સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કાવ્ય-રસાસ્વાદ

ભુવન ભુવન માડી…

કવિ – શ્રી. અંબાલાલ પટેલ

ભુવન ભુવન માડી તારી જ્યોતિના ઝણકાર
દીલડે દીલડે તે માના દીવડા.
હાં રે માડી! દીલડે દીલડે તે તારા દીવડા.

માડી! મેઘનો માંડેલ તારો માંડવો
ઝબૂકે વીજળીની વેલ(2), રુમઝુમતા તારલાના ફુલડાં
ઇન્દુ સીંચે અમીની હેલ(2),
આભલે આભલે તે માના દીવડા – હાં રે માડી ……

માને આભલાની આછી આછી ચૂંદડી
માને ઉગતી ઉષાની લાલ ટીલડી,
માને વસુધાના વાસંતી શ્રુંગાર, સાતે સાગરની માને ઝાંઝરી,
ઝમકે યુગ યુગને દ્વાર, ઝમકે બ્રહ્માંડોની પાર,
યુગ યુગને ગોખ માના દીવડા. – હાં રે માડી….

બ્રહ્માંડ બ્રહ્માંડના ચોકમાં
માડીના ગરબા ગવાય, માડીની માંડવડી મંડાય,
ગરબે ઘૂમે છે ચોસઠ જોગણી
ઘૂમે સૃજનની વસંત(2), દીશા ને કાળ સૌ ઘૂમી સૌ ઘૂમી રહ્યા.
ગરબો ઘૂમ્યો છે અનંત(2)
ગરબે ગરબે તે માના દીવડા – હાં રે માડી….

           સદ્  ગત શ્રી. અંબાલાલ પટેલ મારા બાપુજીના વડીલ મિત્ર હતા.  યોગસાધક અને કવિ એવા મહાન આ વ્યક્તિ કોઇ પ્રસિધ્ધિમાં માનતા ન હતા. ખાસ મિત્રોએ  ભેગા મળી તેમના ગરબાઓ અને સ્તુતિઓનું એક પુસ્તક ‘  વેણુના નાદ ‘  છપાવ્યું હતું , અને મિત્રો વચ્ચે જ વહેંચ્યું હતું. સરસ સોનેરી પુંઠાવાળું તે પુસ્તક અમારા ઘરની લાયબ્રેરીમાં એક મૂલ્યવાન ઘરેણું હતું. ગાંધીયુગના અનેક કવિઓની જેમ તેમની રચનાઓમાં ગુજરાતના મહાકવિ ન્હાનાલાલની શૈલીનો બહુ જ મોટો પ્રભાવ હતો. ઉપરની સ્તુતિ મારા બા -બાપુજી ઘરની સાયમ્ પ્રાર્થનામાં અમને ઘણી વાર ગવડાવતા. ઇશ્વરના રૂપની આ કલ્પના કેટલી રોચક અને મહાન લાગે છે?

         તેમની એક બીજી રચના ‘લીપી’ તો બહુ જ મોટું કાવ્ય હતું – ચાર ચાર લીટીનો એક એવા લગભગ 100 શ્લોકો જેટલું લાંબું. શુધ્ધ ‘ વસંત તિલકા’ છંદમાં લખાયેલ એ કાવ્યમાં સૃષ્ટિની ઉત્પત્તિ અને ઉત્ક્રાંતિનું બહુ જ વિદ્વત્તાથી પ્રચૂર વર્ણન હતું. મને તેની પહેલી આઠ લીટીઓ હજુ યાદ છે તેના સહારે તે લીટીઓ નીચે લખું છું –

વિરંચિએ વિપુલ વેલ વિરાટ વાવી
વેર્યું વરેણ્ય વિભુ વર્ચસ વ્હેણ વ્હેતું
એ વ્હેણના અમીત ભર્ગની જ્યોતિ જાગી
ને પૃથ્વીને પ્રથમ પ્રાણ પીયૂષ પાયાં.

સત્કારીએ પીયૂષને નિજ સત્વ સત્વે,
વિકસી વિલોલવતી વેલ વસુંધરાની.
વિશ્વે સજી સુભગ સુંદર કોઇ ગાથા,
લીપી લખાણી નભના નિધિનીરમાં જ્યાં.

       સૃષ્ટિના આરંભકાળની આ પરિકલ્પના એક ઊંડાણથી ભરેલા દર્શન જેવી છે.

       અત્યંત માન અને ગૌરવની ભાવનાથી મને જણાવતાં આનંદ થાય છે કે, ચાર ચોપડી ભણેલી મારી માને એ સો યે સો શ્લોક કંઠસ્થ હતા – તેના અર્થની પૂરી સમજ સાથે.  એવી મારી માની યાદમાં નતમસ્તક હું આ રચના તેને અર્પણ કરું છું.

ભલા એવા માણસને કોણ ઓળખે છે?

