલ્લાના ધર્મને વફાદાર છું.મારા કૃત્ય માટે મને સહેજ પણ અફસોસ નથી, અને તે માટે હું માફી માંગવા પણ તૈયાર નથી. હું તમારા દેશની સામે યુધ્ધે ચઢેલો સૈનીક છું.”

 • જજ યન્ગ

જાન્યુઆરી -30 , 2003 યુનાઈટેડ સ્ટેટ અને સામે રીડ
શ્રીમાન રીડ
કોર્ટ તને જે શીક્ષા ફરમાવે છે, તે સાંભળ.ગુના નંબર 1, 5, અને 6 અંગે યુનાઈટેડ સ્ટેટના એટોર્ની જનરલની જેલમાં તને આજીવન કેદની સજા ફરમાવવામાં આવે છે. ગુના નંબર 2,3,4 અને 7 અંગે દરેક ગુના માટે 20 વર્ષની કેદની સજા ફરમાવવામાં આવે છે; અને તે એક પછી એક ભોગવવાની છે; એટલે કે, કુલ 80 વરસની કેદની સજા. આઠમા ગુના અંગે કાયદેસરની 30 વરસની સજા ફરમાવવામાં આવે છે, જે પણ આ 80 વરસ પત્યા પછી ભોગવવાની છે. આ ઉપરાંત આ આઠમાંના દરેક ગુના માટે 250,000 ડોલરનો દંડ એટલે કે, કુલ બે મીલીયન ( 20 લાખ) ડોલર પણ તારે ચુકવવાના છે. અસરગ્રસ્તોને વળતર પેટે સરકારની વીનંતી મુજબ, આ પૈકી 298.17 ડોલર આન્દ્રે બુસ્કને અને 298.17 ડોલર અમેરીકન એરલાઈનને ચુકવવાના છે. કોર્ટ તને 800 ડોલરનો વીશેષ દંડ પણ કરે છે. જો કેદમાં તારી વર્તણુંક સારી હોય તો, કેવળ કાયદાની જોગવાઈ અનુસાર, આ કેદમાંથી પાંચ વરસ ઓછા કરવાની પણ કોર્ટ ભલામણ કરે છે. પણ આ બધી કેદની સજા ખરેખરની ભોગવવાની હોવાથી મારે વીશેષ કાંઈ કહેવાની જરુર નથી.
અમારા કાયદાની જોગવાઈઓ અનુસાર આ સજા તને ફરમાવવામાં આવી છે. આ સજા ન્યાયી અને સાચી છે. તે નૈતીક સજા પણ છે.
હવે હું તને આ વાત એક અમેરીકન હોવાના નાતે સમજાવીશ. અમે તારાથી અથવા તારા કોઈ આતંકવાદી મળતીયાઓ કે સંસ્થાથી ડરતા નથી. શ્રીમાન રીડ ! અમે અમેરીકન છીએ. અમે આગમાંથી આ અગાઉ પસાર થઈ ચુક્યા છીએ. બધાની તરફ સન્માનની ભાવના સાથે મારે કહેવું છે કે, યુધ્ધની ઘણી વાતો કરવામાં આવી છે. પણ અહીં કોર્ટમાં અમે વ્યક્તીઓ સાથે વ્યક્તી તરીકે વ્યવહાર કરીએ છીએ. અમે વ્યક્તીનો આદર કરીએ છીએ. માનવ તરીકે અમે ન્યાયની બહાર પણ જવા તૈયાર હોઈએ છીએ.
તું અમારા શત્રુનો યોધ્ધો નથી. તું આતંકવાદી છે. તું લડાઈનો સૈનીક નથી. હું ફરીથી દોહરાવું છું કે, તું આતંકવાદી છે. તને સૈનીક ગણવો અને તે પ્રમાણે તારી સાથે વર્તાવ કરવો એ સૈનીક શબ્દને લજવવાની વાત છે. તને જરુર કરતાં વધુ મોટું પદ આપવાની વાત છે. સરકારી ઓફીસરો કહે, કે તારો વકીલ કહે કે તું તારી જાતને એક સૈનીક ગનતો હોય .. તું તે નથી. તું એક આતંકવાદી છે. અને અમે આતંકવાદીઓ સાથે વ્યવહાર નથી રાખતા. અમે એમને પ્રેમથી મળતા નથી. અમે એમની સાથે ઠરાવો કરી, એની ઉપર હસ્તાક્ષર નથી કરતા. અમે એક બાદ એક એમને શીકારની જેમ ગોતી કાઢી એમને કાયદાના હવાલે કરીએ છીએ.
યુધ્ધની વાત કોર્ટની સમીક્ષાની બહારની વાત છે. તું એક મોટો માણસ છે. પણ તું મહાન નથી. તું યોધ્ધો નથી. હું યોધ્ધાઓને જાણું છું. તું એક આતંકવાદી છે. અનેક ખુન કરવાનો પ્રયત્ન કરનાર, નરાધમ ગુનેગારોની ટોળકી પૈકીનો એક તું છે. જ્યારે સાન્ટીયાગોના રાજ્ય પોલીસે જ્યારે તને પ્લેનમાંથી બહાર કાઢી કેદમાં પુર્યો ત્યારે તેં પુછ્યું હતું કે, ‘ ખબરપત્રીઓ અને ટીવીવાળાઓ કેમ નથી?’ ત્યારે તેણે તને બરાબર જવાબ આપ્યો હતો કે, ‘ તું કોઈ મહાનુભાવ નથી.”
તેણે આ બરાબર જ કહ્યું હતું. ખચીત તું કોઈ મહાનુભાવ નથી.
તારા માનનીય વકીલ અને તેટલા જ માનનીય અને કાબેલ યુનાઈટેડ સ્ટેટના સરકારી વકીલ ( એટર્ની)એ, તેમજ પ્રામાણીક રીતે મેં પણ એ જાણવા બહુ જ કોશીશ કરી છે કે, ‘આવું ભયાનક કૃત્ય તેં કેમ કર્યુ? એવું શું હતું કે, જે તને આ કોર્ટરુમમાં ઘસડી લાવ્યું?’
તારે જે કહેવાનું છે, તે મેં બહુ ધ્યાનપુર્વક અને માનપુર્વક સાંભળ્યું છે. હું તને પુછું છું કેતું તારા અંતરાત્માને ઢંઢોળીને તારી જાતને પુછી જો કે, ‘ એવા કઈ જાતના અને તાગ ન પામી શકાય તેવા ધીક્કારના કારણે તું ગુનેગાર બન્યો છે અને તે ગુનો કર્યાની કબુલાત કરે છે?’ જો કે. મારી પાસે તેનો જવાબ છે. કદાચ એનાથી તને સંતોષ નહીં થાય. પણ બધા સબુતો ધ્યાનપુર્વક જોતાં, આ વાત મારી સમજમાં આવી છે.
મને એમ લાગે છે કે, તું એવી એક વાતને ધીક્કારે છે, જે અમારા માટે બહુ કીમતી છે. તું અમારી સ્વતંત્રતાની ભાવનાને ધીક્કારે છે – અમારી અંગત સ્વતંત્રતાની ભાવનાને. અમે જેમ ચાહીએ તેમ જીવવાની; અમે જ્યારે અને જ્યાં જવા માંગતા હોઈએ ત્યારે અને ત્યાં જવાની; અંગત રીતે પસંદગી કરીને, અમારે કોઈ ચીજને માનવી કે ન માનવી – તે સ્વતંત્રતાની ભાવના. અહીં, આ સમાજમાં પવનની હર એક લહેરી સ્વત્રતાની ખુશબુને પ્રસરાવે છે. એક દરીયાથી બીજા ઝળહળતા દરીયા સુધી પવન એ ભાવનાને પ્રસારે છે. અમે અંગત સ્વતંત્રતાને અગત્યતા આપીએ છીએ; તે કારણે તો તું અત્યારે આ સુંદર કોર્ટરુમમાં ન્યાય મેળવવાની ખેવના રાખી શકે છે. અહીં દરેક જણ ચકાસી શકે છે કે, દરેક અપરાધીને, ચીવટથી બરાબર ન્યાયનું ત્રાજવું તોળાયું છે કે નહીં. તારા આ સ્વતંત્રતાના રક્ષણ કાજે તારા વકીલોએ આટલી બધી તાકાતથી, તારા માટે ઝઝુમ્યા છે. અમારા ન્યાયાધીશો સમક્ષ તારી અપીલો બરાબર થાય તે માટે તેમણે અથાક પ્રયત્નો કર્યા છે.
શ્રીમાન રીડ, અમે અમેરીકનો આ સ્વતંત્રતા માટે પ્રતીબધ્ધ છીએ, કારણકે, અમે તારી સાથે કેવો વ્યવહાર કરીએ, તેની ઉપર અમારી પોતાની સ્વતંત્રતા આધારીત છે. છતાં આ બાબત કોઈ ભુલથાપ ન ખાતો. અમારા સ્વાતંત્ર્યની રક્ષા કાજે અમે કોઈ પણ બોજ ઉંચકવા તૈયાર છીએ; કોઈ પણ કીમત ચુકવવા તૈયાર છીએ. આ કોર્ટ્રુમની અંદર ચારે બાજુ જો. તેની બરાબર નોંધ કર. હું કે તું અહીં શું કહીએ તે દુનીયા લાંબા વખત માટે યાદ રાખવાની નથી. પરમ દીવસ પછી હું ભુલાઈ જઈશ. પણ આ ભાવના બહુ લાંબી જીવવાની છે.
આ કોર્ટરુમમાં અને અમેરીકાની બધી કોર્ટરુમોમાં અમેરીકન લોકો એ જોવા ભેગા થવાના છે કે, ન્યાય, અંગત ન્યાય ( યુધ્ધ નહીં પણ ન્યાય) અપાય છે. અરે ! અમેરીકાના પ્રમુખ જેવી વ્યક્તીને પણ તેમના ઓફીસરોની સાથે અથવા વતી કોર્ટ રુમમાં આવવું પડે અને ખાસ બાબતો અંગે પુરાવા રજુ કરવા પડે. નાગરીકોની બનેલી જ્યુરી, એનો અભ્યાસ કરી, સાથે બેસી , વીચાર વીમર્શ કરી, લોકશાહી રીતે નીર્ણય લે અને ન્યાય તોળે. આમ અમારી ન્યાયની ભાવના વધારે ને વધારે યોગ્ય આકાર લે છે અને વધુ શુધ્ધ બને છે.
શ્રીમાન રીડ , પેલો વાવટો જુઓ છો? એ અમેરીકાનો વાવટો છે. આ બધું ભુલાઈ જશે તો પણ એ વાવટો ફરકતો રહેશે. એ સ્વતંત્રતાનું પ્રતીક છે અને હમ્મેશ રહેશે.

