સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: અવનવું

નવજાગૃતિ(રેનેસાં)નો અરુણોદય

યુરોપની સરખામણીમાં ભારતના પુનર્જીવન – ‘રેનેસાં’નો યુગ ઘણો મોડો આરંભાયો હતો. અને યુરોપ કરતાં ભારતની પાર્શ્વભૂમિની ભિન્નતા તથા ‘રેનેસાં’ સમયની પરિસ્થિતિની પ્રતિકૂળતાઓ પણ નોંધપાત્ર હતી. ભારતમાંના આ પુનર્જીવન સાથે પશ્ચિમી-યુરોપી પ્રજાઓના ભારત-આગમનની અને વિશેષે ભારતમાં અંગ્રેજી રાજ્યશાસનની ઘટના, તેનાં શુભાશુભ લક્ષણો સાથે, નિર્ણાયક પરિબળ બની હતી.

પવનમાંથી પાણી

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં

૨૦૦૨

      દેશી ચીકણા લાકડાવાળા ઝાડની મજબૂત ડાળીઓને દોરડા વડે બાંધી્ને એક ઊંચો  માંચડો બનાવેલો હતો. પ્લાસ્ટિકની જાડી પાઈપોને કાપી-સીધી કરીને બનાવેલી ચાર વાંકા પાંખિયાંવાળી એક પવનચક્કી એની ઉપર આડી મૂકેલી હતી. એની ધરી સાથે સાઈકલનું પાછલું પૈડું જોડેલું હતું. એ પૈડાંની રબરના ટાયર પર સાઈકલની લાઈટ માટેનો ડાયનેમો ફરી શકે તે રીતે રાખેલો હતો. ડાયનેમોના વાયર જમીન પર મૂકેલી, કબાડી બજારમાંથી લાવેલી, ૧૨ વોલ્ટની બેટરી સાથે જોડેલા હતા.

     બધી તૈયારી પૂરી થઈ એટલે દોરડાંની ગાંઠ છોડી, વિલિયમે પવનચક્કીને ફરવા માટે મુક્ત કરી દીધી. અને બાપુ, પંદર વર્ષના વિલિયમની  પવનચક્કી તો ફરવા માંડી હોં! ડાયનેમોના પાવરથી બેટરી ચાર્જ થવા માંડી. એકાદ કલાક પછી, વિલિયમે બેટરી સાથે સાઈકલનો હેડ લેમ્પ લગાડી જોયો. એમાંથી ધોળે દહાડે પણ પ્રકાશનાં કિરણો નીકળવાં લાગ્યાં.  

      હરખઘેલા બની ગયેલા વિલિયમે  ભંગારમાંથી મળેલા પાણીના પમ્પની મોટરની સ્વિચ ‘ઓન’  કરી બેટરી સાથે જોડી. પમ્પ ફરવા લાગ્યો. એક જ  મિનિટ અને પમ્પની પાઈપમાંથી પાણીનો ધધૂડો નીચે તૈયાર રાખેલી નીકમાં વહેવા લાગ્યો. ભૂખી ભંઠ ધરાને ખેડીને તૈયાર રાખેલા ક્યારાઓ પાણીથી ભરાવા લાગ્યા. વિલિયમની મા, બાપુજી અને પાડોશી ખેડૂતોના કુટુમ્બીઓએ વિલિયમને આનંદથી વધાવી લીધો.

       દસેક દિવસ પછી એ ક્યારાઓમાં કાળજીથી વાવેલાં શાકભાજી અને ધાન્યના બીજમાંથી અંકૂર ફૂટી નીકળ્યા. કારમા દુકાળમાં સૂકાયેલી, વેરાન રણ જેવી બની ગયેલી ધરતીના એક ખૂણે હરિયાળી લહેરાવા લાગી.

       ૧૯૮૭માં મલાવીના કસુંગુ શહેરથી ૩૫ કિ.મિ. દૂર આવેલા સાવ નાના ગામ વિમ્બેમાં એક ગરીબ ખેડૂતના ઘેર  જન્મેલા વિલિયમ કાંકામ્બ્વાની આ વાત છે.  કિશોરાવસ્થામાં આવ્યા બાદ જાતજાતના હુન્નરમાં તેને રસ પડવા લાગ્યો હતો અને તે આડોશ પાડોશીઓના રેડિયો પણ રિપેર કરી આપતો હતો.  માબાપ ગામની શાળામાં તેની ફી શક્યા ન હતા, એટલે બીજા ઘણા વિદ્યાર્થીઓની જેમ એને નિશાળમાંથી રૂખસદ આપવામાં આવી હતી.

      પણ તીનપાટિયા  નિશાળની સાવ નાની લાયબ્રેરીની જમાના જૂની ચોપડીમાંથી પવનચક્કી  વડે વિજળી પેદા કરી શકાય એવું અને વિજળીના વિવિધ ઉપયોગો વિશે જ્ઞાન તેને મળ્યું હતું. એ આછી પાતળી જાણકારી અને પોતાનામાં ધરબાઈને પડેલી કોઠાસૂઝના પ્રતાપે  વિલિયમે ઉપર દર્શાવેલો ચમત્કાર સર્જ્યો હતો.

     વિલિયમમાં રહેલી જન્મજાત સર્જનશક્તિથી ભૂખમરા અને વિનાશના આરે આવીને ઊભેલા એના કુટુમ્બના જ નહીં, પણ ગામમાંથી શહેર ભણી હિજરત ન કરી ગયેલા પાડોશીઓના ખેતરો પણ હરિયાળાં બની ગયા હતાં. ‘હવે મોતના મુખમાંથી બચી શકાશે, તેવી આશાની હરિયાળી એ મહેનતકશ, અદના આદમીઓના દિલો દિમાગમાં પણ લહેરાવા લાગી હતી.

       આમ તો આ સાવ નાની ઘટના જ હતી. પણ વિલિયમના દિમાગમાં થયેલો એ ચમકારો નાનો સૂનો ન હતો. એની આ સફળતાની વાત ચારેકોર ફેલાઈ ગઈ. મલાવીની સરકાર તરફથી એને ઘણી મોટી આર્થિક સહાય અને માર્ગદર્શન પણ મળવાં લાગ્યાં. થોડાક વખત પછી તેણે સૂર્ય શક્તિથી  ચાલતો મોટો પમ્પ પણ ચાલુ કર્યો અને આખા ગામની ધરતી નવ પલ્લવિત થવા લાગી. હવે ઘેર ઘેર પાઈપ વડે પાણી મળતું થઈ ગયું. કહેવાની જરૂર નથી કે, ૧૨ મીટર ઊંચા ટાવર પર મૂકેલી પવનચક્કીએ વિલિયમની એ પહેલી, તિનપાટિયા ચક્કીનું સ્થાન લઈ લીધું  છે!

