સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ચીકીત્સા

નિરોગમ

સાભાર – ડો. રાજેન્દ્ર ત્રિવેદી

આ કોઈ નવી જાતનો ‘ગમ’ નથી ! ( નિરો + ગમ ? ! ) અથવા  દિલમાં થતી કોઈ જાતની ગમગીનીની વાત પણ નથી!

તો શું છે?

nirogam

આ ચિત્ર પર ક્લિક કરી એ ઈ-બુક ડાઉનલોડ કરો

અને એ મફતમાં વહેંચનાર સજ્જન શ્રી. પુનિત અગ્રવાલની વેબ સાઈટ આ રહી.

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના આ બ્લોગ પર પ્રસિદ્ધ કરેલા સ્વાનુભવો અહીં.

અફલાતૂન તબીબ – કંટાળો

       આ તબીબ બહુ વિશિષ્ઠ છે! એ ગળે સ્ટેથોસ્કોપ લટકાવતા નથી; કે દેશી વૈદની જેમ નાડી પણ પારખતા નથી. કોઈ દવા પણ નથી આપતા કે, ચરી પાળવાની કોઈ પરેજી પણ નથી ફરમાવતા!

      કોણ છે એ અફલાતૂન તબીબ?

       એમના નામનું રહસ્યોદ્ઘાટન કરું એ પહેલાં વાતમાં થોડુંક મોયણ નાંખી દઉં તો?

      વાત જાણે એમ છે કે, આ ગલઢા ગાલ્લાને હાલતું કરવાના અભિયાનની વાત આ અગાઉ કરી હતી. એ તબીબની દોરવણીના અમલના કારણે આ ગાડું પાટે તો ચઢ્યું હતું; ઠીક ઠીક ચાલી શકાતું હતું. મને કમને… આગળની જિંદગી સુધારવાના શુભાશયથી(!) જીવ કાઠો કરીને પણ આ જીવ કોચ કે ચેર પોટેટો બની રહેવાને બદલે, હાલવા તો લાગ્યો હતો.

      પણ કંટાળાનો કોઈ ઈલાજ હાથવગો ન હતો. ઘરમાંથી બહાર નીકળતાં પણ જીવ બળી જાય! રસ્તાનો અંત કેટલો છેટે છે – એ જ ફિકર સતત સતાવતી રહે.

વે આ નવા તબીબ મહાશયે એ કંટાળાને ફારગતી અપાવી દીધી છે.

       આજની જ, એકદમ તરોતાજા વાત છે. ઘણા વખત પછી અહીંના સ્થાનિક જિમમાં આજે ગયો. સદભાગ્યે સાથે આ નવા તબીબનું સાધન સાથે વેંઢારેલું. ટ્રેડમીલ પર ચઢતાં પહેલાં એની કળો દબાવી અને લો…

       એક મધુર ગીત હેડફોનમાં ગુંજવા લાગ્યું !

      કોનું ગીત?

મારા બહુ જ માનીતા મનહર ઉધાસનું જ તો !

       અને બાપુ! આ દમણિયું તો હાલ્યુ હોં! પહેલું ગીત પત્યું ત્યારે નજર નાંખી તો, સાત મિનિટ વીતી ગઈ હતી. અગાઉ તો દસ મિનિટના ટોટલ સ્કોરમાં પાંચ સાત વખત મીટર પર આશા ભરી નજર રહેતી કે, દસનો ઓલ્યો  શુકનિયાળ  આંકડો હજી કેટલો વેગળો છે?!

    અને પછી તો બીજું ગીત અને ત્રીજું ગીત અને મીટર તો વીસના આંકડાને ક્યાં આંબી ગયું તેની ખબર જ ના પડી ને !

      કુલ પાંચ ગીતોની મધુર સુનવણી પતી ત્યારે મીટર ૩૫ મિનિટ અને મૂળાના પતીકા જેવા દોઢ માઈલની મતા બતાવતું હતું!

      લો! આ રહ્યો એ મધુર ગીતોના ગાયક મનહર ભાઈનો નજારો.

એ તબીબ(!) નો પરિચય આ રહ્યો.

      અને કયા ગીતો સાંભળ્યા? તમે પણ એની મજા માણી લો.

હવે કંટાળો આવે ત્યારે એને ફારગતી અપાવનાર આ ગાયક/ તબીબ/ વકીલના શરણે જશો ને?

———

કનક ભાઈએ મોકલેલ લેખ

અફલાતૂન તબીબ, ભાગ -૧૪; કિરોપ્રેક્ટિક( હાડવૈદ?)

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      પાંચેક મહિના પહેલાં વસંત ઋતુની શરૂઆત સાથે દિકરા સાથે ચાલવા ગયો હતો. લોન્ગ વીકેન્ડ હતું; એટલે અમે સ્થાનિક પાર્કમાં રોજ ચાલવા જતા. જુવાનજોધ દિકરો તો ચારેક રાઉન્ડ અટક્યા વગર, રમતાં રમતાં કાપી નાંખે. પણ આ ટાયડાને તો  એક રાઉન્ડમાં પણ ત્રણ બાંકડાનો આશરો લેવો પડે. ‘અઢી વરસથી આદરેલી સાધના બધી શા કામની?’ – એવો નિર્વેદ સતત ઊભરાતો જ રહે.