ગઝલાવલોકન

સદીઓથી  એવું  જ  બનતું  રહ્યું  છે  કે પ્રેમાળ  માણસ નથી ઓળખાતા

સખી એને  જોવા  તું ચાહી  રહી  છે,  જે  સપનું  રહે છે  હંમેશા  અધૂરું.
પ્રીતમનો પરિચય  તું  માગી રહી  છે.  વિષય  તારો  સુંદર કુતૂહલ  મધૂરું.

લે, સાંભળ એ સામાન્ય એક આદમી છે. હૃદય એનું ભોળું, જીવન એનું સાદું.
ન ચહેરો રૂપાળો,  ન વસ્ત્રોમાં ઠસ્સો,  ન આંખોમાં ઓજસ,  ન વાતોમાં જાદુ.

કવિતાના પણ એ  નથી  ખાસ રસિયા;  ન સંગીતમાં કંઈ ગતાગમ છે એને.
પસંદ એ  નથી કરતા કિસ્સા કહાણી.  કલાથી  ન કોઈ  સમાગમ  છે એને.

એ મુંગા જ મહેફિલમાં  બેસી રહે છે. છે  ચુપકીદી એની સદંતર નિખાલસ.
નથી એની પાસે  દલીલોની  શક્તિ.   કદી પણ  નથી કરતા ચર્ચાનું સાહસ.

જુએ કોઈ એને  તો  હરગીઝ ન માને કે,  આ માનવીમાં મહોબ્બત ભરી છે.
ન કોઈના બુરામાં,  ન  નિંદા  કો’ની.  નસેનસમાં  એની  શરાફત ભરી  છે.

જગતની  ધમાલોથી  એ પર રહે છે.   છે પોતાને રસ્તે જ સૂરજની માફક.
સખી મારા પ્રીતમની છે એ જ ઓળખ. છે સૌ લોક માટે જીવન એનું લાયક.

ગરીબોની પાસે  કે  રાજાની પડખે,  જગા  કોઈ  પણ  હો – શોભી  શકે છે.
પરંતુ સખી, આવી દુનિયાની અંદર, ભલા એવા માણસને કોણ ઓળખે છે?

–   મરીઝ

[ સાભાર – માવજીભાઈ મુંબઈવાળા –  અહીં ક્લિક કરી એ ગીત સાંભળો.]

https://www.mavjibhai.com/madhurGeeto_two/253_bhalamanas.htm


ખાસ  જાણીતું ન હોય,   એવું આ ગીત આ અવલોકન માટે ખાસ પસંદ કર્યું છે. બે સખીઓ વચ્ચેનો આ સંવાદ એક સખીનું એના પતિ વિશે વર્ણન છે. ગુજરાતી પદ્ય સાહિત્યમાં અનેક વિષયો પર બહુ મધુર અને ઉચ્ચ કક્ષાની રચનાઓ સર્જાઈ છે. પણ આ રચનાની વિશેષતા એ છે કે, એ કોઈ વિશેષ વ્યક્તિ કે વિચારનું જતન નથી કરતી. એ માત્ર એક સામાન્ય માણસની ગરિમાને ઉજાગર કરે છે.

અલબત્ત , જીવનસાથી હોવાના નાતે એની પત્નીનો એના માટેનો આદર જરૂર ઉપસી આવે છે. પણ એ તો કોઈનું પણ સ્વાભાવિક  વલણ હોય જ ને? એના થોડાક સાથી મિત્રો કે સગાં સંબંધાઓ પણ એ જણ માટે એવો ભાવ જરૂર રાખતા હોય છે.

આવા સાવ સામાન્ય માણસ – રસ્તાની ફૂટપાથ પર ચાલતાં આવા સેંકડો, અજાણ્યા માણસો – આપણી સામેથી, આજુબાજુથી પસાર થતા હોય છે. અરે! આપણા જાણીતા સંપર્કોમાં પણ ઘણી બધી આવી વ્યક્તિઓ હોય જ છે. એમની કોઈ કવિતા નથી લખાતી, એમના જીવનમાં એવી કોઈ ઘટના નથી ઘટેલી હોતી, જેમાંથી કોઈ વાર્તાકારને કથાબીજ મળી જાય. પાણીમાં આંગળી સરી જાય, એમ જીવનના અંતે એનું અસ્તિત્વ ઓગળી જાય છે.

કોઈ ખાસ વસ્તુ વિનાનો સાવ સામાન્ય માણસ !

પણ એ જ તો પાયાની ઈંટ છે. આકાશની ટોચને અડવા મથતા મહાલયો અને પિરામીડો વિશે તો દરેકને માહિતી હોયજ. પણ  એ મહાલયોની પાયાની ઈંટ એણે નાંખી હોય છે. એ મહાલયને ચણવા એણે જહેમત કરી હોય છે. એના પસીનાની સુવાસ આપણને એ મહાલયોમાં કદી આવતી નથી. આપણી ચારેબાજુ શ્વસી રહેલી આવી સામાન્ય હસ્તિઓનાં જીવન વનફૂલની જેમ આકાર લે છે, થોડીક સુવાસ આજુબાજુ ફેલાવે છે અને કરમાઈ જાય છે.

