આપણા અસ્તિત્વના એક અગત્યના પાસા જેવા તત્વ માટે વપરાતા આ બધા શબ્દો આમ તો એક જ બાબત અંગે છે. પણ એ તત્વના વિવિધ રૂપો પ્રમાણે આ શબ્દો અલગ અલગ અર્થ દર્શાવે છે.
હિન્દુ ધર્મના જ નહીં પણ મોટા ભાગના ધર્મો, ફિલસૂફીઓ, સમ્પ્રદાયો અને જીવન-દર્શનો અહં ઓગાળવા પર ભાર મુકે છે. એ બધાની રીત, ભાર અને ઝોક અલગ અલગ હોય છે. પણ પાયામાં એ બધાનો ઉદ્દેશ એક જ હોય છે.
અહં ઓગાળવા વિશે કોઈ બેમત ન જ હોઈ શકે, પણ અહીં જરાક જૂદી વાત કરવાની છે. અહંભાવનું સ્વરૂપ સમજ્યા વિના એને ઓગાળવા મચી ના પડાય, એ સમજાવવાની આ કોશિશ છે.
અહં વિના જીવન શક્ય જ નથી!
‘હું’ છું તો બધું છે. જે ઘડી મારામાંથી ‘હું’ કાર કરનાર તત્વ વિદાય લેશે, ત્યારે ‘હું’ મડદા રૂપે જ હશે, અને એને બને એટલો વહેલો ચિતા ભેગો કરવાની ચિંતા એના વારસોના મન પર સવાર હશે! શું આ સત્ય સમજાવવું પડશે?
પરમ તત્વ અને પરમ ચેતના છે; એ સમજાવવું કદાચ આનાથી વધારે કપરૂં કામ છે.રેશનાલિસ્ટો તો ‘એવું કશું છે જ નહીં.’ એમ જ પ્રતિપાદન કરતા રહે છે. કારણ કે, ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપ કે અત્યંત આધુનિક, વૈજ્ઞાનિક સાધનો વડે પણ એવા કોઈ તત્વને જોઈ કે માપી શકાતું નથી! એ સામાન્ય બુદ્ધિ કે તર્કથી સમજી શકાય એવી વાત નથી. એને આપણે જરૂર અનુભવી શકીએ. અભ્યાસથી એની સાથે ધીમે ધીમે એકરૂપતા પણ આવવા માંડે. પણ એવું તત્વ આપણા જીવનના પાયામાં રહેલું તો છે જ.
આમ તો અહં પણ કોઈ સાધન વડે માપી શકાતો નથી! પણ મનોવૈજ્ઞાનિક ચિકિત્સા શાસ્ત્ર પાસે એની લાક્ષણિકતાઓ અને વિકૃતિઓના અભ્યાસ માટે ઘણી બધી રીતો હોય છે. આપણા જીવનમાં એવી વિકૃતિઓ કે સમસ્યાઓ દેખા દે અને આપણે એ બાબત જાગૃત બનીએ, ત્યારે આપણે એમની પાસે જઈ, આપણને નડતર રૂપ થતી એ બધી બલાઓના નિદાન અને ઈલાજ માટે જતા હોઈએ છીએ.
પણ આપણે એક વાત કદી ભુલવી ન જોઈએ કે, સ્વસ્થ અને તંદુરસ્ત અહં તો ડગલે ને પગલે આપણી સેવામાં હાજરા હજૂર હોય જ છે. એ ખુદાઈ ખિદમતગાર આપણી, આપણા કુટુમ્બની, સમાજની, દેશની, સમસ્ત માનવજાતની સેવા કરતો જ રહે છે. માનવ સંસ્કૃતિઓએ રચેલી મોટા ભાગની મહોલાતો, સવલતો, શોધખોળો, જ્ઞાનો, શાસ્ત્રો, કલાકૃતિઓ વિ. માટે માણસના મનની બુદ્ધિ, તર્ક, કલ્પના, સંશોધન અને મહેનત જવાબદાર છે. અને એ બધાને ગતિમાન કરતું તત્વ અહં છે. જો અહં ન હોય તો એ બધાનું ચાલક બળ પણ નબળું પડી જતું હોય છે. એક લેખક વાર્તા, કવિતા, નાટક, નિબંધ, સંશોધન લેખ લખે છે કારણકે, એને દાદની, પોતાના વિચાર અને કલ્પનાશક્તિ માટે દાદની અપેક્ષા હોય છે. એ અપેક્ષા અહંની જ પેદાશ હોય છે – એ સમજાવવું પડે તેમ છે ખરું?
અરે! સાવ સામાન્ય બાબતો – જેવી કે, ‘મેં ખાધું. હું બગીચામાં ચાલવા ગયો. મેં આ લખ્યું. મેં મારા મિત્ર સાથે વાતચીત કરી. મેં મારા સંતાનના ઘડતર માટે આમ કર્યું.’ – આવા લાખો વાક્યો આપણા જીવનમાંથી આપણે ટાંકી શકીએ – જે બધાની પાછળ આપણો ‘હું’ કાર સાવ સામાન્ય ભાવ સાથે હાજરાહજૂર હોય છે. અને એ બધાં વાક્યો સાવ નિર્દોષ છે. એનાથી કશી હાનિ થતી નથી. એ તો જીવન વ્યવહારની સાવ સામાન્ય રીત જ છે. કોઈ મહાત્મા કદાચ ‘હું’ શબ્દ ન વાપરે અને ‘આ જીવ’ એમ કહે – તો પણ ભાવ અને અર્થ તો એક જ રહે છે.
આપણી આજુબાજુ, ઘરના ઓરડામાં જ નજર કરીએ, તો કમસે કમ સો ચીજ તો બે ચાર સેકન્ડમાં જ દેખાઈ આવશે – જે અહં ભાવના પ્રતાપે બનેલી છે. આ બધી ચીજો કોઈને કોઈ માણસ કે માણસોએ જ બનાવેલી છે. એની શોધ કરનાર કો’ક સાવ અજાણ્યા માણસનો અહં પણ એની શોધ વડે પોસાયો હશે. અરે! એને બનાવનાર કારીગર પણ કારખાનામાં એ બનાવી ઘેર ગયો હશે, ત્યારે ‘આજનું કામ ઠીક પતાવ્યું.’ – એવા આત્મસંતોષના ઓડકાર એને જરૂર આવ્યા હશે.
બહુ મોયણ નાંખ્યા વિના સાદી સીધી વાત કરીએ તો, આપણા જીવન વ્યવહારનો બહુ જ મોટો હિસ્સો ‘અહં’ સંતોષાવા સાથે સંબંધ ધરાવે છે. ભલે જીવન જીવવાની ફિલસૂફી અને બધા ધર્મો અને સમ્પ્રદાયો ‘અહં ઓગાળવા’ પર ભાર મૂકતા હોય; અહં વિના આપણને ચાલવાનું નથી.
