સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: અવલોકન

ચિત્રાવલોકન

શો શબ્દ?

વાદળસેના – અવલોકન

વાદળોની ઘટા હોય. ઘટાટોપ હોય. કોઈક રડી-ખડી વાદળી હોય. [ જાતજાતનાં વાદળો માટે આ વૈજ્ઞાનિક વેબ સાઈટ પર પણ નજર નાંખી લો ! ]

પણ વાદળ સેના?

હા! આજે આ સેના જોઈ

👇

આનું વૈજ્ઞાનિક વિશ્લેષણ કરવાની આ અવલોકનકારની ક્ષમતા નથી. પણ એને સેના કહેવાની આ ઉપમા તરત સૂઝી. તરત વળતો વિચાર પણ આવી ગયો કે, આ પણ મન – તરંગ જ ને? વાદળ તો બાષ્પ, પવન અને તાપમાનના સમન્વયથી થતી કુદરતી રચના. એને નામ તો આપણે આપ્યા. અને એ આકાર કે રંગ ક્યાં સ્થાયી હોય છે? એ તો સતત બદલાયા જ કરે.

પરિવર્તન જ પરિવર્તન

આ લખનારનો માનીતો વિષય. જૂનું એક અવલોકન આની સાથે યાદ આવી ગયું –

હિમકણિકા

હવામાં ભેજનું પ્રમાણ વધતું જતું હતું. એમ જ ઠંડીનું પણ. થર્મોમીટરનો પારો શૂન્યથી પણ નીચે જતો રહ્યો હતો. ઝાડના પાંદડાં પરના બાષ્પબિંદુઓ થીજવા માંડ્યા હતા. કાચાં પોચાં પાંદડાં તો ક્યારનાંય ખરી ચૂક્યાં હતાં. પણ આ તો ઠંડા પ્રદેશનાં ખમતીધર, જાડી ચામડીનાં પર્ણો હતાં ને!

      અને ધીમે ધીમે વરસાદના છાંટાં પડવા માંડ્યા. હવાની ઠંડી હજુ તેમને થીજાવી શકે તેટલી પર્યાપ્ત ન હતી. જેમ જેમ એ વર્ષાબિંદુઓ ઠંડાગાર પાંદડાં ઉપર પડી એકઠાં થવાં માંડ્યાં; તેમ તેમ તે ઠંડાં અને વધુ ઠંડાં થવા લાગ્યાં. સરકતો એ રેલો ઠંડા બાષ્પબિંદુઓ પરથી પસાર થતો થતો, વધારે ને વધારે ઠંડો થવા લાગ્યો.

    પાંદડા પરથી ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… નીચે ટપકી પડવાનો પોતાનો જાતિસ્વભાવ છોડી; નીચે ધરાશાયી થતાં પહેલાં જ એ તો ઠરી ગયો. સોડ વાળીને પોઢી ગયો. ઓલ્યું બાષ્પબિંદુ, આ રેલાના આશ્લેષમાં પ્રાપ્ત થયેલી નવી સંપદાથી વધુ પુષ્ટ બનવા માંડ્યું. એ સાવ ઝીણા મોતી જેવું હતું; પણ હવે તેની કાયા વિસ્તરવા લાગી. લાખેરાં મૂલ્ય વાળું મોતી બનતું ગયું.

    વરસાદ તુટી પડ્યો – રેલે રેલા – પાણીની છાકમ છોળ. થીજેલા મોતી પરની એમની એ સફર એમનેય થીજવાની માયા લગાવતી ગઈ. હવે એ મોતી તો ઝૂલતું લટકણિયું બનવા માંડ્યું. એલચીના દાણા જેવડું, ને પછી લવિંગની લાકડી જેવડું, ને પછી પેકનની ફાડ જેવડું.

    અને લ્યો! આ તો ત્રણ ઈંચ લાંબી હિમકણિકા બની ગયું. આવી અનેક સહીપણીઓ ઝાડની ડાળ પર, પવનમાં ઝુલતી ઝુલતી, કોની મીલ્કત મોટી એની હોડ બકવા માંડી! ચારે બાજુ જ્યાં નજર કરો ત્યાં હિમનાં ઝુમ્મરો જ ઝુમ્મરો.