એને કેન્દ્રમાં રાખીને જ તો સમાજવાદ અને સામ્યવાદની ફિલસૂફીઓ રચાઈ છે. એનું પોત વાપરીને જ એમનાં પણ સામ્રાજ્યો ગઈ સદીથી ઝૂમી રહ્યાં છે! પણ ત્યાંય એ માણસ ક્યાંય દેખાતો નથી !

કવિએ છેલ્લી પંક્તિમા આ સવાલ યથોચિત પૂછ્યો છે –

ભલા એવા માણસને કોણ ઓળખે છે?

પણ…..

તમે, હું, સૌ એ અદના માણસને કે, એ વર્ગીકરણ વાળા માણસને બહુ સારી રીતે જાણતા હોઈએ છીએ. એ જ તો કોઈ પણ સમાજનું પાયાનું પોત હોય છે.

  એ અદના માણસને સલામ સાથે વિરમીએ.

આપણા સંબંધ- ગઝલાવલોકન

આપણા સંબંધ આપણી વચ્ચે નામ વિનાના,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાના.

કેટલાં જનમ મ્હેણું રહેશે મળવાનું આ કેણ,
કેટલાં ઝરણાં ભેગાં થઈને થાય નદીનું વ્હેણ;
આપણે કાંઠે લંગર તોયે વ્હાણ વિનાના,
આપણે રસ્તા રસ્તા તોયે ગામ વિનાના.

ઝાડથી પડતાં પાંદડા ઉપર કુંપળ આંસુ સારે,
ઝાડની છાયા તડકો પહેરી લૂછવાનું શું ધારે;
આપણે મૂળમાં ઝાડ છતાંયે આભ વિનાનાં,
આપણે રસ્તા રસ્તા તોયે..ગામ વિનાના.

–  ભાજ્ઞેશ જહા

એ સુમધુર ગીત અહીં માણો – 

ભાગ્યેશ ભાઈની આ ગઝલ ઘણી વખત સાંભળી છે. સત્ય તો એ છે કે, સૌથી પહેલાં ડલાસમાં શ્રી. સોલી કાપડિયા અને નીશા ઉપાધ્યાયનો સુગમ સંગીતનો કાર્યક્રમ હતો – એમાં આ ગઝલ સાંભળવા/ માણવા મળી હતી. એ વખતે, ત્યાં જ  સોલીનાં ગાયેલાં ગીતોનું આ જ નામનું આલ્બમ પણ ખરીદેલું. ત્યારથી અનેક વખત આ સુમધુર ગીત સાંભળ્યું છે.

નવા પ્રણયનું, સંબંધ બંધાયો ન હોય તે પહેલાંના મુગ્ધ સંવનનનું આ ગીત તરત ગમી જાય એવું છે.

પણ, આજે સાંભળતાં એક અદભૂત વિચાર ઉપજી આવ્યો. આ સંબંધ પ્રેમી અને પ્રેમિકા પૂરતો જ મર્યાદિત નથી. દિન પ્રતિદિન વધતા જતા અવનવા મિડિયાના પ્રતાપે જાતજાતના અને ભાત ભાતના, વાદળિયા સંબંધો બંધાય છે. એમને પણ આ ગીત લાગુ પડે છે. એ માત્ર વિજાતીય વ્યક્તિ સાથેના પ્રણયની વાત માત્ર હવે  નથી રહી.

    કદીક તો એ વ્યક્તિનો માત્ર નવ આંકડાનો નંબર કે, ઓળખ છૂપાવી દે એવા ઈમેલ સરનામાંનું  મહોરું જ બની રહે છે. એ  કોઈ પણ ઉમરની, કોઈ પણ દેશ કે સમાજની વ્યક્તિ હોઈ શકે છે. એ વ્યક્તિની ઇચ્છા હોય તો જ આપણે તેની સાચી ઓળખ જાણી શકીએ છીએ. બહુ આત્મીય બની જાય તો કદાચ એની છબી દ્વારા એનું મુખારવિંદનો નજારો આપણને ઉપલબ્ધ થાય છે.

       પણ નાવ વિનાના , લંગરની જેમ નાંગરેલા સંબંધો બની રહે છે!

       મારી જ વાત કરું તો, કમ સે કમ ત્રણ એવા મિત્રો સાથે અત્યંત આત્મીય સંબંધ બંધાયો હતો. એમની છબી પણ મારી પાસે છે, અને ફોન પર એમની સાથે વાત પણ કરી છે. પણ એમાંના બે ભાઈઓ સ્વર્ગસ્થ બની ગયા છતાં અને એમને સદેહે મળવાની અનેક અભિલાષાઓ હોવા છતાં , કદી એમને મળી શકાયું નથી. એ આશા વાંઝણી જ રહી. એ સંબંધો  મૂળ વિનાનાં માત્ર આભમાં ઊગેલાં ઝાડ જ રહ્યાં !

