સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પાવર

આતશ બુઝાઈ ગયો.

હવે તે નથી.

yatin_1

યતિન પી. ધોળકિયા

દેહાંત – ૧૭ ઓક્ટોબર – ૨૦૧૬

કમનસીબે માંડ ૬૨ વર્ષની વયે એ આતશ બુઝાઈ ગયો.

કયો આતશ?

આ આતશ – આશરે ઈ.સ. ૧૯૭૮

      યતિન મારા દીકરા સમાન તો નહીં પણ નાના ભાઈ સમાન હતો, એટલે એને માટે તુંકારો જ કરીશ. તેણે મારી સાથે ઘણા વર્ષો સુધી કામ કર્યું હતું. (આસિસ્ટન્ટ જેવો શબ્દ નથી વાપરવો.) ૧૧૦ મે.વો.ના ત્રણ પ્રોજેક્ટોમાં ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે તેણે અમારી ટીમમાં પ્રાણ રેડીને કામ કર્યું હતું. એના પ્રાણની એક ચિનગારી…

   અને ત્યાં જ મને એક લોકલ કન્ટ્રોલ પેનલની પાછળના ભાગના બારણાંની તરડમાંથી લાઈટ આવતી દેખાઈ. હું તે તરફ વળ્યો. બારણું ખોલીને જોયું તો એ સાવ નાનકડી જગ્યામાં ટૂંટીયું વાળીને યતિન વાયરોનું ટેસ્ટિંગ કરી રહ્યો હતો. તે જ્યાં કામ કરતો હતો તે તો ખુલ્લી જગા હતી. એક બાજુએ 12 મીટર નીચે અમારી સરહદની બીજી બાજુએ સાબરમતી નદી હતી. બીજી બાજુએ, બીજી ટીમોના ટેસ્ટિંગ કામ માટે કુલિંંગ ટાવર અને તેને આનુશંગિક એક મોટો પમ્પ ચાલુ હતાં. બન્ને બાજુથી સૂસવાટા મારતો ઠંડો પવન ફૂંકાઈ રહ્યો હતો. આ બન્ને ઠંડાગાર પવનથી રક્ષણ મેળવવા તે પેનલ બંધ કરી, અંદર ભરાઈ, કામ કરી રહ્યો હતો.

—–

બીજા દિવસની સવારે

       બાજુમાં બેઠેલા બીજા ખાતાના અધિકારીઓ પણ અમારા ઈલેક્ટ્રિકલ વિભાગની ગઈકાલની વ્યથાઓથી માહિતગાર હતા. બધાએ આકસ્મિક જ એક સાથે તાળીઓ પાડી, મારા વક્તવ્યને વધાવી લીધું. ત્યાં જ ઓપરેશનના ઈન ચાર્જ અધિકારીએ મારું ધ્યાન બહાર ઉભેલા યતિન તરફ દોર્યું. તે મને કાંઈક કહેવા માંગતો હતો. મેં તેને અંદર બોલાવ્યો. તેણે મને કાનમાં ખુશખબરી આપી. તે જે ઈગ્નિશન સરકિટ પર કામ કરી રહ્યો હતો, તે દુરસ્ત થઈ ગઈ હતી. છેલ્લો અવરોધ પણ દૂર થઈ ગયો હતો. મેં આ માહિતી મારા ઉપરીઓને આપી. સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબે અને મેનેજીંગ ડિરેક્ટરે તેને અભિનંદન આપ્યા.

    હમણાં જ ઓફિસર તરીકે કાયમી થયેલા યતિનને માટે તો આટલા મોટા સાહેબોની દાદ મળે, એ સુવર્ણચન્દ્રક જેવું બહુમાન હતું.

     યતિનનો એ આતશ મેં ૨૦૧૪ની સાલ સુધી પ્રગટેલો નિહાળ્યો છે. ઉતરી ગયેલો અધિકારી કોડીનો એ ન્યાયે કોઈક જ અમારા જેવા સાથે સમ્પર્ક ટકાવી રાખતા હોય છે.પણ નિવૃત્ત થયાને ૧૬ વર્ષ વીત્યા  છતાં, જે કોઈ આવો મિત્ર સંબંધ રાખે – તે આત્મીય જન બની જાય છે. ૨૦૧૪ની એ સાલમાં વિજળી ઘરની એની ઓફિસમાં મળવા ગયો ત્યારે તેણે  ૧૯૭૭ ના એ જ ઉમળકાથી મારો સત્કાર કર્યો હતો. એટલું જ નહીં, એને ઘેર જમવા પણ બોલાવ્યો હતો. તેના ઘરના કોમ્પ્યુટર પર સર્ફિંગ/ કામ કરવા કોઈ પણ સમયે આવી જવા દિલી આમંત્રણ આપ્યું હતું. અને કમસે કમ ત્રણેક વખત મેં એ સવલત માણી હતી.

     કોને ખબર હતી કે, માત્ર બે જ વર્ષમાં એ આતશ બુઝાઈ જશે?

        ખેર…. માળખાં નાશ પામે છે, સમિધ યજ્ઞવેદીમાં આહૂતિ પામે છે;  પણ એ યજ્ઞના આતશની જ્વાળા દરેક જીવંત  શ્વાસ સાથે ભભૂકતી રહે છે. આપણા કોશે કોશના બોઈલરને એ પ્રાણ શક્તિમાન રાખે છે.  કાળના કદી ન અટકતા વહેણ  સાથે વ્યક્તિઓ વિલય પામે છે, પણ એમનાં સંતાન એ જ્વાળાને  પ્રદિપ્ત કરતાં રહે છે.

      યતિનની દીકરી અમેરિકામાં ભણી રહી છે. એ યતિનના જીવન યજ્ઞને આગળ વધારશે જ – એ આપણી શ્રદ્ધા/ આશિષ છે.

ચિ. યતિનનો પ્રાણ પણ ભભૂકતો જ રહેશે.
સન્નિષ્ઠ કર્તવ્યનિષ્ઠાનો અગન કદી બૂઝાતો નથી. 

પાવર હાઉસ સ્ટોર

       છ માણસો સ્ટોરની બારી આગળ તડાકા મારતા ઊભા હતા. સામાન્ય રીતે હું સવારના રાઉન્ડ પર નીકળું એટલે મને દૂરથી આવતો જોઈને, આવા નવરાઓ રફૂચક્કર થઈ જાય. પણ આ તો એમના એમ ઊભા રહ્યા. મને નવાઈ લાગી. એમની પાસે જઈ પૂછ્યું,” કેટલા વખતથી ઊભા રહ્યા છો?”

     જવાબ મળ્યો, ” સાહેબ! અડધો કલાક થયો. અમારો કેન્ટિનમાં જવાનો ટાઈમ પણ આવી લાગ્યો.” અને મારા પૂછવાની રાહ જોયા વિના જ ઊમેર્યું,” અમારો સામાન આ લોક ક્યાં જલદી કાઢી દે છે? ”

    હવે એમની સમય-બરબાદી-પ્રવૃત્તિનું કારણ મને સમજાયું.

    સ્ટોરમાં જઈ મેં બારી પરના કારકૂનને સામાન આપવામાં થયેલી ઢીલનું કારણ પૂછ્યું.

    ત્યારે ખબર પડી કે, એમનો સામાન ઓછો વપરાતો હોવાના કારણે બહુ દૂર રાખેલો છે; જે લેવા મજૂર ગયો છે. મેં પૂછ્યું,” આવું ક્યારેક જ થાય એમ તો ન બને ને? આ સામાન બીજા ખાતાવાળાઓને પણ જોઈતો જ હોય છે ને? બધાનો સમય આમ બગડે છે?”

    મને આમ પૂછપરછ કરતો જોઈ, સ્ટોરનો ઈન ચાર્જ ઓફિસર જહોન દોડતો આવી પહોંચ્યો. એણે મામલો સમાલી લીધો. તેણે મને સમજાવ્યું કે, નજીકમાં જગ્યા ન હોવાને કારણે એ સામાન નછૂટકે દૂર રાખવો પડે છે.

    હવે મને આ બાબતમાં વધારે રસ પડ્યો. અડધોએક કલાક લમણાંઝીંક કરતાં નીચે મૂજબનાં સત્યો બહાર આવ્યાં.

  1. વધારે વપરાતો, જે સામાન નજીક રાખવામાં આવતો હતો; તેનો પૂરેપૂરો સ્ટોક એક જ જગ્યાએ રાખવામાં આવતો હતો. અમૂક ચીજોનો તો છ મહિનાનો સ્ટોક ભરેલો હતો.
  2. ચીજો રાખવાની છાજલીઓ ત્રણ ફૂટ ઊંડી હતી; અને બિનજરૂરી રીતે વધારે જગ્યા રોકતી હતી. ચાળીસ વરસ જૂની એ છાજલીઓ જૂના જમાનાના મોટી કદના સામાનને માટે બનાવેલી હતી.