    વીકેન્ડ પત્યે, દિકરો તો પાછો ગયો; પણ આ નિર્વેદ કેડો જ ના મેલે. એકલા પાર્ક સુધી જવાનો પણ કંટાળો આવે. છેવટે એક સદ્‍વિચાર સૂઝ્યો. અમારા ઘરની સામે જ ઠીક ઠીક લાંબો રસ્તો છે. એની પર જ ચાલવાનું રાખું તો? આ અઈડ માણસનો એક દુર્ગુણ ગણો તો દુર્ગુણ અને સદ્‍ગુણ ગણો તો સદ્‍ગુણ- તે એ કે, મગજમાં એક કીડો ઘર ઘાલે; પછી એનો નિવેડો લાવ્યા વિના ચેન જ ન પડે. એ જ દિવસની સાંજથી આ રસ્તે ચાલવાની શરૂઆત કરી દીધી. રસ્તાની લંબાઈ માત્ર ૦.૫ માઈલ – આવતા જતાના એક રાઉન્ડમાં પૂરો એક માઈલ થઈ જાય.

Dover_Park_walk

          ‘શામળશાહના વિવાહ’ વખતે નરસિંહ મહેતાએ કાઢી હતી; એ જાનના ગાડા જેવી આ ઠચરાની હાલત; સાંધે સાંધો  ચિચિયારીઓ પાડે!  ખાસ કરીને બન્ને થાપા તો ફાટફાટ થાય. ‘ક્યારે બેસી પડું?’

વળી, આ મહાન રસ્તાનું નામ ભલે ને, ‘ડોવર પાર્ક’ હોય?
ન્યાં કણે બાંકડા ચ્યોંથી લાવવા?!

         આપણે તો બાપુ! આજુબાજુના બંગલાઓની આગળની લીલોતરીનો આસ્વાદ માણતા(અહીં એને હાઉસ કહે છે.); બાદશાહીથી ઊભા રહી જઈએ હોં! પહેલા દિવસનો રેકોર્ડ કહું ? આખો રસ્તો પાર તો કર્યો; પણ ચર્ચગેટથી દાદર લગણ મુંબાઈની લોકલ ટ્રેન સાત મુકામ કરે ; એમ આપણે પણ સાત સ્ટેશનના ઝંડા રોપી દીધેલા!

         પણ બે વાતની મનમાં ગાંઠ વાળી દીધી

 1. ‘હવે સીઝન જામી છે તો, રોજ આ લોકલ ગાડી ચાલુ રાખવાની. ભલે ને સાત ટેહણ કરવા પડે!’
 2. ‘રોજ દરેક સ્ટેશન વચ્ચે અંતર ચપટીક વધારતા જવાનું.’

        અઠવાડિયા પછી સાત સ્ટેશનમાંનું એક તો બાકાત કરી શક્યો! આમ ને આમ બે મહિના નીકળી ગયા. પણ છેવટનો સ્કોર પાંચ સ્ટેશન તો રહ્યો, રહ્યો ને રહ્યો જ. કોઈ દિ’ છ સ્ટેશન પણ કરવા પડે. એમ થાય કે, બસ આપડી આ ‘મેક્સ-લિમિટ’ આવી ગઈ.

      અને ત્યાં જ એ ‘અફલાતૂન તબીબ’ યાદ આવી ગયા. વાત જાણે એમ છે કે, બે વરસ પહેલાં ડાબા ખભાનો દુખાવો વકરેલો; માઈનોર સર્જરી ( Manipulation) પણ કરાવવી પડી હતી. પછી એ સર્જનની સલાહ મુજબ આ તબીબ પાસે ગયેલો. આમ તો મૂળ ગુજરાતી ‘ભક્તા’ સાહેબ; પણ નામે ગુજરાતી એમને ના આવડે. અહીં જન્મેલ જુવાન માણસ ખરા ને? એમની પાસે અઠવાડિયાના ત્રણ દિવસ ફિઝિયોથેરાપીની તાલીમ લેતો હતો. બે મહિના ચાલેલી તાલીમ દરમિયાન એમની સાથે ઠીક ઠીક મિત્રતા જામેલી. એમને મારી ચાલવાની તકલીફની વાત કરેલી. એમણે એ વખતે ખુરશી કે કોફી ટેબલ જેવા રચીલા પર પગ ટેકવીને, ઘુંટણથી વાળી કસરત કરવાનું શીખવાડેલું. થોડાક દિવસ એમ કસરત કરેલી પણ ખરી. પણ મૂળ ખભાના દુખાવા પર મારો હતો; એટલે પગની આ કસરત ખાસ લાંબી ચાલી ન હતી.

        પણ ચાલવાના અભિયાનના આ મધ્ધમ મુકામે એ ભક્તા સાહેબ યાદ આવી ગયા. સવારની કસરતની સાથે પગની આ કસરત શરૂ કરી દીધી. બે ત્રણ દિવસમાં જ જાણકાર તજજ્ઞ પાસેથી મળેલી આ સલાહ અને તાલીમનું ફળ દેખાવા લાગ્યું. એકેક અઠવાડિયે એક એક સ્ટેશન કમ થતું ચાલ્યું.

    અને મિત્રો… આ છેલ્લા મહિનાથી એ એક માઈલનું આખું યે અંતર, આ ૭૧ વરસની એકસપ્રેસ ટ્રેન  કોઈ સ્ટેશન વિના કાપી નાંખે છે; અને એ પણ ડલાસની બળબળતી બપોરના ચાર વાગે. ઘેર આવી પસીને રેબઝેબ, ઠંડું પાણી પીવાની જે લિજ્જત હોય છે?

