સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: નૂતન ભારત

ચા વેચતાં વેચતાં…

વડા પ્રધાન?

ના! એ વાત તો જૂની થઈ ગઈ……. અને એના કરતાં બે ડગલાં આગળ જાય એવી વાત.

લે, કર વાત ! ટાઢા પોરની ડિંગ લાગે છે !

       લો! આ લક્ષ્મણ રાવને જુઓ. દિલ્હીની ઇન્કમટેક્સ ઓફિસની નજીક હજુ પણ એ ફૂટપાથ પર ચા બનાવી પેટિયું રળે છે.

laxman-rao-delhi-chaiwallah-writer-650_650x400_61440100165

          એમાં શું? એવા તો કેટલાય ચાવાળા આખા દેશમાં છે; અને ચા પીવાશે ત્યાં સુધી રહેશે.

       પણ લક્ષ્મણરાવની વિશેષતા એ છે કે, ચા વેચતાં વેચતાં, ફાજલ સમયમાં ચોપડીઓ વાંચવાના રવાડે ચઢ્યા અને એ નશાએ એમને લખતા પણ કરી દીધા! અત્યાર સુધીમાં ૨૦ ચોપડીઓ લખીને છપાવી છે. એમાંથી હવે એ ચપટીક કમાય પણ છે. જો કે, ચા પીવડાવવામાં એમને ચાહ(!) અને વકરો બન્ને ખચિત વધારે છે ! સાથે સાથે એવણ ભણ્યા પણ ખરા હોં! બી.એ. તો થયા અને હાલ એમ.એ. ના્ છેલ્લા વરસમાં ભણે પણ છે – દીકરાની સાથે જ તો !

       લો….. આ વિડિયો જ જોઈ લો ને!

પણ નમો કરતાંબે ડગલાં આગળ કેમ?

સાવ સાદી વાત છે.

નમો હવે ચા ન વેચી શકે –
લક્ષ્મણરાવની કની !

સાભાર – શ્રી. ભીખુભાઈ મિસ્ત્રી, હ્યુસ્ટન

જ્ઞાન… જ્ઞાન… જ્ઞાન….

જ્ઞાનની પાછળ આખું જીવન ખર્ચી નાંખનાર આવી વિભૂતિ પણ થઈ ગઈ હતી ….

opinion_trigas

આ શિર્ષક પર ક્લિક કરો…

દૂધીનો ખાંટુ -નૂતન ભારત

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.
sheo_1

         આઠ ફૂટ લાંબી આ દૂધીનું નામ છે નરેન્દ્ર શિવાની દૂધી’. અત્યારના માહોલ પ્રમાણે ઘણી બધી બાબતોને ભારતના વડાપ્રધાન શ્રી. નરેન્દ્ર મોદીના નામ સાથે સાંકળી લેવામાં આવે છે – પછી ભલે ને એમાં તે મહાનુભાવનો ફાળો એક પૈસાનો પણ ન હોય! પણ આ દૂધીની બાબતમાં એમ નથી. આ જાતની દૂધી પહેલ વહેલી ઉત્તર પ્રદેશમાં અને તે પણ ૨૦૦૭ ની સાલમાં ઊગાડવામાં આવી હતી – જ્યારે શ્રી. નરેન્દ્ર મોદી ભારતના નહીં પણ ગુજરાતના વડા હતા !

કોણ છે આવડી લાંબી લસ દૂધી બનાવનાર ખાંટુ?

wegu_logo

આ લોગો પર ક્લિક કરો

ભેખધારી ડોક્ટર દંપતી

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

       સાત વરસની દક્ષાને ભમરડો ફેરવતાં અને કોક વાર ગિલ્લી દંડા રમતી જોઈ એનાં દાદીમા બોલી ઊઠ્યાં,” આ છોકરી વ્યતિપાતમાં જન્મી છે. એ મોટી થઈને અવનવા ખેલ કરશે.”

       અને એમ જ થયું. ૧૯૫૦માં મોહમયી નગરી મુંબાઈમાં મધ્યમ વર્ગના પણ સુખી જૈન કુટુમ્બમાં જન્મેલી અને વલસાડમાં મોસાળમાં ઉછરેલી, દક્ષા શાહ પંચાવન વર્ષની ઉમરે ધરમપુર પાસેના સાવ નાનકડા, નગરિયા ગામમાં ડો. દક્ષા પટેલ તરીકે આદિવાસી સ્ત્રીઓ અને કન્યાઓની ભોમિયણ, અરે! દાયણ બની ગઈ!

વલસાડના શહેરી જીવનથી આદિવાસીઓના સાવ પછાત વિસ્તાર સુધીની એ યાત્રા –

clip_image004_thumb-1

આ ચિત્ર પર ક્લિક કરી એ પ્રેરક જીવનકથા વાંચો.

નૂતન ભારત શ્રેણીની વાર્તાઓ – એક નવું કદમ

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

   એક વર્ષ પહેલાં ‘નૂતન ભારત’ શ્રેણીની વાર્તાઓ લખવાનું નક્કી કર્યું હતું  અને ‘વેબ ગુર્જરી’ના સંચાલકોએ ઉત્સાહપૂર્વક એ પરિશ્રમ અને એ પહેલને પોંખ્યાં હતાં – અલબત્ત ત્યાં પ્રકાશિત કરવાની અમૂલ્ય તક આપીને જ તો.

    જે આશયથી એ પહેલ અને એ પરિશ્રમ હાથમાં લીધાં હતાં – તે ‘વેબ ગુર્જરી’ ના પ્રવેશક મુજબ આમ હતાં –

પ્રવેશક

       પ્રિન્ટ મિડિયા અને હવે તો નેટ ઉપર પણ સમાચારોનું વર્ગીકરણ કરીએ તો મોટા ભાગના સમાચારો ફિલ્મો, રાજકારણ, ધર્મ કારણ, હિંસા, અત્યાચાર, સેક્સ, બદ દાનતો,ભ્રષ્ટાચાર વિ. ને લગતા જ વાંચવા મળે છે – મોટા માણસોની નાની નિયતની ઘણી બધી વાતો. ભારતમાં તો બધું આવું જ છે, અને એમ જ ચાલે – તેવી માન્યતા વિશ્વમાં તો શું ખુદ ભારતીય લોકોના માનસમાં પણ ઘર ઘાલી ગઈ છે.