વરસાદ થંભી ગયો. વાદળ વીખેરાઈ ગયાં. એમની આડશે ઢંકાયેલા સૂરજે, બીતાં બીતાં ડોકિયું કર્યું. એ તો ગુસ્સામાં રાતો પીળો અને આકુળ વ્યાકુળ બની ગયો. પોતાના ગરમાગરમ સામ્રાજ્ય પર વ્યાપી ગયેલી કડકડતી ઠંડીની આ વિરાસત પર કડવી, રાતી, તીખી નજર કરતો સૂરજરાણો, ક્રોધમાં પ્રદિપ્ત બની, થર્મોમીટરને ઉશ્કેરતો રહ્યો. પારાને ઊંચે ને ઊંચે ચઢાવતો રહ્યો.

   ધીમે ધીમે બધીય હિમકણિકાઓ ટપક ટપક ઓગળવા લાગી અને ફરી પાછું એ ટપક..ટપક…ટપ્પ…ટપાક, ટપાક… ચાલુ. સૂકા ઘાસની વાસંતી તરસ, વસંતના આગમન પહેલાં સંતોષાવાની થોડી હતી? પણ શિયાળાની મોસમમાં ભીંજાવાનો, અનેરો લ્હાવો કાંઈ જતો કરાય ?

    કાલે દખણાદા વાયરા વાવાનો વાવડ છે. ફરી ભીંજાયેલી ધરતી તપશે. અને ભીંજાયેલું ઘાસ ફરી સૂકાશે. એ હિમકણિકાઓ ફરી પાછી ભેજ બનીને પર્યાવરણમાં ઓગળી જશે.

 વરસાવું,
રેલાવું,
થીજાવું,
જામવું,
ઝૂલવું,
ઓગળવું,
રેલાવું,
સૂકાવું,
વિસ્તરવું,
વિખેરાવું

સતત પરિવર્તન જ પરિવર્તન …

ચિમનીઓ – અવલોકન

ઘણા બધા સમય બાદ એક નવું નક્કોર અવલોકન – આ ફોટા વાળી જગ્યા પર પેદા થયું –

અમારા ઘરની પાછળ એક લિનિયર પાર્ક પસાર થાય છે. માત્ર ચાલવાની / સાયકલ ચલાવવાની લિજ્જત માટે અવાવરૂ જગ્યાનો સદુપયોગ. એની બન્ને બાજુએ ઘરોની આવી હારમાળા છે. ગઈ કાલે ત્યાં ચાલતાં આ અવલોકન ઊપસી આવ્યું.

અહીંના ઘરોમાં અચૂક ચિમનીઓ હોય છે. અલબત્ત એપાર્ટમેન્ટ કે કોન્ડો હોય તો નહીં. જ્યારે અમેરિકામાં યુરોપિયન વસાહતીઓ આવ્યા ત્યારે અહીંની ઠંડીને ખાળવા એમના માદરે વતન યુરોપથી ચૂલા અને તેમના ધૂમાડાને ઉપર વિદાય કરવા ચિમનીઓ રાખવાની પ્રથા પણ લેતા આવેલા. જ્યાં સુધી લાકડા કે કોલસાનું બળતણ વાપરતા ચૂલા હતા; ત્યાં સુધી આ પ્રથા પ્રસ્તુત હતી. પણ વીસમી સદીની હરણફાળની સાથે સાથે અમેરિકન જીવન પદ્ધતિમાં આમૂલ પરિવર્તન આવી ગયું છે. આધુનિક એરકન્ડિશન અને હીટીંગની વ્યવસ્થા દરેક ઘરમાં હોય છે.

તો પછી આ બધી ચિમનીઓ શા માટે?

