સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ઇજિપ્ત

પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ

ભાગ – ૧ કેરોમાં ઉતરાણ ઃ      ભાગ – ૨ પિરામીડ પ્લાઝા  ઃ    ભાગ – ૩ ઇજિપ્શિયન મ્યુઝિયમ   

ભાગ – ૪ કોપ્ટિક મ્યુઝિયમ  ઃ    ભાગ – ૫ મેમ્ફિસ, સક્કારા  ઃ    ભાગ – ૬, રોઝેટા શીલાલેખ    

 ચાર દિવસોમાં કેરો ખાતે અને તેની નજીક જે જે જગ્યાઓ જોવા ધાર્યું હતું; તે બધી જોવાઈ ગઈ. પાંચમા દિવસે આમ તો એલેક્ઝાન્ડ્રિયા જઈ શક્યો હોત; પણ કેરોથી ઘણે દૂર આવેલ હોવાથી, મારા ટૂર આયોજક પુત્ર વિહંગની ત્યાં જવા મનાઈ હતી. એ આજ્ઞા પિતાવત્  પાળી !! બાકી ઇજિપ્ત પર ગ્રીક સંસ્કૃતિના પ્રભાવની ઝલક મેળવવા અને ક્લિયોપેટ્રા, જુલિયસ સીઝર અને એન્થનીને યાદ કરી લેવા માટે ત્યાં જવું પડે! કેરોમાં એ બધાનું નામોનિશાન જોવા ન મળ્યું.   

લો………અહીં જાતે એનો અભ્યાસ કરી લો.   અને…….. આ તો ખાસ….

File:The Burning of the Library at Alexandria in 391 AD.jpg

જુલિયસ સીઝરની ચઢાઈ વખતે બાળી મૂકેલી લાયબ્રેરી

ખેર, ઇજિપ્તની આવતી મુલાકાતમાં એનો અને  ‘અબુ સિમ્બલ’ નો વારો !

File:Nefertari Temple Abu Simbel May 30 2007.jpg

    ‘નેફરેતી’નું મંદિર

   આમ પાંચમો દિવસ આરામનો દિવસ હતો. બપોરના અગિયારેક વાગે નીચે આવી, સ્વિમિંગની મોજ માણી.

IMG_2741 IMG_2637

        અહીં એક અવનવો અનુભવ થયો. દૂર બે યુવાનો પૂલમાં મસ્તી કરી રહ્યા હતા. ‘કાકા’-ઈસ્ટાઈલે એમની   સાથે સંગત કરવા મન થયું. અને થોડાક જ પ્રયત્ને બરફ સાવ ઓગળી ગયો.

      કેવી હતી, એ સંગતની રંગત?

      એમાંના એક જણને સાવ ભાંગ્યું ટુટ્યું અંગ્રેજી આવડે. એ અલેક્ઝાન્ડ્રિયાથી ફ્રાન્સના માર્સેલ્સ જઈને સ્થાયી થયેલો.  તળ માર્સેલ્સના બીજાને તો અંગ્રેજીનો એક શબ્દ પણ ન આવડે. પૂરેપૂરો ફ્રેન્ચ બચ્ચો.

     અને છતાં અડધો કલાક એમની સાથે દીલ ભરીને સંગત હાલી. તેમણે  ગાંધીજી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન વિ.ને યાદ કર્યા. મેં ‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’ના એડમન્ડ દાંતે અને ‘લા મિઝરેબલ’ના જ્યાં વાલજ્યાં ને. અને મારી બહુ જ માનીતી થ્રીલર નવલકથા – ‘જેકલ ઇઝ આઉટ’ ને!

      ભાષાની અડચણ છતાં, અમે માંડ માંડ છૂટા પડ્યા. આંતરરાષ્ટ્રીય સંગતનો કદાચ આ પહેલો અને છેલ્લો અનુભવ હતો.

    સાંજે એક સાહસ કર્યું. મુખ્ય રસ્તા પરથી એરપોર્ટ જતી એક બસમાં ચઢી બેઠો અને બસની અંદર અને બહાર, કેરોના જન જીવનને પેટ ભરીને નીહાળ્યું.

  • આપણા જેવા  જ સામાન્ય માણસોની, રોજબરોજની ઓફિસથી પોતાના માળામાં પાછા જવાની વ્યથાઓ, કથાઓ.
  • બસમાં અરબ ભાષામાં ન સમજાય છતાં પણ ભાવનું અનુમાન કરી શકાય એવી ગોઠડીઓ
  • બસમાં ચઢવા/ ઊતરવાની/ ઊભા રહેવાની હાલાકીઓ.
  • રસ્તા પરની દુકાનોમાં થતી ચહલ પહલ

…………..

      અને છેલ્લા દિવસની સવાર આવી પહોંચી. છેક સાંજનું પ્લેન પકડવાનું હોવા છતાં, શુક્રવાર હોવાના કારણે ૧૨ વાગે એરપોર્ટ પર પહોંચી જવાનું નક્કી કર્યું હતું. દસેક વાગે અલીને કહ્યું, “ફલાફલ તો બે વખત આરોગ્યું. પણ બીજી કોઈ શાકાહારી વાનગી ન મળે?”

      અને અલી એક હોટલમાં લઈ ગયો અને ત્યાં ‘કશેરી’ નો આસ્વાદ કરાવ્યો- ઇજિપ્શીયન ભેળ !

      અહીં વાંચીને જાતે બનાવી લો!

      અને છેલ્લો મુકામ.. દુબાઈ જવા એરપોર્ટ તરફ પ્રયાણ. એરપોર્ટ પર આડે ધડે પાર્ક કરેલી કારોની વણજાર વચ્ચેથી  દૂર રાખેલાં કાર્ટ  લઈ આવવાની પળોજણ. ઝડપભેર સામાન એમાં મૂકી દેવાની ઉતાવળ…

     અને એરપોર્ટના દરવાજે પહોંચતાં જ અલીનું ભરેલા શ્વાસે મારી તરફ ધસમસતા  દોડી આવવું!

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો 'અલી'

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો ‘અલી’

      મારી હાથમાં રાખવાની થેલી હું એની ટેક્સીમાં ભૂલી ગયો હતો!

     મારું સમસ્ત અસ્તિત્વ (!) એમાં હતું – અલબત્ત ટૂરિસ્ટ તરીકેનું જ તો. પાસપોર્ટ, ઇન્ડિયન વિસા, ટિકીટ, ડોલરો, ક્રેડિટ કાર્ડ… બધું જ.

     અલીને એ ખબર હતી; અને છતાં એ ખાનદાન આરબે  હું ખોવાઈ જાઉં એ પહેલાં એ બધું મને સુપ્રત કરી દીધું. હું રીતસર અલીને ભેટી જ પડ્યો.

