સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: જીવન દર્શન

પીડા – બ્રહ્મવેદાંતજી

    અત્યારે આપણું હોવાપણું વ્યવહારમાં છે. વ્યવહારમાં પીડા હોય છે. જ્યાં ન ગમતું હોય ત્યાં રહેવું પડે.  એનાથી અંદર જે સંવેદના થાય તેને પીડા કહે છે. નોકરી નથી કરવી તો પણ કરવી પડે, ત્યારે પીડા થાય છે. નાના બાળકને ભુખ લાગે, પેટમાં દુખે અને રડે તે એની પીડા છે. વ્યક્તિત્વના જગતમાં વ્યક્તિત્વને ઠેસ લાગે, ત્યારે પીડા થાય છે. સંસારીને પોતાની પીડાની ખબર નથી પડતી ત્યારે રાડો નાંખે છે. વ્યવહારિક પીડાનો ઉપચાર વ્યવહારિક જગતમાં થાય. મંત્ર, જાપ કે ઠાકોર-સેવાથી એ પીડાનો ઉકેલ ન મળે.

     શરીરના સ્તર પર પણ પીડા થાય છે. શરીરની સિસ્ટમમાં કોઇ પણ ગરબડ થવાથી શારીરિક પીડા થતી હોય છે. ડોક્ટરી ઇલાજથી આ પીડામાંથી મુકત થવાય. એક પીડા  સૂક્ષ્મ શરીરમાં થતી હોય છે. કોઇ અપમાન કરે ત્યારે મનમાં પીડા થાય છે. અપેક્ષા કે કામના પૂરી ન થાય, ત્યારે પીડા થાય છે. સંસારી માણસ અનેક કામનાઓથી પીડાતો હોય છે.

    મોટે ભાગે પીડા થતી હોય છે બેહોશીના કારણે. કામનાની પૂર્તિ ન થાય અને જે નથી એની આકાંક્ષા – અપેક્ષા સેવીએ તે પુરી ન થાય તો અંદર જીવ બળે છે. જીવ બળે ત્યારે સમય અને શક્તિનો વ્યય થાય છે. પીડામાં વાસ્તવિકતા હોય છે; જ્યારે જીવ બળે છે એમાં મોટે ભાગે ભ્રાંતિ હોય છે. છોકરો હોસ્પિટલમાં હોય, દવા-દારૂ કે ઉપચારનું પરિણામ ન મળે ત્યારે બીજુ કશુ ન કરી શકવાથી જીવ બળે છે. આ જીવ બળવાનુ નિરર્થક છે.

     ગમે તે કારણસર જીવ બળે તો તરત ઉપચાર કરવો; અને જીવને ઠારી નાખવો. જીવ બળે ત્યારે દ્રષ્ટાભાવ કેળવવો, બળતા જીવને જોયા કરવો. જોવાથી જીવ નકામો બળતો નથી. બળતા જીવને જોવાથી આપણને કોન્શિયસ એનર્જિ મળી જાય છે. જે જાગે છે તેને પીડા થતી નથી, જીવ પણ બળતો નથી. શરીર કે મનમાં થતી પીડા અને નાની-મોટી બાબતોમાં બળતા જીવને ઠારવાનો સાચો ઉપચાર છે જાગરણનો.

જાગૃત વ્યક્તિ જુવે છે
અને
જે જુવે છે
એને પીડા થતી નથી.

      શરીરને કષ્ટ થાય છે, મનમાં સુખ-દુખ થાય છે; અને જીવ આ બધુ ભોગવે છે.

…..બ્રહ્મવેદાંતજી

સંસાર સુખ – બ્રહ્મવેદાંતજી

     ભીતરની જાગૃતિ વગર શાંતિની ઇચ્છા વાંઝણી છે. ભીતરની જાગૃતિ વગર સુખ અને કહેવાતી મસ્તી લાંબો સમય ટકતાં નથી, અંતે બધું ભાંગી પડે છે.

      મનુષ્યે બુદ્ધિનો વિકાસ ખૂબ કર્યો. હવે તેણે ભીતરની જાગૃતિ વધારવાની છે. પુરી મનુષ્યજાતિ માટે આ તબક્કો હવે બહુ મહત્વનો છે. જાગૃતિ વગર ધંધાધાપામાં રઝળપાટ, માની લીધેલા માનપાન, સુખવૈભવ; છેવટે એકડા વગરનાં મીંડાં સાબિત થાય છે. માણસ જ્યારે આવી સ્થિતિમાં આવી પડે છે. ત્યારે કારણો શોધે છે. અન્યને દોષિત માને છે.