      પણ છેક એમ નથી. નાના માણસોની મોટી વાતો પણ છે જ. એ પૂણ્યના પ્રતાપે તો દેશનું ગાડું ચાલે છે.

     એવા અનામી અદના વીરો, વીરાંગનાઓ, બાળક બાલિકાઓની વાતો લઈને ‘સમિધ’ વેબ ગુર્જરી પર આવ્યા છે. એમની નેમ છે – આ યજ્ઞથી અને એમાં હોમેલ આ વાર્તાઓ રૂપી સમિધથી વાચકનો સૂતેલો પ્રાણ જાગી ઊઠશે અને એમના નાનકડા વિશ્વમાં પણ ક્યાંક આવા દીવડા પેટાવવા એમને પ્રેરણા મળશે. એ કલ્યાણ-આતશ પ્રગટે, પ્રજ્વલિત થતો રહે, દીવડે દીવડો પેટાતો રહે, અને એ પ્રકાશ પૂંજ આપણી પગદંડી ઉજાળતો રહે એવી અભિપ્સા આપણે સેવીએ.

       આજનો આનંદ એ છે કે, આ પ્રેરક સત્યકથાઓ હવે ‘પ્રતિલિપિ’ પર પણ પ્રગટ થઈ રહી છે. પ્રતિલિપિના સંચાલકોનો આ બદલ હાર્દિક આભાર તો જરૂર માનવાનો જ છે;  પણ એ વિશેષ આનંદની વાત છે કે, ભારતીય સમાજ જીવનમાં નાના માણસની ખુમારી અને જિંદાદીલીની આ જીવનકથાઓનો વ્યાપ વધી રહ્યો છે.   

pl

પહેલી વાર્તા આ રહી…. ૪૨ કી.મી. દોડ સાડીમાં 

દર શુક્રવારે ‘નૂતન ભારત’  શ્રેણીની સત્યકથા ‘પ્રતિલિપિ’ પર જરૂર વાંચશો ને? 

બકરી જીતવા ફૂટબોલ

rup_1

      રૂપાંતીએ ત્રીજા ધોરણથી ફૂટબોલ રમવાની શરૂઆત કરી હતી. એક દાયકા સુધી તેણે આ રમત રમી તેમાં નિપુણતા હાંસલ કરી હતી. તેની શાળાના શિક્ષક ભગતનામે તેને ફૂટબોલ રમવાની પ્રેરણા આપી હતી. તેમણે જ રૂપાંતીને રમવા માટે શૂઝ ભેટમાં આપ્યા હતા. અગાઉ રૂપાંતી સાદા ચપ્પલ પહેરીને જ રમતી હતી. ફૂટબોલ પ્રત્યે લગાવ અને શિક્ષકની તાલીમથી તેણે આ રમતમાં સફળતા મેળવી હતી. કેરિયરની શરૂઆત થઇ ઇન્ટર સ્કૂલ મેચોથી. ત્યારબાદ તેણે ‘ખાસી’ ફૂટબોલ તરીકે ઓળખાતી ઇન્ટ્રા અને ઇન્ટર વિલેજ મેચોમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. ખાસી ફૂટબોલમાં જીતનારને બકરી ભેટમાં આપવામાં આવતી હતી

 ‘અમે બકરી મેળવવા જ રમતા.’
એમ રૂપાંતી હસતા હસતા કહે છે.

રૂપાંતીની કહાણી વાંચવા અહીં ક્લિક કરો…

 

 

શતાયુ મતદાતા

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

૨૫ઓક્ટોબર – ૧૯૫૧મંડીહિમાચલ પ્રદેશ

ne1

     શ્યામ! તમે વહેલી સવારમાં મતદાન મથકે આવી પહોંચ્યા છો. હજુ દાંત કડકડાટી બોલાવી દે, તેવી આકરી ઠંડી શરૂ થઈ નથી. છતાં પણ આટલી વહેલી પરોઢે તમારી જેમ કોઈ ઊઠે તેમ નથી. ખાલી ચોકીદાર જ દોડતો તમારી સામે ઊભો થઈ જાય છે.

      તમને મજાક મજાકમાં એ પુછે છે. “ કેમ, માસ્તર! ઘેરથી તમને ધક્કો મારીને કાઢી મુક્યા છે કે, શું?” તમે મતદાન કરવાની નાગરિકોની ફરજ વિશે તેને લાંબું લચ ભાષણ ઠપકારી દો છો; જાણે કે, એ તમારો કહ્યાગરો નિશાળિયો ન હોય?!

    ૧૯૧૭ માં  શ્યામસરણ નેગી ના આખા નામે જન્મેલ, એવા તમે ભારતના દેશભક્ત નાગરિક છો. દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તમે અંતરના ઉમળકા અને દેશદાઝથી ફાળો આપેલો છે. ગાંધી બાપુની હાકલને માન આપીને સત્યાગ્રહમાં તમે જોડાયા હતા અને જેલની હવા ચાખેલી હતી. સ્વતંત્ર ભારતનું બંધારણ અમલમાં આવ્યું છે અને પહેલી ચૂંટણી યોજાઈ છે, ત્યારે તમે મંડીની સરકારી શાળામાં ૩૪ વર્ષના તરવરતા શિક્ષક તરીકે સેવા બજાવો છો. આમ તો દેશમાં ચૂંટણી ૧૯૫૨ ના ફેબ્રુઆરી મહિનામાં યોજાવાની છે; પણ હિમાચલ પ્રદેશના દુર્ગમ વિસ્તારમાં  શિયાળાની સ્નો વર્ષામાં કામકાજ ઠપ્પ થઈ જાય તેના પાંચ મહિના પહેલાં એ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