માનવતા મરી પરવારી નથી.

      ‘રામસેસ’ અને ‘નેફરેટી’ તો ક્યારનાય ભુલાઈ ગયા છે; પણ ‘અલી’ અને આ અનુભવ મરણ લગણ યાદ રહી જશે.

પિરામીડોના દેશમાં, ભાગ -૬; રોઝેટા શીલાલેખ ( Rosetta stone)

       આખીયે આ લેખ શ્રેણીનું ઉદ્‍ભવસ્થાન છે – આ જણનો પુરાતત્વકીય અને ઐતિહાસિક સાહિત્યમાં વાંચનનો રસ. અહીંની નવરાશ અને સમયની મોકળાશનો ભરપટ્ટે ઉપયોગ આ દિશામાં કર્યો છે; અને હાલની આંતરયાત્રા તરફ ઢળતી મનોવૃત્તિ છતાં એ રસને હજી નાબૂદ કરી શક્યો નથી. કદાચ એ યાત્રામાં આગળ વધતાં એ ઝરણાં સૂકાઈ જાય અથવા કોઈ ધસમસતી નદીમાં ભળી જાય; એમ બને. પણ હાલ તો એનાથી મનોમય કોશને મળતા આનંદને સંતોષવાની વૃત્તિ ટકેલી છે – એ હકીકત છે!

—————

      આ વૃત્તિના પ્રતાપે, ઇજિપ્તની ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ માટે હમ્મેશ લગાવ રહ્યો છે. ઈતિહાસ, સમાજ જીવન, આધિભૌતિક માન્યતાઓ – ખાસ તો મરણોત્તર જીવન અંગેની માન્યતાઓ – આ બધા એટલો તો વાંચનરસ જગાડતા રહ્યાં છે કે, એ પ્રેરણાના આધારે, અને નેટમિત્ર મુર્તઝા પટેલ કેરોમાં રહેતો હોવાના એક આશા તાંતણે, કેરો જવાની હિમ્મત કરી; અને આ પ્રવાસ યોજાઈ ગયો. આખાયે પ્રવાસ દરમિયાન ઇજિપ્તના સામ્પ્રત લોકજીવનમાં સૌથી વધારે રસ પડ્યો. ઈતિહાસમાં બહુ ઓછો. પણ ઇતિહાસ અને પુરાતત્વની બાબતોમાં જો એક ખાસ ચીજ આ જણના માનસને સૌથી વધારે ઉત્તેજિત કરી ગઈ હોય તો તે છે –

રોઝેટા શીલાલેખ (અંગ્રેજીમાં એને રોઝેટા સ્ટોન કહે છે.)

rosetta

        ઇજિપ્તના મ્યુઝિયમમાં પ્રવેશતાં જ એનો ફોટો મૂકેલો છે. પણ એ અસલી શીલાલેખ તો બ્રિટીશ મ્યુઝિયમમાં સંગ્રહાયેલો છે. ૧૭૯૯ની સાલમાં અલ–રશીદ ( ફ્રેન્ચ નામ ‘રોઝેટા’) નામની જગ્યાએ, નેપોલિયનની સેનાએ એ ગોતી કાઢેલો અને એલેક્ઝાન્ડ્રિયામાં સાચવી રાખેલો. પણ નેપોલિયનની હાર થતાં, યુદ્ધ પછીની સંધિના એક ભાગ રૂપે, ઈ.સ. ૧૮૦૧થી એ બ્રિટીશ મ્યુઝિયમની માલિકીમાં આવ્યો હતો. અને ત્યારથી તે ત્યાં સચવાયેલો પડ્યો છે.

      ભાષાશાસ્ત્રીઓ માટે તે રસનો વિષય બની ગયો હતો; અને એ સાવ વ્યાજબી હતું.

    સૈકાઓથી બદલાતી રહેલી શાસન વ્યવસ્થા અને તેના સ્થાપિત હિતોના પ્રતાપે ઇજિપ્તની મૂળ બે જાતની ભાષાઓ (હિરિયોગ્લિફ– શાસ્ત્રીય જે મંદિરો, પિરામીડો વિ. સ્થાપત્યોમાં વપરાતી હતી અને બીજી – ડેમોનિક,  જે સામાન્ય વ્યવહારમાં) તે સાવ ભૂલાઈ ગઈ હતી. પ્રાચીન ઇજિપ્તના સમાજમાં લેખન જ્ઞાન એક બહુ જ નાના વર્ગ પૂરતું મર્યાદિત હતું; અને તેનો ઉપયોગ માત્ર સમાજના ઉપલા થર માટે જ  મર્યાદિત હતો. એ થર સત્તાની સાઠમારીમાં સ્વાભાવિક રીતે નષ્ટ થતો ગયો. ઈ.સ. પૂર્વે ૩૩૨ માં સિકંદરના વિજય બાદ, ઇજિપ્તમાં ગ્રીક શાસનનો  ઉદય થયો હતો, પણ એ ઉપલો સ્તર સત્તા પર ન હોવા છતાં અસ્તિત્વમાં હતો; અને બન્ને ભાષાનો ઉપયોગ જારી રહ્યો હતો. આ જ કારણે ૧૩ વર્ષની ઉમ્મરના ટોલેમી-પાંચમાએ એ વર્ગને વિશ્વાસમાં જાળવી રાખવા, પોતે કરેલાં મહાન કાર્યોનુ વર્ણન – (ખાસ કરીને ઇજિપ્તનાં પ્રાચીન મંદિરોનું રક્ષણ) અને એને લગતાં ફરમાનો  એમાં કરેલાં છે.

       મહત્વની વાત એ હતી કે, એ શીલાલેખ પર આખું ફરમાન ત્રણ ભાષાઓમાં કરવામાં આવેલું હતું – ગ્રીક, અને ઇજિપ્તની બે ભાષાઓ – હિરિયોગ્લિફ અને ડેમોનિકમાં.

      પછી તો ગ્રીક સત્તાનો અસ્ત થયો અને ક્લિયોપેટ્રા અને એન્થનીની હાર થતાં, ઇજિપ્ત રોમન શાસન હેઠળ આવ્યું. રોમનોને ઇજિપ્તની સંસ્કૃતિમાં કોઈ રસ ન હતો; અને સમાજના ઉપલા થરને રાજી રાખવાનો સહેજ પણ ઇરાદો ન હતો. આથી ધીરે ધીરે આ ભાષાનો વપરાશ ઘટતો ગયો. ઈ.સ. ૪૦૦ બાદ આ બન્ને ભાષાનાં ઉપયોગ અને જાણકારી સાવ લુપ્ત થઈ ગયાં. એ મૃત ભાષા બની ગઈ. એટલે સુધી કે,  બોલચાલમાં પણ એનો વપરાશ બંધ થઈ ગયો. એ વખતની લોકકથાઓ, વાયકાઓ, ધાર્મિક માન્યતાઓ  વિ.  પણ લોકમાનસમાંથી ભુલાઈ ગયાં.