       સંસાર પૂરેપૂરો માણવાનો છે. ભાગવાનું નથી. ભીતર જાગૃતિ વધે, તે માટે પ્રયત્નો પણ કરવાના છે. જાગૃતિ વધે તેમ તેમ બેહોશી દૂર થાય. અંદર અંધારું ઓછું થાય. પ્રકાશિત બુદ્ધિને બધું સાફ-સાફ દેખાય. પ્રકાશિત બુદ્ધિને વિવેક કહે છે. પ્રકાશ જેમ જેમ વધતો જાય તેમ તેમ બુદ્ધિ નિખરતી જાય. ઉત્તરોત્તર નવાં નવાં દર્શનો થતાં જાય. બિનજરૂરી આપાધાપી ઓછી થાય. સ્વદર્શનનો માર્ગ ખુલ્લો થાય.

     બુદ્ધિ પ્રકાશિત થતી જાય તેને શાસ્ત્રીય નામો આપ્યા છે – વિવેક, મતિ, ધી, પ્રજ્ઞા, મેધા; પ્રકાશનો ઉત્તરોત્તર વધારો.

      ભીતરની અતૃપ્તિ ‘સ્વ’ના દર્શન સુધી કોઈ ને કોઈ સ્વરૂપે રહેવાની. જીવન ઊર્જા પ્રયાસ માટે વાપરવી પડશે. અત્યારે તો પુરેપુરી જીવન ઉર્જા સંસારમાં કંઇક મેળવવા, કંઇક બની જવાના પ્રયાસમાં વપરાઈ રહી છે.

      સમજીએ-

     જેમ પૈસા કાં તો વપરાય, વેડફાય, કાં ઇન્વેસ્ટ થાય. આવુ જીવન ઊર્જા બારામાં છે. જીવન ઊર્જા સરપ્લસ હશે તો ઇન્વેસ્ટમેન્ટ થઈ શકશે.

       જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ સજગતાથી જીવનમાં કરવો પડે. જીવન ઊર્જાનો ઉપયોગ વધુ ને વધુ વર્તમાન ક્ષણમાં રહેવા કરવો પડે. વર્તમાન ક્ષણમાં ઠહેરાવ વધશે તો ચિત્તની ભટકન ઓછી થશે. આ સાધનાની ચાવી છે.  ઉત્ક્રાંતિનુ પગથિયું છે.  મનુષ્યની ઉર્ધ્વગામી સંભાવનાઓનું દ્વાર છે. સૌ પ્રથમ તો જીવન ઊર્જાના બિનજરુરી વ્યયને અટકાવવો પડે.

      રસોઇમાં સપ્રમાણ મીઠું જરૂરી. વધુ પણ નહીં અને ઓછું પણ નહીં. આમ થાય તો રસોઇ સ-રસ થાય. સંગીતમાં સપ્રમાણ સૂર જરૂરી. કમ પણ નહીં અને તીવ્ર પણ નહીં. આમ થાય તો સંગીત ગમે. આવું જ  જીવનના બારામાં છે. જીવન એવું ગોઠવતાં રહો કે આવો ‘સમ’ ઉપલબ્ધ થાય. જીવન મધુર બને.

     સાધનાની ગહેરાઇ પછી સમજાશે. પહેલાં જીવનને મધુરું તો બનાવો.  જીવનમાં હાર્મની, બેલેન્સ તો પ્રગટાવો.

      બે પેંગડામાં સ્થિર ઉભા ન રહેવાના કારણે કેટલાય રાજાઓ દ્રૌપદીના સ્વયંવરમાં નીચે પછડાયા હતા. અર્જુનની જેમ ‘સમ’ પકડાય, બન્ને પલ્લાં સમતોલ થાય તો મત્સ્યવેધ થઈ શકે. સાધનાની ગહેરી વાતો ઋષિમુનીઓ કહી ગયા છે.  દ્રૌપદી સેક્સ-એનર્જિનું પ્રતિક છે. એ એનર્જિ અત્યારે આપણા ઇન્સ્ટિન્ક્ટ, મુવિંગ, સેક્સ, ફિલિંગ અને થિંકિંગ; એમ પાંચ કેન્દ્રો સાથે જોડાયેલી છે. આ એનર્જિના ચેનલાઈઝીંગ દ્વારા કૃષ્ણદર્શન શક્ય બને છે.