      ચૂટણીની કાર્યવાહી સવારના આઠ વાગે શરૂ થાય છે. ભેગા થયેલા વીસેક મતદાતાઓમાં તમે પહેલા છો. આખા દેશમાં સૌથી પહેલો મત આપનાર મતદાતા તરીકે તમારું નામ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ગયું છે.

ne2

      તમારા આ સો વર્ષના આયખામાં યોજાયેલી એક પણ ચૂંટણીમાં તમે મત આપવાનું ચૂક્યા નથી. તમારી પત્નીએ પણ તમને આ પૂણ્ય કાર્યમાં પૂરો સહયોગ આપ્યો છે. જેને ચૂટણી જીતવી હોય તે જીતે, તમે બે તો હમ્મેશ ‘વિન’ જ થયા છો !

ne3

       ૧૯૭૫ માં સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયેલ શ્યામ આ ૨૦૧૭ માં ઘેર બેઠાં મત આપી શકે, તે માટે ચૂંટણી કમિશ્નરે તેમને ચૂંટણી મથક પર લઈ આવવા માટે વાહનની ખાસ વ્યવસ્થા ગોઠવી છે. ૨૦૧૦ માં ભારતના ચૂંટણી કમિશ્નર જાતે તેમને મળવા તેમના ઘેર પધાર્યા હતા, અને જાગૃત મતદાતા તરીકે તેમનું બહુમાન કર્યું હતું.

ne7

     ૨૦૧૪ માં ગૂગલની ભારત શાખાએ એમનો ખાસ વિડિયો તૈયાર કર્યો હતો – જે ૨૮ લાખથી વધારે લોકોએ જોયેલો છે .

शय

સાભાર – દિપિકા ભારદ્વાજ , The Better India


સંદર્ભ –

https://www.thebetterindia.com/119609/india-independence-first-voter-assembly-elections/

https://en.wikipedia.org/wiki/Shyam_Saran_Negi

http://www.himachalinews.com/2017/07/100-years-ago-the-countrys-first-voter-shyam-saran-nagi.html

http://indiatoday.intoday.in/story/meet-shyam-negi-independent-indias-first-and-oldest-voter/1/223616.html

https://www.quora.com/Why-is-Shyam-Saran-Negi-called-Indias-first-voter

 

અનાથનું એનિમેશન : ભાગ – ૨

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

[સત્યકથા આધારિત]

       ભાગ – ૧

       અઠવાડિયામાં તો શહેરથી ચાળીસ માઈલ દૂર આવેલી ચિત્રકામની તાલીમ આપતી સંસ્થાના બારણે તમારા પપ્પા તમને મુકી ગયા.

       પરેશ! તમારાં સીધાં અને ઝડપી ચઢાણ હવે શરૂ થયાં. સવારના ચાર વાગે ઊઠવાનું. બપોરના લન્ચના ટિફિન સાથે પપ્પા તમને એસ.ટી. સ્ટેન્ડ પર મુકી જાય અને તમે બસમાં સવાર થઈ, નવી નિશાળે હાજર. સાંજે આવો જ વળતો ક્રમ. આઠ વાગે નિત્યક્રમ પરવારી ત્રણ કલાક તમારું લેસન ચાલે, છેક બાર વાગે તમે નિંદર ભેળા થાઓ.

       પણ હવે તમારી સુકલકડી કાયામાં નવો પ્રાણ ફુંકાવા લાગ્યો હતો. તમારી આંખો કોઈક અજાણી ખુમારીથી ચમકવા લાગી હતી. પદ્ધતિસરની તાલીમથી તમારાં ચિત્રોમાં નવો જ નિખાર આવવા લાગ્યો હતો. ઘેરા, શોગિયલ રંગોનું સ્થાન આશાની ઉષાની સુરખી લેવા લાગી હતી. એમાં તમારો થનગનતો આત્મા અભિવ્યક્ત થઈ રહ્યો હતો.

      અને….એક વર્ષ પછી તમે ઘેર આવીને એક કાગળ તમારા પપ્પાના હાથમાં પકડાવી દીધો હતો. ત્રીસ જણના વર્ગમાં તમારો બીજો ક્રમ આવ્યો હતો; અને વર્ષાન્તે યોજાયેલી ચિત્રકામની હરિફાઈમાં તમારા ચિત્રને પહેલું ઈનામ મળ્યાંનું સર્ટિફિકેટ પણ સાથે સામેલ હતું.

      પરેશ! યાદ કરો; પપ્પાએ વહાલથી જીવનમાં પહેલી વાર તમારો ખભો થાબડ્યો; એ તમારે માટે સૌથી મોટું ઈનામ ન હતું?

      ચાર વરસની એ આકરી તપસ્યા પછી; તમે ડિપ્લોમા સર્ટિફિકેટ લઈને ઘેર આવ્યા ત્યારે તમારો જૂનો મિત્ર ત્રીજા વર્ગમાં બી.એ. પાસ થયો હતો; અને બી.કોમ. ના ક્લાસ ભરવા કે એલ.એલ.બી. એની મુંઝવણમાં હતો. કોઈ નોકરી મળવાની તો કોઈ જ આશા ન હતી.

     તમે છાપામાં આવેલી એક જાહેર ખબર પર અવિનાશનું ધ્યાન દોર્યું. શહેરની એક જાણીતી સંસ્થાના, મહિના પછી ભરાનાર પ્રદર્શનમાં સુશોભન કામ માટે ચિતારાઓની જરૂર હતી; અને તમારા જેવા ડિપ્લોમા ધરાવનાર ઉમેદવારોની અરજીઓ મંગાવી હતી. અવિનાશે કમને રજા આપી; જાણે અંદરથી એ વિચારી રહ્યા હતા,” છટ્ટ, ચિતારો!”