       એ રોમન શાસન પણ જતું રહ્યું; અને અરબો અને તુર્કોના શાસનકાળમાં એ ભાષાઓ જાણવા માટે કોઈ ઉત્સાહ ન હતો.

      થોમસ યન્ગ નામના એક ભૌતિક્શાસ્ત્રીના ધ્યાનમાં આ શીલાલેખના ગ્રીક ભાગમાં ટોલેમીનું નામ લખેલું છે; એ વાત સૌથી પહેલી વાર આવી. આના પરથી પ્રેરણા લઈ ફ્રેન્ચ ભાષા શાસ્ત્રી જિન ( ફ્રેન્ચ ઉચ્ચાર –જ્યાં) ફ્રેન્કોઈસ કેમ્પોલિયને  ક્ર્મ બદ્ધ રીતે, અથાક મહેનતથી ગ્રીક અને ઈજિપ્તની એ બે લીપીઓ વચ્ચેનો સંબંધ ઉકેલ્યો.

     ત્યાર બાદ અનેક વિદ્વાનો માટે એક નવા જ શાસ્ત્રના દરવાજા ખૂલી ગયા; અને ધીમે ધીમે ‘ઇજિપ્તોલોજી’ અસ્તિત્વમાં આવી. આના પ્રતાપે હજારો સ્થાપત્યોમાં અકબંધ કોતરાયેલી, પ્રાચીન ઇજિપ્તના ઈતિહાસની તવારીખ જાણવા મળી. આટલી જૂની સંસ્કૃતિની અકબંધ માહિતી હવે પ્રાપ્ત છે- જે કદાચ જગતની બીજી કોઈ સંસ્કૃતિ માટે ઉપલબ્ધ નથી.

[ વિશેષ માહિતી માટે અહીં ‘ક્લિક’ કરો .]

      ભાષા માનવ સમાજ માટે કેટલું અગત્યનું સાધન છે; એનું રોઝેટા શીલાલેખ નક્કર ઉદાહરણ છે.   

      અને હવે તો ‘રોઝેટા સ્ટોન’ શબ્દ ન ઉકેલી શકાય એવી સમસ્યાઓના ઉકેલ માટેનો એક પર્યાય બની ગયો છે.  વિશ્વની અનેક ભાષાઓ શીખવા માટેના એક સોફ્ટવેરનું નામ પણ ‘રોઝેટા સ્ટોન’ છે!

—————-

જો આ લેખમાં તમને રસ પડ્યો હોય તો આવા બીજા  પુરાત્વકીય લેખો આ રહ્યા…

  1. એક મંદીરની શોધમાં – ભાગ -1
  2. એક મંદીરની શોધમાં – ભાગ-2
  3. એક મંદીરની શોધમાં ભાગ -3

——————————–

  1. ટાઈગ્રીસને તીરે, ભાગ – 1
  2. ટાઈગ્રીસને તીરે, ભાગ -2
  3. ટાઈગ્રીસને તીરે, ભાગ -3

પિરામીડોના દેશમાં, ભાગ-૫, મેમ્ફિસ, સક્કારા

મેમ્ફિસ – ઈજિપ્તના જૂના સામ્રાજ્યની રાજધાની;

સક્કારા એ સામ્રાજ્યના સમ્રાટોનું કબ્રસ્તાન, સૌથી પહેલા પિરામીડનું ઉદ્‍ભવસ્થાન

– ઈશુ ખ્રિસ્તથી ૩૦૦૦  વર્ષ પહેલાંનાં સંસ્કૃતિનાં સ્થાનક.

        અને અત્યારે જુઓ તો? એક કરોડની વસ્તીવાળા, ધમધમતા કેરો થી માંડ ૨૫ કિ.મી. દૂર આવેલાં બે નાનકડાં ગામડાં! પણ એના સુવર્ણકાળમાં કેરો તો શું, યુરોપિયન સભ્યતાની જનેતા જેવી  ગ્રીક સંસ્કૃતિનું પણં કોઈ નામોનિશાન ન હોતું. અરે! ફિનિશિયનો પણ ૧૫૦૦ વર્ષ પછી ભૂમધ્ય સમુદ્રને ખૂંદવાના હતા.

       મારી ઇજિપ્ત સફરના ચોથા દિવસે ભૂતકાળની એ મહાન અસ્તિત્વની રજ માથે તો નહીં ; પણ મારા જોડા નીચેથી સરકી!

       યુવાન અવસ્થામાં આવી ઐતિહાસિક  જગ્યાઓએ જવાની તક મળે તો ભાવવિભોર બની જતો. જીવનના ૭૦ વર્ષ પુરા થવાને માંડ બે મહિના બાકી છે ત્યારે, કદાચ આવી ભાવુકતા ખરી પડી છે – માથાના વાળની કની!

       પણ આવી જગ્યાઓએ એની જનક પ્રજાને સલામી જરૂર અપાઈ જાય છે. પાંચ હજાર વર્ષ પહેલાંની એ પ્રજાએ આટલાં જટિલ સ્થાપત્યો બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી –  જ્યારે દુનિયામાં બીજી મોટા ભાગની જગ્યાઓમાં માણસ માંડ ખેતી કરતાં શીખ્યો હતો. અને અલબત્ત એમના નાયકો, ફેરો – ભલે બધા રાજાઓ અને સમ્રાટોની જેમ સત્તા અને સમૃદ્ધિની પાછળ પાગલ હતા  –  પણ આ કક્ષાની નેતાગીરી પૂરી પાડવી, એ  પણ કાંઈ નાની સૂની સિદ્ધિ તો ન જ હતી.

File:Egypt-Hieroglyphs.jpg

મેમ્ફિસ

File:Saqqara pyramid.jpg

સક્કારા

     ખેર, ઈતિહાસને બાજૂએ મુકીએ તો,એ દિવસની ખુશનુમા સવારમાં,  કેરોથી મેમ્ફિસ અમે માંડ અડધા કલાકમાં પહોંચી ગયા. મેમ્ફિસમાં એક નાનકડું આઉટડોર મ્યુઝિયમ જોવા મળ્યું.રામસેસની ખંડિત પ્રતિમાને સૂતેલી જોઈ, અને બીજાં બધાં સ્થાપત્યો પણ. આજુબાજુ લહેરાતી ખજૂરીઓ પણ મનમોહક લાગતી હતી. આપણે ત્યાં ભાગ્યે જ જોવા લળે તેવાં ખચ્ચરો અને એમનાથી ચલાવાતી ગાડીઓ પણ મારે માટે એક નવાઈની ચીજ હતી.