    ગહેરી વાતો છે,   વિસ્તારથી સમજીશું.

…..બ્રહ્મવેદાંતજી

એકલતા અને શોખ – બ્રહ્મવેદાંતજી

     અસ્તિત્વમાં બધાં એકબીજા સાથે જોડાયેલાં છે. બીજને ધરતીમાં વાવવાથી તે ધરતી અને આકાશ બન્ને સાથે સંબંધ સ્થાપિત કરે છે, તેથી તે ખીલે છે. આપણે ધરતીનું જોડાણ ગુમાવીએ છીએ. આપણા બનાવેલા રીત-રિવાજ, ભાષા અને નિયમોને કારણે જીવ ગુંચવાતો જાય છે. મનુષ્ય રમત બનાવે છે રમવા માટે, પરંતુ તેને અહંકાર અને કામના પકડી લે છે.

    વ્યક્તિ ધ્યાનમાં ઊંડી ઊતરે ત્યારે તેને એકલવાયું ક્યારે ય ન લાગે કારણ કે, ધ્યાન અને પ્રેમ એક જ સિક્કાની બે બાજુઓ છે. મનુષ્ય સંસારમાં સામાજિક પ્રાણી છે. માણસો સમૂહમાં રહીને એકબીજા સાથે લડે છે, ઝઘડે છે, ભાષણો આપે છે, સંસારની જવાબદારીઓ વહન કરે છે. એકલો પડે ત્યારે બારીબારણા બંધ કરે, કેસેટનો સહારો લે…અને નિંદર આવે તો સૂઈ જાય. નિંદર આવવી એ કુદરતી છે પણ આ બધામાં એકલતા લાગે તો રસ્તો ચુકાઇ ગયો.

     એકલવાયું લાગે તો એને જોવું. સંસારનો તાપ આકરો છે, પણ જાત સાથે રહેવું તે એનાથી પણ આકરું છે. બહુ વસમું લાગે છે. આપણો ઉછેર સમાજની વચ્ચે થાય છે. મજુરી કરતી સ્ત્રી બાળકને ખવડાવી-ધવડાવીને કુદરતના ભરોસે મુકી દે છે. આવા બાળકને એકલવાયા હોવાના સંસ્કાર પડે છે. તેને એકલવાયું લાગે જ નહી. પડ્યે  પડ્યે તારા જુએ, ઝાડ જુએ, ઊડતા પંખીઓ જુએ, પંખીઓ સાથે વાતો કરે. પ્રતીતિની દ્રષ્ટિએ એનો જીવાત્મા સમૃદ્ધ હોય છે. શહેરમાં ઊછરતા બાળકને બંધ ફ્લેટમાં ઉછરવું પડે છે, તે બહાર નીકળી ન શકે. એટલે તેને એકલા રહેવાના સંસ્કાર મળતા નથી. તેનામાં સમાજની વચ્ચે રહેવાના જ સંસ્કાર પડે છે. પછી એકલા રહેવામાં તેને પીડા થાય છે.

       ધીરે ધીરે પોતાની જાત સાથે રહેવાનો અભ્યાસ કરવો જરુરી છે. પોતાની અંદરથી મોજ લેવી એ એક કળા છે, જે શીખવી પડે છે. પોતાના શોખ શોધી લેવા પડે. સવારથી સાંજ સુધી એવી પ્રવૃત્તિઓ કરીએ કે મોજ આવે. ભીતરમાં જીવીએ. દરેક પરિસ્થિતિમાં મોજ આવે છે.

      ધ્યાનની અવસ્થામાં રહેવા માટે કોઇ શોખ કેળવવો, પણ તે પોતાને માટે. જે કંઈ કરીએ તે મોજથી કરીએ. એકલા રહીને ધરાઇ જઈએ ત્યારે સમાજમાં- બહાર આવી શકાય. બધા સામાજિક પ્રાણી છે; અને આપણે એમાંના એક છીએ. ભીતરમાં એક તત્વ એવું છે, જે જોયા કરે છે અને પ્રકાશ પણ આપે છે.

    એક વાર તે પકડતા આવડે તો પછી યાત્રા સડસડાટ થાય છે !