પણ આપણે એ હકિકતનો અસ્વીકાર પણ ન કરી શકીએ કે, અહં વડે ઘણી મોટી, રાક્ષસી કદની કુરૂપતાઓ પણ પેદા થઈ જ છે. અહં વડે સર્જાયેલી ભૂતાવળો શું બનાવટી છે? શું હિટલર, મુસોલિની, ટોજો કે ઇદી અમીનનો અહંકાર ભર્યો ‘હું’કાર પ્રશંસનીય હતો? અંધારી આલમના અસ્તિત્વ વિશે, એમના વડે સર્જાયેલી/ સર્જાતી જ રહેતી તબાહીઓ વિશે કોઈ શંકા છે ખરી? રાજા, મહારાજા, ઉમરાવો, વેપારીઓ, ઉદ્યોગપતિઓ, જમીનદારો વિ. ની સમ્પત્તિ અમર્યાદિત રીતે વધાર્યે જ જવાની લોલૂપતાએ સમાજના કેટલા મોટા હિસ્સાનું શોષણ હજારો વર્ષોથી કર્યે જ રાખ્યું છે – એ શું સમજાવવું પડે તેમ છે? અરે! સાવ સામાન્ય માણસોની સ્વાર્થલક્ષિતા અને અરસ્પરસના ઝગડા અને પૂર્વગ્રહો પણ ‘હું’ , ‘હું’ અને ‘માત્ર હું’ ના જ પ્રતાપે જ નથી વારૂ?
સાથે એ પણ ઉવેખી ન જ શકાય તેવી વાસ્તવિકતા છે કે, સમાજવાદ અને સામ્યવાદના સુફિયાણા સિદ્ધાંતો પણ માનવ સમાજમાં બિન કાર્યક્ષમ અને બિહામણા પૂરવાર થયા છે. ‘માનવ માત્ર સમાન’ એ રૂપાળો વિચાર વ્યવહારમાં કામચોરીને જ વકરાવે છે અને ઉત્પાદકતા કે સર્જનાત્મકતા માટે હાનિકારક જ પૂરવાર થયો છે. જો બધા સરખા જ હોય તો, કોઈ શા માટે વિશિષ્ઠ સર્જન કે સંશોધન માટે મહેનત કરે? ૬૦-૭૦ વર્ષમાં જ સામ્યવાદના વળતા પાણી થવા પાછળની આ પ્રક્રિયા પણ ‘અહં’ ની પ્રચંડ છડી પોકારતી બાંગ જ નથી શું?!
કેટલી મોટી વિડંબના? આપણને અહં વિના ચાલવાનું નથી, અને એ જ અહં આપણી પથારી પણ ફેરવી શકે તેમ છે; અનેક દુષણોને તે જન્મ આપે છે!
માટે જ અહં ઓગાળવા પર ભાર મુકવાની સાથે ‘એને શી રીતે શ્રેયસ્કર બનાવવો?’ – એ આત્મસાત કરવામાં ડહાપણ છે. આ વાત થોડીક ઉટપટાંગ છે. પણ સમજવી અઘરી નથી. (માનવ મનની લાક્ષણિકતા અંગેની બે કલ્પનાઓ પરિશિષ્ઠમાં જુઓ.)
એક સર્વ સામાન્ય સત્ય એ છે કે, એકમેકથી વિરુદ્ધ લાગતી બાબતો એક સાથે, એક જગ્યાએ અને એક જ કાળે સાચી હોય છે. ‘અહં’ નું પણ આમ જ છે. જ્યાં સુધી એ નિયમનમાં હોય, ત્યાં સુધી એ જીવન માટે જરૂરી છે – કલ્યાણકારી પણ છે. એના વિના રોજિંદું જીવન શક્ય નથી બનતું. તકલિફ થવાનું કારણ, ‘એ વકરી જાય છે.’ – એમાં છે. માનવ મનનું આ તત્વ માનવ જીવનમાં સુખાકારી પણ લાવી દે છે, અને જીવનને તબાહીની ઊંડી ખાઈમાં ગબડાવી પણ શકે છે. આના અગણિત દાખલા આપણે બહુ સહેલાઈથી આપી શકીએ.
માટે અહંને પંપાળવામાં વિવેક જરૂરી બને છે. અહંભાવ પૂરેપૂરો ઓગળી જાય; એ કરોડો લોકોમાંથી ગણ્યા ગાંઠ્યા માનવોમાં શક્ય બનતું હશે. એ વીતરાગ મહાત્માઓને સાદર વંદન સાથે જણાવવાનું કે, સામાન્ય માણસો માટે કદાચ એ શક્ય કે જરૂરી નથી. જો વીસેક ટકા લોકો પણ વીતરાગ બની જાય તો, કદાચ સામાન્ય જીવન ઠપ્પ થઈ જાય. ખેડૂત હળ ચલાવવાનું બંધ કરી ભજન કરવા લાગી જાય કે, સરહદ પરનો સૈનિક રાઈફલ બાજુએ મુકી, અહોભાવથી દુશ્મન સૈનિકને ભેટવા જાય તો?
પણ ત્રણ ચાર હજાર અબજોપતિઓ થોડોક સ્વાર્થ ઓછો કરી એમની મુડીનો દસ જ ટકા ગરીબી અને નિરક્ષરતા દૂર કરવા ખર્ચે તો? અથવા, મધ્યમ વર્ગનો એક માણસ એને ઘેર કામ કરતી કામવાળીના બે ત્રણ સંતાનોના શિક્ષણની જવાબદારી માથે ઊઠાવે તો? દેશની વસ્તીના માત્ર એક ટકા જ લોકો (અંદાજે – એક કરોડ લોકો) અહં અને સ્વાર્થને બે ઘડી કોરાણે મેલી આમ કરે, તો ત્રણ કરોડ બાળકોના શિક્ષણનો પ્રશ્ન ઉકલી જાય.
ધર્મમય જીવનના અગણિત ઉપદેશો છતાં આમ થતું નથી. કારણ કે, આપણો વકરી ગયેલો અહં આપણને આંધળા બનાવવામાં સફળ નિવડ્યો છે. એ ઉપદેશો કદાચ જીવનની તળ સપાટીને સ્પર્શતા નથી હોતા. આથી તે આપણા લક્ષ્ય પર આવે છે; તો પણ આપણે એમને અવગણીને જાકારી દઈએ છીએ. અથવા … કદાચ એમ બને કે, વીતરાગ બની જવાના અભરખામાં આપણે કોઈક નવા જ અહંભાવને – સાત્વિક મહત્વાકાંક્ષાને જન્મ આપી દીધો હોય, અથવા જીવનની વાસ્તવિકતાઓ તરફ પલાયનવાદ કેળવાવા લાગ્યો હોય.
