સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: ચીકીત્સા

અફલાતૂન તબીબ, ભાગ -૭ – ઢીંચણનો દુખાવો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

‘મેથીપાક’  લખ્યા બાદ અઠવાડીયામાં માત્ર બે જ દિવસ, સવારે નયણા કોઠે મેથી લેવાનું રાખ્યું. પણ આથી એ બે દિવસ સિવાય ઢીંચણનો દુખાવો ચાલુ જ રહ્યો. વળી મારા ફેમિલી ડોક્ટર  પ્રેશરની ગોળી દર મહિને બદલ્યા કરતા હતા; પણ પ્રેશરમાં ખાસ ફરક પડતો ન હતો.

આથી ત્રણ અઠવાડીયા પહેલાં, અહીં અમારા સ્થાનિક ભજન ગ્રુપમાં જતાં પહેલાં નિર્ણય કર્યો કે, આ બધી જફાનો એક જ રામબાણ ઈલાજ અજમાવવા દે…..

અફલાતૂન તબીબ સદગત શ્રી. ગિદવાણીજીનો ઈલાજ.

જો કે, એ કતલની સાંજે તો આ બામણ ભાઈ બરાબર દાબીને જમ્યા!  અને બીજા દિવસથી હું તો આદુ ખઈને મચી પડ્યો ! અરે! ભૂલ્યો … ઉપવાસથી શરૂઆત કરી.

પહેલે દિવસે ભીમભાઈએ કર્યો હતો, એવો નકોરડો અપવાસ. હા! એક ફરક; પાણી પ્યાલે પ્યાલા ભરીને પીધે રાખ્યા. માથું તો એવું દૂખે કે, ન પૂછો વાત. અશક્તિ તો રહે જ ને? અને થોડોક તાવ પણ ખરો. ભૂખ્યા પેટે, રાતે તો ઘસઘસાટ ઊંઘ આવી ગઈ.

અને બીજા દિવસથી ચાર દિવસ ફળાહાર. સવાર અને બપોરે એ જ મોસંબી. જો કે, અહીં મળતી મોસંબી દેશ જેવી ફિકી નથી હોતી. અને મોટી પણ વધારે. ત્રણ મોસંબીમાં તો પેટ ફાટ ફાટ થઈ જાય. બબે કલાકે જુદાં જુદાં ફળ તો ખરાં જ. હા! એક સાથે એક જ જાતનું ફળ – કોઈ ભેળસેળ નહીં.

અને પછી, ધીરે ધીરે રોજના ખોરાક પર ચઢવા માંડ્યો. એક મહાન ફરક સાથે – ખાંડ અને મીઠું બને તેટલાં ઓછાં કરી દીધાં. ચામાં અઢી ચમચી ખાંડ લેતો હતો; તેની એક જ કરી નાંખી.

અને આ શું?

પ્રેશરની ગોળી લીધા વિના ધીરે ધીરે પ્રેશર નીચું આવવા માંડ્યું. અને સાતમા દિવસે તો મેથી, બામ કે કોઈ પેઈન કીલર વિના ઘરડો ઢીંચણ જવાન થવા લાગ્યો!  માંડ ૩૦ % જેટલો જ દુખાવો રહ્યો.

તમે નહીં માનો; સાવ બેઠાડુ થઈ ગયો હતો; એની જગ્યાએ રોજ વીસેક મિનિટ ચાલવાનું શરૂ કરી શક્યો.

જય હો!
અફલાતૂન તબીબનો

——————————————————-

અગાઉ લખેલી અફલાતૂની ……

અફલાતૂન તબીબ

ભાગ -1 : ઊંટાટીયો

ભાગ -2 : કમરનો દૂખાવો

ભાગ – 3 : પેશાબ બંધ

ભાગ – 4 : સૂકી ખાંસી

ભાગ – 5 : આંબોઈ

ભાગ – ૬ મેથીપાક

અફલાતૂન તબીબ – ભાગ ૬ ….મેથીપાક

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

      આ શિર્ષક હેઠળ આશ્ચર્યકારક પરિણામો મળ્યા હોય તેવા, શારીરિક તકલિફોને લગતા અનુભવોની  વાત કરી છે. પણ આજે  કાંઈક અલગ જ વાત કરવાની છે.
——-
      ૬૮ વરસ સેવા આપેલા, આ શરીરને કાંઈક ને કાંઈક પીડા ન હોય તો જ નવાઈ કહેવાય. આમ તો મારું સામાન્ય સ્વાસ્થ્ય બહુ સારું નહીં,  તો બહુ ખરાબ પણ નથી. એ વગર આ બધા ઉધામા થઈ શકતા હશે? બે મહિના પહેલાં જ દેશમાં કરેલા ઉધામા પર જરીક નજર કરી લેવી હોય તો, અહીં કટ્ટાક ‘ક્લિક’ કરી લેજો.
     પણ કબૂલ કરવું પડશે કે, મારે બે ખાસ તકલિફો છે. એક તો લોહીનું ઊંચું દબાણ અને બીજું જમણા ઢિંચણમાં દુખાવો. દેશમાંથી પાછા વળતાં પ્લેનમાં ભારે વજન ભરેલી હેન્ડ બેગ  સામાન માટેની જગ્યા પર ચઢાવતાં પગે ઝટકો લાગી ગયો હતો; અને ખૂબ દુખાવો થતો હતો. કેમે કરી એ મચક આપતો ન હતો. દર્દ શામક દવાઓ એક દિવસ જ રાહત આપી શકતી.
       આથી મહિના પહેલાં સવારના પહોરમાં નયણા કોઠે એક ચમચી જેટલો મેથીનો પાવડર પાણી સાથે પી જવાનો પ્રયોગ શરૂ કર્યો હતો. એક મિત્રે સલાહ આપતાં એમાં  એક ચમચી હળદરનો પાવડર પણ ઉમેરવા માંડ્યો. પહેલા જ દિવસથી સરસ પરિણામ મળવા માંડ્યું .
     હવે બીજી વાત એ કે,  લગભગ બે વર્ષથી હું બ્લડ પ્રેશરની ગોળી પણ લઉં છું. એ ગોળીથી લોહીનું ઉપલું દબાણ ( ડાયાસ્ટોલિક) ૧૨૦-૧૨૫ ની આજુબાજુ રહેતું હતું. પણ એની આડ અસર રૂપે ગળામાં ચામડી આળી રહેતી હતી; અને એ કારણે સૂકી ખાંસી સતત ત્રાસ આપ્યા કરતી હતી. દેશમાં દિલના ડાક્ટરે એ બદલીને બીજી જાતની લેવા સલાહ આપી હતી. એનાથી એ તકલિફ તો દૂર થઈ ગઈ; પણ લોહીનું દબાણ ૧૪૦ની આસપાસ રહ્યા કરતું હતું.
       પાછા આવ્યા બાદ, મારા ફેમિલી ડોક્ટરને આ વાત કરતાં , અહીંની બીજી એક ગોળી શરૂ કરવા અને એક મહિના માટે નિયમિત રીતે, બી.પી. માપતા રહેવાનું કહ્યું હતું. સરસ મજાનું સાધન લઈ આવ્યો અને બી.પી. માપતો રહ્યો. પણ એ તો માળું ૧૫૦-૧૬૦ ની ઊંચાઈ છોડવાનું નામ જ લેતું ન હતું. એને કોણ જાણે કેમ ઊંચું સ્થાન મળી ગયું હતું ; અને એ તે કેમ છોડાય? !
       પણ આને કારણે મને ઉદવેગ રહ્યા કરતો હતો. આ નવી દવા તો કશી અસર કરતી જ નથી. દિવસમાં રોજ બે વાર આ માપણી અને ચટપટી.
     ન કરે નારાયણ, અને કોણ જાણે કેમ; ત્રણ દિવસ પહેલાં મને વિચાર આવ્યો કે, હવે ઢિંચણનો દુખાવો તો દૂર થયો છે; તો લાવ ને, રોજ સવારે કડવું મોં કરવાની જફામાંથી બે’ક દિ રાહત લઈ લઉં? આ વિચારે મેથી પ્રયોગ બંધ કર્યો છે.
     અને આ શું?
    ઓલ્યું બી.પી. ગબડ્યું ! ૧૪૫…૧૪૦…..૧૩૦ અને ગઈકાલ બપોરથી તો જુવાન જોધને પણ શરમાવે એમ ૧૨૦ ની તળેટીમાં આવી પૂગ્યું !
    એક મહિનાનો મેથીપાક ખાધેલા મારા કોમળ દિલને હાશકારો મળ્યો!
    આજની રવિવારી સવારે ૧૨૦નો આંકડો જોઈ આ સ્વાનુભવ લખવા બેસી ગયો છુ;  ત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે કે, આપણે સનાતન સત્ય જેવા મનાતા આવા  ઘરગથ્થુ ઈલાજો અજમાવતા તો હોઈએ છીએ; પણ એની આડ અસરો વિશે કશું જાણીએ છીએ ખરા?
      આયુર્વેદના નિષ્ણાતોને મારો એ પ્રશ્ન છે કે, આ અંગે કશું સંશોધન થયું છે ખરું?
      આયુર્વેદિક સંશોધન શાસ્ત્રમાં આવો સર્વગ્રાહી અભ્યાસ કરવાની કોઈ જોગવાઈ હોય છે ખરી?
       આ શ્રેણીના બીજા મજાના અનુભવો પણ વાંચી લો ——–