…… બ્રહ્મવેદાંતજી

મોજ – બ્રહ્મવેદાંતજી

    જે કાયમ છે, એનો સંગ કરીએ તો કાયમ માટે મોજમાં રહી શકાય ! મોજનું કારણ બહાર નથી, પણ તમારી અંદર છે. મને આ પકડાઈ ગયું છે. મોજ છટકી જવાનું કારણ એ છે કે, આપણે પ્રતિબિંબને પકડીએ છીએ. પકડવાનું છે બિંબને. મોજ બહાર નહીં, ભીતરમાં છે. માણસ પૈસા કમાવા દોડ્યે જાય છે. આમ દોડવાથી પૈસા મળે, પરંતુ મોજ ન મળે. સંસાર વ્યવહારમાં બહાર દોડીએ તે ઠીક છે, પરંતુ ધ્યાન ચિત્ત ભીતરમાં રાખવું પડે. બહાર બધી પ્રવૃતિઓ કરીએ, પણ ઘેર આવીએ ત્યારે અંદર ઊતરવું જોઇએ. શ્રીમદ્ રાજચંદ્ર ધંધો કરતા પણ ધંધાનું પતી જાય પછી ભીતરમાં તાર જોડી દેતા. એમની પાસે મોજની આ માસ્ટર-કી હતી.

    ગુર્જિએફ જેને આત્મસ્મરણ કહે છે; આપણે જેને આત્મા કહીએ છીએ – ત્યાં સૂરતા લગાડી દઈએ. સંસારની પ્રવૃતિમાં જરા પીડા જેવું લાગે ત્યારે ભીતરના ધ્યાનનું પાણી પી લેવું –  બહુ મોટી વાત નથી. પણ તકલીફ એ છે કે, આપણી ખોજ ઊંધી દિશામાં છે. આપણે એ દિશાને જ બદલવાની છે. આપણે નાની-નાની વાતમાં ગંભીર થઈ જઈએ છીએ. ગંભીર થવાથી મોજ ક્યાંથી આવે ? આ વાત વિચારવાની નથી, જીવવાની છે. અત્યારે જ જીવી લો. ઠીક લાગે તે કરો, પણ મોજથી કરો. શું કરવું એ મહત્વનું નથી, પણ કઈ રીતે કરો છો, તે મહત્વનું છે.

      મોજ માટે સમજવા કે વિચારવાનું નથી, પણ જીવવાનું છે. ખેતી કરતા હો તો ખેતી; પણ તે મોજથી કરો. લગ્ન કરવા છે, તો મોજથી કરો. આશ્રમમાં રહો, તો મોજથી રહો. મારે ખાવા જોઇએ છે, એમ તમારે પણ ખાવા જોઇએ છે. હું જે કરું છું,  તે મોજથી કરું છું, તમે લમણે હાથ દઈને કરો છો ! સંસારી અને સન્યાસીમાં ફરક માત્ર આ મોજનો છે. હસો, ખેલો, ધ્યાન ધરો. પરમાત્મા તો બધે છે.

    ગાડીમાં બેઠાં પછી બધું જોવાની મજા આવે છે. અને આપણું સ્ટેશન આવે, ત્યારે ઊતરી જવાનું છે.

   તો મોજ માણોને !

…..બ્રહ્મવેદાંતજી

પ્રેમ – બ્રહ્મવેદાંતજી

     ટૂંકમાં કહેવું હોય તો પ્રેમ એ પરમાત્મા છે. ચુંબકના મેગ્નેટિઝમને કારણે લોઢું ખેંચાય છે. ફૂલ ઊગતા સૂર્ય તરફ જાય એ પણ મેગ્નેટિઝમ છે; પણ એ બાયો-મેગ્નેટિઝમ છે. વીજળીનો પ્રવાહ જ્યાં જ્યાં હોય ત્યાં હંમેશાં મેગ્નેટિઝમ હોય છે. આપણને બહારની વીજળીનો ખ્યાલ છે. દરેકના શરીરમાં પણ મેગ્નેટિટીઝમ,  બાયો-ઇલેક્ટ્રિસિટી છે. આપણે તેને પ્રાણ કહીએ છીએ. પણ આપણે આ પ્રાણને બહુ ઓળખતા નથી, અને બહારની ઇલેક્ટ્રિસિટીને પણ ક્યાં ઓળખીએ છીએ ? સ્વિચ જ દબાવતાં આવડે છે!

     જ્યાં ખોરાક છે ત્યાં કુદરતે ચુંબકીય ક્ષેત્ર નિર્માણ કરેલ છે. જે વસ્તુ ભાવતી હોય ત્યાં આપણુ ચિત્ત ખેંચાય છે અને ચોંટી જાય છે ! આ મેગ્નેટિઝમ છે. આપણને એટલી ખબર પડે કે, જીવ ચોંટી ગયો છે અને હવે ઉખડી ગયો ! વસ્તુમાં જીવ ચોંટે અને ઉખડી પણ જાય છે. આપણા મેગ્નેટિઝમમાં ભરતી અને ઓટ આવ્યા કરે  છે.