——————————————

Original English Text

Remember the guy who got on a plane with a omb built into his shoe and tried to light it?

Did you know his trial is over?
Did you know he was sentenced?
Did you see/hear any of the judge’s comments on TV or Radio?

Didn’t think so.!!!

Everyone should hear what the judge had to say.
________________________________________

Ruling by Judge William Young, US District Court.

Prior to sentencing, the Judge asked the defendant if he had anything to say. His response: After admitting his guilt to the court for the record, Reid also admitted his ‘allegiance to Osama bin Laden, to Islam, and to the religion of Allah,’ defiantly stating, ‘I think I will not apologize for my actions,’ and told the court ‘I am at war with your country.’

Judge Young then delivered the statement quoted below:

January 30, 2003, United States vs.. Reid.

Judge Young: ‘Mr. Richard C. Reid, hearken now to the sentence the Court imposes upon you.

On counts 1, 5 and 6 the Court sentences you to life in prison in the custody of the United States Attorney General. On counts 2, 3, 4 and 7, the Court sentences you to 20 years in prison on each count, the sentence on each count to run consecutively. (That’s 80 years.)

On count 8 the Court sentences you to the mandatory 30 years again, to be served consecutively to the 80 years just imposed. The Court imposes upon you for each of the eight counts a fine of $250,000 that’s an aggregate fine of $2 million. The Court accepts the government’s recommendation with respect to restitution and orders restitution in the amount of $298.17 to Andre Bousquet and $5,784 to American Airlines.

The Court imposes upon you an $800 special assessment. The Court imposes upon you five years supervised release simply because the law requires it. But the life sentences are real life sentences so I need go no further.

This is the sentence that is provided for by our statutes. It is a fair and just sentence. It is a righteous sentence.

Now, let me explain this to you. We are not afraid of you or any of your terrorist co-conspirators, Mr. Reid. We are Americans. We have been through the fire before… There is too much war talk here and I say that to everyone with the utmost respect. Here in this court, we deal with individuals as individuals and care for individuals as individuals. As human beings, we reach out for justice.

You are not an enemy combatant. You are a terrorist. You are not a soldier in any war. You are a terrorist. To give you that reference, to call you a soldier, gives you far too much stature. Whether the officers of government do it or your attorney does it, or if you think you are a soldier, you are not—– you are a terrorist. And we do not negotiate with terrorists. We do not meet with terrorists. We do not sign documents with terrorists. We hunt them down one by one and bring them to justice.

So war talk is way out of line in this court. You are a big fellow. But you are not that big. You’re no warrior. I’ve known warriors. You are a terrorist. A species of criminal that is guilty of multiple attempted murders. In a very real sense, State Trooper Santiago had it right when you first were taken off that plane and into custody and you wondered where the press and the TV crews were, and he said: ‘You’re no big deal.’

You are no big deal.

What your able counsel and what the equally able United States attorneys have grappled with and what I have as honestly as I know have tried to grapple with, is why you did something so horrific. What was it that led you here to this courtroom today?

I have listened respectfully to what you have to say. And I ask you to search your heart and ask yourself what sort of unfathomable hate led you to do what you are guilty and admit you are guilty of doing? And, I have an answer for you. It may not satisfy you, but as I search this entire record, it comes as close to understanding as I know.

It seems to me you hate the one thing that to us is most precious. You hate our freedom. Our individual freedom.. Our individual freedom to live as we choose, to come and go as we choose, to believe or not believe as we individually choose. Here, in this society, the very wind carries freedom. It carries it everywhere from sea to shining sea. It is because we prize individual freedom so much that you are here in this beautiful courtroom, so that everyone can see, truly see, that justice is administered fairly, individually, and discretely.. It is for freedom’s sake that your lawyers are striving so vigorously on your behalf, have filed appeals, will go on in their representation of you before other judges.

We Americans are all about freedom. Because we all know that the way we treat you, Mr. Reid, is the measure of our own liberties. Make no mistake though. It is yet true that we will bear any burden; pay any price, to preserve our freedoms. Look around this courtroom. Mark it well. The world is not going to long remember what you or I say here. The day after tomorrow, it will be forgotten, but this, however, will long endure.

Here in this courtroom and courtrooms all across America , the American people will gather to see that justice, individual justice, justice, not war, individual justice is in fact being done. The very President of the United States through his officers will have to come into courtrooms and lay out evidence on which specific matters can be judged and juries of citizens will gather to sit and judge that evidence democratically, to mold and shape and refine our sense of justice.

See that flag, Mr. Reid? That’s the flag of the United States of America .. That flag will fly there long after this is all forgotten. That flag stands for freedom. And it always will.

