સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કવિતા

દોસ્તી

થોડોક સમય કાઢીને સંભળાવી શકો તો
બાળકોને આ વાર્તા
જરૂર સંભળાવજો

થોડાક સમય પહેલાં સુધી
અમુક લોકો હતા
એ એકમેકના દોસ્ત કહેવાતા

દોસ્ત એવા લોકો કહેવાતા
જે એક જ માબાપના સંતાનો ન હોવા છતાં
એક જ માબાપના સંતાનોની જેમ રહેતા

 એ લોકો કોઈ રોકટોક વિના
એકબીજાના ઘરે આવતા – જતા
અને ધીરે – ધીરે એકમેકના સપનાઓમાં પણ
આવન – જાવન કરવા લાગતા

એમના ઘરોના દરવાજા ક્યારેય બંધ ન થતા
દરવાજા પર તાળા તો કેવળ ત્યારે જ લાગતા
જ્યારે દુર્ભાગ્યવશ ઘરોમાં કોઈ બચતું જ નહીં

એમના દરવાજે કોઈ કોલબેલ રહેતી જ નહીં
એ લોકો એકબીજાને
મોટેથી હાક મારીને બોલાવતા
 રહેતાં – રહેતાં એમના દીકરા – દીકરીઓ પણ
આમ જ એકમેકના દોસ્ત બની જતા


એ કોઈ સતયુગ નહોતો
એમની વચ્ચે પણ લડાઈ – ઝઘડા, બોલાચાલી થતી રહેતી
ઘરોમાં ઠામ હોય
તો ખખડે પણ
પરંતુ એ લોકો
દોસ્ત તરીકે ચાલુ રહેતા

એવું પણ થતું કે એ લોકો
વર્ષો સુધી એકબીજાને ન મળી શકતા
દુનિયાભરનો ફેરો કરી જ્યારે પાછા ફરતા
ત્યારે એકબીજાને મળી
બાળકોની જેમ હસતા – ખિખિયારા કરતા
 

એ વાત પણ જૂદી કે થાકેલી એ અવસ્થામાં
હસતાં – હસતાં એમની આંખોમાં
આંસુ પણ આવી જતાં
અને ત્યારે એ લોકો
પહેલેથી પણ વધુ રૂપાળા લાગતા

થોડોક સમય કાઢીને
સંભળાવી શકો બાળકોને તો
આ વાર્તા જરૂર સંભળાવજો …

અનુવાદ –   ભગવાન થાવરાણી

મૂળ લેખક  – ભગવત રાવત


મૂળ હિન્દી રચના અને કાવ્ય રસાસ્વાદ અહીં………

Bhagwat_Rawat

તેમની ઘણી બધી કવિતાઓ માટે નીચેના શિર્ષક ચિત્ર પર ક્લિક કરો….

kk_101

Advertisements

મારાં નયનમાં

‘જનક્લ્યાણ’ જાન્યુઆરી -૨૦૧૭ માં પ્રકાશિત થયેલી એક ગમી ગયેલી કવિતા –

dinesh

એમની આવી ઘણી બધી રચનાઓ માણો – તેમના બ્લોગ પર…..

dinesh_1

તેમના બ્લોગના આ મુખડા પર ‘ક્લિક’ કરો.

દિનેશ ભાઈનો પરિચય આ રહ્યો…

હું સા..વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે

એક અદભૂત ગજ઼લ …

દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે
શરુ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.

કશેય પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે ?
અહીં ગતિ જ છે વૈભવ વિલાસ ચાલે છે.

કોઈનું આવવું, નહિ આવવું, જવું ન જવું
અમસ્તો આંખમાં ઉઘાડ – વાસ ચાલે છે.

દશે દિશામાં સતત એકસામટી જ સફર !
અને હું એ ય ન જાણું…. કે શ્વાસ ચાલે છે.

અટકવું એ ય ગતિનું જ કોઈ રૂપ હશે !
હું સા..વ સ્થિર છું, મારામાં રાસ ચાલે છે.