     મેમ્ફિસમાં કલાકેક ગાળી, થોડેક જ દૂર આવેલા સક્કારાનાં સૌથી પ્રાચીન પિરામીડ અને તેમની બાજુના મંદિરની મુલાકાત લીધી. સક્કારામાં કોઈ લીલોતરી જોવા ન મળી. તળ ઇજિપ્તના રણપ્રદેશની ઝાંખી અહીં મળી – નાઈલનો પ્રભાવ અહીં સુધી પહોંચતો ન હતો.

      રસ્તામાં હુક્કાની લહેજત મફતમાં આપતી ચાની દુકાનમાં ગરમાગરમ ચાની ( દૂધ વિનાની જ તો !)  પણ લહેજત માણી.

     ૫૦૦૦ વરસ પહેલાં વીતી ગયેલા એ સમયના અવશેષ અને  એ બે જગ્યાઓની  સ્મૃતિઓની ઝલક આ રહી….

      સૌથી વધારે યાદ રહી જાય એવી વાત હતી- આ બે મુલાકાતો પતી ગયા પછી, ઇજિપ્તની વણાટ કળાના એક કારખાનાની મુલાકાત. નાનાં આસનોથી માંડીને મોટી કાર્પેટો બનતી જોવા મળી; અને આ એકવીસમી સદીમાં પણ ઇજિપ્તની પ્રાચીન કળા અકબંધ મોજૂદ જોઈ હરખ થયો. ખાસ તો સીધે સીધા વાણાના સ્થાને વાંકા ચૂંકા વાણા પરોવી બનાવાતી અદ્‍ભૂત ડિઝાઇનો જોઈ એ કલાકારની આવડત અને કળા માટે અનહદ માન ઉપજ્યું.

     આ બધી મુલાકાતો પતાવી, ફરીથી ફલાફલનું જમણ પણ પતાવી હોટલ પર પહોંચ્યો;  ત્યારે બપોરનો માંડ એક વાગ્યો હતો. સાંજે પિરામીડ પ્લાઝામાં પ્રકાશ અને ધ્વનિ શો જોવાનું મન થયું; અને અલીને વાત કરતાં, એ તો અલબત્ત તૈયાર થઈ જ ગયો !

      અને સાંજે એ અદ્‍ભૂત જગ્યાએ ફરીથી પહોચી ગયો. જીવનમાં બે વખત આવા શો જોયા હતા. અમદાવાદના ગાંધી આશ્રમ અને દિલ્હીના લાલ કિલ્લામાં. પણ આ સ્થાનની ભવ્યતા તો બેમિસાલ હતી. આટલા મોટા ફલક પર સ્ફિન્ક્સની સામે બેસીને અને ત્રણ ત્રણ ગગન ચુંબી પિરામીડોને રંગબેરંગી પ્રકાશમાં પ્રજ્વલિત થતા જોવાનો રોમાંચ સાવ અલગ જ હતો. અને સાથે એન ભવ્ય ઈતિહાસની ગાથાનું શ્રવણ.

IMG_2989 IMG_2995 IMG_3008 IMG_3010 IMG_3018

——-

પિરામીડોના દેશમાં, ભાગ -4, કોપ્ટિક મ્યુઝિયમ

       મ્યુઝિયમમાંથી બહાર આવ્યો. બપોરના ૧૨ વાગી ગયા હતા. ‘અલી પાછો નહીં આવે તો કેમેરાના પણ બાર વાગી જશે.’ –  એ ભય પણ ભુખની સાથે સતાવી રહ્યો હતો. અલી પણ આવી ગયો, અને કેમેરા પણ – ફરી ચાલુ થઈને.

      બે દિવસ , સતત ઘેરથી આણેલાં મેથીના થેપલાંને સવારના નાસ્તા બાદ  આરામ આપવાનું નક્કી જ કર્યું હતું.  ઈજિપ્તની વાનગી ’ફલાફલ’ આરોગવા ઇચ્છા હતી. અલીને આ વાત કરી; અને ભીડથી ઉભરાતા નાના રસ્તા પર એણે બાજુમાં કાર ઊભી રાખી અને મને રાહ જોવાનું કહી, એ તો બાજુની ગલીમાં ચાલ્યો ગયો અને થોડી વારે ફલાફલનાં બે પેકેટ લઈ આવ્યો.

      મેં એને કહ્યું,” ચા/કોફીની સાથે આ ખાઉં તો ઠીક.”

     તેણે હકારમાં ડોકું ધૂણાવ્યું અને થોડીક વારે કોપ્ટિક મ્યુઝિયમની પાસે આવેલી એક દેશી ‘કોફી શોપ’ આગળ કાર ઊભી રાખી. અને આખીયે સફરમાં યાદગાર રહી જાય એવી અરબ –સંગતનો મને લ્હાવો મળી ગયો.

     ગરમાગરમ ઇજિપ્શીયન ચા અને ફલાફલ આરોગવા લાગ્યો, અને અલી એના હુક્કાની લહેજત. ટેબલ ખાલી થયા પછી પાછળ નજર કરી તો પાંચેક અરબ ડોસાઓ આતુરતાથી અમારી તરફ જોઈ રહ્યા હતા. ત્રણ જણા ‘ ડોમિનો’ ની રમત રમતાં રમતાં મારી તરફ ડોકિયાં કરી લેતા હતા. થેલીમાંથી સુગંધી સોપારી કાઢીને મુખવાસની મઝા માણી રહ્યો હતો; ત્યાં મને અળવીતરું કરવાનું સૂઝ્યું –

‘ આમેય હાદજન ખરો ને?’

    સોપારીના બે પાઉચ કાઢીને મેં એ ડોસાઓને ધર્યા. એક જણે હિમ્મત કરીને સોપારીનો એક ટુકડો મોંમાં મૂક્યો અને મેન્થોલની ચરચરાટી અને સાકરની મધુરતા ચાખી મલકી ઊઠ્યો. હવે બીજાએ પણ હિમ્મત કરી. પણ એના ખૂલેલા સાવ બોખા મોંને નિહાળી મને ગમ્મત સૂઝી. ‘ Not for you.’ કહેતાં કહેતાં મારી સાબૂત બત્રીસી તેને બતાવી. આખું ટોળું ભાષાના માધ્યમ વિના પણ ખડખડાટ હસી પડ્યું.  અને અમારી વચ્ચેનો બરફ ઓગળી ગયો. ભાંગી ટૂટી ભાષામાં એમની ભારત વિશેની જાણકારી અને સદ્‍ભાવની લાગણીઓ નાઈલના મુક્ત પ્રવાહની કની વહેવા લાગી.
ગાંધીજી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન,ઐશ્વર્યાને એ લોકોએ યાદ કર્યા.
મેં નાસર,  સાદત, નેફરેટી, ક્લિયોપેટ્રા અને રામસેસને …

બપોરની એ દસ પંદર મિનીટ ભારત – ઇજિપ્ત વચ્ચેની બિરાદરીની એક નાનકડી કડી બની રહી.