આ બન્ને બાબત સુધારાની જરૂર હતી.

     મેં સૂચના આપી કે, પહેલી જાતની ચીજોનો પંદર દિવસ ચાલે એટલો સ્ટોક રાખી, બાકીનો વધારાનો માલ દૂર રાખવો અને દર દસ દિવસે ત્યાંથી લઈ આવવો. ઘણી બધી આવી ચીજો હોવાના કારણે એક ખટારામાં દર દસ દિવસે સ્ટોરના માણસો એક સામટો આ માલ સરળતાથી લાવી શકે.

     થોડાક નવા અને એક ફૂટ ઊંડાઈવાળા ઘોડા પણ મંગાવી દીધા.

    દસેક દિવસ પછી મેં તપાસ કરી તો ખબર પડી કે, સામાન આપનાર કારકૂનની નજીક, આ બે પગલાંથી ઘણી બધી જગ્યા થઈ ગઈ હતી; અને ઘણી જાતનો સામાન નજીકમાં સ્ટોર કરી શકાયો હતો. સામાન લેવા આવનાર ખાતાના માણસોનો સમય ન બગડે; એની વ્યવસ્થા હવે થઈ ગઈ. જૂના, બહુ ઊંડા ઘોડા કપાવીને નાના બનાવવા માંડ્યા; જેથી વધારાની ઘણી જગ્યા નજીકમાં થઈ ગઈ.

     પણ જહોને બીતાં બીતાં મને કહ્યું,” સાહેબ! છ મહિંનાનો સ્ટોક રાખવાનું શક્ય ન હોવાના કારણે, ત્રણ મહિનાનો સ્ટોક મંગાવવાનું રાખ્યું છે. પણ પર્ચેઝવાળા કહે છે કે, ઓર્ડર નાનો થઈ જવાના કારણે ભાવ વધારે આપવા પડશે. હવે મારે શું કરવું? તમે કહ્યું, એટલે મારે તો એમ કરવું જ પડે. પણ પર્ચેઝ વાળા સાથે હું શી રીતે પહોંચી વળું?“

      મેં કહ્યું,” તમારી પાસે આટલા બધા ગોડાઉનો તો છે જ ને? તેમાં ભરો.”

    જહોન ,” સાહેબ ! બધા ભરેલા છે. ક્યાંય જગ્યા નથી.”

   અમે તો એક પછી એક બધા ગોડાઉનો જોવા નીકળ્યા. મને સૌથી દૂરના ગોડાઉનની પહેલી મૂલાકાત લેવા આકસ્મિક જ મન થયું. એની ચાવી મંગાવી, અમે ત્યાં પહોંચ્યા. સાવ અવાવરૂ જગ્યાએ આવેલા એ ગોડાઉનનું તાળું કાટ ખાઈ ગયેલું હતું. માંડ માંડ તે ખૂલ્યું. કારણ પૂછતાં ખબર પડી કે, એમાં રાખેલો સામાન ત્રણ વર્ષથી કોઈએ માંગ્યો જ નથી! અમે અંદર પેંઠા. ચારે બાજૂ ધૂળના ઢગલા અને કરોળિયાનાં જાળાં હતાં. અમૂક જગ્યાએ છાપરામાંથી વરસાદ પડવાના ચિહ્નો પણ દેખાતા હતા. સ્ટોરના કોઈને એ સામાન શેનો હતો; તેની ખબર ન હતી. પણ તે બોઈલર મેન્ટેનન્સ ખાતાને લગતો હતો. મેં તે ખાતાના અધિકારીને બોલાવ્યા.

     ત્યારે ખબર પડી કે, એ સામાન જૂના બોઈલરોનો હતો; જે બોઈલરો કાઢી નાંખ્યે પણ ત્રણ ચાર વર્ષ થયાં હતાં! કોઈએ એ સામાન જરૂરી નથી ; એવી સૂચના સ્ટોરને આપી ન હતી. આવો જ ઘણો ભારે સામાન જૂનાં, ભંગારમાં વેચાઈ ગયેલાં ટર્બાઈનોને લગતો પણ હતો.

     તાબડતોબ આ બધો બિનજરૂરી માલ વેચી દેવાની સૂચનાઓ આપવામાં આવી અને ચારેક મહિના બાદ બધી વિધી પતી જતાં…

  • આવા બે મોટા ગોડાઉનો ખાલી થઈ ગયાં.
  • નકામો સામાન ભંગાર તરીકે વેચતાં, કમ્પનીને એક કરોડ રૂપિયા જેટલી આવક થઈ.
  • એનાથી ઘણી મોટી રકમની સ્ટોરની ઈન્વેન્ટરી પણ ઓછી થઈ ગઈ.
—————
સાભારશ્રી. આલ્ફ્રેડ વિક્ટર જ્હોન

સાત ચોપડી પાસ

‘ હું તો સાત ચોપડી પાસ છું.’ – મેજર બોલ્યા.

અમે એમને મેજર તરીકે જ ઓળખતા હતા. એમનું નામ તો ***** પટેલ હતું. પણ એ વખતે પણ અમને એ નામ ખબર ન હતી. ઘણે મોડે એમનું અસલી નામ જાણવા મળ્યું હતું; પણ અત્યારે એ સ્વાભાવિક રીતે યાદ નથી.

મેજર અને સાત જ ચોપડી પાસ?

હા! પણ કેવી ચોપડી?

વાત જાણે એમ છે કે, સાબરમતી ખાતે આવેલા, મ્યુનિ. પૂલના  સ્વિમિંગ કોચે મારું વાર્ષિક સભ્યપદ રિન્યુ કરવા, મારી તરણ પરીક્ષા લીધી હતી; અને એમાં હું નાપાસ થયો હતો. દર સાલ તો બધા કોચ મારી ઓછી શક્તિ જાણીને મને પૂલની એક જ લંબાઈ તરાવી પાસ કરી દેતા હતા. પણ નવા આવેલા આ કોચ, મેજરે તો બધાની પરીક્ષા લેતા હતા તેમ, મને પણ પૂલની લંબાઈ પાર કરી, વચ્ચે અટક્યા વિના પાછા આવવા કહ્યું હતું. આ મારી તાકાત બહારની વાત હતી. એટલે પાછા વળતાં પા ભાગની લંબાઈ જ પાર કર્યા બાદ, મેં પૂલની કિનાર પકડી લીધી હતી.

અને મેજરે મને ત્રણ દિવસ પ્રેક્ટિસ કરી, ચોથા દિવસે ફરીથી પરીક્ષા આપવા કહ્યું હતું.

મને કાંઈ તરતાં નહોતું આવડતું એમ નહીં. સાત વર્ષથી હું એ પૂલમાં સભ્ય હતો. પણ આ નવી નવાઈના કોચ – મેજર સાહેબને મારી આ નબળાઈ સ્વીકાર્ય ન હતી. મારી ઉમ્મર એ વખતે બાવન વર્ષની હતી; અને આ તાકાત મારામાં હોવી જોઈએ, એવી એમની અપેક્ષા પણ અસ્થાને ન હતી.

પણ કાંઈ ચાર જ દિવસમાં મારાં પાતળાં સોટી જેવાં બાવડાં અને દમિયલ ફેફસાં ઓલિમ્પિકના ખેલાડી જેવાં થોડાં જ બની જવાનાં હતાં? ચોથે દિવસે પણ મારા હાલ હવાલ તો એવા ને એવા જ રહ્યા. હું ફરી નપાસ થયો. પણ ઓણી મેર એ મને પૂલના છીછરા ભાગમાં લઈ ગયા; અને મારી તરવાની રીતનું બારિકીથી નિરીક્ષણ કર્યું.

પછી મેજર જિંદગીભર યાદ રહી ગયેલું, એ અમર વાક્ય વદ્યા ,

” જુઓ સુરેશ ભાઈ! હું તમારી જેમ બહુ ભણ્યો નથી. માત્ર સાત જ ચોપડી ભણેલો છું. પણ તરવાની બાબત આ ત્રણ વસ્તુ યાદ રાખી લો.

  1. ત્રાજવું –     એક પલ્લું નમે એટલે બીજું ઉપર જાય. હાથ અને પગ બન્ને સરખા ચાલે તો શરીર સીધું રહે અને તરવામાં ઝડપ આવે.
  2. લાકડી–      શરીરને વચ્ચેથી સીધું, લાકડી જેવું રાખો તો વચ્ચે ઝોળો ન થઈ જાય અને પાણીનો સૌથી ઓછો અવરોધ નડે.
  3. ધમણ –     તમારાં ફેફસાંની ધમણ લુહાર ચલાવે છે; એમ ચલાવો – જરૂર હોય તેટલીજ. વધારે ચલાવશો તો આગ ભભૂકશે – બધી શક્તિ એક સાથે ખરચાવા માંડશે.

