સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: નૂતન ભારત

મેનેજર

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

સત્યકથા પર આધારિત  

         આમ ઉંધી ચોપડી રાખીને તું શું વાંચે છે?” તમે અંદર ઊકળી રહેલા ગુસ્સાને માંડ દબાવી, દીકરા મહેશને કહ્યું.

       મહેશ બારમા ધોરણની પરીક્ષાની તૈયારી કરતો એના રૂમમાં વિજ્ઞાનની ચોપડી હાથમાં રાખી, વાંચવાનો ડોળ કરી રહ્યો હતો.

        રસિકલાલ! કેટલા ઉમંગથી તમે આ દીકરો એન્જિનિયર બનશે એવા ખ્વાબ સાથે, શહેરની સારામાં સારી ગણાતી નિશાળોમાંની એકમાં એને દાખલ કરાવ્યો હતો? અને મોંઘા પાડનાં ટ્યુશનો? ગુજરાતી જેવા વિષયનું પણ ટ્યુશન એને રખાવી આપ્યું હતું.  દીકરો ક્યાંયથી પાછો નહીં જ પડે; એવી ચોક્કસ હૈયાધારણ તમને હતી. દસમા પછી નિશાળમાં એને વિજ્ઞાન પ્રવાહને બદલે કોમર્સ પ્રવાહમાં દાખલ કરાવવાની વર્ગ શિક્ષકની સલાહને તમે તુમાખીમાં હસી કાઢી હતી. ‘મારો દીકરો – અને બેન્કનો કારકુન બને? છટ્‍ ‘

       તમે આમ તો એની રૂમમાં કદી ડોકિયું પણ ક્યાં કરતા હતા? ટ્યુશનવાળા સાહેબો, એને બરાબર તૈયાર કરી જ રહ્યા હતા ને? તમે ક્યાં તમારી ઓફિસના કામ અને એને લગતા રાજકારણમાંથી સહેજ પણ સમય મહેશ માટે ફાળવી શકો એમ હતું? પણ તે દિવસે મહેશના રૂમમાંથી તમારી એક જૂની ફાઈલ શોધવા ગયા હતા; અને ચોપડી ઊંધી જોઈને તમારો ગુસ્સો આસમાને પહોંચી જતાં તમે માંડ રોકી શક્યા હતા.

       મહેશે ઊંઘરાટા ચહેરે ચોપડીમાંથી મોં બહાર કાઢ્યું. તમને રૂમમાં આવેલા જોઈ, તે એકદમ ઊભો થઈ ગયો; વિજ્ઞાનની ચોપડી નીચે પડી ગઈ; અને નીચી ડોક રાખી તે ઊભો રહ્યો.

“કયા વિષયની આ ચોપડી છે?”

“ગણિતની.” ,મહેશે ડરતાં ડરતાં જવાબ આપ્યો.

       અને હવે તમારો દબાવી રાખેલો ગુસ્સો જ્વાળામુખીની માફક ઊછળી આવ્યો. “અલ્યા! કયા વિષયની ચોપડી તું વાંચે છે; એનું પણ તને ભાન નથી? તું પરીક્ષામાં શું ઉકાળવાનો? મારા પૈસાનું પાણી કરવા, મારું નામ ડુબાવવા તું અક્કરમી પેદા થયો છે?”

      તમારો મોટો અવાજ સાંભળી તમારી પત્ની વનલીલા રૂમમાં દોડી આવી; અને તમને ખેંચીને રૂમની બહાર લઈ ગઈ. તમે તેને મહેશિયાના પરાક્રમ વિશે લાંબું ભાષણ ઠોકી દીધું. વનલીલાએ એનો બનતો પ્રયત્ન તમને શાંત કરવા કર્યો. તે દિવસે સાંજે તેની બહેનપણીઓ સાથેની કિટ્ટી પાર્ટીની વાતો કરી. એની બહેનપણીઓની ખાસિયતો અને ખાસ તો એ બધાંની બદબોઈ જ એમાં ભરી પડી હતી ને?

     તમે માંડ માંડ પથારીમાં સુતા. કલાકેક તમારા મનમાં ગડમથલ ચાલતી રહી. તમારા ભૂતકાળની, તમારી કિશોરાવસ્થાની માનસિક અવઢવો તમને યાદ આવી ગઈ. તમે પણ આમ જ ડોક્ટર બનવાના સપનાં સેવતા હતા ને? અને બી.કોમ. / એમ.કોમ. થઈને કારકૂની કરતાં કરતાં બેન્કના મેનેજરના પદે પહોંચ્યા હતા ને? તમારા જીવનમાં કરેલા સંઘર્ષોની આખી તવારીખની તસ્વીર તમારા મનના કાળાડિબાંગ પડદા પર શાહરૂખખાનની હીટ ફિલ્લમની માફક આગળ અને આગળ ધસી રહી. અને તમારા મગજમાં એક નવા જ સંકલ્પે જન્મ લીધો.

      રાતના બારેક વાગે તમે ફરી મહેશની રૂમમાં ગયા. મહેશના ચહેરા પર છવાઈ ગયેલી ઉદાસી એના મનમાં ચાલી રહેલા સંઘર્ષની ચાડી ખાતી હતી. તમે ધીમા અવાજે એને પુછ્યું,’ બેટા! તને ભણવાનું નથી ગમતું?”

     અને મહેશ ચોધાર આંસુએ રડી પડ્યો. ”પપ્પા! મને આ વિષયોમાં સહેજ પણ સમજણ પડતી નથી. અને એન્જિ. માં ૮૫ ટકાએ ગઈ સાલ એડમીશન અટક્યું હતું.”

      રસિકલાલ! બહાર નીકળી ના શકે એવા આંસું સાથે તમે અંતરથી રડી પડ્યા. તમે ખીસામાંથી ચારસો રૂપિયા કાઢી મહેશને આપ્યા. ‘લે! આ રકમ લઈ, કાલે સવારે ફોઈના ઘેર જજે. પંદર દિવસ ત્યાં મજા કરજે. કોઈ ફિકર રાખવાની નથી. પંદર દિવસ પછી, હવે તારે શું કરવાનું – એનો નિર્ણય આપણે લઈશું.”

       તમારી પાછળ આવી પહોંચેલી વનલીલા બેબાકળા સ્વરે બોલી ઊઠી,”અરે! તમારું તે કાંઈ ખસી ગયું છે? મહેશને ઉત્સાહ આપવાની જગાએ, તમે જ એને હતોત્સાહ કરી નાંખો છો? કાલે રેખાબેનને ઘેર જઈને એ શું કહેશે?”

       “હું રેખાને મારી રીતે વાત કરીશ.એ મહેશને એક અક્ષર પણ સલાહ નહીં આપે. અને એને ફરવા લઈ જશે. મહેશે શું કરવું, એનો નિર્ણય પંદર દિવસ પછી, તે જાતે જ લેશે. ”

        વનલીલા અને મહેશ હેરત ભર્યા ચહેરે તમારી સામે જોઈ રહ્યા.

પંદર દિવસ પછી

      મહેશને ઘેર પાછો લાવવા તમે અને વનલીલા, તમારી બહેન રેખાને ઘેર પહોંચી ગયા. ગાડીમાં બેસાડી મહેશને કાંકરિયા તળાવના કિનારે બેસાડી તમે પુછ્યું,” બોલ, દીકરા! હવે તેં શો નિર્ણય કર્યો?’

      પ્રફુલ્લિત ચહેરા પર ચમકતી આંખો સાથે મહેશે કહ્યું,” હું નવી ટર્મથી કોમર્સ માટે તૈયારી કરીશ; અને સાથે બેન્ક કારકુન માટેની પરીક્ષાની તૈયારી પણ ચાલુ કરી દઈશ. “

      “તને ખબર છે? એક મહિના પછી, દેશનું બજેટ સંસદમાં કોણ રજુ કરવાના છે?”

      મહેશે તરત જવાબ આપ્યો,” આપણા નાણાં પ્રધાન -….”

      ‘રિલાયન્સના ચેરમેન કોણ છે?

      મહેશે પટ કરતાંક જવાબ આપ્યો,” ધીરૂભાઈ અંબાણી.”

     “તને ખબર છે, એ બન્ને બી.કોમ. સુધી જ ભણ્યા છે?”

     અને પછી તમે સફળ નીવડેલા બી.કોમ, ગ્રેજ્યુએટોનું લિસ્ટ ખીસ્સામાંથી કાઢીને મહેશને વંચાવી દીધું; અને ઉમેર્યું,” તારે એમ માની નથી લેવાનું કે, તારે બેન્કના કારકુન બનીને જ આખી જિંદગી ગુજારવાની છે. મેં એમ જ શરૂઆત કરી હતી; અને હું આજે ઝોનલ મેનેજર છું. અને મારા બાપાની સ્થિતિ તો સાવ સાધારણ હતી. તારે તો ખર્ચનો કોઈ પ્રશ્ન જ નથી.”

       વનલીલાએ તમારી વાતને ટેકો આપ્યો અને એના પિયર પક્ષના, આમ જ સફળ નીવડેલા સંબંધીઓ વિશે વાતો કરી. અને નવા વર્ષમાં મહેશ કોમર્સના ક્લાસમાં ભરતી થઈ ગયો.

વીસ વર્ષ પછી

       રસિકલાલ! તમે રિટાયર થઈને મહેશને ઘેર અમેરિકામાં રહેવા આવ્યા છો. ઘરની નજીક આવેલા પાર્કમાં વનલીલા સાથે લટાર મારી રહ્યા છો. સામે ભૂલકાંઓ કિલ્લોલ કરી રહ્યાં છે. વીતેલા ભુતકાળ પર નજર ફેરવતાં, તમે સંતોષનો એક ઊંડો શ્વાસ, પાર્કની શુદ્ધ હવાની સાથે તમારા ફેફસામાં ભરી રહ્યા છો.

       મહેશ અમેરિકાની એક બહુ જ મોટી કમ્પનીમાં વરસના દોઢ લાખ ડોલરના પગાર વાળું સિનિયર મેનેજરનું પદ શોભાવે છે; બે લાખ ડોલરના પોતાના મકાનમાં રહે છે; અને એના હાથ નીચે ૧૦૦ અમેરિકનો કામ કરે છે.

સૌંદર્યાનું સ્વરક્ષણ

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

અફઘાનિસ્તાનની યુવતિ સૌંદર્યા નસીમની આ સત્યકથા છે. તે પોતાના ખોવાઈ ગયેલા પિતાની શોધમાં ભારત આવી હતી. ઇન્દિરા ગાંધી નહેરૂ યુનિવર્સિટીમાં પોષણ અને સમાજવિજ્ઞાનનો અભ્યાસ કરી તે હાલ દહેરાદૂનમાં પોતાનું હેર-કેર ક્લિનિક ચલાવે છે. ફેસબુક પર બહુ જ વાઈરલ બનેલ તેના એક અનુભવનો ગુજરાતીમાં અનુવાદ …


દર્દ અને દવા

અનુવાદકશ્રી. અશોક ભાર્ગવ; સૌજન્યશ્રી. ઉત્તમ ગજ્જર

        બન્યું એવું કે અમે તાજમહેલના શહેર આગરાથી સહેજ જ આગળ વધ્યાં હતાં ને ખબર પડી કે અમારી ટ્રેન બગડી છે અને રિપેર થતાં દોઢેક કલાક લાગશે. એક નાનકડા સ્ટેશન પર ટ્રેન ઊભી રહી. પગ છુટા કરવા હું, અમ્મી અને અમારા સહાયક કલીમ સાથે પ્લેટફોર્મ પર ઊતરી. અમ્મીને ચાલવાની ઈચ્છા નહોતી એટલે એ બાંકડા પર બેસી ગયાં. હું ચાલતાં ચાલતાં પ્લેટફોર્મના બીજા છેડે પહોંચી ગઈ. માંડ બે ચાર જણ નજરે પડતા હતા. કદાચ અહીં બહુ ગાડીઓની અવર જવર નહોતી. એક ફળની લારી દેખાઈ. મેં કેળાં લેવાનું વિચાર્યું. એટલામાં કલીમને મારી બાજુ દોડતો જોયો. તે મને બુમ પાડતો હતો. મેં પણ દોટ મૂકી. અમ્મીના બાંકડા પાસે અજબ નજારો હતો. ત્યાં બાંકડાની ફરતે મવાલી જેવા હટ્ટાકટ્ટા પાંચ જણા હતા. તેઓ મમ્મીની આજુબાજુ ફરતા અને ‘ક્યા પીસ હૈ, મોનુ યાર!’ એમ બોલતા હતા. મને જોઈને એક જણ આકાશ તરફ જોઈ બોલ્યો, ‘કમાલ હો ગયા, યાર, દો દો પીસ!’ તેઓ અમારા ભણી જોતા નહોતા; પણ નિશાન અમે જ હતાં.