અહંના અનેક પાસાં છે – પ્રકાશના રંગપટલ ના સાત રંગોથી ઘણા વધારે. એ સમજ્યા વિના આપણે અહં ઓગાળવા લાગી જઈએ, તો કશો અર્થ સરવાનો નથી. આ વાત માનવ વર્તણૂંકના અભ્યાસના શાસ્ત્ર ( Behavioural science) મુજબ સમજવા પ્રયત્ન કરીએ.
માનવ વર્તણૂંક ત્રણ મુખ્ય ભાગમાં વહેંચાયેલી હોય છે.
સમય અને સંજોગ મુજબ આપણી વર્તણૂંક આ ત્રણ જાતની વર્તણૂંકોના મિશ્રણ અને સંયોજનના પ્રતાપે ઘડાતી હોય છે. ‘વાલી’ પ્રકારની વર્તણૂંક ‘ગુરૂતા ગ્રંથિ’ના પ્રભાવ હેઠળ દેખા દે છે, તો ‘બાળક’ વર્તણૂંક લઘુતા ગ્રંથિના કારણે. ‘આધેડતા’ ત્યારે જ દેખા દે છે, જ્યારે આવી કોઈ ગ્રંથિ મનમાં બંધાયેલી ન હોય. માનવ સંબંધોના મોટા ભાગના પ્રશ્નો અને માનવ સર્જિત મોટા ભાગની સમસ્યાઓના મૂળમાં માનવ વર્તણૂંકના આ ત્રણ પાસાં જવાબદાર હોય છે. આપણી વર્તણૂંક કદીક સાવ બાળક જેવી હોય છે, અથવા પોતાની વાત પર અટલ રહેતા અડિયલ ટટ્ટુ વડીલ જેવી! જેમ જેમ આપણી વર્તણૂંક વધારે ને વધારે ‘આધેડ’ પ્રકારની બનવા લાગે, તેમ તેમ તે વધારે ને વધારે વિવેક સભર બનવા લાગે છે. આપણો અહં નિયમનમાં આવતો જાય.
એને સાવ ઓગાળવાનો પ્રયત્ન કરવા માટે આપણે હજુ તૈયાર નથી. કદાચ આપણા ભવિતવ્યમાં એ નિર્મિત હશે, તો આપણે એને સાવ ઓગાળી પણ શકીશું. પણ એ પ્રક્રિયા બરફમાંથી પાણી બનવા જેવી હોવી જોઈએ. પાણીનું ટીપું પણ ન રહે તેવી નહીં! આપણે અહંને મારી નાંખવાનો નથી. એની પર લગામ લગાવી, એની પાસેથી જીવન સાર્થક બને તેવાં કામો કઢાવી લેવાનાં છે. અત્યંત બળવાન ઘોડાને મારી ન નંખાય. એને ધારી દિશામાં દોડાવી અંતર જલદી કાપી નાંખવાનું છે. અહં અને મન એ તો આપણા સૌથી વધારે ધારદાર ઓજારો છે – એમને ઓગાળી/ ફેંકી ન દેવાય. એ ઘોડા પર સવાર થઈને પૂરપાટ હાંકવાની મજા માણવા આપણને એ મળ્યા છે. એમને બરાબર કેળવણી આપવાની છે. એ તો સાવ બાળક જેવા નાદાન છે – પણ હુંશિયાર છે!
આનો સાવ સરળ અને મનમાં ઠસી જાય તેવો દાખલો આપણી ઊંઘ છે. જ્યારે આપણે સવારમાં જાગીએ છીએ, ત્યારે સરસ મજાની હળવાશ કેમ અનુભવીએ છીએ? સ્વપ્નો સિવાય, મગજ અને આપણો અહં ભાવ તે વખતે પોઢી જાય છે. અહં મરી નથી જતો, પણ સૂઈ જાય છે. એ અંકુશમાં તો નથી આવતો, પણ થાકેલો અહં ચપટીક ઝોકું ખાઈ લે છે.
બસ આમ જ આપણે અહંને પટાવી પટાવીને અંકુશમાં રાખવા કૃત નિશ્ચય બનીએ તો? અહંને સુવાડી દઈને નહીં પણ જાગતા રહીને તેની તરફ સભાન બનતા રહીએ તો? આને જ્ઞાનની ભાષામાં પ્રેક્ષક બનવાની રીત કહે છે. સાદી ભાષામાં, એ જે કાંઈ બની રહ્યું છે – તે એક ઘટના તરીકે, એક નાટક કે ફિલ્મ તરીકે જોઈ શકવાની કાબેલિયત છે. જ્યારે આવી જાગૃતિ આપણને ઉપલબ્ધ થવા લાગે છે, તેમ તેમ આપણને આપણા માનસમાં ઉભરી આવતા વિકારો દેખાવા લાગે છે, અને તેમને સંયમમાં રાખવાની કળામાં આપણે વધારે ને વધારે માહેર બનતા જઈએ છીએ.
આ સાથે ‘ધ્યાન’ અંગે પ્રવર્તમાન અધુરી સમજ વિશે બે એક વાત. ધ્યાન એ કોઈ ક્રિયા નથી; પણ મનની અવસ્થા છે. કોઈ પણ ક્રિયા આપણે કરીએ, એમાં પૂર્ણ રીતે આપણી નજર કેન્દ્રિત થાય તો એ ક્રિયા થકી આપણે ધ્યાનની અવસ્થા હાંસલ કરી છે, તેમ કહી શકાય. આમ ‘ધ્યાન’ને પ્રવૃત્તિ બનાવવાની નથી; પણ જે કાંઈ પ્રવૃત્તિ કરીએ તેમાં પૂર્ણ ધ્યાન રાખવાનું છે. જેમ જેમ પ્રવૃત્તિમાંથી ફળ મેળવવાની આપણી વૃત્તિ સરી જવા લાગે છે, તેમ તેમ આપણે એ પ્રવૃત્તિ ઘણા વધારે ઊંડાણથી કરતા થઈએ છીએ. આમ થવા લાગે ત્યારે જીવવાનો સાચો આનંદ આપણને મળતો થવા લાગે છે.
બીજી એક વાત….આપણી પ્રવૃત્તિઓની સાથે સાથે જો આપણા ચિત્તમાં ‘પદ્મમુદ્રા’નો ભાવ દોહરાવતા રહીએ, તો આપણા અસ્તિત્વને શક્ય બનાવનાર લાખો જીવો અને પરિબળો પ્રત્યે આપણી સભાનતા અને સન્માન કેળવાવા લાગે છે. આના પરિણામે આપણે કેવળ સ્વલક્ષી જ ન બની રહેતાં, બીજાઓના વિશે, એમના દૃષ્ટિબિંદુ વિશે પણ જાગૃત થવા લાગીએ છીએ.