      હવે વિલિયમના વિકાસની આડેના બધા અંતરાયો દૂર થઈ ગયા.       ૨૦૦૬ની સાલમાં મલાવીના મૂખ્ય આર્થિક નગર બ્લેન્ટાયરના દૈનિકમાં એની કહાણી છપાઈ અને વિલિયમ સોશિયલ મિડિયામાં ઝગમગવા લાગ્યો. ૨૦૦૭માં ટાન્ઝાનિયાના અરૂષામાં યોજાયેલી TED conference માં પણ વિલિયમે ભાષણ આપ્યું. ૨૦૦૯ માં ઘાનામાં યોજાયેલા Maker Faire Africa માં વિલિયમને તેના પ્રયોગોની રજૂઆત કરવાનું આમંત્રણ મળ્યું. આ બધાના પ્રતાપે મલાવીના પાટનગર  લિલોન્ગ્વેમાં વિલિયમનું ભણતર શરૂ થઈ ગયું. હવે તેની જ્ઞાન પીપાસાને એક્સપ્રેસ હાઈવે મળી ગયો.  

    ૨૦૧૪ માં વિલિયમ કાંકામ્બ્વા અમેરિકાના ન્યુ હેમ્પશાયરના હેનોવર શહેરમાં આવેલી ડાર્ટમાઉથ કોલેજમાંથી સ્નાતક બની ગયો. તેણે પોતાની આત્મકથા પણ લખી છે – ‘ The boy , who harnessed the wind’ 

તેના જ શબ્દોમાં …

સંદર્ભ –

વિકિપિડિયા પર – ૧ – ; – ૨ –

અમૂર્ત (abstract) કળાનો પિતામહ

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં

૧૮૬૬માં મોસ્કોમાં જન્મેલા વાસિલી કેન્ડિન્સ્કી (વાસ્યા)ની કાકીએ તે નવ વર્ષનો હતો ત્યારે, તેને એક કલર બોક્સ ભેટ આપ્યું અને તેને રંગ મેળવતાં શીખવ્યું. તેણે પહેલો જ હાથ અજમાવ્યો અને જાતજાતના અવાજ તેને સંભળાવા લાગ્યા! રંગ સાથેનો આ તેનો પહેલો અનુભવ હતો. પછી તો વાસ્યા ભણવામાં લાગી ગયો અને ભણતરના અંતે  તે કાયદા અને અર્થશાસ્ત્રના વિષયો ભણાવતો થઈ ગયો.

   પણ ૧૮૯૬ ની સાલમાં મોસ્કોના બોલ્શોઈ થિયેટરમાં વેનરના સંગીતની તર્જ સાંભળતાં તેને જાતજાતના રંગો દેખાવા લાગ્યા. આ સાથે જ તેને બાળપણની સ્મૃતિઓ તાજી થઈ ગઈ. હવે કાયદાના શિક્ષણનું કામ ચાલુ રાખવાનું વાસ્યા માટે અશક્ય બની ગયું. આ અગાઉ પણ મોસ્કોની ઉત્તરે આવેલા વોલોગ્દા વિસ્તારના દેવળો અને મકાનોના રંગો તેના દિમાગમાં કોઈક અનેરી સંગીતમય અનુભૂતિ  કરાવી ગયા હતા.

     બધું કામ છોડીને ચિત્રકળા શીખવા તે મ્યુનિચ પહોંચી ગયો.  ૩૦ વર્ષની ઉમરે ત્યાંની પ્રખ્યાત અકાદમીમાં  પ્રવેશ મેળવવાનું સહેલું ન હતું. આથી તે એક ખાનગી શાળામાં જોડાયો અને  ચિત્રકળાની સાધના કરવા લાગ્યો. તેનાં ચિત્રો વખણાતાં છેવટે તેને અકાદમીમાં આગળ અભ્યાસ કરવાની તક મળી ગઈ.  મોનેટની  Impressionist શૈલી તે કાળમાં બહુ વખણાતી હતી. વાસ્યા પણ તે શૈલીમાં ચિત્રો બનાવવા લાગ્યો. પણ તે તો કાંઈક નવું જ સર્જન કરવા સર્જાયો હતો. મોનેટની શૈલીમાં બનાવેલું blue rider ચિત્ર બહુ વખણાયું. પણ Impressionist શૈલીમાં એ તેનું છેલ્લું ચિત્ર હતું. એ ચિત્રમાં પણ વિષય કરતાં રંગનું માહાત્મ્ય વિશેષ હતું. ત્યાર બાદનાં ચિત્રોમાં વાસ્યાએ વિષય, આકાર વિ. અંગેના ચીલાચાલુ ખ્યાલોને તિલાંજલિ આપી દીધી!

     એ સાથે જ રંગ અને માત્ર રંગના જ લપેડાઓથી જ ભરપૂર ચિત્રો વાળી ચિત્રકળાની એક નવી નક્કોર શૈલી – અમૂર્ત ચિત્રકળા (abstract art) નો જન્મ થયો. તે કાળમાં ફોટોગ્રાફીના વિકાસના કારણે યુરોપના  કળાજગતમાં અવનવા અખતરા ખેડાઈ રહ્યા હતા. એમાં આ  નવો જ પ્રવાહ ઊમેરાયો. આથી જ વાસિલીને અમૂર્ત કળાનો પિતામહ ગણવામાં આવે છે.

      ૧૯૧૪ માં તે મોસ્કો પાછો ફર્યો. રશિયાની સામ્યવાદી ક્રાન્તિ બાદ તે થોડોક વખત સરકારી તંત્ર સાથે સંકળાયેલો રહ્યો, પણ તેની સ્વતંત્ર રીતે  વિચારવાની રીત સાથે એ સુસંગત ન હતું. ૧૯૨૦ માં જર્મનીની પ્રખ્યાત બાઉહાઉસ સ્કૂલ ઓફ આર્ટમાં જોડાવાની તક મળતાં તે બર્લિનવાસી થયો. ૧૯૩૩ સુધી તે ત્યાં કાર્યરત રહ્યો. પણ નાઝી સત્તાના ઉદય સાથે તેના કામની અવગણના થવા લાગી. આ કારણે એનું ભવિષ્ય તેને પારિસના કલાજગતમાં ખેંચી  લાવ્યું. ૧૯૪૪માં અવસાન સુધી તે ત્યાં જ રહી પડ્યો.