      એમની સાથના સંવાદો નદીનાં ઝરણાં જેવાં શીતળ હતાં. દરરોજ એ કલરવ સવારને તરોતાજા બનાવી દેતો. એમની સાથે માત્ર વિચારોની આપલેનો કે લખાણ, ચિત્ર કે વિડિયો મોકલવા માટેનો જ વાદળિયો મારગ હતો. એમનાં ગામનાં નામ તો ખબર હતાં પણ  ધરતી પર ત્યાં પહોંચવાનો રસ્તો કદી ન જ કંડારાયો.

મિત્રોને લખાણ દ્વારા સલામ.

    વળી વાદળિયો તો વાદળિયો – પણ ઘનિષ્ઠ સંબંધ બંધાયો હોય, તેવા ત્રણ ભાઈબંધોની એ વાત છે. સેંકડો વાદળિયા સંબંધો તો સાવ પરોક્ષ જ રહેવાના. એ બુરખો કદી ખૂલવાનો નહીં.  ખેર , જીવનની આ રીત જ હવે વધારે ને વધારે પ્રસ્તુત બનતી જાય છે. મિડિયાના વ્યાપ અને સ્વરૂપ વિશે ઘણા બળાપા કાઢવામાં આવે છે. પણ  હવે તો એ જીવનનો અનિવાર્ય ભાગ બની ગયાં છે.

     એક આવકારદાયક ફેરફાર એ આવ્યો છે કે, હવે ઓન લાઈન વિડિયો સંપર્ક થઈ શકે છે. એક જ બટન દબાવીએ અને એ મિત્ર બારી બારણાં બંધ હોય તો પણ આપણા ઓરડામાં ટપકી શકે છે – ભલેને દુનિયાના બીજા છેડે ના હોય?

     બીજી એક આડવાત એ છે કે, આ વાદળિયા સંબંધોના પ્રતાપે સાચી, ખોટી, કામની કે નકામની  માહિતીના ખડકલા થવા માંડ્યા છે. એટલા બધા ઢગ કે, આપણી પાસે સ્વતંત્ર વિચાર કરવા સમય જ નથી. સર્જનાત્મક પ્રવૃત્તિ કાં તો સાવ બંધ પડી છે, અથવા એટલું બધું સર્જન થાય છે કે, એના શ્રોતા કે વાચક જવલ્લે જ મળે છે – મોટે ભાગે તો કાગડા પણ ઊડતા નથી!  કલ્પનાશીલ અને દાદની અપેક્ષા ધરાવતા સર્જકને માટે તો આ લીલા દૂકાળ  જેવી દુર્દશા છે.

     ખેર, જે છે – તે આ છે !

ગઝલાવલોકન – વરસું તો હું ભાદરવો

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

ઘેરાઉં તો વાદળ કાળા, વિખરાઉં તો વ્હાલ
ભિંજાઉં તો શ્રાવણ છલબલ, કોરું તો દુષ્કાળ
બીડાઉં તો સ્વપ્ન સલુણું, ઊઘડું તો હું આશ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

ફોરું તો હું ફૂલ અને જો બટકું તો હું ડાળ
ચાલું તો હું પંથ અને ભટકું તો અંતરિયાળ
ઊડું તો આકાશ, નહિ ઊડું તો ઘાયલ શ્વાસ
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

વરસું તો હું ભાદરવો ને સળગું તો વૈશાખ;
મારી પાસે બે જ વિકલ્પો, કાં આંસુ કાં રાખ.

–  ભગવતીકુમાર શર્મા

મધુર લયવાળી આ ગઝલ સાંભળતાં જ ગમી ગઈ. કવિનું પોતાના સ્વભાવનું નિરૂપણ. કદાચ. મોટા ભાગના માનવજીવોની જીવન રીત; આ પાર કે પેલે પાર;  ગમતીલી વાત અથવા ન ગમતી વાત.  દોન ધ્રુવ. ઉત્તર કે દક્ષિણ.

પૂર્વ, પશ્ચિમ, વાયવ્ય, અગ્નિ, નૈઋત્ય કે ઈશાન
કે ઉપર અને નીચેની કોઈ શકયતા જ નહીં!