     અને ‘કંઈક’ મુકામ હાંસલ કરી શકવાના ગૌરવ અને સંતોષની વિરાસત તો ખરી  જ ને વારૂ?

અફલાતૂન તબીબ, ભાગ-૧૪ ; બ્લડ પ્રેશર

   ખજૂર વાળી વાત આગળ ચલાવીએ ; અને વધારે ઉત્સાહ સાથે.
  એ વાત વાળી તકલિફ શરૂ થઈ તેને વિત્યે દોઢ મહિનો વીતી ગયો. એ ડોક્ટરને ફોલો અપ માટે આજે સવારે મળવા જવાનું હતું.
    પહેલાં કમ્પાઉન્ડર બહેને પ્રેશર માપ્યું. જો વધી ગયું હશે તો બીપીની ગોળી બંધ કરવા માટે ડોક્ટરનો ઠપકો સાંભળવો પડશે; એ ડર મનમાં ઘુમરાયા જ કરતો હતો. એ ડરના ઓથાર હેઠળ, એ બહેનને ધીમા અવાજે પૂછ્યું,” કેટલું પ્રેશર આવ્યું?’
  અને ફટ જવાબ મળ્યો ,” ૧૨૨/ ૭૫ “
  થોડીક ઠંડક વળી!
  થોડીક વારે ડોક્ટર મેડમ પધાર્યાં.
  તેમણે પણ પ્રેશર માપ્યું. ફરી એજ ડર સાથે પ્રશ્ન ,” કેટલું પ્રેશર આવ્યું?’
 અને જવાબ ,” સરસ છે . ૧૧૮/ ૭૭ “
 અને પછી તો બાપુ આપણે હિમ્મત ભેર મેડમને ખબર આપી જ દીધી ,
” એક મહિનાથી બીપીની ગોળી બંધ છે.”
    અને સાથે એમની પરવાનગી લઈ એ આખો અનુભવ અને ૧૯૭૬ ની સાલનો ‘ અફલાતૂન તબીબ , ભાગ -૧ ‘  વાળો અનુભવ પણ ટૂંકમાં બહેનને વર્ણવ્યો.
    ભય તો હતો જ કે, એ ડોક્ટર બહેન મોં મચકોડી આખી વાતને હસી નાંખશે.  પણ…  આજની સવાર તો આશ્ચર્યોની પરમ્પરા ઊભી કરવા જ સર્જાઈ હતી.
   તેમણે સસ્મિત જણાવ્યું,” અમને દરદીનું સ્વાસ્થ્ય સારૂં થાય, એમાં જ રસ હોય છે. મેંતો તમને ખાંડ ઓછી કરવા ક્યારનુંય કહેલું જ હતું ને? તમે આ અમલ કર્યો તે સારૂં  જ કર્યું. તમે યોગાસન અને પ્રાણાયમ કરો છો, એમ હું પણ કરું છું. હવે ત્રણ મહિના આ પ્રયોગ ચાલુ જ રાખો. પછી તમારો લેબ ટેસ્ટ લેવડાવીશ; અને તમારી ગોળી હમ્મેશ માટે બંધ કરવી કે નહીં; તેનો આખરી નિર્ણય લઈશું.”
    એ આખરી  નિર્ણય તો જે આવે તે પણ, એ દિવંગત અફલાતૂન તબીબ ગીદવાણીજીને મનોમન વંદન કરી જ દેવાયા. 
————–
   અને ખજૂરથી આ જણને થયેલ  ફાયદાઓને શાસ્ત્રીય સમર્થન આરહ્યું –
They are moderate sources of vitamin-A (contains 149 IU per 100 g), which is known to have antioxidant properties and essential for vision. Additionally, it is also required maintaining healthy mucus membranes and skin. Consumption of natural fruits rich in vitamin A is known to help to protect from lung and oral cavity cancers.
હવે વાચક મિત્રો…
આ બામણની બે હાથ જોડીને વિનંતી માનશો?
ખાંડ કાલથી મળતી બંધ થઈ જવાની છે; એવી કલ્પના કરી, એની ઉપર સખત નિયંત્રણ લાવી દેશો ને? ( એવો સમય આવવાનો જ છે; એનું અવલોકન આ રહ્યું! )

