“O.K. We’ll go.”
આ શબ્દો સાથે જગતના ઈતિહાસમાં સૌથી મોટા લડાઈના હુમલાની શરૂઆત થઈ ગઈ. આ વાક્ય ૬-જૂન ૧૯૪૪ની વહેલી સવારે અમેરિકી જનરલ ડ્વાઈટ આઈઝનહોવર બોલ્યા હતા. બીજા વિશ્વ યુદ્ધ વખતે, ઈતિહાસમાં પ્રસિદ્ધ, મિત્ર દેશોના લશ્કરી દળો દ્વારા નાઝી જર્મનીએ કબજે કરેલ ફ્રાન્સમાં આવેલ નોર્મંડી પરના,અપ્રતીમ હુમલાની આ વાત છે.
આ દિવસ ‘ડી –ડે’ તરીકે બહુ જ જાણીતો છે; અને આવા કોઈ પણ શકવર્તી કાર્યના આરમ્ભ માટે હજુય વપરાય છે. આ દિવસે, અમેરિકા, કેનેડા અને બ્રિટીશ દળો જર્મનીના દુઃસહ્ય તોપમારા સામે ફ્રાન્સના દરિયાકિનારા પર વાવાઝોડાની જેમ ધસી ગયા હતા. આ પ્રારમ્ભિક દળોએ જર્મનીના પશ્ચિમ મોરચાનો વિનાશ કરવા માટે અત્યંત જરૂરી એવા દરિયા કિનારા પરનું આક્રમણ મથક (લોન્ચિંગ પોઈન્ટ) ઊભું કર્યું હતું.
ઉપર જણાવેલ હુકમ ઉચ્ચારવાની સાથે જ જનરલ આઈઝનહોવરે ૨૩,૦૦૦ એર બોર્ન લશ્કરી જવાનોને જર્મનીએ કબજે કરેલ પ્રદેશ પર ધસારો કરવા ઉતારી દીધા હતા. ખાસ બનાવેલ ગ્લાઈડરો અને પેરેશ્યુટ વડે આ બધા કાળી ડિબાંગ રાતે દુશ્મનના પ્રદેશ પર ત્રાટક્યા હતા. તેમણે પૂલો, રસ્તાઓ પરના વ્યુહાત્મક મથકો કબજે કરી લીધા અને જર્મન દળોમાં અંધાધુંધી ફેલાવી દીધી. આ વ્યૂહરચનાના કારણે, ઈન્ગ્લીશ ચેનલના ફ્રાન્સ તરફના, નોર્મંડીના રેતાળ કિનારા (બીચ) પર મિત્ર દળોના મુખ્ય હુમલાને બહુ જરૂરી ટેકો મળ્યો હતો.
અને આ મુખ્ય હુમલો કેવો હતો?
મિત્ર દળોના એક લાખ અને ત્રીસ હજાર સૈનિકો! આ જાતના યુદ્ધ માટે ખાસ તાલીમ મેળવેલ આ સૈનિકોએ બીજા વિશ્વ યુદ્ધ વખતના કદાચ સૌથી વધારે ભયાવહ, જર્મન તોપમારાનો પ્રતિકાર કરવાનો હતો.મિત્ર દેશોના હૂમલાને ખાળવા જર્મનીએ ઊભી કરેલી, ‘એટલેન્ટિક દિવાલ’ તરીકે જાણીતી સજ્જડ શસ્ત્રોથી સજાવેલી, અભેદ્ય, સંરક્ષણાત્મક આડશ પર તેઓ બહાદૂરી પૂર્વક ધસી રહ્યા હતા. અને નોર્મંડી ખાતે જર્મન દળોનો કમાન્ડર કોણ હતો? બીજો કોઈ નહીં પણ, ‘રણના શિયાળ’ ( ડેઝર્ટ ફોક્સ) તરીકે પ્રખ્યાત, અને જેનાં લડાયક વ્યૂહરચના અને મિજાજનો આદર મિત્ર દેશોના સેનાપતિઓ પણ કરતા હતા તેવો….. અરવિન રોમેલ! તેની લડાયક કાબેલિયતે ઉત્તર આફ્રિકાના મોરચે મિત્ર દેશોના દાંત ખાટા કરી દીધા હતા.
ડી-ડેના યુદ્ધના કારણે જનરલ આઈઝનહોવર જગપ્રસિદ્ધ બની ગયા. તેઓ મિત્ર દેશોના સર્વોચ્ચ સેનાપતિ હતા અને બીજા વિશ્વ યુદ્ધના આખરી તબક્કામાં, બ્રીટનની તળ ભૂમિમાથી કામ કરતા ત્રીસ લાખ પુરુષો અને સ્ત્રીઓના કાફલાને વ્ય્વસ્થિત રીતે કામ કરતા રાખવાની અંતિમ જવાબદારી તેમની હતી. આધુનિક લશ્કરી ઈતિહાસમાં આઈક તરીકે જાણીતા જનરલ આઈઝનહોવરને શિરે બહુ જ મુશ્કેલ અને જટિલ નિર્ણયો લેવાની જવાબદારી હતી; અને તે સાચા નિર્ણયો લઈ શક્યા હતા. ભયાનક રીતે ગાજી રહેલા દરિયાઈ તોફાનોની પાર્શ્વભૂમિકામાં, ઈતિહાસમાં સૌથી મોટો, જળ તેમ જ સ્થળ પરનો (એમ્ફિબિયન) હુમલો કરવામાં આગળ વધવું કે નહીં; તેનો નિર્ણય તેમણે લેવાનો હતો.