ચિત્રકાર હોવા ઉપરાંત વાસિલી એક સમર્થ વિચારક પણ હતો અને કળા અંગે તેણે ઘણા લેખ અને વિવેચનો લખ્યાં છે. એમાં તે નોંધપાત્ર રીતે રંગને સંગીતની વિવિધ તર્જ સાથે સરખાવે છે. તે એમ પણ કહે છે કે, એક સારા ચિત્ર માટે કોઈ ચીજનું આલેખન જરૂરી નથી. રંગો પોતે જ  જોનારને એક એવા સ્તરમાં ખેંચી શકે છે જ્યાં તેને લાગણી, ભાવ કે, આંતરિક ચેતનાની અનુભૂતિ થવા લાગે છે. 

એ જમાનામાં મનનાં ઊંડાણનાં રહસ્યો વિશે કોઈ જાણકારી ન હતી. પણ એમ માનવામાં આવે છે કે, વાસિલી Synesthesia તરીકે જાણીતી મગજની એક વિશિષ્ઠ અવસ્થા ધરાવતો હતો! સામાન્ય માણસનું મગજ રંગને રંગ તરીકે, અવાજને અવાજ તરીકે અથવા સ્પર્શને સ્પર્શ તરીકે જ અનુભવતું હોય છે. પણ Synesthesia ધરાવતા મગજના કોશોનું વાયરિંગ થોડીક જૂદી રીતે થયેલું હોય છે! ન્યુરોલોજીમાં થયેલાં  સંશોધનોના પ્રતાપે ઘણી બધી જાતનાં Synesthesia વિશે હવે જાણકારી થઈ છે. એનું એક ઘણું જાણીતું ઉદાહરણ છે – રંગ અંધાપો ( color blindness ).

     Synesthesia એ સાવ અલગ જ વિષય છે. આપણે તો અહીં એ જાણવું રહ્યું કે, આવી અવનવી ઇન્દ્રિય જન્ય કાબેલિયત કે નબળાઈ   સાવ અલગ જાતનાં સર્જનોનું મૂળ હોઈ શકે છે.

     અહીં વાસિલીનાં ઘણાં બધાં અમૂર્ત ચિત્રો જોઈ શકશો

સંદર્ભ

https://en.wikipedia.org/wiki/Wassily_Kandinsky

https://denverartmuseum.org/article/staff-blogs/wassily-kandinskys-symphony-colors

https://en.wikipedia.org/wiki/Synesthesia

સ્વસ્તિક

સ્વસ્તિક અનેક વખત જોયો/ દોર્યો હશે. પણ હિ ન્દુ ધર્મના આ પ્રતિક વિશે જાણ ન હતી. મારી બહેન રાજેશ્વરી શુકલે નીચેનો વિડિયો મોકલ્યો , અને જાણ થઈ –

જવાંમર્દ

કેડી વિના, સીધાં ચઢાણ ચઢનારા – અલ ડોરાડો સ્પ્રિન્ગ, બોલ્ડર પાસે, કોલોરાડો

હાદઝા

    વિશ્વ ઈતિહાસનું પુસ્તક વાંચવાની શરુઆત કરતાં, પહેલાં જ પ્રકરણમાં આદિમ માનવ – ખાસ કરીને પથ્થરયુગના માણસ વિશે જાણીને મને અત્યંત આશ્ચર્ય થયું હતું.  લગભગ પશુ કહી શકાય તેવી અવસ્થામાંથી માનવજાતે આ એકવીસમી સદી સુધીની યાત્રામાં કેટલી બધી હરણફાળો ભરી છે?  તે ક્યાંથી ક્યાં પહોંચી ગયો છે? અને પહોંચવા છતાં, બરાબર પહોંચ્યો છે ખરો? 

    આ એકવીસમી સદીમાં પણ પથ્થરયુગના માનવીની જેમ જ, હજુ પણ શિકારી/ ફળાહારી ( Hunter getherer ) રીતથી જીવતી, જાતિના જીવન વિશે એક લેખ નેશનલ જ્યોગ્રોફિક મેગેઝિનમાં વાંચવા મળ્યો હતો. ( ડિસેમ્બર – 2009 નો અંક ) વાંચવામાં આવ્યો હતો અને ગમી ગયો હતો. એની લિન્ક આ રહી –

https://www.nationalgeographic.com/magazine/2009/12/hadza/

             આફ્રિકાના ટાન્ઝાનિયા દેશની હાદઝા  જાતિના   ‘ઓનવાસ’ નામના વડીલના કબીલા સાથે ન્યુયોર્કના જાણીતા પત્રકાર અને લેખક માઈકલ ફિન્કલે પંદર દિવસ ગાળ્યા હતા. તેનો વિગતવાર અહેવાલ ઉપરના લેખમાં છે. આપણને વિચારતા કરી દે તેવા, એ લેખમાંથી મળેલી   માહિતી ગુજરાતી વાચકો સમક્ષ મુકવાની ઈચ્છા થઈ; એના પરિપાક રૂપે એ આંખે દેખ્યું વૃત્તાન્ત   આ સાથે રુપાંતરિત કરીને ટૂંકમાં રજુ કરું છું 

     ટાન્ઝાનિયાના ઉત્તર  ભાગમાં આવેલા, વિશ્વવિખ્યાત, સરંગેટી પાર્ક ની દક્ષિણે એયાસી તળાવના કાંઠે વસેલી આ જાતિ ૧૦,૦૦૦ વર્ષ પૂર્વેના પથ્થરયુગમાં સ્થગિત થઈને, કશો વિકાસ કર્યા વિના થંભી ગયેલી છે. અહીંથી ઘણી નજીક, જગતમાં સૌથી પ્રાચીન માનવ હાડપિંજરો, (લ્યુસી – ૩૨ લાખ વર્ષ પહેલાંનું માનવ હાડપિંજર ) – અશ્મિઓ અને પથ્થરનાં સૌથી પ્રાચીન હથિયારો  મળી આવ્યાં છે. ફ્લોરિડા રાજ્યની યુનિવર્સિટીના પ્રોફેસર ફ્રેન્ક માર્લો  પંદર વર્ષથી એમના જીવનનો અભ્યાસ કરતા રહ્યા છે. માનવવંશ શાસ્ત્રના  અભ્યાસુ તજજ્ઞો  આવી જાતિઓને જીવતાં અશ્મિ ( Living fossils) તરીકે ઓળખાવે છે. આજુબાજુ વસેલી, પશુપાલન અને ખેતી કરતી બીજી જાતિઓ સાથે સમ્પર્ક હોવા છતાં, તેમણે પોતાની જીવન પધ્ધતિમાં ખાસ કશો ફરક કર્યો નથી.