     હવે અલીનો બંદગીનો સમય થઈ ગયો હતો. મેં પણ તેના આશ્ચર્ય વચ્ચે મસ્જિદમાં અંદર આવવાની પરવાનગી માંગી. એ તો ખુશ ખુશ થઈ ગયો. અને મેં પણ એ સરસ મસ્જિદમાં દસેક મિનીટ માટે  ‘સુદર્શન ક્રિયા’ કરી લીધી. તે સુમધુર બિરાદરીની ઝલકો આ રહી…

અને છેલ્લે..

        બપોરના એ આખરી મુકામ – કોપ્ટિક મ્યુઝિયમમાં અમે પહોંચી ગયા. ઇજિપ્તની આપણી ઓળખ એક જૂની, વિદાય લઈ ચૂકેલી સંસ્કૃતિના અવશેષ કે એક ઝનૂની અરબ દેશ તરીકેની જ છે. પણ ઇશુ ખ્રિસ્તના અમુક અનુયાયીઓએ ધાર્મિક ત્રાસથી બચવા મિસરમાં આશરો લીધો હતો; એ વાત કદાચ આપણે જાણતા નથી. રોમના શહેનશાહે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યાર બાદ મિસરમાં વિકસેલ ‘કોપ્ટિક’ સમ્પ્રદાયે ગુરૂકૂળ અને આપણા મુનિઓ યાદ આવે તેવી (Monesticism) ખ્રિસ્તી વિચારની શાખા વિકસાવી હતી. આખાયે ખ્રિસ્તી જગતમાંથી એ આશ્રમની યાત્રા કરવા ખ્રિસ્તી સાધકો મિસરની મુલાકાત લેતા.

Loading Image

      અરબોના આક્રમણ પછી, કોપ્ટિક સંસ્કૃતિનો અંત આવ્યો હતો. પણ એ ગાળાની અદ્‍ભૂત કલાકારીગીરી, જીવન પદ્ધતિ અને અંતરયાત્રાની અનોખી રીતની સુંદર ઝલક આ મ્યુઝિયમમાં જોવા મળે છે. પાછા વળતાં રસ્તામાં એક બે ઐતિહાસિક મસ્જિદો અને છેલ્લા તુર્ક શહેનશાહનો વૈભવી મહેલ પણ ઊડતી નજરે જોઈ લીધો.

       અને વધતી જતી વસ્તીએ રહેઠાણ માટે અપનાવાયેલા કબ્રસ્તાનનો વિસ્તાર પણ અલીએ બતાવી દીધો.
હાય રે! આધુનિક માનવ જીવનની કઠણાઈઓ!

      આ રહી કેમેરાની આંખે એ યાદગાર બપોરની ઝલક( અલબત્ત અહીં પણ મ્યુઝિયમની અંદર કેમેરા લઈ જવાની મનાઈ હતી.) …

કોપ્ટિક સંસ્કૃતિ વિશે વિશેષ અહીં…

વધુ આવતા અંકે…

પિરામીડોના દેશમાં, ભાગ -3, ઇજિપ્શિયન મ્યુઝિયમ

     ત્રીજા દિવસે તૈયાર થઈને હોટલની બહાર નીકળ્યો; એ ચિંતા સાથે કે, ‘અલી જો એનું વચન ન પાળે ; અને એને બીજો ઘરાક મળી ગયો હોય તો, મારે સારથી-શોધ નવેસરથી આરંભવી પડે.’  પણ અલી જેનું નામ? ……બરાબર આઠના ટકોરે એ તો હાજર થઈ ગયો.

     અને ગીઝા છોડીને તળ કેરોમાં મારી ત્રીજા દિવસની સફર શરૂ થઈ. નાઈલ ઓળંગતાં જ વિશ્વની આ સૌથી લાંબી નદીનો વિશાળ પટ જોઈ મન પ્રસન્ન થઈ ગયું. હજારો વર્ષથી તળ આફ્રિકામાંથી આ માતા કાંપ ખેંચી લાવે છે; અને દરેક ચોમાસે પૂર ફેલાવી નાઈલ ખીણને ફળદ્રૂપ કરી નાંખે છે. મીસરની મહાન સંસ્કૃતિ જેના તટમાં વીકસી, વીલસી એ જ આ લોકમાતાએ રૂદનનાં પોશ પોશ આંસુ સાર્યાં છે – એસિરિયન,  ગ્રીક, રોમન, અરબ, તુર્ક, ફ્રેન્ચ , બ્રિટીશ, અને જર્મન સૈન્યોનાં ધાડે ધાડાંઓએ પાશવી હત્યાકાંડથી જૂની સંસ્કૃતિઓને છીન્ન ભીન્ન કરી નાંખી, એના શોકમાં.

      કે પછી- આ બધી મારા અલ્પ જ્ઞાન આધારિત કલ્પનાઓ માત્ર જ છે? નદી તો એમની એમ અક્ષુણ્ણ અવિચળ વહેતી જ રહી છે ને?

  [ ‘સરિતા’ની આત્મકથા વાંચવા ઈજન છે…  ભાગ -૧  ;      ભાગ -૨ ;     ભાગ-૩ ]

   ખેર.. એના તટનાં આ ચિત્રો મનભરીને માણી લો..

    અને ઓલ્યા ‘ટાવર ઓફ ઇજિપ્ત’ની છબી ખેંચતાં મારો કેમેરા રીસાણો. એના સેલની આવરદા ખતમ થઈ ચૂકી હતી. મેં એનો સેલ ખરીદી લાવવાની વિનંતી અલીને કરી અને હું ઇજિપ્તની સંસ્કૃતિનું મ્યુઝિયમ જોવા રવાના થયો.