અફલાતૂન તબીબ

ભાગ -1 : ઊંટાટીયો

ભાગ -2 : કમરનો દૂખાવો

ભાગ – 3 : પેશાબ બંધ

ભાગ – 4 : સૂકી ખાંસી

ભાગ – 5 : આંબોઈ

અફલાતૂન તબીબ : ભાગ – 5, આંબોઈ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

અમદાવાદની પોળમાં આવેલા અમારા મકાનની દિવાલની ટોચે અભરાઈ પર લોટા મૂકેલા રહેતા. કોઈ લોટો કદી કામમાં આવ્યો હોય; તેવું મારી જાણમાં નથી. કદાચ એ શોભા અથવા સમૃદ્ધિના દેખાડા માટે રાખવામાં આવતા હતા! પણ એમાંનો એક લોટો તો જરૂર વપરાતો. એને જોઈને અમને કમકમાં આવી જતાં.

તમે કદાચ વિચારવા માંડ્યા ને?  ‘આ તબીબી વાતને લોટા સાથે શો સંબંધ?’

લો ત્યારે વાતમાં વધારે મોંયણ નાખ્યા વિના મૂળ વાત શરૂ કરું.

———

શહેરના એ મકાનમાં અને બીજે બધે, સ્વચ્છતા ઓછી હોવાના કારણે, અમારાં પેટ વારંવાર બગડી જતાં. પાતળા, પાણી જેવા ઝાડા ઘણી વાર થઈ જતા. ઘણી વાર ડોક્ટરની દવા પણ કારગત ન નિવડતી. એવે વખતે એ લોટો નીચે ઊતારવામાં આવતો. અને જેનું પેટ દુખતું હોય; સખત ચૂંક આવતી હોય; તેના મોંમાંથી રાડ ફાટી જતી.

નળાકાર ઘડા આકારના, પાતળા કાના અને પાતળા પતરાના, ઘડતર તાંબાના એ લોટામાં રાખ ભરેલી  લુગડાંની એક નાની પોટલી તૈયાર રહેતી. એની ઊપર દિવેટ જેવો આકાર બનેલો રહેતો.  અમે એને બોમ્બ કહેતા!

અમારા બાપુજી આ વિશિષ્ઠ સર્જીકલ સામગ્રી વાપરવામાં નિષ્ણાત હતા! તેઓ પોટલીની દિવેટ પર ઘી ચોપડી, તેનો દીવડો બનાવતા. એને પ્રગટાવી, એ સળગતો દીવડો પેટ પર મૂકાતો. એની ઊપર પેલો લોટો એનું મોં નીચું રાખી, થોડોક અદ્ધર એક બે મિનીટ માટે, ઝાલી રખાતો.  આથી દીવડામાંથી નીકળતો ગરમ વાયુ લોટામાં ભરાતો. લોટો પણ ઠીક ઠીક ગરમ થઈ જતો. થોડીક વાર પછી, એ લોટાની ધાર દબાણ સાથે પેટ પર તેઓ મૂકતા. થોડી વારે દીવો ઓલવાઈ જતો અને લોટામાં પૂરાયેલો વાયુ ઠંડો પડતાં સંકોચાતો; અને લોટો પેટ સાથે સજ્જડ ચોંટી જતો. ડુંટીની નીચેનો પેટનો ભાગ અમળાઈને ઊપર આવતો હોય તેવું લાગતું.

અમે એને ટોરપીડાની ઉપમા આપતા! જે વ્યક્તિને દર્દ થયું હોય તે દુખથી આ યાતના સહન કરતી; અને બીજાં બધાં ભય અને હેરતથી આ ભયાનક દૃષ્ય નિહાળતાં રહેતાં.

પણ દરદીની સહનશક્તિની ખરી કસોટી તો, લોટો ધીરેથી ઉઠાવી લેતા ત્યારે થતી.  પેટની ચામડી ઉતરડાઈને લોટા સાથે ખેંચાઇ જશે એમ લાગતું. અસહ્ય બળતરા પણ થતી. એ દર્દની આગળ પેટનો દુખાવો અને ચૂંક સાવ નજીવાં થઈ જતાં!

આને ‘આંબોઈ ઊતારવી’ એમ કહેતા. ‘પેટની પિચોટી ખસી ગઈ હતી.’ એમ માનવામાં  આવતું હતું , અને આંબોઈ ઊતારવાથી એ પાછી સીધી થઈ જાય એમ મનાતું. પિચોટી શું? આંબોઈ શું? એની હજુ સુધી મને શરીર શાસ્ત્રની દૃષ્ટિએ  ખબર નથી. પણ આ ઓપરેશન (!) કર્યા પછી પેટનો દુખાવો અને પાતળા ઝાડા ગાયબ થઈ જતા હતા ; તે હકિકત છે. મોટા અને સમજણા થયા બાદ તો મેં જાતે બે એક વખત બાપુજીને આ સારવાર કરવા કહ્યાનું પણ મને યાદ છે.

બોલો કેવા અફલાતૂન તબીબ હતા – અમારા બાપુજી ?

એમનો પરિચય માણવા અહીં ‘ ક્લિક’ કરો.

અફલાતૂન તબીબ : ભાગ – 4 : સૂકી ખાંસી

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

વાચકને આ શ્રેણીનો આ હપ્તો પણ જૂના ત્રણ અનુભવો જેવો જ આશ્ચર્યજનક લાગશે. અહીં દર્દ જૂનું જ છે. પણ અહીં ફલક બદલાયેલું છે, દેશ બદલાયેલો છે, અને તબીબ પણ અલગ છે. અમેરિકાની અતિ આધુનિક તબીબી સેવા આપતી હોસ્પિટલનો અમેરિકન તબીબ.

કેમ ચોંકી ગયા ને?

આમ તો આ નેચરોપથીની વાત નથી. પણ એને ઘણી મળતી આવે છે.

વાત જાણે એમ છે કે, છેલ્લા ત્રણેક વર્ષથી મને સૂકી ઉધરસ રહેતી હતી. ફફનો ગળફો તો નામેય નહીં. પણ કેમેય કરતાં એ ઉધરસ  જાય જ નહીં. ઉધરસની, એલર્જીની જાત જાતની દવાઓ લઈ જોઈ. મારો માનીતો મોસંબીનો રસ પણ અજમાવી જોયો. થોડોક વખત રાહત રહે; અને તરત તકલીફ ચાલૂ. કદીક ગળફામાં લોહીનાં ટીપાં પણ આવી ગયેલાં જોયાં.