     સંસારી જીવ ગમે તે ભાવને પ્રેમનુ નામ આપી દે છે. તે શરીરને ‘હું’ કહે છે, અને ‘અહમ્’ ને આત્મા કહે છે. એને તો એક કપ આઇસક્રીમ ખાવા મળે તો કહેશે આનંદ આવી ગયો ! આનંદ તો આત્માની અનુભૂતિ થવાથી આવે. સંસારી જીવો એકબીજાને ઘડીક મળે તો કહેશે આનંદ આવી ગયો. પણ ચિત્ત આત્મસ્મરણમાં જાય તો જ સાચો આનંદ થાય. આપણે ભૂખ-તરસની તૃપ્તિ અને ઇન્દ્રિયના વિષયની તૃપ્તિને આનંદ કહીએ છીએ. જ્યાં ખેચાણ થાય તેને પ્રેમ કહીએ છીએ. પ્રેમ શબ્દ બહુ સસ્તો થઈ ગયો છે !

       પ્રેમતત્વ તો દિવ્ય છે. તે સર્વવ્યાપી છે. પ્રેમતત્વ એવું છે કે, તેમાં ક્યારેય ગાંઠ પડતી નથી. ગાંઠ અહમ્ ને પડે. આત્મા એ પરમાત્માનો અંશ છે. પ્રેમ એ પરમાત્મા છે, ત્યાં ક્યારેય ગાંઠ ન પડે. આપણે પ્રેમના નામે છેતરાઇએ છીએ. શરીર અને ઇન્દ્રિયોના આકર્ષણને પ્રેમ કહીએ છીએ. આ આકર્ષણમાં ઊબ આવે છે. પ્રેમમાં ક્યારેય ઊબ આવતી નથી. પ્રેમ શાશ્વત છે. તે ક્યારેય મરતો નથી પણ વધતો જાય છે. પ્રેમની પ્રતીતિ થાય તો મન નિષ્કામ અને નિર્વિચાર બની જાય. બુદ્ધિ નિશ્ચલ બની જાય. જ્યાં પ્રેમતત્વ હોય ત્યાં અહમ્ ક્યારેય હોઇ શકે નહી.

     ફરીને કહું, પ્રેમ એ પરમાત્માનુ સ્વરૂપ છે.

…..બ્રહ્મવેદાંતજી

દાદા ગાવંડની વાણી

સાભાર – શ્રી. શરદ શાહ

gavand

તેમનાં વચનો ટૂંકાણમાં આ પુસ્તિકામાં

એક વિડિયો…

શ્રમ – બ્રહ્મવેદાંતજી

      શ્રમ અને મજુરીમાં ફરક છે. શ્રમ એ તો પૂજા છે. શ્રમ શબ્દમાંથી ‘આશ્રમ’ શબ્દ બન્યો. આપણુ શરીર છે, તે ધર્મનું સાધન છે. આ સાધન બહુ રહસ્યમય છે. સાધનનો ઉપયોગ થવો જોઇએ. જો તેમ ન થાય તો સાધન કટાઇ જાય. શરીરમાં પાંચ કર્મેન્દ્રિયો અને પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. આપણે સ્થૂળ આહાર લઈએ છીએ, હવાનો આહાર લઈએ છીએ અને જ્ઞાનેન્દ્રિયો વડે છાપોનો ( Images)  ખોરાક લઈએ છીએ.

     ઊર્જાને સ્થિર રાખી શકાતી નથી. તે ફરતી રહેવી જોઇએ. સ્થૂળ ખોરાકમાંથી મળતી ઊર્જા કર્મેન્દ્રિયો દ્વારા યોગ્ય ઉપયોગમાં ન લેવાય તો તે વિચારોના રૂપમાં વપરાશે. એટલે એ ઊર્જાનો શરીરની કર્મેન્દ્રિયો મારફત ઉપયોગ થવો જરૂરી છે. આશ્રમમાં એટલા માટે વિવિધ પ્રવૃતિઓ થતી રહે છે. આ પ્રવૃતિઓ કોઇ કામનાને પોષવા માટે  નથી, પણ એ અસ્તિત્વની માંગ છે. તે એક કર્મયોગ છે.