અફલાતૂન તબીબ, ભાગ-૧૩ ; ખજુર

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      એકાદ મહિના પહેલાં સખત ઉધરસ થઈ હતી. ત્રણેક દિવસ પછી કશો ફરક ન પડતાં ડોક્ટર પાસે જવું પડ્યું. એમણે ત્રણ દિવસની એાન્ટિ બાયોટિક દવા લખી આપી. એ ત્રણ દિવસ પત્યે છાતીમાં કફ એટલો બધો જડાઈ ગયો કે, ગમે તેટલું ખાંસું; પણ ગળફો  નીકળે જ નહીં. આખી રાત ઊંઘ ન આવે.
       એક દિવસ ઉપવાસ,ત્રણ દિવસ ફળાહાર અને પછી ફળ , સૂકી રોટલી અને બાફેલું શાક. ચા, દવા બિલકુલ બંધ . બીપીની ગોળી પણ બંધ. ત્રીજા દિવસથી કફ છૂટવા લાગ્યો. ઉધરસના દરેક ઠમકા સાથે ગળફા નીકળવા લાગે.
     અઠવાડિયામાં તો બધી દવાઓ બંધ  કરવા છતાં એકદમ રાહત થઈ ગઈ. ડરતાં ડરતાં બંધ કરવા પડેલાં યોગાસન, પ્રાણાયમ અને સુદર્શન ક્રિયા શરૂ કરવા ગયો; અને આશ્ચર્ય વચ્ચે વધારે સારી રીતે સ્ટ્રેચ થઈ શક્યા. પ્રાણયમ પણ વધારે ઊંડા અને સુદર્શન ક્રિયામાં એકદમ ધ્યાનસ્થ . રાતે એવી ઊંઘ આવે કે, સવાર ક્યાં , એ ખબર જ ન પડે.
     અત્યાર સુધી બામણ સ્વભાવ મુજબ ગળ્યું ખુબ ભાવે. આ બધું કર્યા પછી ખાંડ ૯૦ % ઓછી કરી દીધી. ચા તો બંધ જ.
અને હવે મુખ્ય વાત …..
      રોજ બે વખત  કૂકી કે સ્નેક બાર  ખાવા જોઈએ, એની જગ્યાએ ચાર ખજૂર ખાવાનું રાખ્યું છે. અને નહીં માનો આંખો સૂકી રહેતી રહેવાના કારણે થતો દુખાવો ગાયબ ! રોજ ત્રણ ચાર વખત રડતા રે’વા ( એનો હાસ્ય લેખ વળી આ રહ્યો !) ટીપાં નાંખવા પડતા’તા, એ બંધ થઈ ગયા.
 પ્રેશરની ગોળી બંધ છે તો પણ પ્રેશર ૧૨૦ – ૧૨૫ ની આજુબાજુ જ રહે છે.
———–
      આજે આ વાત એટલા માટે બ્લોગિત કરી કારણકે, સુ શ્રી. પ્રજ્ઞાબેનનો ‘ખજુરના ફાયદા’ સંબંધી ઈમેલ મળ્યો. એ સમાચારને આ સ્વાનુભવ પીઠબળ આપશે; એમ લાગવાથી જનહિતાર્થે આ અનુભવ રજુ કર્યો છે – ખાસ આ લખનાર જેવા ‘ગળ્યા દાંત ( Sweet tooth )’ વાળાઓ માટે !!

અફલાતૂન તબીબ, ભાગ-૧૨ ; પાણીનો શેક

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

બીલ આવ્યો અને મારી સામે જ મારી જેમ બેસી ગયો – જેકૂઝીમાં પગથિયાં પર એક પગ ઊંચો ટેકવીને- ગરમ પાણીના પ્રવાહનો મારો બરાબર ઢીંચણ પર શેક અને મસાજ કરે તે રીતે.

‘ એ ય બચારાને મારી જેમ ઢીંચણનો સોજો વિતાડતો હશે.’

થોડી વારે મારાથી ન રહેવાયું. હું બોલી જ પડ્યો,” તમારો ઢીંચણ દૂખે છે ને?”

 બીલે લાચારીમાં ડોકું ધુણાવ્યું.

 મેં કહ્યું,” તમને એક રસ્તો સૂચવું. થોડીક રાહત રહેશે. મને તો ફાયદો થાય છે.”

 તેણે કહ્યું,” શું?”

 “આમ ત્રણેક મિનિટ ગરમ પાણી અને પછી ત્રણેક મિનિટ ઠંડા પાણીથી ઢીંચણ ઝારો – પૂલમાં.”

 બીલે આજ્ઞાંકિત બાળકની જેમ મારી સૂચનાનું પાલન કર્યું.

 બીજે દિવસે અમે ફરી જેકુઝીમાં ભેળા થઈ ગયા. તેના મોં પર મને આવકારતું સ્મિત હતું.

મેં કહ્યું,” તમને રાહત થઈ લાગે છે.”

 બીલ,”હા! સારું લાગે છે.”

 મેં કહ્યું,”: આનાથી વધારે સારી રીત બતાવું. ઘેર બાથટબમાં એક ડોલમાં ગરમ પાણી અને બીજામાં ઠંડું ભરી, ટમ્બલરથી થોડી થોડી વારે ગરમ/ઠંડું પાણી સારો. શાંતિથી મનગમતું સંગીત સાંભળવાનું અને આ વારંવાર ઊઠબેસ કરવાની ઝંઝટ પણ નહીં. દસેક વાર આમ કર્યા પછી , પગ કોરા ટુવાલથી લૂછી, ‘બેન્ગે’ (આવા દુખાવા માટેનું મલમ) લગાડી, ઉપર કપડું કે પટો વિંટાળી દેજો.“

અઠવાડીયા પછી ફરી વાર અમે બે જણ જિમમાં ભટકાઈ ગયા. બીલ તો મારી પર ઓવારી જ ગયો. મને કહે,” તમારો ખૂબ ખૂબ આભાર, મારા ઢીંચણનો સોજો બહુ ઓછો થઈ ગયો છે.“

 મેં કહ્યું,” આનાથી તમને દરદ મટી તો નહીં જાય ; પણ તાત્કાલિક રાહત જરૂર થશે.”

 બીલે હકાર અને અનુગ્રહમાં ડોકું ધૂણાવ્યું.

 આ માટે ‘અફલાતૂન તબીબ’ના
ઈલ્કાબને પાત્ર હું નથી.
પણ પરમપૂજ્ય સ્વ. ગિદવાણીજી જ છે.

અફલાતૂન તબીબ, ભાગ-૧૧ ; પ્રાણાયમ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

     આજે પ્રાણાયમ પરનો એક સ્વાનુભવ વાચકો સાથે વહેંચવો છે. પ્રાણાયમની શાસ્ત્રીય ચર્ચા કરવાનું આ જણનું ગજું નથી; અને એવો કોઈ ઉત્સાહ કે વૃત્તિ પણ નથી.

