ભાગ – ૨ ભાગ – ૩
મારું નામ સરીતા.
મારા સ્વરુપ ઉપર ભલભલા ફીદા છે. કેટકેટલી કવીતાઓ મારા વીશે લખાઈ છે. મારી નજીક આવતાં જ કોઈના પણ મનમાં શીતળતા અને અવર્ણનીય આનંદ છવાઈ જાય છે. કેટકેટલાં જીવો મારી ઉપર નભે છે. મારાથી પોશાય છે. તેમના જીવનનો આધાર મારા થકી છે.
પણ હું બહુ વ્રુધ્ધ છું હોં! તમે મારી શું ઉમ્મર ધારો છો? જો કે, સાચું કહું? મને પણ ખબર નથી! જો જો, હોં, સ્ત્રીની સાહજીકતાથી હું ઉમ્મર છુપાવવા નથી માંગતી. ખરેખર મને મારી ઉમ્મર યાદ નથી. હા, પણ અંદાજે લાખેક વરસ તો હશે જ!
કેમ, ચોંકી ગયા? એમ સમજ્યા કે આ બાઈ પાગલ છે? ના, હું તો છું સરીતા… નદી… અરે, ખરેખરી નદી. પાણીના શાંત જળ એ મારી દેહયશ્ટી છે. સામાન્ય સ્ત્રીને તો બે જ યૌવન કુંભો હોય અને થોડોક જ સમય એમાંથી સંતાન માટે ધાવણ ઝરે. મારા તો કણ કણમાં એ સ્તનની સુંદરતા છે અને એમાંથી સતત પોશણનો ઝરો વહે છે. કેટકેટલાય જીવ મારી અંદર જન્મ લે છે અને એ ધાવણથી પોશાય છે. મારું સમગ્ર હોવાપણું પુર્ણ નારીત્વથી છલકાય છે. એટલે જ તો બધા મારા સૌંદર્ય પર આટલા બધા ફીદા છે.
પણ મારા ઉદ્-ગમ સ્થળ પાસે તો હું હજીય સાવ નાનકડી બાલીકા જ છું હોં! પર્વતાળ પ્રદેશની વરસાદની હેલીઓ મારી જનેતા છે. ખડકોની ઉપરથી એ બધીઓ ટપકી ટપકીને એક ઉંડા ખાડામાં ભેગી થાય છે; એ સરોવર મારું જન્મ સ્થાન. ત્યાંથી મારો સતત પ્રસવ થતો જ રહે છે! માંડ ખાલી થવા આવે ત્યાં બીજી હેલીઓ તેને ભરવા તૈયાર જ હોય છે ને? પણ ત્યાં મને નીહાળવા ક્યાં કોઈ આવે જ છે? બસ નીર્દોશ પંખીડાં અને રમતીયાળ ખીસકોલીઓ જ મારાં બાલસાથી હોય છે ને? તમારું દુર્ભાગ્ય કે તમે મને ત્યાં જોવા કદી આવતા નથી. નહીં તો મારી બાળસુલભ ચેશ્ટાઓ પર તમે આફ્રીન થઈ જાઓ. એ પર્વતાળ અને દુર્ગમ સ્થાનમાં તો મારું નામેય બદલાઈ જાય છે ને? મને ય એ ‘ઝરણા’ નામ બહુ ગમે છે. બસ સતત ખડકો ઉપર કુદતા રહેવાની મને બહુ જ મજા આવે છે. અને ત્યાં મને દુશીત કરવાય કોણ આવે છે? ત્યાં તો તળીયું દેખાય એવું પારદર્શક મારું રુપ હોય છે વારુ. અને ક્યાંય ને ક્યાંયથી મારી સહેલીઓ પણ મારી સાથે રમવા આવી જાય છે. અમે બધાં લીસા પથ્થરના પાંચીકા ઉછાળતાં રહીએ છીએ.
રમતાં રમતાં અમે ક્યાં એકબીજામાં ભળી જઈએ છીએ; એની અમને ખબર પણ ક્યાં પડે છે? એ બધીય સહેલીઓ મારામાં ભળી જાય છે. કોઈ ડાબેથી આવે છે તો કોઈ જમણેથી. પણ હું એમની મોટી બહેન ખરીને; એટલે માન આપી પોતાનું સમગ્ર અસ્તીત્વ એ બધીઓ મને સમર્પીત કરી દે છે. ખરેખર જુઓને તો, અમે અલગ હોઈએ છીએ એટલું જ. ક્યાં અમારાં અલગ અલગ નામ તમે આપો છો? બધીય ઝરણાં જ તો ! અમને અમારા અલગ અસ્તીત્વનું કોઈ ગુમાન નથી. બસ રમતાં રહેવાનું, ઉછળતા અને કુદતા રહેવાનું અને એકમેકમાં ભળી જવાનું. સાચ્ચું કહું? મને તો મારી એ અવસ્થા જ સૌથી વધારે ગમે છે હોં !
