સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: નવલકથા

પહેલો ગોવાળિયો – હવે પ્રતિલિપિ પર

 આજથી ૧૦,૦૦૦ વર્ષ પહેલાનાં સમયમાં આકાર લેતી આ નવલકથા તમને એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમૂલ્યો અને લાગણીઓ તો એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.

   આખી નવલકથાની .pdf ફાઈલ ડાઉન લોડ કરવા અહીં ‘ક્લિક’ કરો

sbj_pratilipi

કેપ્ટન નરેન્દ્ર ફણસેએ પ્રેમપૂર્વક લખી આપેલી પ્રસ્તાવના આ રહી.

વિભાગ -૧ પૂર્વારંભ

પ્રકરણ – ૧    નદીમાં પૂર પ્રકરણ – ૨    પહેલો નાવિક
પ્રકરણ – ૩    ગુફાવાસીઓ પ્રકરણ – ૪    તરવૈયો
પ્રકરણ – ૫   તારામૈત્રક પ્રકરણ – ૬    મુકાબલો
પ્રકરણ – ૭   જોગમાયાની ગુફામાં પ્રકરણ – ૮   પાછા વતનમાં
પ્રકરણ – ૯   આનંદોત્સવ

વિભાગ -૨ સીધાં ચઢાણ

પ્રકરણ – ૧૦   તરાપા પ્રયોગ – ૧ પ્રકરણ – ૧૧  તરણ સ્પર્ધા
પ્રકરણ – ૧૨  નવી સંપદા પ્રકરણ – ૧૩  તરાપા પ્રયોગ – ૨
પ્રકરણ – ૧૪  નવું જીવન પ્રકરણ – ૧૫  નેસડો
પ્રકરણ – ૧૬ પૂનમનો મેળો પ્રકરણ – ૧૭ ઉત્તરક્રિયા
પ્રકરણ – ૧૮ નેસડાની મુલાકાતે પ્રકરણ – ૧૯  હાથીનો શિકાર

વિભાગ -૩ પ્રતિશોધ

પ્રકરણ – ૨૦  ઓતરાદા પ્રયાણ પ્રકરણ – ૨૧  ભુલાનું ભીષણ સ્વપ્ન
પ્રકરણ – ૨૨  નવા પ્રદેશમાં પ્રકરણ – ૨૩  અવનવો સમાજ
પ્રકરણ – ૨૪   ખાન પ્રકરણ – ૨૫  ખાનના ગામમાં
પ્રકરણ – ૨૬  ખાનનો દરબાર પ્રકરણ – ૨૭  મલ્લકુસ્તી
પ્રકરણ – ૨૮ ખાનનો નવો મિત્ર

વિભાગ -૪ મહાભિનિષ્ક્રમણ

પ્રકરણ – ૨૯ પૂંછડિયો તારો પ્રકરણ – ૩૦ લશ્કર
પ્રકરણ – ૩૧ ડ્રેગન પ્રકરણ – ૩૨ પવતની તળેટીમાં
પ્રકરણ – ૩૩ જોગમાયાની ગુફામાં પ્રકરણ – ૩૪ ઘાટની શોધ
પ્રકરણ – ૩૫ વ્યૂહ રચના પ્રકરણ – ૩૬ જગદંબાની ગુફામાં મંત્રણા
પ્રકરણ – ૩૭ મન્નો પ્રકરણ – ૩૮ ભાવિનાં એંધાણ

વિભાગ – ૫ સંઘર્ષ

પ્રકરણ – ૩૯ પહેલો જાસૂસ પ્રકરણ – ૪૦ જંગલમાં પીછેહઠ
પ્રકરણ – ૪૧ પહેલો હુમલો પ્રકરણ – ૪૨ બીજા હુમલાની તૈયારી
પ્રકરણ – ૪૩ બીજો હુમલોપ્રકરણ – ૪૪ ખાનની પીછેહઠ
પ્રકરણ – ૪૫ , સાણસાવ્યૂહપ્રકરણ – ૪૬ કાળઝાળ આગ
પ્રકરણ – ૪૭ ઘમસાણ યુદ્ધપ્રકરણ – ૪૮ ગોવાનો ખાન સાથે મેળાપ
પ્રકરણ – ૪૯ ખાનની વિજયસભાપ્રકરણ – ૫૦ ખાનની જાહેરાત

વિભાગ – ૬ ઉત્તરાર્ધ

પ્રકરણ – ૫૧ ગોવાનો વિષાદ પ્રકરણ – ૫૨ વિકરાળ કાળ
પ્રકરણ – ૫૩ મુક્તિનું પહેલું કિરણ પ્રકરણ – ૫૪ ગોવાની મુક્તિનો પ્રારંભ
પ્રકરણ – ૫૫ પાંચો પ્રકરણ – ૫૬ ગોવાની ક્રોધ મુક્તિ
પ્રકરણ – ૫૭ જુન્નો પ્રકરણ – ૫૮ ખાનનો વિજય દરબાર
પ્રકરણ -૫૯ મહાશમનપ્રકરણ – ૬૦ ઉપસંહાર

શ્વેતા – શ્રી. પ્રવીણ કાન્ત શાસ્ત્રી

      ચાર પાંચ વર્ષ પહેલાં પ્રવીણ ભાઈએ બહુ પ્રેમ પૂર્વક મોકલેલી નવલકથા ‘શ્વેતા’ આમ તો ૨૦૧૧ માં છપાઈને બહાર પડી હતી. એ વખતે બે ત્રણ દિવસમાં જ એ કથા રસપૂર્વક વાંચી હતી. પણ ઈવડી -ઈ હવે ઈ-રૂપમાં પણ હાજર છે.

shweta_title

આ ચિત્ર પર ક્લિક કરી ડાઉન લોડ કરો અને ઓફ- લાઈન વાંચો.

      પ્રવીણ ભાઈની લાક્ષણિક કલ્પનાશક્તિ,  અમેરિકન ગુજરાતીના  જીવનમાં  સ્વાભાવિક રીતે બોલાતી ભાષાને પડઘાવતા ચોટદાર  સંવાદો અને  અવનવા પ્રસંગો ગૂંથી વાર્તાને રસિક વળાંકો આપવાની કળા આ નવલકથામાં સોળે કળાએ ખીલી ઊઠેલી આપણે જોઈ શકીશું.  પણ એક વિશેષ વાત એ છે કે, ગુજરાતી વાર્તા સાહિત્યમાં જવલ્લે જ વાંચવા મળતા ‘લિંગ – પરિવર્તન’ ( sex – change) ના નાજૂક વિષયને પ્રવીણ ભાઈએ વાર્તાના પટમાં વાપર્યો છે.

પ્રવીણ ભાઈનો પરિચય …

shweta_back

શ્વેતા’ ઓન – લાઈન વાંચવા માટે આ પાનાં પર ક્લિક કરો…

પહેલો ગોવાળીયો – લેખકનું નીવેદન

બ્લોગીંગનું બીજું વર્ષ પત્યે એક મહીનો વીતી ગયો હતો; ત્યારે 24. મે – 2009ના દીવસે પ્રાગૈતીહાસીક કાળની કાલ્પનીક ઘટનાઓ પર આધારીત નવલકથા લખવાની અને મારા ગુજરાતી બ્લોગ ‘ગદ્યસુર’ પર ધારાવાહીક રીતે પ્રકાશીત કરવાની શરુઆત કરી હતી. તે દીવસે વહેલી સવારે આની આકસ્મીક શરુઆત થઈ હતી; પણ તેની પરીકલ્પના તો ઘણા વખતથી મારા ચીત્તમાં ઘુમરાઈ રહી હતી.

નીવૃત્તીકાળમાં ઈતીહાસ મારા રસનો વીષય રહ્યો છે. પ્રેરક જીવનચરીત્રો વાંચતાં, આ રસ કેળવાયો છે. ઘરમાં જ રહેલા, વીશ્વ ઈતીહાસના પુસ્તકના પહેલાં બે એક પાનાંઓમાં વાનરમુળમાંથી માનવ જાતનો વીકાસ શી રીતે થયો; તે વાંચી હું હેરત પામી ગયો હતો. માણસ ક્યાં હતો? અને ક્યાં પહોંચી ગયો છે? અત્યંત આશ્ચર્ય પમાડી દે, તેવી આ હકીકત છે. જો કે, પ્રારંભકાળના બહુ ઓછા પુરાતત્વકીય પુરાવાઓ મળેલા છે. પણ ત્યાર પછીના સમયના જે આધારભુત પુરાવા મળ્યા છે; તે પરથી પણ એમ ફલીત થાય છે કે, માનવ સમાજ અને સંસ્કૃતીએ સાધેલ પ્રગતી અદભુત છે.

આ નવલકથા તમને પથ્થરયુગના એ સમયની સફર કરાવશે; જેમાં માણસ કેવળ શીકાર કરીને અને ફળો વીણીને જીવન ગુજારતો હતો. આ કથા તે કાળના એક સાવ અજાણ્યા પ્રદેશ, સમય અને સમાજમાં દોરી જશે. પણ એમાંથી ઉજાગર થતાં પાયાનાં માનવમુલ્યો અને લાગણીઓ તો  એકવીસમી સદીના આ ઈન્ટરનેટ યુગમાં પણ એટલાં જ પ્રસ્તુત લાગતાં તમે જોઈ શકશો.  પાયાના માનવ મુલ્યો, શક્તીઓ, મર્યાદાઓ, વીવશતાઓ, લાગણીઓ, સીમાઓ વીગેરેમાં ખાસ કશો ફરક પડ્યો નથી; એ વાતની ઈતીહાસ સાક્ષી પુરે છે. આ મુળ પરીકલ્પના આ નવલકથાનું હાર્દ છે.