      વાત જાણે એમ છે કે, ત્રણ મહિનાથી યોગાસન, પ્રાણાયમ, સુદર્શન ક્રિયા અને છેલ્લે શબાસનમાં વિપશ્યનાનો ક્રમ જાળવી રાખ્યો છે. આખી પ્રક્રિયા ૪૫ મિનીટથી ધીમે ધીમે વધારતા જઈ હાલ એક કલાક ચાલે છે. બે મહિના બાદ, એનું સરવૈયું બનાવી મૂક્યું હતું. ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.)

     આ પ્રક્રિયામાં પ્રાણાયમ આશરે ૭ થી ૮ મિનીટ માંગી લે છે. ત્રણ તબક્કાના પ્રાણાયમના બધું મળીને ૨૪ રાઉન્ડ અને ભર્ત્સિકા પ્રાણાયમના કુલ ૬૦ રાઉન્ડ થાય છે.

    છેલ્લા એક અઠવાડીયાથી આ બધા પ્રાણાયમ વજ્રાસનમાં બેસીને કરી શકવા જેવી ક્ષમતા આવી છે. એ અગાઉ તો સુખાસનમાં ( સાદી ભાષામાં પલાંઠીમાં ) બેસીને જ આમ કરી શકતો હતો.

     ગઈકાલે અમારા જિમમાં ગયો હતો. સહેજ પણ આરામ લીધા વિના ૧૨ લેપ તરી શકાયું. ખાસ હાંફ કે થાક પણ વર્તાયા ન હતા. થોડીક વધારે જહેમત ઊઠાવી હોત તો, બીજા બે લેપ પણ થઈ જાત.

     આ પહેલાં કદી ચાર લેપથી વધારે તર્યો નથી; અને એ પણ વચ્ચે ત્રણ વખત આરામ લઈને.

       આ શક્ય બન્યું , તે માટે ચોક્કસ રીતે પ્રાણાયમ અને ઊંડા શ્વાસ લેવાની પડેલી ટેવ જ જવાબદાર છે; એમ કહું તો એમાં સહેજ પણ અતિશયોક્તિ નથી.

     આપણે યોગિક ક્રિયાઓ સાથે ધર્મ અને ધાર્મિક માન્યતાઓને બિનજરૂરી રીતે સાંકળી લેતા હોઈએ છીએ. પણ, વિજ્ઞાનની રીતે વિચારીએ તો, શ્વાસ એ આપણા શરીરમાં પ્રવેશતું એક પાયાનું ઈનપુટ (ગુજરાતી?) છે.  એ વધારે સારી રીતે કરી શકીએ; પ્રત્યેક શ્વાસ સાથે વધારે પ્રાણવાયુ ( ઓક્સિજન ) ફેફસાંમાં જાય; તો લોહીના લાલ કણો વધારે શક્તિમાન બને , બને અને બને જ. એમાં કશું નવીન છે ખરું?

આથી ખોરાક માટે સભાન બનવાની સાથે
શ્વાસ માટે પણ જાગૃત બનવું એકદમ તાર્કિક નથી?

ત્રણ તબક્કાના પ્રાણાયમનું નિદર્શન અહીં જુઓ.

ભર્ત્સિકા પ્રાણાયમ વિશે વિગતવાર માહિતી.

અફલાતૂન તબીબ ; ભાગ- ૧૦ ; બે મહિના પછી

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

    ૮, જુલાઈ- ૨૦૧૧ના રોજ શરૂ કરેલ અભિયાન કોઈ પણ જાતની રૂકાવટ વિના, બે મહિનાના પડાવે પહોંચ્યું છે. ૬૮ વરસના આયખામાં આવી બિનરોક ઘટના જવલ્લે જ બની છે- ખાસ કરીને શરીર સ્વાસ્થ્યની બાબતમાં.

‘न भूतो न भविश्यति’જેવું જ કહો ને!

      વચ્ચે એક મહિનાના પડાવ પર અફલાતૂન તબીબોને યાદ કર્યા હતા; જેમના પ્રતાપે આ યાત્રા શરૂ થઈ હતી – અને એ મિત્રોને પણ, જેમણે આવા રસ્તા બતાવ્યા હતા. ( એ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.)

    આજે આ અહેવાલથી એ તબીબીને અનુમોદન આપવાનું છે – કશો અર્થવિસ્તાર નહીં; કલ્પનાના રંગ કે અતિશયોક્તિ નહીં ; કોઈ કવિતા કે કથા નહીં; કોઈ અવલોકન કે ઉપદેશ પણ નહીં – માત્ર વિગતો જ.

     ગઈકાલે મારા જિમમાં ગયો હતો. રોજની  પ્રવૃત્તિઓની સરખામણી જોઈ લો –

કસરત

પહેલાં

હવે

ટ્રેડ મિલ
 • સમય
 • સરે. પલ્સ
 • મહત્તમ પલ્સ
 • ૧૦ મિનીટ
 • ૧૧૮
 • ૧૪૦
 • ૧૬ મિનીટ
 • ૧૧૦
 • ૧૨૦
પગથી વજન ઊંચકવાની કસરત
 • વજન
 • કેટલી વખત?
 • ૧૨૫ પાઉન્ડ
 • ૩૦
 • ૧૬૦
 • ૬૦
ખભા અને હાથથી વજન ઊંચકવાની કસરત
 • વજન
 • કેટલી વખત?
 • ૧૬૦ પાઉન્ડ
 • ૧૫
 • ૧૬૦ પાઉન્ડ
 • ૩૦
સ્વિમીંગ
 • લેપ
 • વચ્ચે આરામ
 • ૩ વાર
 • ૦  વાર

     ઘેર કરાતાં યોગાસનોમાં પણ ઘણો સુધારો થયો છે. અભિયાનના શરૂઆતમાં આસનો ૨૦ મિનીટ કરતો હતો; તે હવે ૪૫ મિનીટ કરી શકું છું.