સુરેશભાઈ! તમારા તરવામાં આ ત્રણે ચોપડી તમે ભણ્યા જ નથી. પછી મારી પરીક્ષા દસ વખત આપશો તો પણ નાપાસ જ થશો. તમને આત્મવિશ્વાસ આવે; ત્યારે મને કહેજો. પણ પાસ થવા તમારે સામે કાંઠે જઈ, રોકાયા વગર પાછું આવવું તો પડશે જ. ”

પાણીમાં આજુબાજુ પંદરેક જણ હતા. બધાની વચ્ચે મને આ શિખામણ આપી; તે મને બહુ કડવી તો લાગી; પણ વાત સાવ સાચી હતી. કોઈએ હજુ સુધી મને આ શિખવ્યું જ ન હતું. હું તો બાપુ! એ જ ઘડીથી મચી પડ્યો. આ ત્રણે વાતનું બરાબર ધ્યાન રાખી તરવા મંડ્યો.

અને આ શું? કદી બન્યું ન હતું એવું , પહેલે જ ધડાકે બન્યું. હું સામે કાંઠે તરીને, અટક્યા વિના પાછો આવી ગયો. અને મારો શ્વાસ પણ ચઢેલો ન હતો અને બાવડાં પણ સાતતાળી રમતા ન હતા.

મેજર બાજુમાં ઊભા ઊભા મારો ખેલ નિહાળી રહ્યા હતા. હું પાછો આવી ગયો, એટલે એમણે તાળીઓ પાડી અને કહ્યું,” ચાલો! ત્રણ ચોપડી પાસ. બહાર જઈ, નહાઈ, કપડાં પહેરી તમારી અરજી લઈને આવો.“

મેજરની સહી થઈ ગઈ; અને મારું સભ્યપદ એક વર્ષ માટે રિન્યુ થઈ ગયું.

પણ ખરી વાત તો હવે આવે છે !

આ ઘટના બન્યા બાદ, મેજર મારા દોસ્ત બની ગયા. રોજ પાણીમાં અવનવી કળાઓ તેઓ અમને શિખવતા. સંબંધ અંગત વાતો કરવા સુધી વિકસ્યો. આથી મારા મનમાં રહેલી શંકાનું સમાધાન કરવા , મેં પૂછી જ નાંખ્યું,” મેજર! તમે આ બધું અમને શિખવાડો છો; એ માટે તમારો આભાર માનીએ એટલો ઓછો. પણ. તમે સાત ચોપડી ભણ્યા છો, છતાં તમને કોચની આ નોકરી મળી શી રીતે?”

મેજરે હસીને કહ્યું,” એમ તો હું બી.કોમ. પાસ છું. પણ કારકૂનીની નોકરીઓ મને ના ફાવી એટલે, ગામડાંના તળાવમાં શિખેલા આ તરવાને વરી ગયો.”

અમારા બીજા સાથીએ મારી વાતમાં હવે ટાપશી પૂરી ,” પણ સાત ચોપડીનો ભેદ?”

મેજર જાતે પટેલ – એટલે આખાબોલા – પણ સાવ સરળ જીવ. એમણે તરત સમજાવ્યું ,

” સાતેય ચોપડીઓ મારી આ નોકરી માટે કામની છે. ત્રણ ચોપડી તો આ સુરેશ ભાઈને શિખવી તે.

ચોથી –      ગમે તેટલો જોરાવર તરવૈયો ન હોય; પાણીમાં એ ત્રણ મિનીટથી વધારે સમય ન રહી શકે. એ પહેલાં શ્વાસ ભરવા સપાટી પર આવી જ જવાનું. આપણી મર્યાદા કદી ન ઓળંગવી. ઓવર કોં ન્ફિડન્સમાં ભલભલા તારા ડૂબી જાય છે.

પાંચમી –     તમે હાથ કે પગ એકલા ચલાવતા રહીને પણ તરી શકો. ( એમણે માત્ર હાથ કે પગ ચલાવીને જ જૂદી જૂદી રીતે તરી બતાવ્યું.) શરત માત્ર એટલી જ કે પાયાની ત્રણ ચોપડી પર માસ્ટરી હોવી જોઈએ ; અને મનને નવી નવી રીતો  શિખવા તૈયાર રાખવું જોઈએ.

છઠ્ઠી –       ડૂબતાને બચાવવા જતાં જાતે ડૂબી ન જવાય; એનું ખાસ ધ્યાન રાખવું. બને તો લાકડું કે એવી કોઈ વસ્તુ હાથમાં રાખીને જ પાણીમાં પડવું. ધરમ કરતાં ધાડ પડતી હોય છે.

સાતમી – સાહેબની સામે કદી તરવાની હોંશિયારી ન બતાવવી. એમના ઈગોને આંચ ન આવવી જોઈએ! “

અમે બધા આ સાત ચોપડી ભણેલા મેજર પર ઓવારી ગયા. મેજર એટલે મેજર – એમનો કોઈ જવાબ નહીં!

આલ્ફોન્સો સાહેબ

“ મિ. જાની ! આ ઘડિયાળને તમારે ખોલવાની છે.” – આલ્ફોન્સો સાહેબે મને કામ સોંપતાં કહ્યું.

1967ની સાલની આ વાત છે. એક મહિના માટે, મને ઇન્સ્ટ્રુમેન્ટ મેન્ટેનન્સ ખાતામાં તાલીમ લેવાનું કહેવામાં આવ્યું હતું. મોટે ભાગે તો હું કોક ને કોક ટેક્નિશિયન કામ કરતા હોય, તે જોતો. પણ તે દિવસે ખાતાના વડા સ્વ. શ્રી. આલ્ફોન્સો સાહેબે મને જાતે કામ કરવા કહ્યું.

સવારના પહોરમાં જ કોલ યાર્ડના સુપરવાઈઝરની ઓફિસની ઉપર આવેલી , પણ ખોટકાઈ ગયેલી, ત્રણેક ફૂટ વ્યાસ વાળી અને એક ફૂટ પહોળી, ઘડિયાળ ત્યાંનો સ્ટાફ અમારા ખાતામાં સમારકામ માટે મૂકી ગયો હતો. એને ખોલવા સાહેબે મને કહ્યું હતું.

હું તો સ્ક્રૂ ડ્રાઈવર લઈને મચી પડ્યો. બહાર ખુલ્લામાં રહેવાને કારણે એના સ્ક્રૂ એકદમ કટાઈ ગયેલા હતા. મેં એક સ્ક્રૂ ખોલવા પ્રયત્ન કર્યો; પણ તે તો બહુ જ ટાઈટ હતો. એનું માથું મારા સ્ક્રૂ ડ્રાઈવરથી મરી ગયું, મેં બીજા સ્ક્રૂ પર હાથ અજમાવ્યો. પણ એની પણ એ જ હાલત. હવે ત્રીજા તરફ હું વળ્યો.

બાજુમાં ઊભેલા અને મારી હિલચાલ નિહાળી રહેલા, આલ્ફોન્સો સાહેબે મને રોક્યો અને કહ્યું, “ આમ તો તું બધા સ્ક્રૂને મારી નાંખીશ..આ સ્ક્રૂ કેમ ખૂલતા નથી?”

મેં કહ્યું,” એ તો કટાઈ ગયા છે.”

આલ્ફોન્સો સાહેબ – “ તો પહેલું કામ શું? સ્ક્રૂ ખોલવાનું કે કાટ દૂર કરવાનું?”

મને તરત મારી ભૂલ સમજાઈ. હું એક કારીગર પાસેથી રસ્ટોલિનની કૂપી લઈ આવ્યો. બધા સ્ક્રૂ પર તેનો છંટકાવ કર્યો.

આલ્ફોન્સો સાહેબે કહ્યું,” હવે વીસેક મિનીટ પછી સ્ક્રૂ ખોલવા આવીશું.”   થોડીક વારે એમણે મને કામ શરૂ કરવા કહ્યું.

પહેલો સ્ક્રૂ થોડોક ચસક્યો, પણ એનું માથું તો મારાથી ટિચાઈ જ ગયું. હું બીજા સ્ક્રૂ તરફ વળતો હતો , ત્યાં સાહેબે મને રોક્યો. “ આમ તો તું બધા સ્ક્રૂ બગાડી નાંખીશ. તને ખબર પડે છે કે, તારી રીતમાં શું ખામી છે?”

