ભાગ – ૧ ; ભાગ – ૨ : ભાગ – ૩
જુલાઈ – ૧૯૬૧
એન્જિનિયરિન્ગનું પહેલું વર્ષ.
સુજા પહેલી વાર ઊંટાટિયાના પ્રકોપમાં ફસાયો. દવાઓથી બે મહિનામાં એ દાનવને દૂર તો કરી શકાયો, પણ જીવનભર દમના વ્યાધિનો વારસો છોડતો ગયો! એ પછી ચારેક વખત દમનો ઊથલો પધારી ગયો. એ બધા વિતાપોના પ્રતાપે ધીમે ધીમે ફેફસાંની શક્તિ ઘટતી ગઈ. સામાન્ય જીવનમાંય સહેજ પણ શ્રમ પડે તો તરત હાંફ ચઢી જાય.
આના કારણે જીવન સાવ બેઠાડું બની ગયું.
૨૦૧૧ની સાલમાં ‘આર્ટ ઓફ લિવિન્ગ’ ની તાલીમના અંતે પ્રાણાયમ કરવાનું શરૂ કર્યું. ચાર જાતના પ્રાણાયમ લગભગ નિયમિત ધોરણે કરી શકાયા છે –
- ત્રણ તબક્કાના ( three stage ) પ્રાણાયમ
- ભર્ત્સિકા પ્રાણાયમ
- કપાલભાતિ
- લોમ – વિલોમ પ્રાણાયમ
એ અભ્યાસ લગભગ નિયમિત રૂપે આ દસ વર્ષથી ચાલુ છે. પણ….
‘આમ કરવાથી હાંફ ચઢવાની તકલીફ દૂર થશે.’
એ માન્યતા ઠગારી જ નીવડી.
૪, મે – ૨૦૨૧
સદભાગ્યે કેલિફોર્નિયાના બે એરિયામાં રહેતા ડો. રઘુ શાહ તરફથી ફુગ્ગા ફૂલાવવાની સૂચના મળી. [ અહીં ક્લિક કરો. ] એ પ્રયોગ દસ મહિનાથી ચાલુ છે. શરૂઆતમાં પાંચ જ વખત ફૂલાવતો હતો. ધીમે ધીમે હવે પચીસ વખત ફૂલાવી શકાય છે.
૩, નવેમ્બર – ૨૦૨૧
ઘુંટણના સાંધા અંગેના ઓપરેશન દરમિયાન, હોસ્પિટલમાં ફેફસાંના એક અમેરિકન ડોક્ટરે આનાથી ઊંધી – ઊંડો શ્વાસ લેવાની – રીત શીખવી અને એ માટેનું એક સાધન આપ્યું –
અહીં પણ શરૂઆત પાંચ વખત ઊંડા, ધીરા શ્વાસ લેવાથી કરી હતી. હવે એ કસરત પણ પચીસ વખત થઈ શકે છે.
આ બે કસરતોના પ્રતાપે ફેફસાંની તાકાત વધી છે. પહેલા ભાગમાં દર્શાવેલ ચાલવાની કસરતમાં આ બે મહાવરા પણ કારગત જણાયા છે.
૧૫, નવેમ્બર – ૨૦૨૨
ઘુંટણનું ઓપરેશન કરાયે માંડ પંદર દિવસ થયા હતા. અને માંડ વોકર અને હાથલાકડીને તિલાંજલિ આપી શકાઈ હતી. ત્યાં જ નબળાં ફેફસાંએ વાઈરલ તાવનો ચેપ ટપ્પાક દઈને ઝડપી લીધો! પથારીમાં માંડ પડખું ફરાતું હોય, એમાં સખત ઉધરસ આવે અને સાથે ગળફાજીને બહાર ફેંકી દેવા ફરમાન કરી દે!
ત્યારે સાળું લાગી આવે !
સવાર સાંજ નેબ્યુલાઈઝરની પળોજણ તો ખરી જ. બસ! એ કટોકટીની પળે એક સંકલ્પ થઈ ગયો –
હવે ‘ગળફાની મા’
ખાંડ બાઈને
ફારગતિ આપવી જ રહી!