      આ  અવલોકન આ ગઝલ સાંભળતાં તરત ઊભરાઈ આવ્યું. આપણે સૌ જાણીએ છીએ કે, ‘માનવજીવન જેવું વિલક્ષણ બીજું કાંઈ હશે કે કેમ?’ – એ વિશે ખાસ કોઈ વાદ  વિવાદ નહીં જ હોય. ફાંટાબાજ કુદરતે અનેક પાસાં વાળું માનવજીવન અને એના પાસાં ઉપજાવનાર આપણું મન કોઈક નવરાશની પળે જ ઘડ્યું હશે! સઘળા પ્રદેશો, જાતિઓ, માનવસમાજોમાં સર્જાયેલ, સર્જાઈ રહેલ અને ભવિષ્યમાં સર્જાનાર સર્જનાત્મક રચનાઓના મૂળમાં આ જ પાયાનું તત્વ હોય છે ને? માત્ર સર્જનાત્મક જ નહીં, પણ માનવ ઈતિહાસ, સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, ફિલસૂફી અને અન્ય માનવ જીવન સાથે સ્વંકળાયેલ વિદ્યાઓના પાયામાં આપણા સ્વભાવનું, આપણા પાયાના ધર્મનું, અનેક પાસાં વાળું આ બહુરૂપીપણું ધરબાઈને પડેલ હોય છે.

   પણ દરેક બાબત માટે આપણો  અભિગમ ઉપરની ગઝલ જેવો જ રહે છે – આ પાર કે પેલે પાર ! ત્રીજી કોઈ દિશા માટે આપણા વિચારોમાં અવકાશ નથી હોતો. અથવા હોય તો એમ વિચારનાર જૂજ જ હોય છે. કોઈકની પર વરસી જઈએ તો કોઈની ઉપર ઊના લ્હાય જેવા વાયરા ફૂંકી દઈએ! કાં તો ભીંજાઈને લથબથ – કાં તો સૂકા કોરા કટ. મામકાઃ અને પાંડવાઃ . બધા યુદ્ધો અને સંઘર્ષોના પાયામાં આ જ કારણ. બધી ધર્મ ચર્ચાઓમાં આ જ મૂળ બબાલ.

મારો મત અને ખોટો મત

      સ્વ. ભગવતીકુમાર શર્માએ શું  આ જ વાત કહી નથી લાગતી?

     પણ, જ્યારે અંતરની બારી ખૂલવા લાગે છે, ત્યારે આપણા જ સ્વભાવના એ ગહેરા ઊંડાણમાં  આપણે ડૂબવા લાગીએ છીએ. એ અંધારઘેરી ગુફા કોઈ અનન્ય પ્રકાશથી ઝળહળી ઊઠે છે.અનેક પાસાં વાળો આપણો મૂળ હીરો સ્વયં પ્રકાશથી અવનવાં પ્રકાશ કિરણો પ્રસરાવવા લાગે છે.   કોઈ પણ ચાવી વિના સાવ અજાણ્યા ઓરડાઓનાં બારણાં ફટાફટ ખૂલવાં લાગે છે. એની આડેની ભોગળો ભાંગીને ભુક્કો બની જાય છે. કદીય સ્વપ્નમાં પણ ન કલ્પી હોય, તેવી શક્યતાઓ આકાર લેવા માંડે  છે, પાંગરવા લાગે છે; નવપલ્લવિત કલિકાઓમાથી સોહામણાં ફૂલોનો પમરાટ ચોગરદમ ફરી વળે છે.
   આ ભક્તિની વાત લાગે તો ભલે, પણ મનની એ  અવસ્થા એક વિશિષ્ઠ  અવસ્થા હોય છે. એનો પડઘો સ્વ. ભગવતી ભાઈના આ ભક્તિ ગીતમાં પડ્યો છે ; અંતરનું એ ગાન ગાઈને વીરમું – 

હરિ, મારા રુદિયે રહેજો રે,
દઃખ જે હું દઉં તે સહેજો રે.

વારે વારે કરીશ કાલાવાલા,
માગું તે દેવું જોશે વ્હાલા!
તમે વેદમંત્રોના સુણનારા,
વેણ મારા વેઠી લેજો કાલા.
હરિ મુને કાંઇ ન કહેજો રે.

હરિ મારી આંખથી વહેજો રે….
હરિ, હવે આપણે સરખે સરખા,
હરિ, તમે મેહ તો હું યે બરખા!
હરિ. તમે સૂરજ તો હું સોમ,
હરિ, તમે અક્ષર તો હું ૐ !

હરિ, મને જીરવી લેજો રે,
હરિ, મુને દરશન દેજો રે.

નયના ભટ્ટના સ્વર અને હરીશ ઉમરાવના સ્વરાંકનમાં સાંભળો – અહીં

ગઝલાવલોકન- ગમતાંનો ગુલાલ?

આ લોગો પર ક્લિક કરો

        સ્વ. મકરંદ દવેની આ કવિતા ગુજરાતી નેટ જગતની સિગ્નેચર કવિતા બની ગઈ છે-

ગમતું મળે તો અલ્યા,
ગૂંજે ન ભરીયે ને
ગમતાંનો કરીએ ગુલાલ
[ આખી કવિતા અહીં વાંચો.  ]

      વાત ગમી જાય એવી તો છે જ. સાંઈ કવિની એ કવિતાના શબ્દો એટલા સરળ છે કે, કોઈ રસ દર્શન પણ જરૂરી નથી. પણ આ કવિતા આજે સાંભળતાં જરાક જૂદા વિચારો ઉદભવ્યા.