મને તો કશી સમજ ન પડી. મેં મારું અજ્ઞાન વ્યક્ત કર્યું, એમણે મને સ્ક્રૂ ખોલીને બતાવ્યો; અને સમજાવ્યું કે, ‘ સ્ક્રૂ ડ્રાઈવરને સ્ક્રૂના ખાંચામાં બરાબર સીધું રાખી, તેની પકડ બરાબર આવી છે કે, નહીં તેની ખાતરી કરીને હાથ ધ્રૂજે નહીં તેમ સ્ક્રૂ ડ્રાઈવરને ફેરવવું જોઈએ.”

હવે મેં તેમણે કહ્યું હતું તેમ કર્યું અને સ્ક્રૂ બરાબર ખૂલી ગયો. આ જ રીતે કામ કરતાં ચોવીસે ચોવીસ સ્ક્રૂ ખૂલી ગયા. પેલા ત્રણેક સ્ક્રૂ , જેમના માથાં મારી અણઆવડતના કારણે મરી ગયા હતા ; તે પણ ચીઝલ ( ટાંકણું?) અને હથોડી વાપરી ખોલવાનું એમણે મને શિખવ્યું.

હવે આલ્ફોન્સો સાહેબે મને પૂછ્યું ,” બોલ! આજે તું શું શિખ્યો?”

મેં કહ્યું ,” કાટ લાગેલા સ્ક્રૂ ખોલવાનું.”

આલ્ફોન્સો સાહેબે કહ્યું,” ના! તને ચાર વાત જાણવા મળી; જે  બીજા ઘણા કામોમાં પણ ઉપયોગી થશે.

1. મૂળ પ્રશ્ન કે તકલિફ શું છે; તે આપણે શોધી કાઢવું જોઈએ.

2. કામ કરવા માટે શાં શાં સાધન જરૂરી છે; તે જાણી લેવું જોઈએ.

3. કામ કરવાની રીત બરાબર હોવી જોઈએ.

4. કામ કરવામાં બહુ ધીરજ રાખવી જરૂરી હોય છે. ખોટી ઉતાવળ કામને બગાડી નાંખે છે.

આવા હતા અમારા આલ્ફોન્સો સાહેબ. એ દિવસે એમણે આપેલી શિખ આખી જિંદગી યાદ રહી ગઈ છે.

પહેલો અકસ્માત

ઓગસ્ટ – 1965

જો કે, બરાબર તારીખ યાદ રહી નથી; પણ એ દિવસ મને બરાબર યાદ છે.

પેપર મિલમાં તાલીમ શરૂ કર્યે મને ત્રણેક મહિના વીતી ગયા હતા. નવી પેપર મિલના પ્રોજેક્ટ માટે કામ કરતા, એક કાયમી ઇજનેર શ્રી. ચન્ડક સાથે, હું એક  ટ્રકમાં બેસી, મિલની મશીનરીનો એક ભાગ લેવા માટે મિલથી દસેક કિલોમીટર દૂર આવેલ સ્ટોરેજ  યાર્ડમાં, તાલીમના એક ભાગ રૂપે,  ગયો હતો. કાગળનો માવો બનાવવાની પ્રોસેસ માટે જરૂરી એક વેસલ એકાદ અઠવાડિયામાં ઊભું કરવાનું હતું. તે  અને તેની સાથેની પાઈપો અમારે  લઈ આવવાનાં હતાં. બહુ મુશ્કેલી બાદ અમે જરૂરી બધા દાગીના શોધી કાઢયા. આવો સામાન સાઈટ સુધી  લાવી આપનાર કોન્ટ્રાક્ટરના મુકરદમ અને મજૂરોએ  એ બધો સામાન ટ્રકમાં ચઢવી દીધો. શ્રી.ચન્ડક, મુકરદમ અને હું  ડ્રાઇવરની સાથે આગળ બેઠા અને મજૂરો એ બધા સામાન સાથે ટ્રકમાં પાછળ બેઠા.

આ બધું હાઉસન જાઉસન મિલની સાઈટ તરફ જવા નીકળ્યું. અમે બે ચાર કિલોમીટર  ગયા હોઈશું. શહેરની બહારનો વિસ્તાર હતો. રસ્તાઓ પર ખાસ કોઈ ટ્રાફિક ન હતો. મુખ્ય રસ્તા પર ટ્રક પૂર ઝડપે આગળ ધપતી હતી. એક ચાર રસ્તા આગળ અમે પહોંચવામાં હતા; ત્યાં જ બાજુના નાના રસ્તા પરથી એક કાર પૂર ઝડપે મુખ્ય રસ્તાને ઓળંગી પસાર થઈ ગઈ. ખરેખર તો તેની ઝડપ ઓછી હોવી જોઈતી હતી અને તેણે મુખ્ય રસ્તો ઓળંગતા પહેલાં કોઈ વાહન આવે છે કે નહીં; તેની ચકાસણી કર્યા બાદ જ રસ્તો ઓળંગવો  જોઈતો હતો.

અમારી ટ્રકના ડ્રાઈવરે એકદમ બ્રેક મારી. ટ્રક અટકી તો ગઈ; જીવલેણ અકસ્માત થતો બચી તો ગયો;  પણ  ટ્રકની પાછળથી દર્દભરી ચીસો આવતી અમે સાંભળી. અમે નીચે ઊતર્યા અને ત્યાં નજર નાંખી.

એ દૃશ્ય હું જીવનભર ભૂલી શક્યો નથી.

એક   મજૂરના બન્ને પગ ઉપર પેલું વેસલ ફરી વળ્યું હતું. બન્ને પગની ઊપરનું માંસ ચીરાઈ ગયું હતું. લોહીની ધારો વહેતી હતી; અને હાડકાં ખૂલાં થઈ ગયાં હતાં. તેના પગ પરથી મહા મુશ્કેલીએ તે વેસલ ખસેડી, એક મજૂરે ઓઢેલી પછેડીને બે ભાગમાં ચીરી બીજા મજૂરોએ એના બન્ને પગ પર કામ ચલાઉ પાટા બાંધી દીધા. સદ્ભાગ્યે એક હોસ્પિટલ નજીકમાં જ હતી.  એ મજૂર,  મુકરદમ અને બીજા બે જણને ત્યાં ઉતારી અમે મિલમાં પરત આવ્યા.

શ્રી. ચન્ડકઅને હું સાંજે  હોસ્પિટલમાં એ દુર્ભાગી મજૂરની ખબર કાઢવા ગયા હતા. તેનાં સગાં  સંબંધીઓ  તેના ખાટલા આગળ સોગીયા મુખે બેઠાં હતાં. તેની પત્ની જેવી જણાતી એક સ્ત્રી રોકકળ કરી રહી હતી; અને બીજી બે સ્ત્રીઓ તેને સાંત્વન આપી રહી હતી. અમે થોડુંક ખાવાનું અને ફળો એમને આપી, હૈયાધારણ આપી વિદાય લીધી.

પણ ત્યાર બાદ મને સ્પષ્ટ સૂચના આપવામાં આવી હતી; કે આ પ્રસંગને વિસારી મારા કામમાં મારે ધ્યાન આપવું. ત્યાર બાદ એ મજૂરને મેં કદી સાઈટ પર આવેલો જોયો  ન હતો. એને માટે પૂછપરછ કરતાં  મને કશો જવાબ મળ્યો ન હતો. જાણે કે, એ કમભાગી મજૂર પાતાળમાં ગરક થઈ  ગયો હતો. એને પૂરી સારવાર મળી કે નહીં; એના બન્ને પગ સાજા નરવા થઈ ગયા કે નહીં; એ હેન્ડીકેપ થઈ ગયો હોય કે ગુજરી ગયો હોય તો તેને અથવા તેના કુટુંબ અને વારસોને યોગ્ય વળતર આપવામાં  આવ્યું હતું કે નહીં – આ બધા સવાલો મારે માટે આજની તારીખ સુધી; જેનો કશો જવાબ નથી; તેવા સવાલો  જ રહ્યા છે.

બીજાને તો શું દોષ દઉં? પણ  મારા કામની ધમાલમાં હું પણ તેને ભૂલી ગયો છું. તે મજૂરનું નામ, ઠામ કશું જ મને ખબર નથી. પણ તેની દર્દભરી ચીસો અને કરુણતાથી  ભરેલી, તગતગતી આંખો  હજુ  પણ ઘણી વખત મારી નજર સમક્ષ ખડાં થઈ જાય છે. બાવીસ વર્ષની ઉમ્મરે જોયેલો, એ મારા જીવનનો પહેલો અકસ્માત હતો.
————————

આનુષંગિક વાંચન : –

એ પેપર મિલમાં જવા માટેની ‘ પહેલી ટ્રેન મુસાફરી

ત્યાં મળેલો ‘ પહેલો પગાર

ગુજરાતી લેક્સિકોનના ‘ સરસ’ સ્પેલ ચેકર પર જોડણી ચકાસેલી છે.