       પણ દરેક સિક્કાને બે બાજુ હોય છે.અતિ ઉત્સાહમાં યોગાસન કરતાં જિમ્નાસ્ટોને યાદ કરીને વધારે પડતાં સ્ટ્રેચ કરતાં કમર લચકી ગઈ હતી. આરામ કરીને અને પેઈન કિલર લઈને સમારકામ કરવું પડ્યું હતું! પાંચ દિવસે લચકેલી કમર સીધી ઠીક થઈ હતી.

અફલાતૂન તબીબ, ભાગ– ૯ : ઘડપણ (શારીરિક અને માનસિક)

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      અડસઠ વરસના આ ખોળિયામાં મશીનરી જૂની થઈ છે. ક્યાંક ચડચડાટી, બોલે છે; ક્યાંક શ્વાસની ધમણ હાંફે છે. દબાણ વધી જાય છે. ચાલતાં ચાર વાર અટકવું પડે છે – બેસવાની જગ્યા શોધવી પડે છે. દાદરા ચઢતાં કે ઉતરતાં એક પગ પર જ વજન લેવાની કાળજી રાખવી પડે છે; અને સહેજ ચૂક્યો તો ઘુંટણે સોજા આવી જાય છે. સહેજ વજન ઊંચકાઈ જાય તો અંગૂઠો મચકોડાઈ જાય છે. ક્યારેક કમર ઝલાઈ જાય છે; તો ક્યારેક ખભા. રાતે ઉંઘ આવતી નથી; અને દહાડે ગમે ત્યારે આંખો ઘેરાઈ જાય છે. કાને ઓછું સંભળાય છે; ચશ્માં ચઢાવ્યા વિના વંચાતું નથી. વિગેરે… વિગેરે..

      ઘડપણની જમાનાજૂની વ્યથાઓ.

      અને મનની હાલત તો એનાથીય નાજૂક છે. સહેજમાં માઠું લાગી જાય છે. નાની નાની વાતો ભૂલી જવાય છે. અને કોઈક સહેજ જ  વાંકું બોલે તો ક્યાંય સુધી  ભુલાતું નથી! પોતાના વિચાર અને મન્તવ્યની વિરુદ્ધ કોઈ કહે, તો ચર્ચાનો કેડો મેલાતો નથી.

‘હવે ગલઢા થયા.’ એ ખયાલ આથમતો જ નથી!

      ઘણી બધી ગનાનની વાત્યું વાંચી, સાંભળી, વિડિયો જોયા, ગલઢાઓ હારે ચર્ચાઓ  કરી. પણ.. કશું જીવનમાં ઉતરતું નથી.

‘બની આઝાદ’ના લેખો લખ્યા – પણ આઝાદી ન મળી.
‘અંતરની વાણી’ લખી; પણ પ્રગટી નહીં.

     કશો ઈલાજ?

     થોડો પ્રકાશ ‘એખાર્ટ ટોલ’ની ‘આજની ઘડી રળિયામણી’ – ‘Power of Now’ વાંચતાં પડ્યો.  દાદા ભગવાનની પ્રતિક્રમણની વાતને અમલમાં મૂકતાં બહુ રાહત થઈ. પણ આ તો બધું માનસિક.

    શરીરના ઘસાયેલા પૂર્જાઓનું શું? આંખનો લેન્સ કાઢી ‘નેત્રમણિ’ મૂકાવ્યો અને કાને કર્ણનાં કુંડળ જેવાં હિયરિંગ એડ ચઢાવ્યાં. દાંતના નર્વ કપાવી ઉપર કેપ્યું ચઢાવી. પણ ચઈડ ચઈડ બોલતાં ઘૂંટણનું શું? શ્વાસ ભરાઈ જાય તે ફેફસાં બદલાતાં હશે?! અને પ્રેશરની ગોળીઓ ક્યાં સુધી લીધા કરવાની?

     અમદાવાદ ગયો ત્યારે ભત્રીજી કૌમુદીએ ‘આર્ટ ઓફ લિવિંગ’ની વાત કરી. એ વળી શું નવતર છે, એ જાણવા એના ક્લાસ ભર્યા- પણ કુતૂહલ સંતોષવા પૂરતા જ. અડાલજ જઈ જૂના મિત્ર રામભાઈના પ્રતાપે, દિપકભાઈ સાથે જાહેરમાં ગોઠડી પણ કરી. પરમ મિત્ર શરદ ભાઈએ ઓશોવાણી આગળ ધરી, અને શ્વાસની કસરતો પણ શિખવાડી.

પણ અમલીકરણમાં મીંડું.

     પણ આ બધી નીરાશામાં આશાનું એક કિરણ ૮મી જુલાઈએ પડ્યું. અહીં અરવિનમાં ‘આર્ટ ઓફ લિવિંગ’નો રિપીટર કોર્સ થતો હતો; એમાં જિંદગીમાં પહેલી વખત રિપીટર બન્યો! એનો એકડો ફરી ઘૂંટ્યો. આવી દરેક તાલીમ વખતે લેવાતો સંકલ્પ પણ કર્યો,” આ તાલીમ ચાલુ રાખીશ.”