       અમ્મી સહેજ હેબતાઈ ગયાં હતાં. અજાણ્યો વિસ્તાર હતો, અમારા સહાયકની પણ કંઈ બોલવાની હિમ્મત નહોતી ચાલતી. એ કંઈ બોલવા જાય તો તેઓ એની ઠેકડી ઉડાડે, ‘તને શી તકલીફ છે? અમે તને કંઈ નથી કહેતા, અમે અંદરોઅંદર વાત પણ ના કરીએ?’ અમ્મીએ મને ઈશારો કર્યો કે આપણે બોગીમાં બેસી જઈએ; પણ આવા ટાણે પીછેહઠ કરવાનું હું શીખી નહોતી.

       અફઘાનિસ્તાનથી હિન્દુસ્તાન આવતાં હું એટલી મુસીબતો વેઠી ચુકી હતી કે હવે કપરા સંજોગોમાં ‘બીક’ નામની વસ્તુ ક્યાં ગાયબ થઈ જાય છે, ખબર નથી. હું તો તેમની સાથે બાથ ભીડવાનો નિર્ધાર કરી ચૂકી હતી. મારો સહાયક કલીમ બીકને લીધે ધ્રુજતો હતો. મેં એને ખખડાવ્યો કે આવી રીતે ડરવું હોય તો ફરી વાર મારી સાથે ન આવીશ. મેં પ્રેમથી એ લોકો જોડે વાત કરવાની કોશિશ કરી; (થોડુંઘણું લખવા સિવાય હજી મને હિંદી બોલવાનો મહાવરો નહોતો) જ્યારે એ લોકોને ખબર પડી કે, હું તેમની ભાષા બોલી નથી શકતી તો કદાચ મને હિંદી પણ નહીં સમજાતી હોય, એમ જાણી તેઓ ગાળો ભાંડવા લાગ્યા. એમને ખબર નહોતી કે, હું અને કલીમ હિંદી બરાબર સમજતા હતા. જોતજોતામાં આજુબાજુ ટોળું ભેગું થઈ ગયું; પણ કોઈએ વિરોધ કરવાની હિમ્મત દાખવી નહીં. વળી, કલીમે એક બે જણને વચ્ચે પડવા વિનંતી કરી. તો કહે કે, “આ બધા તો, આ વિસ્તારના મવાલીઓ છે. એમની સાથે પંગો ના લેવાય. હજી કંઈ ખાટુંમોળું થયું નથી. તમે છાનામાના બોગીમાં જઈને બેસી જાઓ.”

        આ ટાંકણે મેં કલીમને મારી વાતનો તરજુમો કરી એમને સમજાવવા કહ્યું. ઘડીક એવું લાગ્યું કે તેઓ થોડા નરમ પડી રહ્યા છે; પણ તેઓએ ફરી એમની હરકત શરૂ કરી. સારું હતું કે એ લોકો દૂર ઊભા રહીને એલફેલ બોલી રહ્યા હતા. ધ્યાનના અભ્યાસથી હું ધીરજ રાખતાં શીખી ગઈ હતી. એટલે થોડી વાર હું ડર્યા વિના ઊભી રહી. પછી ધીમે ધીમે હું એ લોકો વચ્ચે પહોંચી અને સૌથી બળવાન દેખાતા માણસ સામે ઊભી રહી. જેવી એની બદનજર મારા પર પડી; તેવો મારો હાથ ઊઠ્યો ને સટાક…. ! એક જોરદાર તમાચો એના ગાલ પર પડ્યો. કોઈને આવો અણસાર નહોતો. બીજા ચાર જણ તો સડક થઈ ગયા. પળવાર રહીને બાકીનામાંથી કોઈ મારી બાજુ ધસે તે પહેલાં એમણે જોયું કે તમાચો ખાધેલ માણસ તો બેભાન અવસ્થામાં ભોંયભેગો હતો! બધા અચરજમાં હતા કે, એક જ તમાચામાં કોઈ બેભાન કેવી રીતે થઈ શકે ?

      એ બિચારાઓને ખબર નહોતી કે જે નમણી અને ભલીભોળી દેખાતી છોકરી જોડે તેમનો પનારો પડ્યો છે, તે કરાટેની બ્લેક બેલ્ટ છે. મારી અમ્મી અને મારું પોતાનું રક્ષણ કરવા આ કળા મેં હિન્દુસ્તાન આવ્યા પછી હસ્તગત કરી લીધી હતી. બ્લેક બેલ્ટ હાંસલ કર્યા પછી ક્યારેય એવું બન્યું નથી કે, મારો એક તમાચો ખાધા પછી કોઈ હોશ જાળવી શક્યો હોય. વળી, કરાટેનો અભ્યાસ તો હજી પણ દરરોજ હું કરું છું; પણ તે દિવસે તો જાણે મારા અભ્યાસની કસોટી હતી.

       પછી મેં શાંતિથી મારી કાચીપાકી હિંદીમાં જણાવ્યુ કે, “તમારામાંથી જેને પણ મને અડકવાની ઈચ્છા હોય અને જેને લાગે કે તે મારો તમાચો ખમી શકશે; તે સામે આવે.” અત્યાર સુધીમાં એ લોકો સમજી ગયા હતા કે ચાર–પાંચ જણનો સામનો કરવા હું એકલી જ પૂરતી છું. હવે ટ્રેનમાંથી ઊતરેલા કેટલાક તમાસો જોનારાઓ બાંયો ચડાવી મેદાને પડ્યા; પણ મેં બધાને ઠપકો આપી રોક્યા. “જ્યારે જરૂર હતી, ત્યારે કોઈ સામે ન આવ્યા, અને હવે બહાદુરીનું પ્રદર્શન કરવા માંગો છો?”   એટલામાં પેલા પાંચમાંથી એકે સ્ટેશનની બહાર દોટ મૂકી.

      પછી મેં નીચે જોયું તો બેભાન માણસને પડવાને લીધે માથામાં વાગ્યું હતું. સહેજ લોહી પણ નીકળતું હતું. મેં કલીમને બોગીમાંથી દવાની કિટ લાવવા જણાવ્યું અને બેભાન માણસ પર પાણી છાંટવા લાગી. લોકોને અલબત્ત, અજીબ લાગતું હતું કે જેણે જખ્મ આપ્યા હતા, તે હવે દવા કરી રહી છે! પણ આ સંસ્કાર તો હું હિન્દુસ્તાન આવીને શીખી હતી. પોતાના રક્ષણ કાજે હું કોઈ પર હાથ ઉગામી શકું છું; પણ નફરત કરવાની જરુર મને જણાતી નથી. માણસ હવે હોશમાં હતો. તેને માથામાં સહેજ વાગ્યું હતું, તેની મેં પાટાપીંડી કરી. એ માણસની દશા જોવા જેવી હતી. એ ભોંઠો પડ્યો હતો.

       એટલામાં કેટલાક લોકો બૂમો પાડતા અને હાથમાં લાકડીઓ લઈને આવતા દેખાયા. તેમાં બે બહેનો પણ હતી. એકે કહ્યું કે, “કોણે એના ભાઈ પર હાથ ઉગામવાની હિમ્મત કરી છે ?” હું એની પાસે ગઈ. જ્યારે એને ખબર પડી કે મેં આ કર્યુ છે, તો તેના અચરજનો પાર ના રહ્યો. એ બહેનને હતું કે એના ભાઈનો ઝઘડો કોઈ પુરુષ સાથે થયો છે; પણ અહીં તો મામલો ઊંધો હતો. ખાસ્સી વાર સુધી તે મને અપલક જોતી રહી. માથું નમાવીને બેઠેલા ભાઈએ પણ હવે હાથ જોડી દીધા હતા અને પોતાની બહેનને શાંત  શાન્ત રહેવા જણાવ્યું. એને પોતાની ભૂલ સમજાઈ હતી.

      મેં એની બહેન તરફ હાથ લંબાવ્યો. તે મને ભેટી પડી. એણે કહ્યું કે, “આજે ખોટે રસ્તે ચાલતા એના ભાઈને પાઠ મળી ગયો છે.” મેં બે હજારની નોટ કાઢીને બહેનના હાથમાં મૂકી. ‘યે દવા કે પૈસે હૈં, રખીએ. જખ્મ મૈંને દીયે હૈં; તો દવા ભી મેરી તરફ સે.’ ત્યાં જ ટ્રેન ઉપડવાની સીટી વાગી. અમે બોગીમાં સવાર થયાં. ગામ લોકો તરફ હાથ હલાવ્યો તો જોઈને ખુશી થઈ કે, તેમણે પણ વળતા હાથ હલાવ્યા. ટ્રેન ચાલી તો લાગ્યું કે જિંદગીને એક નવી લહેર મળી.

      સારું થયું કે ખોટું; ખબર નથી. બહેનોને મારી ભલામણ છે કે,

       તેઓએ પોતાનું રક્ષણ જાતે કરવાની હિમ્મત અને હુન્નર  કેળવી લેવાં જોઈએ. એમાં પુરુષ સમોવડી થવાની વાત નથી. સ્ત્રીએ સાચા અર્થમાં સ્ત્રી બનવાની જરૂર છે. મારી સમજણ છે કે સ્ત્રી અને પુરુષમાં કોઈ ચડિયાતું  કે ઊતરતું નથી. જો આપણે આપણી ધરતીને જહન્નમનાં બી ને ખાતર–પાણી આપતાં રહીશું, તો જન્નતના આસમાની ખ્યાલોનો શો મતલબ ?

      ‘નવભારત ટાઈમ્સ’માં પ્રસિદ્ધ થયેલ એ યાદગાર લેખનો ચહેરો…

sn1

       અફઘાનિસ્તાનની એ વીરાંગના યુવતિની ફારસી શબ્દોની મહેંકથી ખીચોખીચ ભરેલી  હિંદી ભાષામાં અભિવ્યક્તિના બે નમૂના આ રહ્યા. ફેસબુક પર એનાં ઘણાં બધાં લખાણો છે. એ વાંચીને આ ખાનદાન યુવતિના મનોરાજ્યની વિરાસત પર આપણે વારી જઈએ.

sn2

     દશેરા નિમિત્તે તેણે લખેલ વિચારો ( ફેસબુક પરથી )

        शैतानी ताक़तों के ख़िलाफ़ बुराइयों पर अच्छाइयों की फ़तह के तेहवार विजयदशमी की ढेर सारी मुबारकबाद आप सबको। इस तेहवार की ज़्यादा बारीक़ियाँ मैं नहीं जानती। मज़हबी मुतआरिफ़ तो हूँ नहीं, पर समझने की कोशिश कर रही हूँ तो लग रहा है कि रावण के दस सिरों का मुआमला शायद अलामती भर है..या हिंदी में जिसे आप प्रतीक कहते हैं। आज के इस दौर में हमारे ख़ुद के भीतर, आसपास और दूर-दूर तक हज़ार शक्लों में रावण मौजूद है। ऐसे में रावण का महज़ बुत या पुतला बनाकर जलाने या बाहरी शबाहत के ख़ात्मे से ही बात न बनेगी, ज़रूरत दिलों में बैठे रावण की शिनाख़्त करने और उसे ख़त्म करने की है।

    मुझे लगता है कि आज के दिन हम अपने भीतर छिपी एक-दो बुराइयों की बाबत भी वाक़िफ़ियत हासिल कर उन्हें ख़त्म करने की क़सम लें तो अज़ीमुश्शान शख़्सीयत राम को याद करना और रावण का पुतला जलाना दुनिया की बेहतरी का एक सबब बनेगा। बुराई के बुत को नेस्तनाबूद करने की ताक़तआज़माई जश्न के तौर पर अच्छी है, पर ज़्यादा ज़ोर नेकनीयती को दुनिया भर में फैलाने की बात पर हो, तो क्या ही बात है!

sn3

આ ચિત્ર પર ક્લિક કરી તેના ફેસબુક પાનાં પર તેના ઘણા બધા વિચાર જાણો.

સાભાર – કુ. પારૂલ દાંડીકર – ભૂમિપુત્ર

સંદર્ભ –

http://epaper.navbharattimes.com/paper/14-13@13-20@05@2017-1001.html 

યુ – ટ્યુબની મશહૂર નાયિકા

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

       હા! હું મસ્તનમ્મા, યુ-ટ્યુબ પર લાખો લોકો મારી ઉપર ફિદા છે! મારી ઉમર જાણીને તમને નવાઈ લાગશે – માત્ર ૧૦૬ વર્ષ ! પણ બોલીવુડની પોટ્ટીઓ હારે હું હરિફાઈમાં છું હોં! પણ મારી શાખ લટકા મટકાથી નહીં પણ  મારી વાનગીઓથી છે.

m4

     આ એક જ વિડિયો જુઓ – ૯,૬૪, ૦૦૦ થી વધારે લોકોએ એ જોયો છે . અને મેર મુઈ! કોમેન્ટો પણ કાંઈ કમ નથી – માત્ર ૬૫૧ !