પરંપરા

આખા જગતમાં પરિવર્તનનો વાવંટોળ ફૂંકી રહેલી આ નવી દુનિયા પણ પરંપરાથી મુક્ત નથી ! કદાચ,

પરંપરા અને પરિવર્તન એ બેની વચ્ચે સમતોલન જરૂરી હશે?

કે,

માત્ર જડ રસ્તામાં ચીલે ચીલે ગાડું હંકારવાની ગામઠી રસમ?

પ્રવેશ સમારોહ

આમ તો આ ફોટો અને આ વાત ટેક્સાસ-ટેક, લબક ખાતે મારી દીકરીના દીકરા જયના દીક્ષાન્ત સમારોહની છે – convocation, graduation.

પણ જ્યારે અમે તેને પોરસાવવા ત્યાં પહોંચ્યા ત્યારે ઉપરના ફોટામાં દેખાતો મોટા ટીવી સ્ક્રીન પરનો સ્વાગત સંદેશ વાંચી મન વિચારે ચઢી ગયું . એ વિચારની અભિવ્યક્તિ તો પછી. પણ એ શુભ પ્રસંગના આ થોડાક બીજા ફોટા –

ટેક્સાસ ટેક – લબક બહુ સમૃદ્ધ યુનિ. છે. એ જ આખા શહેરની મુખ્ય પ્રવૃત્તિ. ત્રણ ચાર આવાં કે આનાથી પણ વધારે વિશાળ સ્ટેડિયમો, શિક્ષણ અને સંચાલન માટેની મસ મોટી, સાધન સમૃદ્ધ ઈમારતો અને રહેવાની ઠીક ઠીક ઉચ્ચ કક્ષાની સવલત વાળાં હોસ્ટેલો/ રહેઠાણો અમેરિકાની સમૃદ્ધિની સાક્ષી પૂરે છે. લગભગ ૬૦૦ – ૮૦૦ વિધાર્થી/ વિદ્યાર્થીનીઓ તે દિવસે પોતાની જિંદગીની યાત્રા શરૂ કરવા મેદાને પડ્યા.

‘દીક્ષાન્ત’ શબ્દના સ્થાને ‘પ્રવેશ’

જીવનનો વિકાસ, શિક્ષણ, કેળવણી વિ. ના મત્લાનો સાર આપતો કેટલો બધો યથાર્થ શબ્દ ?

 • એક વ્યક્તિની ૨૦ – ૨૫ વર્ષની સાધના
 • એના પાલક કુટુમ્બની મહામૂલી મુડીના મોટા મસ ખર્ચ પાછળની ભાવના
 • તમામ શિક્ષણ સંસ્થાઓનો પાયાનો ઉદ્દેશ.
 • શિક્ષણ યજ્ઞની સમાપ્તિ
 • પણ જીવન સંગ્રામના મધ્યના અને બહુ જ અગત્યના ભાગની શરૂઆત

આખા વિશ્વમાં આનાથી ઘણી વધારે વિશાળ અથવા આવી જ કે આનાથી નિમ્ન કક્ષાની કે સાવ સામાન્ય સંસ્થામાંથી હજારો / લાખોની સંખ્યામાં યુવાનો અને યુવતીઓ તૈયાર થઈને પોતાના જીવનના મુખ્ય ભાગની શરૂઆત કરતાં હશે.

 • કેટકેટલી આશાઓની
 • મહત્વાકાંક્ષાઓની
 • ઉલ્લાસોની
 • ઉમંગોની
 • ચિંતાઓની
 • મૂષક દોડોની
 • વ્યથાઓની
 • હતાશાઓની

શરૂઆત

અસંખ્ય જીવન કિતાબોનાં પાનાં મનઃચક્ષુ સમક્ષ ખૂલવાં લાગ્યાં. અહીં કરેલ અનેક અવલોકનો તાજાં થઈ ગયાં.