      જ્યારે એ પ્રદર્શન ખુલ્લું મુકાયું ત્યારે એના પ્રવેશદ્વાર પર અને અંદરની મોખરાની જગ્યાએ, મનોહર રંગોથી દીપી રહેલાં તમારાં દોરેલાં ચિત્રો અને સજાવટ સૌનું ધ્યાન ખેંચી રહ્યા હતા. પરેશ! તમારી વર્ષો જૂની હૈયાની આકાંક્ષાઓ તે દિવસે વિજયનાદના ઢોલ પીટી પીટીને તમારા ઉત્સાહને પ્રજ્વલિત કરી રહી હતી.

     પણ આમ છૂટક કામ હમ્મેશ થોડું જ મળે? ફરી પાછા સુબોધભાઈ તમારા ઘેર આવી પહોંચ્યા. એમના હાથમાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલી, બેન્ગલોરમાં ‘કોમ્પ્યુટર એનિમેશન’નું કામ કરતી એક સંસ્થાની જાહેરખબર હતી. એ લોકો વર્ષે ૫૦,૦૦૦ રૂપિયા લઈ, તાલીમ આપવાના હતા; અને એમાં સફળ થાય તો કાયમી નોકરીએ રાખવાની આશા આપતા હતા.

     અવિનાશ તો કેમ કરીને આવું સાહસ કરવા તૈયાર થાય? પેટે પાટા બાંધીન ઉછેરેલ આ રતન જેવા દીકરાને આટલે દૂર મોકલવાનો? અને એ પણ આટલી મોટી રકમ ખર્ચીને?

     સુબોધભાઈ બોલ્યા,” લે! અડધી રકમ હું આપીશ. અને ત્યાં ગયા પછી, પરેશને પાર્ટ ટાઈમ નોકરી પણ કદાચ મળી જાય.”

     પરેશ! તમારું હૃદય પણ જોર જોરથી ધડકવા લાગ્યું ન હતું? ‘શહેરથી ચાલીસ માઈલ દૂર જવું એક વાત હતી; અને આ? છેક બેન્ગલોર જવાનું? અને એકલા રહેવાનું? મમ્મી, પપ્પાને પણ ન મળી શકાય.’

    તમે જાતે જ નન્નો ભરી દીધો. પણ સુબોધભાઈ? બાબરા ભૂતની પ્રતિકૃતિ જેવા એ કાકા તો થેલીમાંથી બીજી જાહેર ખબરો કાઢીને બતાવવા લાગ્યા. આવી તાલીમ લીધી હોય, તેવા લોકોને નોકરી માટેની એ જાહેર ખબરો હતી. એકેયમાં મહિનાના ૪૦,૦૦૦ રૂ.થી ઓછી રકમની ઓફર ન હતી.

    અને છેવટે તમારા પપ્પા પીગળ્યા; અને તમે ડરતા દિલ સાથે બેન્ગલોરના સ્ટેશન પર પગ મૂક્યો. અને કેવી હરકતોથી ભરપૂર એ જિંદગી? કમ્પનીની ઓફિસ તો શહેરના મુખ્ય વિસ્તારમાં હતી. એનાથી ઘણે દૂર, એક નાના ફ્લેટમાં સાવ અજાણ્યા પ્રદેશના ચાર સાથીઓ સાથે રહેવાનું. કલાક જતી વખતે અને કલાક પાછા વળતી વખતે બસની ધક્કામુક્કીમાં સફર. ઘેર જઈને મિત્રોની સાથે બનાવેલું, સાવ બેસ્વાદ ભોજન લસલસ કેમે કરી ગળેથી નીચે ઉતારવાનું. એમાંથી જ બચેલી સામગ્રીમાંથી સવારનો નાસ્તો અને બીજા દિવસ માટેનું ઓફિસમાં ખાવાનું લન્ચ. અને રાતે મોડા સુધી હોમવર્ક તો પતાવવાનું જ ને? ક્યાં મમ્મીના હાથની ગરમાગરમ અને વ્હાલથી ભરેલી ગુજરાતી રસોઈ અને ક્યાં આ ચવ્વડ, જાડા રોટલા?

     ખેર, ઉજળા ભવિષ્યની એક માત્ર આશા જ થાકથી ઉભરાતી તમારી સુકલકડી કાયાનો એક માત્ર આધાર ન હતી?

એક વર્ષ પછી.

     પરેશ! તમે ઉત્સાહથી ઓફિસની બાજુમાં આવેલ એસ.ટી.ડી. કોલ સેન્ટર પરથી પપ્પાને ફોન જોડ્યો,”પપ્પા! મને આજે કમ્પનીએ નોકરીની ઓફર આપી છે. મહિનાના ૫૦,૦૦૦ રૂપિયા પગાર. બધા ટ્રેઈનીઓમાં મારો બીજો નમ્બર આવ્યો. પગાર ઉપરાંત મને બે બેડરૂમના ફ્લેટમાં રહેવાનું ભાડું પણ આપશે. ઘેર કામ કરી શકું એ માટે કમ્પની જ મને લેપટોપ આપવાની છે; અને સેલફોન પણ. તમે અને મમ્મી અહીં મારી સાથે રહેવા ક્યારે આવશો??

     પરેશ! એ શુકનિયાળ દિવસના એક મહિના પછી તમે હૈદ્રાબાદના સ્ટેશન પર પપ્પા/મમ્મીના આવવાની રાહ જોઈ રહ્યા છો. કમ્પનીએ આપેલા બે બેડરૂમના ફ્લેટમાં તમે તેમને માટે એક બેડ રૂમ કેવો સજાવી રાખ્યો છે? અને…’દિવાલો પર તમે બનાવેલા કોમ્પ્યુટર ગ્રાફિક્સના લેમિનેટેડ પ્રિન્ટ આઉટ જોઈ, મમ્મી ભીંતો પર તમે કરેલા લીટા યાદ કરતી, કેવી મલકાશે?’- એની કલ્પના કરીને તમારા ચહેરા પણ આછી આછી મુસ્કાન રમત રોળિયાં નથી કરી રહી?