આ ઉપરાંત, ઉત્ક્રાન્તીની હરણફાળમાં માનવ જાતે જે ઉંચા કુદકા માર્યા છે; તેમાં હજુ ઘણા વધારે પગથીયાંઓ પાર  કરવાની શક્યતાઓ, તેમ જ માનવ પ્રયત્નોની ગુંજાયેશ છે; એમ હું માનું છું. ખાસ કરીને પાયાની માનવચેતનાએ હજુ ઘણાં શીખરો સર કરવાનાં બાકી છે; એમ મને લાગે છે. આ વીશ્વાસ અને શ્રદ્ધાના આધાર પર આ કથાની ચરમસીમા ઘડી છે. સ્થુળ ચેતનાના પાયાના સ્તરથી સુક્ષ્મ ચેતનાના ઉચ્ચ શીખર સુધી, વાર્તાના નાયકની યાત્રાનો આ કાલ્પનીક આલેખ છે. માનવ ઈતીહાસમાં આવા જાણ્યા, અજાણ્યા અનેક ગોવાળીયા જીવી ગયા છે; એ નીશંક  વાત છે. તો જ માનવ સંસ્કૃતી શીકારી/ફળ વીણનાર ( Hunter – gatherer) માંથી ઉત્ક્રાંતી પામીને મંગળના ગ્રહ પર સંશોધન કરતી બની છે.

તદુપરાંત કથાના અંતમાં દર્શાવેલ છે તેમ., એ જગતનો એકલદોકલ માનવી પણ આ શીખરો સર કરી શક્યો હતો; એમ હું દૃઢપણે માનું છું. કદાચ એવા પુણ્યશાળી આત્માઓના પ્રતાપે જ માનવતા સત્ય, શીવ અને સુંદરના રાહે ટકી રહી છે.

માનવમનમાં ઈશ્વરના અસ્તીત્વ વીશેની માન્યતા શી રીતે ઉદભવી તે અંગેની આવી જ એક પરીકલ્પના પરીશીષ્ઠ વીભાગમાં ‘ઈશ્વરનો જન્મ’ નામની એક વાર્તાના સ્વરુપે મુકેલી છે. કદાચ આવા જ સંજોગોમાં પશુસમ જીવન જીવતા, માનવીના વીચારશીલ મનમાં કોઈ પરમ તત્વના હોવા વીશે શ્રદ્ધા જાહી હશે.

ઈતીહાસના ઉપરછલ્લા જ્ઞાનમાં કલ્પનાના રંગો અને માન્યતાઓ ભેળવી, આ શબ્દચીત્ર તૈયાર કર્યું છે. એમાં ઐતીહાસીક અને પુરાતત્વની દ્રષ્ટીએ ખામીઓ હોવાની પુરી સંભાવના છે જ. આશા રાખું કે સુજ્ઞ વાચક મારી આ મર્યાદાઓને દરગુજર કરશે.

મારા બહુ સીમીત વાંચનમાંથી મળેલ માહીતી આ કથાના પાયામાં છે. એ બધા સાહીત્યનો ભાવસભર ઋણ સ્વીકાર કરુંંછું. ડ્રેગન સાથેની મુઠભેડના પ્રસંગમાં બાઈબલની ‘ ડેવીડ અને ગોલીઆથ’ ની વાર્તાએ મને પ્રેરણા .આપી છે. કથાના પાંચમા વીભાગ ‘ સંઘર્ષ’ માં યુધ્ધના જે વર્ણનો છે; તે માટે ખરેખર યુધ્ધ લડેલા મારા નેટ મીત્ર કેપ્ટન નરેન્દ્ર ફણસેના બ્લોગ ‘જીપ્સીની ડાયરી’ પરથી મળેલ સામગ્રીએ બહુ જ પ્રેરણા આપી છે. કેપ્ટને તો બહુ ઉદારતાથી આખી નવલકથા રસ પુર્વક વાંચી, પ્રસ્તાવના પણ લખી આપી છે. આ માટે કેપ્ટનનો જેટલો આભાર માનું તે ઓછો જ છે.

જે વાચકોએ રસપુર્વક અને ધીરજની સાથે ધારાવાહીક હપ્તાઓ વાંચી અને પ્રતીભાવ આપી, મારા લેખન ઉત્સાહને વધાર્યો છે; તે સૌનો હું આભાર માનું છું. આ પુસ્તક માટે ખાસ પ્રતીભાવ લખી મોકલનાર સર્વે ભાઈ બહેનોનો ખુબ ખુબ આભાર,

વાચકને ગુજરાતી વાન્ગમયમાં એક નવી અનુભુતી કરાવવાનો મારો હરખ છે. આશા રાખું છું કે, પરમ તત્વ મારી આ ભાવનાને, આ આરતને બળ આપશે.

– સુરેશ જાની
મેન્સફીલ્ડ, ટેક્સાસ

પહેલો ગોવાળીયો : પ્રસ્તાવના – કેપ્ટન નરેન્દ્ર ફણસે

પહેલો ગોવાળીયો” વાંચવા લીધી ત્યારે તેના પહેલા પ્રકરણના શીર્ષક ‘પહેલો નાવીક’ અને ‘ઇ.સ. ૧૦,૦૦૦ વર્ષ પહેલાં’ વાંચીને મનમાં એક ઉત્સુકતા તથા અચરજની ભાવના ઉદ્ભવી. ભલા, પ્રાગૈતીહાસીક સમયમાં, વનમાં વીચરતી જનજાતીઓ – ફળ-ફૂલ ભેગાં કરીને કે પાષાણનાં હથિયારો વડે શીકાર કરી જીવનારા લોકોના જીવનમાં ખાસ કહેવા જેવું શું હોઇ શકે? તે યુગનાં લોકોના મનમાં સ્વરક્ષણ, ભૂખ અને દૈહીક જરૂરિયાતો પૂરી પાડવાની અને જીવનનો પ્રવાહ ચાલુ રાખવા ઉપરાંત બીજી કઇ ભાવના હોય? તેમના જીવન પર નવલકથા કેવી રીતે રચી શકાય?

પહેલું પાનું વાંચતાં જ લેખકની પ્રવાહી શૈલી, તેમાંથી ઉભરતી પ્રભાવશાળી વ્યક્તીઓનું ઉંડાણપૂર્વક આલેખાયેલ ચીત્રરેખન અને પ્રસંગોની ગતીમાં ખોવાતો ગયો. જીવ-વીજ્ઞાનીઓએ મનુષ્યને બુદ્ધીશાળી પ્રાણી કહ્યા છે, પણ તેમની હૃદયની ભાવનાઓ, સંવેદનાઓ તેમના અસ્તીત્વ સાથે, અત્યારે જેટલી ઘનીષ્ટતાથી જોડાયેલી છે, તે પાષાણયુગમાં પણ એટલી જ તેમના વ્યક્તીત્વનું અવીભાજ્ય અંગ હતી; તે આ કથામાં સ્પષ્ટ થાય છે.  માનવ જીવનના પ્રારંભથી જ તેના DNA -જીવ કોષમાં આ ઉદાત્ત અને ઉદાત્ત ન કહી શકાય તેવી ભાવનાઓ અને વૃત્તીઓ પણ સંકળાયેલી હોય છે. તેની અભીવ્યક્તી કોઇ ને કોઇ રીતે થતી જ હોય છે. નીસર્ગે માનવને વૃત્તીઓના તમસની પેલે પાર જવાની શક્તી આપી છે તે લેખકે સુંદર રીતે વર્ણવ્યું છે.

પુસ્તકની શરૂઆતમાં આપણી મુલાકાત થાય છે પહેલા ગોવાળીયા સાથે, પહેલા તરવૈયા સાથે, પહેલા નાવીક સાથે, અને સૌથી વધુ અગત્ય કહી શકાય તેવા પ્રથમ લોકનાયક સાથે. પોતાની અંગત સુરક્ષા અને લાભનો ખ્યાલ રાખ્યા વગર  અજાણી ધરતીમાં જઇ સમગ્ર કબીલાના ઉત્કર્ષનો ખ્યાલ એક નાયક જ કરી શકે. આવા નાયકના જીવનની યાત્રામાં સમાયેલ છે : આ નવલકથાનું હાર્દ. જેમ જેમ કથા આગળ વધતી જાય છે; તેમ તેમ વાચક આ કથાનું પાત્ર બની, કથાનાયક ગોવામાં એકરૂપ થઇ જાય છે. “ હું જો ગોવો હોઉં તો શું કરૂં? ” – એવો વિચાર કરતો થઇ જાય છે. ગોવો, પાંચો, રૂપલી  આપણા પરીવારના સદસ્ય બની જાય છે. તેમણે લીધેલાં પગલાં, કટોકટીના સમયે તર્ક પર આધારીત તેમણે કરેલ આવિષ્કાર એટલા સહજ લાગે છે કે  તેમાં અશક્ય એવું કશું લાગતું નથી.