બસ. આપણા અહં ભાવમાં માત્ર સ્વાર્થ ભાવ જ નહીં પણ બીજા માટેની પાકટ/ આધેડ નજર ઉમેરવાનાં છે; નિસ્વાર્થ ‘સેવા’નું તત્વ ઉમેરી દેવાનું છે. તો જીવન જીવવાની મજા જ કાંઈક ઓર બની જાય છે. એક વાર આમ કરી જોઈએ તો?
આમ થવાથી આપણા સુખ અને સમૃદ્ધિ વધે કે ન વધે, પણ ‘જીવનનું એ જ એકમાત્ર લક્ષ્ય છે.’ – એ ભાવ ધીમે ધીમે ઓગળવા લાગે છે. જીવન તરફનો અભિગમ આમૂલ પરિવર્તન પામવા લાગે છે. આપણે ફાળે આવેલી જીવન રીત અને જીવન કાર્યને પૂર્ણ પ્રેમથી બાથમાં લઈ, સમાજ અને સૃષ્ટિના અનેકાનેક તત્વો, જીવો અને માનવો માટે અનુગ્રહની ભાવના હૈયે જડી, આપણી દૈનિક જવાબદારીઓ, મોજશોખો અને મહત્વાકાંક્ષાઓને એક નવો વળાંક મળવા લાગે છે. જીવન જીવવાની એક મધુર અને સાવ અલગ પ્રકારની શક્યતા આપણા જીવનમાં સાકાર બનવા લાગે છે.
કદાચ તો જ… આપણે અને આપણો અહં જીવવા લાયક બની જાય.
શ્રી. શ્રી. રવિશંકર – અહંકાર વિશે શું કહે છે?
अहंकारको तोडनेकी चेष्ठा न करो,
उसको जहां है, वहीं रहने दो ।
આ મોંકાણના સમાચાર આજના નથી! આ લખનાર જણ નાનો હતો અને ચાર આને શેર દૂધ મળતું હતું; ત્યારે એના બાપુજીની આ હૈયાવરાળ હતી! આજથી સો વર્ષ પહેલાંનો સંવાદ પણ જો રેકર્ડ થયો હોય; તો એ ઘૈડિયાઓ પણ આમ જ બોલતા સંભળાયા હોત.
ઓહ …. !!! કેટલા બધા નુસખા. નાની નાની વાતો જેને તમારા મિત્રો કંજૂસાઈનું નામ આપી શકે છે, પણ દોસ્ત, આ હકીકતે જીવન જીવવાની કળા છે.
ઉપરના ઉદાહરણને જમાના સાથે સરખાવું, તો એક સરકારી નિવૃત્ત અધિકારીને કશું કામ કર્યા વગર, મહિને સાડા નવ હજારથી લઈને સાડા ચૌદ હજાર જેટલી માતબર રકમ મળે છે, જે માત્ર એ વડીલને એમની અને એમની પત્ની પાછળ જ ખર્ચ કરવાની હોવા છતાં ઓછી પડે છે, જ્યારે એક યુવાન પોતાના ઘરથી પાંચસો, હજાર કે બે હજાર કિલોમિટર દૂર રહે છે. આખો દિવસ કામ, ધંધો અને મજૂરી કરે છે અને મહિને સાડા પાંચથી છ હજાર જેટલું કમાઈ લે છે. અને એમાંથી પોતાનું, પત્ની અને બે બાળકોનું ગુજરાન ચલાવ્યા પછી પણ, ગામડે મા-બાપને ગુજારા માટે કાંઈક મોકલે છે!!!! એ પણ ભાડાના ઘરમાં રહીને … !!!
આપણે આકાશને આંબી ગયેલી મોંઘવારીની ભલે ટીકાઓ કર્યે રાખીએ; પણ વધેલી આવક અને અનેક ગણી, અમર્યાદિત રીતે વધી ગયેલી જરૂરિયાતો, સગવડો અને લક્ઝરી વિશે પણ ચપટિક વિચારીએ તો?
શ્રી. હરનિશ જાનીના વિચારપ્રેરક લેખ ‘ એ તો એમ જ ચાલે.’પરથી ઘણા વિચારો ઊભા થયા. આ જ બાબતને ‘ આવાહંક ( આક્રમક વાહન હંકારવાની કળા) ‘લેખશ્રેણીમાં બહુ હળવાશથી, પણ ભીતરી વ્યથાના ઓથાર નીચે અભિવ્યક્ત કરી હતી.
આવું ઘણું લખાયું છે. સામ્પ્રત સમાજની લાક્ષણિક અને ઊડીને આંખે વળગે તેવી નબળાઈઓ માટે ભાગ્યે જ કોઈ પણ ભારતીય અદનો આદમી, કોઈ પણ નેતા, કોઈ પણ ધર્મ કે સમ્પ્રદાયના વડા હશે કે, જેનો જીવ બળતો ન હોય. ભલે આપણે એને હસીને આપણો અણગમો વ્યક્ત કરીએ; સવાલ હમ્મેશ એ જ ઊઠે છે કે,
આપણે આમાં શું કરી શકીએ?
પણ આ સવાલનો અર્થ આપણે હમ્મેશ નકારાત્મક જ લઈએ છીએ.
આપણે એમાં કશું કરી શકીએ તેમ નથી.
અથવા લાક્ષણિક ગુજરાતી રીતે –
‘એમાં આપણા કેટલા ટકા?’
અમેરિકામાં રહીને દસથી વધારે વર્ષ આ બધી બાબતોમાં ઘણી બધી હકારાત્મકતા જોયા અનુભવ્યા બાદ કશુંક પણ સૂચન મારા જેવા આપે; તો લોકો તેને અવગણવાના જ.
‘ એ તો ભાઈ! તમારે અમેરિકામાં રહ્યે રહ્યે બોલવાનું છે.
અમારી વ્યથાઓ તમને ક્યાંથી સમજાય? ‘
અને વાત પણ સાવ સાચી તો છે જ.
અમદાવાદ કે કોઈ પણ, નાના મોટા શહેરમાં આ જ રીત વ્યાપક છે.
રસ્તાઓની સંકડાશ, વાહનોની અવિરત વધતી સંખ્યા, સામાન્ય લોકોની વધતી જતી અપેક્ષાઓ, રાજકીય, કાયદો અને વ્યવસ્થાના પાલકો, અને ધાર્મિક, સામાજિક નેતાઓની આ બાબત અસૂયા….. આવાં અનેક કારણોને લીધે ખાસ કશું હકારાત્મક થતું નથી.
નવી સગવડો જરૂર ઊભી થઈ છે; પણ તે જરૂરિયાત કરતાં ઘણા વર્ષો પછી થઈ છે; અને ભવિષ્યની વધનારી જરૂરિયાતોને મોટા ભાગે ધ્યાનમાં રાખ્યા વગર જ આડે ધડે ઊભી કરી દેવાતી જોવા મળે છે.