અમેરીકન જુસ્સો : ભાગ – 9 : આફ્રીકન અમેરીકનોનો મુક્તીજંગ

     અમેરીકન આંતરવીગ્રહમાં છ લાખ લોકોએ જાન ગુમાવ્યા છતાં; આફ્રીકન અમેરીકન લોકોની યાતનાઓનો અંત આવ્યો ન હતો. ઉત્તરનાં રાજ્યોમાં પણ એમના માટેનો અણગમો અને રંગભેદની નીતી ચાલુ જ રહ્યાં હતાં. ઉલટાનું એમની સ્થીતી તો બગડતી જ રહી હતી; કારણકે, ગુલામ હતા ત્યારે તો એમને ભરણપોષણ માટે જાતે ઝઝુમવું પડતું ન હતું. ત્રાસ અને અત્યાચાર છતાં તેમને રોજના રોટલા અને ઓટલા માટે ભટકવું પડતું ન હતું. હવે તો એમને કામ, અને ભાડાના ઘર માટે જાતે સંઘર્ષ કરવાનો હતો. અને તે પણ અન્યાયી, ગોરા સમાજમાં રહીને. અનેક ગણું વધારે કામ કરવા છતાં; ગોરાઓ કરતાં માંડ અડધો પગાર જ એમને મળતો. કાળી સ્ત્રીઓની હાલત તો એનાથી પણ બદતર હતી.

      એમનાં બાળકો માટે શાળાઓ સ્થપાઈ હતી; પણ એમાં શીક્ષણનું ધોરણ સાવ ઉતરતી કક્ષાનું રહેતું. વાહન વ્યવહાર, જાહેર શૌચાલય, ચર્ચ બધે જ તેમના માટે અલાયદી, નીમ્ન કક્ષાની અને અપુરતી સગવડો રહેતી. આ ઉપરાંત કુ ક્લુક્સ ક્લાન જેવી ત્રાસવાદી સંસ્થાઓ સાવ નજીવા કારણ સર કાળાઓને ફાંસીએ ચડાવતી અથવા જીવતા સળગાવી દેતી. સહેજ સમૃધ્ધ બનેલા કાળા લોકો આ ત્રાસવાદી સંસ્થાના ખાસ નીશાન બનતા. તેમને કાયદાકીય રક્ષણ પણ ન મળતું. મતાધીકાર તો ગોરી સ્ત્રીઓને જ ન હતો તો તેમના નસીબે ક્યાંથી હોય? દક્ષીણનાં રાજ્યોમાં તો આપણે કલ્પી પણ ન શકીએ એટલો અત્યાચાર ચાલુ જ હતો. ત્યાં તો ઉત્તરના રાજ્યોમાંથી આવેલા ગોરાઓનો પણ તીરસ્કાર કરવામાં આવતો.

      ઓગણીસમી સદીના મધ્ય ભાગથી ઔદ્યોગીક ક્રાન્તીના કારણે નોકરીની નવી તકો ઉભી તો થઈ હતી. પણ એમાં હલકી કક્ષાનાં અને જોખમકારક કામ જ એમને ફાળે આવતાં. એમાં પણ એમનું શોષણ થતું. વળી અમેરીકાની વધતી જતી સમૃધ્ધીથી આકર્ષાઈ, યુરોપથી ગરીબ લોકોનાં ધાડે ધાડાં અમેરીકાની ધરતી ઉપર ઉતરી આવતાં. જ્યાં એમને નોકરીઓ માટે ઝઝુમવું પડતું હોય; ત્યાં આફ્રીકનોનીતો શી વીસાત?

       આમ છતાં શીક્ષણના વ્યાપ સાથે કાળા લોકોમાં જાગૃતી વધતી જતી હતી. ફ્રેડરીક ડગ્લાસ, રોઝા પાર્ક્સ, ઈલા બેકર કેનેથ ક્લાર્ક, હેરીયેટ ટબમેન જેવાં અસંખ્ય લોકોએ આફ્રીકન અમેરીકન લોકોના ઉધ્ધાર માટે આંદોલન ચલાવ્યાં હતાં. આ બધાની જીવનકથની અમેરીકન જુસ્સાનાં સુવર્ણાંકીત પાનાં છે.

       કાળાઓ માટેની બસની સીટ, એક ગોરા માટે ખાલી ન કરવા માટે રોઝા પાર્કને આફ્રીકામાં ગાંધીજીને ટ્રેનમાંથી ઉતારી મુકવામાં આવ્યા હતા તેમ, બસમાંથી ઉતારી મુકવામાં આવી હતી.

(એના વીશે વધુ જાણો.)

      એણે આ અન્યાયી રસમ દુર કરવામાં ન આવે ત્યાંસુધી, બસમાં ન બેસવાના શપથ લીધા હતા. બીજા કાળા લોકોએ આ આંદોલન ઉપાડી લીધું હતું. બસ કમ્પની ખાડે જતાં, છેવટે એ અન્યાયી પ્રથા બંધ કરવી પડી હતી.

     પણ આ બધા ક્રાંતીકારીઓમાં શીરમોર નામ છે માર્ટીન લ્યુથર કીન્ગ.

(એમના વીશે વધુ જાણો.)

      આ કાળા પાદરીની ઉપર મહાત્મા ગાંધીના જીવન અને વીચારોએ ઘેરી અસર પાડી હતી. કાળા માણસને સમાન માનવીય હક્ક અપાવવા માટે, માર્ટીને અપનાવેલ સવીનય કાનુન ભંગની ચળવળના અંતીમ તબક્કે, 1968માં અંતીમવાદી ગોરાઓએ એમની હત્યા કરી નાંખી હતી.

      પણ એમની શહીદીની ફળશ્રુતીરુપે રંગભેદની ભેદભાવભરી, સરકારી નીતીનો અંત આવ્યો હતો. આફ્રીકન અમેરીકન લોકોના જીવનમાં એક નવો યુગ પ્રસ્થાપીત થયો હતો કાળા અમેરીકનોને પણ મતાધીકાર મળ્યો હતો; અને બધે એમને માટે અલાયદી વ્યવસ્થાની પ્રથા ભુતકાળની બાબત બની ગઈ હતી.

      માત્ર 40 જ વર્ષના ગાળા બાદ, અમેરીકાની શાળાઓમાં, બધા જ રંગનાં બાળકોને સાથે કીલ્લોલ કરતાં જોઈએ; ખ્રીસ્તી ચર્ચોમાં બહુ ઉચ્ચ સ્થાને પણ કાળા પાદરીઓને ઉપદેશ આપતા જોઈએ; એક કાળા મેનેજરના હાથ નીચે અનેક ગોરાઓને કોઈ સંકોશ કે સુગ વીના કામ કરતા જોઈએ; ત્યારે ઉજાગર અને નવપલ્લવીત થયેલાં માનવ મુલ્યોની પ્રતીતી આપણને થયા વગર રહેતી નથી. અહીં હવે, કોઈ પણ જગ્યાએ ભેદભાવભરી નીતી ચાલી શકતી નથી.

      આ ઉપરાંત અનેક શીક્ષીત આફ્રીકનોએ જ્ઞાન વીજ્ઞાનના ક્ષેત્રે વીશીષ્ઠ સીધ્ધીઓ  હાંસલ કરી હતી. બુકર ટી. વોશીંગ્ટન, જ્યોર્જ વોશીંગ્ટન કાર્વર, કેનેથ ક્લાર્ક વી. નાં નામ ઈતીહાસની તવારીખમાં સુવર્ણાક્ષરે અંકીત થયેલાં છે.

     રમતગમત અને સંગીતના ક્ષેત્રે પણ કાળા અમેરીકનો કાઠું કાઢતાં રહ્યાં છે. મહમ્મદ અલી, માઈકલ જેક્સન, બેન્જામીન બેનેકર, વી, નામો આમાં પ્રમુખસ્થાને છે.

