અને મારા મુળમાં જવાના એ લક્ષ્યની પ્રાપ્તી માટે હું પ્રયાણ આદરું છું. પણ હવે ક્યાં હું પાછી વળી શકું તેમ જ છું? મારી નીયતી મને વધુ ને વધુ નીચે લઈ જઈ રહી છે. મારો જીવનપથ એટલે – સતત વીનીપાત, સતત અધોગમન.
અને મારા જેવા જ અનુભવવાળી બીજી લોકમાતાઓ, આ જીવનપથમાં મને સાથ આપવા દોડતી આવીને મળે છે. અમે સુખ દુખની વાતો કરીને એકબીજામાં મળી જઈએ છીએ; એકરુપ બની જઈએ છીએ.
પણ પાછા ફરવાનું મારા નસીબમાં ક્યાં છે? હું ફરી ઝરણાં નથી થઈ શકતી. પ્રસવકાળની નજીક આવી પહોંચેલી નારીની જેમ મારો પટ હવે વીશાળ બની ગયો છે. મારી ગતી હવે સાવ મંથર બની ગઈ છે. મારામાં ભળેલાં બધાં તત્વો હવે છુટાં પડતાં જાય છે. પ્રસવતાં જાય છે. બધો કાદવ, બધી મલીનતા, નીચે ને નીચે બેસતાં જાય છે. અને એ નીચે કેલાયેલો પંક મારા પટને છીન્ન-વીચ્છીન્ન કરી નાંખે છે. હું અનેક ફાંટાંઓમાં વહેંચાઈ જાઉં છું. સદ્યપ્રસુતાના ચીમળાયેલા પેટની જેમ.
અને મારા એ ત્રીકોણીય પ્રદેશમાં સૌથી વધુ હરીયાળી મહાલે છે. એ ફળદ્રુપ પ્રદેશ મારી સૌથી મોટી દેણ બની રહે છે. મારો ફરીથી નીર્મળ બનેલો દેહ ગજગતીએ આ નવા ભવીતવ્યને અનુભવવા આગળ વધે છે – આગળ ને આગળ – જ્યાં ચરણ અટકે ત્યાં સુધી.
અને એક નવો જ રવ, એક નુતન નીનાદ, હળુ હળુ, જાગતો જાય છે. કદી ન નીહાળ્યો હોય તેવો, એક પ્રચંડ જળરાશી દુરથી પોતાનો નજારો ખડો કરે છે. અને એ અગાધ અને ઘુઘવાટ કરતા દરીયાને જોઈ હું ડરી જાઉં છું. આટલી બધી સરીતાઓ? આટલું બધું પાણી? આ જ મારો સ્રોત? આની જ હું દીકરી? કે પછી ઓલ્યા આભને અડતા ગીરીવરની? કે પછી આ મારો કંથ, મારો સ્વામી? મારી મતી મુંઝાઈ જાય છે. આ અસમંજસમાં હું સાવ તર્કહીન, વીચારવીહીન બની જાઉં છું.
અને એ વીચારશુન્યતામાં આંધળુકીયાં કરીને, મારા આ નવા ભવીતવ્યને, શરણાગતીની ભાવનાથી હું સ્વીકારી લઉં છું. મારા સમગ્ર હોવાપણાને સમેટી લઈને હું એ મહોદધીમાં સમાઈ જાઉં છું; એની સાથે એકાકાર બની જાઉં છું. એના તરંગે તરંગમાં, એનાં ઉછળતાં મોજાંઓમાં, ઐક્યના એ પરમ આનંદની ત્રુપ્તીની ભાવસમાધીમાં હું લીન બની જાઉં છું.
એના ઉછાળે ઉછાળે મારું સમગ્ર હોવાપણું ઓગળી જાય છે. એ હું છું કે, હું એ છે? કશો દ્વૈત હવે સંભવીત જ નથી. બધું એકાકાર. અગણીત કણોમાંનો પ્રત્યેક કણ, અનંત નાદબ્રહ્મ અને અવીરત રાસમાં રમમાણ બની જાય છે – અનંતનો રાસ – યુગથી ચાલી આવતો રાસ. પ્રચંડ ઘુઘવાટ. હીલ્લોળે હીલ્લોળા.
કેવળ આનંદ,
કેવળ ચૈતન્ય,
કેવળ સત્ય.
કેવળ પરબ્રહ્મ.
અને ત્યાં જ એક પુરાતન સ્મૃતી જાગ્રુત થાય છે. મારા જન્મની વેળાની સ્મૃતી. હું તો આ ઉદધીમાંથી ઉભરી આવેલું એક બીંદુ માત્ર તો હતી. એક સાવ નાનકડું બીંદુ. ક્યાં એ અકળ-જળ- રાશી અને ક્યાં હું?
રેલાઈ આવતી છો ને, બધી ખારાશ પૃથ્વીની,
ઉદધિને ઉરથી ઊઠશે,મીઠી કો’ એક વાદળી.
મહાકાળનો તોફાની વાયરો મને ક્યાંનો ક્યાં ખેંચી ગયો? મેઘમલ્હારનો એક પ્રચંડ કડાકો; તડીતની તોળાયેલી તાતી તલવાર, અને મારો પ્રસવ એ ગીરીવરની એ ટોચ ઉપર.
ફરી જન્મ, ફરી મૃત્યુ. ફરી એ જ બધી ઘટમાળ. સતત ચાલતો આ જીવનનો ચરખો; અને તેમાં ઘડાતાં, વીકસતાં, પીસાતાં, આથડતાં, પ્રસવતાં અનેક જીવન.
હું કોણ? બીંદુ? વાદળ? સરીતા? સમુદ્ર?
ના ના. હું જ તો એ સમગ્ર જીવન.
કે પછી હું કશું જ નહીં? બધો એક ખેલ? એક ચીરંતન ચાલતું સ્વપ્ન? એક ભ્રમ? એકમાત્ર વાસ્તવીકતા ઓલ્યો અકળ, અમાપ, જીવનજળરાશી? કે એ પણ કશું નહીં? બધું કેવળ શુન્ય? બધો આભાસ?
…………….
અને……..
જીવન શું છે?
જીવવું શું છે?
હોવાપણું શું છે?
બનવું શું છે?
બદલવું શું છે?
એ શોધ શું છે?
એ પથ શું છે?
એ પથીક શું છે?
એ લક્ષ્ય શું છે?
એ મુળ શું છે?
એ પરીણામ શું છે?
————
ૐ તત સત્
વાચકોના પ્રતિભાવ