અને છતાં નીચેના પ્રશ્નો ભારતમાં વસનાર પ્રત્યેક વાચક પોતાની જાતને પૂછી શકે –
સરકારી કે મ્યુનિસિપલ તંત્રની ટીકા કરવાને બદલે,મારી જાત માટે નિયમ પાલન કરવા બની શકે ત્યાં હું પોતે આગ્રહ રાખીશ?
મારા પોતાના કે અંતરંગ વર્તુળમાં કોઈ વ્યક્તિ ટ્રાફિકના ગુના માટે પકડાય તો તેને ગુનાની સજા પ્રામાણિક રીતે ભોગવી લેવાની સલાહ હું આપીશ કે લાગવગ/ લાંચ વિ.નો વ્યાવહારિક રસ્તો અપનાવીશ?
જો હું સત્તાસ્થાને હોઉં તો, આવાં દબાણો કે લાલચોને વશ થાઉં કે મારી ફરજ નિષ્ઠાથી બજાવું ?
જો હું કોઈ ધાર્મિક સંસ્થાની નેતાગીરી કરતો હોઉં અને મારા અનુયાયીઓ મારો ઉપદેશ કે સલાહ સાંભળતા હોય તો, હું બીજી બધી ધાર્મિક/ આધ્યાત્મિક બાબતોની સાથે આ બાબત જાગૃતિ લાવવા તૈયાર છું ?
———————-
આ બાબત વાચકો પોતાના વિચારો / વ્યાવહારિક સૂચનો જણાવશે તો કદાચ ઠીક ઠીક વિચાર દોહન થશે… અને કદાચ એક ડગલું / ચપટીક સુધાર થાય પણ ખરો.
I have seen and removed the part of the sick brain like Cancer tumor or extra water etc…
Yet,over 4 years of Neurological Surgery in Mumbai, Europe or America didn’t find Mind.
Where is mind?
Inside Skull or Outside ???
Who can answer…….
Rajendra Trivedi,M.D.
Dhavalrajgeera
અને પાટો બ્રેન પરથી મન તરફ ફંટાયો! ત્યાં થયેલી બહુ જ મનન માંગી લે તેવી ચર્ચા અહીં રજૂ કરી, સ્થાયી સ્વરૂપ આપવું ગનીમત લાગ્યું – એટલે એ બધું અહીં, આ રહ્યું Read more of this post
સરસ મજાનો રસ્તો છે. બન્ને બાજુ અને રસ્તાની વચ્ચે પણ આંખને ઠારી દે તેવી હરિયાળી છવાયેલી છે. રસ્તાની એક બાજુએ શહેરનો જાણીતો પાર્ક છે. સહેજ આગળ જતાં એ રસ્તો શહેરના એક ઠીક ઠીક મોટા તળાવ નજીકથી પસાર થાય છે. મન નાચી ઊઠે તેવો માહોલ છે – કવિ હૃદયમાં કવિતા સ્ફૂરી ઊઠે તેવો.
પણ.. થોડાક જ ફૂટ નીચે શું છે? આખાયે શહેરની ગંદકીને શહેર બહાર ઠાલવતી બાર ફૂટ વ્યાસવાળી ગટરમાં લાખો લોકોએ સૂગથી ત્યજી દીધેલી, ગટર ગંગા વહી રહી છે. એમાં લાખો કીડા અને વંદા મહાલી રહ્યા છે. એ બધું નજરે પડે તો? ત્યાં નજર તો પહોંચે તેમ નથી છતાં એ છે તો ખરી જ.
…
સરસ મજાની ફાઈવ સ્ટાર હોટલમાં પાર્ટી યોજાઈ છે. ફેશન પરેડની અંદર હરિફાઈ કરતાં હોય તેમ, સભ્ય સમાજના સદગ્રહસ્થો અને સન્નારીઓ, ચકાચૌંધ માહોલમાં મહાલી રહ્યા છે. બાજુના ટેબલ પર મોંઘીદાટ, જાતજાત અને ભાતભાતની, ખુશબૂદાર વાનગીઓની સોડમથી મોંમાં પાણી છૂટી જાય છે.
પણ એ દરેક સભ્ય જણ, પોતાની સાથે ગંદી, ઊબકા આવે તેવી વિષ્ટાથી ભરેલી કોથળી સંતાડીને ફરી રહ્યું છે – તેની ઉપર કદી આપણી નજર પડવાની નથી. પણ એ છે, એ તો હકિકત છે જ.
…..
આછાં વસ્ત્રો પહેરેલી, રૂપરૂપના અંબાર જેવી નૃત્યાંગના સ્ટેજ ઉપર અંગો ઉછાળતી નાચી રહી છે. એના પ્રત્યેક નખરાં થકી પુરૂષોની કામૂકતા તો ઉત્તેજિત થાય છે જ; પણ દર્શક સ્ત્રીઓ પણ તેનાં રૂપને ઈર્ષ્યાના ભાવથી નિહાળી રહી છે.
પણ.. એના એ મનોહર, સૌંદર્યથી છલકાતી, ચામડીની એક જ મિલીમિટર નીચે લોહીથી લથબથ માંસ, ભય ઉપજાવે તેવા હાડપિંજરની ઉપર લટકી રહ્યું છે – તેની ઉપર આપણી નજર નથી જ પડવાની. પણ એ છે તે હકિકતનો કોણ ઈન્કાર કરી શકશે? લો, આ વિડિયો જોઈ લો.
…
એક દેશનેતા મંચ પરથી લાખોની માનવમેદનીને સૂફિયાણી દેશદાઝ અને સેવાના ભેખની આલબેલ પુકારી રહ્યો છે. એની જોમભેર વાણીના પ્રવાહમાં, હકડેઠઠ માનવમેદની વાક્યે વાક્યને તાળીઓના ગડગડાટથી વધાવી લે છે.
પણ એ માંધાતાનું મન તો કલાક પછી, આંતરરાષ્ટ્રીય કમ્પનીના પ્રતિનિધિ પાસેથી કેટલા કરોડની લાંચ મળવાની છે; એના ખયાલોમાં નાચી રહ્યું છે – એની ખબર થોડી જ આમ જનને પડવાની છે? પણ એ મહાપ્રતાપી નેતાના સ્વીસ બેન્કના ખાતામાં એની દસ તો શું , સો પેઢી પણ ભોગવતાં ન ખૂટે તેટલો ભંડાર ભરેલો છે , એ હકિકતનો કોણ ઈન્કાર કરી શકશે?
…
ગગનચુંબી, વૈભવી ઈમારતો અને મહાલયોથી થોડેક જ દૂર દરેક ક્ષણે, સતત, માનવતા ગંદી ગલીઓમાં, ભૂખી, પ્યાસી દરિદ્રતાના બધાં દૂષણોમાં મજબૂરીથી કણસી રહી છે – તે આપણી નજરે કદી પડે છે?