     અને આ બધા જાજ્વલ્યમાન ઈતીહાસમાં શીરમોર સમી ઘટનાએ તાજેતરમાં જ આકાર લઈ લીધો છે. જે દેશમાં પાળેલા કુતરા અને બીલાડાંઓ, કાળા માનવી કરતાં વધુ કીમતી અને વહાલાં હતાં; જ્યાં કાળા માનવીના આંસુ, લોહી અને પસીનાથી અમેરીકાની સમૃધ્ધીની ઈમારત ગગનગામી બની હતી; જ્યાં વીશ્વના ઈતીહાસનાં કાળાંમાં કાળાં પ્રકરણો રોજબરોજની ઘટનાની જેમ ઉમેરતા જવામાં કોઈ નાનમ ન હતી –  ત્યાં 4 નવેમ્બર – 2008ના દીવસે ઈતીહાસ સર્જાઈ ગયો. એક નખશીશ કાળા કેન્યન બાપનો દીકરો ‘ બરાક ઓબામા’ અમેરીકન રાષ્ટ્રનો પ્રમુખ બની ગયો.

     અમેરીકન જુસ્સાનું આનાથી વધારે પ્રશંસનીય અને અનુકરણીય ઉદાહરણ બીજું શું હોઈ શકે?

        નામાંકીત આફ્રીકન અમેરીકનો વીશે વીશેષ વાંચન માટે અહીં ‘ ક્લીક’ કરો. 

અશ્વમિત્ર

      આ કોઈ પુરાણકથા નથી. આમેય અમેરિકાની આ શ્રેણીના લેખોમાં તો ભારત બહારની વાતો જ શોભે ને?
     તો આ નામ કેમ?
     મને આનાથી સરું બીજું નામ ન જડ્યું એ માટે!
      હમણાં મારા વાંચવામાં એક સરસ ચોપડી આવી. એમાં ‘પન્ડા’ નામની એક નાની ઘોડીની  (પોની) અજાયબ લાગે તેવી વાત જાણવા મળી. આપણા દેશમાં મેં કદી ઘોડાની આ જાત જોઈ કથી. માડ અઢી ફૂટ ઉંચી ઘોડી.  આપણા ગધેડા કે ખચ્ચર પણ તેનાથી ઊંચા હોય! આવા ઘોડા એક ફાર્મ હાઉસની મૂલાકાત વખતે અને ઈસ્ટરના તહેવારમાં બાળકોના મનોરંજન માટે યોજાતા ‘ પેટિગ ઝૂ ‘ માં જોયા હતા. પણ આ ‘પન્ડા’ એક બહુ જ નવાઈના અને માન પહોંચાડે તેવા, કામમાં મદદગાર મિત્ર બની ગઈ છે.
        તે ન્યુયોર્કમાં એન એડી નામની એક અંધ શિક્ષિકાની મદદગાર દોરનારી – ‘આંધળાની લાકડી’ બની ગઈ છે. સામાન્ય રીતે આવુ કામ કરવા માટે કૂતરાઓને તાલીમ આપવામાં આવે છે. એન પાસે પણ આવી તાલીમ પામેલી  ’બેઈલી’ નામની કૂતરી દસ વર્ષ હતી. પણ તે ઘરડી થઈને મરણ પામી. આમેય આવાં કૂતરાં આઠ દસ વર્ષથી વધારે કામ કરી શકતાં નથી. બે ઈલી મરણ પાંમી અને એન તો સાવ અસહાય બની ગઈ. તે બીજી કૂતરીને પાળવાનો વિચાર કરતી હતી; એટલામા નાના ઘોડા, પોનીઓને આવા સાથી તરીકે પલોટી શકાય છે, તેવી માહિતી તેને મળી. આવા ઘોડાઓનુ આયુષ્ય ત્રીસેક વરસનું હોય છે. આથી ઘણા લાંબા સમય માટે તેઓ સાથ આપી શકે છે. વળી તેમનાં સાવ નાનાં કદને કારણે તેઓ કૂતરાની જેમ બધે સાથે રહી શકે છે- ઘર, કાર, ઓફિસ, દુકાનો બધે જ.
      એન આ માટે ફ્લોરીડા ગઈ અને તેને પંડા પસંદ પડી ગઈ. તેણે ‘ ક્લિકર સેન્ટર’ નામની સંસ્થાની એલિઝાબેથને આ કામ માટે રોકી. એક જ વરસમાં પન્ડા તો એલિઝાની કહ્યાગરી અને પ્રેમાળ મિત્ર બની ગઈ. પછી તેને એન સાથે પણ ફાવી ગયું.  ૨૦૦૩ની સાલથી પન્ડા એનની દોસ્ત બની ગઈ છે. હવે તો એન જાતે તેને નવાં નવાં કામ શિખવી દે છે.
કેમ કેવી લાગી આ અશ્વમિત્રની વાત?
        અને અમેરિકામાં એન જેવી, મધ્યમ વર્ગની, અપંગ વ્યક્તિઓ પણ સ્વમાનભેર જીવી શકે છે. એમને આવી સવલત માટે સરકાર પૂરેપૂરી નાણાંકીય સહાય આપે છે

ઈતીહાસ સર્જાયો

એક જૂના સમાચાર…

હાલ આ બ્લોગ પર પ્રકાશિત શ્રેણી ‘ અમેરિકન જુસ્સો’ ના પરિપ્રેક્ષ્યમાં

—————————-

     તા. 5 નવેમ્બર – 2008 ના રોજ, સવારના સાત વાગ્યાના સમાચાર પ્રમાણે 45 જ વરસના શ્રી. બરાક ઓબામા અમેરીકાના પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા  છે. તેમને 349 ઈલેક્ટોરલ મત મળ્યા છે; જ્યારે તેમના પ્રતીસ્પર્ધી મેકકેઈનને 161.

    આ એક ઐતીહાસીક ઘટના છે. જે દેશમાં છેક 1965 સુધી, કાળો માનવી કુતરાથી પણ બદતર ગણાતો હતો; જ્યાં 1865 સુધી તેની નીયતી ગુલામીની જંજીરો અને સાટકાના માર સુધી જ સીમીત હતી – ત્યાં એક કાળા મુસ્લીમના નવયુવાન દીકરાના હાથમાં આજની તારીખમાં, વીશ્વની  સર્વોચ્ચ સતા ધરાવતા દેશનું સુકાન સોંપવામાં આવ્યું છે.

જે  દેશ અને જે પ્રજા
સતત પરીવર્તનશીલ રહે છે,
તે સદાકાળ યુવાન રહે છે.

અમેરીકન જુસ્સો : ભાગ – 8 : અમેરીકન આંતર વીગ્રહ

    બધા ગોરા અમેરીકનો દયાહીન ન હતા. એમીશ, ક્વેકર જેવા ચુસ્ત ખ્રીસ્તી સમ્પ્રદાયો ગુલામી પ્રથાના વીરોધી હતા. દયાળુ પાદરીઓ, સ્વતંત્ર બની શકેલા ગુલામો અને જાગૃત બુધ્ધીજીવીઓએ આ અન્યાયી અને ક્રુર પ્રથા નાબુદ કરવા જેહાદ જગાવી હતી. આપણે જોઈ ગયા કે, આ બધા દ્વારા ચલાવાતી ભુગર્ભ રેલ્વે (અન્ડર ગ્રાઉન્ડ રેલરોડ) નામની અત્યંત ગુપ્ત વ્યવસ્થા વડે, ગુલામોને ભગાડવાની અને ઉત્તરના રાજ્યો અને કેનેડા પહોંચાડી, સ્વતંત્રતા અપાવવાની, દયાળુ ઝુંબેશ સાઠ વરસ ચાલી હતી. આ સંદર્ભમાં લોક્મત જાગૃત કરવામાં હેરીયેટ બીચર સ્ટોવની ધારાવાહીક નવલકથા ‘ અન્ક્લ ટોમ્સ કેબીને’ પણ બહુ જ અગત્યનો ભાગ ભજવ્યો હતો. અમેરીકાના કાળા ઈતીહાસનું આ એક અયંત ઉજળું પાસું છે.