     તેમના જીવન વિશે આપણને વિચારતા કરી મુકે તેવી ઉપરછલ્લી વિગતો હવે વાંચો –

 1. એમની વસ્તી આશરે ૧,૦૦૦ વ્યક્તિઓ પૂરતી મર્યાદિત છે. દરેક કબીલામાં ત્રીસેકથી વધારે સભ્યો હોતાં નથી.
 2. એમના પ્રદેશની બહારની દુનિયાની કશી માહિતી એમને નથી – મેળવવા માંગતા પણ નથી. એમના ઘણા સભ્યો એમનો સમાજ છોડીને, બહારની દુનિયામાં જતા રહ્યા છે. પણ એનો એમને કશો ખેદ નથી.
 3. એમનું રહેણાંક પણ સ્થાયી નથી. કોઈ ઝૂંપડી, તંબુ કે ઘર પણ નહીં. સાવ ખુલ્લા મેદાનમાં જ આખી જિંદગી પસાર થઈ જાય છે. વરસાદ આવવાની વકી હોય ત્યારે, ત્યારે ઝાડની ડાળીઓ, પાંદડાં અને ઘાસથી કામચલાઉ આશરો એક કલાકમાં બનાવી લે છે.
 4. શિકાર કરવો અને ફળો વીણીને ખાવાં, આ સિવાય કશી પ્રવૃત્તિ એ લોકો કરતા નથી – કરવા માંગતા પણ નથી.
 5. અને છતાં, તેમનો ખોરાક વિશ્વના ઘણા લોકોની સરખામણીમાં વૈવિધ્ય વાળો છે.
 6. જંગલી ગુલાબને પીસીને મળતું ઝેર તીરની અણી પર ચોપડવામાં આવે છે. આથી આ તીર વાગે તે જાનવર છટકી શકતું નથી. જિરાફ જેવા મોટાં પ્રાણીને પણ ધરાશાયી કરવા તે સક્ષમ હોય છે.
 7. અત્યંત ચપળ અને લાંબી છલાંગ ભરી શકતા, બબૂન નામના વાંદરાનો શિકાર કરી શકે તેની પ્રતિષ્ઠા ઘણી  વધી જાય છે. પાંચ બબૂનનો શિકાર કર્યો હોય તેને જ  સ્ત્રીના સંગનો લ્હાવો મળી શકે છે.
 8. પુરુષો શિકાર કરી લાવે અને મધ લઈ આવે; ત્યાં સુધીમાં સ્ત્રીઓ ફળો વીણી, તોડી લાવે  અને પાણી માટે વીરડો ખોદી તૈયાર રાખે.
 9. બબૂન કે જિરાફ જેવા પ્રાણીનો શિકાર જ સામુહિક પ્રવૃત્તિ હોય છે. બાકી દરેક જણ પોતાના કુટુમ્બ પૂરતો નાનકડો શિકાર મળી રહે, તેનાથી સંતોષ માની લે છે. આવતીકાલે શું મળશે તેની કશી ચિંતા તેમને કદી રહેતી નથી.
 10. મોટો શિકાર કર્યો હોય તો આખી વસ્તી તે જગ્યાએ પડાવ નાંખી દે છે. કોઈ એક વ્યક્તિએ મોટો શિકાર કર્યો હોય, તો પોતાનો અંગત પ્રયત્ન છોડી, બધા એમાં જોડાઈ જાય છે. અલબત્ત ખાણનો મોટો ભાગ શિકાર કરનારનો રહે છે.
 11. કોઈ પણ જાનવર કે પક્ષી એમનો ભક્ષ્ય તરીકે ચાલે છે – સિવાય કે, સાપ, જેનાથી એ લોકો દૂર રહેવાનું પસંદ કરે છે.
 12. ઝાડની ડાળીને અનુકૂળ રીતે છોલીને, અડધાથી ઓછી મિનિટમાં, હથેળીમાં જોરથી ઘુમાવી, આગ પેદા કરી શકે છે. એમને હજુ દીવાસળીની જરુર જણાઈ નથી. એવી કશી ઉતાવળ પણ એમને નથી હોતી.
 13. એમને ખેતી, પશુપાલન, કોઈ જાતની ચીજ વસ્તુ કે  વાહનના ઉપયોગમાં લગીરે રસ નથી કારણકે,એમના જીવનમાં એ કશાની જરૂર જ નથી!
 14. એમને કોઈ અગત મિલ્કત હોતી નથી. કોઈની પાસે વધારે ચીજો  હોય, એમ હોતું નથી. એમની ઘરવખરી, ચામડાના એક ચોરસામાં સમેટી લેવાય એટલી જ હોય છે – રાંધવાનું એક પાત્ર, પાણી માટે એક પાત્ર, એક કુહાડી અને એક છરો. કપડાંની માત્ર બે જ જોડ.
 15. આ હથિયારો અને કપડાં બાજુમાં વસેલાં ગામવાસીઓ પાસેથી મધના બદલામાં એ લોકો મેળવી લે છે. આ માટે જરૂર પૂરતા સ્વાહીલી ભાષાના શબ્દો જ એ શીખ્યા છે.
 16. ગંદા તળાવમાં પુરુષો નગ્નાવસ્થામાં સાથે નાહી લે છે અને કપડાં, ધોઈ, સુકાવી ફરીથી પહેરી લે  છે.
 17. આશ્રર્યજનક રીતે સ્ત્રીઓ મહીનાઓ સુધી નહાતી નથી. પુરુષોને પણ સ્ત્રીઓ આમ ગંદી રહે, તે વધારે ગમે છે!
 18. એમની પોતાની ભાષામાં પણ, એમના સીમિત જીવન વ્યવહાર પૂરતા, બહુ જ મર્યાદિત શબ્દો છે.
 19. ત્રણ કે ચાર થી વધારે આંકડા એમની ભાષામાં નથી. વધારે ગણવાનો દિવસ હજુ સુધી આવ્યો જ નથી.
 20. સમયના માપમાં કલાક કે મિનિટ તો શું – દિવસો પણ અગત્યના નથી. કોઈની રાહ જોવાની હોય તો; તે ન આવે  ત્યાં સુધી રાહ જોવામાં એમને કશો કંટાળો નથી હોતો.
 21. તેમને કશો ડર હોય તો તે છે – ઠંડા પાણીનો.  ઠંડા પાણીમાં ખાબકી શકે; તે  ખરો વીર એમ તે લોકો માને છે.
 22. લડાઈ અને ટંટાથી તેઓ દૂર ભાગે છે. એમણે કદી બીજી જાતિઓ પર આક્રમણ કર્યું નથી. એમની ૯૦ ટકા જમીન બીજી જાતિઓએ  હડપ કરી લીધી હોવા છતાં; તેઓએ જાતે જ ખસી જવાનું પસંદ કર્યું છે. શેષ વિસ્તાર હવે બીજાઓ માટે સાવ અનાકર્ષક છે.
 23. એમના પ્રદેશમાં કદી દુષ્કાળ પડ્યો નથી; કે રોગચાળો ફાટી નીકળ્યો નથી – જેથી સ્થળાંતર કરવા તેઓ લાલાયિત બને. આની વિરુધ્ધ બાજુની જાતિઓ તેમના દુષ્કાળના વખતમાં તેમની સાથે આવીને રહેલી છે; અને તેમનો તેમણે અતિથિ સત્કાર કરેલો છે.