ક્યાંક વાંચેલું કે, નિવડેલી એ  દવાઓ લેવા છતાં કોઈ દર્દ ન મટે – ખાસ કરીને ગળાની આવી ખાંસી – અને લોહી પડવા માંડે; તો એ કેન્સરના વાવડ છે. હું ઘરમાં કોઈને  કહેતો નહીં, પણ મનોમન ચિંતા રહ્યા કરે, ‘અરેરે ! જીવલેણ કેન્સર મારા ગળાને ભરડો તો નહીં લઈ લે ને?’

આથી તે દિવસે મારા ફેમિલી ડોક્ટર શ્રી. રેન્ડોલ વેગમેનની આગળ મારી ચિંતા વ્યક્ત કરી. તેમણે લાઈટ નાંખી , આ… આ… કરાવી મારું ગળું તપાસ્યું અને કહ્યું,” આમ તો  એવી ચિંતા થાય તેમ દેખાતું નથી,  પણ કાન, નાક, ગળાંના ( ઈ.એન.ટી.) નિષ્ણાતને બતાવી જુઓ. “

એમની ભલામણ મૂજબ,  હું ડો. લ્યુક શેલનબર્ગરને મળી આવ્યો. તેમણે નાકમાં કશીક દવા છાંટી, નાકની ચામડી બહેરી કરી;  લાઈટના નાના  દિવા વાળું કેથેટર, નાકમાંથી છેક મારા ગળા સુધી ઉતાર્યું અને ગળાની સપાટીની બરાબર  ચકાસણી કરી. મને અભિનંદન આપી કહ્યું ,” ચિંતા ન કરો. કેન્સરનાં કોઈ ચિહ્ન દેખાતાં નથી. કદાચ વિશિષ્ઠ જાતની એલર્જી હોય કે એલ.પી.આર. હોય.”

એલ.પી.આર. વિશે વાંચો. :    –  1  – :   –   2   –

મને તો ‘ આ એલ.પી.આર. શી બલા છે?‘ તેની કશી ખબર ન હતી. તેમણે એ તકલીફની મને વિગતે  માહિતી આપી, અને એની પ્રક્રિયા અને ઇલાજ  સમજાવતું  એક ફરફરિયું આપ્યું. એક દવા પણ આપી. રોજ સવારે નયણા કોઠે લેવાની. એ ફરફરિયામાં ખાવા અને સૂવાની ટેવોમાં ફેરફાર કરવાની વિગતે સૂચના પણ હતી.

આપણે તો બાપુ તે જ દિવસથી મચી પડ્યા. કેન્સરની બલા ટળ્યાની રાહતનો ઉમંગ પણ હતો જ ને?

ઘણાં વર્ષોથી મને બપોરના જમણ બાદ અડધોએક કલાક પથારીમાં સૂવાની આદત હતી.  એ બદલી નાંખી અને ‘પાવર નેપ’ લેવાનું શરુ કર્યું. –  ‘થ્રી ઈડીયટ્સ’ ના પ્રોફેસર વાઈરસ ને યાદ કરતાં કરતાં!  અન્નનળી વાંકી રહે તેમ સૂવાનું – જઠરનું ખાટું પ્રવાહી ઊપર ન આવી જાય તેમ. વળી ખાતી વખતે પ્યાલો ભરીને પાણી પી જતો હતો;  તેની જગ્યાએ મન પર કાબુ રાખી, માત્ર પાએક પ્યાલો પાણીજ પીવાનું રાખ્યું. બાકીના પાણીના કોગળા કરી મોં ચોક્ખું કરી નાંખવાનું. જમ્યા પછી કલાકે પ્યાલો ભરીને પાણી પી જવાનું.

સાંજે પણ જમવાની આ જ રીત. જમ્યા બાદ બે કલાક સૂધી આડા પણ નહીં પડવાનું અને રાત્રે સૂતા પહેલાં પ્યાલો ભરીને પાણી પી જવાનું.

પહેલે દિવસે ઉધરસની   માત્રા ઘટેલી લાગી. એલ.પી.આર. ( જઠરનું ખાટું પ્રવાહી ઊપર આવવાની પ્રક્રિયા) ઘટ્યો હતો.

આ વાતને એક મહિનો થઈ ગયો છે. ઉધરસ ગાયબ થઈ ગઈ છે. ગળાની ખિચખિચાટ ભાગી ગઈ છે.

છે ને અફલાતૂન તબીબ? – અમેરિકન હોય કે, સિંધી!

——————————————————————————

[ ‘ સરસ સ્પેલ ચેકર’ પર સુધારીને પ્રકાશિત કર્યું છે. ]

અફલાતુન તબીબ – ભાગ : 3 : પેશાબ બંધ

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

 

ભાગ – 1 :  ભાગ -2

કમરના દુખાવાને કમરતોડ વીદાય આપ્યા પછી એક વર્ષ વીતી ગયું હતું. પણ હવે મારી પત્નીને પેશાબ થવાની નવી તકલીફ ઉભી થઈ. એક આખો દીવસ પેશાબ થયો જ નહીં, અને  અસહ્ય દુખાવો ચાલુ થઈ ગયો. અમારા ફેમીલી ડોક્ટરે (મારા સાઢુભાઈ ડો. કમલકાન્ત વ્યાસ) ‘લેસીક્સ’ નામની દવા લેવાનું કહ્યું; અને ફાયદો પણ થયો. પછી આમ બે ત્રણ વખત થયું અને દવા ઘરમાં હાથવગી  હોવાને કારણે તકલીફ દુર તો થઈ ગઈ.

પણ ત્યાર બાદ ત્રણેક મહીના બાદ, દવા લીધા છતાં બે દીવસ સુધી કશી રાહત ન થઈ.

આથી અમે તો એક સ્પેશીયાલીસ્ટ પાસે પહોંચી ગયા. તેમણે તેને ઈમર્જન્સીમાં દાખલ કરી; અને લોકલ એનેસ્થેટીક આપી  પેશાબની નળી સાફ કરી આપી. ઘેર જતી વખતે તેમણે કહ્યું કે,

‘આ તકલીફ ફરી વખત અને વારંવાર ઉભી થઈ શકે છે; અને ફરી આ  સફાઈ કરાવવી પડશે.’

અમે તો ચીંતીત થઈ ગયા. ‘આ નવી બબાલને શી રીતે પહોંચી વળવું?’

અને અમને અમારા તારણહાર ‘અફલાતુન તબીબ’ ફરી યાદ આવી ગયા! અમે તો તેમના  ગાંધી આશ્રમની સામેના કેન્દ્રમાં, સાંજ પડતાં પહોંચી ગયા.

ગીદવાણીજીએ  હસીને અમને આવકાર્યાં. જ્યોતિના કમરના દુખાવાની  અને મારી ખાંસીની ખબર પુછી. તેમની સ્મરણ શક્તી અદભુત હતી. સારી ખબર જાણી તે ખુશ થયા અને પુછ્યું ,

” क्यों क्यों आज कौनसी मुसीबत लेके आये हैं?”

અમે આ નવી આપદા તેમને જણાવી. તરત ચપટી વગાડીને કહ્યું ,

” એ ‘લેસીક્સ’ લેવાનું આજથી બંધ. અહીંથી સીધા ફળબજારમાં પહોંચી જાઓ, પાવલી છાપ મોસંબીનો કરંડીયો ખરીદી લાવો અને માત્ર જ્યુસ પીવાનું શરુ કરી દો. અને એક બે દીવસ નહીં – એક આખું અઠવાડીયું !“

અમે ત્યાંથી નીકળ્યા અને રસ્તામાં ફળના રસની દુકાનેથી ( જ્યુસ સેન્ટર) કશી ભેળસેળ વગરનો, બરફ પણ નહીં ઉમેરેલા રસનો આખો પ્યાલો પી લીધો. (બરફ ન ઉમેરવા માટે વધારાની રકમ આપીને સ્તો ! )

અમે અમદાવાદ રેલ્વે સ્ટેશન પાસેના ફળોના બજારમાં પહોંચ્યા પણ  ન હતા અને જ્યોતિને બાથરુમ જવું પડ્યું. અમદાવાદમાં સ્ત્રીઓ માટે જાહેર બાથરુમની અગવડ તે વખતે અમને બહુ સાલી!  સ્ટેશન પાસેની  એક હોટલનો સહારો લેવો પડ્યો. પણ કરંડીયો ખરીદતાં પહેલાં જ રાહત થઈ ગઈ.