અને પુશ્ટ બનેલી હું યૌવનમાં પ્રવેશું છું. મારું રુપ બન્ને કાંઠે ખીલતું જાય છે. મારી કુદંકુદી હવે ક્યાં? પણ ઢોળાવવાળા માર્ગે તીવ્ર ગતીથી હું આગળ અને આગળ ધસમસું છું. હવે તો મારી બઈ, જુવાનીના મદમાં હું ઉછાંછળી અને ગાંડીતુર બની જાઉં છું હોં! મારા ધસમસતા પ્રવાહની કોઈ મીસાલ નથી. મારા એ નાચથી ભલભલા ખડક ઘસાઈ જાય છે ! તેમના દેહ ક્યાંક લીસ્સા તો ક્યાંક લચકીલા તો ક્યાંક લીસોટેદાર બની જાય છે. ક્યાંક તો હું તેમના ભાંગીને ભુક્કા બોલાવી દઉં છું. પણ મારે એમની શી પંચાત? મને ક્યાં નવરાશ છે, એમની જોડે ગપસપ કરવાની? હું તો યૌવનના મદમાં ગાંડીતુર બનીને દોડતી જ રહું છું. પાગલ બનેલા એમાંના કોક જુવાનીયા મારી સાથે જોડાય છે ય ખરા. ભલે ને આવતા. પણ મારી ચાલે એમનાથી ના દોડાય હોં! એમને તો અથડાતા, કુટાતા, હાંફતાં મારી પાછળ મંથર ગતીએ જ ઘસડાવું પડે. જેવું જેનું પોત. કઠણ અને જડ રહે તો એમ જ બને ને! મારી જેમ તરલ અને પારદર્શક હોય તો કાંઈ મેળ પડે! નહીં તો એ ઘસાતા જ રહે, અફળાતા જ રહે. અહીં કોણે કહ્યું‘તું કે મારા રુપમાં પાગલ બનો?
પણ મારા આ ગર્વનો પછી અંજામ પણ એવો જ આવે ને? મારી ધસમસતી એ દોડમાં ક્યાં હું એક દુર્ગમ અને ઉંડી ખીણના નાકે આવીને ઉભી છું તેનું મને ભાન જ નથી રહેતું. અને પછી બીજું શું થાય? વીનીપાત જ અનીવાર્ય હોય ને? એ પ્રચંડ પ્રપાતના ઘુ ઘુ ઘોશમાં મારી ચીસ ક્યાં કોઈનેય સંભળાય છે? એ પછડાટ, એ ફીણ, એ ઘુમરીઓ, એ અસંખ્ય છંટકાવની હેલીઓ, એ મારા શત શત ટુકડાઓ. સદીઓથી આ પતન ચાલ્યા જ કરે છે; ચાલ્યા જ કરે છે. બીજી ત્રણ ચાર જગ્યાએથી મારા જેવી બીજીયો ય અહીં ભુલી પડેલી છે. અને એય આ પતનમાં મારી ભાગીદાર છે. ઉંચી નજરે અમારા શૈશવની એ પર્વતાળ ભુમીને યાદ કરી કરીને અમે શોકમગ્ન બની ગયેલાં છીએ. અમારા એ પાગલપનની, અમારી એ મસ્તીની ગૌરવગાથાઓ યાદ કરતાં કરતાં અમે સમદુખીયાં ખીણમાં પડ્યાં પડ્યાં પોશ પોશ આંસુ વહાવીએ છીએ. એકમેકનાં આંસુ લુછીયે છીયે. પણ……
ते हि न दिवसो गताः।
પણ ક્યાં કોઈને ય ઠરીઠામ થઈને બેસવાનો સમય છે. પડ્યાં નથી ને પાછાં હેંડ મારા રામ. ફરી ચલતી પકડવી જ પડે. બેસી રહેવાનું, બંધીયાર રહેવાનું, રડતાં રહેવાનું મારા સ્વભાવમાં જ નથી. ભલે ને પાણીનો અખુટ ભંડાર મારી પાસે હોય ને. આંસું સારતાં રહે તે બીજા. હું તો પહાડ જેવા સીપાઈની બચ્ચી! હવે હું સરીતા બની. હવે તો મને તમે કોઈ રુપાળું નામેય આપ્યું. લપસણા અને ઢોળાવવાળા પ્રદેશો બધા પાછળ રહી ગયા.
કેવા શુકનમાં પર્વતે, આપી હશે વીદાય?
નીજ ઘરથી નીકળી નદી, પાછી નથી વળી.
– ખલીલ ધનતેજવી
હવે સપાટ મેદાનોમાં હું પ્રવેશું છું. અહીં મને ફાલવા ફુલવાની બહુ મોકળાશ છે. મારી દોડવાની એ રમતીયાળ ગતી હવે ધીમી પડી છે. મારું નવું ઘર મોટ્ટું છે હોં ! ઉપર પર્વત બાપના ઘેરથી લાવેલી બધી સંપદા અહીં હું ઠાલવવા માંડું છું. બેય બાજુ ક્યાંક મેં તોડી તોડીને એકઠી કરેલી રુક્ષ શીલાઓ કે ક્યાંક પાંચીકા જેવા ગોળ મટોળ અને લીસ્સાલસ પથ્થર તો ક્યાંક સુંવાળી રેતી. બસ ઢગલા ને ઢગલા હું ખડક્યે જ જાઉં છું.
ખાલી થવામાં જ ખરી મજા છે ને?
વધુ આવતા અંકે….
વાચકોના પ્રતિભાવ