 24. તેમના જીવનની શૈલી બારે મહિના અને સૈકાંઓથી એકધારી રહેલી છે. તેમના દિવસનો માત્ર ચાર કે છ કલાકનો સમય જ ખોરાક શોધવામાં જાય છે. બાકીનો સમય એ લોકો આરામ અને આનંદ પ્રમોદમાં ગાળે છે. કંટાળા જેવી કોઈ અવસ્થાની તેમને ખબર જ નથી. વધારાનો સમય તીર બનાવવાનું કે કામઠાંની તુટેલી દોરીની જગ્યાએ શિકારના આંતરડાંમાંથી બનાવેલી દોરી બાંધવામાં કે એક્બીજાનાં શરીરમાંથી કાંટા કાઢી આપવામાં જાય છે.
 25. કદીક બાજુની વસ્તીમાં જઈ, મધની અવેજીમાં કપડાં, ચંપલ કે પ્લાસ્ટિકના મણકા ખરીદી લાવતા હોય છે.
 26. આજુબાજુની જાતિઓ ( ડટોગા, ઈર્ક્વા, ઈસાઝુ, સુકુમા, ઈરામ્બ્વા વિ.) એમને પછાત, અછૂત અને હલકા ગણે છે. કદીક કોઈ હાદઝા તેમના તળાવમાંથી પાણી પીવા માંગે, તો. પોતાનાં ઢોર પી લે, પછી જ આવી વ્યક્તિને પાણી પીવા દેવાની છૂટ આપવામાં આવે છે.
 27. હજારો વર્ષોમાં એમણે કોઈ સ્મારક કે યાદગીરી સર્જી નથી. એમને એવી ફાલતુ ચીજની કશી જરૂર લાગી નથી. રહેવાની જગ્યા પણ સ્થાયી નથી હોતી. રાત્રે જ્યાં પડાવ નાંખે, તે ખુલ્લી જગ્યા, એ એમનું ઘર!
 28. દરેક કબીલો તેના સૌથી વૃધ્ધ માણસના નામથી જાણીતો હોય છે. એમાં ભાઈઓ, બહેનો, જમાઈઓ પણ સામેલ હોય છે. વડીલને માન આપવા છતાં, એની કે કોઈ નેતાની જોહુકમી હોતી નથી.
 29. સ્ત્રીઓનું સ્થાન પૂર્ણ રીતે પુરુષની સમકક્ષ હોય છે. બીજી જાતિના પુરુષ સાથે લગ્ન કરેલી સ્ત્રી મોટે ભાગે એ સમાજની પુરુષ પ્રધાનતાથી વાજ આવી જઈ, થોડા જ વખતમાં પાછી આવી જવાના ઘણા દાખલા છે.
 30. એક જ સ્ત્રી અને પુરુષ સહજીવન કરતાં હોવાં છતાં; એકેબીજાને છોડી દેવા સ્વતંત્ર હોય છે. આમ છતાં  બહુપત્નીત્વ કે બહુપતિત્વનો ચાલ કદી રહ્યો નથી. જ્યાં સુધી સાથે રહે ત્યાં સુધી બન્ને એકમેકને જાતીય રીતે વફાદાર રહે છે. મોટે ભાગે ન ફાવવાના કારણે છૂટાછેડાની પહેલ સ્ત્રી જ કરતી હોય છે!
 31. વીસેક કબીલાઓમાં વહેંચાયેલા સમાજમાં સભ્યો સતત બદલાતાં રહે છે. જ્યાં સુધી મનમેળ રહે ત્યાં સુધી કોઈ વ્યક્તિ કબીલામાં રહે છે; નહીં તો બીજા જાણીતા કબીલામાં સ્થળાંતર કરે છે. આમ ભળનાર નવી વ્યક્તિને મોટે ભાગે પ્રેમપૂર્વક આવકારવામાં આવે છે.
 32. બાળકો દૂધ પીતાં હોય, ત્યાં સુધી જ માને વળગેલાં રહે છે. બાકી મોટાં થયેલાં બાળકો અલગ જૂથમાં રમ્યાં કરતાં હોય છે. સ્ત્રીઓ અને પુરુષો ખોરાકની શોધમાં દૂર ગયાં હોય ત્યારે કબીલાની ઘરડી સ્ત્રીઓ બાળકો પર ધ્યાન રાખે છે.
 33. જન્મ, લગ્ન કે મરણની ખાસ કશી વિધિ હોતી નથી. પહેલાં તો મરેલી વ્યક્તિને ઝાડીઓમાં જ છોડી દેવાતી. પણ  હવે દાટી દેવાય છે. એની યાદગીરીનું કોઈ ચિહ્ન પણ કબર પર છોડવામાં આવતું નથી. ગમે તેટલી પ્રીય તે વ્યક્તિ ન હોય; તેને વિના સંકોચ વિસારી દેવામાં આવે છે.
 34. ઈશ્વર જેવી કોઈ માન્યતા તેઓ ધરાવતા નથી. કોઈ પણ ધાર્મિક વિધિ કે પ્રાર્થના તેઓ કરતા નથી. માત્ર સૂર્ય માટે તેમને ઘણું માન હોય છે.
 35. બીજા લોકોને એમના ભવિષ્યની વધારે ચિંતા રહે છે -ખાસ કરીને તાન્ઝાનિયાની સરકાર! એમને વિકસિત કરવા, શિક્ષિત કરવા સઘન પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. તેમનાં ઘણાં બાળકો શિક્ષણ લઈ, બહારની દુનિયામાં સ્થાયી થયાં છે; પણ ભેદભાવની બીજી જાતિઓની નીતિને કારણે આવી વ્યક્તિઓ સાવ હલકાં કામો જ કરી શકે છે અને નવા સમાજમાં દલિત જ બની રહે છે. આથી મોટા ભાગે હાદઝા પોતે જ આવો કોઈ અનર્થકારી વિકાસ કરવા માંગતા નથી! એમને માટે તો પ્રાકૃતિક જીવન જ પૂર્ણ સુખ અને આનંદથી ભરેલું  છે.
 36. રિચાર્ડ બાલો નામનો એક સાઠ વર્ષનો હાદઝા આગળ પડતો, વિકસિત સમાજમાં ભળેલો નેતા છે અને હાદઝાને બદલાવા માટે, અને વિકાસશીલ કરવા માટે આંદોલન, અભિયાન ચલાવે છે. પણ હાદઝા સમાજની બહુ ઓછી વ્યક્તિઓ આ માટે તૈયાર છે.
 37. મંગોલા નામના હાદઝાનો કબીલો થોડો જુદો પડીને, આ પ્રદેશની મૂલાકાત લેતાં સહેલાણીઓને હાદઝાના જીવન, શિકાર પધ્ધતિ વિગેરેની  માહિતી આપવામાં અને પ્રવાસન ઉદ્યોગમાં જોટાયો છે. પણ એમનામાં વિકસિત સમાજની બદીઓ – મદ્યપાન, જુગાર, ગુનાખોરી, ખુન, સમ્પત્તિ માટેની લાલસા, ચોરી, છેતરપીંડી, ચેપી રોગો, માંદગી, વેશ્યાપ્રથા વિગેરે પ્રવેશી ગયાં છે.
 38. આ દાખલો જોઈ, બીજા હાદઝા કબીલા આવા પરિવર્તનંથી દૂર રહેવાનું પસંદ કરે છે. પણ કદાચ થોડાંક જ દાયકાઓમાં હાદઝા સમાજ બહારની દુનિયાની ચમક ધમક જોઈ, આ નીતિનાશમાં જોડાઈ જાય અને તેમની જીવન પધ્ધતિનો અંત આણે, તેવી પૂરી સંભાવના છે.    .