એક તરફ આપણે પાષાણયુગમાંથી બહાર નીકળી પશુપાલન યુગમાં સહજતાથી આગળ વધીએ; ત્યાં  આપણો સામનો થાય છે આક્રમણકાર સાથે. યુદ્ધ, સંચાર વ્યવસ્થા, યાતાયાતના નવા રસ્તાઓની શોધ, દુશ્મનની હીલચાલ પર નજર રાખવાનો ઉપક્રમ અને અંતે યુદ્ધ – આ બધાંનું વર્ણન વાંચતા ક્યાંયે અતીશયોક્તી લાગતી નથી. પાંચ હજાર વર્ષ પહેલાં યુદ્ધકલા કેવી વીકસી હતી; તે આપણે જાણીએ છીએ. આ કલા રાતોરાત ઉપજી નહોતી, અને તે કથાનાયકના નેતૃત્વમાં trial and error પદ્ધતીથી દસ હજાર વર્ષ પહેલાં કેવી રીતે જન્મી તે આ નવલમાં જોવા મળે છે.

પહેલા ગોવાળીયાની કથાનું વૈશિષ્ઠ્ય તો તે યુગના લોકનાયકના ચરીત્રદર્શનમાં છે. પહેલા ગોપાલક અને પહેલા નાવીકની ઉત્ક્રાંતી પહેલા દૃષ્ટામાં કેવી રીતે થઇ તેનું આલેખન હૃદયસ્પર્શી લાગ્યા વગર ન રહે. કેદમાં રહીને પણ કથાનો નાયક કેવી રીતે આત્મદર્શન કરી શક્યો, સામાન્ય પંચેદ્રીય પ્રેરીત ભાવોદ્રેકતા પર તેણે સ્વત્વના સાક્ષાત્કારથી કેવી રીતે વીજય પ્રાપ્ત કર્યો તેમાં આ કથાની પરીપૂર્ણતા સમાઇ છે. અંતરમાં ડુબકી લેવાની આ પ્રક્રીયા, નાયકનું મનોમંથન અને પરમ સત્યની પ્રાપ્તી માટે સમગ્ર રાત્રીભર ચાલી રહેલા માર સાથેના બુદ્ધના વૈચારીક યુદ્ધ જેવી પ્રક્રીયા કદાચ અધુરી લાગે! જો કે તેનું કારણ જાણી શકાય.

લેખકના ‘ગદ્યસુર” બ્લૉગમાં આ નવલકથા ક્રમવાર પ્રસીદ્ધ થતી હતી; ત્યારે તેમાં વાચકોના પ્રતિભાવ પરથી સ્પષ્ટ થતું હતું કે, નવલકથાના વાચકોનું બૌદ્ધીક સ્તર ઘણું ઉંચું છે. તેમણે ભગવાન બુદ્ધ તથા તીર્થંકર મહાવીરના ચરીત્રો વાંચ્યા હતા; તેથી તેમને આ પ્રક્રીયાનો ખ્યાલ હતો. જો કે બ્લૉગ-જગતની બહારના વાચકોના લાભાર્થે નવલકથાની બીજી આવૃત્તીમાં લોકનાયકના આધીભૌતીક સ્તર પરથી થતા ઉર્ધ્વીકરણનું વર્ણન વધુ વિશદ થાય તો પુસ્તકના મૂળ ઉદ્દેશ – માનવીની આધ્યાત્મીક યાત્રા – પર વધુ ઓપ ચઢશે.

નવલકથાની પૃષ્ઠભુમી જગતનો કોઇ પણ ભાગ હોઇ શકે છે! લેખકે તેને નામ ન આપીને એક મોટા વિવાદને ટાળ્યો છે. આર્યો ભારતમાં આક્રમણકાર થઇને આવ્યા અને ભારતમાં વસતા મૂળ ભારતીયોની કતલ કરી એવી મૅક્સમુલર જેવા પાશ્ચાત્ય વિદ્વાનોએ રૂઢ કરેલી માન્યતાનો આધુનીક પુરાવાઓના આધારે તીવ્ર વીરોધ થયો છે. આર્યો મૂળ ભારતના જ રહેવાસી હતા અને ખૈબરઘાટના માર્ગે ઇરાન, રશિયા, મધ્યપૂર્વના અન્ય દેશોમાં ગયા અને સંસ્કૃત તથા સંસ્કૃતીનો વીસ્તાર કર્યો તેના પુરાવા પણ આપ્યા છે.

“પહેલા ગોવાળીયા”માં જે સ્થળનો આવીષ્કાર કરાયો છે, આક્રમણકાર ખાન ક્યા પ્રદેશમાંથી ગોવાના દેશમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપવા આવ્યો હતો તેને નામ ન આપીને કથાને સૌંદર્યપૂર્ણ નાવીન્ય આપ્યું છે. આ જગતનો કોઇ પણ ભાગ હોઇ શકે છે. માનવતાવાદી ગોવો પોતાની અને આસમંતની ધરાને વસુધૈવ કુટુમ્બકમ્ માને છે, જ્યારે અશ્વ પર કાબુ કરનાર, દૂરક્ષેપી હથિયારનો આવિષ્કાર કરનાર ખાન વીશ્વવીજય પર નીકળ્યો છે. એક વીજેતા પોતાના પ્રતીસ્પર્ધીને કેદ કરી, તે પોતે જ પોતાની મહત્વાકાંક્ષાનો બંદી બની ગયો છે. નવલકથાના અંત સુધી પહોંચતાં વાચકના મનમાં કેટલાય પ્રશ્નો નીર્માણ થશે, કેટલાક પાત્રો કુતુહલ નીર્માણ કરશે – આ છે નવલકથાની ખુબી!

આપણા સાહિત્યમાં પ્રાગૈતીહાસીક પૃષ્ઠભુમી પર હજી સુધી કોઇ નવલકથા લખાઇ નથી. શ્રી. સુરેશભાઇ જાનીએ આ કમીને અત્યંત સુંદર શૈલી અને આધારભૂત સંશોધનને આધારે દૂર કરી છે.

–  કેપ્ટન નરેન્દ્ર ફણસે
એલીસો વીહો, કેલીફોર્નીયા

નવલકથા ઉપસંહાર

વાર્તામાં આવેલ અણધાર્યા અને અચાનક અંતથી વાચક ‘આગળ શું થયું?’ તેમ વીચારતો થઈ જાય; તે સ્વાભાવીક છે. ગોવો, રુપલી, કાનો, વીહો, પાંચો, ભુલો, જગ્ગો, ખાન, જુન્નો, જીતમલ્લ .. આ બધાનાં જીવન મહા શમનની ઘટના પછી શી રીતે વ્યતીત થયાં એ હું વાચકની કલ્પના પર છોડું છું.

આમેય જીવનની કોઈ કથા કદાપી, ક્યાંય સમાપ્ત થતી જ નથી.સમાજનો, સંસ્કૃતીનો, જીવનનો પ્રવાહ તો એક યા બીજા સ્વરુપે ચાલુ જ રહે છે. એને કોઈ અંત ન જ હોય. આ કથામાં ‘પહેલા ગોવાળીયા’ ગોવાના જીવનમાં આવેલ વીવીધ પરીવર્તનો આલેખવાનો પ્રયત્ન થયો છે. ગાયોના પહેલા પાલક બનવા ઉપરાંત ‘ ગો’ એટલે ઈન્દ્રીયોના પ્રથમ વીજેતા બનનાર ગોવાની જીવનયાત્રાનો આ આલેખ  છે.

એ આલેખને વાચક પોતાની કલ્પના અનુસાર વળાંકો આપી; અનેક, અંતહીન અને નવાં પ્રકરણો કલ્પી શકે છે.

પણ યુગો વીતી જાય; પાયાનાં માનવ મુલ્યો, શક્તીઓ, અને પ્રયત્નો એમના એમ અક્ષુણ્ણ રહ્યાં છે- રહેવાનાં જ છે.

———————-

25, ડીસેમ્બર 2009 ના રોજ  આખી નવલકથા ઈ-પુસ્તકના આકારે પ્રકાશીત કરવામાં આવશે. જે કોઈ વાચકને પોતાના પ્રતીભાવ એમાં સમાવેશ કરાવવાની ઈચ્છા હોય તે 22 તારીખ સુધીમાં મને ઈમેલ મારફત જણાવશે તો તેનો ઈ=પુસ્તકમાં સમાવેશ કરવામાં આવશે.

પ્રકરણ – 55 મહા શમન

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ગોવો જ્યારે ઉભો થયો ત્યારે અવનવા ભાવો તેના મનમાં ઉભરાઈ આવ્યા. તેનું સ્વમાન, તેની જાતીનું ગૌરવ, આખા આયખાની પ્રતીષ્ઠા – આ  બધું જાણે હોડમાં મુકાતું હોય, તેવી લાગણીમાં તે ગરકાવ થઈ રહ્યો.

મંચ ઉપરથી ઉતરી, જેમ જેમ તે મેદાનમાં આગળ વધતો ગયો, તેમ તેમ તેના જીવનનાં ચીત્રોની હારમાળા  તેની નજર સમક્ષ પસાર થઈ ગઈ. બાળ અવસ્થાનાં અલ્લડ તોફાનો, કીશોરવયની નદી પાર  કરવાની ઘેલછા, યુવાનીના ઉંબરે પગ મુકતાં નદી પાર કરીને મરણને હાથતાળી દઈ વીજયશ્રી સાથે વતનમાં પુનઃ પ્રવેશ, રુપલી સાથેની પહેલી પ્રીત, જોગમાયાના મંદીરમાં લગ્ન અને સોહાગરાતનો ઉન્માદ, નદીને ઓલે પાર વસાહતની સ્થાપના અને પહેલા ગોવાળીયા બનવાનો અનુપમ આનંદ, અવનવી શોધો, નેસવાસીઓની ઈર્ષ્યા, અણીને વખતે ઉપેક્ષા, ખાન સાથે યુધ્ધ, અંતીમ પરાજય અને છેલ્લા થોડાક દીવસોની આ કોઈ અવનવી અવસ્થા.