      ત્યાં જ તમારો સેલફોન રણકી ઊઠે છે. એની ઉપર તમે જ બનાવેલું રંગબેરંગી એનિમેશન કૂદકા અને ભુસકા મારતું તમારા મિત્રના ટેક્સ્ટ સંદેશાની જાણ કરે છે,”પરેશ! તારા પપ્પા મમ્મી આવી ગયા?”

અનાથનું એનિમેશન : ભાગ -૧

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

     પરેશ! તને તો ક્યાંથી યાદ હોય કે, તું અધુરા માસે જન્મ્યો હતો? – સાવ સુકલકડી- મરવાના બદલે જીવી ગયેલો. અને જન્મ સાથે જ તારી સગી માતાએ તને રસ્તા પર છોડી દીધેલો. કેવો હશે તે બિચારીનો માનસિક પરિતાપ? સાત મહિના પેટમાં તમે ઉછેરેલો હશે; ત્યારે એના મનના વિચાર કેવા હશે? ધિક્કાર છે; એ સમાજને જે, એક તરફ માતૃત્વના ગૌરવનાં ગીતો ગાય છે અને બીજી તરફ કુંવારી માતાને પથ્થર મારતો રહે છે.

    ખેર, એ તો વર્ષો પહેલાંની ભુલાઈ ગયેલી ઘટના હતી. પણ વિધાતાએ તારા લેખ કાંક અવનવા જ લખ્યા હતા. અનાથાશ્રમના બારણેથી વહેલી સવારે તારી સવારી એ આશ્રમની અંદર પહોંચી ગઈ; અને તારા જીવન આશ્રમની શરૂઆત થઈ ગઈ. તને જીવતો રાખવા એ ભલા માણસોએ તને તરત હોસ્પિટલ ભેગો કરી દીધો હતો. સમયસર મળેલા એ કૃત્રિમ શ્વાસોચ્વાસે તારા હૃદયને ધબકતું રાખ્યું હતું.

      માંડ ત્રણ જ મહિના વીત્યા, ન વીત્યા… અને એક ખાનદાન, નિઃસંતાન દંપતીએ તને દત્તક લઈ લીધો. તારાં પુનિત પગલાંથી અને તારા આક્રંદ અને કિલકારીઓથી એમનું ઘર ભર્યું ભર્યું થઈ ગયું. તારા પાલક માતા પિતાના બધા કુટુમ્બીઓએ પણ તેમના સમાજમાં બાળક દત્તક લેવાના આ પહેલા જ અવસરને ઉમંગભેર વધાવી લીધો. તારા એ નવા ઘરમાં એ સૌએ આપેલી ભેટોથી એ ઘર ચમકી ઊઠ્યું.

     સમયને જતાં કાંઈ વાર લાગે છે? ક્યાં છ વર્ષ પસાર થયાં તેની ખબર જ ના પડી. તને નિશાળમાં દાખલ કરવામાં આવ્યો; અને હવે તારા જીવનનાં આકરાં ચઢાણોની બીજી સફર શરૂ થઈ ગઈ.

   પુરા સમય કરતાં વહેલાં થયેલા જન્મ અને જન્મ સમય પહેલાંની ગર્ભ પાડી નાંખવાની કોશિશોને કારણે તારા શરીર અને મગજ પર વિપરિત અસર પડી હતી. શરીરનો નબળો બાંધો; અને જીવનના નવા નવા પાઠો શીખવામાં તને પડતી મુશ્કેલીઓ હવે તને નિશાળમાં નડવા લાગી. માંડ માંડ ઉપર ચઢાવવાના પ્રતાપે, ચાર ધોરણ સુધી તો તું પહોંચી જ ગયો; પણ માધ્યમિક શિક્ષણની કોઈ જાણીતી શાળા તને દાખલ કરવા તૈયાર ન હતી. હવે તને પોતાને પણ તારી નબળાઈઓ સમજાવા લાગી જ હતી ને? તું એ માનસિક તાણનો છુટકારો ઘરની દિવાલો પર આડા અવળા લીટા પાડીને મેળવતો હતો. માબાપ વઢે; તો ચોરી છુપીથી ખૂણે ખાંચરે તારી કલા પર તું ગર્વ લેતો થઈ ગયો.

   આગળ અભ્યાસ માટે મ્યુનિ, શાળા સિવાય તારે માટે કોઈ બીજો વિકલ્પ ન હતો. ત્યાંના શિક્ષકોની બેદરકારી અને શિક્ષણનાં નીચાં ધોરણો તારી નબળાઈઓને વકરાવતા જ રહ્યા. અને એનો પડઘો તારાં ચિત્રોમાં પડતો રહ્યો. તને હમ્મેશ ઘેરા, શોગિયા રંગો જ ગમતા. અને ચિત્રોના વિષયોમાં પણ કોઈ ફૂલ કે ઝાડ નહીં. રાતના ડિબાંગ અંધારાથી ભરેલા આસમાનમાં ચમકતા તારા – એ તારા ચિત્રોનો સૌથી વધારે ગમતીલો વિષય રહેતો.

    એટલે જ તો પાંચમા ધોરણમાંથી માંડ માંડ ઉપર ચઢાવતી વખતે વર્ગ શિક્ષકે રિપોર્ટમાં લખ્યું ન હતું,”ભણવામાં કાચો છે; પણ ચિત્રો સારાં દોરે છે.”

   તારાં પાલક માબાપ પણ ક્યાં આર્થિક રીતે બહુ સદ્ધર હતાં? છતાં પેટે પાટા બાંધીને તેમણે છઠ્ઠા ધોરણથી જ તારા માટે ટ્યુશનની વ્યવસ્થા કરી દીધી. આમ ને આમ શામળશાહના વિવાહ વખતના ગાડાની જેમ તારું રગશિયું ગાડું, મેટ્રિકના દરવાજા લગણ તો પહોંચી ગયું.