પાણીની ટાંકી

“આ પાણી આટલું ધીમું કેમ આવે છે?” – બાથરુમમાંથી મારી ઓફીસમાં આવી મેં મારા પટાવાળાને પુછ્યું.

“ સાહેબ! આપણા બીલ્ડીંગનો બોર ફેલ ગયો છે. આ તો સામેના જુબીલી હાઉસની ટાંકીનું પાણી આવે છે.”

વાત જાણે એમ છે કે, હું તે વખતે શાહપુર ખાતે આવેલી સીટી ઝોનની ઓફીસમાં મેનેજર હતો. અમારું મકાન આઠ માળનું હતું; અને તેના ભોંયરામાં પાણી માટે જે બોરવેલ હતો; તે એ દીવસે ખોટકાઈ ગયેલો હતો. સામે કમ્પનીના મેઈન્સ  ડીપાર્ટમેન્ટની ઓફીસ હતી. બે ઓફીસો વચ્ચે પાણીની લાઈનોને જોડતું કનેક્શન હતું; જે આ આપત્તીને પહોંચી વળવા ચાલુ કર્યું હતું.

ખાતાના અધીકારી તરીકે આની જાતમાહીતી લેવા હું ભોંયરામાં પહોંચી ગયો. બોરને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી હતી. વધારે તપાસ કરતાં ખબર પડી કે, બોરમાંથી મળતું પાણી, ભોંયરાની પણ નીચે આવેલી મોટી ટાંકીમાં ઠલવાતું હતું; જ્યાંથી પાણીના બે પમ્પ વડે મકાનની છેક ઉપર  આવેલી ઓવરહેડ ટાંકીમાં પાણી ચઢાવવાની વ્યવસ્થા હતી. ખોટકાયેલો બોર કાઢીને નવો નાંખવાની કામગીરીને કમ સે કમ બે દીવસ તો લાગી જશે, તેવો અંદાજ હતો.

મેં આનું કામ સંભાળતા એન્જીનીયરને પુછ્યું,” આ ટાંકીઓ કદી સાફ થાય છે ખરી?”

તેણે કહ્યું,” ઓવરહેડ ટાંકી તો વરસે એક વાર સાફ થાય છે. પણ આ નીચેની ટાંકી તો બની ત્યારથી કદી સાફ થઈ નથી. એ તો બહુ મોટી છે. એને ખાલી કરતાં બહુ સમય લાગે અને છેક નીચે હોવાથી ખાસ પમ્પ લગાડીએ તો જ એ ખાલી કરાયને? “

હું ચોંકી ગયો. મકાન બન્યે સાત વર્ષ થયાં હતાં; અને અમે એ ટાંકીમાં ભરેલું પાણી જ – પીવા માટે પણ – વાપરતા હતા! એ ટાંકીમાં પેંસવા માટેનું દ્વાર મેં ખોલાવડાવ્યું. વાત સાચી હતી. એ ટાંકી અત્યંત લાંબી , પહોળી અને ઉંડી હતી. એમાં પાણી ત્રણેક ફુટ જેટલું ભરેલું દેખાતું હતું. મેં એક મજુરને એમાં ઉતરવા કહ્યું અને પાણીની  ઉંડાઈ મપાવી. નકશા સાથે સરખામણી કરી. બીજું આશ્ચર્ય. પાણીની નીચે એક ફુટ જેટલો કાદવ   જમા થયેલો હતો. અને એ પાણી અમે વાપરતા હતા!

મેં તરત હુકમ કર્યો,” ગમે તેમ થાય, આ ટાંકી ખાલી કરીને સફાઈ કરવી જ પડશે. “ અમારી પાસે એક નાનો ડીવોટરીંગ પમ્પ હતો; તેને કામે લગાડ્યો. જે ઝડપથી તે પાણી ખાલી કરતો હતો, તે જોતાં બે ત્રણ દીવસ તો તેને ખાલી કરતાં જ નીકળી જાય તેમ હતું. અને પછી કાદવ કાઢતાં?

મેં અમારા સાબરમતી પાવર સ્ટેશનમાંથી ડીઝલ પમ્પ મંગાવ્યો. સાંજ સુધીમાં ટાંકીમાં માત્ર કાદવ જ રહ્યો. એ દરમીયાન અમે કાદવ કાઢવા માટે મજુરોની વ્યવસ્થા ગોઠવી દીધી હતી. તમે નહીં માનો પણ એ વીશાળ ટાંકીને સાવ ખાલી કરી સફાઈ કરતાં, ચોવીસે કલાક કામ ચાલુ રાખ્યા છતાં, પુરા ત્રણ દીવસ થયા.  ચારેક ખટારા ભરાય એટલો  કાદવ નીકળ્યો હતો!

મને થયું,’દર વરસે આમ કરવાનું શી રીતે શક્ય બને?’

અને બીજો સદવીચાર સુઝ્યો. જો ટાંકીને ત્રણ ભાગમાં વહેંચી નાંખી હોય તો, પાણીની વ્યવસ્થા ચાલુ રાખીને પણ વારાફરતી એકે એક ભાગ સાફ કરી શકાય.

તાત્કાલીક એ ટાંકીના તળીયામાં ઈંટની બે દીવાલો ચણાવી; અને બનેલા ત્રણ ભાગોને એકમેકથી છુટા પાડવાની વ્યવસ્થા પણ તાબડતોબ કરાવી દીધી.

આમ ચાર દીવસે આ ભગીરથ કામ પુરું થયું; ત્યારે નવો બોર ધમધમતો થઈ ગયો હતો અને, આ સમસ્યાનો કાયમી ઉકેલ પણ ભેગાભેગો થઈ ગયો હતો.

ઉભી થયેલી એક સમસ્યાના ઉકેલની સાથે બીજી એક સમસ્યા પણ ઉકલી ગઈ હતી.

—————————-

સીટી ઝોનની એ ઓફીસનો બીજો દીલ ધડકાવી દે તેવો અનુભવ વાંચો :   સ્લમમાં સફર

પાણીનું ટીપું

સાબરમતી પાવર સ્ટેશન
1999 – ઓગસ્ટ

12.5 મીટર ઉંચે આવેલા પાવરસ્ટેશનના કન્ટ્રોલ રુમ તરફ હું દાદરા ઉપર ચઢી રહ્યો હતો. લોખંડની જાળીવાળા દાદરા. આટલે ઉંચે ચઢવાનું; એટલે છ એક તબક્કામાં તો એ દાદરા ખરા જ. પહેલા દાદરાની ટોચ ઉપર પહોંચ્યો અને ત્યાં એ મારા માથા પર પડ્યું.

ઠીક ઠીક ગરમ પાણીનું ટીપું. દઝાયો તો નહીં, પણ ચમકી જરુર ગયો. બીજો દાદરા પર વળીને જવાનું હતું. પછી ત્રીજો તબક્કો – ફરી એક વાર પહેલા દાદરાની દીશામાં જ. અને ફરી એ મારા માથાને ગરમ કરી ગયું. આમ જ પાંચમો દાદરો અને ત્રીજી વાર માથા પર અમી વર્ષા( કે ગરમી વર્ષા?) ! હવે મારું માથું અંદરથી ગરમ થઈ ગયું!

એ જગ્યાએ ઘણે ઉંચે આવેલી એક સ્ટીમ પાઈપમાં ક્યાંક ગળતર (લીકેજ) હતું. પાવર હાઉસના કોઈક સાધનમાં ક્યાંક, કશુંક ગરમ કરવા માટેની ઓક્ઝીલીયરી  સ્ટીમની પાઈપ. અને એ પાણી? – શુધ્ધ આસવેલું પાણી – ડીસ્ટીલ્ડ વોટર.

કંટ્રોલ રુમના બારણામાં મને ‘ક’ મળી ગયો – આસીસ્ટન્ટ ઓપરેશન એન્જીનીયર. મારે માટે એનો ચહેરો નવો હતો. મેં એનું નામ અને કેટલા વખતથી કમ્પનીમાં કામ કરે છે; તે પુછ્યું. તે ત્રણ વરસથી આ પોસ્ટ પર હતો. મેં પહેલી વખત જ એને જોયો હતો.

મેં પુછ્યું – “આ દાદરા પર શેનો લીકેજ છે?”

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમને તો આની ખબર હોવી જોઈએ.”

‘ક’ – “હું તપાસ કરીને તમને રીપોર્ટ આપું.”

હું કન્ટ્રોલ રુમમાં પ્રવેશ્યો. થોડીવારે ‘ક’ મારી પાસે આવ્યો અને એ ગળતરની વીગતે માહીતી આપી.