         મારી ઘણી બધી વાનગીઓ નોન -વેજ હોય છે – એ જાણીને નાકનું ટિચકું ના ચઢાવી દેતા. શાકાહારી વાનગીઓ પણ હું મસ્ત બનાવું છું. લો! પાકા પપૈયાનો હલવો કદી ચાખ્યો  છે? મારું બનાવેલું કાચા કેળાનું કે, સરગવાનું શાક તો ખાઈ જુઓ!

m2

     મારી જિંદગીની દાસ્તાન બહુ લાંબી છે.  ૧૦૬ વરહના આયખામાં કેટકેટલા રંગ મેં જોયા?

   સાવ નાની હતી ત્યારે તો મારું નામ મરતમ્મા હતું પણ અમારા ગુન્ટૂર જિલ્લાના કોવલ્લી ગામના એક મુસલમાન કુટુમ્બને દીકરી જોઈતી હતી એટલે મારાં ગરીબ માબાપે મને એમને દત્તક તરીકે આપી દીધી, અને એ મને મસ્તનમ્મા નામથી બોલાવવા લાગ્યા. પણ એ ઉમરથી જ હું બહુ જ સ્વમાની, એટલે સહેજ વાંકું પડ્યું , અને મેં એમનું ઘર છોડી દીધું. ડાંગરના ખેતરોમાં મજુરી કરતાં કરતાં અગિયાર જ વર્ષની ઉમરે હું ભુશણમની નજરે હું વ્હાલી થઈ ગઈ , અને એની હારે કૃષ્ણા જિલ્લાના ગુડીવાડામાં ઘર માંડી બેઠી.

      એની સાથે અગિયાર જ વર્ષનું જીવન અને હું વિધવા બની ગઈ. કોલેરાની બિમારીમાં મારા ધણીએ મારો સાથ છોડ્યો ત્યારે મેં એમને માંડ માંડ કહેલું કે, ‘તમારા વિના હું એકલી શી રીતે જીવી શકીશ?’

     પણ એમને મારી ચાલાકી અને હિમ્મત પર બહુ વિશ્વાસ હતો. એમણે મારો હાથ ઝાલીને કહેલું કે, ‘આ હાથમાં બહુ જ તાકાત છે. “ ચાર દીકરા  અને એક  દીકરી -એમ પાંચ પાંચ નાનાં બાળકોને મોટા કરવાની મારી ફરજ નજરમાં રાખીને હું એ આઘાત જીરવી ગઈ. બીજાં થોડાંક વર્ષ અને ગુડીવાડામાં ફાટી નીકળેલી કોલેરાની જીવલેણ બિમારીમાં મારાં ચાર ગરગુડિયાં ભગવાનનાં પ્યારાં થઈ ગયાં. ખાલી મોટો દીકરો ડેવિડ જ બાકી રહ્યો, પણ  એ પણ એ દૈત્યના કોપથી આંધળો બની ગયો. એના કુટુમ્બ સાથે એ મારી નજીક જ રહે છે, પણ હું એવી અક્કડ કે મારી ઝુંપડીમાં જ આખું આયખું વીતાવી દીધું. પણ એમને મદદ કરવાની મારી ફરજમાંથી હું ચુકી નથી હોં!   ડાંગરના ખેતરોમાં મજુરી કરતાં કરતાં  મને મળતી મહિને ૨૦૦ / ૩૦૦ રૂપિયાની આવકમાંથી એમને પણ અવારનવાર ટેકો આપ્યા કર્યો છે.

m3

      આ મારા પૌત્રના દીકરા કાર લક્ષ્મણ અને એના દોસ્ત શ્રીનાથ રેડ્ડી ની કમાલ કે, એમણે મારી રસોઈકળાનો વિડિયો પાડ્યો અને આ નવા જમાનાની સિનેમા પર મને ચઢાવી દીધી. કેવું વિચિત્ર એ સિનેમાનું નામ? – ‘યુ ટ્યુબ’. અમારા જમાનામાં તો હાથથી ચાલતા સિનેમા હતા! એમાં મેં ય એક પૈસો આપીને મુંબાઈની શેઠાણી જોયેલી! પણ આ નવા જમાનાની કરામત – તે મારી ફિલ્લમ આખી દુનિયા દેખે – અને તે ય સાવ મફતમાં, એક કાણિયો પૈસો ય આપ્યા વિના !

      બન્ને જણાએ હૈદ્રાબાદથી એક  નવી ચેનલ શરૂ કરી હતી. વાંઢા લોકો પોતાની રસોઈ જાતે શી રીતે બનાવી શકે, તે સમજાવવા એ ચેનલ તેમણે શરૂ કરેલી. એમણે ૪૦ ફિલમો બનાવી કાઢી , પણ ખાસ  કોઈ એ જોતું ન હતું. એક દિવસ કાર અને એનો દોસ્ત ગામડાના લોકો કેવી અને કેવી રીતે રસોઈ બનાવે છે – તે જોવા ગુડીવાડા આવ્યા હતા. કારના ઘેર પીરસતાં પીરસતાં કારની મા એમની વાતો સાંભળતી હતી. તેણે કહ્યું,” આપણા દાદીમાને રસોઈ બનાવતાં જુઓ – એમની રસોઈ ખાઈને તમે આંગળીઓ કરડવા લાગશો. ‘

     અને બીજા દાડે રિંગણનું શાક બનાવતાં મારી પહેલી ફિલ્લમ ઊતરી! મને તો એમ કે ઈવડા ઈ મારા ફોટા પાડે છે! પણ એ ફિલ્લમ છાપે ચઢી અને જોત જોતામાં હજારો લોકોએ એ જોઈ નાંખી.   આમ આ મુઈ હું  ફિલમની હિરોઈન બની ગઈ! અને એ બે દોસ્તાર પણ જગજાહેર બની ગયા.

     એ ફિલમોમાં  મારી બધી રસોઈ ડાંગરના ખેતરમાં અને ત્રણ ઈંટ રાખીને બનાવેલા ચૂલા ઉપર હું બનાવું છું. ઘણી ફિલ્લમોમાં મારી પૌત્રી રાજશ્રી, મારી સૂચના પ્રમાણે વાનગી બનાવતી હોય છે. મારી ફિલમોમાં રસોઈ બનાવતાં બનાવતાં એના મસાલા જેવા જ ચટાકેદાર મારા અનુભવો અને મારી વાતો પણ લોકોને એટલાં જ ગમે છે.

      અને મેર મુઈ .. મેં તો મારી જ વાતો કર્યા કરી. પણ મારી ફિલમો જોનારા ઘણા બધાએ મને સાડીઓ, બંગડીઓ, બુટ્ટીઓ જેવી ચીજો ઢગલાબંધ મોકલી છે – એની વાત ન કરું તો હું નગુણી જ ગણાઉં. આ ૧૦મી  એપ્રિલે મારા જનમદિવસે બધાંએ ભેગાં થઈને ૩૦,૦૦૦ ₹ મને મોકલી આપ્યા. પણ મારે એ બધી માયા ભેગી કરીને આ ઉમરે શું કરવાનું? મેં તો અમારા ગામની વસ્તીને જમાડવામાં એ મતા વાપરી દીધી.

………………………….

      બીબીસી અને અલ  જઝીરાએ મસ્તનમ્માના સમાચાર ફેલાવ્યા બાદ તો મસ્તનમ્માની  લોકચાહના ઘણી વધી ગઈ  છે. હવે તો ગુડીવાડાનાં બાળકો પણ પોતાના ગામને  ‘મસ્તનમ્મા ના ગામ’ તરીકે ઓળખાવવામાં ગૌરવ અનુભવે છે.

મસ્તનમ્માના ઘણા બધા વિડિયો આ રહ્યા 

સંદર્ભ –

http://www.thebetterindia.com/108555/106-year-old-mastanamma-andhra-pradesh-oldest-youtuber/

https://yourstory.com/2017/04/mastanamma-cook-andhra-pradesh/

 

અંધ હોય તેથી શુ?

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

૧૯૯૨

       ઉંવાં…. ઉવાં…. ઉવાં….

       દરેક બાળકની જેમ શ્રીકાન્તના જીવનની શરૂઆત પણ આ અવાજથી થઈ. તેની મા પ્રસૂતિની બધી પીડા ભુલીને હરખાઈ ગઈ. પ્રસૂતિની એ પીડા તો સમયના વ્હેણની સાથે સરી ગઈ, પણ જ્યારે શ્રીકાન્તે અઠવાડિયા પછી પણ આંખ ન ખોલી ત્યારે એની માની પીડા જીવન ભર માટેની બની રહી.

        હા! શ્રીકાન્ત જન્મથી અંધ છે. એની કીકીની ઉપર ચામડીનું પડ જડબેસલાક ચોંટેલું છે. એનો કોઈ જ ઈલાજ મેડિકલ વિજ્ઞાન પાસે નથી. આન્ધ્ર પ્રદેશના મછલીપટ્ટણમ શહેરની નજીક આવેલા એક નાના ગામના ખેડૂતને ઘેર શ્રીકાન્તનો જન્મ થયો હતો. પચીસ વર્ષ પછી આજે શ્રીકાન્તે કેવાં કેવાં શિખર સર કર્યાં છે, તે તો આપણે આગળ જોઈશું, પણ પચીસ વર્ષની એ યાત્રા અનેક ચઢાવ ઊતરાવથી ભરપૂર છે.

       મજૂરી કરીને માંડ ૨,૦૦૦₹ કમાતા એના બાપને માટે આ છોકરાને મોટો કરવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હતું. સગાં વ્હાલાં અને પાડોશીઓએ તો એ છોકરાને દૂધ પીતો કરી દેવાની પણ સલાહ આપી હતી.  પહેલા ખોળાના આ દેવના દીધેલને એમ સગે વગે કરવા એ માવતરનો જીવ શી રીતે ચાલે? થોડોક મોટો થતાં એને પાંચ કિ.મિ. દૂર આવેલી શાળામાં દાખલ કર્યો. શ્રીકાન્તે દરરોજ એટલું અંતર પગપાળા જ કાપવું પડતું. એમ છતાં એ ગામઠી નિશાળમાં એનું કોણ ધ્યાન રાખે? એને તો છેલ્લી પાટલી પર બેસી ક્લાસમાં ચાલે તે સાંભળ્યા જ કરવાનું હતું ને? તે લેસન પણ શી રીતે કરે? વર્ગ શિક્ષક જે કાંઈ કહે તે ઘેર આવી બાપુને કહે. એ બિચારા થાકયા પાક્યા એને લખી આપે. પણ એનું લેસન તપાસવાની તસ્દી પણ વર્ગ શિક્ષક શું કામ લે? સહાધ્યાયીઓ પણ તેને રિસેસમાં સાથે રમાડવા તૈયાર ન થાય. કોણ આ આંધળાની આંગળી ઝાલે?

  પણ બાપુને એ વાતની ખબર પડી ગઈ કે, શ્રીકાન્તને ઉપરવાળાએ ભલે જીવનભરના અંધકારની બક્ષિસ આપી હોય;  તેને અપ્રતિમ ભેજું પણ આપ્યું છે. હૈદ્રાબાદ રહેતા એક દૂરના સગાંને રાખવા તેમણે વિનંતી કરી. ‘ શ્રીકાન્તને સાચવશો? ભણાવશો?’ એ દિલદાર સંબંધીએ બમણા જોરથી પડઘો પાડ્યો. સાત જ વર્ષનો શ્રીકાન્ત હૈદ્રાબાદની ખાસ જરૂરિયાત વાળા બાળકોની શાળામાં ભરતી થઈ ગયો.

    એ સાથે શ્રીકાન્ત બોલ્લાનું જીવન બદલાઈ ગયું. એના કાળાડિબાંગ જીવનમાં સરસ્વતીદેવીની અસીમ કૃપાનાં તેજસ્વી કિરણો વરસવાં લાગ્યાં. ભણવાની સાથે સાથે શ્રીકાન્ત ચેસ અને અંધ બાળકો વચ્ચે રમાતી ક્રિકેટ પણ રમતો થઈ ગયો. મોટા ભાગે આખા ક્લાસમાં પહેલો નંબર રાખતો શ્રીકાન્ત સમયના વહેણ સાથે દસમા ધોરણ સુધી પહોંચી ગયો.  ૯૦ ટકા માર્ક સાથે શ્રીકાન્તે આ કોઠો પણ પાર કરી દીધો.

    પણ બીજો હિમાલય એની સામે ખડો થઈ ગયો. ગણિત અને વિજ્ઞાન એના રસના વિષયો હતા. તેને વિજ્ઞાન પ્રવાહમાં  આગળ વધવું હતું. પણ શાળાએ એને એ માટે પરવાનગી આપવા ધરાર ઈન્કાર કરી દીધો. હૈદ્રાબાદના સગાને તેને માટે પોતાના સગા દીકરા જેવો પ્રેમ હતો. એ ખમતીધર આદમીએ શ્રીકાન્ત વતી રાજ્યના શિક્ષણ ખાતા સામે કોર્ટમાં કેસ કર્યો અને આદૂ ખાઈને શ્રીકાન્ત માટે લડ્યા!  છ મહિના પછી રાજયના શિક્ષણ ખાતાએ ઝૂકી જવું પડ્યું.   વિજ્ઞાન પ્રવાહમાં શ્રીકાન્તની યાત્રા આગળ વધવા માંડી. ક્લાસના એના દિલોજાન દોસ્તોએ એને પ્રયોગોમાં મદદ કરવાનું માથે લીધું.