      માઇકલના  કહેવા પ્રમાણે આમ હમ્મેશ જીવવાનું તે પસંદ તો ન જ કરે. એમના જીવનની હાલાકીઓ, પ્રાથમિક સગવડોનો અભાવ વિગેરે બહારની દુનિયામાં રહેવા ટેવાયેલાને કદાપી અનુકૂળ ન જ આવે. પણ હાદઝાના જીવનની સરળતા, તાણ, ચિંતા, માનસિક વ્યથાઓનો સદંતર અભાવ – આ બધાં પાસાં તેને સ્પર્શી ગયાં હતાં. આ પંદર દિવસ તેણે અપ્રતીમ સુખમાં ગાળ્યા હતા; અને જીવનને બને તેટલી સરળતાથી જીવવાના ફાયદા સમજાયા હતા.

     એક વિદ્વાનના અભિપ્રાય મુજબ….

   ‘ખેતીની શોધ   માનવ સમાજની સૌથી મોટી અને વિનાશકારી ભૂલ હતી.’

—————

સાભારનેશનલ જ્યોગ્રાફિક મેગેઝિન

     ગુજરાતી સાહિત્યમાં  પથ્થરયુગની પાર્શ્વભૂમાં લખાયેલી કદાચ એકમાત્ર નવલકથા પહેલો ગોવાળિયો વાંચવા વાચકોને ઈજન છે.

અલગારી રખડપટ્ટી

વાંચનમાંથી ટાંચણ’ – એ શ્રેણીના બધા લેખ અહીં

ફરવા જવાનું તો સૌને  ગમે. અમુક જણને બહુ ગમે. એને રખડપટ્ટી કહેવાય! પરંતુ ગમે તેટલું ફરો, હરો કે રખડો પણ છેવટે તો ઘેર પાછા જ આવવાનું ને? કહે છે ને કે, ‘પૃથ્વીનો છેડો ઘર.’

    પણ કોઈક એવા પણ અલગારી હોય છે, જે રખડ્યા જ કરે. એમને ઘર પાછા ફરવાનો ઉમળકો લગીરે હોતો નથી. કદાચ એમને ઘર હોતું જ નથી!

    એક એવા અલગારીની આ વાત છે. એનું નામ છે – પોલ સલોપેક.

એને કોઈ પુછે કે, “તમારું ઘર ક્યાં? “

       તો એનો લાક્ષણિક જવાબ છે ,” જન્મ – અમેરિકામાં, ઉછેર – મધ્ય મેકિસિકોમાં, જુવાનીનો મોટા ભાગનો સમય આફ્રિકામાં ઠેર ઠેર રખડપટ્ટી. મારું ઘર જ્યાં હું ઊભો હોઉં, તે એક મિટર x  એક મિટર  જમીન .“

   આ પોલ ભાઈને નેશનલ જ્યોગ્રાફિકે એક કામ સોંપ્યું છે – રખડયા કરવાનું! અને કોઈ વાહનમાં નહીં – બસ પગપાળા પ્રવાસ જ! દુનિયાના  ચારેય  ખંડોને આવરી લેતી આ સફર આફ્રિકાના જિબુતી દેશમાંથી જાન્યુઆરી – ૨૦૧૩ માં શરૂ થઈ હતી.  ૨૧,૦૦૦ માઈલ લાંબી અને દસેક વર્ષ સુધી ચાલુ રહેનારી આ સફર આર્જેન્ટિનાના છેક દક્ષિણે આવેલ ટેરા ડેલ ફુએગોમાં પૂરી થશે.  હાલમાં પોલ  ભારતમાં છે.

એના પ્રવાસી અનુભવો જાતજાતના છે અને ભાતભાતના લોકો સાથે છે. પંજાબમાં એની સાથે રસ્તા પર ચાલી રહેલા ખેડૂત યુવાનોનો ધખારો છે –  ગમે તેમ કરીને ન્યુઝિલેન્ડ પહોંચી જવું અને જીવનમાં નવો નિખાર લાવવો. આવા તો અસંખ્ય અનુભવો પોલને આટલા વર્ષોમાં થયા છે, થતા રહે છે.  એનો એક ઇન્ટરવ્યૂ લાંબો છે, પણ નીચેની લિન્ક પર વાંચવા જેવો છે

https://www.nationalgeographic.com/travel/intelligent-travel/2015/08/07/walking-the-world-with-paul-salopek/

    પોલના સચિત્ર અનુભવો નેશનલ જ્યોગ્રાફિકાની વેબ સાઈટ પર અપડેટ થતા રહે છે.

     આપણને સ્વાભાવિક રીતે થાય કે, ‘શું કામ આ બધા ઉધામા?’