   ઈ – પુસ્તક વાંચો   ઃ એક સરસ લેખ ‘નીરવ રવે ઉપર’ 

     આ ઝુંબેશના પરીપાક રુપે 1860 માં અમેરીકી પ્રમુખની ચુંટણી ગુલામીપ્રથાની નબુદીના મુખ્ય મુદ્દા ઉપર લડાઈ હતી; જેમાં આ પ્રથા દુર કરવાના અગ્રગણ્ય પ્રણેતા, અબ્રાહમ લીન્કન પ્રમુખ તરીકે ચુંટાઈ આવ્યા હતા.

અબ્રાહમ લિન્કન વિશે વિશેષ વાંચન

     જો કે, માત્ર દયાભાવના માત્ર જ નહીં; પણ અમેરીકા અને યુરોપમાં આકાર લઈ ચુકેલી ઔદ્યોગીક ક્રાન્તી પણ આ સંઘર્ષ પાછળનું એક મહત્વનું પરીબળ હતું. ખાસ કરીને ઉત્તરના રાજ્યોમાં, વધતા જતા ઉદ્યોગોને કારણે કાળા ગુલામો, અમેરીકન સમાજ માટે બીનજરુરી બોજા રુપ બની ગયા હતા. ઉદ્યોગોમાં વધુ ને વધુ પ્રમાણમાં કૌશલ્યવાળો અને શીક્ષીત મજુર વર્ગ જરુરી બનવા લાગ્યો હતો. ત્યાં મજુરની મરજી વીરુધ્ધ, અને કેવળ બળજબરીથી, ઔદ્યોગીક ઉત્પાદન શક્ય ન હતું. આથી ગુલામોને મર્યાદીત સ્વતંત્રતા અને શીક્ષણ જરુરી બન્યા હતા. આની સરખામણીમાં, દક્ષીણના રાજ્યો હજુ પ્રાથમીક ખેતીકામ અને પશુપાલન ઉપર જ નીર્ભર હતા.

     અમેરીકાના પ્રમુખની આ ચુંટણીના વીરોધમાં દક્ષીણના સાત રાજ્યો જુદા પડ્યા હતા. આના પ્રતાપે, 30 લાખ લોકો અમેરીકાના સૌથી લોહીયાળ જંગમાં ઘસડાયા હતા. આ જંગની લોહીયાળ હુતાશણીમાં છ લાખ લોકો હોમાયા હતા. ઉત્તરના રાજ્યોના લશ્કરનો સેનાપતી હતો યુલીસીસ ગ્રાન્ટ અને દક્ષીના રાજ્યોનો – રોબર્ટ લી.

વધુ વાંચો  :   –  1  –  :  –  વિડિયો  – 


       આ જંગનો સીલસીલાબંધ અને વીગતવાર ઈતીહાસ અકબંધ મોજુદ છે. એની વીગતો અહીં આપવી અસ્થાને છે; અને જરુરી પણ નથી. પણ વીશ્વ ઈતીહાસમાં, પ્રજાના દબાયેલા અને કચડાયેલા એક વર્ગને મુક્ત કરવા; સમાજના શાસક વર્ગે યુધ્ધ આદર્યું હોય તેવી; આ વીરલ ઘટના હતી.

     છેવટે 1965માં ગેટીસબર્ગ ખાતે આ દારુણ જંગનો અંત આવ્યો હતો અને ઉત્તરના રાજ્યોની જીત સાથે ગુલામો આઝાદ બન્યા હતા. જીત બાદ મૃત સૈનીકોને અંજલી આપતાં એ જગ્યાએ પ્રમુખ અબ્રાહમ લીન્કને તેમનું જગવીખ્યાત ભાષણ આપ્યું હતું .

     “ ચાર કોડી અને સાત વરસ પહેલાં આપણા વડવાઓએ આ ભુખંડમાં સ્વતંત્રતાને વરેલા, એક નવા દેશના ઉત્થાનને ઉજાગર કર્યું હતું; જેના પાયાનો સીધ્ધાંત એ હતો કે બધા માનવોને જગન્નીયંતા વડે સરખા બનાવવામાં આવ્યા છે.
…………
હવે અહીં ભેગા થયેલા આપણ સૌ માટે એ જરુરી બની જાય છે કે, સન્માનને યોગ્ય આ મૃતાત્માઓએ દેશભક્તીનો જે અંતીમ અને સમ્પુર્ણ સબુત આપ્યો હતો; તેની ઉપરથી આપણે બાકી રહેલું મહાન કામ હાથમાં ધરીએ. આપણે આજે અને અત્યારે એ સંકલ્પ કરીએ કે, એ બધાએ પોતાના પ્રાણની આહુતી આપી હતી તે ફોગટ ન જાય. આપણે એ સંકલ્પ પણ કરીએ કે, ઈશ્વરની સાક્ષીએ આ દેશને સ્વતંત્રતાનો પુનર્જન્મ મળે; અને લોકોની, લોકો માટે અને લોકો વડે ચલાવાતી સરકાર આ પૃથ્વી ઉપર અમર રહે.”

[ Four score and seven years ago our fathers brought forth on this continent, a new nation, conceived in Liberty, and dedicated to the proposition that all men are created equal.

     It is rather for us to be here dedicated to the great task remaining before us — that from these honored dead we may take increased devotion to that cause for which they gave the last full measure of devotion — that we here highly resolve that these dead shall not have died in vain — that this nation, under God, shall have a new birth of freedom — and that government of the people, by the people, for the people, shall not perish from the earth. ]

 આખું ભાષણ વાંચો


     અમેરીકાની સ્વતંત્રતાની ભાવનાને આ અમર વ્યાખ્યાન યોગ્ય રીતે ઉજાગર કરે છે; અને વીશ્વભરમાં લોકશાહી અને માનવ હક્કોના પાયાની ઈંટ જેવું ગણાય છે,

     આમ છતાં કાળા લોકોની વ્યથાઓ પુરા સો વરસ સુધી જારી રહી હતી. એમના માટેની સુગ, સામાજીક આભડછેડ, અન્યાયી કાયદાઓ અને કુ ક્લુક્સ ક્લાન જેવી ત્રાસવાદી સંસ્થાઓનો જુલમ જારી રહ્યાં હતાં. ખાસ કરીને દક્ષીણના રાજ્યોમાં તો મુક્ત બનેલા ગુલામોની દશા બહુ જ દયનીય બની હતી.

      બધાને માટે સ્વતંત્રતાની સતત અમેરીકન પ્રક્રીયાના પ્રતાપે ગુલામોને સાચી સ્વતંત્રતા મેળવવા બીજા સો વરસ ઝઝુમવું પડ્યું હતું.

..  પણ એની વાત આવતા અંકે.

અમેરિકન જુસ્સો – શ્રી. દીપક ધોળકિયાનો ઈમેલ

અમેરીકન જુસ્સો ભાગ -6 : આફ્રીકન ગુલામો

     આ લેખ ફરીથી પ્રસિદ્ધ કર્યો અને શ્રી. દીપક ધોળકિયાનો સરસ મજાનો અને વિચારતા કરી મૂકે તેવો ઈમેલ મળ્યો. તેમાં રહેલા સત્યને પ્રકાશિત કરવાની મને જરૂર લાગી; આથી તેને અહીં અક્ષરશઃ રજૂ કરું છું.