….
નકારાત્મક દૃષ્ટિ.
પાણીથી અડધો ભરેલો પ્યાલો – ખાલી પણ કહી શકાય; અને ભરેલો પણ કહી શકાય.
ચમકતા રૂપની પાછળ ગંદી, ગોબરી કુરૂપતા પણ નિહાળી શકાય.
જેવી જેની નજર.
પણ સત્ય તો કઠોર છે.
રૂપ અને કુરૂપ.
બન્ને છે, છેને છે જ.
અહીં કેવી નજર રાખવી ઘટે, તેવી સૂફિયાણી સલાહ આપવાનો ઉદ્દેશ નથી. વાત એ જ કરવાની છે કે, રૂપ, કુરૂપ બન્ને હોવા છતાં – એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવાની તૈયારી આપણે કેળવી શકીએ? જગતના સર્જન કાળથી જ બન્નેનો આવિર્ભાવ થતો રહ્યો છે.
રૂપના પરમાણુ અને કુરૂપના પરમાણુમાં કોઈ તાત્વિક ભેદ નથી; એટલે કે, એમાં આ સારું અને આ ખરાબ – એવું કશું હોતું નથી. એને સારું અને ખરાબ – એવી વ્યાખ્યાઓ તો આપણે ઊભી કરી છે. એ ત્રાજવાં તો આપણા મને બનાવ્યાં છે. આપણે એને ત્યજવા શક્તિમાન નથી.
“જ્ઞાની પુરુષને સત્ય સમજાવવું, એ સરળ કાર્ય છે. એ જ રીતે સમ્પુર્ણ જ્ઞાનીને સત્ય સમજાવી શકાય. પરન્તુ જે અર્ધદગ્ધ છે, તેને સત્ય સમજાવવું અત્યન્ત દુષ્કર છે.”
–ભર્તૃહરી
ગુજરાતી લેખનક્ષેત્રે ‘ઉંઝાજોડણી’ બાબતમાં ખરેખર ભર્તૃહરીના આ સુભાષીત જેવું જ બન્યું છે. ગુજરાતના જે સાક્ષરો ઉંઝાજોડણીનો વીરોધ કરે છે, તેઓને કયા વર્ગમાં મુકી શકાય, એ તેઓ સીવાયના સમજદાર કે વીચારશીલ શીક્ષીતોને તો સહેજે ખ્યાલ આવી શકે.
‘સાક્ષરા: વીપરીતા:’
–એવો ખેલ ગુજરાતી લેખનક્ષેત્રે જામ્યો છે. આ પ્રશ્ન જ, અર્થાત્ ‘ઉંઝા– જોડણી’ એ મુળભુત રીતે તો વીજ્ઞાનનો, ભાષાવીજ્ઞાનનો પ્રશ્ન છે. તદનુસાર, સમજી લો અથવા તો સ્પષ્ટત: સમજાય છે કે સવાલ લેખન–પદ્ધતી (રીતી)નો છે, જેને ભાષા–પદાર્થ કે એના સૌંદર્ય–ગરીમા સાથે કોઈ જ સમ્બન્ધ નથી.
તેની ઉપર મેં આપેલો પ્રતિભાવ અહીં રજુ કરું છું. ( મામુલી ફેરફારો સાથે ) ………
—————————————————-
આ અગાઉ બીજી ઘણી જગ્યાઓએ આ બાબત ચર્ચામાં સક્રીય ભાગ લીધો છે. અહીં ચર્ચામાં કોઈ અશિષ્ઠ તત્વ આવેલું ન જોઈ હરખ થાય છે. આથી આવી ચર્ચાઓમાં ભાગ ન લેવાના નિર્ણયને બાજુએ મુકીને, મારા વિચાર રજુ કરું છું –
———————————-
ગુજરાતી કે બીજી કોઈ પણ ભાષાના સંદર્ભે વ્યક્તિઓના ચાર પાસાં હોય છે-
વિચારની ભાષા બોલવાની ભાષા વાંચવાની ભાષા લખવાની ભાષા
આમાં પહેલા ત્રણમાં જોડણી કે વ્યાકરણનું ખાસ મહત્વ નથી. મોટા ભાગે, ગમે તેટલી ભૂલો હોય તો પણ, ખાસ તકલીફ વગર અભિવ્યક્તિ સમજાઈ જતી હોય છે. લખનારે જ સાવચેતી રાખવાની હોય છે – અર્થ બરાબર સમજાય તેની ચિવટ માટે.
અને આ વર્ગ સૌથી નાનો છે. કદાચ કૂલ ગુજરાતી વસ્તીના ૦.૧. % ટકા હશે. (વિશ્વભરના ૬ કરોડ ગુજરાતીઓ ગણો તો ૬૦,૦૦૦ – કદાચ તેથી પણ કમ )
માત્ર આટલી નાની વસ્તી માટે પણ ભાષા શુદ્ધિનો આગ્રહ સરાહનીય છે – જરૂરી નથી. એ માટે અત્યાર સુધી પ્રચાર નહીં કરવાની ગુજરાતી ભાષા પરિશદની નીતિ બદલાઈ છે – વિકી, બ્લોગ જગત વિગેરેને સન્માન આપતા થયા છે – એ આવકાર્ય બદલાવ છે. પણ.. એ માટેનો આગ્રહ મારી નજરે કદાચ ઓછો જરૂરી છે.
નોંધ કરજો – મારા પોતાના વિચાર આ બાબત આમૂલ બદલાયા છે!
—————————————-
માનનીય દિપકભાઈની વાત ‘ સમૃદ્ધ પ્રજાની રાંક ભાષા’ બહુ જ ગમી. અહીં જણાવવાનો મારો મૂળ મુદ્દો આ જ છે .
ભાષા શુદ્ધિના આવા આગ્રહો બાજુએ મૂકીને ગુજરાતીતાને સન્માનનીય બનાવવાનું; અને ‘આપણી ભાષાનું ગૌરવ’ સામાન્ય માણસ’ માં પેદા થાય એ જોવાનું વધારે જરૂરી સમજું છું. ગુજરાતમાં રહેનાર અને ગુજરાતી માટે જીવ બાળનાર દરેક જણ છાતી હાથ મૂકીને કહી શકે તેમ છે ? – કે, તેના કુટુમ્બનાં બાળકો અંગ્રેજી નહીં પણ ગુજરાતી માધ્યમમાં જ હવેથી ભણશે? અને આમ ન થવા માટે હું કોઈને દોષ દેતો નથી. સમાજ જે દિશામાં જઈ રહ્યો હોય; તે કુદરતી પ્રક્રિયા છે. અંગ્રેજી માટેનો સામાન્ય માણસનો મોહ સાવ સ્વાભાવિક છે જ. ગુજરાતી પ્રેમી પણ આમાંથી બાકાત ન જ રહી શકે.