જડબેસલાક બેસી ગયેલી શ્રદ્ધાના કારણે, પુરા સાત દીવસ, દરરોજ ત્રણ વખત, મોસંબીના રસનું સેવન ચાલુ રહ્યું.

અને આ વીસ વર્ષ વીતી ગયા . ફરી આવી હરકત ઉભી થઈ નથી.

વળી દસેક વર્ષ વીત્યા અને જ્યોતિને માસીક ધર્મની તકલીફો થવા માંડી. બધાંની સલાહ માનીને અમે તેની બન્ને પ્રસુતી કરાવી આપનાર ડો. વિશાખાબેન પાસે ગયા. તેમની સલાહ અનુસાર અમે કાયમી છુટકારા માટે તેનું ગર્ભાશય અને અંડપીંડો કઢાવી નંખવાનું નક્કી કર્યું.

ઓપરેશનના દીવસે અગાઉથી  જ મોસંબીનો કરંડીયો અને જ્યુસર અમારા રુમમાં હાજર હતાં. ઓપરેશન પહેલાં અને પછી; દીવસમાં ત્રણ ત્રણ વખત રસના પ્યાલાની રફ્તાર શરુ થઈ ગઈ.

જ્યારે ટાંકા તોડવાનો વખત આવ્યો ત્યારે ખુદ વિશાખાબેનને પણ આટલી સરસ રુઝ આવી ગયાથી બહુ આશ્ચર્ય થયું. અમારા રસ પ્રયોગની તેમણે પણ મુક્ત મને પ્રશંસા કરી; અને ઉમેર્યું,

” અમે પણ દરદીઓને  માત્ર ફળો ઉપર રહેવાનું કહીએ જ છીએ; પણ ચા દેવીની માયા છોડવા કોઈ તૈયાર થતું નથી!“

આ બન્યું ત્યારે તો ગીદવાણીજી હયાત ન હતા; પણ અમે તેમને મનોમન નમસ્કાર કરીને હરખાયાં હતાં.

—————————

( આગળનો હપ્તો જ્યોતિને વંચાવ્યો; ત્યારે તેણે આ ઘટના યાદ કરીને આ લેખ લખવા મને કહ્યું છે.)

સમ્મોહન (હીપ્નોટીઝમ) – ભાગ : 2

ભાગ : 1 વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

ડો. વૈષ્ણવે બીજા થોડાક પ્રયોગો પણ કરાવ્યા. સમ્મોહીત સ્વયંસેવકોએ તે ધારે તેવી સુવાસ અથવા દુર્ગંધ, કોઈ પણ જાતની વાસ વગરની ચીજોમાં અનુભવી બતાવી. સમ્મોહીતો  પાસેથી ડોક્ટરે દીવસ, સમય, સ્થળ  વીગેરેની માહીતી પણ મન ફાવે તેવી કઢાવી આપી.

પછી ‘ઘ’નો વારો આવ્યો. તેને ઘણો સમય વ્યતીત થયા બાદ, રપેટીમાં  લીધો હતો. તે એકદમ ઉંડી તંદ્રામાં પડેલો હતો.

ડો. વૈષ્ણવે કહ્યું,” આદત છોડાવવી એ બહુ મુશ્કેલ કામ હોય છે. આ માટે દરદીની સમ્પુર્ણ તૈયારી અને સઘન સમ્મોહન જરુરી હોય છે. નશાની બહુ જુની આદતવાળાને તેની  ટેવ છોડાવવા ઘણા બધા સીટીંગ કરવા પડે છે. વળી બીજા નશાખોરોની સોબતની  બલા તો ઉભી જ હોય! પણ  ‘ઘ’ ને સીગારેટ પીવાની ટેવ હમણાં જ પડેલી હોવાને કારણે, મને વીશ્વાસ છે કે, તેને ટેવમાંથી મુક્ત કરવામાં મને સફળતા મળશે.”

આમ કહી તેમને સીગારેટ ચેતાવીને ‘ઘ’ને પીવા આપી; અને પુછ્યું, ” કેમ સીગારેટ પીવાની મજા આવે છે ને?”

‘ઘ’એ બરાબર કશ લઈને કહ્યું,”: હા! મજા આવી ગઈ.”

ડોક્ટર બોલ્યા,” તમને ખબર નથી, પણ હવે સીગારેટ બનાવનારા એમાં છાણાંનો ભુકો  નાંખે છે. હવે ફરી વાર તમે કશ લગાવશો તો તમને છાણની દુર્ગંધ જરુર આવશે.”

‘ઘ’એ બીજો કશ લેતાંની સાથે જ સીગારેટ ફેંકી દીધી અને થુ થુ કરવા માંડ્યો. આમ ત્રણ ચાર કશ તેની પાસે ડોકટરે લેવડાવ્યા.. દરેક વખતે એ દુર્ગંધની વાત તો ફરી ફરીને કહેતા જ રહ્યા.

પાંચમી વખતે ‘ઘ’ એ સીગારેટ પીવાની ઘસીને ના પાડી દીધી.

ડોક્ટરે કહ્યું ,” કેમ આ તો તારી પ્રીય બ્રાન્ડ છે.”

‘ઘ’ – “ એમાં છાણાંનો ભુકો નાંખેલો છે.”

આખું ઓડીયન્સ ખડખડાટ હસી પડ્યું.

પછી મંચ પર વચ્ચે ત્રણ ખુરશીઓ ગોઠવાઈ. સમ્મોહીત થયેલા, એક મજબુત બાંધાના ભાઈને ડોક્ટરે તેની ઉપર સુવાડ્યા. અને કહ્યું ,”તમારું આખું શરીર જડ બની ગયું છે. એકે એક સાંધો સખત રીતે જકડાઈ ગયો છે.”

તેમણે ખભાથી છેક પગ સુધી એક એક સાંધા આગળ હાથ ફેરવી “આ સાંધો જકડાઈ ગયો છે.” – એમ સુચના આપ્યે રાખી. છેવટે આખા શરીર પર હાથ ફેરવી તેમણે કહ્યું,”તમારું આખું શરીર લાકડાના બીમ જેવું બની ગયું છે. તેની પર ગમે તેટલું જોર કરું કે વજન મુકું તો પણ તે હવે વળી નહીં જાય.”

આમ કહી તેમણે  બે મદદનીશોને વચ્ચેની ખુરશી ખેંચી લેવા જણાવ્યું. અને બધાના આશ્ચર્ય વચ્ચે, માત્ર ખભા અને પગની પાનીની નીચે, બે જ ટેકા પર એનું શરીર સહેજ પણ ઝુક્યા વગર ટેકવાઈ રહ્યું. પછી એક જાડા ભાઈને તેની ઉપર ઉભા પણ રખાવ્યા. કોઈ પણ અલમસ્ત પહેલવાન પણ ન કરી શકે, તેવી અદભુત તાકાત તે ભાઈના શરીરમાં આવી ગઈ હતી.

પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ સાથે આ અદભુત દ્રશ્ય જોઈ રહ્યા.

ત્યાર બાદ તેમણે બધાંને ફરીથી જાગૃત અવસ્થામાં આવવા માટેની સુચનાઓ આપવા માંડી.