    બે વર્ષના અંતે ૯૮ ટકા માર્ક અને ઝળહળતી સફળતા સાથે શ્રીકાન્ત એની શાળામાં પહેલા નંબરે અને રાજ્યના પહેલા દસ રેન્કરોમાં ધરાવી,  બારમું પાસ થઈ ગયો. હૈદ્રાબાદની એક સ્થાનિક વિજ્ઞાન કોલેજમાં પણ એની ઝળહળતી સફળતાના કારણે એડમીશન મળી ગયું. ચાર વર્ષ બાદ અંધ શ્રીકાન્ત વિજ્ઞાનનો સ્નાતક બની ગયો. અને તે પણ ગોલ્ડ મેડલ જીતીને જ તો !

    શ્રીકાન્તની મહત્વાકાંક્ષા દેશની અવ્વલ નંબરની ગણાતી IIT માં જોડાવાની હતી. પણ ત્યાંથી ધરાર ‘ના’ આવી ગઈ. પણ હવે આ અંધ પક્ષીનાં આંતર ચક્ષુ અને હિમ્મત ખુલી ગયાં હતાં. તેની પાંખો હવે ‘જોનાથન લિવિન્ગ્સ્ટન સીગલ’ ની કની જોરભેર વિંઝાવા લાગી હતી. આકાશની પેલે પાર આંબવાનાં તેનાં સ્વપ્ન હતાં.  શ્રીકાન્તે દેશની બહાર મીટ માંડી અને અમેરિકાની ખ્યાતનામ કોલેજોમાં પોતાના.  પતરાળાં પાથરવા માંડ્યા. એના સૌ સગાં, દિલોજાન મિત્રો અને કોલેજના સ્ટાફના આશ્ચર્ય વચ્ચે  આ પ્રજ્ઞાચક્ષુ યુવાનને એક નહીં પણ ચાર ચાર યુનિ. ઓએ કોઈ જાતના ખર્ચ વિના જોડાવા આમંત્રણ મોકલી દીધાં – Stanford, MIT, Carnegie Mellon and Berkely!

      શ્રીકાન્ત એન્જિ. માટેની વિશ્વની અવ્વલ નંબરની MIT( Boston)  માં જોડાઈ ગયો. તે MIT નો પહેલો આંતરરાષ્ટ્રીય, અંધ વિદ્યાર્થી હતો. મસ મોટા એના કેમ્પસમાં જુદા જુદા વર્ગોમાં જવા માટે ખાસ્સું ચાલવું પડતું હોય છે. શ્રીકાન્ત બધે પહોંચી જતો અને ક્લાસમાં એ મોટા ભાગે સૌથી પહેલો પહોંચી જતો. તેના એક પ્રોફેસરે પણ આ ચીવટ માટે તેની સરાહના કરી હતી.  બે જ વર્ષ અને તે MIT માંથી પણ ઝળહળતી સફળતા સાથે સ્નાતક બની બહાર આવ્યો. MIT ના એક સામાયિકમાં શ્રીકાન્તે લખેલ એક લેખ આ રહ્યો….

      ભારતના  ભુતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ. અબ્દુલ કલામે પણ તેની સફળતાનું અભિવાદન કર્યું હતું .

SB1

    એક ઓર ઊંચી ઊડાણ અને શ્રીકાન્ત બોલ્લાએ વિશ્વ વિખ્યાત હાર્વર્ડ કોલેજમાંથી  એમ.બી.એ.ના શિખરને પાર કરી દીધું.  કાળાંડિબાંગ ભવિષ્ય માટે જ જન્મ લીધેલા આ અભિમન્યુએ જીવનના સાત નહીં પણ અનેક કોઠા પાર કરી દીધા. શ્રીકાન્ત માટે હવે જીવનમાં કાંઈક કરી બતાવવાના બધા એક્સપ્રેસ હાઈવે ખુલ્લા થઈ ગયા.

     શ્રીકાન્તે ધાર્યું હોત તો, તેને આ પદવીઓના કારણે અમેરિકામાં મોટા પગારની નોકરી મળી શકતી હોત. તેની પાસે એ માટે સારી સારી ઓફરો પણ હતી. પણ શ્રીકાન્ત સ્વદેશને અને પોતાના જેવા યુવાનો અને ખાસ તો બાળકોને પડતી મુશ્કેલીઓ ભુલ્યો ન હતો.       શ્રીકાન્તે દેશ પહોંચવા માટેની ફ્લાઈટ પકડી લીધી.

૨૦૧૭

     હૈદ્રાબાદમાં આવેલી, ડિસ્પોઝેબલ ડીશો, પ્યાલા, વાડકા, લેમિનેટેડ કાગળ વિ. બનાવતી અને વર્ષે  ૭ કરોડનો વકરો કરતી ‘બોલન્ટ ઇન્ડસ્ટ્રી’ નો શ્રીકાન્ત માલિક છે. તેણે કર્ણાટકના હુબળીમાં એક પ્લાન્ટ,  તેલંગણાના નિઝામાબાદમાં બે પ્લાન્ટ અને હૈદ્રાબાદમાં એક પ્લાન્ટ સ્થાપ્યા છે. શ્રી સીટીમાં સૌથી છેલ્લો સ્થાપેલો પ્લાન્ટ  માત્ર સૂર્ય શક્તિ વાપરે છે. .

     હેદ્રાબાદની શાળામાં તેની શિક્ષિકા સ્વર્ણલતાએ શ્રીકાન્તની આ સફરમાં સતત સાથ અને દોરવણી આપ્યાં છે. તેનાં બધાં સાહસોમાં તેણે સક્રીય સાથ આપ્યો છે, એટલું જ નહીં. તે એ બધાંની સહ સંસ્થાપક પણ છે. બધા કારખાનાંઓમાં દાખલ થનાર કારીગરોને સ્વર્ણલતાની દોરવણી મુજબ તાલીમ આપવામાં આવે છે.

  આ જ રીતે ઔદ્યોગિક ધીરાણકર્તા રવિ મંતા શ્રીકાન્તની સિદ્ધિઓ અને જુસ્સાથી એટલો બધા પ્રભાવિત થયા હતા કે, તેમણે બે વર્ષ પહેલાં એક પતરાંના શેડમાં પહેલું કારખાનું સ્થાપવા શ્રીકાન્તને પ્રોત્સાહિત કર્યો હતો, અને સારી એવી રકમ પણ ધીરી હતી. ત્રણ જ મશીન અને આઠ જ કારીગરોથી શરૂ થયેલું એ સાહસ અત્યારે ૫૦ કરોડની અસ્કયામતો ધરાવે છે. આજે પણ ઓફિસમાં દાખલ થતાં પહેલાં શ્રીકાન્ત કારખાનામાં લટાર મારે છે. એની જન્મજાત સૂઝથી મશીનના અવાજમાં થતા ફેરફારો પારખી લે  છે. કોઈ મશીનમાં સમારકામ ની જરૂર હોય તો તેને તરત જ ખબર પડી જાય છે. તેના કારખાનાંઓમાં ૧૫૦ થી વધારે કારીગરો કામ કરે છે, જેમાંના મોટા ભાગના કારીગરો કોઈને કોઈ જાતની શારીરિક ખોડ વાળાં છે. તેણે અંધજનોને કોમ્પ્યુટરનું શિક્ષણ આપતી ‘સમન્વય’  નામની સંસ્થા પણ ચાલુ કરી છે. તેમાં અત્યાર સુધીમાં ૩,૦૦૦ બાળકોને કોમ્પ્યુટરની તાલીમ આપવામાં આવી છે.

sb2

શ્રીકાન્તના શબ્દોમાં…

     “The world looks at me and says, ‘Srikanth, you can do nothing.’ I look back at the world and say ‘I can do anything’.”

ફેસબુક પર 

સાભાર – The Better India

સંદર્ભ –

https://www.thebetterindia.com/51264/ceo-fifty-crore-blind-srikanth-bolla-bollant-industries/

https://yourstory.com/2015/12/srikanth-bolla-bollant-industries/

https://en.wikipedia.org/wiki/Srikanth_Bolla

http://spectrum.mit.edu/spring-2011/living-his-dream/

અમદાવાદનો નજારો

      વિનોદ ભાઈને આજના અમદાવાદનાં એક બે રૂપકડા ફોટા મોકલ્યા અને પછી મારા એ માદરે વતનના આધુનિક નજારા ગોતવા  ખાંખાખોળાં કરવા લાગ્યો. અને એક મોટો ખજાનો હાથ લાગી ગયો.

     આ રહ્યો –

ahd

આ ચિત્ર પર ક્લિક કરો

એમાંથી થોડાક મસ્ત ફોટા …

 

તળાવની ઉદ્ધારક

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

pr1

૨૦૧૧

      તે દિવસે પ્રિયા સાંજની નવરાશમાં ચાલવા નીકળી હતી. રસ્તાની બાજુમાં સમ ખાવા પૂરતું કહી શકાય તેવું, કૈકોન્દ્રાહલ્લી તળાવ હતું . તેના ગંદા પાણીમાંથી ફેલાઈ રહેલી દુર્ગંધના કારણે પ્રિયાએ નાક પર રૂમાલનો ડૂચો લગાવ્યો. એટલું પૂરતું ન હોય તેમ વાણિયા ( જીવડું ) ના એક ઝુંડને પ્રિયામાં  રસ પડ્યો અને તેના ચહેરાની આજુબાજુ ગણગણવા લાગ્યાં! હવે તો હદ થઈ ગઈ.  ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવતી પ્રિયા રામસુબ્બને સંકલ્પ કરી લીધો.

આ તળાવને  સુંદર બનાવીને જ જંપીશ

pr2

     આમ તો કૈકોન્દ્રાહલ્લી કુદરતી તળાવ નથી. વરસાદનાં પાણીને નાનકડો આડબંધ બાંધીને ભેગું કરી આવાં ઘણાં નાનાં મોટાં તળાવો સોએક વર્ષ પહેલાં બનાવવામાં આવ્યાં હતાં. કૈકોન્દ્રાહલ્લી એમાં મધ્યમ કક્ષાનું તળાવ છે. પણ કાળક્રમે એમાં કચરાના ઢગ અને ગટરનાં પાણી ઉમેરાતાં ગયાં અને તે  આંખ અને નાક માટે  નાપાક બની ગયું  હતું.

       બીજા દિવસે પ્રિયાએ તેના એક મિત્ર રમેશ શિવરામને પોતાના મનની વાત કહી. રમેશ એ વિસ્તારના ઘણા લોકોને જાણતો હતો. એ વિસ્તારના થોડાક સજાગ લોકોના સહકારથી આ  બાબત જાગરૂકતા લાવવાનું અભિયાન બન્ને જણાએ શરૂ કર્યું.  મ્યુનિ. ના સત્તાવાળાઓ અને સરકારમાં સળવળાટ શરૂ થવા લાગ્યો. પણ એ સળવળાટ ચંચળ પવનની જેમ શમી ન જાય અને પ્રભંજન બનીને ત્રાટકે ત્યાં સુધી પ્રિયાને જંપ વળવાનો ન હતો. ધીમે ધીમે આ ઉન્માદમાં જાણીતા પ્રકૃતિવિદો અને પર્યાવરણ નિષ્ણાતો પણ જોડાયા. ખાસ કરીને યેલ્લપ્પા રેડ્ડી, ડો. હારિણી નાગેન્દ્ર, અને ડો. સુબ્બુ સુબ્રહ્મણ્યમના સાથ અને સહકાર અમૂલ્ય નીવડયાં.

      એ સૌને જાણીને આનંદ થયો કે, મ્યુનિ. સત્તાવાળાઓ પણ આ બાબત સાવ નિષ્ક્રીય ન હતા. તેમણે આ તળાવોને સુધારવા યોજનાઓ તો બનાવી જ હતી, પણ એ બધી ચીલાચાલુ અને માત્ર ઈજનેરી અભિગમ પૂરતી જ મર્યાદિત હતી. તેમાં ચીલાચાલુ બગીચો અને નૌકા વિહારની સવલત સિવાય બીજી કોઈ કલ્પના ન હતી.  એમાં આ બધા નિષ્ણાતો અને પ્રકૃતિપ્રેમીઓની કલ્પનાને મોકળું મેદાન મળે, તેવો અવકાશ ન હતો. પણ તેમને સધિયારો મળે તેવી ઘટના એ બની કે, તેમના નૂતન અભિગમનો સરસ મજાનો પડઘો તંત્રે પાડવા માંડ્યો.