– જવાહર બક્ષી

jb

આખો કાવ્ય સંગ્રહ વાંચવા અહીં ક્લિક કરો

જેમ જેમ આપણે એ રાસને જોતા થઈએ એમ એમ આ ગજ઼લનો ભાવ જીવનમાં ઊતરતો અનુભવી શકાય છે.

એ રાસ  જ શ્રીકૃષ્ણની રાસ-લીલા હશે ને? 

પીરામિડ પ્રાર્થના

સાભારમોતીચારો, ફેસબુક, શ્રી. વિનોદ પટેલ 

પ્રાર્થના તો સરસ છે જ. પણ એના ફોર્મેટનો આ પ્રયોગ કદાચ ગુજરાતી સાહિત્યમાં પહેલો જ છે. વિનોદ ભાઈને હાર્દિક અભિનંદન.

vp_prayer

અવકાશ ભીતરનો

શ્રી, નિરંજન રાજ્યગુરૂની એક વિચારતા કરી દે તેવી કવિતા વાંચવા મળી. એમાંથી એક સ્નિપ …

nr

આખી કવિતા ‘અક્ષરનાદ’ પર આ રહી.

જેમ જેમ વાંચતાં જઈએ એમ એમ અંતરમાં ચાલતા સંવાદ છતા થતા જાય.

અદભૂત !

 

વિસામાને ગણી મંઝિલ – ગઝલાવલોકન

સાભાર – શ્રી. વિનોદ પટેલ

વિનોદભાઈએ મોકલેલી, માનીતા શાયર રૂસ્વા મઝલૂમીની ગઝલ…

પરાયાના ચરણ ચાંપી, અનુસરવું નથી ગમતું,
તણખલાનો સહારો લઇ મને તરવું નથી ગમતું.

જીવન ઝિંદાદિલીથી હું જીવ્યો છું, એટલું બસ છે,
ફકીરી હાલમાં છું મસ્ત. કરગરવું નથી ગમતું.

અચળ ધ્રુવસમ, આકાશ જેવી મારી દુનિયામાં
નજીવા કો’ સિતારા, સમ મને ખરવું નથી ગમતું.

હુંફાળી હુંફ આપું છું થથરતી આશને હરદમ,
સૂરજ સમ ઉગી ઉગીને પછી ઢળવું નથી ગમતું.

ખુદા ખાતર મને ખેંચી ન જા મસ્જીદ મહીં ઝાહિદ,
મને દેખાવ કાજે ક્યાંય દેખાવું નથી ગમતું.

સતત ચાલી રહેલા કાફલાનો, મીર છું ‘રૂસ્વા’,
વિસામાને ગણી મંઝિલ, મને ઠરવું નથી ગમતું.

– રુસ્વા મઝલૂમી

સ્વ. રૂસ્વાજીનો પરિચય…

અને હવે ગઝલાવલોકન….

મંઝિલનું મહાત્મ્ય… ધ્યેયની લગની…..ધ્રુવ કેવી અટલતા…..જીવનનું સાફલ્ય…આ મત્લાને વાચા આપતી ગઝલ… વાંચતાં જ  ગમી જાય તેવી ગઝલ.

પણ….

જીવનની સફળતા અથવા સમસ્યાઓનું મૂળ પણ એ જ

  • ધ્યેય
  • મહત્વાકાંક્ષા
  • ક્ષિતીજ આંબવાના ઉમળકા

માનવ જીવન અને માનવ સમાજના ઘણા બધા માઈલ-સ્ટોન  આવા ‘ભાગ્યના સૂષ્ટાઓ’ અને તેમના ‘આગળ ધસો’ ના ધખારાના પ્રતાપે છે – નિર્વિવાદ.

પણ મોટે ભાગે, એ ધખારામાં જીવન જીવવાનો આનંદ વિસરાઈ જતો હોય છે. મંઝિલને ઢૂંઢવા કપરી દિશા પકડવી પડે. વિસામાને વેગળો મેલવો પડે. પણ જીવનના અંતે અથવા અંત નજીક આવે ત્યારે એ સત્ય સમજાય કે…

સઘળું, સતત, સદા, સર્વત્ર પરિવર્તનશીલ જ હોય છે. કોઈ અવસ્થા અહીં કાયમી નથી હોતી. અલગ અવસ્થા પ્રાપ્ત કરવા પ્રયત્ન જરૂર કરીએ, પણ ‘જેવા છીએ, તેવા રહીને’ -કશુંક બનવા કાજે નહીં, પણ હોવાપણાની મજા માણતાં માણતાં જ સફરનો આનંદ અનુભવતા રહીએ.