મેં કહ્યું,” આ ગળતર એક મહીનો ચાલુ રહે તો કેટલું નુકશાન થાય?“

‘ક’ – “ સાહેબ, મને ખ્યાલ નથી.”

મેં કહ્યું ,” તમે મીકેનીકલ  એન્જીનીયર છો. આનો તો તરત અંદાજ તમને આવી જવો જોઈએ.”

‘ક’ –  “ સાહેબ! એવી ગણતરી તો મને નથી આવડતી.”

હવે મારો પીત્તો ગયો. મેં ગરમ થઈને કહ્યું,” તો તમે ભણ્યા શું? જો ‘ક’ – એક અઠવાડીયા પછી તારે મારી ઓફીસમાં આવવાનું; અને આ નુકશાનનો વીગતે  અંદાજ કાઢી, મને રીપોર્ટ બતાવી જવાનો. ઓ.કે?”

વીલે મોંઢે ‘ક’ એ હા ભણી.

મારો  રાઉન્ડ પતાવી, હું મારી ઓફીસમાં પરત આવ્યો. બીજી જંજાળમાં આ વાત તો વીસરાઈ ગઈ.

બરાબર અઠવાડીયા પછી ‘ક’ બીતાં બીતાં મારી ઓફીસમાં પ્રવેશ્યો અને મને બે પાનાંમાં, હાથે લખેલી ગણતરી આપી. મહીને ત્રણ લાખ રુપીયાનું નુકશાન બતાવ્યું હતું. એમાં વેડફાતી ગરમીના અંદાજ સાથે ડીસ્ટીલ્ડ વોટરના બગાડના કારણે થતા, નુકશાનની ગણતરી પણ કરી હતી. મેં તેને કહ્યું,” હું ચકાસીને ફરી તને બોલાવીશ.”

મારો આ વીષય નહીં  એટલે મારી ઓફીસના એફીશીયન્સી વીભાગમાં કામ કરતા, અને આવી ગણતરીઓમાં નીષ્ણાત ડી.ડી. શાહને આ રીપોર્ટ ચકાસી જોવા કહ્યું. બીજે દીવસે તેણે આવીને મને કહ્યું  કે, ગણતરીમાં કશી ભુલ ન હતી.

આ ત્રણ લાખનો આંકડો સાચો છે; તે જાણી  મારી આંખો તો પહોળી થઈ ગઈ. મેં ‘ક’ ને ફરી બોલાવ્યો. અને પુછ્યું,”તારી ચોપડીઓ તેં સાચવી રાખી હતી , તે આ ગણતરી તું કરી શક્યો?”

‘ક’ – “ના સાહેબ. ટેક્સ્ટબુકમાં થોડી જ આની રીત આપી હોય? મારો મીત્ર એન્જીનીયરીંગ કોલેજમાં ભણે છે, તેની પાસેથી ચોપડી મંગાવી આ શીખ્યો,”

હવે તો મારો ગુસ્સો ક્યારનોય ઓગળી ગયો હતો. મેં તેને પ્રેમથી આ કામ કરવા માટે શાબાશી આપી અને ચા પીવડાવી.

પછી મેં કહ્યુંં,” હવે તારે બીજો રીપોર્ટ બનાવવાનો છે. આપણા ત્રણેય પાવર સ્ટેશનમાં આવા જેટલા જેટલા ગળતર હોય, તે બધાનું લીસ્ટ બનાવી મને બે દીવસમાં પહોંચતું  કરવાનું. સાથે નુકશાનનો અંદાજ પણ.”

‘ક’ ના મોં પર થયેલી ખુશાલી ઓલ્યા પાણીનાં ટીપાં જેટલી ગરમાગરમ હતી.

બે દીવસે બીજો રીપોર્ટ પણ મળી ગયો. કુલ નુકશાનીનો અંદાજ – મહીને સાઠ લાખ રુપીયા!

મેં તરત અમારા ત્રણે પાવર સ્ટેશનમાં થતા આવા નુકશાનનો રીપોર્ટ બનાવવા માટે, ‘ક’ના નેતૃત્વ નીચે ઓપરેશન અને મેન્ટેનન્સ  એન્જીનીયરોની એક કમીટી બનાવી અને તેનો એક સર્ક્યુલર કઢાવ્યો. પંદર દીવસમાં આ કમીટીએ બધાં ગળતર દુર કરવાનો માસ્ટર પ્લાન બનાવી કાઢવાનો.

છેવટે અમુક ગળતર મહીનામાં દુર થઈ ગયા અને અમુક એક વર્ષમાં. આ આખા અભીયાનના કારણે અમારી કમ્પનીને  કરોડો રુપીયાનો ફાયદો થઈ ગયો.

પાણીના એક ટીપાંની અને એક સાવ નાના ઓફીસરની કરામત.

સમ્મોહન (હીપ્નોટીઝમ) – ભાગ : 2

ભાગ : 1 વાંચવા અહીં ‘ક્લીક’ કરો.

ડો. વૈષ્ણવે બીજા થોડાક પ્રયોગો પણ કરાવ્યા. સમ્મોહીત સ્વયંસેવકોએ તે ધારે તેવી સુવાસ અથવા દુર્ગંધ, કોઈ પણ જાતની વાસ વગરની ચીજોમાં અનુભવી બતાવી. સમ્મોહીતો  પાસેથી ડોક્ટરે દીવસ, સમય, સ્થળ  વીગેરેની માહીતી પણ મન ફાવે તેવી કઢાવી આપી.

પછી ‘ઘ’નો વારો આવ્યો. તેને ઘણો સમય વ્યતીત થયા બાદ, રપેટીમાં  લીધો હતો. તે એકદમ ઉંડી તંદ્રામાં પડેલો હતો.

ડો. વૈષ્ણવે કહ્યું,” આદત છોડાવવી એ બહુ મુશ્કેલ કામ હોય છે. આ માટે દરદીની સમ્પુર્ણ તૈયારી અને સઘન સમ્મોહન જરુરી હોય છે. નશાની બહુ જુની આદતવાળાને તેની  ટેવ છોડાવવા ઘણા બધા સીટીંગ કરવા પડે છે. વળી બીજા નશાખોરોની સોબતની  બલા તો ઉભી જ હોય! પણ  ‘ઘ’ ને સીગારેટ પીવાની ટેવ હમણાં જ પડેલી હોવાને કારણે, મને વીશ્વાસ છે કે, તેને ટેવમાંથી મુક્ત કરવામાં મને સફળતા મળશે.”

આમ કહી તેમને સીગારેટ ચેતાવીને ‘ઘ’ને પીવા આપી; અને પુછ્યું, ” કેમ સીગારેટ પીવાની મજા આવે છે ને?”

‘ઘ’એ બરાબર કશ લઈને કહ્યું,”: હા! મજા આવી ગઈ.”

ડોક્ટર બોલ્યા,” તમને ખબર નથી, પણ હવે સીગારેટ બનાવનારા એમાં છાણાંનો ભુકો  નાંખે છે. હવે ફરી વાર તમે કશ લગાવશો તો તમને છાણની દુર્ગંધ જરુર આવશે.”

‘ઘ’એ બીજો કશ લેતાંની સાથે જ સીગારેટ ફેંકી દીધી અને થુ થુ કરવા માંડ્યો. આમ ત્રણ ચાર કશ તેની પાસે ડોકટરે લેવડાવ્યા.. દરેક વખતે એ દુર્ગંધની વાત તો ફરી ફરીને કહેતા જ રહ્યા.

પાંચમી વખતે ‘ઘ’ એ સીગારેટ પીવાની ઘસીને ના પાડી દીધી.

ડોક્ટરે કહ્યું ,” કેમ આ તો તારી પ્રીય બ્રાન્ડ છે.”

‘ઘ’ – “ એમાં છાણાંનો ભુકો નાંખેલો છે.”

આખું ઓડીયન્સ ખડખડાટ હસી પડ્યું.

પછી મંચ પર વચ્ચે ત્રણ ખુરશીઓ ગોઠવાઈ. સમ્મોહીત થયેલા, એક મજબુત બાંધાના ભાઈને ડોક્ટરે તેની ઉપર સુવાડ્યા. અને કહ્યું ,”તમારું આખું શરીર જડ બની ગયું છે. એકે એક સાંધો સખત રીતે જકડાઈ ગયો છે.”

તેમણે ખભાથી છેક પગ સુધી એક એક સાંધા આગળ હાથ ફેરવી “આ સાંધો જકડાઈ ગયો છે.” – એમ સુચના આપ્યે રાખી. છેવટે આખા શરીર પર હાથ ફેરવી તેમણે કહ્યું,”તમારું આખું શરીર લાકડાના બીમ જેવું બની ગયું છે. તેની પર ગમે તેટલું જોર કરું કે વજન મુકું તો પણ તે હવે વળી નહીં જાય.”