  અને જ્યારે દસમા ધોરણનું પરિણામ બહાર પડ્યું; ત્યારે તું ચાર વિષયમાં નાપાસ થયો હતો; અને એમાંનો એક તો ગુજરાતી ભાષાનો!  છ છ માસે લેવાતી બીજી બે પરીક્ષાઓના અંતે અભિમન્યુનો એ કોઠો તેં પાર તો કર્યો; પણ કુલ માર્ક માંડ ૪૫ ટકા આવ્યા હતા!

  અને એક સોનેરી સવારે સુબોધ ભાઈ નામના તારા પિતાના એક સંબંધી તમારે ઘેર મળવા આવ્યા. સ્વાભાવિક રીતે તેમણે તારા પિતા અને તેમના મશિયાઈ ભાઈને પુછ્યું,” કેમ, અવિનાશ! પરેશનું દસમાનું શું પરિણામ આવ્યું.”

     અવિનાશ,” શું કહું? માંડ માંડ ધક્કા મારીને પાસ તો થયો છે; પણ શહેરની કોઈ કોલેજમાં એને એડમીશન મળવાનું નથી. આર્ટ્સની કોલેજ માટે પણ બાજુના નાના શહેરમાં એને ભરતી કરાવવો પડશે.”

  ઘરના દિવાન ખંડની દિવાલ પર બે ચિત્રો લટકતા હતા. સુબોધે એ ચિત્રો જોઈ પુછ્યું, “આ ચિત્રો કોણે દોર્યા છે? “

    અવિનાશ,” આ કાળમુખાએ જ તો. એ સિવાય એને બીજું ક્યાં કશુંય આવડે છે? નાનો હતો ત્યારની ભીંતો બગાડવાની એની કુટેવ હજી ગઈ નથી.”

    સુબોધ,” અવિનાશ! એમ ન કહે. આટલા સરસ ચિત્રોને તું લીંટા કહે છે? કોઈ પ્રદર્શનમાં મુકે તો ઈનામ લઈ આવે.”

  અવિનાશ” ધૂળ અને ઢેફાં!  એમ ચિતરામણ ચીતરે કાંઈ પેટ ભરાવાનું છે? આજકાલ મોંઘવારી પણ કેટલી બધી વધી ગઈ છે? મારી નોકરી બંધ થાય પછી, મારી બચતમાંથી જ ઘર ચલાવવું પડશે. એ અક્કરમી થોડો જ કમાઈ લાવવાનો? ”

   સુબોધ,” અવિનાશ! તને ખબર નથી. હવે તો કલાકારોની નવી ટેક્નોલોજીમાં બહુ જરૂર હોય છે. મારે ઘેર એને લઈને આવજે. હું તમને કોમ્યુટર પર ચિત્ર કરવાના સોફ્ટવેર બતાવીશ.”

  અને અઠવાડિયા પછી, તમે પપ્પા મમ્મીના હાઉસન જાઉસન સાથે સુબોધ ભાઈના ઘેર પહોંચી ગયા. સુબોધે તમને કોમ્પ્યુટર પર ચિત્ર શી રીત બનાવવું એનો સહેજ ખ્યાલ આપ્યો; અને પછી બન્ને મશિયાઈ ભાઈઓ, મમ્મી અને કાકી દિવાન ખંડમાં વાતે વળગ્યા.

  થોડી વારે તમે દિવાન ખંડમાં ગયા અને પુછ્યું,” કાકા, બીજું ચિત્ર દોરવું હોય તો શું કરવાનું?” તારું ચિત્ર જોઈને સુબોધ ભાઈ બોલી ઊઠ્યા,” અલ્યા અવિનાશ! આ જો તારા રાજકુમારની કોમ્પ્યુટર પર પહેલી જ કરામત. હું તને હાથ જોડીને કહું છું કે, પરેશને આર્ટ્સનો ડિપ્લોમા કરાવ અને સાથે સાંજના વખતે કોમ્પ્યુટરના કોર્સમાં દાખલ કરાવી દે.”

    આ સાંભળી પરેશ! તમારી આંખો ચમકી ઊઠી ન હતી?

   એક અઠવાડિયા પછી, તમારા પપ્પાએ સુબોધભાઈને ફોન કર્યો,” સુબોધ! મેં તપાસ કરી. પરેશને એ ડિપ્લોમા કોર્સમાં એડમીશન   તો મળી જાય એમ છે. પણ એના ભવિષ્યનું શું? કોણ આ ચિતારાને નોકરી રાખશે? આપણા બધા સંબંધીઓ પણ આ પ્લાનનો સજ્જડ વિરોધ કરી રહ્યા છે; અને મને કહે છે,’ દિકરાને ખાડામાં નાંખવો છે?’

   સુબોધે શું કહ્યું, એ તો તમે સાંભળી ન શક્યા; પણ કપાળ કૂટીને તમારા પપ્પાએ તમને કહ્યું,

       ” લે! આ તારો કાકો તને ચુલામાં નાંખવાનું કહે છે – તો તું જાણે અને એ. કાલે મારી નોકરી નહીં હોય; ત્યારે ભીખ માંગવાની તાલીમ લેવા પણ એની પાસે જજે.”

બીજો ભાગ અહીં …..

એક ઊંચી ઊડાન – જમીન પર રહીને

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

 

     “ચલને અલ્યા મલય! આપણે ગિલ્લીદંડા રમીએ. “

    અને મલય સ્લેટને ફંગોળીને શેરીમાં દોડી ગયો. છેક મોડી સાંજે ઘરમાં પાછો આવ્યો; ત્યારે એને યાદ આવ્યું કે, ગામની ધૂળિયા નિશાળના માસ્તરે આપેલું લેસન તો બાકી જ રહી ગયું હતું. લસ લસ કોળિયા ભરતાંકને તેણે સાંજનું વાળુ પતાવી દીધું.  ચપટીકમાં જ માસ્તરને બહુ વ્હાલા મલયે એમને નારાજ ન કરવાની લ્હાયમાં, ઊંઘરેટી આંખ છતાં લેસન તો પતાવી જ દીધું.