જીવનના

એક નવા તબક્કાની

શરૂઆત

ગુંજારવ

આ શબ્દ વાંચીએ કે સાંભળીએ અને નિશાળનો ક્લાસરૂમ યાદ આવી જાય ને? એક પિરિયડ પત્યો હોય અને એની પછીના પિરિયડના ગુરૂજીની રાહ જોવાતી હોય, એ સમયમાં મધમાખીના ગુંજારવ જેવો અવાજ. અથવા કોઈ નાટક જોવા કે વ્યાખ્યાન સાંભળવા ગયા હોઈએ અને એ શરૂ થાય તે પહેલાં સંભળાતો અવાજ.

એ માત્ર ધીમો ગુંજારવ જ હોય –
કશા અર્થ વિનાનો.

પણ અહીં એની વાત નથી કરવાની. આ ગણગણાટ કે ગુંજારવ આપણે સાંભળી શકતા નથી. તજજ્ઞોના મત મુજબ ઊડતાં પક્ષીઓ આવો ગુંજારવ કરતાં હોય છે. અને એ એમને માટે બહુ કામનો હોય છે. સાથે ઊડતાં હજારો સાથીઓ સાથે તાલ મીલાવીને ઊડવા માટેની એમની કોઠાસૂઝ અને એ માટેનું એક સાધન. એનો અંગ્રેજી શબ્દ

Murmurations

આવું અદભૂત ઉડ્ડયન આપણે સૌએ નિહાળેલું છે – જોયા જ કરીએ એવું. પણ એને માટે પક્ષીઓ કોઈ નિશાળમાં નથા જતાં! એ તો એમની કોઠા સૂઝ અને બીજાં સિનિયરોનું અનુકરણ કરીને પ્રાપ્ત કરેલી ક્ષમતા. એ ઉડ્ડયન માટે કોઈ મકસદ નથી હોતી.

ખાલી …. ઊડવાનો આનંદ

આ અંગ્રેજી શબ્દ વિશે જાણ થઈ અને આ વિડિયો જોયો પછી એક જ પ્રશ્ન ઊભરી આવ્યો.
એમ કેમ કે, એ પક્ષીઓ કરતાં અનેક ગણું વિષદ અને જટિલ મગજ અને મન મળ્યાં હોવા છતાં, આપણે માનવો આવી, કેવળ આનંદ માટેની સહિયારી પ્રવૃત્તિ નથી કરી શકતાં?

આપણી અગાધ વિચાર શક્તિ શા માટે, મોટા ભાગે સ્વલક્ષી પ્રવૃત્તિને જ જન્મ આપે છે?

સંદર્ભ –
https://en.wikipedia.org/wiki/Swarm_behaviour

https://wonderopolis.org/wonder/what-is-a-murmuration#:~:text=It’s%20called%20a%20murmuration.,lucky%20enough%20to%20witness%20it.

આ ક્ષણ

સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ

નહિ વર્ષામાં પૂર નહિ ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગ નિ:સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
છલક છલક છલકાય છતાં યે કદી શકી નવ ઢળી
વૃન્દાવનમાં વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થલ

-મણિલાલ દેસાઈ

અહીં સાંભળો – માવજીભાઈ મુંબઈવાળાએ એ બહુ પ્રેમથી એ પળને સાચવી રાખી છે !

આ ક્ષણ, આ પળ – જે કાંઈ પણ થાય છે તે આ પળમાં જ થઈ શકે છે. એ વિતી જાય પછી સુખદ કે દુઃખદ સ્મૃતિ જ બાકી રહી જાય છે.  અથવા આવનાર કાળની આશા કે ભય માત્ર જ આપણા ચિત્તમાં હોય છે. 

સૂકું ઘાસ

ઘાસ શબ્દ બોલાય અને લીલી હરિયાળી મનની સામે ખડી થઈ જાય. પણ આજે સૂકા ઘાસની વાત કરવી છે.