—————————

પરમ સ્નેહી શ્રી સુરેશભાઈ.

      સૌથી પહેલાં તો ચિ. જયભાઈને અભિનંદન. એમનો બ્લૉગ પણ જોયો અને ત્યાં કૉમેન્ટ પણ લખી છે.
      આમ તો આ શ્રેણીના બધા જ લેખ વાંચ્યા પણ જૂના લેખો છે અને કૉમેન્ટની જગ્યા ન મળી એટલે ‘લાઇક’ કરીને મૂકી દીધું. ખાસ કરીને તમે જે લખ્યું છે ને કે જે કઈં અત્યાચારો થયા તેને અમેરિકામાં છુપાવવાના પ્રયત્નો ન થયા. આ વાંચ્યા પછી પણ તમને ન લખું તે ન ચાલે.આ ખરી પ્રામાણિકતા છે. અને એ જ અમેરિકાની મૂળ ખાસિયત છે.
     હું અમેરિકાની આંતરરાષ્ટ્રીય  નીતિઓનો અને મૂડીવાદનો, અમેરિકાની કૉર્પોરેટોક્રસીનો વિરોધી રહ્યો છું, પરંતુ એ તો અમેરિકી સરકારની વાત છે, અમેરિકી જનતા તો બસ, આડો આંક. તમે જે અમાનવીય અત્યાચારોનું આ લેખમાં વિવરણ આપ્યું છે તે કાળજું કંપાવી દે એવું છે. પણ આ મુદ્દા પર સિવિલ વૉર થાય (૧૮૬૦ના અરસામાં  કે નહી?) અને માત્ર ૧૫૦ વર્ષમાં એ જનતા શ્યામવર્ણી નેતાને દેશનો રાષ્ટ્રપતિ બનાવે એ અમેરિકામાં જ બને.
     આપણે ત્યાં તો એક વર્ગે શોષણને જન્મસિદ્ધ અધિકાર માની લીધો છે અને એના બચાવ માટે બધાં કરતૂતો કરતા રહ્યા છીએ.  જે દેશની બહુમતી વસ્તી શોષણનો શિકાર બનતી હોય એ દેશ કદી પણ સા્ચા અર્થમાં પ્રગતિ ન કરી શકે.
     ગાંધી ટોપિયા વેબસાઇટ પર હું લખતો હોઉં છું એના કારણે કેટલાક અમેરિકનો સાથે સંપર્ક થયો છે એ બધા એવા ગાંધી ભક્ત છે કે આપણા દેશમાં તો જોવા જ ન મળે. એમાં એક ભાઈ ક્રિસ (Christopher Wroth)  તો ટ્રસ્ટીશિપનો સિદ્ધાંત અમલમાં મૂકવા પ્રયત્ન કરતા હતા! હવે એમને ખાલી વાતોમાં મઝા નથી આવતી એટલે આ વેબસાઇટ પર લખતા નથી પણ ઓચિંતા જ એમણે મને લખ્યું ઃ એ મારી બાબતમાં વિચારતા હતા! આવા પારદર્શક માણસો આપણે ત્યાં દુર્લભ!
કુશળ હશો.
દીપક

————————-
     અગિયાર વર્ષ અમેરિકામાં રહ્યા પછી; અહીંના સમાજ અને જીવનને ઘણી નજીકથી જોયા બાદ; અને ઈતિહાસ વાંચનના મારા શોખના આધારે કરેલા થોડાંક અભ્યાસના આધારથી મને એમ લાગે છે કે, અમેરિકાનું સત્વ અને જુસ્સો ભારતમાં સમજાય; અને તેનું અંશતઃ પણ અમલીકરણ થાય, તો ભારતીય જણની અદ્વિતીય ખુમારી ઝળકી ઊઠે.
દિપક ભાઈની વાતમાં
મને સાચી ગાંધીગીરી જણાઈ છે. 
   ભારતનો ભૂતકાળ ભવ્ય હતો; તેને માટે ભારતમાં જન્મેલ દરેક જણ ગૌરવ અનુભવે; તેની સાથે જો અમેરિકન જુસ્સો  અને દિપક ભાઈએ જે વાત કહી છે તે- પાયાની પ્રામાણિકતા –  પણ અપનાવે તો …
       ગાંધીજી અને વિવેકાનંદનું ભારત જગત ગુરૂ થઈ શકે; તેવી ક્ષમતા તેનામાં છે – એ મારો વિશ્વાસ ફલાયમાન થશે , થશે ને થશે જ. 
    અને આ ભાવને પ્રસારવા આ લેખ વાચકોના અમૂલ્ય મંતવ્યો માટે ખુલ્લો મૂકું છું.

અમેરીકન જુસ્સો : ભાગ -7 : ભુગર્ભ રેલ્વે

ભુગર્ભ રેલ્વે – Underground Railroad…

    ન્યુયોર્ક કે સાનફ્રાન્સીસ્કો જેવા કોઈ મોટા શહેરની રેલ્વેની આ વાત નથી. અમેરીકાની બહાર આ બહુ જાણીતી પણ નથી. અરે! અમેરીકામાં પણ મોટા ભાગના લોકો પહેલી નજરે આને યાતાયાતનું સાધન જ માની લે.

     પણ આ વાત છે – અમેરીકન જુસ્સાના એક પ્રતીકની વાત.

    ગોરાઓની એકહથ્થુ સત્તા અને જુલમની સામે કાળા માનવીની સ્વતંત્રતા માટેની આ અમર કહાણી છે. ઓગણીસમી સદીની શરુઆતથી, ગુલામીની પ્રથા 1865 માં નાબુદ ન થઈ; ત્યાં સુધી ચાલેલી આ રેલ્વે(!) દ્વારા દર વર્ષે સેંકડો કાળા ગુલામોને દક્ષીણના રાજ્યોમાંથી ભગાડી મુક્ત કરાતા. આખી મુસાફરી પગપાળા ચાલતા જ થતી.  ઉમદા વીચારના અને દયાળુ, ગોરા ક્વેકરોએ આ વ્યવસ્થાને સક્રીય અને સહૃદય મદદ કરી હતી.

     આ વ્યવસ્થામાં ગુલામોને પ્રોત્સાહન આપી ભગાડનારા કન્ડક્ટરો; આખે રસ્તે ઠેર ઠેર જળવાતાં, અને ગુલામોને દીવસે સંતાડી રાખવાનાં સ્ટેશનો ( સલામત ઘરો ) અને સ્ટેશન માસ્ટરો ( મકાન માલીકો) રહેતાં. આ વ્યવસ્થાને ઉદારમતવાદી ખ્રીસ્તી દેવળોનો સહકાર અને આર્થીક મદદ મળી રહેતાં.

    અમેરીકાના ઉતરનાં રાજ્યોમાં ગુલામી પ્રથા ગેરકાયદેસર હોવાના કારણે, ભાગી આવેલા ગુલામોને રહેવા ભાડાનાં મકાન, શીક્ષણ અને કામ મળી રહેતાં. આની સામે દક્ષીણનાં રાજ્યોને સખત વીરોધ હતો. તેમના આ વીરોધને નમતું જોખી, 1850માં ગુલામોના કાયદા વધુ કડક બનાવાયા હતા. પોલીસે ગુલામોને પકડનારાઓને મદદ કરવી પડતી. તેમના ઉપર કાયદેસર કોઈ કામ ચાલી ન શકતું. એટલું જ નહીં , પણ માત્ર શકના આધારે એ લોકો સ્વતંત્ર બનેલા સીદીઓનો કોર્ટમાં કબજો મેળવી શકતા અને માંડ છુટા થયેલા અભાગી જીવોને ગુલામીની ધુંસરીએ ફરી જોડવા બળજબરીથી દક્ષીણના રાજ્યોમાં લઈ જઈ શકતા.