      નેટ જગતની શરૂઆત ક્યારે થઈ , એની તવારીખ તો ખબર નથી પણ ૨૦૦૫માં એમાં પ્રવેશ કરેલ આ લેખકે એ ગુલાલની ઉછામણીની શરૂઆત ત્યારથી જોયેલી છે. એ પહેલાં પ્રિન્ટ મિડિયામાં કોઈનું પીરસેલું જ જમવું પડતું. પોતાનું લખાણ છપાય, એવાં તો  સપનાં પણ આવતાં  ન હતાં! બહુ ઉત્સાહી હોય તે, અખબારો કે સામાયિકોનાં ચર્ચા પત્રોમાં પત્રો લખીને મોકલતા. નસીબ વાળાના પત્રો છપાતા અને કોઈકની પર ચર્ચા જામી જતી.

    પણ નેટ  પર પોતાની રચના મૂકવાની સ્વતંત્રતા મળ્યા પછી, એ જમાના જૂની વ્યવસ્થામાં આમૂલ પરિવર્તન આવી ગયું. પોતાનાં સર્જન પ્રસિદ્ધ કરવાની કે બીજાનાં સર્જન પર પ્રતિભાવ આપવાની આ ‘મફત’ સવલતનો ખૂબ વ્યાપ આ પંદરેક વર્ષમાં થઈ ગયો. બ્લોગ અને વેબ સાઈટો પર અબીલ, ગુલાલ અને કદીક કાદવ પણ ઉછાળવાની શરૂઆત થઈ ગઈ.

      એ  જ ગાળામાં રીતસરના ચર્ચા મંડપની શરૂઆત પણ ગૂગલના ‘ઓરકુટ’થી થઈ હતી. પણ એની ઘણાં પહેલાં આ જણને બહુ જૂના બ્લોગ ‘ફોર એસ વી.’ પર ‘વાતચીત’ વિભાગની ખબર પડી હતી. એ નવી નક્કોર સવલતનો બહુ જ રસપૂર્વક ઉપયોગ પણ કરેલો. એમાં વિભાગવાર ચર્ચા માટે વ્યવસ્થિત માળખું હતું અને તેમાં વિષયવાર વિચારોનું મજાનું આદાન-પ્રદાન થતું હતું.

   પછી તો એ ચોરો બહુ વધ્યો – ફેસબુક, વોટ્સેપ, ટ્વિટર, લિન્ક્ડ ઈન, ઈન્સ્ટાગ્રામ અને બીજા વળી કેટલાય ચોરા પર ગુલાલના ઢગલે ઢગલા ઊછળવા લાગ્યા! શબ્દો જ નહીં – ચિત્રો અને વિડિયો પણ ધડાધડ ફેંકાવા લાગ્યા. એનો શિષ્ઠ શબ્દ છે – ફોર્વર્ડ! સહેજ કાંક ગમી ગયું અને…… ફોર્વર્ડ ; ગુલાલ ફટ કરીને વેરી દીધો! આવા સોશિયલ મિડિયા પર એટલું બધું મટિરિયલ પીરસાય છે કે, ‘ડિલિટ’ બટન પણ બહુ વપરાય છે!

    અમારા જેવા વયસ્કો માટે તો બગીચાનો બાંકડો કે ગામનો ચોરો હવે વાદળોમાં મ્હાલતો થઈ ગયો છે!  હવે ગુલાલી રંગ વાદળોમાં એટલો બધો ફેલાઈ ચૂક્યો છે કે, એનું વાદળત્વ જોખમમાં હોય તેમ લાગે છે! કદાચ ગુલાલી વરસાદ પણ પડવા માંડે! ‘બુઢ્ઢા થઈ જવું , એ શું ચીજ છે?’ એમ બોલનાર  સ્વ. રમેશ પારેખને સ્વર્ગમાં અફસોસ થતો હશે કે, ‘થોડો મોડો વિદાય થયો હોત તો હું પણ ‘ગમતાંનો ગુલાલ’ વાદળોમાં કર્યા પછી વાદળવાસી થાત!’

       સંઘરી રાખવા કરતાં ગમતું વહેંચવું, એ સારી ચીજ તો ગણાય જ, પણ હવે એનો અતિરેક થઈ રહ્યો છે. ગંદકી પણ એ વહેંચણીમાંથી બાકાત નથી રહી.  

     આ સંદર્ભમાં શ્રીમતિ કાજલ ઓઝા વૈદ્યનો આ વિડિયો આપણને વિચારતા કરી દે તેવો છે.