      કામ સભાનતાથી થવું જોઇએ. કામ કરતાં જો કામના જાગે, વિચારો અને કલ્પના આવે, નેગેટિવિટી આવે તો તરત જ સાવધાન થઈને દ્રષ્ટાભાવથી તેને જોઇ લેવું. ઇચ્છા જાગે, ક્રોધ આવે, આળસ આવે તો તેનાથી થતી ભીતરની પ્રતિક્રિયાને સાક્ષીભાવે જોઇ લેવી. સાધનાનું આ પહેલું પગથિયું છે. શ્રમકાર્યમાં કર્તાભાવ આવે, તેના વળતરની અપેક્ષા જાગે તો એ કામ શ્રમ નહીં પણ કામ્ય કર્મ થઈ જાય છે.

     જૂના વખતમાં કૃષ્ણ પોતે ગાયો ચરાવવા જતા. શ્રી રમણ મહર્ષિ વહેલી સવારે ત્રણ વાગે ઊઠીને કામે લાગતા. કહે છે કે ઓશો રોજ ૧૧ કિલોમિટર ચાલીને નદીમાં સ્નાન કરવા જતા. શરીરના માધ્યમથી સાધનાની કમાણી કરતા.

     શ્રમ કરતાં કરતાં સંવેદના કેટલી અનુભવી ? જોતાં રહેવું. શ્રમ ગમે ત્યાં, ગમે ત્યારે, ગમે તે કરો – પણ એક જ ખ્યાલ રાખવાનો છે કે , શ્રમ દરમ્યાન પૂરેપૂરા વર્તમાનમાં રહેવું. કોઇ કામના કે અપેક્ષા સિવાય, શ્રમ કરતાં એવો ભાવ સેવવો કે કામ ઇષ્ટદેવનું છે, ગુરુનું છે. તેમ કરવાથી સાધકના ભાવપ્રદેશનો વિકાસ થશે. શ્રમ વિનાનું શરીર ધ્યાનમાં ન જઈ શકે. તે  દિવાસ્વપ્નોને સેવશે. જીવનનો એક અર્થ છે પુરુષાર્થ, જેમાં પોતાના હોવાપણાની અનુભૂતિ થાય છે.

      આ રીતે શ્રમયજ્ઞ એ સાધનાનુ મહત્વનુ અંગ છે.

~ બ્રહ્મવેદાંતજી <

જ્ઞાન, ધ્યાન, ભાન- બ્રહ્મવેદાંતજી

      નો-સેલ્ફ, નિર્વાણ, નથીંગનેસ  એમ કહે. કારણ કે એ ‘થીંગ’ નથી. પ્રાપ્ત કરવાનું કોઇ ઓબ્જેક્ટ નથી. શૂન્યમાં ઊતરવાની વાત છે. શૂન્યમાં ઓગળવાની વાત છે. ચિત્તના ચૈતન્યમાં સંપૂર્ણ લયની વાત છે. જ્ઞાન, ભાન અને ધ્યાનની યાત્રા જયાં પૂરી થાય છે, ત્યાંની વાત છે. યાત્રાની શરૂઆત તો આપણે જ્યાં હોઇએ ત્યાંથી જ કરવી પડે. અત્યારે, આ ક્ષણે આપણુ ચિત્ત ક્યાં ક્યાં ભટકે છે, તે જોવામાં આવે છે ? તટસ્થ ભાવે જોતાં જોતાં, જોનારો પ્રગટ થશે. અંતે તો જોનારાને જોવાનો…દેખ  લે દેખનહારા !

ભીતરની યાત્રા લાંબી લાગે છે; છે નહીં.

     અંતઃકરણના ચાર ઘટકો મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકારના ભટકાવને કારણે આમ લાગે છે.

     મોહ અને માયા, તાદાત્મ્ય અને ભ્રમણા, હું અને મારું, ગહેરું આઇડેન્ટિફિકેશન. ‘છે’ એ સાચું ભાસે. આઇડેન્ટિફિકેશન તૂટે તો જ ખરી ‘AM’ness જન્મે. તે એમનેસ ઘનીભૂત થાય ત્યારે ‘IS’ness જન્મે. આ ‘IS’ ness ના વિસર્જનની, નિર્વાણની વાતો ખૂબ થાય છે. અત્યારે તો વર્તમાન ક્ષણમાં થોડી સેકંડોનો ઠહેરાવ પણ મુશ્કેલ છે.