       અને  છેવટે કૈકોન્દ્રાહલ્લી તળાવનું નસીબ સુધારી દે તેવાં કામ શરૂ થઈ ગયાં. આવી બાબતોના  નિષ્ણાત સ્થપતિ શ્રી, વાસુએ આ માટે  એક  માસ્ટર પ્લાન બનાવી આપ્યો. . સૌથી પહેલાં તો તેમાં ઠલવાતી ગટરો બીજા  રસ્તે વાળી દેવામાં આવી.  વાસુ સાહેબના પ્લાન મુજબ જેટલા વિસ્તારમાં કામ કરવાનું હતું, તેની સીમાઓ બહુ સ્પષ્ટ રીતે આંકી દેવામાં આવી. એ સીમાની અંદર કોઈ કચરો નાંખવામાં ન આવે તેવી સૂચનાઓ મુકવામાં આવી. અનેક જગ્યાએ કચરો નાંખવા માટે પીપડાં પણ મુકવામાં આવ્યા. એ વિસ્તારના લોકોમાં આ અભિયાન માટે જાગૃતિ આણવા માટે હેન્ડ  બીલો અને સ્થાનિક છાપાંઓમાં અપીલો વિ. પ્રચાર, પ્રસારનાં માધ્યમો પણ અપનાવવામાં આવ્યાં.

      એક જુવાળ વાવંટોળની જેમ આખા વિસ્તારમાં ફરી વળ્યો. બે વર્ષ સુધી પાયાનું કામ કરવામાં આવ્યું અને બધી ગંદકી નાબૂદ થઈ ગઈ. માસ્ટર પ્લાન મુજબ લોકોને ચાલવાના રસ્તાઓ બનાવવામાં આવ્યાં અને ઘણાં વૃક્ષો પણ રોપવામાં આવ્યાં. ત્રીજા વર્ષે મેઘરાજાની મહેર થાય અને ખાલી થયેલો મોટો ખાડો તાજા પાણીથી ભરાઈ જાય, તેની સૌ આતુરતા પૂર્વક રાહ જોવા લાગ્યા.

        પણ મેઘરાજા એમ થોડા જ રીઝાય?! બે મહિના એ તો રીસાયેલા જ રહ્યા. પણ ત્રીજા મહિને એમને આ સૌ પર દયા આવી અને મન મુકીને વરસ્યા. વરસ્યા,  વરસ્યા તે એટલું વરસ્યા કે, કૈકોન્દ્રાહલ્લી છલકાઈ ગયું. ઘરડી ડોસી નવયૌવના બની ગઈ! શિયાળો આવતાં આવતાં આવતાં તો પક્ષીઓએ નવાં વૃક્ષો પર માળા બનાવવા માંડ્યા અને તેમની ચહચહાટથી કૈકોન્દ્રાહલ્લી ગૂંજવા લાગ્યું.

      સારા કામની સમાજ પર અસર જરૂર પડતી હોય છે. હવે લોકોનો સક્રીય સહકાર પણ હાથવગો બની ગયો. કચરાપેટીઓ હવે ખાલી રહેવા માંડી!  ચાળીસ જાતનાં પક્ષીઓ, દેડકાં કૈકોન્દ્રાહલ્લીના નિવાસી બની ગયાં.  ચાર પાંચ કાચબા અને  જાતજાતની માછલીઓ કૈકોન્દ્રાહલ્લીમાં તરતાં થઈ ગયાં. સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાય એવું એક ઓપન એર થિયેટર પણ પ્રવૃત્તિથી ધમધમતું થઈ ગયું.

૨૦૧૭

      કૈકોન્દ્રાહલ્લી બન્ગલુરૂનું સૌથી સુંદર તળાવ ગણાય છે, અને શહેરનાં જોવાલાયક સ્થળોમાં તેનો સમાવેશ થાય છે. એનો એક નજારો…

pr3

કૈકોન્દ્રાહલ્લીનાં ઘણાં બધાં દૃશ્યો…

સાભાર – શ્રીમતિ શ્રેયા પરીખ, The Better India

એક વિદાયનો વિષાદ

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

Vijay_Gadhvi

૧૯૭૭

      વિજય ગઢવી!  તમે નવમા ધોરણમાં ભણતા કિશોર છો. ગુજરાતી ભાષા માટે તમને અભુતપૂર્વ લગાવ છે. રાધનપુરની શેઠ કે. બી. વકીલ વિદ્યાલયનુ નવું સત્ર શરૂ થાય તે પહેલાં વેકેશનમાં જ નવા ખરીદેલા પાઠ્ય પુસ્તકમાંની બધી વાર્તાઓ (સૌથી પહેલાં તો સ્વ. શ્રી ઝવેરચંદ મેઘાણી ની જ) તમે વાંચી નાંખી છે. તમારા ઘણા સહાધ્યાયીઓ પણ એવા જ ભાષા પ્રેમી છે. પણ તમારી વાત અનેરી, અદકેરી છે. તમે તો એમાં આવતી બધી કવિતાઓ પણ વાંચી નાંખી છે.

      નિશાળ શરૂ થાય છે. ત્રણેક મહિના બાદ ગુજરાતીના શિક્ષક શ્રી. લહેરીસાહેબ (જેમની યુવાન ભત્રીજી પંદરેક દિવસ પહેલા માસક્ષમણ ના પારણા કરતી વખતે અવસાન પામેલ હોય છે) સ્વ. કવિ શ્રી. દામોદર બોટાદકરની ‘માતૃવંદના’ કવિતાનું ભીની આંખે વર્ગમાં રસદર્શન કરાવે છે.  બધા વિદ્યાર્થીઓની આંખમાં આંસું ઊભરાઈ આવેલાં છે. બે ત્રણ વિદ્યાર્થીનીઓ તો રડતી પણ સંભળાય છે. તમને વેકેશનના વાંચન વખતે ગમી ગયેલી આ કવિતાના ન સમજાયેલા અર્થ હવે તમારી સમજમાં આવી જાય છે. તમે પણ ભાવાવેશમાં તરબતર થઈ ગયા છો.

      રસદર્શન વખતે ગુરૂજીએ તો કવિતાનો પાઠ જ કર્યો હતો. પણ હવે તે ક્લાસને સંબોધીને કહે છે – “કોણ આ કવિતા ગાઈ સંભળાવશે?”

      કંઠ, કહેણી અને કવિતા ના લાક્ષણિક જ્ઞાતિગુણ ને કારણે તમારી આંગળી તરત જ ઊંચી થઈ જાય છે.  ગુરૂજી તમને આગળ આવી કવિતા ગાવા આમંત્રે છે. થોડોક સભાક્ષોભ છતાં તમે ઉભા થાઓછો. તમે હૈયામાં ધીરજ ધરી, આંખો મીંચીને એ કવિતા ગાવાનું શરૂ કરો છો ત્યારે તમારા માનસપટ પર એક નિઃસહાય “મા” ની છબી અંકિત થાય છે.

      થોડાક જ મહિના પહેલાં, તમારું ઘરકામ કરતી વિધવા કામવાળીને તેની ત્રીજી દીકરીના લગ્ન ૨૦ વર્ષ મોટા વિધુર સાથે કરવા પડ્યા છે. એ ગરીબ માનો લાચાર છતાં   પોતાની જવાબદારી પૂરી કરવાના ગૌરવનો આનંદ વ્યક્ત કરતો દયનીય ચહેરો તમારા માનસપટ પર અંકિત થઈ આવે છે. “અહાહા! લાચારી અને આનંદની આ તે કેવી કેમેસ્ટ્રી?
તમારા હ્રદયમાં કોતરાઈ ગયેલી એ માની છબી, વેકેશનમાં તમને બહુ ગમી ગયેલી ’માત્રુગુંજન’ ની આ કડીઓ સાથે જીવંત બની જાય છે.

આજ માડી તારે આંગણે રે! રૂડા રાસડા લેતી,
કાલ અગોચર ભોમમાં રે! ડગ ધ્રૂજતાં દેતી.

સાયર સાચલ સાસરું રે એનાં નીર તો ઊંડા,
દોડી દોડી કરે ડોકિયાં રે મહીં જળચર ભૂંડા.

મીઠા તળાવની માછલી રે! પાણી એ ક્યમ પીશે?
ઘેરા એના ઘૂઘવાટથી રે! મારી બાળકી બીશે.

      જેમ જેમ કવિતાનાં પદો આગળ વધતાં જાય છે, તેમ તેમ માતાની દીકરીના ભવિષ્ય માટેની શંકા કુશંકાઓ, તેના ક્ષેમ કુશળ માટેની તેના અંતરની આરજૂ, કવિતામાં ધરબાઈને રહેલો કરૂણરસ, અને પ્રકૃતિના તત્વો બાબત સંવેદનશીલ કવિની સજગતા અને કુશળ માવજત – કોમળ પણ, થોડાક જ વખતથી પૌરૂષ થી ભરાવદાર બનવા લાગેલા તમારા સૂરમાં ઘૂંટાવા લાગે છે. એના શબ્દે શબ્દનું પદલાલિત્ય હવે તમારા કંઠમાંથી વહેતા થયેલા શબ્દોમાં વ્યક્ત થવા લાગે છે.  તમારા અંતરનો ભાવાવેશ એ ગાનમાં છાનો નથી રહી શકતો. ઝીણા અવાજે શરૂ થયેલો તમારો સાદ ધીમે ધીમે ઊઘડવા લાગે છે. તમે કદી આટલી દિર્ઘ લાગણીઓથી કવિતા ગાઈ નથી – જાહેરમાં તો કદી નહીં. પણ આજે એ માતાના અંતરની લાગણી છલકાઈ છલકાઈને, પાણીના ધોધની જેમ તમારા સૂરમાં અને આંખોમાંથી વહેતી થઈ છે. એ ધોધમાં   તરબતર બનીને, સાવ નિર્બંધ બનીને વહી રહી છે. અંતરની એ વાણીમાં કિશોરાવસ્થાની ભાવુકતા અને સચ્ચાઈ છલ્લક છલ્લક છલકાઈ રહ્યાં છે.

       કવિતાનું ગાન પુરું થાય છે. પણ આખો ક્લાસ અને ગુરૂજી તમારી સાથે એ ભાવાવેશમાં તણાઈ ગયા છે. બધી વિદ્યાર્થીનીઓ એ ભાવાવેશમાં તરબોળ બનીને રડી રહી છે. અડધી મિનિટ લગી આ ભાવસમાધિની નિસ્તબ્ધ શાંતિ ક્લાસમાં છવાઈ ગઈ છે.  એ અસર ધીમે ધીમે દૂર થતાં, બધાં ભાનમાં આવે છે અને તાળીઓના ગડગડાટથી તમને વધાવી લે છે. ગુરૂજી એમની ખુરશીમાંથી ઊભા થઈ તમારી પાસે આવે છે, અને સજળ નયને તમને છાતી સરસા ચાંપી તમારું અભિવાદન કરે છે.

       તમારી ચૌદ વર્ષની નાનકડી જિંદગીનો આ અદભૂત અવસર, તમારા અંતરમાં કોરાઈને ન ભુલી શકાય તેવું, સુમધુર શિલ્પ બની રહે છે.

૨૦૧૭

        વિજય ભાઈ!   એક પ્રામાણિક વ્યાપારી તરીકે કુટુમ્બ, સમાજ અને મિત્રો વચ્ચે ચાળીસ વર્ષ જીવન સંગ્રામમાં તમે એટલા તો બધા ઓત પ્રોત બની ગયા છો કે, કિશોર કાળનું એ રૂમઝુમતું ઝરણું પાતાળમાં ગરકી ગયું છે. તે સાંજે તમે તમારા ઘર ના ડ્રોઇંગરુમ માં આખા દિવસની પળોજણમાંથી પરવારી ‘હાશ!’ કરતા બેઠા છો. તમારી પત્ની ફોન ઉપર તમારી દીકરી ને “સૌ સારા વાના થશે બેટા…  હિંમત રાખજે… ફોન મુકું હો બચુ…” કહીને આંખોના ઝાકળભીના ખુણા છુપાવવા રસોડામાં ચાલી જાય છે. સામેની દિવાલે ટાંગેલી ફ્રેમ માં જુઇના ફુલ જેવી તમારી લાડલી દીકરી હિમાદ્રિ નો વિદાય સમય નો વિષાદી ચહેરો તમે જોઇ રહો છો. તેના દાંપત્ય જીવનમાં તેણે સ્વીકારેલા અન્યાય સામેના સમાધાન, વીતેલા વર્ષોનાં   દ્વેષ, પીડીત વ્યથાઓ અને ઉલઝનોને યાદ કરો છો ત્યારે ‘માત્રુગુંજન’ ની એ કડીઓનું ઝરણું સાત પાતાળ ફેડીને એકાએક તમારા સ્મૃતિપટમાં ઊભરાઈ આવે છે.

હૈયાસૂની હબકી જતી રે! એને રાખજો રાજી,
મેં તો ત્યજી હવે હાથથી રે! હતી જાળવી ઝાઝી..