   બીજા દિવસે નિશાળમાં માસ્તરે એનું લેસન તપાસી દસમાંથી દસ માર્ક આપી શાબાશી આપી અને આખા ક્લાસને કહ્યું,” આખો દહાડો ગીલ્લી દંડા ઠોક્યા કરો છો – તો આ મલયને જુઓ. આમ લેસન કરાય.”

    મલય અને એનો જીગરી દોસ્ત મૂછમાં મલકાઈ પડ્યા!

    નાનપણમાં ઘણાં છોકરાઓ ભારે તોફાની હોય, તેમ મલય પણ બહુ જ તોફાની હતો. જો આસપાસમાં ખુલ્લી કોતરો ને ડુંગરા હોય, તો પૂછવું જ શું? મમ્મી રવિવારે ભણવા બેસાડે, ત્યારે આ ઝાડ ને પેલા ઝાડ પર ચડી જાય, આખા વગડામાં મમ્મી શોધી શોધીને રડવા જેવી થઇ જાય ત્યારે મલય નીચે ઉતરે ને પેટ પકડીને હસે, પણ પછી લેસન તો જાતે કરી જ લે.

     વેકેશનમાં મામાના ઘેર મુંબઇ જાય તો બહુ મજા કરે, પણ ઘણાં લોકો, ગામડિયો કહીને ઉતારી પાડે ત્યારે બહુ લાગી આવતું.

આથી સરકારી નોકરી કરતા એના પિતાએ ક્લાર્કની નોકરીમાં શહેરમાં બદલી માંગી. મલયના નવમા ધોરણ વખતે મલયનું શહેરમાં ભણવાનું સ્વપ્નું સાકાર થયું.

     પણ, ગામ અને શહેરની જીવન જીવવાની રીતભાતમાં બહુ મોટું અંતર, ખુલ્લા સરકારી આંગણાંની જગ્યાએ અહીં તો બહુ ભરચક વિસ્તારમાં માંડ એક રુમ-રસોડાનું ઘર પિતાએ વેચાતું લીધું. મલયને મિકેનિકલ વસ્તુઓમાં ભારે રસ પડતો. આથી એણે શહેરમાં આવીને મિકેનીકલ ડિપ્લોમાના અભ્યાસનું વિચારેલું. પિતાને પણ એ વિચાર યોગ્ય લાગતો જેથી મલય જલ્દીથી પગભર થઇ શકે.

     પણ ગામ અને શહેરી રીતભાતની અસર વચ્ચે બહુ ધાર્યું પરિણામ ના મળ્યું અને એ વખતે નવા એવા  કમ્પ્યુટરના ડિપ્લોમામાં તેને એડમીશન મળ્યું.

    ખંતીલા મલયને  કમ્પ્યુટરની મશીનરીથી લઇને એની બનાવટ, એના ઉપયોગો, એનું સમારકામ બધી બાબતોમાં એટલો બધો રસ પડવા લાગ્યો કે, ના પૂછો વાત. આખા રાજ્યમાં એ કમ્પ્યુટર ડિપ્લોમામાં પ્રથમ આવ્યો. એના મામાએ એને કમ્પ્યુટર ભેટ આપ્યું. ડિપ્લોમા અભ્યાસ દરમ્યાન એને ભાન થઈ ગયું હતું; કે તે તો એંજિનીયરીંગ કોલેજમાં જોડાઈ વટદાર ઈજનેર બની શક્યો હોત.

    ડિપ્લોમાના અભ્યાસથી એ ખૂબ ખુશ હતો. હજુ કાંઈ મોડું નથી થયું, એમ વિચારીને ઊંચું નિશાન તાકવાની લ્હાયમાં અને  હોંશમાં તેણે પૂના જઇને આગળ ડીગ્રી અભ્યાસનું ફોર્મ ભરી દીધું, એડમીશન તો મળ્યું પણ મોંઘવારીમાં સામાન્ય પરિવારને હોસ્ટેલ, ચોપડીઓ  વિગેરે ખર્ચ પોસાય તેમ નહોતા; એટલે પિતાએ પૂના આગળ અભ્યાસની ના કહી.

    એને કે એનાં માવતરને કોઈ અંદાજ જ ન હતો; કે આ સિદ્ધિ તેને કયા શિખર સુધી પહોંચાડી શકશે. સગાં વ્હાલામાં પણ એવી કોઈ દિશાનું જાણકાર ન હતું કે, મલયને તો કોલેજમાં ભણવાની સ્કોલરશીપ મળી શકે; અને વિના ખર્ચે તે એન્જિનિયર બની શકે.

     મલયે પિતાનું માન જાળવવા પોતાનું મન માર્યું અને અનુભવ કમાવવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું. જો કે ડિપ્લોમામાં પ્રથમ આવેલ હોવાથી સાહેબ અને ઘણાં લોકોએ નજીકની ડીગ્રી કોલેજમાં એડમીશન લેવા પ્રોત્સાહિત કર્યો. પણ મલયનું મન હવે ભણવામાં લાગતું જ ન હતું.  વળી, જાતે જ પાછલા ત્રણ વરસમાં એટલો અભ્યાસ કરેલો કે એને બારમું કરીને ડીગ્રીમાં હાંફતા હાંફતા માર્કસની રેસમાં ભણતા વિદ્યાર્થીઓ વચ્ચે ભણવાનું ફાવતું જ નહીં  એટલે એણે કમાવામાં ધ્યાન કેન્દ્રિત કર્યું.