આ બધીય અવસ્થાઓમાં સતત પરીવર્તન. પામતો રહેલો કયો ગોવો તે હતો? તે સમયના વહેણંની સાથે કેટલો બધો બદલાઈ ગયો હતો? અને છતાં સહેજ પણ ન બદલાયો હોય તેવો કોઈક જણ તેની અંદર હાજરાહજુર હતો. તે જણ તો એમનું એમ જ હતું. આ કોણ વીચારી રહ્યું છે? આખી જીંદગાનીના અનુભવોમાં આ કોણ સતત તેની અંદર પુરાઈને બેઠેલું રહ્યું છે?

આ બધીય અવસ્થાઓમાં પોતાના અસલી હોવાપણાનું વાસ્તવીક સત્ય તો એમનું એમ જ, અક્ષુણ્ણ, અવીચળ હતું – તેનો ભાસ અને સાક્ષાત્કાર ગોવાને થઈ રહ્યો. .

બધાં ચીત્રો ઓસરી ગયાં. આજુબાજુની હકડેઠઠ ભીડ, આ ઘડીએ એના મનમાં અને મેદાનમાં સર્વત્ર વાપેલી ઉત્તેજના, હોડમાં મુકાયેલાં સ્વમાન અને પ્રતીષ્ઠા … એ બધાં એને અદ્રશ્ય થઈ ગયેલાં લાગ્યાં. માત્ર પોતાના, પાયાના હોવાપણાની સાથે ગોવો એકરુપ બની રહ્યો. એકાએક એને પોતાની જાતની અસલી ઓળખ સમજાઈ ગઈ.

અગાઉ દેશનીકાલ બાદ ઘોડા પર સવારી કરતાં કરતાં, હતાશાના ગર્તાની ઉંડી ખાઈમાં ધકેલાતાં; તેમજ જુન્નો સાથે આલીંગન વખતે જાતીય પરાકાષ્ઠાના પ્રારંભ બાદ – અનુભવેલી નીર્વીચારતા કરતાં આ સાવ જુદી જ અનુભુતી હતી. આ તો કેવળ પોતાની જાતનો, સાવ નવો નક્કોર આવીષ્કાર  હતો. તેના શરીરના કોશે કોશમાંથી તેનું હોવાપણું ધસમસતું બહાર આવી રહ્યું હતું. વર્તમાન સાથે એકાકાર થવાના આ ઘોડાપુરમાં ગોવો અવશ બનીને તણાયો; તણાતો જ રહ્યો.

હવે તે જીતમલ્લની સાવ લગોલગ આવી ગયો હતો. બન્નેની નજર મળી. પ્રચલીત પ્રણાલીકા મુજબ બન્નેએ એક બીજાના હાથ પકડ્યા અને એકમેકની સાથે બાખડતાં પહેલાં ભેટવા ગયા.

પણ આ શું?

જીતમલ્લ ગોવાની આંખોની  પેલે પાર, અંતરની પાળથી ઘુઘવતા તેજને ખાળી ન શક્યો. ગોવાના હાથનો સ્પર્શ થતાં જ કોઈ અજીબોગરીબ ઝણઝણાટી તેના રગે રગમાં વ્યાપી ગઈ.

જીતમલ્લ સાવ નાનો હતો ત્યારથી માતાને ગુમાવી ચુકેલો હતો. પોતાની માતાનું સાવ ભુલાઈ  ગયેલું પ્રેમસભર મુખારવીંદ તેના માનસચક્ષુ સમક્ષ તગતગવા માંડ્યું. તેના મલ્લ બાપની મહત્વાકાંક્ષા તેને અજેય મલ્લ બનાવવાની હતી અને તે મહાન ધ્યેયને નજર સમક્ષ રાખીને બાળપણથી તેનો   ઉછેર કરવામાં આવ્યો હતો. વાત્સલ્યની કુણી લાગણીઓ તેની આજુબાજુ ફરકવા પણ ન પામે તે માટે તેના બાપે અભેદ્ય પાષાણ જેવી માનસીક વાડો બાંધી દીધી હતી.

પણ ગોવાની સાથે સંસર્ગ થતાં વેંત, ગોવો તેને પોતાની મા જેવો લાગ્યો. આખા આયખામાં દબાવી રાખેલી બધી કુણી લાગણીઓ પાષાણ બંધને એક જબરદસ્ત હડસેલો મારીને ઉભરાઈ આવી. કોઈક ન સમજાય તેવી અપ્રતીમ લાગણીના પુરમાં જીતમલ્લ તણાયો અને બાળકની જેમ આક્રંદ કરી ઉઠ્યો. તેનામાં ગર્ભીત રહેલો પ્રેમ ઉભરાઈ ઉભરાઈને છલકવા લાગ્યો. ગોવાના પગમાં તે આળોટવા લાગ્યો.

એક માતા પોતાના બાળકને વહાલ કરે તેમ, ગોવાએ જીતમલ્લને  ઉભો કર્યો અને છાતી સરસો  ચાંપ્યો. સમસ્ત મેદની આ શું થઈ રહ્યું છે, તે સમજે; તે પહેલાં જુન્નો ત્યાં દોડી આવી. પોતાનામાં થયેલા માનસ પરીવર્તનની જાહેર  પુનરાવૃત્તી જીતમલ્લમાં થઈ રહી છે; તે તરત તેની સમજમાં આવી ગયું.

અને જુન્નોની પાછળ પાછળ વૃધ્ધ શમન પણ દોડી ગયા.

ગોવા પાસે જઈ શમને મોટેથી પોકાર કર્યો ,”ગોવાજી, આવી કરુણા તો હું પણ ન દાખવી શકું. તમે તો મારા પણ ગુરુ છો. મહા શમન! અમારા દેશમાં હું તમારું સ્વાગત કરું છું. અમારી વચ્ચે શુધ્ધ પ્રેમની નદીઓ વહેવડાવો. સૌથી પહેલો મને એનાથી પવીત્ર કરો.”

ગોવાએ જુન્નોનો હાથ જીતમલ્લના હાથમાં મુક્યો. વૃધ્ધ શમન પાશવીક બળ અને અપ્રતીમ માર્દવથી ભરેલા સૌંદર્યના આ સુભગ સંગમને સસ્મીત અને મુક આશીર્વાદ આપી રહ્યા.

ખાન આ અભુતપુર્વ ઘટનાથી  હક્ક બક્કા ખાઈ ગયો. શમન જેના પગમાં પડે, તે કેટલો મહાન આત્મા હશે ; તે સમજતાં તેને ક્ષણની પણ વાર ન લાગી. તેની કાબેલ રાજસીકતા ઓગળી રહી.  તે પણ  આ બધાંની વચ્ચે પોતાની રાણી સાથે આવી ઉભો અને પ્રચંડ નાદે પોકાર કર્યો

“ મહા શમનનો જય હો! “

આમ કહી ખાન ગોવાના ચરણમાં લેટી ગયો. પોતાના લાડીલા નેતા ખાનના આ અભુતપુર્વ પરીવર્તનને પામી જઈ, આખી મેદની ગગન ભેદી નાદે પોકારી ઉઠી ..

’ મહા શમનનો જય હો! ‘

’ મહા શમનનો જય હો! ‘

’ મહા શમનનો જય હો! ‘

————————-

આ ગોવાનો વીજય ન હતો.

માનવ મનમાં ઉચ્ચતમ ચેતનાના પ્રથમ આવીષ્કારનો અંધકાર અને જડતા પરનો બેનમુન વીજય હતો.

માનવદેહમાં ઈન્દ્રીયાતીત ચેતનાની અનુભુતીના  પ્રથમ અવતરણનો જયઘોષ હતો.

માનવચેતનાની નદીમાં ક્ષણીક આવી ગયેલા પરમતત્વની  ચેતનાના ઘોડાપુરનો આ ઉન્માદ હતો.

=======================

કોતરવાસીઓની નદીમાં આવેલ પુરથી થયેલી શરુ થયેલી આ નવલકથા પરમ ચેતનાના પુર સાથે સમાપ્ત થાય છે.

…સમ્પુર્ણ…

પ્રકરણ – 54 ખાનનો વીજય દરબાર

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

ખાનના કાફલાના પાછા આવ્યા બાદ, ચોથા દીવસે હજુ સુધી ન થયા હોય તેવા દબદબાભર્યા વીજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ હતી.

જુન્નોનાં કામણ અસફળ રહ્યાની રાત પછીની પહેલી સવારે જુન્નો ખાનના તંબુમાં પહોંચી ગઈ. ખાન અને તેની રાણી જુન્નોની કામીયાબીના સમાચાર જાણવા આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં ખાને આંખ મીચકારી જુન્નોને પુછ્યું ,” કેમ બરાબર લપેટાઈ ગયો ને?”