અને આ શું?

न भूतो न भविष्यति॥
જેવું કાંઈક થઈ ગયું.

       ત્રણ દિવસની તાલીમ પછી રોજ પ્રેક્ટિસ ચાલુ રહી! ખાસી ૪૫ મિનીટ, અને તેય આજ દિન લગણ.

કેવી પ્રેક્ટિસ?

 • સૂક્ષ્મ યોગ અને યોગાસનો – જુદી જુદી ૩૮ રીતે. – ૨૫થી ૩૦ મિનીટ
 • પ્રાણાયમ – ત્રણ જુદી જુદી રીતે , દરેક છ થી આઠ વખત
 • ભર્સ્તિકા પ્રાણાયમ – વીસ વીસના ત્રણ રાઉન્ડ
 • ઊંડા શ્વાસ લઈ, ૐ કાર ઉચ્ચાર – ત્રણ વખત.
 • સુદર્શન ક્રિયા( સોsહમ મંત્ર સાથે)- ધીમી(૨૦), મધ્યમ(૪૦), અને ઝડપી(૪૦)ના બે રાઉન્ડ
 • શબાસનમાં શ્વાસ નિરીક્ષણ સાથે ધ્યાન.
 • જમણે પડખે ફરીને કેવળ આરામ.

અને સાથે ઉમેરાયાં …

 • દિવસમાં ત્રણ વખત એખાર્ટ ટોલનું પ્રેક્ષાધ્યાન.
  • સવારે આંખ ઉઘડે ત્યારે
  • બપોરે જમ્યા બાદ વામકુક્ષી શરૂ કરતાં
  • રાત્રે સૂતાં પહેલાં.
 • હાઈડ્રો થેરાપી – બને તેટલું વધારે પાણી પીવું. એમાં તો પાણીની શીશીઓ ભરાવા માંડી અને એનું અવલોકન પણ લખાઈ ગયું!
 • ફળ બિલકુલ ખાતો ન હતો, તેની જગ્યાએ દિવસમાં ત્રણેક વખત ફળ ખાવાનાં ચાલુ કર્યા.
 • ચામાં અઢી ચમચી ખાંડ વગર ચાલતું ન હતું; એની જગ્યાએ એક જ ચમચી થઈ ગઈ. અને બપોરની ચા તો બંધ જ થઈ ગઈ.
 • કૂકી, ચોકલેટ વિ. ઘરમાં રાખવાનું જ બંધ કરી દીધું.
 • અધ્યાત્મ અને જીવન પ્રેરક સાહિત્યનું રોજ વાંચન.
 • રાતે સૂતા પહેલાં ‘પ્રતિક્રમણ’ – દસ મિનીટ
 • સતત ‘ હું શુદ્ધાત્મા છું.’ – એ ભાવનું રટણ.

શા ફાયદા થયા આ એક મહિનાની સાધનાથી?

 • બી.પી.ની ગોળી રોજ બેને બદલે એક જ કરી શક્યો. કદી પ્રેશર ૧૩૦થી ઉપર જતું નથી.
 • ઘુંટણનો દુખાવો લગભગ ગાયબ. પલાંઠી વાળીને બેસવામાંય દુખાવો થતો હતો; તેની જગ્યાએ પૂરી એક મિનીટ વજ્રાસનમાં બેસી શકાય છે.
 • ચાલતાં થાક લાગતો નથી; થાપા દુખતા હતા, તે બંધ થઈ ગયું.
 • બપોરની વામકુક્ષી બે કલાકની જગ્યાએ માત્ર ૧૦ મિનીટ જ– થ્રી ઈડિયટના વાઈરસ ની ‘પાવર નેપ’!
 • રાત્રે સરસ મીઠી, ઘસઘસાટ ઉંઘ. ઊઠતાં જ અજીબો ગરીબ ‘ધારા પ્રવાહ’ થી સભર વિપશ્યના ધ્યાન.
 • ગુસ્સો, અકળામણ, ચિંતા, અધીરતા લગભગ ગાયબ. કદી ન અનુભવી હોય એવી મોકળાશ અને શાંતિ.
 • બ્લોગની જાહેરાત કરવાની વૃત્તિ નિર્મૂળ થઈ ગઈ.
 • સરસ મજાની વાત…
  • વલીદા અમારે ઘેર પધારવાના છે. આવા મહેમાનોની આગતા-સ્વાગતાની  તૈયારીઓ મોટે ભાગે આદત અને આવડતના જોરે, મારી પત્ની જ્યોતિ સંભાળતી આવી છે. આ લખ્યું એ દિવસે આ જણે ત્રણ ખૂટતી ચીજો એને સૂચવી.
   અને એના આશ્ચર્ય સાથેના ઉદ્‍ગાર,” આ વળી તમને ક્યાંથી સૂઝ્યું? આનો તો મને પણ ખ્યાલ ન હતો.”
   વાહ, રે! મેં વાહ! મારું ભૂલકણાપણું પણ ઓસરવા માંડ્યાના એંધાણ…સાઠે ગયેલી થોડી પાછી આવી!!

બોલો આને કહેશો ને? અફલાતૂન તબીબ?

પણ કોણ છે એ તબીબ?

ઘણા બધા ..