હવામાન સારું અને અનુકૂળ હોય તો પણ આ હુમલો બહુ જ જોખમકારક હતો. આ હુમલામાં એમ્ફિબિયસ ઉતરાણ કરવાનું હતું. આમાં દુશ્મનના સતત અને અસહ્ય તોપમારા અને મશીનગનના ફાયર સામે, લશ્કરી ટૂકડીઓને હોડીઓ મારફત ઈન્ગ્લીશ ખાડી (ચેનલ) ઓળંગાવવાની હતી. બીચ પરના ઊતરાણ માટેનાં લક્ષ્યસ્થાનો ( ટાર્ગેટ)ને કોડ નામ આપવામાં આવ્યાં હતાં. અમેરિકન ટૂકડીઓ ઓમાહા અને ઉટા બીચો પર ઊતરવાની હતી. બ્રિટીશ અને કેનેડિયન ટૂકડીઓ સ્વોર્ડ, જુનો અને ગોલ્ડ નામના બીચો પર ઊતરવાની હતી. આમાં અમેરિકન લક્ષ્યો – ખાસ તો ઓમાહા – સૌથી ભારે સુરક્ષિત નીવડ્યા હતા. ત્યાં આખીને આખી દરિયાઈ લશ્કરી સ્ટીમરોને ડુબાડી શકે તેવી ભયાનક તાકાતવાળી, જર્મન તોપો બન્કરોમાં ગોઠવાયેલી હતી. ભુગર્ભ બન્કરો અને બીજા વ્યૂહાત્મક ફાયદાવાળા સ્થાનોએ જર્મન લશ્કરી જવાનો ખડે પગે ગોઠવાયેલા હતા. આ કિનારાઓ આગળના દરિયામાં પાણી નીચેની માઈનો અને ટેન્કોને આગળ વધતી અટકાવવા અવરોધકો રાખેલા હતા. અને ઓમાહા બીચ પર તો નાની નાની ટેકરીઓ અને ખાડાખૈયાવાળી ઘણી જગ્યાઓ હતી.
ટૂકડીઓ બીચ પર પહોંચે, તે પહેલાં તેમણે ઊતરાણ માટે બનાવેલાં ખાસ, એમ્ફિબિયન વાહનોમાં મુસાફરી કરવાની હતી. લડાઈ દરમિયાન જર્મન તોપોએ આવાં ઘણાં વાહનો ઉડાડી મૂક્યાં હતાં; પણ અનેક સંખ્યામાં એ તો આવતાં જ રહ્યાં. જ્યારે આ વાહનો કિનારે પહોંચે ત્યારે તેમણે દુશ્મનના ભારે, મશીનગન ફાયરને વીંધીને, ખુલ્લી જમીન પરથી દોડી જવાનું હતું. આઈક અને તેમના સાથીઓને ભય હતો કે, લશ્કરને ભારે જાન હાનિ ભોગવવી પડશે. હવાઈ દળો વાપરવા સામે પણ શંકા કુશંકાઓ હતી. આઈકના એક સાથીને તો શંકા હતી કે, આ લડાઈમાં ૭૦% જવાનો ખપી જશે અથવા ઘવાશે. એક બ્રિટીશ સેનાપતિએ તો એના રિપોર્ટમાં લખ્યું હતું કે,
“આખા યુદ્ધમાં આ સૌથી ભયાનક તારાજી બની રહેશે.”
આઈકને આ જવાબદારી અદા કરવામાં મદદ કરવા માટે અનેક સેનાપતિઓ ( જનરલો) અને બીજા સલાહકારો હોવા છતાં; છેવટના નિર્ણયો તો તેમણે જ લેવાના હતા. તેઓ પોતે પણ આ લડાઈ વિશે અંગત આશંકાઓ ધરાવતા હતા; પણ તેમણે તેમની ટીમને આશાવાદી બનવા અને ઘડાયેલી વ્યૂહરચનામાં વિશ્વાસ રાખવા હૂકમ કર્યો હતો. આમ છતાં, લડાઈમાં પીછેહઠ કરવી પડે તો, હુમલાની આગલી સાંજે, તેમણે પ્રેસને આપવા માટેની એક નોંધ લખી રાખી હતી
“ આપણાં ઊતરાણો નિષ્ફળ ગયાં છે… આ માટેના પ્રયત્નોમાં કોઈ ખામી રહી ગઈ હોય કે, કોઈને દોષિત ઠરાવવાનું હોય તો, તે માટે એકલો હું જ જવાબદાર છું. ”
—————–
Translation from 1st chapter of …
“Dwight D.Eisenhower” – D.Clayton Brown
વધુ આવતા અંકે…
વાચકોના પ્રતિભાવ