“હવે તમારી ઉંઘ પુરી થઈ છે. તમે હવે એકદમ  તાજા બની રહ્યા છો. સવારે ઉઠો છો; તેમ આળસ મરડીને તમે ઉભા થઈ જશો. હવે મેં આપેલી સુચનાઓ  નહીં પણ તમે જેમ કરવા ધારશો તેમ કરી શકશો. “

અને ધીરે ધીરે બધાં જાગવા માંડ્યા.

‘ઘ’ હજુ ઉંઘરેટો હતો. તેને તેમણે ખાસ સુચના આપી ,”તમે હવે જાગી રહ્યા છો. પણ મને કહો કે, સીગારેટમાં શું હોય અને તેમાંથી કેવી વાસ આવે”

‘ઘ’ – “છાણની.”

ડો. વૈષ્ણવ ,” તમારા મીત્ર તમને આગ્રહ કરીને સીગારેટ પીવાનું કહેશે તો તમે શું કહેશો.”

‘ઘ’ – “ઘસીને ના જ પાડવાની હોય ને?”

ડો. “ તમે હવે બરાબર જાગી જવાના છો. પણ આ વાત તમે કદી નહીં ભુલો”

અને ‘ઘ’ પણ જાગી ગયો.

પછી પેલી કીશોરી કે,  જેને સમ્મોહનની સૌથી વધારે અસર થયેલી હતી; તેને ડોક્ટરે કહ્યું,” તું હવે જાગી રહી છું.  પણ આજથી બરાબર એક મહીના બાદ, બપોરના બાર વાગે તારા પપ્પા ઘેર જમવા આવે; ત્યારે તું કહીશ કે. ‘મારે ડોક્ટર વૈષ્ણવ પાસે   જવું છે. મને જલદી તેમની પાસે લઈ જાઓ.”

અને  છેવટે તે કીશોરી પણ જાગી ગઈ. આભાર વીધી સાથે સભા બરખાસ્ત થઈ.

————————-

પણ ‘ઘ’ એ ત્યાર બાદ કદી સીગારેટને હાથ   અડાડ્યો નથી. અને પેલી કીશોરીને બરાબર એક મહીના બાદ, ડો. વૈષ્ણવ પાસે લઈ જ જવી પડી હતી.

આ છે સાવ સામાન્ય માણસના મનની શક્તી – જે આપણે જાણતા જ નથી હોતા.

——————————–

સમ્મોહન વીશેના મારા વીચારો હવે પછી કદીક…

સમ્મોહન (હીપ્નોટીઝમ) : ભાગ -1

“હું તમારો સાચો મીત્ર છું.
હું કહીશ તેમ જ તમે કરશો.
મારાં એકે એક સલાહ અને સુચનનો
તમે પુરી રીતે અમલ કરશો.
હું કહીશ કે ગરમી છે, તો તમે ગરમી અનુભવશો;
અને ઠંડી કહીશ તો ઠંડી… “

કોઈ એમ.ડી. થયેલો ડોક્ટર પણ આમ કહે, તો તમે માની જશો?

હા! કે ના?

હા હતી …. એમ જ હતું.

———–

1975ના શીયાળાની સાંજની ગુલાબી ઠંડીમાં અમારી કોલોનીના ક્લબના મેદાન પર આબાલવૃદ્ધ બસોએક માણસો ભેગા થયા હતા. અમદાવાદની વી. એસ. હોસ્પીટલના ડો. વૈષ્ણવ અને તેમના ત્રણેક મદદનીશો અમારી ક્લબનું આમંત્રણ સ્વીકારી, વીનામુલ્યે (!) હીપ્નોટીઝમના પ્રયોગો બતાવવા આવ્યા હતા. અમારી કમ્પનીના ડોક્ટર શ્રી. લલીતભાઈ દોશીએ આ ગોઠવણ કરી આપી હતી.

હીપ્નોટીઝમ વીશે પ્રારંભીક જાણકારી આપી, તેમણે પ્રેક્ષકોમાંથી સ્વયંસેવકોને મંચ પર સમ્મોહીત થવા બોલાવ્યા. લગભગ પંદરેક ઉત્સાહી ભાઈ બહેનો મંચ પર આવી ગયા. એમાં એક કીશોર અને કીશોરી પણ હતાં.

ડોક્ટરે પ્રારંભીક પુછપરછ કરી; નીચેની માહીતી મેળવી લીધી –

ક – ઠંડીની બહુ અસર થાય છે.

ખ – ગરમીની બહુ અસર થાય છે.

ગ – ખમીસ કાઢવું પડે, તે ડરથી કમ્પનીના પુલમાં તરવા નથી જતો.

ઘ – હમણાં થોડાક સમયથી સીગરેટ પીવાનું શરુ કર્યું છે.

—-

ત્યાર બાદ તેમણે જણાવ્યું કે. “તમે મારાથી સમ્મોહીત થવા પુર્ણ રીતે તૈયાર હો, તો જ હું તમને સમ્મોહીત કરી શકીશ. તમારા પુરેપુરા સહકાર વગર આ પ્રયોગ સફળ ન જ થઈ શકે. સાથે એટલું પણ કહીશ કે, આ  પ્રયોગથી તમને કશું જ નુકશાન થવાનું નથી. ઉલટાનું તમારું મગજ વધુ શીસ્તબધ્ધ બનશે.

પણ કોઈ અજાણી વ્યક્તી, જેમનામાં તમે વીશ્વાસ ન ધરાવતા હો, તેને આવો સહકાર આપવો તમને અત્યંત હાનીકારક બની શકે છે. આવી વ્યક્તીને તમે તમારા મન પર સમ્પુર્ણ નીયંત્રણ કરવાની છુટ આપશો; તો તેનો તે ગેરઉપયોગ કરી શકે છે. અને તે કેટલી હદ સુધી; તેનો આછો પાતળો ખ્યાલ આ પ્રયોગો બાદ તમારા વાલી કે  સગાંઓને આવી જશે. સમ્મોહીત બન્યા બાદ તમે શું શું કર્યું , તે તેમની પાસેથી જાણશો તો તમે અવાચક બની જશો. જો તમારામાંથી કોઈ આ વાત જાણી મને સહકાર આપવા તૈયાર ન હોય; તો પાછા પ્રેક્ષકોની વચ્ચે જઈ શકે છે.”

પછી તેમણે પ્રેક્ષકોને સંબોધીને કહ્યું,” આ સુચના તમારે પણ ધ્યાનમાં રાખવાની છે. આ પ્રયોગો એકદમ વૈજ્ઞાનીક ધોરણે કરવામાં આવશે. એનાથી માનસશાસ્ત્રના આ અમોઘ શસ્ત્રનો તમને પ્રારંભીક ખ્યાલ આપશે. અમે આનો ઉપયોગ માદક દવાઓ અને નશાકારક ચીજોની ચુંગાલમાં સપડાયેલ વ્યક્તીઓને તે છોડાવવા  માટે કરીએ છીએ. પણ આ વીદ્યા ગુનાના હેતુ માટે પણ વાપરી શકાય છે. આ જાણ તમને થાય; તે પણ અમારો હેતુ છે. આ પંદર જણ સમ્મોહીત ન થાય ત્યાં સુધી પ્રેક્ષકોને વીનંતી છે કે, સમ્પુર્ણ શાંતી જાળવવાની છે – મંચ પર ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય, એટલી શાંતી. “

બધાંએ તાળીઓના ગડગડાટથી ડો વૈષ્ણવને વધાવી લીધા.

ત્યાર બાદ તેમણે મંચ પરના સ્વયંસેવકોને સુચનાઓ આપવી શરુ કરી.

“ તમે સખત થાકી ગયા છો. તમારા અંગે અંગ આરામ માંગી રહ્યાં છે. ચલો હું તમને મીઠી ઉંઘ અપાવી દઉં.

મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..

મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ..

હવે તમારી આંખો ઘેરાવા લાગી છે. પોપચાં પડું પડું થઈ રહ્યાં છે.

મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..