       ખેર… એકલતાના આ ઈલાજનો વાંધો નથી પણ કદાચ આપણે વિચાર શૂન્યતા અને સર્જન શૂન્યતાના નવા તબક્કે આવીને ઊભા છીએ – એમ આ લખનારનું માનવું છે.

      એ નિર્વેદનો માહોલ પ્રવર્તમાન હતો ત્યાં જ સાંઈ કવિની આ બીજી કવિતા એ જ આલ્બમમાંથી વહેતી થઈ.

કોકના તે વેણને વીણી વીણીને વીરા! ઊછી- ઉધારાં ન કરીએ;
હૈયે ઊગે એવી હૈયાની વાતને, ફૂલ જેમ ફોરમની – ધરીએ.
[  આખી કવિતા અહીં .]

     અને કદાચ એ કવિતામાં જ આ વિષાદનો ઉકેલ છે. નિર્ભેળ નિજાનંદની એ વાત છે. સ્વગૌરવનો મહિમા છે. ‘દાદ અને વાહ વાહ’ ની ખેવના વિના,  પોતાના સ્વ-સ્વરૂપને ખીલવા દેવાની શક્યતા એમાં પોરસાઈ છે. એમાં પોતાના તુંબડે તરવાની ગરિમા છે.

    બ્લોગ, વેબ સાઈટ કે સોશિયલ મિડિયાનો વિરોધ નથી પણ એને એક નવો વળાંક આપવાનો સમય પાકી ગયો છે. એમ ન બને કે, ગુલાલ બહુ ઉછાળવા કરતાં એક સરખા વિચારો ધરાવતા સજ્જનો અને સન્નારીઓની ક્લબો વાદળોમાં શરૂ થાય?

    તમે આ બાબતમાં શું વિચારો છો?

પહોંચવું છે – ભગવતીકુમાર શર્મા

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે,
તળેટીથી યે શિખરે પહોંચવું છે.

– ભગવતીકુમાર શર્મા

     અંતર યાત્રાની વાત છે, એટલે ગમી ગઈ. પણ નીચેની કડી જરાક જુદી પડી જાય છે

કોઈ તારાને ખરતો રોકવાને,
મળે જો પાંખ આભે પહોંચવું છે.

     અહીં કોઈક ખરતા , ડૂબતા, અથડાતા જણને મદદ કરવાની મહત્વાકાંક્ષા/ આરજૂ ભલે અંતરયાત્રાના પલાયનવાદ કરતાં સાવ નિરાળી લાગે – પણ ગમી ગઈ.

આખી કવિતા આ રહી.

જરા તો નજીક આવ – અમર પાલનપુરી, ગઝલાવલોકન

છે પ્રેમનો સવાલ, જરા તો નજીક આવ !
ઊભી ન કર દીવાલ, જરા તો નજીક આવ !

આખી ગઝલ અહીં 

સરસ ગઝલ , સરસ શબ્દો.

     પ્રેમ સંબંધ હોય તો પણ અંતર હોય છે – એની વ્યથા. સૌની એ કથા. બધે આમ જ બનતું હોય છે. વિજાતીય પ્રેમ સંબંધ હોય કે બે મિત્રો વચ્ચેનો – એ બહુ ટકતો નથી હોતો. આમ તો આપણે ઘેરથી મિત્રોને શોધવા જ નીકળતા હોઈએ છીએ. પણ કોણ જાણે કેમ ? – દુશ્મની દ્વાર ઠોકતી ઘુસી જતી હોય છે.

      કશું જ અંતર ન રહે – તેવો પ્રેમસંબંધ પ્લેટોનિક જ હોય છે, લયલા- મજનૂ કે હીર રાંઝા કથાઓમાં જ રહેતાં હોય છે. સામાન્ય જીવનમાં લગ્ન પહેલાં જે સ્વર ઘંટડી વાગતી હોય તેવો મધુર લાગતો હોય છે – એ મોટા ભાગે કર્કશ અને માંગણીઓથી ઘોંઘાટિયો કેમ લાગવા માંડે છે? કેમ નાની નાની વાતો પર ઘેર ઘેર યુદ્ધો ખેલાય છે? બેડરૂમ ડિપ્લોમસી ! કેમ પ્રસન્ન દામ્પત્ય જવલ્લે જ જોવા મળે છે?

    કદાચ એમ હશે કે, આખો સમાજ પ્લેટોનિક બની જાય તો કોઈ વાર્તા કે કવિતા  લખાય  જ નહીં !

ખેર…

જે છે તે આ છે!

ઉનાળો કાળઝાળ થાય છે – ગીતાવલોકન

ઉનાળો કાળઝાળ થાય છે,
પાંપણથી ગાલ સુધી પ્હોંચે એ પ્હેલાં તો આંસુ વરાળ થઈ જાય છે;
ઉનાળો કાળઝાળ થાય છે.​​

–  અનિલ ચાવડા

       ગ્રીષ્મનું સરસ વર્ણન. અનિલભાઈ જેવા સિદ્ધ હસ્ત કવિની કલમે (કે માઉસ ક્લિકે !) જ આવી પરસેવે રેબઝેબ કરી નાંખતી અભિવ્યક્તિ શક્ય બને.