આમ કહી તેમણે  બે મદદનીશોને વચ્ચેની ખુરશી ખેંચી લેવા જણાવ્યું. અને બધાના આશ્ચર્ય વચ્ચે, માત્ર ખભા અને પગની પાનીની નીચે, બે જ ટેકા પર એનું શરીર સહેજ પણ ઝુક્યા વગર ટેકવાઈ રહ્યું. પછી એક જાડા ભાઈને તેની ઉપર ઉભા પણ રખાવ્યા. કોઈ પણ અલમસ્ત પહેલવાન પણ ન કરી શકે, તેવી અદભુત તાકાત તે ભાઈના શરીરમાં આવી ગઈ હતી.

પ્રેક્ષકો તાળીઓના ગડગડાટ સાથે આ અદભુત દ્રશ્ય જોઈ રહ્યા.

ત્યાર બાદ તેમણે બધાંને ફરીથી જાગૃત અવસ્થામાં આવવા માટેની સુચનાઓ આપવા માંડી.

“હવે તમારી ઉંઘ પુરી થઈ છે. તમે હવે એકદમ  તાજા બની રહ્યા છો. સવારે ઉઠો છો; તેમ આળસ મરડીને તમે ઉભા થઈ જશો. હવે મેં આપેલી સુચનાઓ  નહીં પણ તમે જેમ કરવા ધારશો તેમ કરી શકશો. “

અને ધીરે ધીરે બધાં જાગવા માંડ્યા.

‘ઘ’ હજુ ઉંઘરેટો હતો. તેને તેમણે ખાસ સુચના આપી ,”તમે હવે જાગી રહ્યા છો. પણ મને કહો કે, સીગારેટમાં શું હોય અને તેમાંથી કેવી વાસ આવે”

‘ઘ’ – “છાણની.”

ડો. વૈષ્ણવ ,” તમારા મીત્ર તમને આગ્રહ કરીને સીગારેટ પીવાનું કહેશે તો તમે શું કહેશો.”

‘ઘ’ – “ઘસીને ના જ પાડવાની હોય ને?”

ડો. “ તમે હવે બરાબર જાગી જવાના છો. પણ આ વાત તમે કદી નહીં ભુલો”

અને ‘ઘ’ પણ જાગી ગયો.

પછી પેલી કીશોરી કે,  જેને સમ્મોહનની સૌથી વધારે અસર થયેલી હતી; તેને ડોક્ટરે કહ્યું,” તું હવે જાગી રહી છું.  પણ આજથી બરાબર એક મહીના બાદ, બપોરના બાર વાગે તારા પપ્પા ઘેર જમવા આવે; ત્યારે તું કહીશ કે. ‘મારે ડોક્ટર વૈષ્ણવ પાસે   જવું છે. મને જલદી તેમની પાસે લઈ જાઓ.”

અને  છેવટે તે કીશોરી પણ જાગી ગઈ. આભાર વીધી સાથે સભા બરખાસ્ત થઈ.

————————-

પણ ‘ઘ’ એ ત્યાર બાદ કદી સીગારેટને હાથ   અડાડ્યો નથી. અને પેલી કીશોરીને બરાબર એક મહીના બાદ, ડો. વૈષ્ણવ પાસે લઈ જ જવી પડી હતી.

આ છે સાવ સામાન્ય માણસના મનની શક્તી – જે આપણે જાણતા જ નથી હોતા.

——————————–

સમ્મોહન વીશેના મારા વીચારો હવે પછી કદીક…

સમ્મોહન (હીપ્નોટીઝમ) : ભાગ -1

“હું તમારો સાચો મીત્ર છું.
હું કહીશ તેમ જ તમે કરશો.
મારાં એકે એક સલાહ અને સુચનનો
તમે પુરી રીતે અમલ કરશો.
હું કહીશ કે ગરમી છે, તો તમે ગરમી અનુભવશો;
અને ઠંડી કહીશ તો ઠંડી… “

કોઈ એમ.ડી. થયેલો ડોક્ટર પણ આમ કહે, તો તમે માની જશો?

હા! કે ના?

હા હતી …. એમ જ હતું.

———–

1975ના શીયાળાની સાંજની ગુલાબી ઠંડીમાં અમારી કોલોનીના ક્લબના મેદાન પર આબાલવૃદ્ધ બસોએક માણસો ભેગા થયા હતા. અમદાવાદની વી. એસ. હોસ્પીટલના ડો. વૈષ્ણવ અને તેમના ત્રણેક મદદનીશો અમારી ક્લબનું આમંત્રણ સ્વીકારી, વીનામુલ્યે (!) હીપ્નોટીઝમના પ્રયોગો બતાવવા આવ્યા હતા. અમારી કમ્પનીના ડોક્ટર શ્રી. લલીતભાઈ દોશીએ આ ગોઠવણ કરી આપી હતી.

હીપ્નોટીઝમ વીશે પ્રારંભીક જાણકારી આપી, તેમણે પ્રેક્ષકોમાંથી સ્વયંસેવકોને મંચ પર સમ્મોહીત થવા બોલાવ્યા. લગભગ પંદરેક ઉત્સાહી ભાઈ બહેનો મંચ પર આવી ગયા. એમાં એક કીશોર અને કીશોરી પણ હતાં.

ડોક્ટરે પ્રારંભીક પુછપરછ કરી; નીચેની માહીતી મેળવી લીધી –

ક – ઠંડીની બહુ અસર થાય છે.

ખ – ગરમીની બહુ અસર થાય છે.

ગ – ખમીસ કાઢવું પડે, તે ડરથી કમ્પનીના પુલમાં તરવા નથી જતો.

ઘ – હમણાં થોડાક સમયથી સીગરેટ પીવાનું શરુ કર્યું છે.

—-

ત્યાર બાદ તેમણે જણાવ્યું કે. “તમે મારાથી સમ્મોહીત થવા પુર્ણ રીતે તૈયાર હો, તો જ હું તમને સમ્મોહીત કરી શકીશ. તમારા પુરેપુરા સહકાર વગર આ પ્રયોગ સફળ ન જ થઈ શકે. સાથે એટલું પણ કહીશ કે, આ  પ્રયોગથી તમને કશું જ નુકશાન થવાનું નથી. ઉલટાનું તમારું મગજ વધુ શીસ્તબધ્ધ બનશે.

પણ કોઈ અજાણી વ્યક્તી, જેમનામાં તમે વીશ્વાસ ન ધરાવતા હો, તેને આવો સહકાર આપવો તમને અત્યંત હાનીકારક બની શકે છે. આવી વ્યક્તીને તમે તમારા મન પર સમ્પુર્ણ નીયંત્રણ કરવાની છુટ આપશો; તો તેનો તે ગેરઉપયોગ કરી શકે છે. અને તે કેટલી હદ સુધી; તેનો આછો પાતળો ખ્યાલ આ પ્રયોગો બાદ તમારા વાલી કે  સગાંઓને આવી જશે. સમ્મોહીત બન્યા બાદ તમે શું શું કર્યું , તે તેમની પાસેથી જાણશો તો તમે અવાચક બની જશો. જો તમારામાંથી કોઈ આ વાત જાણી મને સહકાર આપવા તૈયાર ન હોય; તો પાછા પ્રેક્ષકોની વચ્ચે જઈ શકે છે.”

પછી તેમણે પ્રેક્ષકોને સંબોધીને કહ્યું,” આ સુચના તમારે પણ ધ્યાનમાં રાખવાની છે. આ પ્રયોગો એકદમ વૈજ્ઞાનીક ધોરણે કરવામાં આવશે. એનાથી માનસશાસ્ત્રના આ અમોઘ શસ્ત્રનો તમને પ્રારંભીક ખ્યાલ આપશે. અમે આનો ઉપયોગ માદક દવાઓ અને નશાકારક ચીજોની ચુંગાલમાં સપડાયેલ વ્યક્તીઓને તે છોડાવવા  માટે કરીએ છીએ. પણ આ વીદ્યા ગુનાના હેતુ માટે પણ વાપરી શકાય છે. આ જાણ તમને થાય; તે પણ અમારો હેતુ છે. આ પંદર જણ સમ્મોહીત ન થાય ત્યાં સુધી પ્રેક્ષકોને વીનંતી છે કે, સમ્પુર્ણ શાંતી જાળવવાની છે – મંચ પર ટાંકણી પડે તો પણ અવાજ સંભળાય, એટલી શાંતી. “

બધાંએ તાળીઓના ગડગડાટથી ડો વૈષ્ણવને વધાવી લીધા.