    એના પ્રવેશ કક્ષમાં સૌથી આગળ જ ‘રોઝેટા શીલાલેખ’નો ફોટો મૂકેલો હતો- જેના થકી એ પુરાતન સંસ્કૃતિની સાવ ભૂલાઈ ગયેલી લીપી ડેસિફર( ગુજરાતી પર્યાય?)  થઈ હતી. એ મહાન શીલાલેખની વાત માટે તો એક અલગ લેખ જ લખવો રહ્યો. આખાયે મ્યુઝિયમમાં ઈતિહાસ, સ્થાપત્ય, કળા, પુરાતત્વ, નાઈલની  અદભૂત સંસ્કૃતિ વિ.ની વાતો પાર્શ્વભૂમિમાં જ રહ્યા કરી; અને મીસરની એ મહાન પ્રજાએ ૫૦૦૦ વર્ષ પહેલાં પેદા કરેલો એ ખજાનો જોઈ માનવ મહેરામણની તાકાત માટે અનહદ માન ઉભરાયા જ કર્યું. ( અને એ ન ભૂલાય કે બહુ જ નાનો એવો હિસ્સો જ આ મ્યુઝિયમમાં છે, ઘણો મોટો ભાગ તો યુરોપનાં મ્યુઝિયમોમાં કેદ પડેલો છે!)

    મ્યુઝિયમની અંદર ફોટા પાડવાની મનાઈ હતી. પણ એની બહાર મારા સ્માર્ટ ફોન વડે પાડેલા ફોટા આ રહ્યા…

   જો કે, નેટ ઉપરથી તો ઢગલાબંધ ફોટા અને સાહિત્ય તો મળી જ રહેશે. લો એક આ સેમ્પલ…

King Tut, Cairo

      પણ આ અમદાવાદીને સતત એ ચિંતા રહ્યા કરી કે, ‘સેલ ખરીદવાના કામ સાથે, સાવ અજાણ્યા અલીને મેં મારો અમદાવાદમાંથી ૧૩,૦૦૦ રૂ.ની માતબર રકમમાં ખરીદેલો કેમેરા પણ આપી દીધો. અલી પાછો નહીં આવે તો?’

    પણ એ દિલાવર દિલના અરબે મારી શંકા કુશંકાઓને ખોટી પાડી દીધી. તેણે નવા સેલ ખરીદી, કેમેરા ચાલુ કરાવી દીધો હતો – અને મને અકબંધ સોંપી દીધો. એની આ નેકીએ માનવ મૂલ્યોમાં મારી શ્રદ્ધા બેવડાવી દીધી.

    હવે પછીનો મારો મૂકામ હતો ‘ કોપ્ટિક મ્યુઝિયમ’ પણ એની વાત તો હવે પછીના લેખમાં જ કરવી પડશે.

પિરામીડોના દેશમાં, ભાગ -૨, પિરામીડ પ્લાઝા

     બીજા દિવાસની સવાર પડી. સામેના ટેબલ પર રૂમ સર્વિસનું કાર્ડ પડ્યું હતું. ૧૨ ઇજિપ્શીયન પાઉન્ડનો ભાવ વાંચી આ અમદાવાદીની સવારી ચાની તલપ ઠરી ગઈ! તૈયાર થઈ નીચે ગયો અને રેસ્ટોરન્ટમાં તપાસ કરી તો ખબર પડી કે, ન્યાં કણે તો બ્રેકફાસ્ટ જ મળે – કમરને બ્રેક કરી નાંખે એવા મૂળાના પતીકા જેવા ૭૫ પાઉન્ડના ભાવમાં!

    હોટલની બહાર નીકળી, થોડે દૂર આવેલા મેઈન રોડ પર સારી અને સસ્તી રેસ્ટોરન્ટ ગોતવા ખાંખા ખોળા કર્યા; પણ સવારના પોરમાં એકેય ખુલી ન હોતી. દેશમાં જોવા મળે તેવા રોડ સાઈડ ગલ્લામાં ઉકળતી ચા મળતી જોઈ, દિલ કઠણ કરીને બાજુના સ્ટૂલ પર બેઠો અને એક કપ ચા ઓર્ડર કરી. ભાષાની મુશ્કેલીની પહેલી સમજ અહીં પડી ગઈ. સાઈન લેન્ગ્વેજથી મારો ઓર્ડર સમજાવ્યો. તરત કાચના પ્યાલામાં ચાની ભુકી નાંખી, ઊકળતું પાણી અને ખાંડ ઉમેરી, ચા હાજર થઈ ગઈ. હવે આને દૂધ ઉમેરવાનું શી રીતે સમજાવવું? પણ ગલ્લા પર દૂધ રાખવાનું કોઈ પાત્ર નજરે ન પડતાં, ‘આ જ મારી સવારી ચા!’ના ઉદ્‍ગાર અને પત્નીએ સાથે બંધાવેલ મેથીના થેપલા સંગાથે આ જુગલબંધી ટ્રાય કરી જોઈ. અને માળી સવારની ભૂખ હો કે, હો કેરોના માહોલનો પ્રતાપ –  એ જુગલબંધી ઠીક ઠીક જામી હોં! અને પછી તો ચારેય દા’ડા સવારી ચા માટે આ ગલ્લો જ  મારો મુકામ બની ગયો.

        નવા બનેલા એ અરબ મિત્રોનો આ નજારો નીહાળી લો…

IMG_2645 IMG_2646

      પછી જેની બહુ ઉત્સુકતા પૂર્વક રાહ જોઈ રહ્યો હતો; તે પિરામીડના થાનકને ગોતવાની કાર્યવાહી દફતરે શરૂ થઈ!

       પંદરેક જ મિનિટ અને ભાંગ્યું ટુંટ્યું અંગ્રેજી બોલતા એક કોલેજિયન છોકરાની સંગતમાં ત્યાં પહોંચી પણ ગયો. અલબત્ત એની ખુદાબક્ષી સહન કરીને જ તો  – ન્યાં કણેય ગાઈડ ચાર્જ !

     – અને આખો દિવસ એ પાંચ હજાર વર્ષ પહેલાંની સંસ્કૃતિના અવશેષ સાથે ગાળ્યો. એ અંગે લખવા ખાસ ઉત્સાહ નથી. નેટ ઉપર અઢળક સાહિત્ય મળી જશે.

     આ લો …… ચપટીક વેબ સાઈટો

…..૧…… ,     …..૨…… ,    …..૩…… ,    …..૪…… ,     …..૫……

અને ઢગલાબંધ ફોટા…..

     ધીરજ હોય તો વાંચી/ જોઈ લેજો.  આમેય મને જીવન પછીના જીવન અંગેના એ મૂર્ખ ફેરો અને એના લોકોના ખયાલોમાં રસ કે વિશ્વાસ નથી. તમને હોય , તો એક પિરામીડ બંધાવવાનું વિચારી જોજો – અને એ પહેલાં બેન્ક બેલેન્સ અને તમામ સ્થાવર / જંગમ મિલ્કત ગીરે મુકવાની તજવીજ કરી લેજો!