લાજભરી મારી લાડકી રે એને મોઢડે તાળાં,
કોણ પળેપળ પૂછશે રે દુઃખી જોઇ દયાળાં

        હરખ અને શોકના અવસરો અને રોલર કોસ્ટરના એ ચઢાવ ઊતરાવ નવરાશની આ પળમાં શીતળ અને ઉષ્ણ લહેરખીઓ બનીને તમારા ચિત્તમાં આવન જાવન કરી રહ્યાં છે.  તમારા ચિત્તના પ્રવાહો એ શોર બકોરથી ડહોળાઈ ગયા. કોણ જાણે કેમ, પાતાળ ફોડીને કિશોરકાળનું એ ઝરણું એકાએક બહાર આવી ગયું છે. કાળઝાળ વર્તમાનના  બધા જ વિચારોને અતિક્રમીને ‘માતૃગુંજન’ કાવ્યના કરૂણ, મધુર ભાવ તમારા ચિત્તમાં રેલાવા લાગ્યા. તમને માત્ર છુટપુટ લીટીઓ જ યાદ છે.

ઊનો અનિલ આ એકલો રે, વહે ધ્રુસકાં ધીરે,
હાય! હણાયેલી માતને રે, ચડી અંતર ચીરે.

આ શબ્દોએ તમને ફરીથી ૧૪ વર્ષના કિશોર બનાવી દીધા છે. સામ્પ્રત સમયની બધીય વ્યથાઓ એક ક્ષણ માત્રમાં ઓસરી ગઈ છે. તમારું સમગ્ર હોવાપણું મુગ્ધાવસ્થાની એ પળોમાં સજીવન થઈને ઉલ્લાસવા લાગ્યું છે. આ સુભગ પળમાં પુખ્તતાની બધીય કડવાશ અને રૂક્ષતા ગાયબ થઈ ગયાં છે.  કિશોરની પ્રગલ્ભતાથી ભરેલો તમારો એ ભાવુક અવાજ તમારા માનસ પટલ પર પડઘાવા લાગ્યો છે. એ સુખમય સમાધિની ચરમ સીમામાં તમારા અંતરમાં એક આરજૂ જાગી ઊઠે છે.

‘એ મનભાવન કવિતા આખે આખી મેળવવી છે.’

      પણ આખેઆખી એ કવિતાના પદ શી રીતે મેળવવા? દસમા ધોરણમાં પ્રવેશવાની સાથે જ ગુજરાતીનું એ પાઠ્યપુસ્તક તો તમારા પિતરાઈ ભાઈને વાપરવા આપી દીધું હતું. ચાળીસ વર્ષ વિતી ગયા છે, એટલે હાઈસ્કૂલના નવમા ધોરણનું પાઠપુસ્તક પણ અનેક વખત બદલાઈ ગયું છે. તમે રહો છો, એ રાધનપુર શહેરમાં એવું પુસ્તકાલય પણ નથી, જેમાં દસકાઓ જૂની આવી કવિતાનાં પુસ્તકો મળી રહે. ત્રણેક દિવસ તમારા ચિત્તમાં આ ખ્યાલ જ ઘુમરાતો રહ્યો છે – ‘શી રીતે એ કવિતા આખે આખી મેળવવી?

     તમારા એક વડીલ મિત્ર શ્રી વર્ધીલાલ ભી. ઠક્કર તમને આવી માહિતી શી રીતે મેળવવી તેની માહિતી આપે છે. તે દિવસે સાંજની નવરાશમાં તમે લેપટોપ ખોલીને એ સરનામે પહોંચી જાઓ છો, અને તમારી આ આરજૂ વ્યક્ત કરો છો –

વિજય ગઢવી ઓગસ્ટ 24, 2017,  2:30  (am)

બોટાદકર નુ ‘માતૃગુંજન’ કાવ્ય જોઈએ છે. મહેરબાની કરીને મોકલશો.

       એ પછીના દિવસની સાંજે તમારા ઈન-બોક્સમાં એક લિન્ક આવીને ખુલવા માટે તમારી રાહ જોઈ રહી છે!      એ લિન્ક ખુલતાંની સાથે જ તમે ઊભરી રહેલા આનંદ અને ઉલ્લાસના ધોધમાં તરબતર બની ગયા છો. કિશોરાવસ્થાની એ મધુર પળને યાદ કરી કરીને તમે ‘માતૃગુંજન’ ગાવા લાગ્યા છો. એ કે.બી. હાઈસ્કૂલ, એ લહેરી સાહેબ, વર્ગના તમારા એ માનીતા અને ગમતીલા મિત્રો અને સ્વ. કવિશ્રી. બોટાદકર માટેનું અનહદ માન – આ સઘળાં તમારા સમગ્ર હોવાપણાંને હવે આનંદના ઓઘમાં ધમરોળી રહ્યાં છે.

      તરત જ એ લિન્ક મોકલનાર  શ્રી સુરેશભાઇ જાની નો ગદગદિત થઈ  આભાર માનો છો અને  કિશોરાવસ્થાની એ મધુર પળને યાદ કરી કરીને ‘ માતૃગુંજન’ ના કરુણ રસ ના ગાનમાં ફરીથી ડૂબી જાઓ છો. ક્ષિતિજ માં વિલીન થતો આથમતો સુર્ય જાણે તમને આશ્વસ્ત કરી રહ્યો છે.

This slideshow requires JavaScript.

આ ચિત્ર પર ક્લિક કરી, એ આખી કવિતા વાંચો.

      આપણે આવી સરસ , સુભગ કવિતાઓ અને ગુજરાતી સાહિત્યની અન્ય કૃતિઓ ‘વિકિસ્રોત’ પર મુકનાર શ્રી. ધવલ સુધન્વા વ્યાસ અને તેમના સાથીઓનો આભાર માનીએ.

વિજય ભાઈએ તેમની દીકરીની વિદાય વખતે આપેલ ભેટ ચિત્ર ( કવિ – અજ્ઞાત )

વિજયભાઈના સૂરમાં એક વિડિયો….

વિજય ભાઈના સૂરમાં આ સ્લાઈડ શો ડાઉનલોડ કરો.

 

ઘડપણની ઉંમરે યુવાનીનો ઉત્સાહ – હેન્રી શાસ્ત્રી

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

મૂળ સ્રોત – મુંબાઈ સમાચાર ( અહીં ક્લિક કરો )

     નિવૃત્તિ પછીની પ્રવૃત્તિ શું? આ સવાલ આજે ૬૦ વર્ષની આસપાસના ઘણાં લોકોને સતાવી રહ્યો છે. એ સવાલનો જવાબ નહીં મળવાને કારણે એ લોકો કોઈને કોઈ કામમાં જોતરાયેલા રહે છે. ભક્તકવિ નરસિંહ મહેતાના નગર તરીકે જાણીતા એવા જૂનાગઢ શહેર નજીકના એક ગામમાં વસતા ૯૫ વર્ષના વલ્લભભાઈ મારવણિયાને આ કે આવો કોઈ પ્રશ્ર્ન નથી સતાવતો. સાચું પૂછો તો તેમના જીવનમાં આવા કોઈ સવાલનું અસ્તિત્વ જ નથી. નિવૃત્તિ શું છે અને કોને કહેવાય એની એમને ખબર જ નથી. તેમના શબ્દકોશમાં નિવૃત્તિ નામનો શબ્દ જ નથી, પ્રવૃત્તિ નામનો શબ્દ છે. એટલે આજે ૯૫ વર્ષની ઉંમરે પણ કડેધડે છે અને અઠવાડિયામાં બે-ત્રણ વાર પોતાના ખેતરે આંટો મારવા જાય છે. એટલું જ નહીં પણ ત્યાં જઈને પોતાને સૂઝ પડે એવું નાનુંમોટું કામ કરીને પુત્ર અને પૌત્રને મદદરૂપ થઈને સંતોષનો ઓડકાર ખાય છે. આ વર્ષે માર્ચ મહિનામાં (ચોથી માર્ચે) તેમને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ ગ્રાસરુટ્સ ઇનોવેશન અવૉર્ડ એનાયત થયો છે. વલ્લભભાઈ એક એવું વ્યક્તિત્વ છે જે ન કેવળ પ્રેરણાદાયી છે, પણ ઝાઝા ભણતર વિના સમજદારીથી આગળ વધી એક ઊંચાઈ હાંસલ કરતા ગુજરાતીઓનું ગર્વ લઇ શકાય એવું એક વિશિષ્ટ ઉદાહરણ પણ છે. આવો ઓળખીએ ગાજરની ખેતીમાં નામ અનોખી સિદ્ધિ મેળવનાર આ અનોખા દાદાજીને.

      ગામનું નામ ખામધ્રોળ. જૂનાગઢથી ફક્ત દોઢ કિલોમીટરનું અંતર. નરસિંહ મહેતા ઉપરાંત ગિરનાર માટે જાણીતા જૂનાગઢના આ નાનકડા ગામને વલ્લભભાઈના ગામ તરીકે પણ ઓળખવું જોઈએ એવી એમની સિદ્ધિઓ છે. આરોગ્ય સ્વસ્થ છે, પણ મોબાઈલમાં વાત કરવાની અને સામે માણહ ન હોય તો વાર્તાલાપ કરવાની ફાવટ ન હોવાથી તેમના પુત્ર અરવિંદભાઈ ‘મુંબઈ સમાચાર’ સાથે તેમના વતી વાત કરે છે. તેઓ વાતચીતનો છેડો છેક ૬૩ વર્ષ પાછળ લઇ જાય છે. ‘૧૫ વર્ષની ઉંમર સુધી બાપુજી રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના મોટી મારણ નામના ગામે મોસાળમાં રહેતા હતા,’ અરવિંદ ભાઈ ઉત્સાહથી શરૂઆત કરે છે, ‘પાંચ ધોરણ પાસ કર્યા પછી તેઓ વેકેશનમાં ખામધ્રોળ આવ્યા ત્યારે મારા દાદા એટલે કે એમના બાપુજીએ એમને કહી દીધું કે બસ, હવે આગળ ભણવાની જરૂર નથી. ખેતીવાડીના કામે લાગી જા. આમ ૧૫ વર્ષની ઉંમરે જ બાપુજી પર મોટી જવાબદારી આવી ગઈ. વાત છે ૧૯૩૭ની. મારા દાદા અને એમના ભાઈઓ પાસે વિશાળ જમીન હતી. એમાં શાકભાજી વાવવાની સાથે સાથે ગાજર અને જુવારનો પણ પાક લેવાતો. એ સમયમાં મકાઈ, ગાજર અને જુવાર લોકો ન ખાતા. એ તો કેવળ જનાવરનું ખાણું કહેવાતું. આ સમજણ રૂઢ થઇ ગઈ હતી. બધાની જેમ કુમળી વયે બાપુજીએ પણ આ વાત માની લીધી. ૧૯૪૩માં ૨૧ વર્ષની ઉંમરે એમને એક વિચાર આવ્યો. તમને શહેરના લોકોને કદાચ ખબર નહીં હોય, પણ એ સમયે પશુધાન ગણાતા હોવા છતાં ખેડૂતો જુવાર અને ગાજર નિયમિત ખાતા. એમાંથી બાપુજીને વિચાર આવ્યો કે આ ગાજર તો સ્વાદિષ્ટ લાગે છે એનું વેચાણ લોકોને કરીએ તો? દાદા સમક્ષ રજૂઆત થઇ, પણ ‘તું તો મૂરખ છો. તારામાં અક્કલ જ નથી. આ તો ઢોરનું ધાન છે. માણહને વેચવા ન લઇ જવાય’ એમ કહીને ચૂપ કરી દીધા બાપુજીને.’

      એ સમય વડીલોની આમન્યા રાખવાનો અને મર્યાદા જાળવવાનો હતો. એટલે વલ્લભભાઈએ તેમના બાપુજીનો વિરોધ તો ન કર્યો, પણ એક દિવસ તો ગાજર વેચવા લઇ જ જવા છે એવી મનમાં ગાંઠ વાળી લીધી. અને એક દિવસ હિમ્મત કરીને એ વિચાર અમલમાં મૂકી દીધો. કોઈને ખબર ન પડે એમ ૧૦ -૧૦ કિલોની બે પોટલી બનાવી અને શાકભાજીના પોટલામાં સંતાડીને લઇ ગયા બજારમાં. શાકભાજીના કેટલાક કાયમી ગ્રાહકોને એ ગાજર ચખાડ્યા અને એમને એ બહુ ભાવ્યા પણ. વાતનું અનુસંધાન જોડીને અરવિંદ ભાઈ ‘મુંબઈ સમાચાર’ને જણાવે છે કે ‘ગ્રાહકોએ રસ દેખાડ્યો એટલે ૧૦ કિલોના ચાર રૂપિયાના ભાવે વેચી દીધા. લોકોએ પણ રાજીખુશીથી એ રકમ ચૂકવીને ગાજર ખરીદ્યા. જરા વિચાર કરી જુઓ કે જે ગાજર પશુઓના આહાર તરીકે ચાર આને કિલો વેચતા હતા એના ચાર રૂપિયા ઉપજ્યા. ચાર આનાના ચાર રૂપિયા! બાપુજીના આનંદનો કોઈ પર નહોતો. ઘેરે આવીને બાપુના હાથમાં આઠ રૂપિયા મૂક્યા. આટલા બધા પૈસા એક સાથે જોઈને દાદાએ બાપુજીને સવાલ કર્યો કે ‘કેટલા સમયથી ભેગા કરેલા પૈસા તું મને આપી રહ્યો છે? કે કોના બાકી રહી ગયેલી રકમ તું લઇ આવ્યો છે?’ બાપુજી હસી પડ્યા અને બોલ્યા કે આ આઠેઆઠ રૂપિયા માત્ર ગાજરના ઉપજ્યા છે. હોય નહીં એમ કહેતા દાદાએ બાપુજીને બાથમાં લઈને છાતી સરસો ચાંપીને ખૂબ ધન્યવાદ આપ્યા અને દીકરાએે પરિવારનું નામ ઉજાળ્યું એવી પ્રતિક્રિયા આપી.’