તમારી આંખો ખુલ્લી હશે તો પણ તમે સુઈ શકશો.

મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..”

અને આમ ને આમ દસેક મીનીટ સુધી ઘેરા, માદક અને મીઠા અવાજમાં સુચનાઓ ચાલુ જ રહી. ધીમે ધીમે અવાજ  ઉંડો ઉતરતો ગયો. આછો થતો ગયો. સ્ટેજ પરની ડીમર કન્ટ્રોલવાળી લાઈટ (તે જમાના માટે તો તે પણ નવાઈ હતી.) ઝાંખી ને ઝાંખી થતી ગઈ.

એક પછી એક બધાં ડોલવા લાગ્યાં. જેમ જેમ તેઓ સાંજના સમયની આ બનાવટી નીંદરમાં પોઢવા લાગ્યાં; તેમ તેમ ડોક્ટર વૈષ્ણવના મદદનીશો તેમને મંચ પર પાથરેલી ગાદીઓમાં સુવાડવા લાગ્યા.

પંદરમાંથી એક બે જણ જ એવા નીકળ્યા કે, જેમની ઉપર  આ કશું કારગત ન નીવડ્યું. તેમને મંચની નીચે ઉતારી દીધા.

બે એક મીનીટ સાવ મૌન અને સાવ અંધારું. પછી ફુલ લાઈટ ચાલુ થઈ ગઈ.

ડોક્ટર વૈષ્ણવ બોલ્યા.” હું તમારો સૌથી સાચો અને જીગરી મીત્ર છું. ચાલો હવે હું કહીશ તેમ જ તમે કરશો. હું કહીશ કે તમે ઉભા થાઓ , તો તમે ઉભા થઈ જશો. હું કહીશ કે તમે બધા બેસી જાઓ , તો તમે બેસી જશો. ચાલો બધાએ ઉભા થઈ જવાનું છે – સહેજ પણ પડ્યા વગર. એકદમ ટટ્ટાર. “

અને બધા સફાળા બેઠા થઈ, ઉભા થઈ ગયા.

અને પછી તો જાતજાતના ખેલ આ સરકસ પાસે તેમણે કરાવ્યા.

‘ક’ નો વારો આવ્યો.

ડોક્ટર વૈષ્ણવ – “ અહીં સખત ઠંડી પડે છે. ઉત્તર ધ્રુવ પર પડે તેટલી ઠંડી. તમે સખત કાંપી રહ્યા છો. તમારાથી આ ઠંડી સહન થઈ શકતી નથી.“

અને અમદાવાદની એ આછી પાતળી ઠંડી સાંજમાં એ ભાઈ થરથર  કાંપવા માંડ્યા. ગાદી પર સુવાડી, બીજી ગાદી ઓઢાડી , છતાં પણ તેમને ટાઢ ઓછી થતી ન હતી.

ડોક્ટર વૈષ્ણવ – “ હવે તમને આગના બળબળતા તાપણા પાસે લઈ જાઉં  છું. હવે કોઈ ઠંડી નથી. તમને ખમીસ કાઢવાનું મન થઈ જશે.“

આમ કહીને તેઓ એ ભાઈને એક પેડેસ્ટલ પંખા પાસે લઈ ગયા. પંખાની સામે ટેબલ પર બરફની લાદી મુકેલી હતી.  અને ખરેખર એ ભાઈ પસીને રેબઝેબ હતા. પ્રેક્ષકોમાંથી  એક જણને આની ખાતરી કરવા મંચ પર પણ બોલાવ્યા. પેલા ભાઈએ તો ખરેખર પોતાનું  ખમીસ પણ કાઢી નાંખ્યું!

આનાથી ઉંધો પ્રયોગ ‘ખ’ પર કરવામાં આવ્યો અને તે બહેને બળબળતી સગડી સામે ઓઢવા માટે ગરમ ચોરસો માંગ્યો અને થરથરતાં ઓઢી પણ લીધો !

‘ગ’ નો વારો આવ્યો અને તેને કહ્યું ,”ચાલ દોસ્ત! તરવા જઈએ. બહુ મજા આવશે – ઠંડા પાણીમાં તરવાની મજા. ખરું ને! “

પેલાએ તરત ડોકું ધુણાવ્યું !

ડોક્ટર વૈષ્ણવવ – “ લે કર વાત ! આમ ખમીસ પહેરીને તો કાંઈ તરાતું હશે? ભીનું થઈ જશે . ચાલ ખમીસ કાઢી નાંખ.“

અને પુલમાં પણ ખમીસ ન કાઢનાર એ જણ મંચ પર ખુલ્લી છાતીએ ઉભો રહ્યો. અમારી તરફ ફરીને ડોક્ટર વૈષ્ણવ હસીને બોલ્યા,” જો આને ચડ્ડી કાઢી નાંખવાનું કહું , તો તેમ પણ તે કરે !”

અમે બધા તો સ્તબ્ધ બની ગયા.

આ દરમીયાન બીજા મીત્રો વધારે ગાઢી તંદ્રામાં પડવા માંડ્યા હતા.

એક ભાઈને આગળ કરીને ડોક્ટર વૈષ્ણવ બોલ્યા ,” તમારો  ડાબો હાથ સાવ જુઠો પડી ગયો છે. કોણીએથી તે છેક આંગળીના ટેરવા સુધી.“ પોતાનો હાથ તેના હાથ પર પસારતા જાય અને આમ બોલતા જાય.

થોડીક વારે તેમણે ડોક્ટર દોશીને મંચ પર બોલાવ્યા અને તે ભાઈના કોણી ઉપરના ભાગમાં ઈન્જેકશનની સોય નાંખી થોડેક દુરથી બહાર કાઢવાનું કહ્યું. દોશી સાહેબ થોડા ખચકાયા; પણ પહેલેથી તેમને પેટી લાવવાનું કહેલું હતું; એટલે તેમણે આમ કર્યું. અને ઓલ્યા ભાઈ તો જડભરતની કાની ઉભા જ રહ્યા. એક પણ ઉંહકારો નહીં!

પછી એ ભાઈનો જમણો હાથ પોતાના હાથમાં લઈ, ડોક્ટર વૈષ્ણવ બોલ્યા,” અને તમારો આ હાથ એકદમ સંવેદનશીલ બની ગયો છે. જાણે કે. તેની ચામડી ઉતરડાઈ ગઈ હોય – તેટલો સંવેદનશીલ. હું તેને સહેજ અડીશ તો પણ તમારાથી નહીં ખમાય. તમે ચીસ પાડી ઉઠશો. “

આમ બે ત્રણ વાર કહી, તેમણે જમણા હાથ પર માઈકનો સહેજ જ  સ્પર્શ કરાવ્યો. અને એ હાથ એકદમ ઝાટકા સાથે એ ભાઈએ દુર કરી દીધો.