લટકેલા મુખે જુન્નોએ પોતાની અસફળતા દર્શાવતાં કહ્યું,” આ માણસ ભયંકર છે. તેને સમજવો કે વશ કરવો એ કોઈના પણ ગજા બહારની વાત છે. “

ખાન ચોંકી ગયો. જુન્નોનાં કામણ આગળ ચીત ન થઈ જાય તેવો કોઈ પુરુષ હોય; તેમ તે માની ન શક્યો. જો કે, જુન્નોએ પોતાના અંતરમાં સંતાડેલી વાત ખાનને ન જ જણાવી. એની જાગી ઉઠેલી માતૃત્વની ઝંખના પ્રગટ કરીને તે પોતાના માટે તકલીફ વહોરી ન લેવા જેટલી સતેજ હતી.તેણે ખાનને ખાતરી આપી કે તે તેનાં બધાં કામણ કામે લગાવી ગોવાને પોતાનો દાસ બનાવી દેશે.

પણ, આ ચાર દીવસના ગાળામાં ગોવા અને જુન્નો વચ્ચે એક વીશીષ્ઠ સંબંધ સ્થપાઈ ગયો– ગુરુ અને શીષ્યાનો સંબંધ. ગોવાની બાળક જેવી સરળતા પર જુન્નો ઓવારી ગઈ હતી. અનેક પુરુષોની સોડ  સેવી ચુકેલી જુન્નોએ આવો પુરુષ ક્દી જોયો ન હતો. ગોવા સાથે તેની અદભુત આત્મીયતા સધાઈ ગઈ હતી.

ખાન પોતાનું આ અમોઘ શસ્ત્ર નીષ્ફળ જવાના કારણે ચીંતાતુર બની ગયો. બે શક્તીશાળી શત્રુઓ – ત્રીકાળદર્શી વીહો અને મેધાવી પાંચો એને હાથતાળી આપી સરકી ગયા હતા. એમના શીરમોર સમ, આ દુશ્મન એની નજરકેદમાં  હોવા છતાં, ખાન એને સમજી શકતો ન હતો, એની ઉભરી રહેલી નમ્રતા અને અમાનુષી પ્રકાશ ખાનને અકળાવી રહ્યાં. જુન્નો જેવી જન્નતની હુરની માયા ન લાગે તે કલ્પી ન શકાય તેવી વાત હતી. ગોવાનું શું કરવું; તે એના માટે માથાનો દુખાવારુપ અને પેચીદો પ્રશ્ન બની ગયો. બહુ વીચારને અંતે ખાન એક અફર નીર્ણય પર આવ્યો.

***

અભેધ્ય પર્વતની પારના પ્રદેશમાં પહોંચવાના ઘાટની શોધ, ખાને એ પ્રદેશ પર  મેળવેલ અભુતપુર્વ વીજય અને   સમશીતોષ્ણ હવામાન વાળા અફાટ અંતર સુધી પથરાયેલા એ પ્રદેશનાં વર્ણનો પાછા વળેલા સૈનીકો પાસેથી કર્ણોપકર્ણ વીજવેગે બધે ફેલાઈ ગયા હતા. આને કારણે ખાનની પ્રતીષ્ઠા અને દુર્જેયતામાં અનેક ગણો વધારો થયો હતો. આથી    વીજયસભા શરુ થતાં અગાઉ, આજુબાજુના કસ્બાઓમાંથી પ્રજાનાં ધાડેધાડાં ઉમટી આવ્યાં હતાં. કદી આટલી મેદની ભેગી થઈ ન હતી. કોઈ  આ અપ્રતીમ અવસર ટાળવા  તૈયાર ન હતા.

આટલી બધી માનવમેદનીનો સમાવેશ કરવા, મેદાનની બાજુના તંબુઓ ખસેડી નાંખવામાં આવ્યાં હતાં. ઘણાં બધાં ઝાડ, ઝાડી અને ઝાંખરા ઉચ્છેદીને મેદાન મોટું કરવામાં આવ્યું હતું. કડકડતો શીયાળો બેસી ગયો હોવા છતાં, હકડેઠઠ ભીડ ભેગી થઈ ગઈ હતી. દર  વખત કરતાં વધારે પેશગીની જણસો લઈને પ્રતીનીધીઓ આવી પહોંચ્યા હતા. નવા પ્રદેશમાં જનાર બીજા સૈન્યમાં જોડાવા પણ પડાપડી થતી હતી. છેવટે બધાંની આતુરતાનો અંત આવ્યો. ખાનના રસાલાએ વીજયસભામાં દબદબાભર્યો પ્રવેશ કર્યો.

ગોવાએ આટલી બધી મેદની કદી ભાળી ન હતી. લોકોના શરીર પરના શણગાર, મંચ પરના મહાનુભાવોનો આંખો આંજી નાંખે તેવો આડંબર અને ખાન અને તેની રાણીની જાજ્વલ્યમાન પ્રતીભા જોઈ તે વીચારતો થઈ ગયો. તેના પ્રદેશની બધી વસ્તી ભેગી થઈ હોત, તો પણ ખાનના વીજયને ખાળી ન જ શકાત; તેની પ્રતીતી ગોવાને થઈ ગઈ.

ખાનના આવી પહોંચ્યા બાદ વયોવૃધ્ધ શમને(*) અંતરની વાણીથી પ્રાર્થના ગાઈ અને આશીર્વચન ઉચ્ચાર્યાં. ખાનના પ્રદેશમાં ચેતનાની ઉચ્ચ સ્થીતીએ પહોંચેલ શમન સૌથી વધારે પુજ્ય ગણાતા. ખાન જેવા સર્વોચ્ચ રાજ્યકર્તા પણ એમને માન આપતા. શમન પ્રાણી, વનસ્પતી અને પ્રકૃતીનાં તત્વો સાથે વાત કરી શકે છે; તેમ મનાતું. અસાધ્ય દર્દો અને કોયડાઓના ઉકેલ તેમને પરમ તત્વ કહી જાય છે; એમ સૌ માનતા.

ગવૈયાઓએ મધુર કંઠે પ્રશસ્તીગાન ગાયાં. સ્ત્રીઓએ આકર્ષક અંગભંગીમાં નૃત્યો કર્યાં. અને બાઈસન દેવના વધનું પ્રણાલીકાગત નૃત્ય તો ખરું જ. અંગકસરતના હેરતભર્યા પ્રયોગો બાદ મલ્લકુસ્તીનો અત્યંત લોકપ્રીય મુકાબલો શરુ થયો.

દર વખતની જેમ મલ્લોની પ્રચંડ કાયાઓ વચ્ચે ખરાખરીના ખેલ મંડાયા. છેવટે ભુલાએ જેને હરાવ્યો હતો; તે જીતમલ્લ સર્વોપરી બનીને મગરુરીમાં મહાલી રહ્યો.

અને તેણે મોટેથી લલકાર કર્યો. “ ખાન દરબાર મેદાનોના પ્રદેશના રાજાને પકડીને લાવ્યા છે. મારો એને પડકાર છે કે, માઈનો પુત હોય તો મારી સાથે કુસ્તીમાં ઉતરે.”

આખી મેદનીમાં નીરવ શાંતી છવાઈ ગઈ. આવી જ મુઠભેડ બાદ જીતમલ્લને હરાવનાર ભુલો બહુ લોકપ્રીય બની ગયો હતો. લોકોએ ભુલાથી અનેક  ગણા ચઢીયાતા, વતનમાંથી તેને ભગાડનાર તેના પ્રતીસ્પર્ધી અને મહાન શક્તીઓ ધરાવનાર ગોવાના ઘણાં વર્ણનો સાંભળ્યાં હતાં. આ જોડીની કુસ્તી કેવી રહે છે અને તેમાં કોણ વીજયી નીવડે છે; તે જાણવા સૌ તલપાપડ બની ગયા.

જુન્નોએ ગભરાટ સાથે આ પડકાર ગોવાને કહી સંભળાવ્યો. ગોવાની ઋજુતા જીતમલ્લ આગળ પોચટ જ પુરવાર થશે; તેની તેને વ્યાજબી આશંકા હતી. તેના વીલાસી જીવનમાં  અપરીવર્તનશીલ ફેર લાવનાર આ મહાન પુરુષ જીતમલ્લના હાથે ધુળમાં રગદોળાઈ જાય; તેવો ભય તેના અંગ પ્રત્યંગમાં વ્યાપી રહ્યો. ખાન પણ મુછમાં હસી રહ્યો હતો. ગોવો મુકાબલો કરવા તૈયાર ન થાય તો તેનો નૈતીક પરાજય અને જીતમલ્લ સાથે બાથ  ભીડે તો તેનું મૃત્યુ નીશ્ચીત હતાં. ગોવાનો માનભંગ કે પરાભવ થતો જોવા તે પણ તલપાપડ બની ગયો.

પણ ગોવો?

પુર્ણ સ્વસ્થતા સાથે તે ઉભો થયો અને મેદાનમાં પ્રવેશ્યો. હવે શું બને છે; તે જોવા અને જાણવા બધા અધ્ધર શ્વાસે મેદાનમાં ઉભેલા બે વીરો તરફ   નીહાળી રહ્યા.

….

શમન

મોંગોલીયન, એસ્કીમો, પ્રાચીન રશીયન, તુર્ક, હુણ વીગેરે ઉત્તર એશીયાઈ જાતીઓમાં પરમ તત્વને પામેલી પુજ્ય વ્યક્તી. આ પ્રજાઓના રાજાઓ અને સરદારો પણ આવી પવીત્ર વ્યક્તીઓનો આદર કરતા.