      અને ૨૧ વર્ષના યુવાન વલ્લભદાસને દોડવા માટે ઢાળ મળી ગયો. ૧૯૪૩થી તેમણે અલાયદી જમીનમાં રીતસરની ગાજરની ખેતી શરૂ કરી દીધી. ૧૦ વર્ષ સુધી એકલા હાથે ખેતી કરી. એમને ગાજરનો મબલક પાક લઈને ધૂમ કમાણી કરતા જોઈને ગામના અન્ય ખેડૂતોને પણ પ્રેરણા મળી. કેવળ પોતેે જ નહીં, અન્ય ખેડૂતો પણ ગાજરનો પાક લઈને એમાંથી બે પૈસા કમાય એવી વલ્લભભાઈની ઉદાત્ત ભાવના હતી અને આજે પણ છે. ખેતી વધી હોવાથી એક સમયે ગાજરનું બિયારણ ક્યાંથી લાવવું એની મુશ્કેલી ઊભી થઇ હતી. એમાંથી વલ્લભભાઇને બીજ તૈયાર કરવાની પ્રેરણા મળી. ગાજરનું સારું બીજ દરેક ખેડૂતને મળવું જોઈએ એ નિષ્ઠા સાથે ૧૯૮૫થી તેમણે એનું કામ પણ શરૂ કરી દીધું. સારી ગુણવત્તાવાળાં બીજ તૈયાર કર્યાં જેને કારણે ગાજરનો બહેતર પાક ઊતર્યો. પુત્ર અરવિંદભાઈ પણ નવમું ધોરણ પાસ કર્યા પછી બાપુજી સાથે ખેતીમાં જોડાઈ ગયા.

      જોકે, ૧૯૮૩માં તેમની સાથે એક દુર્ઘટના થઇ. એ વિશે અરવિંદ ભાઈ જણાવે છે કે ‘એક દિવસ હું અચાનક કૂવામાં પડી ગયો. મારું થાપાનું હાડકું ભાંગી ગયું. અમે પરિવારમાં બે ભાઈ અને પાંચ બહેનો. મોટા ભાઈ તો શિક્ષક હતા અને તેમને ખેતીમાં રસ નહોતો. મારા દાદા અને એમના ભાઈઓ છૂટા થયા ત્યારે અમારે ભાગે ૩૫ વીઘા જમીન આવી હતી જેમાંથી સંજોગવશાત ૨૫ વીઘા જમીન અમારે વેચી નાખવી પડી. બાકી રહેલી ૧૦ વીઘામાં ખેતી શરૂ કરી. ગાજર અને સાથે શાકભાજી પણ વાવતા. ગાજરની ખેતી ચાર જ મહિના થાય અને એટલે બાકીના સમયમાં બીજો પાક લઇ શકાય. બાપુજીએ સૂઝબૂઝ અને મહેનતથી પ્રયોગો કરીને અઢી ફૂટ સુધીના ગાજરનો પાક લીધો. જૂનાગઢની એક લૅબોરેટરીમાં ગાજરનું ઍનેલિસિસ કરાવ્યું અને એમાં અન્ય ખેતરોમાં પાકતા ગાજરની સરખામણીમાં અમારે ત્યાં પાકતા ગાજરમાં બીટા કેરોટિન નામનું ઉપયોગી ઘટકનું પ્રમાણ વધારે હોવાનું સાબિત થયું. અમે અત્યારે જે ગાજરની જાત વિકસાવીએ છીએ એના માટે રાષ્ટ્રપતિ તરફથી અવૉર્ડ અને એક લાખ રૂપિયાનો ચેક મળ્યો.’

       સમગ્ર જમીનના વાવેતરમાં માત્ર અરવિંદભાઈ, તેમના પત્ની અને પુત્ર જ કામ કરે છે. કાયમી ધોરણે કોઈ માણસ નથી રાખ્યો. હા, ક્યારેક જરૂર પડે તો મદદ લઇ લેવાય છે. વલ્લભદાદા નાની મોટી મદદ તો કરતા જ રહે છે. જે જમીનમાં લોહી રેડીને પોતે મોટા થયા છે એ જમીનથી સાવ અલગ તેઓ નથી રહી શકતા અને ખેતરે આંટો મારવાથી પ્રફુલ્લિત રહી શકાય છે. સિવાય ગાજરની ખેતીમાં પ્રયોગો પણ કરતા રહે છે. ભણતર ન હોવા છતાં માત્ર આવડતના જોરે ગાજરની ખેતીમાંથી એના હલવા જેવું વળતર મેળવનાર વલ્લભભાઈ મારવણિયા આપણા ગુજરાતનું જ નહીં બલકે દેશનું ગૌરવ છે.

—————————–

નવાબના ૪૨ રૂપિયા બાકી

      યુવાન વલ્લભના ગાજરની લોકપ્રિયતા ૧૯૪૩માં એ સમયના જૂનાગઢના નવાબના કાને જઈ પહોંચી. તેઓ પણ ગાજર મગાવતા. રકમ મોટી થાય એટલે એક સાથે પૈસા ચૂકવી દેતા. ૧૯૪૭માં દેશ આઝાદ થયો. ભારતના ભાગલા પડ્યા અને નવાબ રાતોરાત જૂનાગઢ છોડીને પાકિસ્તાન નાસી ગયા. એ દિવસ યાદ કરીને મલકાતા મલકાતા વલ્લભદાદા જણાવે છે ‘મારે નવાબ પાસેથી ૪૨ રૂપિયા લેવાના નીકળે છે.’

છાણ કે સોનાની ખાણ?

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો. pr1

૨૦૧૫

   બરેલી્માં મિલ્કતની લે-વેચનો ધંધો કરતા વેપારીના મોટા દીકરાએ એક ડેરી ફાર્મ શરૂ કર્યું હતું. તેમાં આધુનિક વિજ્ઞાન વાપરવાનું શીખવા તે ઇજ્જતનગરમાં આવેલી પશુ-સંવર્ધનની શોધખોળ કરતી સંસ્થામાં (IVRI) તાલીમ લેવાનું વિચારતો હતો. બી.કોમ.નું ભણતો ૧૯ વર્ષનો તેનો નાનો ભાઈ પ્રતીક પણ તેની સાથે ખાલી ફરવા જ ઇજ્જતનગર ગયો હતો. આમ તો તે સી.એ. થવા તલપાપડ હતો. તે માટેની પ્રારંભિક યોગ્યતા મેળવવાની પરીક્ષા પણ તેણે પસાર કરી દીધી હતી.

     તેના ભાઈના ડેરી ફાર્મમાં છાણ અને ખાણનો કચરો બને તેટલી જલદીથી મામૂલી ભાએ વેચીને દૂર કરાતાં હતા. પણ પ્રતીકને ઇજ્જત નગરમાં એક વ્યાખ્યાનમાંથી જાણવા મળ્યું કે, આ બધાંમાંથી સેન્દ્રિય ખાતર બનાવી શકાય અને તે વાપરીને બનતી ખેત પેદાશો બજારમાં ઊંચો ભાવ કમાઈ આપે.

    આ સાથે પ્રતીકના જીવનની દિશા બદલાઈ ગઈ. તેણે આ બાબત ઊંડા ઉતરવાનું નક્કી કર્યું. તે પણ  એ સંસ્થાના એક ટ્રેનિંગ કોર્સમાં જોડાઈ ગયો. છ મહિના આ જ લગન, આ જ વિષયનું વાંચન, અને અવનવા પ્રયોગો. છેવટે તેણે બાપુને કહી દીધું કે, તે સી.એ. થવાનો નથી. બાપુને આ પસંદ તો ન જ પડ્યું, પણ પ્રતીકની મા એના દીકરાની અવનવું કરવાની લગન સમજી ગઈ અને તેમણે બાપુને સમજાવી દીધા.  પ્રતીકે જ્યારે તેની પહેલી પેદાશમાંથી મળેલ મોટી રકમનો ચેક બાપુના હાથમાં મુક્યો, ત્યારે એ વેપારી માણસને સમજતાં વાર ન લાગી કે,

પ્રતીકને  છાણમાંથી સોનાની ખાણ મળી ગઈ છે!

     બાપુએ પ્રતીકને પરઢોળી ગામમાં સાત વીંઘા જમીન ખરીદી આપી. પ્રતીકની ગાડી હવે ધમધમાટ દોડવા લાગી. તેણે સેન્દ્રીય ખાતરનું ઉત્પાદન મોટા પાયે શરૂ કરી દીધું.

pr2

૨૦૧૭

પ્રતીક તેને મળેલી તાલીમ પરથી અવનવા કચરા વાપરી જુએ છે અને  તેમને કહોવાવાની અવનવી રીતો શોધી કાઢે છે. એમાં મંદીરોમાંથી કચરા ભેગા થતાં ફૂલોનો પણ સમાવેશ થાય છે ! તેમાં લીમડાનાં પાન અને ગૌમૂત્ર વાપરીને  આ ખાતરમાં જંતુનાશક તત્વ પણ પ્રતીકે ઉમેર્યું છે. બે જ વર્ષમાં તે પોતાના પગ પર ઊભો થઈ ગયો, એટલું જ નહીં;  તેણે બીજી થોડીક જમીન પણ ખરીદી લીધી અને જાતે ખેતી કરવા લાગી ગયો.

     પોતાની ઉન્નતિની સાથે સાથે પ્રતીકે બીજા ખેડુતોને પણ આ રીત અપનાવવા પ્રેર્યા છે, અને તેની દોરવણી હેઠળ ૪૨ ખેડુતો પણ સેન્દ્રીય ખાતર વાપરતા થઈ ગયા છે.   રાસાયણિક ખાતર માટે એક એકરે ૪૫૦૦ ₹ જેટલો ખર્ચ આવતો હોય છે, જ્યારે આ ખાતર માટે માત્ર ૧૦૦૦ ₹. જ ખર્ચ આવે છે.  આ ખાતર વાપરીને રાસાયણિક ખાતર કરતાં મોટા દાણા વાળા ઘઉં પકવી શકાય છે, અને બજારમાં તેના વધારે ભાવ પણ મળે છે. બાવીસ જ વર્ષના આ તરવરતા તોખારની સહયોગી બાયોટેક નામની કમ્પનીનું ખાતર બરેલી ઉપરાંત નોઈડા, ગાઝિયાબાદ અને શાહજહાંપુરમાં વેચાતું થઈ ગયું છે. પ્રતીક ‘ये लो खाद ‘ ના નામથી સેન્દ્રીય ખાતર વેચે છે અને વર્ષે બાર લાખ રૂપિયા રળી લે છે.

પ્રતીકના જ શબ્દોમાં

    “હું રોજ દસ કલાક સતત વાંચીને કદાચ સી.એ. થયો હોત પણ એનાથી મને એટલો આનંદ ન થયો હોત જેટલું આ કામમાં અટક્યા વિના, રચ્યા પચ્યા રહેવામાંથી મળે છે. દરેકે પોતાનો જુસ્સો શેમાં સૌથી વિશેષ છે, તે જાણી લેવું  જોઈએ. તો જ કામમાં મજા આવે.”    

સાભાર – માનવી કટોચ, Better India

સંદર્ભ –

http://www.thebetterindia.com/101810/prateek-bajaj-vermicompost-ye-lo-khaad-sehyogi-biotech/

નર્કાગારમાંથી અલકાપુરી

‘ નૂતન ભારત’ શ્રેણીની બધી વાર્તાઓ માટે અહીં ‘ક્લિક’ કરો.

अबे …. ! रास्ते पर ऐसे थूंक मत  पुलिस देख लेगी तो तगडा फाईन देना पडेगा  बोलमैं पुलिसको हेल्प लाईन पर खबर दे दुं? ‘

બારી ખોલીને એક ટેક્સી ડ્રાઈવરે બાજુના ઓટો રીક્ષાવાળાને આમ કહ્યું.

શા માટે?