આખું ઓડીયન્સ…તાળીઓના ગડગડાટ …

—————

બીજો અને આનાથી પણ વધારે હેરત પહોંચાડે તેવો ભાગ

–  આવતા અઠવાડીયે…

પુસ્તક પરિચય


નીસર્ગોપચાર દ્વારા રોગમુક્તી

લેખક

 • વી.પી. ગીદવાણી

પ્રકાશક

 • સુશીલાબેન મ. પટેલ
  • 2, નાલંદા સોસાયટી
   ,નારણપુરા રેલ્વે ક્રોસીંગ પાસે
   અમદાવાદ – 380 013

પ્રથમ આવૃત્તિ

 • 1982

પુનર્મુદ્રણ

 • 1983(2), 1984, 1985, 1987, 1988

કુલ છપાયેલી પ્રતો

 • – 31,000

અફલાતુન તબીબ : ભાગ -2 : કમરનો દૂખાવો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

1985ની સાલનો શીયાળો…

ખાંસીને ફાંસી (!) આપ્યાંને દસેક વરસ વીતી ગયાં હતાં. મારી એ કાળઝાળ શરદી તો ગઈ, તે ગઈ જ.       એ અફલાતુન અનુભવ વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

પણ મારી પત્નીને બે સીઝેરીયન પ્રસુતી  વખતે ( 1970 અને 1975) પેટની નીચેના  ભાગને બેભાન કરવા, કરોડરજ્જુમાં અપાયેલા, ઈન્જેક્શનના કારણે ( local anesthetic) દરેક શીયાળામાં કમરનો સખત દુખાવો ઉપડતો. સમય જતાં આ દુખાવો વરસના કોઈ પણ સમયે, અને વધુ પીડાકારી રીતે થવા માંડ્યો. બે ત્રણ દીવસ તો તે પથારીવશ જ પડી રહે.  દર્દશામક (pain killer) દવાઓના સતત મારા પછી જ કાંઈક રાહત થાય. તે ગાળા દરમીયાન ઘરનું તમામ કામ ઠપ્પ થઈ જતું. એમાં જ તો પથારીમાં સુતાં સુતાં, અમારી કામવાળીને રસોઈ બનાવવાની તાલીમ તેણે આપેલી. એના પ્રતાપે આજે તે કામવાળી બહેન વાસણ – કપડાં – કચરાં – પોતાંનાં કામ કરતાં, રસોઈ બનાવી આપવાના કામમાં, ઘણી વધારે કમાણી કરી લે છે.

દરેક વખતે ડોકટર પાસે જઈએ, ત્યારે ડોક્ટર તો એમ જ કહે કે, ‘કરોડરજ્જુમાં એ દવાના કારણે લોહીની ગડબ બાઝી ગઈ છે. તમારે આખી જીંદગી આ દુખાવા સાથે સમજુતી કરીને જીવતાં શીખવું જ પડશે.’ આવી સલાહ આપવી   બહુ સહેલી છે, પણ એ બરદાસ્ત કરવી કેટલી કઠણ હોય છે; તે તો જેણે સહન  કર્યું હોય, તે જ જાણે.

મારી ખાંસીને વીદાયમાન આપવાના સ્વાનુભવને પ્રતાપે, દર વખતે હું તેને પ્રાકૃતીક ઈલાજ (નેચરોપથી) કરવા સલાહ આપતો. પણ ઘરમાં બધાં એ સુચનને હસી કાઢી કહેતાં,” એમ ફળ ખાધે અને ઉપવાસ કરીને દરદ મટતાં હોત તો ડોક્ટરો ભુખે મરત.” અમારાં સગાંમાં જ બે ડોકટરો તો છે!

પણ આશરે 1985ની સાલમાં તો આ દુખાવો અસહ્ય રીતે ઉપડી આવ્યો. નછુટકે મારી પત્નીએ ગીદવાણીજી પાસે જવાનું કબુલ્યું. અમે બેળે બેળે તેને એમની પાસે લઈ ગયા. હવે તેઓ ગાંધી આશ્રમ, સાબરમતીની સામે, તેમને આપેલ એક કુટીરમાં  સાંજે મુલાકાત આપતા હતા. તેમણે હસીને અમને આવકાર આપ્યો. મેં તેમને મારી ‘ખાંસીને ફાંસી’ ની વાત કહી. તે બહુ ખુશ થઈ ગયા; અને અમારા આવવાનું પ્રયોજન પુછ્યું.

અમે વીગતે બધી માહીતી આપી.

ગીદવાણીજીએ બાળક જેવા એ જ સ્મીતથી કહ્યું કે, ‘ यह सब चला जायगा। पर, मेरी सुचना पुरी माननी पडेगी।“

ખાનપાન માટે તો એમની સુચના એમની એમ જ હતી. પણ એમણે વધારામાં એમની ચોપડી કાઢી કરોડનું ચીત્ર બતાવ્યું. તેઓ આ રસ્તે શી રીતે ચઢ્યા, તેની માહીતી પણ તેમણે આપી. ઘણાં વર્ષો પહેલાં તેમને રાંઝણ (સાયેટીકા)નું અસાધ્ય ગણાતું દર્દ થયું હતું. મારી પત્નીને થતો દુખાવો તો તેની સરખામણીમાં કાંઈ જ ન હતો. પણ કુદરતી ઉપચારથી તે હમ્મેશ માટે ગયો હતો. આ વાતની તો અમને ખબર જ નહોતી. અમે તો આશ્ચર્યચકીત બની ગયા.

તેમણે સમજાવ્યું કે, “ આપણી બેસવાની, ચાલવાની ટેવોને કારણે આપણી કરોડ વાંકી વળેલી રહેવા ટેવાયેલી હોય છે. આથી બે મણકા વચ્ચેની ગાદી ( કુર્ચા – Cartilage) અકુદરતી રીતે, એક બાજુ દબાય છે. આથી સામાન્ય માણસને પણ કમર દુખવા લાગી જાય છે. તમને આપેલા ઈન્જેકશનના કારણે, એ બાજુ દબાણ આવી જતાં – ખાસ કરીને ઠંડી ઋતુમાં – આ દુખાવો તમને અસહ્ય રીતે વધી જાય છે.”

મારી પત્નીએ પુછ્યું,” એનો ઈલાજ શો?” તેમણે સુતી વખતે પડખાંભેર સુવાની સલાહ આપી. એક પગ લાંબો રાખીને અને બીજો થાપા અને ઘુંટણથી વાળીને સુવાનું, જેથી કમરનો વળાંક કુદરતી રીતે પાછળની  બાજુ ઝુકતો રહે. તેમની ઓફીસમાં રાખેલ  પલંગ પર આ માટે તેમણે જાતે સુઈને આમ સુવાની રીત પણ બતાવી.

ઘેર જઈ, મારી પત્નીએ આમ પડખાંભેર, પલંગ પર લંબાવ્યું. તેના આશ્ચર્ય વચ્ચે, તેને કમરમાં બહુ જ રાહત લાગી. બધી દવાઓ બંધ કરી, ખાનપાનની  પરહેજીનો સીલસીલો પણ ચુસ્ત રીતે અમલી કરી દીધો.

ત્રીજા જ દીવસથી સ્ફુર્તી આવવા માંડી. કદાચ દવાથી બાઝેલી, લોહીની ગડબ રક્તશુધ્ધીના કારણે ઓગળવા માંડી હતી. એક અઠવાડીયું, અને તેનું ફરજીયાત પથારી-શયન ગયું. તેણે ઉત્સાહમાં આવી, ખાનપાનની ચુસ્તી બીજા અઠવાડીયે પણ ચાલુ રાખી.

… અને કમરના એ જાલીમ દુખાવાને એના જીવનમાંથી કાયમી રુખસદ મળી ગઈ. આજે એ વાતને ચોવીસ વરસ વીતી ગયાં છે; પણ એ દુખાવાએ ફરી દેખા દીધી નથી.

ગીદવાણીજી તો આ દુનીયામાં હયાત નથી; પણ મારી પત્નીનાં કાયમી આશીષ તેમને અવારનવાર મળતાં રહે છે.

અફલાતુન તબીબ : ભાગ -1 : ઊંટાટીયો

‘અફલાતૂન તબીબ’ શ્રેણીના બધા લેખ વાંચવા અહીં ‘ક્લિક’ કરો.

1976 ની સાલનો શીયાળો

અમારી લાંબી લચક ઓફીસના એક છેડે મારા ઉપરી અધીકારી શ્રી. હર્ષવાલનું અને મારું ટેબલ છે. ઉપરી હોવા છતાં, મારી ઉપર તે બહુ જ પ્રેમભાવ રાખે છે – એક મીત્ર કે સગા ભાઈ જેવો.  સામે લાઈનમાં અમારી હાથ નીચેના અધીકારીઓ બેસે છે.