આ વીશે વધુ જાણવા અહીં ‘ ક્લીક’ કરો.  –  1  – :  –  2  –

ગદ્યસુર પર શમન

પ્રકરણ – 53 જુન્નો

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

“પધારો ! ક્યારનીય હું તમારી રાહ જોઈ રહી છું.” – ગોવાની ભાષામાં જુન્નો બોલી. ગોવો એકદમ ચમકી ગયો.

પ્રવાસના ચોથા દીવસની સાંજે ખાનના પ્રદેશમાં પહોંચ્યા બાદ, ગોવાને જે તંબુમાં ઉતારો આપવામાં આવ્યો હતો; તેમાં પ્રવેશતાં, તેમાં ઉભેલી રુપ રુપના અંબાર જેવી જુન્નોએ ગોવાની ભાષામાં ગોવાનું સ્વાગત કર્યું; ત્યારે ગોવો ચમકી જાય, તે સાવ સ્વાભાવીક હતું. આ ચાર દીવસમાં તે ખાનના પ્રદેશની ભાષાના થોડાક શબ્દો જાણતો થયો હતો, પણ એ પ્રદેશમાં જ રહેતી એક સ્ત્રી આટલી સારી રીતે પોતાની સાથે વાતચીત કરી શકે, તે અકલ્પનીય હતું.

ખાને દુરંદેશી વાપરી, એક ઝડપી સંદેશવાહકને મોકલી સ્વદેશાગમન બાદની તૈયારીઓની વીગતે સુચનાઓ પોતાની  રાણીને આપી હતી. એમાંની એક સુચના ગોવાને અતીથીવીશેષ તરીકે રાખવાની હતી; અને આ કામ જુન્નોને સોંપવામાં આવ્યું હતું. મલ્લકુસ્તીમાં વીજય બાદ ભુલાને પણ જુન્નોની આવી જ પરોણાગત મળી હતી. અને ચાર વરસના સહવાસે તે ભુલાની ભાષા શીખી ગઈ હતી.

જુન્નો ..,, ખાનના પ્રદેશના રીવાજોનું એક  અવનવું પાત્ર. બધી સ્ત્રીઓમાં ખાનની રાણી બાદ તેનું સૌથી વધારે માન હતું. તે વારાંગનાઓમાં શ્રેષ્ઠ હતી. ખાન, તેના સરદારો અને આવા વીશેષ અતીથીઓની કામતૃપ્તીનું એકમાત્ર કામ તે કરતી હતી. બધી સ્ત્રીઓ તેની ઈર્ષ્યા કરતી. તેને સૌથી સારી સગવડો અને ભેટો મળતાં. એને કશું  જ કામ કરવું પડતું ન હતું. તે વીશીષ્ઠ દરજ્જાના પુરુષોનું મનોરંજન કરવામાં પાવરધી હતી; એટલું જ નહીં – તે અત્યંત બુધ્ધીશાળી પણ હતી. ગોવાને વશ કરવા માટે ખાને આ અમોઘ શસ્ત્ર વાપરવાનું નક્કી કર્યું હતું.

ગોવો બોલી ઉઠ્યો,” તમને મારી ભાષા શી રીતે આવડી?”

જુન્નો ,”તમારા પ્રદેશના ભુલા પાસેથી જ સ્તો. ચાલો તમે પ્રવાસથી થાકેલા છો. સ્નાન કરી તાજા માજા થઈ જાઓ.”

જુન્નોનો તંબુ અત્યંત વૈભવશાળી હતો.વચ્ચે લાકડાના ઓટલા પર ઘાસના ઢગલા ઉપર કુમાશવાળા  પંખીઓના પીંછા અને ગાભલા જેવા ચામડાંથી સજાવેલ મોટો પલંગ હતો. થોડે દુર એક તાપણું સળગતું હતું, અને તંબુને ગરમાગરમ રાખતું હતું. તંબુના એક છેડે પથ્થરની ચોકડી હતી, જેમાં જાડા ચામડાંનું  બનાવેલું મોટું તગારું હતું. જુન્નો ગોવાને તેની તરફ દોરી ગઈ. ગોવો જુન્નોની હાજરીમાં સ્નાન કરતાં શરમાયો. જુન્નોએ ઝડપથી ગોવાએ પહેરેલ ચામડું ખેંચી કાઢ્યું અને તેની ઉપર ગરમ પાણી રેડવા લાગી.

ગોવો નીચા મસ્તકે બેસી પડ્યો. હવે જુન્નો તેના શરીર પર કશીક વનસ્પતી ઘસવા માંડી અને કશાક સુગંધી  મલમનો લેપ કરવા માંડી. થોડીક વારે પોતાના શરીર પરનું ચામડું પણ તેણે સીફતથી ફગાવી દીધું. તાપણાના ભડભડતા અજવાળામાં અત્યંત સ્વરુપવાન  સ્ત્રીનાં હલન ચલન કરતાં સુડોળ અંગોને આટલી નજીક્થી જોઈ; અને સુંવાળા  અને ભીના હાથોથી  પ્રત્યેક અંગ પ્રત્યંગને સ્પર્શ અને મર્દન થતાં ગોવો ઉત્તેજીત થવા માંડ્યો.

સ્નાન પુરું થયું અને તાપણાંની ગરમીમાં શરીર સુકાતાં; જુન્નો ગોવાને પલંગ તરફ દોરી ગઈ. ગોવાને સુવાડી, પોતે ગોવા પર ચઢી બેઠી. મઘમઘાટ સુગંધી અને તાપણાંના ફરકતા. કેસરી ઉજાસમાં રુપરુપના અંબાર જેવી આ લલનાના  આલીંગનની ઉત્તેજના જીરવવી ગોવા માટે શક્ય ન હતું. તે જુન્નોને બાહુપાશમાં ભીંસી લેવા તત્પર થઈ ગયો.

પણ અચાનક તેને નદીની પેલે પારથી પહેલી વાર પાછા આવતાં થયેલ અનુભવ યાદ આવી ગયો. રુપલી આમ જ તેના મડા જેવા થઈ ગયેલા દેહ પર ચઢી ગઈ હતી; અને પોતાના શરીરની ગરમીથી તેણે ગોવાના લગભગ મરણોન્મુખ થઈ ગયેલા શરીરમાં પ્રાણ સીંચ્યા હતા. સાવ બેભાન થઈ ગયેલા ગોવાને જ્યારે ભાન આવ્યું ત્યારે તેણે પહેલી વાર નગ્ન સ્ત્રીદેહની સાથે આલીંગન અનુભવ્યું હતું.

ગોવાને યાદ આવ્યું કે, તેની જાગૃતીની પહેલી થોડીક ક્ષણોમાં તેને રુપલી જીવનદાતા જોગમાયા જેવી લાગી હતી. તેની માવજતથી જ ગોવો મૃત અવસ્થામાંથી પાછો જીવીત બન્યો હતો. જાતીય સંવેદના તો ત્યાર પછી ઉજાગર થઈ હતી.

પણ આજે જુન્નો સાથેના આલીંગમમાં એ ક્રમ ઉલટાયો. જાતીય ઉત્તેજના એકદમ ઠંડી પડી ગઈ. રુપલીની યાદ આ માટે જવાબદાર હતી કે કેમ તે ગોવો કળી ન શક્યો. અત્યંત હતાશા બાદ એક ઉંડી ખાઈમાં ગબડી વીચારશુન્યતા આવી હતી; તેવી જ કોક અજાણી અનુભુતી ગોવાના ચીત્તમાં ઉભરી આવી. બધી જીન્સી સંવેદનાઓ અંત પામી ગઈ; અને એ જ અદભુત સમાધી અવસ્થામાં ગોવો જઈ ચઢ્યો.  તેણે આંખો બંધ કરી દીધી, તેનાં બધાં ગાત્રો શીથીલ થઈ ગયાં.

જુન્નો ગોવામાં આવેલ આ પરીવર્તન જોઈ ચોંકી ગઈ. જીન્સી  ઉત્તેજનાની ચરમસીમા આટલી બધી હાથવગી હોય ત્યારે કોઈ પુરુષને તેણે આમ ઠંડો પડતો જોયો ન હતો. મૃદુ શબ્દોથી અને  મર્દનથી ગોવાને ઉત્તેજીત કરવાનો તેણે પ્રયાસ કર્યો.

ગોવાએ આંખ ખોલી અને પ્રચંડ તાકાતથી તેણે જુન્નોને હડસેલી નીચે ઉતારી દીધી અને ઉભો થઈ ગયો. જુન્નોના પગમાં પડી ગોવો બોલી ઉઠ્યો, ”માતા! હું તો તમારો બાળ છું. મને આમ શરમાવો નહીં ”

જુન્નો સ્તબ્ધ બનીને ચોંકી ઉઠી. તેના ચીત્તના એક સાવ અજ્ઞાત ખુણાને ગોવાએ ફંફોળીને ખુલ્લો કરી નાંખ્યો હતો. વારાંગના તરીકેની તેની ઝળકતી કારકીર્દીમાં મા બનવાનું તેના નસીબમાં ન હતું. કોઈ પુરુષે તેને આટલા વાત્સલ્યથી ‘મા’ કહી ન હતી. અઢળક સાહ્યબી, એશો આરામ, વૈભવ અને વીલાસ વચ્ચે ખાલી ગોદની એકલતામાં તે હમ્મેશ સોરાતી હતી.  તેનું અતૃપ્ત  માતૃત્વ પોકારી ઉઠ્યું. જુન્નો ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. તેણે ગોવાને કાકલુદી કરી ,”મને મા નહીં બનાવો?”