       મધ્ય પ્રદેશમાં ઉદ્યોગ અને વેપાર વણજના સૌથી મોટા કેન્દ્ર એવા ઇન્દોરના રસ્તા પરનો આ સંવાદ એક અપવાદ રૂપ સંવાદ નથી. એ હવે રોજબરોજની ઘટના બની ગયો છે. ગંદકી કરનારની કાનપટ્ટી પોલિસ નહીં પણ, આમ ઠેર ઠેર લોકો જાતે પકડવા  લાગ્યા છે. ૨૦૧૧ માં ૩૭ લાખની વસ્તી ધરાવતા ઇન્દોરમાં છેલ્લા  અઢાર મહિનામાં એક નાનકડી ક્રાન્તિએ જન્મ લીધો છે.  માત્ર અઢાર જ મહિના પહેલાં ઇન્દોર ગંદા શહેરોના લિસ્ટમાં આગળ પડતું સ્થાન ધરાવતું હતું. આટલા ટૂંકા ગાળામાં દેશના બીજા બધા શહેરોને બાજુએ મુકીને સૌથી વધારે સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરનો પુનર્જન્મ થયો છે. આજની તારીખમાં જો તમે ઇન્દોરની મુલાકાત લો, તો જાહેર રસ્તા પર તો શું ? નાની નાની ગલીઓમાં પણ ક્યાંય કચરો, બણબણતી માખીઓ,  રખડતા કુતરા કે ગાયો જોવા નહીં મળે – જાણે કોઈ જાદુગરે ‘ઈલમકી લકડી’ એની ઉપર ફેરવી દીધી છે.

      કોણ છે એ જાદુગર?  ૪૯ વર્ષની ઉમરના,  ૨૦૦૯ ની IAS બેચના, ઇન્દોરના કમિશ્નર શ્રી. મનીશ સિંઘે માત્ર અઢાર મહિનામાં એની કાયાપલટ કરી દીધી છે. તેઓ એક સબળ, અને કલ્પના સભર સામાજિક નેતા અને  કાબેલ અમલદાર સાબિત થયા છે. ૨૦૧૫માં તેમની નિમણુંક આ પદ પર થઈ ત્યારથી જ તેમણે શહેરના ગંદા વિસ્તારોનું લિસ્ટ બનાવવા માંડ્યું હતું.  થોડાક જ દિવસમાં એમની ડાયરીમાં ૧,૮૦૦ જગ્યાઓનાં નામ જમા થઈ ગયાં હતાં ! આ નર્કાગાર જોઈ સફાઈનો કોન્ટ્રાક્ટ ધરાવતી કમ્પની અને મ્યુનિ. કોર્પોરેશના જવાબદાર અધિકારીઓ તરફ એમની રાતી ચોળ આંખ ફરવા લાગી. જાણે કે, ‘તાંડવ નૃત્ય કરતા શિવજી સાક્ષાત ઇન્દોરની ધરતી પર પ્રગટ થઈ ગયા ન  હોય?’ – તેમ  બળબળતા ઉનાળામાં પણ  કડકમાં કડક શબ્દોની વર્ષા એમની વાણીમાંથી પ્રગટવા લાગી. મનીશ સિંઘ ઇન્દોરના કચરા સામે યુદ્ધે ચઢી ગયા.

ms1

      ઇન્દોરનાં મેયર શ્રીમતિ માલિની લક્ષ્મણ સિંઘ ગૌડે એમને આપેલું પીઠબળ અને ઉત્તેજનનો ઉલ્લેખ ન કરીએ તો આપણે તેમને અન્યાય જ કર્યો કહેવાય. એ રાજકારણી બાઈ પણ નાગરિકોની  સ્વચ્છતાની સૂઝના અભાવ સામે રાણી લક્ષ્મીબાઈની જેમ રણે ચઢી છે ! ઇન્દોરનો સમાવેશ ભારતના સ્માર્ટ સીટીમાં થાય એ માટે તેમણે  ઇન્દોરના રહેવાસીઓને  એલાન આપ્યું છે.

MS2

      મનીશ સિંઘે એમના આ યજ્ઞની શરૂઆત ઘેર ઘેર થી કચરો એકઠો કરવાની પદ્ધતિ અમલમાં મુકીને કરી હતી. શહેરના રસ્તાઓ  દિવસમાં ત્રણ વખત વાળવાની અને રોજ રાતે પાણીથી ધોવાની શરૂઆત પણ તેમણે કરાવી હતી. બીજી એક આશ્ચર્ય જનક બાબત એ છે કે, તેમણે શહેરમાં ગોઠવેલી  ૧,૪૦૦ જેટલી કચરા પેટીઓ ઊઠાવી લેવડાવી હતી ! કારણ એ કે, સંસ્કારી શહેરી જનો પણ ચાલુ  વાહને એમાં કચરો ભરેલી પ્લાસ્ટિકની થેલીઓ ઉશેટતા હતા. ઘણી થેલીઓ ટૂટીને બહાર પડતી. એ કચરાપેટીઓ પોતે જ એક કચરા ધામ બની ગઈ હતી. કચરામાંથી સોનું ગોતતી લઘર વઘર સેના અને ભુખ્યાં કુતરાં અને ગાયો માટે આ કચરાપેટીઓ બાવા આદમના ખજાના જેવી બની ગઈ હતી ! ઘેર ઘેરથી કચરો ઉઘરાવવાની પદ્ધતિના પ્રતાપે  આ ઉપદ્રવકારક બબાલ ટાળી શકાઈ છે. અલબત્ત,  અગત્યની જાહેર જગ્યાઓએ કચરો નાંખવા માટે  ૧૭૫ જેટલી નાની કચરાપેટીઓ અવશ્ય રાખવામાં આવી છે.

       જાહેર શૌચાલયો પણ હવે ચોખ્ખાં ચણાંક રાખવામાં આવે છે. સમૃદ્ધ વિસ્તારોમાં પણ ગંદકીનું સામ્રાજ્ય વ્યાપેલું  રહેતું હતું; એની જગ્યાએ હવે ઝુંપડપટ્ટી વિસ્તારો પણ ઉજળા થવા લાગ્યા છે. મુંબાઈની ‘ખાઉધરા ગલી’ કે અમદાવાદના માણેકચોક જેવા ઇન્દોરના ગંદકીથી ઊભરાતા, ‘સરફરા’ વિસ્તારની મુલાકાત ચોખલિયા લોકો લેતા ન હતા. સડતા ખાદ્ય પદાર્થો પર તેમ જ તૈયાર થયેલી વાનગીઓ ઉપર સતત માખીઓ બણબણતી રહેતી. હવે વિદેશી મુસાફરો પણ એ પ્રખ્યાત જગ્યાની મુલાકાત લેતાં થઈ ગયાં છે !

      અધધધ ! રોજનો ૧૧૦૦ ટન કચરો.  શહેરથી દૂર એને ઠાલવવાના સ્થળની પણ મુલાકાત લેવા જેવી છે. કચરો ઠલવાય પછી તેની નિષ્ણાત  માવજત કરવામાં આવે છે. ભરાઈ ગયેલી જગ્યા બહુ જ થોડા વખતમાં નંદનવન જેવી બનાવી દેવામાં આવે  છે. એ  જગ્યાઓએ લીલાંછમ ઘાસ અને જાતજાતનાં ફુલોથી લહેરાતાં ઉધાનો આપણી આંખ ઠારે છે. પાછી ફરતી કચરાની ટ્રકોને પણ પાણીથી ધોઈ ચોખ્ખી ચણાક કરવામાં આવે છે. ખાલી થઈને  શહેરમાં  દાખલ થતી એ ટ્રકો પણ સદ્યસ્નાતા સુંદરીઓ જેવી લાગે છે ! પ્લાસ્ટિકની થેલીઓને બહુ ચોકસાઈથી જુદી પાડવામાં આવે છે, અને તેમને દબાવીને રિસાયકલ કરતાં કારખાનાંઓ ભેગી કરવામાં આવે છે.

MS3

      ઇન્દોરની સાવ ટુંકી  મુલાકાત લઈએ તો પણ આવી પીળી ટ્રકો આપણને અચૂક  ભટકાતી જ રહે – (માત્ર ૮૦૦ ની સંખ્યામાં  જ છે ! ) ૮૫ વોર્ડોનો સફાઈકામનો હવાલો સંભાળતા  દરેક અધિકારીને જીપ આપવામાં આવી છે, જેથી સફાઈકામ પર તેઓ ચાંપતી નજર રાખી શકે અને  ફરિયાદ આવે ત્યાં તરત દોડી શકે. આ અઢાર મહિનામાં જાહેર રસ્તા પર  કચરો નાંખતાં પકડાયેલા લોકોને દંડ કરવાથી ભેગી થયેલી રકમ જ ૮૦ લાખ ₹ હતી ! જો કે, મ્યુનિ. ને હવે બહુ ઓછી દંડની રકમ મળે છે! આ જ રીતે સફાઈકામની ફરજ ન સંભાળતા ૬૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરવાની હિમ્મત પણ મનીશે દાખવી હતી ! સફાઈકામ કરતા એમના લશ્કરમાં અત્યારે ૬,૫૦૦ તરવરતા સૈનિકો છે – જેમના હાથમાં રાઈફલ નહીં પણ ઝાડુ હોય છે ! રાજકીય પક્ષોની રેલીઓ વિ. જાહેર કાર્યક્રમો યોજતા સૌએ સફાઈ માટેની ખાસ ફી મ્યુનિ. ને ભરવી પડે છે. ઝુંપડપટ્ટીઓ અને રખડતાં ઢોરના માલિકો સામે પણ કોઈ શેહ શરમ  વિના અને રાજકીય અને અસામાજિક તત્વોના દબાણોની ‘ઐસી તૈસી’ કરીને કડકાઈ અપનાવવામાં આવી છે. આ બધું મેયરશ્રીના આશિર્વાદ અને પીઠબળ વિના શક્ય ન જ બન્યું હોત. આ સાથે વહિવટી કુનેહથી સામુહિક જાગૃતિ લાવવાના અનેક સેમિનારો યોજી બધા સંબંધ કર્તા પરિબળોનો સાથ અને સહકાર પણ મનીશે મેળવ્યાં છે. છાપાં, સ્થાનિક ટીવી, સ્થાનિક રેડિયો પર સુમધુર ગીત કંડિકા ( jingle ), સ્થાનિક અખબારોમાં આકર્ષક જાહેર ખબર,  જાહેર જનતા માટે શિક્ષણ અને જાણકારી, શાળાઓમાં બાળકોને પાયામાંથી સ્વચ્છતાની ભાવનાનું બીજારોપણ,  વિગેરે મિડિયા અને કલ્પનાશીલ અભિગમ અપનાવવાનું અને વાપરવાનું પણ આ બાહોશ અધિકારી ચૂક્યા  નથી. તેમનું અંગત પ્રદાન પણ આપણે નોંધવું જોઈએ. આ અભિયાનની શરૂઆત કરી ત્યારે મનીશનો દિવસ સવારના સાડા પાંચ વાગે શરૂ થતો અને રાતના દસ વાગે આથમતો ! નાગરિકોએ ભરેલ ટેક્સમાંથી  આ અઢાર મહિનામાં ૬૦ કરોડ ₹ જેટલી માતબર રકમ ઇન્દોર શહેરે ખર્ચી છે. ખડી થયેલી રૂપકડી  અમરાપુરીની ગરિમા નાગરિકોના ખિસ્સામાંથી આવેલા આ હિસ્સાના કારણે તો ખરી જ ને?

       સૌથી મહત્વની વાત એ છે કે, હવે લોકોમાં પણ આશ્ચર્યજનક રીતે જાગૃતિ આવવા લાગી છે. ગંદકી કરતાં નાગરિકોને હવે એમનાં સ્વજનો, પાડોશીઓ અને સગાંઓ જ ટોકવા માંડ્યા છે – ઓલ્યા ટેક્સી ડ્રાઈવરની કની !

       ૨૦૧૫માં સફાઈના આંકમાં દેશમાં ૮૬ મું સ્થાન ધરાવતા  ઇન્દોર શહેરે  આજે આખા દેશમાં પહેલું સ્થાન હાંસલ કર્યું છે.  આ બહુ પાંખિયા , લશ્કરી ઢબના વ્યૂહ અને તેની સફ્ળતા માટે આપણે  મનીશ સિંઘ અને ઇન્દોરનાં મેયરને  લશ્કરી સલામ ભરીએ તો? ઇન્દોરના નાગરિકોના નવા જન્મેલા આત્મબળના ‘ક્લોન’નું પ્રત્યારોપણ આપણે આપણા પોતીકા આંગણામાં પણ કરતાં થઈએ તો?

-આ વિડિયો જુઓ અને મનીશ સિંઘની પ્રેરક વાણી સાંભળો –

સાભાર –

The Better India, Business Standard.

સંદર્ભ

https://www.thebetterindia.com/114040/indore-madhya-pradesh-clean-garbage-free-india/

http://www.business-standard.com/article/current-affairs/indore-s-mini-revolution-is-transforming-the-face-of-the-city-117081801557_1.html

http://www.smartcityindore.org/