        હજી કર્તા ખુબ સક્રીય છે.  ડિઝાયર ટુ ડુ, ડિઝાયર ટુ બીકમ, ડિઝાયર ટુ પઝેસ, અહંકારનુ સામ્રાજ્ય ! ઇગો પેસીવ થાય તો સેલ્ફ પરખાય. શરીરમાં વ્યાધિ, હ્રદયમાં આધિ, વિચારો માં ઉપાધિ. ફક્ત સમાધિની વાતોથી કાંઈ ન વળે.

       જે છીએ, જ્યાં છીએ તેનો સહજ સ્વીકાર કરી ત્યાંથી જ યાત્રાની શરૂઆત કરવી પડે. નહીં તો ભ્રમણાની યાત્રા ખૂબ લાંબી થઈ જાય, ભીતરની અતૃપ્તિ ત્યાંની ત્યાં રહે.

  • જ્ઞાન – KNOWLEDGE
  • ધ્યાન – ATTENTION
  • ભાન – AWARENESS
  • – આ ત્રણેય વધવા જોઇએ.

    જ્ઞાન હોય પણ ધ્યાન ન હોય તો સામે સત્ય હોય તો પણ દેખાય નહી. ધ્યાન હોય પણ જ્ઞાન ન હોય તો સત્ય ઓળખી ન શકાય. બાળક જેવુ જ્ઞાન હોય, ધ્યાન હોય, પણ તે તરફ ભાન ન હોય !

      ત્રણેયની સમ્યક યાત્રા, સહજ અવસ્થા, ભીતર તૃપ્તિ.

….બ્રહ્મવેદાંતજી

અભ્યાસ – બ્રહ્મવેદાંતજી

     ચિત્ત વ્યગ્ર હોય તો પહેલાં તેને એકાગ્ર કરવાનો અભ્યાસ. એકાગ્ર ચિત્તને ભીતર વાળવાનો અભ્યાસ. ભીતર જવા સક્ષમ બનેલા ચિત્તને ભીતર ઠહેરાવવાનો અભ્યાસ. ભીતર ઠહેરતા ચિત્તને નિરોધનો અનુભવ કરાવવાનો અભ્યાસ. નિરોધના અનુભવમાં મસ્ત રહેવા ચિત્તને શૂન્યમાં લય કરાવવાનો અભ્યાસ. પછી પ્રતીક્ષા અને તિતિક્ષા.

    ચિત્ત આમ પોતાના મૂળ સ્વરુપ, ચૈતન્યમાં લય પામે છે – નિર્વાણ, રિટર્ન ટુ ધ સોર્સ.

    વિધિ ગમે તે હોય, માર્ગ ગમે તે હોય; લક્ષ્ય એક.

     ચિત્તને કેળવતાં પહેલાં તો તે જ્યાં ચોંટતું હોય, ભટકતું હોય, અટકતું હોય, તેના કારણો જોઇ લેવાં પડે. કારણો પકડાય તો તે પ્રમાણે ઉપચાર થાય. ચિત્ત મુક્ત રહેવું જોઇએ, ફ્રી –

એટેન્શન, વૈરાગ્ય

     વૈરાગ્યના નામે નીરસતા, જડતા, નિર્માલ્યપણું આદર્શ ન બની જાય તેની તકેદારી રાખવી ખૂબ જરુરી. સામે પ્રસંગો આવશે, નિમિત્તો આવશે, ભાગવાનું નથી. છૂટા રહેવાની કળા હાંસલ કરવાની છે.

ઓશો કહે છે – ‘ભાગો મત, જાગો’

દાદા ભગવાન કહે છે – ‘નિમિત્તને બટકું ન ભરો, જુઓ અને ચૈતન્ય સત્તાને જાણો’.

      ચિત્ત સરળતાથી છુટું રહેતું થશે, સરળતાથી મુક્ત થઈ શક્તું હશે, સરળતાથી પાછું ફરતું હશે, પછી જ તેને ભીતર જવાનો અભ્યાસ કરાવી શકાય. અભ્યાસ અને વૈરાગ્ય; ભીતરની યાત્રામાં દરેક તબક્કે સતત જોઇશે. જળ સમુદ્ર તરફ સહેજે વહે છે, અગ્નિ ઉપરની તરફ સહેજે ઉઠે છે, એમ ચિત્ત ચૈતન્ય તરફ સહેજે  ઊર્ધ્વમુખી બનવું જોઇએ.