     ભુગર્ભ રેલ્વે આવા જુલ્મી શાસનની ખફગી વહોરીને પણ કામ કરતી. માનવ મુલ્યોના રક્ષણ માટેની તમન્નાનું આનાથી વધારે સારું શું ઉદાહરણ હોઈ શકે?

      આની એક અમર કથા, હેરીયેટ ટબમેનની છે. ( 1820, ડોર્ચેસ્ટર, મેરીલેન્ડ – 1913, ઓબર્ન ન્યુયોર્ક )

     ખેતરમાંથી ભાગી જતા એક ગુલામ પર માલીકે ફેંકેલ લોખંડનું વજન વાગતાં, હેરીયેટને માથામાં સખત ઈજા પહોંચી હતી. આને કારણે તે આખી જીંદગી, અનેક વાર બેભાન બની જતી. આમ છતાં, 29 વર્ષની ઉમ્મરે આ મજબુત મનોબળ વાળી બાઈ તેના માલીકના ખેતરમાંથી ભાગી ગઈ હતી. ધ્રુવના તારાને નજર સમક્ષ રાખી, માત્ર રાતના અંધારામાં તે ભીષણ જંગલો પાર કરતી. દીવસે ‘સ્ટેશન’માં સંતાઈ રહેતી. વાદળઘેરી રાતે ઝાડના થડ પર ઉત્તર દીશામાં મોસ જમા થયેલી હોય છે; તે જ્ઞાનના આધારે, તે દીશા ભુલ્યા વીના, ઉત્તર તરફ મજલ કાપતી. આખા રસ્તે તેને પકડી જવા પાછળ પડેલા, શીકારીઓ અને શીકારી કુતરાઓના ભયનો ઓથાર માથે રાખીને તેને આ કઠણ યાત્રા કરવી પડતે. એમનો સગડ ભુલાવવા, તે ખતરનાક તળાવો અને ખાબોચીયાંનો આશરો પણ લેતી. એક વખત તો તે બેભાન બનીને એક ખાડામાં પડી ગઈ હતી; પણ અર્ધ તંદ્રાવસ્થામાં જ પોતાની ઉપર કાદવ લગાડી સંતાઈ રહી હતી. તુટલા ફુટલા જોડામાંથી કાંટા અને જીવજંતુઓ તેને ત્રસ્ત કરતા. આમ અનેક મુશ્કેલીઓ અને વીતકોનો સામનો કરીને, છેવટે તે ફીલાડેલ્ફીયા પહોંચી હતી અને સ્વતંત્રતા પામી હતી.

     સ્વતંત્ર થયા બાદ, પોતાનો ગુજારો કરી બેસી ન રહેતાં, તેણે કન્ડક્ટર તરીકે સેવાઓ આપી હતી; અને સત્તર વખત વાઘની બોડ જેવા ખેતરોમાં જઈ, જાનના જોખમે જઈ સીત્તેર જેટલા કાળા ગુલામોને મુક્તી અપાવી હતી.

    અમેરીકાના આંતરવીગ્રહમાં તેણે ઉત્તરનાં દળોને મદદ કરવા શરુઆતમાં રસોઈયા અને નર્સ તરીકે અને પછી, જાસુસ તરીકે પણ સેવાઓ આપી હતી. એટલું જ નહીં, પણ 1863માં સાઉથ કેરોલીનાની ‘કોમ્બાહી’  નદી આગળની લડાઈમાં તેણે સૈનીકોની એક ટુકડીની સફળ નેતાગીરી લીધી હતી; અને ચોખાના ખેતરોમાંથી 750 ગુલામોનો છુટકારો કરાવ્યો હતો.

   છેક વીસમી સદીમાં પણ, સીત્તેરથી વધારે વર્ષની ઉમ્મરે તેણે અમેરીકન સ્ત્રીઓને મતાધીકાર માટેની ‘સફ્રોગેટ’ ચળવળમાં સહકાર આપ્યો હતો.

    યથાર્થ રીતે જ તે કાળા ગુલામોની ‘મોઝીસ’ તરીકે જાણીતી છે.

    આવી અનેક પ્રતીભાઓ અમેરીકાના માનવ સ્વતંત્રતાના સીધ્ધાંતના પાયાની ઈંટો છે.

    વીશેષ વાંચન માટે  :    –  1  –  :  –  2  – 

અમેરીકન જુસ્સો ભાગ -6 : આફ્રીકન ગુલામો

    આફ્રીકન, કાળા ગુલામો – બાઈબલમાં જંગલી (હીથન) ગણાયેલી પ્રજા.

    અમેરીકાના ઈતીહાસનો અછડતો પણ સ્પર્શ કરીએ, અને એ દુખીયારા લોકોનો ઉલ્લેખ ન કરીએ તો કેમ ચાલે? અમેરીકાના ઈતીહાસનું એ સૌથી કાળું પ્રકરણ.

    1619ની સાલમાં 20 આફ્રીકન ગુલામોને લઈને એક ડચ વહાણ જેમ્સટાઉન નામની વસાહતમાં લાંગર્યું હતું, અમેરીકામાં આફ્રીકન ગુલામોને પકડી લાવવાની વેપારી પ્રથાની એ શરુઆત હતી. જો કે, અમેરીકાના ઉત્તર અને દક્ષીણ ખંડોમાં તો આ કલંક સ્પેન અને પોર્ટુગાલે ઘણા વખતથી શરુ કરી દીધું હતું. અરે! અમેરીકા દેશમાં પણ છેક 1607થી આ પ્રથા જારી હતી.

    આપણને જાણીને નવાઈ લાગે કે, પહેલા ગુલામો યુરોપની ધોળી પ્રજાના ગરીબ લોકો હતા! છેક 1607માં વહાણોમાં યુરોપથી વખાના માર્યા લોકો આવતા. તેમની પાસેથી મફત દરીયાઈ સફરની અવેજીમાં વેઠ કરાવાતી. પણ ત્રણથી સાત વરસ બાદ એ લોકો સ્વતંત્ર બની શકતા; અને પોતાનો ગુજારો અને વીકાસ કરવા સ્વતંત્ર હતા. સ્થાનીક આદીવાસી પ્રજાને પણ ગુલામીની ધુંસરીમાં જોતરવા પ્રયાઓ કરાયા હતા; પણ એ ખુંખાર, લડાયક અને જંગલમાં રહેતી પ્રજાને આ કામ માટે નાથવી બહુ મુશ્કેલ હતું.

     જેમ જેમ અમેરીકન સંસ્થાનો ઠરીઠામ થતા ગયા; તેમ તેમ તેમની સમૃધ્ધી અને જમીનની લાલસા અમર્યાદીત રીતે વધવા લાગી. જંગલો કાપી, ખેતી શરુ કરવાનું અને વસવાટો બાંધવાનું કામ અત્યંત પરીશ્રમવાળું હતું. આથી મહેનત કરનારા વેઠીયાઓની સતત જરુર રહેતી. 1619 માં પકડી લવાયેલા એ પહેલા ગુલામો પછી, આફ્રીકન ગુલામોનો વેપાર એ સૌથી સસ્તો વીકલ્પ પુરવાર થયો.