પણ ભાષાનું ગૌરવ વધારવા અનેક દિશાઓમાં પ્રયત્નો જરૂરી સમજું છું. ભાષા શુદ્ધિના આગ્રહો માટે થતો પ્રયત્ન પંડિતો વચ્ચેની સાઠમારીના સ્તરથી આગળ કે ઊંચે આવે એ જળકુસુમવત વાત છે. લીપી સુધારના પ્રયત્નો તો એથી પણ વધારે અર્થહીન છે. બીજી બે બાબત છે , જે આ ૨૧મી સદીમાં નેટના માધ્યમના કારણે જરૂરી બની છે; પણ તે તરફ કોઈનું લક્ષ્ય ગયું જ નથી. સાહિત્ય પરિષદ પણ એ બાબત સાવ ઉદાસીન છે.
જો આ બધી વ્યક્તિઓ નવી દિશાઓમાં કાર્યરત થશે, તો કશુંક નક્કર કામ થશે. નહીં તો ખાલી ‘વાણી વિલાસ’ જ થશે; ડ્રોઈંગ રૂમ ચર્ચાઓ થશે; સાઠમારીઓ જ થશે.
ગુજરાત ગરીમા મંચ – ‘ ગુગમ’ – નો વિચાર ફરીથી દોહરાવવા મન થાય છે –
પણ વિચારો કર્યા કરવાનોય એક હોબી હોય છે. એ વળગણ મનેય છે. રાતે પ્રેક્ષાધ્યાનમાં મન ન જ ચોંટ્યું. આ દષ્ટિભ્રમ જ તરવરતાં રહ્યાં. એમાંય વાંકી જણાતી લીટીઓનો, નીચે દર્શાવેલો ભ્રમ તો પીછો જ ન છોડે. બધી લીટીઓ સીધી, છતાં કેમ વાંકી જ દેખાય? !
એટલે….
या निशा सर्व भूताणां ..
વાળી થઈ ગઈ છે! સંયમી ન હોવા છતાં, મનને એમ મનાવી, પથારી છોડી, આ લખાણ લખવા મજબૂર બન્યો છું!
અને માટે જ એને જૂથ વગર ચાલ્યું નથી. પ્રાગૈતિહાસિક કાળથી ટોળીઓ, જાતિઓ, સમાજો, પરિવારો, ક્લબો, દેશો, ધર્મો, સમ્પ્રદાયો વિ.વિ. જાતજાતનાં અને ભાતભાતભાતનાં જૂથો રચાયાં છે; રચાતાં જ રહે છે . અને રચાતાં જ રહેશે.
રેશનાલિસ્ટો આનો વિરોધ કરે છે; અને….
એમનો પણ અલગ ચોકો. એક નવું જૂથ!
આના મૂળમાં છે – માનવીની પાયાની ઓળખ – એનું મન- એના રાગ અને દ્વેષ.
આપણને ગમતું હોય ; તેવા જૂથમાં ભળીએ. ન ગમતું હોય, તેનો વિરોધ કરીએ.
આપણા વિચારને મળતા આવે, તે આપણા મિત્ર – બીજા સામેની છાવણીમાં.
દાદા ભગવાનના વચનો જીવનના અનેક પાસાંને આવરી લે છે. આ લેખકની ગુંજાઈશ એમના શિખર સુધી તો શું , તળેટીમાં પણ પહોંચે એટલી નથી. પણ અહંકાર વિશે હું જે સમજ્યો છું, તે વાચકમિત્રોના વાંચન માટે અહીં રજૂ કરવાની હિમ્મત અને ધૃષ્ટતા કરું છું.
એક જ આશય કે, જીવનના તમામ પાસાંઓને આવરી લેતું આ મનન દરેકે સમજવું મને જરૂરી લાગ્યું છે. આપવડાઈ લાગે તો ભલે પણ આ બાબત ચપટીક સમજણ આવવાના પ્રતાપે મને જે અનહદ ફાયદો થયો છે; તે જોઈ,જાણી મિત્રો સુધી થોડીક સમજણ પહોંચાડવા મન થયું છે ; તો દરગુજર કરશો.
અહં વિશે મનોવૈજ્ઞાનિકો, ચિંતકો, ફિલસૂફોએ ઘણું બધું લખ્યું છે. દાદા ભગવાન આને બહુ સાદી રીતે સમજાવે છે.
આપણે જેને ‘ હું’ કહીએ છીએ, તે ત્રણ હોવાપણાંનો બનેલો છે-
હું
બાવો
મંગળદાસ
‘હું’ એ આપણું પાયાનું જિવંત તત્વ છે – એને દાદા ભગવાન ‘શુદ્ધાત્મા’ કહે છે.
‘મંગળદાસ’ એ આપણી ઓળખ, આપણું નામ છે; જે જીવન દરમિયાન એક જ રહે છે, સિવાય કે, ઉપનામ હોય કે, ઘર કે બહારનું જુદું નામ હોય કે, આપણે છેતરામણીના ‘ગોરખધંધા’ કરતા હોઈએ! ( Anonymous or pseudo names)
‘બાવો’ એ આપણું મહોરું છે. એ અનેક હોય છે. આપણે અલગ અલગ વ્યક્તિઓના પુત્ર, બાપ, પતિ, ભાઈ, દિકરી, મા, પત્ની,બહેન, ગ્રાહક, મિત્ર, દુશ્મન, હરીફ વિ. બનીને તે મહોરાંને અનુરૂપ આચરણ કરતા હોઈએ છીએ.
મંગળદાસ અને બાવો એ આપણા અહંકારનાં પાસાં છે. જીવનપર્યન્ત એ આપણી સાથે રહે છે. કદાચ મંગળદાસ બદલાય દા.ત. ‘નરેન્દ્ર’ સન્યાસ લીધા બાદ ‘વિવેકાનંદ’ બની ગયા.
પણ બાવાના વેશ તો અનેક હોય છે, અને નવા નવા ઉમેરાતા હોય છે. દાદા ભગવાને આ મહોરાંઓને ‘ફાઈલ’ એવું નામ આપ્યું છે. જેટલી આ ફાઈલો કોરી થતી જાય, તેમ તેમ બાવાપણું ઓસરતું જાય.
આપણે જેને અહંકાર કહીએ છીએ, તે આ બેને પ્રતાપે હોય છે.
જ્યારે સાચો હું તો સાવ જૂદો જ છે; તેમ આપણે અભાન રીતે જાણતા હોઈએ છીએ. તે સતત પેલા બેની આલોચના કર્યા કરતો હોય છે, એમના પ્રતાપે સુખી કે દુઃખી થતો હોય છે. પણ મૂળભૂત રીતે એને જીવનકાર્ય સાથે ખાસ લેવા દેવા હોતી નથી. એ તો પાયાનું જીવંત તત્વ છે.