     વાત એમ છે કે, નેશનલ જ્યોગ્રાફિકે એક પ્રોજેક્ટ શરૂ કર્યો છે ‘Out of Eden walk’ એ પ્રોજેક્ટને સમજવા આપણે માણસજાત આખી દુનિયા પર શી રીતે ફેલાઈ ગઈ, તે વિશે થોડુંક જાણવું જોઈશે. આમ તો આ બહુ મોટો વિષય છે. ઇથિયોપિયા, જિબુતી દેશોના વિસ્તારમાંથી સૌથી જૂનું માનવ હાડપિંજર મળી આવ્યું હતું. (આશરે ૩૨ લાખ વર્ષ જૂનું ) એક માન્યતા પ્રમાણે એ સ્ત્રીને માનવ જાતની આદિમદાદી ગણવામાં આવે છે! આ શાસ્ત્રના તજજ્ઞોમાં એ  લ્યુસી તરીકે જાણીતી છે.

      એક માન્યતા એવી છે કે, ત્યાંની માનવ વસ્તીની નાની નાની ટુકડીઓ જાતજાતનાં કારણોને લીધે આગળ અને આગળ વધતી ગઈ અને લાખો વર્ષોના અંતે આખી દુનિયામાં ફેલાઈ ગઈ. જો કે, આ માન્યતાને પડકારતા બીજા પુરાવા પણ મળ્યા છે. પણ અહીં આપણે એ ચર્ચામાં નથી પડવા માંગતા. 

     નેશનલ જોગ્રાફિકે  ‘આ માન્યતા મુજબના રૂટ પર હાલ શી હાલત છે?’ – એ જાણવા આ પ્રોજેક્ટ વિચાર્યો હતો અને એ કામ પોલ ભાઈને સોંપ્યું હતું. એણે આખા રૂટ પર ચાલતા જઈને જાતતપાસ કરવાની છે કે, ‘હાલમાં આ રૂટ પર માનવ હિજરત જારી છે કે, કેમ? અને એનાં શાં કારણો છે?’

      જ્યાં જ્યાં પોલ રખડયો, ત્યાંથી એ બાતમી લાવ્યો છે કે, માણસને એક સ્થાયી સ્થિતિ સ્વીકાર્ય નથી, અને તે હમ્મેશ હિજરત કરતો આવ્યો છે. ઘણી વખત આવી હિજરત મજબૂરીના કારણે પણ થતી હોય છે. ગરીબી, ભૂખમરો, જાતિ જાતિ વચ્ચેના સંઘર્ષો, ધાર્મિક અસહિષ્ણુતા વિગેરે અનેક કારણોના લીધે માણસ પોતાનું વ્હાલું વતન છોડવા મજબૂર બની જતો હોય છે. આવી અનેક દુખિયારી જનતાનો અને એમની વ્યથાઓનો પોલે અનુભવ કર્યો છે. એમના માટે એના દિલમાં દર્દ અને સહાનુભૂતિ છે.

       પણ મજબૂરીથી થતી હિજરતની વ્યથાઓ બે ત્રણ પેઢી પછી હળવી બની જતી હોય છે અને હિજરતી જાત નવા સમાજમાં સમાઈ જતો હોય છે. વખાના માર્યા ગુજરાત આવેલા પારસી લોકો આનું સરસ ઉદાહરણ છે. કેરાલાના સિરિયન ખ્રિસ્તી લોકો પણ આવી જ રીતે ભારતીય સમાજમાં ભળી ગયેલી જાતિ છે.

       સાથે સાથે પોતાની આર્થિક સ્થિતિ સુધારવા પણ માણસ કાયમને માટે વતન છોડતો હોય છે. આખી  દુનિયામાં ફેલાઈ ગયેલા ડાયાસ્પોરા ગુજરાતીઓ અંગે  આપણને સૌને ખ્યાલ છે જ. અમેરિકાના બન્ને ખંડના બધા દેશો પણ મૂળ હિજરતી લોકોના સ્વદેશ બની ગયા જ છે ને?

    વેપાર માટે પણ સોદાગરો સૈકાંઓથી દૂર દૂર જઈ, સસ્તી કિમતમાં માલ ખરીદી વતનમાં એની ઉપર અઢળક નફો પણ રળતા આવ્યા જ છે ને? એ સ્વાર્થી વેપારી રસમ ભલે હોય, પણ એના કારણે માનવજાતિઓ વચ્ચે અનેક જાતનાં આદાન પ્રદાન પણ થયાં જ છે.  એક માન્યતા એવી પણ છે કે, આવાં આદાન પ્રદાનના કારણે પણ જ્ઞાન અને વિજ્ઞાનનો વિસ્તાર થયો છે.    

    વૈશ્વિક સ્તરે એક નાનું જૂથ એમ પણ માને છે કે, માણસજાત અત્યારે જે  તબક્કે આવીને ઊભી છે, તેમાં વૈશ્વિક નાગરિકતા સ્થાપિત કરવાનો સમય પાકી ગયો છે. દેશ દેશ વચ્ચેના સીમાડા ભૌગોલિક નકશાઓમાં નથી હોતા! ‘વિશ્વમાં કોઈ પણ માણસને પોતાની હાલત સુધારવા હિજરત કરવાનો હક્ક હોવો જોઈએ.’ – એ પ્લેટોનિક ખ્યાલ ભલે હોય, પણ એના વિશે જાગરૂકતા વધતી જાય છે.

     પોલના એક સરસ વિચાર સાથે આ લેખનું સમાપન કરીએ –

     The world is growing complicated. To understand it, we don’t need more information, we need more meaning. A walked journey spanning four continents and seven years is just one way to try and tackle this challenge.

સ્ક્રેચ અંતાક્ષરી

સ્ક્રેચ પર હોબી પ્રોજેક્ટ બનાવવા અને અવનવા વિડિયો બનાવવા – આ જણના બે શોખ.