આઈસ ક્રીમ, બિસ્કિટ, કૂકી બધું બંધ. ચામાં પણ અઠવાડિયું સ્પ્લેન્ડા ( splenda) ચાલુ કરી. પણ એક મિત્રે સલાહ આપી કે, એ પણ ખાંડમાંથી જ બને છે. એના કરતાં સ્ટેવિયા ( stavia) વાપરો. એ વધારે કુદરતી હોય છે. ઠીક ભાઈ, એને ચામાં નાંખવાનું શરૂ કર્યું . શરૂઆત બે ચમચી, પછી એક ચમચી અને છેવટે અડધી ચમચીથી મળતા ગળપણથી મન મનાવવાનું અભિયાન ચાલ્યું.
પણ પછી જણાયું કે, આના કારણે પણ કફ તો થોડો થોડો જમા થતો જ હતો.
યા હોમ! કરીને પડો,
ફત્તેહ છે આગે.
એમ પોકારી સાવ મોળી ચા પર આવી ગયો. એ વાતને પણ હવે તો દોઢ મહિનો થઈ ગયો. હવે આ ખંડેર ખોખાંને મોળી બખ ચા સદી ગઈ છે!
૧૧, ફેબ્રુઆરી – ૨૦૨૨
એ રવિવારે અચાનક સ્વ. ગીદવાણીજી યાદ આવી ગયા. એમની નિસર્ગોપચાર ની સારવાર ૧૯૭૬ ની સાલમાં બહુ કામયાબ નીવડી હતી. [ એ ઘટના જાણવા અહીં ક્લિક કરો . ]
વળી બીજો એક સંકલ્પ –
એક મહિના સુધી દર સોમવારે ફળાહાર કરીશ.
અને, બ્રાહ્મણિયા ફરાળ નહીં હોં! માત્ર ફળો જ – નારંગી, કેળાં, સફરજન જ. અત્યાર સુધી એ સંકલ્પ પાળી શકાયો છે.
એ ચાર સોમવારનું એક સુભગ અવલોકન…….
એક જ દિવસના ફળાહાર બાદ –
વજન બે – ત્રણ પાઉન્ડ અચૂક ઘટે જ છે.
લોલી પોપ !
શ્વાસની કસરતો આમ તો કંટાળા જનક છે. પણ એ નિયમિત કરી શકાય, એ માટે એક નૂસખો સૂઝી આવ્યો. ઘઉં છોડવાના કારણે આહારના એક વિકલ્પ તરીકે સત્તુ પાવડર વાપરવાનું શરૂ કર્યું હતું. એમાં બીજા ઘટકો ઉમેરી સરસ મજાની લાડુડીઓ જ્યોતિ બનાવી આપે છે. આ ઉપરાંત Paleo bars/ Aussie bites નામના પૌષ્ટિક નાસ્તાની પણ જાણ થઈ.
‘શ્વાસની કસરત કરું – તો આ બન્ને પ્રસાદ આરોગીશ.’
– એવો સંકલ્પ પણ કર્યો. એના કારણે કસરત કરવામાં નિયમિતતા તો આવી જ. પણ, સાથે સાથે નીચેની સાત્વિક સામગ્રી પણ આ ચરખામાં મદદરૂપ લાગી છે –
- સત્તુ પાવડર
- બદામ
- અખરોટ
- પેક્ન
- કોપરાનું છીણ
- ભૂરા કોળાનાં બી ( pumpkin seed)
- અળસીનાં બી નો પાવડર ( flax seed powder )
- સૂર્યમુખીનાં બી
- Quinoa seeds
- Chia seeds
- Oats powder
- Cranberry
- કાળી દ્રાક્ષ
- ખજૂર
- સૂંઠ
- મેથી પાવડર
- મધ
- ગોળ
- ઘી
બે વર્ષથી
સવારે બે મોટી, મીઠી નારંગી અને એક કેળું; સવારના જમણ પછી પાંચ ખજૂર અને સાંજે એક સફરજન પણ નિયમિત લેવાનું ચાલુ છે.
આમાંની કઈ રીત કારગત નીવડી છે, તે તો નિશ્ચિત રૂપે ન કહી શકાય.
પણ એ બધાંએ સાગમટે –
કરામત કરી છે !
સમાપન –
આવતીકાલે આ લેખ શ્રેણીનો ત્રીજો, છેલ્લો અને બહુ મહત્વનો હપ્તો જરૂર વાંચજો.
વાચકોના પ્રતિભાવ