અહંને દૂર કરવાની જે વાત થતી હોય છે; તે આપણા આ પાયાના હોવાપણાને મહત્વનું સ્થાન આપવાની હોય છે. બાવો અને મંગળદાસ કદી સમ્પૂર્ણ રીતે નિકળી ન શકે, સિવાય કે, ચેતનાના સર્વોચ્ચ શિખરે પહોંચી શકનાર વીતરાગ, અથવા સહજ ભાવ કે સમતા પ્રાપ્ત કરનાર વ્યક્તિઓ.
જેમ જેમ આપણે મૂળભૂત તો શુદ્ધાત્મા જ છીએ, તે ભાવ પ્રબળ બનતો જાય, તેમ તેમ અહં ઓગળતો જાય; એમ આપણે કહી શકીએ.
જો કે, આ બધો તો વાણીવિલાસ જ થયો. એની અનુભૂતિ અને એ સભાનતામાં પ્રગતિ તો અભ્યાસ અને તપથી જ થાય.
—————–
આ વિષય અંગે આધારભૂત માહિતી દાદા ભગવાનની વેબ સાઈટ પરથી મળી શકશે…….. અહીં ‘ક્લિક’ કરો.
આ કોઈ ફિલ્મી હીરોની વાત નથી. આ સત્ય નામના હીરાની વાત છે.
સત્ય અનેક પાસાં વાળો હીરો છે. સત્યશોધક જે રસ્તે આગળ ધપે છે; તે હીરાનું એક પાસું હોય છે. સત્ય તો એ રસ્તાના છેડે પણ નથી હોતું. રસ્તાના છેડે સત્યની સાવ નજીક તો પહોંચાય; પણ તેની સાથે આત્મસાત ન થવાય; સત્યની અનુભૂતિ ન થાય. હજુ તેના એ પાસાં સાથે મમતા રહે; જેના થકી સત્યની નજીક પહોંચાયું હોય. તે તો હીરાના ભૌતિક રૂપનું એક પાસું જ હોય છે. સત્ય તો એ બધાંએ પાસાંની પાછળ રહેલું હીરાનું હીરાપણું હોય છે; જે તેને તેના ભૌતિક રૂપથી અલગ હોવાપણું આપે છે. ખરેખર તો તે હોવાપણું જ હીરાને અનેક પાસાં આપે છે.
સત્યને પામ્યા કે વધારે સારી રીતે કહીએ તો, સત્યને અનુભવ્યા બાદ; સત્યશોધકની અથવા સામાન્ય રીતે બનતું હોય છે તેમ, તેના અનુયાયીઓની મૂળભૂત ભૂલ એ થતી રહી છે કે, તેઓ એ માર્ગને, હીરાના એ પાસાને હીરો જ માની લે છે . અને પછી …
नान्यः पन्थाःsत्र विद्यते
– જેવા ઝનૂની પ્રચારમાં મચી પડે છે.
કોઈ ભક્તિમાર્ગી એમ કહે કે, વર્તમાનમાં જીવવું એ નકરી ભૌતિકતા છે; તે પ્રેક્ષાધ્યાનના સિદ્ધાંત અને રીતને સમજ્યા વિના જ આમ માની બેસે છે. એ જ રીતે ધ્યાનમાં મગ્ન સાધક પ્રેમલક્ષણા ભક્તિના રસને વેવલાવેડા કે છીછરાપણું માને છે. અહિંસાના પ્રખર ઉપાસકને અરેરાટી પહોંચે તેવું ભૌતિક જગતનું કડવું ઝેર જેવું સત્ય છે જ કે, પૃથ્વી પરનું જીવન હિંસા વિના શક્ય નથી – શાકાહારી પ્રાણીઓ સમેત. આમ જ ઘણાં સત્યો, માન્યતાઓ વિશે કહી શકાય. તે એમનાં પરિપ્રેક્ષ્યમાં જ સાચાં હોય છે. બીજાં એમનાથી સાવ વિરૂદ્ધ દિશામાં હોય; એમ બને.
આમ કશા એકને જ સનાતન કે એક્માત્ર સત્ય અથવા કેવળજ્ઞાન માની લેવું એ, અજ્ઞાન છે. હીરાના હીરાપણાને જેણે અનુભવ્યું છે; તેને માટે આ બધાં પાસાં હીરાના એક ભાગ જેવા જ બની રહે છે. દરેકે દરેક પાસું – કડવા કે કઠોર સમેત- હીરાનો એક અંશ જ છે. જેણે હીરાના હીરાપણા સાથે તાદાત્મ્ય અનુભવ્યું હોય , તે આ પાસાં પણાંથી પર બની જાય છે – ઉન્નત આકાશમાં ઊડતો, યાયાવર જોનાથન સીગલ.
સામાન્ય માણસ આવો સત્યશોધક બનવા મન ન કરે; તે પણ સાવ કુદરતી છે. ભૌતિકતામાં સ્થિત રહેવું એ તેનો ધર્મ છે; અને સત્યશોધનના કોઈ માર્ગ પર ચાલવાનું શરૂ કરવું, એ માણસ તરીકે તેનું જીવન ધ્યેય છે.
માત્ર તેણે એ સમજવું રહ્યું કે, માર્ગ એ માર્ગ છે; હીરો નથી. એને હીરો માની લેવાની ભૂલને કારણે સામાન્યોએ માનવ સમાજને ઘણી મોટી હાનિ કરી છે; સદીઓથી કરતા રહ્યા છે; અને હજુ કરતા જ રહે છે. મુઠ્ઠી ઊંચેરો માનવી તો ભરપૂર પ્રેમથી છલકાતો હોય છે. સામાન્ય માણસે આ સ્થિતિ પ્રાપ્ત ન કરી હોય તો પણ પ્રેમ અને આનંદ જીવનનો પાયો છે; એ ન ભૂલવું જોઈએ.
ઉત્ક્રાન્તિની આગેકૂચમાં જો માનવજાતિએ મહામાનવ બનવાની હોડ બકવી હોય; તો માનવ ઈતિહાસને પીડી રહેલી આ પાયાની નબળાઈને ત્યાગવી જ રહી.
સત્યના માર્ગોના વિવાદોથી દૂર રહી; જે માર્ગ અપનાવ્યો હોય તેમાં સતત પ્રગતિ કરતા રહીએ. બીજા માર્ગો પર આવો પ્રવાસ કરનારા સત્યશોધકોનો દ્વેષ ન કરીએ. એમના પ્રકાશે આપણે ઉજળા થતા રહીએ – સત્યના હીરાની જેમ ચમકતા અને દમકતા બનીએ- સહુ નકારાત્મકતાઓથી દૂર સુદૂર……
વાચકોના પ્રતિભાવ