મોક્ષ જરૂર
પણ
આ ક્ષણમાં મળી શકે તેવા
મોક્ષની મોજ 

 

 

 

શબદ – ગુણવંત વ્યાસ

સાભાર – શ્રી. ઉત્તમ ગજ્જર  

(શિખરિણી)

તને જે દેખાતો નહિ નયનથી, તે શબદ છે;
છતાં જે વંચાતો કદી કલમથી, તે શબદ છે !
સદા બોલાયેલો શબદ પણ ના હો શબદ; તો
નહીં બોલાયેલો, પણ અરથ હો : તે શબદ છે !

કદી ચોપાસે તે કલરવ કરી કાન ભરતો,
કદી એકાંતે તે ‘હઉંક’ કરતો બાળ બનતો;
કદી મૂંગોમૂંગો ખળખળ વહંતો તનમને,
કદી ગાજી ગાજી ખળભળ કરી દે અનંતને.

ચહુ : ખાતા-પીતા, હરફર થતા, કામ વહતા,
તથા સૂતા-સૂતા, સપન સરતા, વાત કરતા
સદા સાથે, સાચો ઝળહળ ખજાનો, શબદ હો :
યથા સો-સો સૂર્યો, શતશત મયંકો, વીજ યથા.

ન તો એથી કો દી અલગ પડું, ના વીસરું કદા;
છતો એથી, એનો પરિચય થઈ વીચરું સદા.

– ગુણવંત વ્યાસ

       શબ્દનો મહિમા તો કઈ ભાષા, કઈ સંસ્કૃતિના કવિએ નથી કર્યો? પણ સરવાળે તો નેતિ..નેતિ…જ !

      પ્રસ્તુત સૉનેટમાં કવિ પણ શબ્દનો તાગ મેળવવા મથે છે. શબ્દ શું છે? જે આંખ જોઈ શકતી નથી એ પણ અને જે જોઈ શકે છે એ પણ. ગુસ્સામાં કે અર્થહીનતામાં બોલાયેલો શબ્દ શબ્દ નથી. એથી વિપરીત, અર્થસભર ઈશારા કે વર્તણૂંક ભલે હોઠેથી ઉચ્ચારાયા નથી પણ શબ્દથી અદકેરા શબ્દ છે. ક્યારેક શબ્દ કોલાકલોથી કાન તર કરી દે છે તો ક્યારેક સાવ એકાંતમાં હઉંક કરી પાછળથી ચોંકાવી દેતા બાળકની જેમ કંપની આપવા પણ આવી ચડે છે. ખાતા-પીતા, હરતા-ફરતા, કામ કરતા-મૂકતા, બોલતા-ચાલતા – એમ પળેપળ સૂતા-જાગતા કવિ સો-સો સૂર્ય-ચંદ્ર-વીજ સમો તેજસ્વી શબ્દનો ખજાનો પોતાની સાથે ને સાથે જ હોય એમ ચહે છે. એથી જ તો કવિ એનાથી કદી અલગ થતા નથી કે કદી શબ્દને ભૂલતા નથી. કેમ? તો કે, કવિ જાણે છે કે કવિ શબ્દથી અને શબ્દ કવિથી જ છતા થાય છે.

કેવી અદભુત રચના !

  • ‘અંતરની વાણી’ ની વાત
  • અસલી જાત સાથે ગોઠડીની વાત.

    એ સંભળાવા લાગે પછી ઘણો બધો ઘોંઘાટ ઓસરવા લાગે. અડાબીડ જંગલ જેવા જીવનના આઘાત – પ્રત્યાઘાત જોડામાં પેંસી ગયેલી કાંકરી જેવા લાગે. જોડો કાઢ્યો નથી અને કાંકરીની એ પીડા ગાયબ.