આખી અભિવ્યક્તિ આ રહી….

ls

આ લોગો પર ક્લિક કરો.

     ગીતના છેવાડે તેમણે પ્યારથી એ સૂરજિયાને છાંછિયું પણ કર્યું છે !

    આ ગીત સમજાવવું પડે  તેમ ન્થી. બસ…. એસી રૂમમાં, કુશાંદે ખુરશીમાં બેસીને પસીનો વહાવવાની મજા માણવાની છે !

    પણ,  સૂરજિયાને આ  વ્હાલ શા માટે?

    કદાચ……..ગ્રીષ્મ આપણને કાળઝાળ લાગે છે, પણ વર્ષાની મૂશળધાર રમઝટ એ સૂરજિયાના તાપ વિના શક્ય બનતી નથી હોતી. આ સ્વ-રચનામાં સૂરજદેવ પર વ્હાલની અભિવ્યક્તિ કરી હતી.

ઉદધિ સમાવી ઉરમાં સઘળા વિતાપો
પ્રગટાવતો પરમ શીતળ વાદળીઓ
ઘનઘોર વાદળ નભે ગરજે ન કો’દી
જો ભાનુ આગ ઝરતો ન કદીય ઊગે.

વિકરાળ ને વિકટ માનવ જિદગીમાં
શ્રમ-તાપથી ઊભરતાં સુખ, ચેન, શાતા.

એ સોનેટ આ રહ્યું ….

મરણમાં રહ્યું છે હવે જાગવાનું – ગઝલાવલોકન

ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.

રવીન્દ્ર પારેખ

        એક સરસ ગઝલ ‘લયસ્તરો’ પર વાંચવા મળી અને જાગવાનો મહિમા એક નવા મિજાજમાં ઉજાગર થઈ ગયો.

        આખું યે આયખું ઉંઘવામાં જ મોટા ભાગે જતું હોય છે. કદાચ જાગી જવાય તો એ મરણ છે – ઊંઘતા રહેલા એ મહોરાનું મરણ! આ થાનક પર  વારંવાર આ વાત દોહરાવવામાં આવી છે. એની બહુ જ સરસ  અભિવ્યક્તિ આ ગઝલમાં મળી.

        જાગવાની વાત – કશાકના મરવાની વાત !

એ મરણનું
ઢોલ પીટી પીટીને
સ્વાગત !
કાળા નહીં,
ફૂલ ગુલાબી અક્ષરમાં 

આખી ગઝલ આ રહી

લગાવ – ગઝલાવલોકન

એક સરસ ગઝલ શ્રીમતિ દેવિકા બહેને મોકલી અને ગમી ગઈ.

dhruv

      લગાવની વાત – passion ની વાત.  અહીં પ્રયત્ન એનું રસદર્શન કરાવવાનો નથી. પણ ‘બ્લોગર’ હોવાના સબબે આ વાત બરાબર સમજાઈ ગઈ છે. બ્લોગિંગ એ લગાવની વાત છે. જીવનની ઘણી બધી બાબતો પણ લગાવની વાત હોય છે.

ખરું પુછો તો …
લગાવ વગર કશું થતું જ નથી. 

     નખશીશ, ગળાડૂબ ભૌતિકતામાં ડૂબેલો, અબજોપતિ  માણસ હોય કે, પોતે જણેલા બાળક્ના પ્યારમાં ગાંડી ઘેલી બનેલી માતા હોય કે, કવિતા લખવામાં ખૂંપેલો અને ખુવાર થઈ ગયેલો માણસ હોય , અથવા ભીતરની ખોજમાં સંસાર ત્યજીને દૂર – સુદૂર એક ખૂણામાં ધ્યાન લગાવીને બેસેલ તપસ્વી હોય…

એકે એક જણ કાંઈક ને કાંઈક લગાવમાં ફસાયેલો હોય છે!

જે ક્ષણે આપણે આ જગતમાં આવીએ અને પહેલા શ્વાસ સાથે ચીસ પાડીએ , ત્યારથી આપણે જીવન સાથે બહુ જ ઊંડા પ્રેમમાં પડી જઈએ છીએ. એ બાંધે છે, ગૂંચવે છે, ઝાટકે છે, ખુવાર કરી દે છે –  અને તારે પણ છે.

  • લગાવનો મહિમા

  • પ્રેમનો મહિમા

  • જીવનનો મહિમા 

     આપણે તો શું ? ત્રણ ત્રણ વાયુઓ પણ એમના પોતીકા લગાવમાં – એમની આગવી મોલેક્યુલર કેમિસ્ટ્રીની ખાનદાની રસમમાં લાગી પડેલા છે !

opinion_trigas

આ શિર્ષક પર ક્લિક કરો…