ગોએન્કાજી, શ્રી. શ્રીરવિશંકર, દાદા ભગવાન, નીરૂમા, દિપકભાઈ, ઓશો, એખાર્ટ ટોલ,

અને

         પથપ્રદર્શકો  શ્રી. હેમન્ત પંડ્યા, રામભાઈ( બોડીવાલા), કૌમુદી જાની, શરદ શાહ, પ્રજ્ઞાબેન વ્યાસ, પ્રવીણ/ મીનાબેન ઠક્કરનો ખાસ આભાર.

     આ ઉપરાંત ઉત્સાહ વધારનારા અનેક મિત્રો અને અલબત્ત ……..વ્હાલાં કુટુમ્બીજનો તો ખરાં જ.

એ સૌનો આ અદભૂત અને
કદી મૂકવા મન ન થાય તેવા
અનુભવ માટે
હૃદયપૂર્વક આભાર.

——————————————————————————

સંદર્ભ …..
‘ઓશોવાણી’ 
દાદા ભગવાન – અક્રમ વિજ્ઞાન

યુવાનો અને યુવતિઓને…..

એમ ન બને કે,
–  કદાચ આ તબીબી ૬૦+ ની જેમ ૧૬+ કે ૬+ ને પણ રામબાણ પૂરવાર થાય?
–  ૬૦+ બધા થવાના તો છે જ. પણ એ સમો આજીવન ઢૂંકડો જ ન આવે?

એમ પણ બને!

અફલાતૂન તબીબ – ભાગ- ૮ , પથરી

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

તે દિવસે હું ઓફિસમાં ગયો; ત્યારથી ચેન પડતું ન હતું. સવારનો રાબેતા મુજબનો રાઉન્ડ બેળે બેળે પતાવ્યો. પેસાબ કરવાની હાજત થતી હતી; પણ પેસાબ થતો ન હતો.

ભૂતકાળના અનુભવે તરત ખબર પડી ગઈ કે, હું ફરી પથરીનો શિકાર બન્યો છું.

એ પીડા યાદ કરી હું કમકમી ગયો. ‘અરેરે! ફરી વાર એ પીડા?’

હું પાવરહાઉસના  દવાખાનામાં પહોંચી ગયો. ડોક્ટરે મને કહ્યું ,” બોલો સોનોગ્રાફી કરાવવી છે કે, પથરી કાઢવી છે?”

મને થયું ,’આ એક વરસમાં ઓપરેશનથી પથરી કાઢતા હશે.’ સર્જરીના એ ખયાલે શરીરમાં વિના ઠંડીએ, અમદાવાદની ગરમીમાં ઠંડીનું લખલખું ફરી વળ્યું.

પણ ડોક્ટરે હૈયાધારણ આપી,” ના, ના, આ તો એક નવી જ જાતના ઈલાજની મને ખબર પડી છે. તમે ત્યાં પહોંચી જાઓ; અને ચોવીસ કલાક પહેલાં તમને રાહત થઈ જશે.”

મને આપેલા સરનામે હું તો પહોંચી ગયો. એ હતા હોમિયોપથી ડોક્ટર. એમણે મારી વાત સાંભળી. તરત ગળી ગળી, ઝીણી ગોળીઓની શીશી મારા હાથમાં પકડાવી દીધી. દર બે કલાકે સાત આઠ ગોળી ગળી જવાની સૂચના આપી અને બને તેટલું વધારે પાણી પીવા કહ્યું.

હું ઘેર તો ગયો પણ કોઈ પેન કીલર વિના શી રીતે આવતા ચોવીસ કલાક જશે, એમ વિચારતો રહ્યો.

પણ આ અફલાતૂન તબીબની થીયરી કાંઈક અજબ જ હતી.

‘ઝેરથી ઝેર મરે.’

એવા હોમિયોપથીના  સિદ્ધાંત વિશે સાંભળ્યું હતું. મને એમ કે , આ મીઠી ગોળીઓમાં જરૂર ધૂળ ભરેલી હશે !

જે હોય તે, પણ સાંજ થતાં થતાં તો પેશાબ કરકરો આવવા માંડ્યો. જૂના અનુભવે પથરીને ઝીલવા કાચનો પ્યાલો હાથમાં તૈયાર જ રાખ્યો હતો. પણ એ માળી ન જ ઝીલાઈ. આ અફલાતૂન દવાએ એ રાઈ જેવડી માયાની હજારો ઝીણી કરચો કરી નાંખી હતી. ત્રણેક વાર આમ કકરો પેશાબ થયો; અને રાતે હું આરામથી સૂઈ ગયો.

સવારે છેલ્લો પેશાબ અને બધી કરચો નીકળી ગઈ. હજુ ચોવીસ કલાક પુરા થયા ન હતા!

ત્યાર બાદ અમેરિકા આવ્યા પછી પણ પથરી થઈ હતી; પણ અહીં એ અફલાતૂન તબીબ કયાં? અહીંની માન્યતા મૂજબ, પથરીના ઈલાજ માટે,  જિંદગીમાં પહેલી વાર ત્રણ કેન બીયર પીવો પડ્યો હતો! પથરી તો બે દિવસે મટી; પણ પછી એ અફલાતૂન તબીબની ગોળીઓનું પાર્સલ ટપાલમાં મંગાવી લીધું હતું. પણ સદ્‍ભાગ્યે ફરી એ વાપરવા વારો ન આવ્યો. હજુ એ બોટલ દવાઓના કબાટમાં અકબંધ સચવાયેલી પડી છે.