ગઝલ કે ગીતમાં ઉપમા કે રૂપક ઉમેરવાં, એ કવિ પાસે કલ્પના માંગી લે છે. પણ સજીવારોપણ માટે તો કલ્પનાથી ઘણી વધારે માવજત જરૂરી બની જાય છે. નિર્જીવ ચીજમાં જાન રોપી દેવા માટે એક માતાના જેવી કુશળતા આવશ્યક હોય છે. એમાં કદીક ઉપમા કે રૂપક ડોકિયાં કરે; પણ એક પથ્થરને બોલતો કરવા માટે, નવા નક્કોર જીવને જન્મ આપતી અને જન્મ બાદ પોષણ અને માવજત કરતી માતા જેવી સર્જકતા જરૂરી બની જાય છે.
આ લખનાર પુરૂષને માટે સજીવારોપણના ઉદાહરણ શોધવાં બહુ મુશ્કેલ હતાં. તેણે આપણાં જાણીતાં સર્જક દેવિકા બહેન ધ્રુવ પાસે ધા નાંખી. પૌત્ર / પૌત્રીઓની માવજતમાં વ્યસ્ત હોવા છતાં, માત્ર ત્રણ જ દિવસમાં એમણે નીચેનો ઢગલો આ જણ માટે હાલતો, ચાલતો, બોલતો કરી દીધો.
સજીવારોપણ જ સજીવ બની ગયું !
લો એ સૌને ધબકતાં, સરકતાં, સળવળતાં માણીએ –
૧) કુદરતની મનોહર ગોદ મહીં રમતી’તી ફિઝાંઓ આલમની.
આકાશના પડદા ચીરીને,હસતી’તી ઘટાઓ આલમની.
– સૈફ પાલનપુરી
૨) હજારો વર્ષ વીત્યાં તો યે શિષ્ટાચાર ના શીખ્યો.
કોઈ બોલાવે,ના બોલાવે આવી જાય છે તડકો.
જરા મૂંઝાઈને જો બંધ બારીઓ ઉઘાડું છું,
તમારું નામ લઈને અંદર આવી જાય છે તડકો.
– સૈફ પાલનપુરી
૩) બરાબર યાદ છે કે, એક એનું રોમ ખેંચ્યું ત્યાં
દિશાઓ ચીરતો ઉઠ્યો હતો ચિત્કાર પીંછાઓનો.
– મનોજ ખંડેરિયા
૪) છોડી મને કૂદી પડયું, બચપણ તળાવમાં.
ત્યાં દોડતું આવ્યું સ્મરણનું ધણ તળાવમાં.
વાતાવરણમાં યોગના આસન કરી કરી
સૂતા શવાસનમાં બધાં રજકણ તળાવમાં.
વરસાદના એ ભાંભરા જળ બૂમ પાડતા
છોડી મને કૂદી પડયું બચપણ તળાવમાં
– વંચિત ફુકમાવાલા
૫) પંખીઓએ કલશોર કર્યો, ભાઈ! ધરતીને સૂરજ ચૂમ્યો,
કૂથલી લઈને સાંજનો સમીર આજ વનેવન ઘૂમ્યો. વનેવન ઘૂમ્યો…..
તાળી દઈ કરે ઠેકડી તીડો, તમરાં સિસોટી મારે,
જોવા તમાશો આગિયા ચાલ્યા બત્તી લઈ દ્વારે દ્વારે. ફરી દ્વારે દ્વારે…….
– નિનુ મઝુમદાર
૬) એક સુસ્ત શરદની રાતે
આળસ મરડી રહી’તી ક્ષિતિજે ને વ્યોમ બગાસું ખાતું હતું;
આંખો ચોળી નિદ્રાભારે પાંપણ પલકાવતી તારલીઓ,
ભમતી’તી આછી વાદળીઓ કંઈ ધ્યેય વિના અહીંયા ત્યહીંયાં;
ચંદાએ દીવો ધીમો કરી મલમલની ચાદર ઓઢી લીધી.
– નિનુ મઝુમદાર
૭) લીલ લપાઈ બેઠી જળને તળિયે;
સૂર્યકિરણને એમ થયું કે લાવ જઈને મળીયે!
હળવે ઊતરે આખું વ્યોમ;નેણને અણજાણી આ ભોમ
લખ લખ હીરા ઝળકે ભીના તૃણ તણી આંગળીએ!
– સુરેશ દલાલ
૮) રસ્તાઓ રઝળ્યાં કરે નગરમાં મંજાર સર્પો સમા,
ને એની ચમટી ય કોઈ ઘરમાંથી ના દવા નીકળે.
પોતાનાં મુઠ્ઠીક સ્વપ્ન લઈને આ કાફલા જાય છે,
એની અંતરિયાળ લૂંટ કરવા રસ્તા બધાં નીકળે.
– રમેશ પારેખ
૯) વરસોના વરસો દોડે છે ડામચિયા પર,
વીતી ગયેલી પળ બોલે છે ડામચિયા પર.
રાતે આંખોના ફળિયામાં લ્યો આળોટી,
શમણા ભેગા થઈ પોઢે છે ડામચિયા પર.
આ ઓશિકા ને ચાદર ત્યાં નવરા બેઠાં,
સંબંધોના પડ ખોલે છે ડામચિયા પર.
– યામિની વ્યાસ
૧૦) ઘણ રે બોલે ને એરણ સાંભળે હો… જી:
બંધુડો બોલે ને ભેનડ સાંભળે હો… જી.
એ જી સાંભળે વેદનાની વાત –
વેણે રે વેણે સત-ફૂલડાં ઝરે હો… જી
બહુ દિન ઘદી રે તલવાર,
ઘદી કાંઈ તોપું નેમનવાર;
પાંચ-સાત શૂરાના જયકાર
કાજ ખૂબ ખેલાણા સંહારઃ
હો એરણ બ્હેની! – ઘણ રે બોલે ને(૨)
– ઝવેરચંદ મેઘાણી
વાચકોના પ્રતિભાવ