      અત્યારે ચિત્ત વ્યગ્ર છે, ભટકે છે, અધોગામી છે. ચિત્તને ઊર્ધ્વમુખી થવાના સંસ્કાર આપવા પડે. સૌ પ્રથમ ‘એજ્યુકેશન ફોર એટેન્શન’. આ માટે વિધિ-નિષેધ આપવામાં આવે છે. પણ વિધિ-નિષેધમાં જ જીવન ખર્ચાઈ જાય, તો નવી ઉપાધિ. ધર્મના નામે એક વધુ બોજો ! ચિત્ત વર્તમાન ક્ષણમાં ઠહેરતું નથી, જલ્દી ડ્રિફ્ટિંગ થઈ જાય છે, ભટકવા ચાલી જાય છે – આનું ભાન તો પહેલાં આવવું જોઇએ ! પૂર્ણ ભાનની વાત પછી.

      શરીરના સ્તરે પદ્માસન અને સૂક્ષ્મશરીરના સ્તરે ભટકન. કંઇ વળશે નહીં. હોશ રાખવો હોય તો તે કામ બેહોશીમાં કઈ રીતે થઈ શકે ? જાગવું છે તો સૌ પ્રથમ તમે તો હોવા જોઇએ ને ? શરીર અહીં બેઠું હોય, સાધનાની વિધિ કરાતી હોય અને જીવ ક્યાંય ભટકતો હોય તે કેમ ચાલે ? પોતાની ભીતર જોઇ લો.

….બ્રહ્મવેદાંતજી

રસ અને રોગ – બ્રહ્મવેદાંતજી

    વિવિધ રચનાઓ ભરેલી આ દુનિયામાં ખેંચાણ તો થવાનું. ઓબ્જેક્ટમાં દ્રષ્ટિ જાય તેનો વાંધો નથી. ઓબ્જેક્ટમાં દ્રષ્ટિ ફસાયેલી રહે તેનો વાંધો છે – રસનો વાંધો નથી,  રોગનો વાંધો છે. કોઇ એવી વ્યવસ્થા કરવી પડે, જેથી ભીતરની યાત્રા બારામાં, ‘સ્વ’દર્શનના લક્ષ્ય બારામાં આપણી યાદ બની રહે. આપણે જોઇશું તો તરત સમજમાં આવી જશે કે, લક્ષ્ય વારંવાર ભુલાઇ જવાય છે.

     મંદિર, પૂજા, પ્રાર્થના, તિર્થયાત્રાઓ, આશ્રમો મદદરૂપ થઈ શકે.  પણ સાવધાની ન રહે, તો ત્યાંય ચિત્તનું ભટકન ઘટવાની જગ્યાએ વધી પડે, લક્ષ્ય ચૂકી જવાય. સંસારનો બોજો હોય તેમાં સાધનાનો બોજો આવી પડે

સારા કામ કરશું તો સારા થઈશું એમ નહીં,
પણ સારા થઈશું તો સારાં કામ થશે.

     પ્રકૃતિમાં જે શીખવા માંગે છે તેની પરીક્ષા લેવામાં આવે છે. પણ જે શીખવાડવા માંગે છે તેને પ્રકૃતિ શિક્ષા કરી શીખવાડે છે. વિજ્ઞાન ‘HOW’ નો ઉત્તર આપે છે. ‘WHY’ નો ઉત્તર તેના માટે કઠીન કામ છે – ઉપાય કરી લેવા, ઉપાધિ કરવી નહીં. પ્યાસ છે કે પ્યાસની ભ્રમણા છે – એ કોણ નક્કી કરે ? આપણે આપણી જાતને જોઇ લેવી પડે. ઘણી વાર ભ્રમણાની યાત્રા ખૂબ લાંબી થઈ જાય છે.

  • આત્મતત્વ સદાય વર્તમાનમાં છે.
  • સ્થૂળ શરીર સદાય વર્તમાનમાં છે.
  • સુક્ષ્મ શરીર સતત ભટકતુ રહે છે.
  • આ ત્રણેયને એક લાઇનમાં લાવી દો
  • – એ સાધના.

     ચિત્ત પોતાના સ્વરૂપમાં જવા ટેવાયેલું નથી. ચિત્ત ચૈતન્યને મળે અને ત્યાં ઓગળી જાય તેમ કરવાનુ છે. સતત અભ્યાસ જરુરી. આ છે ભીતરની યાત્રાનુ સારસૂત્ર.

….. બ્રહ્મવેદાંતજી