ઘરની આગળ અને પાછળ ઊગેલું ઘાસ હમ્મેશ ઉનાળામાં જ વાઢવાનું હોય. પણ અમારા બેકયાર્ડમાં સ્ટોરેજ માટેનો નાનો શેડ મૂકવાનો હોવાથી અમારે શિયાળામાં ઘાસ કાપવું પડ્યું.  પીળું, ફિક્કું અને સૂકું ઘાસ કપાવા માંડ્યું, અને અમારા આશ્ચર્ય વચ્ચે નીચેથી લીલાંછમ્મ  ઘાસે દેખા દીધી. આવનાર વસંત  રૂતુ માટે આ બધાં તૃણાંકુર તૈયાર બેઠેલા હતાં. સહેજ ગરમી અડે અને ટપોટપ સૌ પોતાની વિકાસયાત્રા ફરી શરૂ કરી દે.

એ સૂકું ઘાસ છે, તો વસંતમાં હરિયાળી મહોરશે. એ સૂકું ઘાસ છે , તો ઢોરને ચારો નીરી શકાય છે.

સૂકો, દમિયલ ડોસો કોને જોવો ગમે? પણ એ લીલો હતો તો એનો વેલો લીલો છે.

લીલું હો કે, સૂકું – ઘાસ જીવનના સાતત્યના પાયાનાં સજીવો માનું એક છે. 

લક્ષ્મણરેખા

કપડાંના એક રુઆબદાર સ્ટોરના પ્રવેશદ્વારને અડીને મુકેલા બાંકડા પર હું બેઠો છું. મારાથી સહેજ દૂર રસ્તો છે; અને તેની સામેની બાજુ પાર્કિંગ લોટ છે.  બેની વચ્ચે રસ્તા પર સફેદ રંગના, ત્રાંસા પાટા ચિતરેલા છે. એની ઉપર પગપાળા ચાલનાર જણ બિન રોકટોક, બિન્ધાસ્ત ચાલી શકે છે. રસ્તાની બન્ને બાજુની પાળીઓ લાલ રંગથી રંગાયેલી છે. ત્યાં કોઈને પાર્કિંગ કરવાની છૂટ નથી. ત્યાં માત્ર સામાજિક  સુરક્ષા માટેના વાહનો જ પાર્ક કરવાની છૂટ છે; જેવાંકે, લાયબંબો, પોલિસકાર કે એમ્બ્યુલન્સ વાન.

પાર્કિંન્ગ લોટમાં થોડા થોડા અંતરે સફેદ રંગના પાટા ચિતરેલા છે.  વાહનો સુગઠિત રીતે પાર્ક કરવામાં આવે તે માટેનું એમાં આયોજન છે. કોઈક આવા સ્લોટ પર હેન્ડીકેપ  માટેનું ચિહ્ન આલેખેલું છે. એ જગ્યા થોડીક પહોળી છે – અપંગ વાહનચાલકોની સવલત માટે. એમને ગાડી પાર્ક કરી, બહાર નીકળતાં  સુવિધા  રહે, તેવા શુભ હેતુથી એ નિર્માયેલા છે.

બહાર દૂર મુખ્ય રસ્તા પર જાતજાતના સફેદ કે પીળા; આખી, તૂટક, કે બેવડી લીટીઓવાળા પાટાઓ ચિતરેલા જોવા મળે છે. રસ્તા પરનો ટ્રાફિક શિસ્તબધ્ધ રીતે દોડતો રહે; એ માટે એ પાટાઓ માટેના નિયમો નક્કી કરેલા છે.

બધી લક્ષ્મણરેખાઓ..

જાતજાતની અને ભાતભાતની, આધુનિક લક્ષ્મણરેખાઓ. દરેક માટેના નિયમો અલગ અલગ. પણ એ રાખવા પાછળ સંરક્ષણની, શિસ્તની, કુશળ સંચાલનની ભાવના  સામાન્ય. એમની મર્યાદા જાળવવી પડે. એનું ઉલ્લંઘન થાય તો ભયજનક પરિસ્થિતિ ઊભી થઈ શકે. જાનહાનિ થઈ શકે. માલ મિલ્કતને નુકશાન થઈ  શકે.