બસ… મોજ અને મસ્તી

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ

ઘેરો થયો ગુલાલ તો ભગવો બની ગયો.

…..જવાહર બક્ષી

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના

        સોનેરી ચમચીથી ગળથૂથી પીધેલા કો’ક જ ભાગ્યવાન હશે –  જેમને જન્મથી જ હાઈવે મળ્યો હોય. અને એમાંના કેટલાનો એ હાઈવે મરણ સુધી હાઈવે જ રહ્યો હશે?

માટે જ…આપણો રસ્તો આપણે જ ગોતવો રહ્યો. આ લખનારને તો આ મળ્યો !

રસ્તો નહીં જડે તો, રસ્તો કરી જવાના
થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના !

દુનિયા શું કામ ખાલી અમને મિટાવી રહી છે?
આ ખોળીયું અમે ખુદ ખાલી કરી જવાના

–  અમૃત ઘાયલ

આખી ગઝલ અહીં..

અને સાંભળો – સરસ ચિત્રો સાથે…

અદીઠો સંગાથ – મકરંદ દવે

સાભાર – ‘સંચયન’ 

md

આ ચિત્ર – કવિતા પર ક્લિક કરોઅને આખા ‘સંચયન’ ને માણો

મકરંદ દવે’, સાંઈ કવિ – પરિચય

ઈશ્વર

એક કાળે ઈશ્વર વિશે આમ લખ્યું હતું. જાન્યુઆરી – ૨૦૦૮

       મારે તો ‘એ’ ઈશ્વર જોઈએ, મારા હોવાપણામાં હાજરાહજુર બેઠલો ઈશ્વર.  પેલો કુરુપ ઈશ્વર નહીં જ. મારે એવા ઈશ્વરની પાસે ઢુંકવું પણ નથી. ભલે તેની ક્રુપા મારા પર ન વરસે. ભલે ને મારે ચોર્યાશી લાખ શું, ચોર્યાશી કરોડ જન્મ લેવા ન પડે.

         મહામુલું જીવન તેણે આપ્યું છે. તેને સાર્થક કરી હર ક્ષણ જીવી શકું તો પણ બસ.

          હું માનવી માનવ થાઉં તો ઘણું.

આખો લેખ આ રહ્યો.

       એ સમય વીતી ગયો. થોડીક માનસિકતા બદલાઈ અને ‘ઈશ્વર’ના જન્મની કલ્પના કરી હતી. આ રહી.

     [ જુલાઈ, ૨૦૦૯ ]

       હવે સમયે ફરીથી કરવટ બદલી છે. હજુ અશ્રદ્ધાનું રૂપાંતર શ્રદ્ધામાં થયુ તો નથી. પણ જીવન તરફનો અભિગમ સાવ બદલાઈ ગયો છે. અને એ નવી પરોઢમાં આ દર્શન વાંચી ઝૂમી ઊઠ્યો. જૂના મિત્ર વૈદરાજ મહેશ  રાવળની કલમે….

તેમની સાથેની મુલાકાત આ રહી…

mr

       અહીં ઈશ્વરના હોવા- ના હોવા વિશે કે એ અંગે શ્રદ્ધા = અશ્રદ્ધા વિશે ચર્ચા કે અવલોકન કરવા નથી. પણ હૈયામાંથી નીકળેલી આ સુંદર રચનાના  પાયા પર રચાયેલા/  જીવાતા જીવન વિશે કોઈ જ ગડભાંજ નથી.

 કેવું જીવન? 

દરેક ક્ષણમાં જીવતા રહેવા માટે,
તમે દરેક ક્ષણમાં મૃત્યુ પામો છો.

ક્ષણો આવે છે, અને જાય છે.
ફૂલની માફક તે ખીલે છે અને કરમાય છે.
પણ દરેક ક્ષણ અને દરેક વ્યક્તિમાં કશુંક મધુર હોય છે.
મધમાખીની જેમ દરેક ક્ષણમાંથી મધ ચૂસી લો;
અને ચાલતા રહો.
સતત વ્યસ્ત મધમાખીની જેમ બની રહો;
અને હોવાપણામાં જ સતત રહો.

શ્રી. શ્રી. રવિશંકર