   કમ્પ્યુટર રિપેરિંગમાં એ નિષ્ણાત હતો અને એક ઇન્સ્ટિટ્યુટની લેબનો ઇન્ચાર્જ બન્યો. જેનું પણ કમ્પ્યુટર રિપેર કરતો તે  દરેકનું દિલ મલય જીતી લેતો.  ૧૯ વરસના આ છોકરાને આગળ અભ્યાસ માટે લગભગ બધા પાસેથી ઘણું પ્રોત્સાહન મળતું. સાહેબોના સહકારથી એ ટૂકડે ટૂકડે કોલેજમાં હાજરી ભરી આવતો. પણ એને અંગ્રેજી પર કાબુ મેળવવો બહુ જરૂરી લાગ્યો. તે કોલ સેન્ટરના ટેક્નિશિયન તરીકે પૂનાની નાની કંપનીમાં ભરતી થઇ ગયો. પાછું એણે ભણવાનું છોડી દીધું. પણ આભને આંબવાનું સ્વપ્નું જોયા કરતો. પૂનામાં આગળ ભણી ના શકાયું એનો અફસોસ એને હતો એટલે એણે મનગમતા પ્રોફેશનલ સર્ટિફિકેટ કોર્સ  કરવા માંડ્યા.

     પણ એ એટલો ચપળ, મહેનતુ અને પરોપકારી હતો કે, એની કાબેલિયત નજર અંદાજ કરીને એના ઉપરીએ એને કોલેજનું ભણવાનું પૂરું કરી લેવા સમજાવ્યું. એક દિવસ એક મિત્રે પણ ખૂબ દબાણ કર્યું. એટલે એણે પાછા છ એક મહિના કોલેજમાં ધ્યાન આપ્યું અને પાછલા વરસના બધા પેપર પૂરા કર્યા.

    આમ, ટૂકડે ટૂકડે કામના અનુભવની સાથે સાથે મલયબાબુને માથે છ વર્ષે ઈજનેરનું છોગું પણ લાગી ગયું. મલયને હવે ભાન થઈ ગયું હતું કે, તેની હેસિયત કેટલે સુધી તેને પહોંચાડી શકે છે.

    એ હવે મલ્ટિનેશનલ કંપનીમાં ઉડાન ભરવાનું વિચારતો હતો, તેવામાં એક વખત મિત્ર મંડળીમાં સ્કોલર એવા એક મિત્રને મલ્ટીનેશનલ કંપનીના ઇન્ટર્વ્યુમાં રિજેક્શન થયું ને મલયે એને સહજ સલાહ આપી કે ‘પ્રેક્ટિકલ જ્ઞાન વધુ અગત્યનું છે.”

   એ દોસ્ત અને બીજા મિત્રોએ મલયને ચેલેન્જ ફેંકી , ‘તારામાં છે ને વધારે આવડત!  તો લઇ બતાવ આ જ નોકરી’. અને સાચે જ એણે એ જ મલ્ટિનેશનલ કંપનીમાં પુરા પાંચ ટેક્નિકલ ઇન્ટર્વ્યુમાં એવું સરસ કામ કર્યું કે એને મોં માંગ્યા પગારથી રાખવાની ઓફર કરવામાં આવી.

     મલયની જિંદગી રાતોરાત બદલાઇ ગઇ. બે વરસમાં તો સ્ટાર પર્ફોર્મરના બે મૂલ્યવાન એવોર્ડસ મળ્યા.

     કમ્પનીના ઘરાક હંમેશા એના કામનાં વખાણ કરતા  અને લે, કર વાત! આવી જ બીજી એક કમ્પનીમાં બેન્ગલોરમાં કામ કરતી હીરા જેવી એક કન્યા માલતી સાથે એની આંખ-ગિલ્લી ટકરાઈ ગઈ! એ ગિલ્લીએ એને મહામૂલી જીવનસાથી પણ આપી દીધી.

     પત્નીને બધી રીતે એની કારકિર્દીમાં ટેકો આપવા, લાંબુ વિચારીને પોતાની ગમતી નોકરી મલયે છોડી દીધી. સદભાગ્યે   તેને પણ બેન્ગ્લોરમાં બીજી એક નવી નોકરી મળી  ગઈ. આ નવી નોકરીમાં એને વિદેશમાં કામ કરવાનો સારો અનુભવ મળવા લાગ્યો. વચ્ચે એણે વિશ્વ વિખ્યાત ગૂગલ કમ્પનીમાં પણ ટેસ્ટ આપ્યો. એમાં તેને  સોમાંથી સો માર્ક મળ્યા. પણ તે જે કામ માટે  માહેર હતો; એની ત્યાં કોઈ જ જરૂર ન હતી.

   પણ નાસીપાસ થાય તો ગિલ્લી આગળ શી રીતે ઊછાળી શકાય? મલયને એનો બરાબર અનુભવ હતો ! એણે ધૂળિયા પહાડી ગામમાંથી મલ્ટિનેશનલ કંપની સુધીની છલાંગ તો ભરી જ દીધી હતી ને?

     છેલ્લા છ વરસની મહેનત અને અનુભવના સધિયારે ફરી એક વખત મલયે લંડનનું નિશાન તાક્યું. પાછલા વરસોની સખત મજૂરીના સબબે તેને આ કમ્પનીમાં કદીક એમ્સ્ટર્ડેમ, કદીક બર્લિન, તો કદીક પેરિસ જવું પડતું. નોકરીના રોજ કમ સે કમ બાર કલાક તો ખરા જ.  સુખી જીવન જીવવાના બધા કોડ બાજુએ મૂકીને ,  કમ્પ્યુટર રિપેરિંગથી લઇ ‘આઇ-ટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેશીયાલિસ્ટ’ ના અનુભવના જોરે એની ગિલ્લી દૂર ને દૂર ફંગોળાતી રહી! માલતીએ પણ એના આ ઉન્નત ગગનની કષ્ટભરી ઊડાનોને પૂરો સાથ આપ્યો. તે હવે લન્ડનમાં ઘર સાચવીને બેસી ગઈ.

    આજે મલય વિશ્વવિખ્યાત કમ્પનીમાં ૧૫૦ સોફ્ટવેર એન્જિનિયરોનો ‘સાહેબ’ છે, ગાડાંના પૈડાં જેવા પાઉન્ડમાં  મસમોટો પગાર મેળવે છે અને ……

   એની ગિલ્લી હજુ વધારે દૂર પહોંચવાની જ છે, કારણ કે,  મલયની જીવન નૌકાએ હજી ચાળીસી પણ વટાવી નથી!