મને ઉધરસ ચઢે છે અને છેક છેવાડેનો અધીકારી હલી ઉઠે છે. આખી ઓફીસ મારી આ ખાંસીથી વાજ આવી ગઈ છે. હર્ષવાલ તો મારાથી બહુ જ કંટાળી ગયા છે. મારી ખાંસીથી સૌથી વધારે તકલીફ એમને છે. છેલ્લા પંદર દીવસથી આ જ હાલ છે. ડોક્ટરે મને દમની દવા આપેલી છે; જે હું ઓફીસમાં પણ સાથે રાખું છું. દવાનો ડોઝ પણ ડોક્ટરે વધારે લેવાનો કહ્યો છે – દીવસમાં ત્રણ વખત, અને તે પણ એક ચમચી નહીં પણ ચમચો ભરીને. ( દવાનું નામ પણ મને હજુ યાદ છે – ફેન્સેડીલ)

જમવાની રીસેસ પડવાની તૈયારી છે. છેવટે અકળાઈને હર્ષવાલ મને કહે છે, “ચાલ, મારી સાથે. આનો કાંઈક ઈલાજ કરાવવો જ પડશે.”

તેમના પ્રેમપુર્વકના આ આગ્રહને હું વશ થાઉં  છું. આમેય હું પણ મારી ખાંસીથી કંટાળી ગયો છું. કશોક નવો ઈલાજ મળી જાય, એની મને પણ ઉત્કટ ઈચ્છા છે.

અમે બન્ને એકાદ માઈલ દુર આવેલા શ્રી. ગીડવાણીજીના ઘેર  પહોંચી જઈએ છીએ. રુપેરી વાળવાળા અને સોનેરી અને ચમકતી ચામડીવાળા  ગીડવાણીજી એક ઋષી જેવા લાગે છે. સાવ શાંતીથી એ મારી કેફીયત સાંભળે છે – મારી ખાંસીને પણ!

અને છેવટે નીર્મળ અને રણકતા અવાજે મને હીન્દીમાં કહે છે,” ऐसा ही चालु रहा , तो आप जींदा नहीं रह सकोगे । “

હું લગભગ રડી પડું તેવા અવાજે કહું છું,” તો હું શું કરું?”

ગીડવાણીજી,” દવા આજથી બંધ. અને હું કહું તેમ ખાવાનું. ”

અને તેઓ મને વીગતે સુચના આપે છે. હર્ષવાલ તરત જ સાત દીવસની  રજા પર મને ઉતારી દે છે.

હું ઘેર પહોંચીને પથારીમાં સુઈ જાઉં છું. મારી પત્નીને કશી સમજ પડતી નથી. તે ચીંતાતુર બની મારા પલંગ પર બેસી જાય છે. હું તેને ગીડવાણીજીની આખી પધ્ધતી સમજાવું છું.

અને દવા વીના દર્દ નાબુદીનું મારું એ યાદગાર અભીયાન ચાલુ થઈ જાય છે.

બે દીવસના ઉપવાસ બાદ ત્રણ દીવસ સુધી, દીવસમાં ચાર વખત મારે મોસંબીનો રસ લેવાનો છે.  મારી પત્ની ગાડીમાં ઉપડી જાય છે; અને અમદાવાદ સ્ટેશન પાસે આવેલા ફળ બજારમાંથી પાવલી છાપ મોસંબીનો આખો કરંડીયો ખરીદી  લાવે છે.

બે દીવસ ઉપવાસ અને ત્રણ દીવસ કેવળ મોસંબીના  રસ બાદ મારું શરીર ઘણું ઉતરી ગયેલું છે ; પણ ઉધરસનો એ પ્રકોપ શાંત પડી ગયો છે. કદીક એક સુકું ઠમકું આવી જાય એટલું જ.ચાલું ત્યારે કુદવાનું મન થઈ જાય એટલી બધી સ્ફુર્તી શરીરમાં વર્તાય છે.

અમને બન્નેને ગીડવાણીજી તો દેવદુત જેવા લાગે છે. અમે તેમને યાદ જ કરતા હતા; ત્યાં શ્રી. હર્ષવાલ સાથે તેઓ અમારે ઘેર આવી પહોંચે છે. મારી તબીયતમાં થયેલા સુધારાથી એમના મુખ પર નીર્મળ , બાળક જેવું સ્મીત છવાઈ જાય છે.

અને નવો પ્રયોગ શરુ થાય છે. બધાં બારી બારણાં બંધ કરી, છાતી ખુલ્લી કરી; ગરમ અને ઠંડા પાણીના  પોતાં મુકવાની સુચના આપે છે. હું તો થરથરી  ઉઠું છું. ઉંટાટીયા જેવી ખાંસીવાળાને ખુલ્લી છાતી પર પાણીનાં પોતાં!  જાણે શત્રુ જનોઈવઢ તલવારનો ઘા કરવાનો હોય તેવો ભય મને વ્યાપી જાય છે.

ગીડવાણીજી મારો ભય પામી જઈને, હસીને કહે છે ,” फीकर मत कीजीये , कुछ नुकसान नहीं होगा; आप झींदा ही रहेंगे!”

અને તેમની  હાજરીમાં જ આ ખતરનાક પ્રયોગ  શરુ કરવામાં આવે છે. મારા આશ્ચર્ય વચ્ચે પાંચ જ મીનીટ બાદ, ખાંસી ખાંસીને ભારે બની ગયેલું ગળું અને છાતી હળવા ફુલ જેવા બની  ગયા હોય, તેવો અનુભવ મને થાય છે.

દીવસમાં ત્રણ વખત આમ ગરમ ઠંડા પાણીનાં પોતાં મુકવાની અને પછી તરત ધાબળો ઓઢી લેવાની સુચના આપી, ગીડવાણીજી વીદાય લે છે. સાથે સાથે ખોરાક શરુ કરવાની સુચના પણ આપે છે. પાંચ દીવસનો ભુખ્યો હું હરખાઈ જાઉં છું.

અને ખોરાક કેવો? સવારે ઉઠીને મોસંબીનો રસ. કલાકે કલાકે એક જાતનું ફળ. સવારના જમવામાં તાજી કાચી ભાજી, સુકી રોટલી અને બાફેલું શાક! આ સ્વાદીષ્ટ વાનગી ગળાની નીચે શેં ઉતરશે એ ભયથી, મારું મોં ઉતરેલી કઢી જેવું બની જાય છે.

પણ જમવાના સમયે પાંચ દીવસના ઉપવાસ બાદ આ મહાન ભોજન બત્રીસ પકવાન કરતાં પણ મીઠું લાગે છે. બપોરે અને સાંજે મોસંબીનો રસ અને ફળ તો ખરાં જ. અને રાત્રે જમવામાં આ જ  દીવ્ય ભોજન.

અને આ ક્રમ એક અઠવાડીયા સુધી ચાલુ રાખવાનો.

હું આજ્ઞાંકીત નીશાળીયાની જેમ અભીમન્યુના આ બધા કોઠા પાર કરું છું.

અને મીત્રો ! પંદર દીવસના અભીયાન  બાદ શીયાળાની કડકડતી ઠંડીમાં, સવારના પહોરમાં, સ્વેટર પહેર્યા વગર,  સ્કુટર ચલાવી શકું; એટલી ક્ષમતા મારા દમીયલ કોઠામાં  આવી ગઈ છે. નજીક આવેલા મ્યુનીસીપલ સ્વીમીંગ પુલમાં તરવાનું પણ હું ચાલુ કરી દઉં છું.

અને એ યાદગાર બીમારી અને એ યાદગાર ઈલાજ બાદ આ ત્રીસ વરસમાં સામાન્ય સરદી થઈ હશે પણ; આંકશીયા ઉંચા આવી જાય તેવી એ કાળઝાળ ખાંસી ફરી કદી થઈ નથી.

——————

નોંધ :

આ સત્યકથા વાંચી, ઉત્સાહમાં આવી જઈ, જાતે આવા પ્રયોગો શરુ ન કરતાં સારા અને પ્રામાણીક પ્રાકૃતીક ચીકીત્સાના જાણકારની સલાહ મુજબ ઉપચાર કરવો.