સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: કાવ્ય-રસાસ્વાદ

કાગડો હિમ્મત કરીને ચાંદનીમાં જો ઊડે

     ‘ધૂની માંડલિયા’ નો પરિચય બનાવતાં, એમની રચનાઓની શોધ આદરી હતી. ઘણી મળી ગઈ. પણ આ એક રચના વાંચી, સાંભળી મન મ્હોરી ઊઠ્યું,

ક્લિકો, સાંભળો અને ઝૂમો

     કેમ ઝૂમી ઊઠાયું?

    નાનકડી આ ગઝલનો એકે એક શેર લાજવાબ છે – આફરિન પોકારી ઊઠીએ તેવો.સાંભળીએ તો એ નજાકતને ‘દુબારા’-‘વન્સ મોર’ના નારાથી વધાવી લઈએ; એવી મીઠાશ ભરી છે એમાં.

  • એક વ્યક્તિ પણ ટોળા જેવી; અનેક ગણી શક્તિ વાળી બની શકે.
  • એક ચીંથરું પણ ( કોઈક ઢીંગલી માટે) ઘરચોળું બની શકે.
  • કાગડો જો ચાદનીમાં ઊડવાની હિમ્મત કરે, તો એનું એકાદ પીંછું તો સફેદ બની શકે! ( કવિની કલ્પનાને દાદ આપવી જ પડે.)
  • ચહેરાને પ્રતિબિંબિત કરતું, સાવ નિર્દોષ લાગતું પાણી; કોઈક હોડીને ડુબાડી દે તેવું ખતરનાક બની શકે; અને પાછું ભલું – ભોળું હોવાનો સ્વાંગ સજી શકે.

સમજવામાં સહેજ પણ તકલિફ ન પડે તેવી આ ગઝલનું રસ દર્શન જરૂરી છે ખરું?

ના. સહેજ પણ નહીં.

પણ

‘અવલોકન’ જરૂરી છે –

      સાવ મામુલી અસ્તિત્વો જો સંકલ્પ કરે તો, અફલાતૂન સિદ્ધિઓ હાંસલ કરી શકે – એ સર્જનાત્મક પણ હોઈ શકે; કે વિધ્વંસ કરનારી પણ.

એક એક ડગલું ચાલીને…
આઝાદ પણ બની શકાય.

કમ સે કમ એકાદ પીછું તો સફેદ બની જ શકે !

( કદી કાગડાને રાતે ઊડતો ભાળ્યો છે?

કદી આઝાદ થવા આપણે વિચાર્યું છે ખરું ? )

ભોમિયા વિના મારે… શ્રી. પી.કે.દાવડા

નેટ મિત્ર પી.કે. દાવડાની આ ઊઠાંતરી નથી !

ગુજરાતના મહાકવિ સ્વ. શ્રી.  ઉમાશંકર જોશીની આ અમર રચનાને પી.કે. એ ચિત્ર દેહ આપ્યો છે.

સ્લાઈડ શો

This slideshow requires JavaScript.

ગેલરી

તમે ટહૂક્યાં

તમે ટહૂક્યાં ને આભ મને ઓછું પડ્યું.
ટહૂકારે એક એક ફૂટી પાંખો ને હવે
આખું ગગન મારું ઝોલે ચડ્યું.

– ભીખુ કપોડિયા

પહેલી નજરે પ્રણયકાવ્ય લાગતું આ ગીત આમ તો પ્રિયતમાના કોકિલકંઠી અવાજની સ્તુતિ જ લાગે. પણ શ્રી. અજિત શેઠની આ અદભૂત સ્વરરચના સાંભળતાં પહેલાં એનો રેકોર્ડીંગમાં ઊમેરેલો અનેરો રસાસ્વાદ સાંભળીને કોઈ પણ સર્જક ઝૂમી જ ઊઠે.

જ્યારે કોઈ સર્જકના અંતરના ઊંડાણમાંથી બોલ ઊઠે છે; ત્યારે સર્જન નર્તનના ચાળે ચઢી ઊઠે છે. સર્જકની સર્જ્કતાને પાંખો ફૂટે છે અને આખુંયે આકાશ લીલ્લેરા હિલ્લોળે ચઢી ઊઠે છે. જાણે કે, લીલી વનરાઈમાં સારસની બે જોડ પ્રણયમસ્તીમાં મ્હાલતી ન હોય? અંતરમાંથી ઊઠતા એ ટહૂકાને વાંસળીના મધુર સૂરની ઉપમા આપનાર આ કવિ પણ ટહૂકી ઊઠ્યો છે. એના અંતરની તરસને  સંતોષતું એ જળ વનવનમાં વહેતા નાનકડા ઝરણાની ઉપમાને પાત્ર જ છે ને?  ગમે તેવો બળબળતો તડકો ન હોય; સર્જકની આંખ મોરલાના પીંછા જેવી રંગબેરંગી અને રમણીય બની જાય છે.

સર્જકના અંતરની વાણીને આનાથી વધારે સારી અંજલિ શું હોઈ શકે? એ ભાવની નાજૂકાઈને બહુ જાણીતા નહીં તેવા આ કવિએ બહુ માર્દવતાથી મઢી લીધી છે.

આ ભાવ માણવા એ ગીતજ માણવું  પડે; એના બોલની સાથે ગુંજારવ જ કરવો  પડે.

આ પ્રણયગીત કરતાં સર્જનક્રિયાની મધુરતાનું ગીત વધારે છે.

શાંત ઝરુખે

શાંત ઝરુખે વાટ નિરખતી…..
અને
વરસો બાદ ફરીથી આજે એ જ ઝરુખો …. Read more of this post