અમુક લક્ષ્મણરેખાઓ ભૌતિક રીતે દોરેલી  નથી હોતી. એમને માટેની  સભાનતા વૈચારિક રીતે કેળવવી પડે છે. તે વધારે પુખ્ત, માનસિક શિસ્ત માંગી લેતી હોય છે.

જમાનાજૂની લક્ષ્મણ રેખાઓ. રામચન્દ્રજીના જમાનાથી ચાલી આવતી સુરક્ષા માટેની પ્રણાણિકાઓ. લક્ષ્મણરેખાનો અનાદર, ઉલ્લંઘન … અને ઝળુમ્બી રહેલા ભયને ત્રાટકવા માટે આમંત્રણ.

એ તો સાચું પણ..

જે ….સાહસિક છે,
સાગરખેડુ છે,
દુર્ગમ પ્રદેશોનો પ્રવાસી છે;
જે વૈજ્ઞાનિક, સંશોધક કે સત્યશોધક છે;
જે નવી કેડી પાડનાર છે;
જે યુગપરિવર્તક છે…

તેને આ લક્ષ્મણરેખાઓ નડતી નથી- એ તો એને માટે એક પડકાર છે.તે પોતાની લક્ષ્મણરેખાઓ નક્કી કરવા અને તેનો આદર કરવા પોતે જ સક્ષમ છે.

અવલોકન ગુલદસ્તો – ઈબુક

આ બ્લોગ પર ૩૫૭ અવલોકનો રજૂ કર્યાં હતાં. એમાંના પહેલાં ૩૦૦ ની બે ઈ- બુક પણ બનાવી હતી. આમાંથી ચૂંટલાં ૬૬ અવલોકનોનો આ ગુલદસ્તો પ્રસ્તુત છે –

ગઝલાવલોકન – ઈબુક સ્વરૂપે

થોડાંક વર્ષો પહેલાં, અંતરયાત્રાના એક તબક્કે લખ’વા’ પર નિયમન મૂકવાનો ધખારો જાગ્યો હતો. માત્ર ધ્યાન , ધ્યાન અને ધ્યાન જ. પછી એ સમજાયું કે, આપણે ચોવીસ કલાક ધ્યાનમુદ્રામાં રહી નથી શકતા! કદાચ કોઈક વીરલા , વિતરાગ અવસ્થાએ પહોંચે ત્યારે એમ થતું હશે. પણ આપણે તો સામાન્ય માણસ. એ ધખારા આપણને ન પોસાય . આપણે તો જીવનની ઘણી બધી પ્રવૃત્તિઓ કરવી પડે!
પછી એ પણ સમજાયું કે, ‘જીવવું પડે છે! ‘ એમાં મજબુરીનો ભાવ છે – એમાં જીવવાનો આનંદ લવલેશ નથી – કોરોકર નિર્વેદ છે.
આથી નેટમિત્ર શ્રી, વિનોદ પટેલના બ્લોગ પર મજાની, ગમતીલી ગઝલો અને ગીતો સાંભળતાં આવતા વિચારો લખવાની શરૂઆત કરી.

આ ચિત્ર પર ક્લિક કરી એ પહેલા લેખ પર પહોંચી જાઓ

એને રૂપકડું નામ પણ આપ્યું….

ગઝલાવલોકન

પછી તો એ રવાડો ઠીક ઠીક ચગ્યો અને નિજ બ્લોગ કે મિત્ર બ્લોગના સીમાડા ઓળંગી વેબ – ગુર્જરી ના ગુબ્બારે પણ ચઢી ગયો ! નવી એક શૈલી પણ ઉમેરાઈ – એક સરખા અલંકારોનો ઉપયોગ કરતી રચનાઓ.

હવે એ ચંચળતા ફરી ઓસરી ગઈ છે – સન્યાસ માટે નહીં પણ બીજી એક નવી નક્કોર દિશામાં પ્રસ્થાન તરફ . ત્યારે એ બધા ધખારા એક જગ્યાએ સમાવી લેવાનો આ પ્રયાસ છે – નીચેની ‘ઈબુક’થી