ગોવાએ તરત પ્રતાપી પણ માર્દવ ભરેલા અવાજમાં કહ્યું ,” મા! એ માટે તમે બીજા કોઈ પુરુષનો સંગ  કરજો. તમારા આવનાર બાળકનો હું મોટો ભાઈ બનીને તેની રક્ષા કરવા વચન આપું છું.”

જુન્નો આ અભુતપુર્વ પુરુષત્વને નમી પડી. ગોવાએ મોટાભાઈના વાત્સલ્યથી જુન્નોનો બરડો પસવાર્યો. જુન્નોને શાંત પાડી , તેને પલંગ પર સુવાડી અને પોતે ચામડાની ફર્શ પર લેટી ગયો.

કંદર્પના બાણથી ગોવો મુક્ત થયો હતો. સૌથી વધારે મુશ્કેલ આ રાગમુક્તીએ ગોવાને ચેતનાના એક નવા શીખરે સ્થાપીત કર્યો હતો. અંતરયાત્રામાં ગોવો એકસાથે  અનેક ડગલાં આગળ વધી ગયો હતો.

પ્રકરણ – 52 ગોવાની ક્રોધ મુક્તી

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

તંબુમાંથી પાંચો છટકી ગયા બાદ, ગોવો સતત પાંચાના વીચાર કરતો રહ્યો.  આખી જીંદગી બન્નેએ એકબીજાને અતુટ સાથ આપ્યો હતો. કોતરવાસી અને મેદાનવાસી કબીલાઓના હીતની બન્નેને સરખી ચીંતા રહેતી. સ્વભાવે પાંચો વધારે ચીકાશવાળો હતો. તે ચકાસી ચકાસીને પગલાં ભરવાં ટેવાયેલો હતો. તેની બુધ્ધી સૌથી વધારે સતેજ હતી.

પાંચો ભાગતાં પકડાઈ જાય તો આ પરદેશીઓ તેને જાનથી ખતમ જ કરી નાંખે. તે ઘોડા સુધી જાય; ઘોડાનો વીશ્વાસ સંપાદન કરે; છાનામાના અવાજ ન થાય તે રીતે  ઘોડાને દોરી, પડાવથી દુર જાય; ઘોડેસવારી પર પહેલ વહેલો હાથ અજમાવે – આ બધામાં ઘણો સમય વીતી જાય અને પાંચો ખાસ દુર ભાગી ન શકે. અને ત્યાં  સુધીમાં તો કલાક વીતી જાય અને ચોકીદાર તંબુમાં જોવા આવે,  ત્યારે તેને પાંચાના ભાગવાની ખબર પડી જ જાય.

‘શું કરું તો પાંચાને વે ત્રણ કલાક મળી જાય?’ ત્યાં જ ગોવાના મગજમાં ઝબકારો થયો. તંબુમાં પથારીની જગ્યાએ સુકું ઘાસ પાથરેલું હતું. ગોવાએ આખા તંબુનું વધારાનું ઘાસ પાંચો સુતો હતો ત્યાં એકઠું કર્યું. એની ઉપર ચામદું પાથરી દીધું અને એક જણ સુતું હોય, તેવો દેખાવ ઉભો કર્યો. આટલું ગોઠવી ગોવો સુવાનો ડોળ કરી પડ્યો રહ્યો.

થોડીવારે ચોકીદાર મશાલ લઈ અંદર આવ્યો., બે કેદીઓને સુતેલા જોઈ, તે  પાછો જતો રહ્યો. આમ બે વાર બન્યું. ત્યાર બાદ તે સુવા ગયો અને તેની અવેજીનો બીજો ચોકીદાર આવી પહોંચ્યો. તેણે જરા ઝીણવટથી ચકાસણી કરી. પણ તેને કશું વાંધાજનક ન જણાયું. તે પણ બે ત્રણ વાર ચકાસણી કરી ગયો.

અને આમ કરતાં સવાર પડી ગઈ. ગોવો હવે નીશ્ચીંત બની ગયો. પાંચાની યોજના સફળ નીવડી હતી. ખાને એક મુલ્યવાન રત્ન ગુમાવ્યું હતું. નવા પ્રદેશના મહાન વીજય બાદ આ તેનો પહેલો અને નાનકડો પણ નીશ્ચીત પરાજય હતો.

પણ અજવાળું થતાં જ પાંચો ભાગી ગયાની ચોકીદારને જાણ થઈ ગઈ. તેણે તેના ઉપરીને આ મોંકાણના સમાચાર આપ્યા. ઉપરી રાતો પીળો થતો ગોવા પાસે આવ્યો અને કહ્યું ,” એ બદમાશ ક્યાં ભાગી ગયો છે?” ગોવો તો એમાંનો   એક પણ શબ્દ ક્યાં સમજી શકે તેમ હતું? મોં અને હાથના હાવભાવથી તે સમજતો નથી, એમ ઈશારો કર્યો.

ઉપરીએ ક્રોધથી ચામડાંની વાધરીનો સાટકો ગોવાને ફટકારી દીધો. ગોવો અરેરીટામાં સીસકારો બોલી ગયો. તેની પીઠ પર સોળ જ નહીં , લોહીના ટશીયા ફુટ્યા. તેણે ગોવાને ઉપરા ઉપરી, ત્રણ ચાર સાટકા ઠોકી દીધા.

ગોવાના મનમાં ક્રોધની જ્વાળાઓ પ્રગટવામાં હતી; ત્યાં જ એના નવા મનોનીગ્રહે તેના મનની લગામ પકડી લીધી. તેણે સંકલ્પ કર્યો કે, નવો વીચાર શું આવે છે, તેની ઉપર જ ધ્યાન કેન્દ્રીત કરીશ. અસહ્ય વેદનાની જગ્યા આ સંકલ્પે લીધી. વેદનાની તીવ્ર સંવેદનાની ઉપરવટ થતાં સાવ નીર્વીચાર મનમાં તેના પોતાના આશ્ચર્ય વચ્ચે ક્રોધ ઓગળી ગયો. પીઠની બળબળતી ચરચરાટી ગૌણ બની ગઈ. કોઈક અજાયબ શાંતી બાદ ભુતકાળની એક યાદ ઉજાગર થઈ ગઈ.

એક શીકારના પ્રસંગ વખતે, ગોવાએ એક હરણ નજીક આવતાં પથ્થર ફેંક્યો હતો; પણ પગમાં કાંટો આવી જતાં તે મર્મસ્થાન ચુકી ગયો હતો અને પથ્થર હરણની  પીઠ પર પડ્યો હતો. કાંટાને કારણે તેણે ઉભા રહી જવું પડ્યું હતું; અને હરણ ભાગી ગયું  હતું. તે વખતે પોતાને થયેલી હતાશા ગોવાને યાદ આવી ગઈ. આજે ખાન, તેનો અધીકારી અને ચોકીદાર પણ એવી જ પરીસ્થીતીમાં મુકાયા હતા. તેમનો બંદી હાથતાળી આપીને છટકી ગયો હતો. પાંચા પ્રત્યે અનહદ પ્રેમ હોવા છતાં,  ગોવાને આ બધા માટે એક નવી અને અજાણી સહાનુભુતી પ્રગટ થઈ.

બધા સૈનીકોમાં કોલાહલ મચી ગયો. આ કોલાહલ સાંભળી ખાન પણ ત્યાં આવી ગયો. તેને પાંચો છટકી ગયાની માહીતી મળી. તેણે ગોવાનો લોહી નીગળતો વાંસો જોયો. તે બરાડી ઉઠ્યો ,” અરે! અક્કલના ઓથમીરો! આને મારવા કરતાં બે ચાર જણ ઘોડા પર મારતી સવારીએ દખ્ખણ દીશામાં ઓલાને પકડવા જાઓ ને?”

પેલા ઉપરીની સાન હવે ઠેકાણે આવી. તે અને બીજા ત્રણ જણા મારતે ઘોડે પાંચાના સગડ ચાંપતા દક્ષીણ દીશામાં ઉપડ્યા. પણ પાંચો તો આ લાંબા સમયમાં, આગલા પડાવ સુધીના અડધે રસ્તે પહોંચી ગયો હતો. કલાકેક બાદ ચારે બુડથલો વીલા મોંએ પાછા આવ્યા.

આ દરમીયાન ખાન ગોવાના ચહેરાનું બારીકીથી નીરીક્ષણ કરી રહ્યો હતો. તેને તેમાં કોઈ ઉપહાસ, કે વ્યંગની રેખા ન જણાઈ. સાટકાના મારને પણ ગોવાએ હસતે મુખે જીરવ્યો હતો. ગોવાની આ ઠંડી તાકાત નીહાળી ખાન અચંબો પામી ગયો. બન્ને વચ્ચે ભાષાના ફેર અને દુભાષીયાની ગેરહાજરીને કારણે, કશો સંવાદ હજી શક્ય ન હતો.  પણ તેને ગોવાની નવી ઉભરી રહેલી સ્વસ્થતા ચીંતા ઉપજાવવા માંડી.

તે તેના માણસો તરફ ફર્યો અને કહ્યું ,” એક પક્ષી તો ઉડી ગયું. જો આ બીજો બંદી છટકી ગયો, તો તમારી કોઈની ખેર નથી. આ અગત્યના બંદીને કોઈએ વીતાડવાનો નથી. એના ઘાની બરાબર ચાકરી પણ કરવામાં આવે. ”

ગોવા પરનો જાપ્તો   હવે એકદમ કડક બની ગયો. એક સૈનીકે તેના વાંસા પર કશીક વનસ્પતી વાટીને તેનો લેપ લગાવ્યો અને વેલાના પાનના પાટા બાંધ્યા.