એ બન્નેનો સમન્વય એટલે –

જુસ્સાથી ભરેલા એવા બીજા એક શોખ
ઈ- વિદ્યાલયની ચેનલ પર –
દીકરી સમાન હીરલ શાહે
પોતાનો અવાજ ઉમેરીને બનાવેલ આ વિડિયો –

સ્ક્રેચ પર એ પ્રોજેક્ટ આ રહ્યો –

લીપી અને ચિત્ર

કળા અને સાહિત્ય – એ અંતરના ભાવની બહારી અભિવ્યક્તિ છે. એ રૂદિયામાં  બહાર લાવે છે- એ વસંતની પણ હોય , ગ્રીષ્મની હોય કે ધોધમાર વરસાદની પણ હોય. ઉલ્લાસનો ગુલાલ હોય કે, શોકની કાલિમા પણ હોય.
અંતરનો ભાવ સીધો બહાર આવે છે – બોલથી, નૃત્યથી, ગુનગુનાવાથી. એની વધારે ભૌતિક અભિવ્યક્તિ ચિત્ર છે/ શિલ્પ છે.
     આપણે જેને લેખિત સાહિત્ય તરીકે જાણીએ છીએ – એ બધા કીડી મકોડા ચિત્રો જ છે – માત્ર ચિત્રો! જે લીપી માટે આપણે આટલું બધુ ગૌરવ ધરાવીએ છીએ, એની ગરિમાની સેવા માટે તત્પર છીએ , એની શરૂઆત ચિત્ર થી થઈ હતી – ચિત્ર લીપી . એ ચીજો અને બહુ તકલીફથી ભાવનું પ્રતિનિધિત્વ કરતી હતી.

  આપણે જે લીપીથી માહિતગાર છીએ – એ અવાજ – ધ્વનિનાં રૂપક ચિત્રો જ છે.

ઇજિપ્તની ચિત્ર લીપી

આપણા ક, ખ , ગ , ઘ ….એ અવાજો ઊભા કરે છે એટલું જ. મૂળ તો અવાજ જ. એક રશિયન કે ચીની માટે એ  ક,ખ,ગ, ઘ …. કોઈ અવાજ પેદા કરી શકતા નથી !

?!-@?….?!-@?…. – .

સવાલ અહીં …… સવાલના અંતે વિસ્મય

જવાબ અહીં…… જવાબના અંતે ફરી એક સવાલ

આ પ્રક્રિયા સતત ચાલુ. અંતિમ પૂર્ણ વિરામ આવે ત્યાં લગણ.

બસ, આ લેખ શ્રેણીના સમાપનનો આ જ સંદેશ છે !

આનું લાંબું લચક વિશ્લેષણ અને વિવેચન કરી શકાય. પણ અહીં એ એજન્ડા નથી! થોડીક વાત આ ‘હટકે’ શ્રેણી વિશે કરવી છે.

મૂળ

૨૦૦૫ ના જૂન મહિનાથી શરૂ થયેલી લેખનયાત્રાનું વિહંગાવલકોન / કિટક દૃષ્ટિ કે રિયર વ્યૂ મિરરની વાત કરું તો, જાતજાતના પ્રયોગો કરવાની મજા આ ગાળામાં માણી છે – એની વ્યથાઓ પણ ભોગવી છે! પણ એ હકિકત રહી છે કે, એ મજાઓ કે વ્યથાઓ બાજુએ રાખીએ તો, પ્રયોગો કરવાની મજા માણવી એ આ જણનો સ્વભાવ / ધર્મ રહ્યો છે.

છેલ્લા પાંચ મહિનાથી – ( એપ્રિલની ૧ લી તારીખથી! ) કોયડાઓનો ઉકેલ શોધવાનું બહુ જૂનું વળગણ મિત્રોના સહકારથી વકર્યું ! દિલ્હીની નજીક ગાઝિયાબાદમાં રહેતા કોલેજકાળના દિલોજાન દોસ્ત બટુક ઝવેરીનો ન વપરાતો બ્લોગ ‘ગુગમ કોયડા કોર્નર’ નામથી, નવા સ્વરૂપે ધમધમતો થયો. આ સમાપન લખું છું , ત્યારે ત્યાં ૩૪૦ થી વધારે કોયડાઓ અને એમના ઉકેલ વિશ્વભરના ગુજરાતીઓને ચરણે ધરી શકાયા છે.

અહીં ક્લિક કરી ત્યાં પહોંચી શકશો

એ હરખમાં અને આ બ્લોગનો મુલાકાતી આંકડો છ લાખે પહોંચ્યાની જાણ થતાં એવો ચાળો સૂઝ્યો કે, કોયડા અને ઉકેલ ‘? અને @’ ના શિર્ષકથી એક ‘હટકે’ પ્રયોગ કરું. અને હરખ છે કે, એ પ્રયોગ થઈ શક્યો.

ફળશ્રુતિ

કશું સાબિત કરવાનો કે ‘એ સત્ય છે.’ એવું પ્રતિપાદન કરવાનો ધખારો લગીરે નથી પણ જીવન આમ હોય છે – એમ લાગ્યું છે. પ્રશ્નો આવે, ઉકલે, કોઈક કાયમી લાગે તેવા અદ્વિતીય આનંદની ક્ષણ મળી જાય……
પણ ફરી પાછી, એ જ શ્રુંખલા ચાલુ થઈ જાય .

पुनरपि

પૂર્ણ વિરામ આવી જાય ત્યાં સુધી !

.

સતત એ જ મજા –
જીવાતા જીવનનો ધબકાર,
પડકાર,
નિઃશ્વાસ,
ઉત્સાહ….

પડતા , આખડતા,

દોડતા, હાંફતા,
પોરો ખાતા
અને
ફરી ઊઠીને હાલતા થવાનો ઉન્માદ !

જીવવાનો ધખારો…

પ્રતિભાવ

પણ આપણે જીવનમાં કદી એકલા નથી હોતા. મિત્રો, દુશ્મનો, અસૂયા ધરાવનારા, ઇર્ષ્યા રાખનારા, અવગણનારા… એ સૌ આપણા જીવનનો એક ભાગ હોય છે. એમના વિનાનું જીવન એટલે …

રોબિન્સન ક્રુઝો જેવું
એકલતાના ટાપુ પર
રૂદન કરતું જીવન.

આથી પહેલો લેખ લખ્યો ત્યારે આશરે ૨૦૦ મિત્રોને બ્લોગ પોસ્ટ પર પ્રતિભાવ આપવા ઈજન કર્યું હતું.

દસ પંદરે પડઘો પાડ્યો – એ આનંદ
એ પડઘો પ્રશંસાનો, ટીકાનો કે ઉપદેશનો પડ્યો – એ વાત ફોકસમાં નથી.
પણ આપણે એકલા નથી – એ હરખ.

સાચું કહું? કોઈ બે શબ્દ સારા કહે તો ગમે જ. પણ અનુભવે એ સમજાયું છે કે, જે કડવી દવા આપે છે, એ સાચા મિત્રો છે. પાછળના અરીસામાં (Rear view mirror ) નિહાળતાં એમના પ્રતાપે જ બહારની તેમ જ અંદરની દિશામાં આગળ વધાયું છે.

એ સૌનો હાર્દિક રૂણ સ્વીકાર

અંતે …

સૌ મિત્રો જોગ … ગમી ગયેલી એક સરસ ગઝલ