     અને ત્યારથી કાળા, અસહાય લોકોનાં લાલચોળ લોહીથી નીતરતી, કરુણ ગાથાની શરુઆત થઈ હતી. આ લોકોને મોટે ભાગે આફ્રીકાની જ બીજી જાતીઓ પકડી લાવતી, અને ગોરા વેપારીઓને વેચતી. કોઈ જાતની સગવડ વીના, વહાણોમાં થોકે થોક ભરીને, આ દુખીયારા લોકોનાં ટોળે ટોળાં અમેરીકાના ગુલામ બજારોમાં ખડકાતા. મીસીસીપી નદી એટલેન્ટીક મહાસાગરને મળે છે – તે જગ્યાએ આવેલ ન્યુ ઓર્લીયન્સ બંદરમાં આ ગુલામોની લેવેચ માટેનું સૌથી મોટું બજાર હતું. ત્યાંથી આ બદનસીબ લોકો બધી વસાહતોમાં લઈ જવાતા અને કામની ધુંસરીએ જોતરાતા.

     આ ગુલામોને કોઈ જ હક્કો ન હતા. અમેરીકન સ્વાતંત્ર્યની, જગપ્રસીધ્ધ અને મહાન ઘોષણામાં એમનો સમાવેશ થતો ન હતો! અરે! એમને કુટુમ્બના માનવીય હક્કો પણ ન હતા. પોતાની નજર સામે એમનાં જીવનસાથીઓ અને બાળકો વેચાતાં. એમની રોકકળને સાટકા મારી શાંત કરી દેવાતી. એમને ખ્રીસ્તી બનાવ્યા છતાં એમને માટે આ દોજખમાંથી કોઈ ઉગારો ન હતો.

    કાળી સ્ત્રીઓ ઉપર બેરહમ અત્યાચારો થતા, અને તે માલીકોના હક્કો ગણાતા. એ વ્યભીચારથી પેદા થયેલી મીશ્રીત પ્રજાને પણ કોઈ હક્ક કે સામાજીક દરજ્જો ન હતા. આવા બળાત્કારોથી પેદા થયેલી ત્રીજી કે ચોથી પેઢી, ન ઓળખી શકાય તેટલી સફેદ હોવા છતાં; એ ગુલામોની જમાતમાં જ ગણાતી.

     ધોળા અમેરીકન જમીનદારોના રસોડાઓમાં આ જ ગુલામો સ્વાદીષ્ટ વાનગીઓ બનાવતા પણ એનો એક કણ પણ એમને ચાખવા ન મળતો. ખેતરમાં કાળી મજુરી કર્યા બાદ એમણે પોતાનું રેશન જાતે દળી ખાવાનું પકવવું પડતું – મોટે ભાગે તો મકાઈની રાબ જ. પૌષ્ટીક માંસાહારી ખોરાક કે દુધ તો વાર તહેવારે જ તેમને નસીબ થતો. ખેતરમાં એમના કામ પર ધ્યાન રાખતા નીરીક્ષકો તેમને બીનજરુરી રીતે સાટકા મારી, ક્રુર આનંદ માણતા. અને આ કામ માટે માલીકના માનીતા કાળા સુપરવાઈઝરો ઔથી વધુ દયાહીન વર્તાવ કરતા.

    શીસ્તનો નાનકડો ભંગ કરનાર કે એક પણ શબ્દ સામો બોલનાર ગુલામને સીધો દોર કરવા, કદાવર અને તાકાતવાળા જુલ્મગારો ચામડાની અનેક વાધરીઓના બનેલા સાટકા વાપરતા. એના મારથી લોહી નીગળતા કાળા ગુલામોના બરડા અને સોળનાં આવાં ચીત્રો આ અમર્યાદ જુલમની સાક્ષી પુરે છે. કેટલાય ગુલામો આ ત્રાસમાંથી ઉગરવા આત્મહત્યા કરતા. ઘણા ભાગી જવાનો પ્રયત્ન કરતા. એમને ઢોરની જેમ પકડી લવાતા અને જુલમના અતીરેકથી એમના જુસ્સાને મારી નંખાતો.

     આ ક્રુર અને અન્યાયી પ્રથામાં કોઈને કાંઈ ખોટું લાગતું નહીં. મોટા ભાગના ખ્રીસ્તી પાદરીઓ પણ બાઈબલમાંથી પોતાને ગમતો અર્થ તારવી આ પ્રથાનું પ્રતીપાદન કરતા. ખાસ કરીને દક્ષીણના ખેતીપ્રધાન રાજ્યોમાં આ ગુલામોની બહુ જરુર હતી. એમની અર્થવ્યવસ્થાના સાતત્ય માટે એ બહુ જરુરી હતા.

     ધોળા અમેરીકનોનાં આ કાળાં કરતુતોની એક માત્ર ઉજળી બાજુ એ છે કે, અમેરીકન ઈતીહાસમાં આમાંની કોઈ બાબત પર ઢાંકપીછોડો કરવામાં નથી આવ્યો. બધાં નગ્ન સત્યોની કબુલાત કરવામાં આવી છે. વોશીંગ્ટન ડી.સી. ખાતે આવેલ સ્મીથ્સોનીયન સંસ્થાનું આફ્રીકન અમેરીકનો અંગેના મ્યુઝીયમનું એક ખાસ અને અલાયદું મકાન છે, જેમાં આ દુષ્કૃત્યોની સીલસીલાબંધ તવારીખ સચવાઈને રખાયેલી છે.

આફ્રિકન અમેરિકન ઈતિહાસ અને કળા’ વિશે વધુ વાંચો 

    એલેક્સ હેઈલી નામના એક આફ્રીકન અમેરીકનની, છેક આફ્રીકા સુધી જઈને પોતાનું મુળ શોધી કાઢવાની, હૈયું વલોવી નાંખે તેવી એક સત્યકથા પ્રગટ કરી હતી. ‘ Roots’ નામના આ પુસ્તકને બહુ જ પ્રસીધ્ધી મળી હતી, અને પુલીત્ઝર ઈનામ મળ્યું હતું. ગુલામીની આ તવારીખમાં તારાજી ભોગવેલા એક કુટુમ્બની આમા6 સીલસીલાબંધ સત્ય હકીકતો આપેલી છે.

એ ઈ-પુસ્તક વાંચો 

આને આપણે
અમેરીકન જુસ્સો કહીશુ
કે અમેરીકન શરમ?

    આ લખું છું ત્યારે મારી આંખોમાં ઝળઝળીયાં જ આવવાના બાકી છે. અને છતાં હું આ કરુણ તવારીખને અમેરીકન જુસ્સાની આ લેખમાળાનો એક ન ઉવેખી શકાય તેવો ભાગ ગણું છં. કારણકે..

     એક અમેરીકન કેવળ ગોરો આદમી નથી જ. એ કાળો પણ છે. જુલ્મોથી કચડાયેલી આ કાળી પ્રજામાંથી જ, મોતને ખભે રાખીને છટકી ગયેલા અને સ્વતંત્ર બનેલા જવાંમર્દોએ આઝાદી માટે ઝુંબેશ ચલાવી હતી. એ વીરલાઓની તવારીખનું એક જ્વલંત ઉદાગરણ છે – ફ્રેડરીક ડગ્લાસ.

     ગુલામ તરીકે સાટકાનો બેરહમ માર ખાવા સમેત,  બધી જ વ્યથાઓ  ભોગવેલા આ મહાન પુરુષે ખેડેલી –  ગુલામીની જંજીરથી વ્હાઈટ હાઉસમાં અબ્રાહમ લીન્કનના સલાહકાર તરીકેની –  અમર યાત્રા, અમેરીકન જુસ્સાનું ઓછું જાણીતું,  પણ ન ભુલી શકાય તેવું પ્રતીક છે.

વધુ જાણો

    આવા બીજા પણ અનેક નામી અનામી બહાદુરોએ અને દયાભાવવાળા ધોળા વીચારકોએ સળગતી રાખેલી વૈચારીક મશાલના કારણે અમેરીકામાં ગુલામી દુર કરવા માટેની જાગરુકતા આવી હતી.

   વધુ  વાંચન માટે   :   –  1  –    :   –   2  –