ગોવો પોતાની વેદના અને ક્રોધ પર મેળવેલા વીજયને અવલોકી રહ્યો. આમ કદી બન્યું ન હતું. તેને ખાતરી થવા માંડી કે તેના માનસમાં આવેલું પરીવર્તન તેને અવનવી અંનુભુતીઓ કરાવી રહ્યું છે. ચેતનાની એક નવી જ ભુમીકાની આહ્લાદક લહેરોના શીતળ સ્પર્શમાં ગોવો નહાઈ રહ્યો હતો. તેને લાગ્યું કે, તેની જીવનનો આ નવો વળાંક તેને કોઈક જુદા જ મુકામ તરફ દોરી રહ્યો છે.

ગોવાને આ પ્રવાહ અને આ પરીવર્તન ગમવા માંડ્યા.

પ્રકરણ – 51 પાંચો

વીતેલી વાર્તા વાંચવા ઉપર આપેલા ટેબમાંથી
’નવલકથા’  ટેબ ઉપર ‘ક્લીક’ કરો.

-——————————————

મુસાફરીના બીજા દીવસની સવાર પડી. આખી રાત ગોવો ઉંઘ્યો ન હતો; પણ એના ચહેરા પર કોઈ અલૌકીક તેજની આભા છવાયેલી હતી. પાંચાની ચકોર આંખો ઉઠતાં વેંત આ ફેરફારને કળી ગઈ. તેને વાતચીત વગર જ ગોવામાં આવેલા પરીવર્તનનો અણસાર આવવા માંડ્યો.

પાંચાએ કહ્યું,” કેમ ગોવલા! આજે પણ ઉપવાસ કરવાનો છે? “

ગોવો ,” ના રે ના. પણ આજથી માંસ ખાવાનું બંધ.”

પાંચો,” કેમ?”

ગોવો,” આપણે બહુ શીકાર કર્યા. હવે આપણો જ શીકાર થઈ ગયો. કોણ શીકારી અને કોણ શીકાર?“

પાંચો,” તો તું ખાઈશ શું?”

ગોવાએ હસીને કહ્યું,” બદામ અખરોટ અને પાણી.”

સવારની હાજતે બન્ને મીત્રો ત્રણ ચોકીયાતો સાથે થોડે દુર ગયા. પાંચાએ જરુર કરતાં વધારે સમય લીધો અને યોગ્ય જગ્યા શોધવાના બહાને, આમતેમ ફરીને, આઘા પાછાના આશીર્વાદ કર્યા. છેવટે બધા સવારો સાથે બન્ને જણાએ મુંગા મુંગા સવારનો નાસ્તો પતાવ્યો.

ખાન ગોવાને ખાતો જોઈ આનંદીત થયો. ખાન રત્ન પારખુ હતો. તેણે ગોવા અને પાંચાની શક્તીઓ અનુભવેલી હતી; તેમના હાથે માર ખાધો હતો. માટે જ તે જીતેલા પ્રદેશનાં આ રત્નો ગુમાવવા કે વેડફવા માંગતો ન હતો. ધીમે ધીમે બન્ને જણ તેના સામ્રાજ્યના ધોરી બની જશે; તેવી તેને આશા બંધાણી. તેણે હસીને ગોવાનું અભીવાદન કર્યું. ગોવાએ પણ સાનુકુળ પ્રત્યુત્તર પાઠવ્યો.

ખાને હવે પાંચા તરફ નજર કરી. પણ પાંચાનો મરડ ઉતર્યો ન હતો. પાંચાએ મોં ફેરવી દીધું.

અને કાફલો પુર ઝડપે આગળ વધ્યો. સાંજે બીજા મુકામે વાળુ પતાવી બધા નીદ્રાદેવીને શરણે થયા. પણ ગોવા અને પાંચાના તંબુની અંદર ધીમા અવાજે કાંઈક ગુસપુસ ચાલતી હતી. બહાર ખડે પગે ચોકી કરતા સૈનીકો એમની ભાષા સમજી શકે તેમ ન હતું; એટલે બન્ને મીત્રોને નીરાંત હતી.

પાંચો,” ચાલ ગોવા! આપણે ભાગી જઈએ. મને રસ્તો મળી ગયો છે.”

આમ કહી પાંચાએ સવારની હાજત દરમીયાન ચામડાંના વસ્ત્રમાં છુપાવેલો નાનો પણ અણીદાર પથ્થર બેળે બેળે બહાર કાઢ્યો. હાજત અને જમણ વખતે તેમના હાથ અને પગ છુટ્ટા કરેલા હોવાના કારણે પાંચાએ આ પથ્થર ગોતી કાઢ્યો હતો. પણ સુતી વખતે તો બન્નેના હાથ અને પગ દોરડા વડે  મુશ્કેટાટ બાંધેલા હતા.

પાંચાએ કહ્યું,” ગોવા તું આ પથ્થર વડે મારા હાથનું દોરડું કાપી દે, પછી હું આપણા બન્નેના બંધન કાપી નાંખીશ. પછી આપણે છુટા થઈ ઉંઘતા હોવાનો ડોળ કરવાનો અને તૈયાર રહેવાનું. જેવો ચોકીદાર આપણે સહીસલામત પડેલા છીએ કે નહીં તે જોઈ, કલાક સુધી ન આવે;  તે દરમીયાન, તંબુની પાછલી દીવાલ કાપી, તેના પડછાયામાં ચોરી છુપીથી આપણે ભાગી જઈશું.”

ગોવો,” એક કલાકમાં ભાગીને આપણે કેટલે જવાના? આ ઘોડેસ્વારો તરત જ આપણને પકડી પાડવાના. “

પાંચો,” ગોવા ! જ્યાં ઘોડા બાંધેલા છે ત્યાં અંધારામાં બે ઘોડા છોડી આપણે સવાર થઈ જઈશું.”

ગોવો ,” તું કે’દી ઘોડા પર સવાર થયો છે? “

પાંચો,” આ બે દી’ મેં એ જ જોયા કર્યું છે. તારા ઘોડાને મારા ઘોડા સાથે બાંધી દઈશું. મને વીશ્વાસ છે કે, હું મારો ઘોડો બરાબર હાંકી શકીશ.”

ગોવાએ બે ઘડી વીચાર કર્યો અને પછી કોઈક અપ્રતીમ અવાજે બોલ્યો,” મને આ લોકો પણ મીત્ર લાગે છે. એમને મારા શીકારી ફરીથી નથી બનાવવા.”

પાંચો,” આ પરદેશીઓ અને આપણા મીત્ર? ગોવા! તું પાગલ થઈ ગયો છે કે શું?”

ગોવો,” ભુલો, બન્નો અને કોતરના મુખી ક્યાં આપણા દુશ્મન હતા? યુધ્ધમાં ન જોડાયેલા બીજા નેસવાસીઓ પણ ક્યાં આપણા દુશ્મન હતા? એમણે આપણને કરેલો દગો તું ભુલી ગયો? કોણ મીત્ર અને કોણ દુશ્મન? મને તો કશો ફરક લાગતો નથી. વળી મને ખાનનો પ્રદેશ જોવાની પણ ઈચ્છા છે.”

પાંચાએ ગોવાને સમજાવવા આકાશ પાતાળ એક કર્યા; પણ ગોવો ટસનો મસ  ન થયો તે ન જ થયો. પાંચાએ હતાશામાં માથું કુટ્યું.

ગોવાએ કહ્યું ,”તું ભાગી છુટ.  હું તારા બંધન જરુર કાપી આપીશ. તું ફતેહ કર.”

છેવટે ગોવાની સહાયથી પાંચો બંધનમુક્ત થયો. ચોકીદાર તપાસ કરીને ગયો કે તરત જ તંબુની પાછલી  દીવાલ ચીરી, પાંચાએ ગોવાને વીદાય ભણી. ગોવાએ જોગમાયાને વીનંતી કરી કે, પાંચો તેના સાહસમાં સફળ નીવડે.

અને અંધારાનો અંચળો પહેરી પાંચાએ એક ઘોડાને છોડ્યો, તેને ઘાસ નીર્યું; તેના શરીર, ડોક અને મોં પર પ્રેમથી  હાથ પસવાર્યો. ઘોડાની સાથે મીત્રતા બંધાયાનો અહેસાસ થતાં જ કોઈ અવાજ ન થાય તેમ, તેણે ઘોડાને ધીમેથી દોર્યો. મશાલોનું અજવાળું બંધ થયા બાદ તે કુશળ સવારની અદાથી ઘોડા પર સવાર થયો અને પહેલાં ધીમે ધીમે અને પછી વધતી જતી ઝડપથી તેણે પડાવની દખણાદી  દીશામાં  પ્રયાણ આદર્યું. પડાવના તંબુઓ સાવ કીડી જેવા થઈ ક્ષીતીજમાં ગરકી ગયા ત્યાં સુધીમાં તેને ઘોડેસવારીની કળા આવડી ગઈ હતી.

અને રાત્રીના અંધકારમાં પાંચો પ્યારા માદરે વતનની માટીમાં આળોટવા મારતે ઘોડે દુર અને દુર સરકતો રહ્યો.