     પણ એક વાત ચોક્કસ……

      આજથી પાંચેક હજાર વર્ષ પહેલાં જે પ્રજાએ આ મહાન સ્થાપત્યો સર્જ્યા હશે; એમની કળા, તાકાત, કમરતોડ મહેનત અને એ થકી ભેગી કરેલી સમૃદ્ધિ/ ક્ષમતા અને  લક્ષ્ય તરફની સતત જાગરૂકતા દાદ માંગી લે છે.  ભારતની મહાન સંસ્કૃતિએ આવાં કાયમી સ્મારકો કેમ ન સર્જ્યાં; એની હૈયાવરાળ પણ અહીં કાઢી દેવા દો.

એક બે સરસ મજાના અનુભવ – પિરામીડ પ્લાઝામાં.

     પિરામીડનો ફેરો ( કે એનો રખેવાળ) બપોરની રિસેસ માણી રહ્યો હતો; ત્યારે મારે એક કલાક તપશ્ચર્યા કરવાની હતી. એ સમય દરમિયાન સ્થાનિક શાળાનાં બારકસોનું એક ઝુંડ મારી બાજુમાં કિલ્લોલ કરતું હતું. મારા સ્વભાવાનુસાર બાળકો સાથે ગોષ્ટિ કરવાનું મન થયું; અને એ હંધાય ભાંગી ટૂટી અંગ્રેજીના સહારે અને મારા ‘ ઓરીગામી કૌશલ્ય’ના પ્રતાપે કામચલાઉ દોસ્ત બની ગયા. કલાક  ક્યાં નીકળી ગયો એ ખબર જ ન પડી. આ રહી એની બોલતી તસ્વીરો….

IMG_2657 IMG_2658

મારા બનાવેલા ઊંટ સાથે બાળદોસ્તો.
મારા બનાવેલા ઊંટ સાથે બાળદોસ્તો.

       એ પિરામીડની અંદર જઈ, મારા ભારત ખાતેના ફ્લેટના બેડરૂમ કરતાં પણ નાના ‘મમી’ રૂમમાં પ્રવેશવા કરેલી જહેમત, એનો સાવ કોરો કટ્ટ દિદાર જોઈ     સાવ વ્યર્થ લાગી. અલબત્ત  ફેરોના અંતિમસંસ્કાર વખતે એવા કમરા- કબરને કેવી સજાવી હશે, એનો નજારો તો ત્રીજા દિવસે મ્યુઝિયમમાં જરૂર જોવા મળ્યો.

      પણ… મજેની વાત તો હવે આવે છે. એ પિરામીડની બહાર નીકળી, થાક ઉતારી , બપોરનું ભોજન પતાવી બેઠો હતો, ( એ જ મેથીના થેપલાં અને અમેરિકાના એરપોર્ટ પર કઢાવી દીધેલા છુંદાની અવેજીમાં શુદ્ધ બોટલ(!)નું પાણી અને સરસ મજેની , ગુજરાતી તલસાંકળી… મોંમાં પાણી ન લાવતા ! )  ત્યાં એક આરબ ડોસો લોપસ લુઝુલીનું બનાવેલું કોઈક ઘરેણું વેચવા આગ્રહ કરતો આવી પહોંચ્યો. એને સવિનય ના પાડી અને એનો આ ફોટો લીધો.

IMG_2671

       તો…

      એ ફોટો લેવા માટે પણ દસ પાઉન્ડ આપવા માટેની એની બેહૂદી માંગણી માંડ ટાળી શક્યો. આવી લુખ્ખી ભિખારિયત તો એ પ્લાઝામાં ઠેર ઠેર જોવા મળી. અલબત્ત એ લોકોનું જીવન અમારા જેવા ટૂરિસ્ટો પર જ આધાર રાખતું હોય છે; એમ વિચારી મન મનાવ્યું.

——————-

      પણ આ અમેરિકનને જ નહીં ….. કોઈ પણ મુલાકાતીને કઠે તેવી વાત હતી -ઊંટો અને ઘોડાઓનાં  ઠેર ઠેર પથરાયેલા અને દુર્ગંધ મારતા છાણ અને લીંડા. ‘વર્લ્ડ હેરિટેજ પ્લેસ’ ગણાતા આ પ્લાઝાને લાખોની સંખ્યામાં આવતા પ્રવાસીઓ પાસેથી ખાસ્સી એવી રકમ મળતી હશે જ. ઊંટ અને ઘોડાઓના માલિકો પણ ઠીક ઠીક રકમ અમારા જેવા પાસેથી મેળવતા હશે. પણ કોઈને એ રકમનો થોડોક ભાગ પણ સફાઈ કરવા કેમ પાલવતો નહીં હોય?

       ખેર….

     જીવનનું એક સ્વપ્ન પૂરું થયું. એ સપન ભોમનાં આ ચિત્રો તમે પણ માણી લો.

      ‘પાછા હોટલ પર જવા સ્ફિન્ક્સના મંદિરના એ થાનકથી પહેલા પિરામીડ નજીકના પ્રવેશ દ્વાર સુધીનો લાંબો રસ્તો થાકેલી પગે ફરી કાપવો પડશે કે કેમ?’ એ વિચારનો ઓથાર મન પર સવાર હતો; ત્યાં એક ભલા હાટડીવાળાના સૂચનથી બીજું પ્રવેશ દ્વાર દેખાણું. બહાર નીકળતાં મારો બાકીના દિવસોનો સારથી- ટેક્સી ડ્રાઈવર ‘અલી’ ભેટી ગયો.

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો 'અલી'

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો ‘અલી’

અને બીજા દિવસનો કેરો નિવાસ પણ સુખદ અંત સાથે સમાપ્ત થયો.

——————————-

વધુ માટે રાહ જુઓ…

પિરામીડોના દેશમાં, ભાગ-૧ કેરોમાં ઉતરાણ

     ઘરની સામે દેખાતાં મકાનોનાં પિરામીડ આકારનાં છાપરાં જોઈને આ શિર્ષક હેઠળ એક લેખમાળા શરૂ કરી હતી. આશય હતો અમેરિકન જુસ્સાને આલેખવાનો. પણ એની શરૂઆત કરી હતી – અમેરિકન વાતને ઇજિપ્તના ભૂતકાળની ઉપમા આપીને.

        આ પીરામીડોની નીચે રહેતો અમેરીકી જણ એક નુતન ‘ફેરો’ છે. તે સાવ સાદો માણસ – એક કારીગર પણ હોઈ શકે છે. પેલા મહાનુભાવ મમીની સરખામણી આ જણની સાથે કરવાનું મને ગમે છે. ઓલ્યા ‘ફેરો’ને જે સુખ અને સાહ્યબી કદી ન મળ્યાં હોય તેવાં સુખ અને સાહ્યબી અહીં માના પેટમાં હોય ત્યારથી મળે છે.

      અને મમીની જેમ એ પણ સામાન્યતઃ નીર્જીવ છે! અહીં પણ ડોલર કમાવા અને જલસા કરવા; એ જીવનનો મુખ્ય ઉદ્દેશ્ય હોય છે.

એ પહેલો લેખ આ રહ્યો.

       પણ આજની આ વાત તો   મારી ઇજિપ્તની સીધી મુલાકાત સબબે છે. આ વખતની દેશયાત્રા પહેલાં કેરોની મુલાકાત લેવાઈ ગઈ –  આભાર નેટ વેપારી મુર્તઝા પટેલનો – એ કેરો નિવાસી ન હોત તો મેં સ્વપ્નેય કેરોની મુલાકાત લેવાનું ન વિચાર્યું હોત. આ રહ્યો એનો બલોગડો.  જો કે, આ જ સમય ગાળામાં અમદાવાદમાં એના ધર્મગુરૂની આશિષ લેવાનો લ્હાવો તેને મળવાને કારણે અમે કેરોમાં મળી ન શક્યા.  પણ ભારત બહારની કમ સે કમ એક સંસ્કૃતિને નજર હેઠળ કાઢી નાંખવાનો અભરખો પૂરો તો થયો જ. મારા દિકરા વિહંગે આ જોખમી સફરનું સઘળું આયોજન કરી આપ્યું હતું. અને એના કારણે પાંચ દિવસની આ સફર કોઈ તકલીફ વગર, નિર્વિઘ્ને અને અત્યંત આનંદ પૂર્વક પતાવી/ માણી શક્યો.

???????????????????????????????

     આજનો આ લેખ પહેલા દિવસની ચપટીક વ્યથા કથા સાથે…

————————–

સાંજના ટાણે પ્લેન કેરોના એરપોર્ટ પર લાંગર્યું એ પહેલાં તે સુએઝ કેનાલ પરથી પસાર થયું હતું. આ આધુનિક ઐતિહાસિક સ્થળની હું મુલાકાત લેવાનો ન હોઈ, પ્લેનમાંથી જ એનું અવલોકન કરીને સંતોષ માન્યો.

suez     બ્રિટીશ શાહીવાદ જ્યારે ઢોલ પીટી પીટીને જગત ભરમાં ગાજતો હતો; ત્યારે પૂરબિયા દેશોને લૂંટવાનો આ રાજમાર્ગ એની તિજોરીને ભરવાનું એક મહાન સાધન હતો. પણ એની સાથે ભારતની આઝાદીના ઉષાકાળમાં પશ્ચિમી દેશો પાસેથી જ્ઞાન અને સમૃદ્ધિના રસ્તા ગોતનારાઓને માટેના રાજમાર્ગનો પણ એ એક ભાગ હતો; તે આપણે વીસરી ન શકીએ.

      ખેર, બન્ને બાજુએ નકરા રણથી ઘેરાયેલી એ નહેર જોઈ નાઈલ કાંઠો પણ આવો તો નહીં હોય ને; એવી ચપટીક નીરાશા પણ ઉપજી. કેરો ઢૂંકડું આવ્યું ત્યારે તો અંધારું થઈ ગયું હતું; અને નાઈલ દર્શનની ઉત્સુકતા બીજા દિવસ પર રોકી રાખવી પડી. કેરો એરપોર્ટ સુએઝ કેનાલ અને નાઈલની વચ્ચે હોવાના કારણે પ્લેનમાંથી  નાઈલ દર્શન આમેય શક્ય ન જ હતું.

     એરપોર્ટ ઉતરતાંજ દુઃખદ અનુભવોની આશંકાને સ્થાને એક સુખદ અનુભવ થયો. મારી માસે ઇજિપ્શીયન વિસા ન હતો. મુર્તુઝાએ આ માટે સધિયારો આપેલો હતો કે, એરપોર્ટ પરથી જ કોઈ અગવડ વિના તે મળી જશે. આથી મૂળાના પતીકા જેવા ૬૦/- ડોલર ખર્ચી અમેરિકામાંથી આગોતરો વિસા મેળવ્યો ન હતો. વિસા મેળવવાની નાનકડી હાટડીવાળા ઓફિસરે(!) ૧૫/- $ માંગ્યા. કોઈ ફોર્મ ભરવાનું નહીં કે ફોટો પણ નહીં. રકમ ચૂકવતાં ફટ્ટાક કરતાં વિસાનું સ્ટિકર પાસપોર્ટમાં ચોંટાડી દીધું. એ હાટડીમાંથી જ એક ડોલરના છ ઇજિપ્શિયન પાઉન્ડ લેખે ચલણ પણ મળી ગયું. પાંચનો આપણો શુકનિયાળ આંક અહીં શૂન્ય બરાબર છે – એ  કેવળ જ્ઞાન પાંચ પાઉન્ડની નોટ હાથમાં ઝાલતાં થયું!

     સામાન કોઈ ભલા જણે ઉતારી જ આપ્યો હતો – અલબત્ત એ માટે ૨૦/- પાઉન્ડની બક્ષીશ  કચવાતા  મને એને આપવી પડી હતી; એ અલગ વાત છે!  સાથે જ બક્ષીશની માંગણી હવેના પાંચ દિવસ,  ડગલે ને પગલે થતી રહેવાની જ છે; એ વીકીટ્રાવેલની ટીપ યાદ પણ આવી ગઈ!  આમ કોઈ રોકટોક વગર મેં એરપોર્ટ બહાર પગ મૂક્યો. બહાર હોટલનો ટેક્સીવાળો મારા નામનું બેનર ઝાલીને મારા સ્વાગત માટે તૈયાર જ ઊભો હતો.

    ???????????????????????????????        રસ્તામાં ભારતના જ કોઈ શહેરમાંથી પસાર થતો હોઉં, એવી અનુભૂતિ થતી રહી – સિવાય કે, વાહનોની નમ્બર પ્લેટો.

     ???????????????????????????????       નાઈલનો વિશાળ કાંઠો અલપ ઝલપ જોયો, ન જોયો અને કેરોના રસ્તા ખૂંદતાં ખૂંદતાં ટેક્સી  ગિઝા વિસ્તારમાં આવેલી હોટલ પાસે આવી પહોંચી. વિહંગનો આ ટેક્સી અને હોટલની આગોતરી સગવડ કરી આપવા માટે આભાર માનતાં ફોર સ્ટાર કક્ષાની એ હોટલમાં શાંતિથી સૂતો ત્યારે કેરોમાં પહેલો દિવસ કેવો જશે; એ બધી આશંકાઓ પર પાણી ફરી વળ્યું.

???????????????????????????????

ભાગ-૨ માટે રાહ જુઓ.