ત્યાર બાદ તેમણે મંચ પરના સ્વયંસેવકોને સુચનાઓ આપવી શરુ કરી.

“ તમે સખત થાકી ગયા છો. તમારા અંગે અંગ આરામ માંગી રહ્યાં છે. ચલો હું તમને મીઠી ઉંઘ અપાવી દઉં.

મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..

મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ..

હવે તમારી આંખો ઘેરાવા લાગી છે. પોપચાં પડું પડું થઈ રહ્યાં છે.

મીઠી ઉંઘ.. મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..

તમારી આંખો ખુલ્લી હશે તો પણ તમે સુઈ શકશો.

મીઠી ઉંઘ.. સરસ મજાની મીઠી ઉંઘ..”

અને આમ ને આમ દસેક મીનીટ સુધી ઘેરા, માદક અને મીઠા અવાજમાં સુચનાઓ ચાલુ જ રહી. ધીમે ધીમે અવાજ  ઉંડો ઉતરતો ગયો. આછો થતો ગયો. સ્ટેજ પરની ડીમર કન્ટ્રોલવાળી લાઈટ (તે જમાના માટે તો તે પણ નવાઈ હતી.) ઝાંખી ને ઝાંખી થતી ગઈ.

એક પછી એક બધાં ડોલવા લાગ્યાં. જેમ જેમ તેઓ સાંજના સમયની આ બનાવટી નીંદરમાં પોઢવા લાગ્યાં; તેમ તેમ ડોક્ટર વૈષ્ણવના મદદનીશો તેમને મંચ પર પાથરેલી ગાદીઓમાં સુવાડવા લાગ્યા.

પંદરમાંથી એક બે જણ જ એવા નીકળ્યા કે, જેમની ઉપર  આ કશું કારગત ન નીવડ્યું. તેમને મંચની નીચે ઉતારી દીધા.

બે એક મીનીટ સાવ મૌન અને સાવ અંધારું. પછી ફુલ લાઈટ ચાલુ થઈ ગઈ.

ડોક્ટર વૈષ્ણવ બોલ્યા.” હું તમારો સૌથી સાચો અને જીગરી મીત્ર છું. ચાલો હવે હું કહીશ તેમ જ તમે કરશો. હું કહીશ કે તમે ઉભા થાઓ , તો તમે ઉભા થઈ જશો. હું કહીશ કે તમે બધા બેસી જાઓ , તો તમે બેસી જશો. ચાલો બધાએ ઉભા થઈ જવાનું છે – સહેજ પણ પડ્યા વગર. એકદમ ટટ્ટાર. “

અને બધા સફાળા બેઠા થઈ, ઉભા થઈ ગયા.

અને પછી તો જાતજાતના ખેલ આ સરકસ પાસે તેમણે કરાવ્યા.

‘ક’ નો વારો આવ્યો.

ડોક્ટર વૈષ્ણવ – “ અહીં સખત ઠંડી પડે છે. ઉત્તર ધ્રુવ પર પડે તેટલી ઠંડી. તમે સખત કાંપી રહ્યા છો. તમારાથી આ ઠંડી સહન થઈ શકતી નથી.“

અને અમદાવાદની એ આછી પાતળી ઠંડી સાંજમાં એ ભાઈ થરથર  કાંપવા માંડ્યા. ગાદી પર સુવાડી, બીજી ગાદી ઓઢાડી , છતાં પણ તેમને ટાઢ ઓછી થતી ન હતી.

ડોક્ટર વૈષ્ણવ – “ હવે તમને આગના બળબળતા તાપણા પાસે લઈ જાઉં  છું. હવે કોઈ ઠંડી નથી. તમને ખમીસ કાઢવાનું મન થઈ જશે.“

આમ કહીને તેઓ એ ભાઈને એક પેડેસ્ટલ પંખા પાસે લઈ ગયા. પંખાની સામે ટેબલ પર બરફની લાદી મુકેલી હતી.  અને ખરેખર એ ભાઈ પસીને રેબઝેબ હતા. પ્રેક્ષકોમાંથી  એક જણને આની ખાતરી કરવા મંચ પર પણ બોલાવ્યા. પેલા ભાઈએ તો ખરેખર પોતાનું  ખમીસ પણ કાઢી નાંખ્યું!

આનાથી ઉંધો પ્રયોગ ‘ખ’ પર કરવામાં આવ્યો અને તે બહેને બળબળતી સગડી સામે ઓઢવા માટે ગરમ ચોરસો માંગ્યો અને થરથરતાં ઓઢી પણ લીધો !

‘ગ’ નો વારો આવ્યો અને તેને કહ્યું ,”ચાલ દોસ્ત! તરવા જઈએ. બહુ મજા આવશે – ઠંડા પાણીમાં તરવાની મજા. ખરું ને! “

પેલાએ તરત ડોકું ધુણાવ્યું !

ડોક્ટર વૈષ્ણવવ – “ લે કર વાત ! આમ ખમીસ પહેરીને તો કાંઈ તરાતું હશે? ભીનું થઈ જશે . ચાલ ખમીસ કાઢી નાંખ.“

અને પુલમાં પણ ખમીસ ન કાઢનાર એ જણ મંચ પર ખુલ્લી છાતીએ ઉભો રહ્યો. અમારી તરફ ફરીને ડોક્ટર વૈષ્ણવ હસીને બોલ્યા,” જો આને ચડ્ડી કાઢી નાંખવાનું કહું , તો તેમ પણ તે કરે !”

અમે બધા તો સ્તબ્ધ બની ગયા.

આ દરમીયાન બીજા મીત્રો વધારે ગાઢી તંદ્રામાં પડવા માંડ્યા હતા.

એક ભાઈને આગળ કરીને ડોક્ટર વૈષ્ણવ બોલ્યા ,” તમારો  ડાબો હાથ સાવ જુઠો પડી ગયો છે. કોણીએથી તે છેક આંગળીના ટેરવા સુધી.“ પોતાનો હાથ તેના હાથ પર પસારતા જાય અને આમ બોલતા જાય.

થોડીક વારે તેમણે ડોક્ટર દોશીને મંચ પર બોલાવ્યા અને તે ભાઈના કોણી ઉપરના ભાગમાં ઈન્જેકશનની સોય નાંખી થોડેક દુરથી બહાર કાઢવાનું કહ્યું. દોશી સાહેબ થોડા ખચકાયા; પણ પહેલેથી તેમને પેટી લાવવાનું કહેલું હતું; એટલે તેમણે આમ કર્યું. અને ઓલ્યા ભાઈ તો જડભરતની કાની ઉભા જ રહ્યા. એક પણ ઉંહકારો નહીં!

પછી એ ભાઈનો જમણો હાથ પોતાના હાથમાં લઈ, ડોક્ટર વૈષ્ણવ બોલ્યા,” અને તમારો આ હાથ એકદમ સંવેદનશીલ બની ગયો છે. જાણે કે. તેની ચામડી ઉતરડાઈ ગઈ હોય – તેટલો સંવેદનશીલ. હું તેને સહેજ અડીશ તો પણ તમારાથી નહીં ખમાય. તમે ચીસ પાડી ઉઠશો. “

આમ બે ત્રણ વાર કહી, તેમણે જમણા હાથ પર માઈકનો સહેજ જ  સ્પર્શ કરાવ્યો. અને એ હાથ એકદમ ઝાટકા સાથે એ ભાઈએ દુર કરી દીધો.

આખું ઓડીયન્સ…તાળીઓના ગડગડાટ …

—————

બીજો અને આનાથી પણ વધારે હેરત પહોંચાડે તેવો ભાગ

–  આવતા અઠવાડીયે…

કોન્ક્રીટીન્ગ

સાઈટ કામથી ધમધમતી હતી. નવા પાવર સ્ટેશનનું બાંધકામ પુર જોશમાં ચાલુ હતું.

ક્યાંક ક્રેન વડે ભારે સામાન ઉંચે ચઢાવાતો હતો. બોઈલરના સ્ટીલના માળખા ઉપર બહુ ઉંચે ચાર માણસો ક્રેન વડે ટીંગોળાઈને રહેલા ભારે ગર્ડરને તેના યથા યોગ્ય સ્થાન પર ગોઠવવા પ્રયત્ન કરી રહ્યા હતા. આ કામ અત્યંત જોખમી હતું.  ક્યાંક  ગેસ વડે લોખંડના એન્ગલ  કપાઈ  રહ્યા હતા; તો ક્યાંક મોટા ગર્ડરના વેલ્ડીંગનું કામ ચાલી રહ્યું હતું; અને આંખો આંજી નાંખે તેવી ઝળહળતી જ્યોત દુરથી પોતાના નજારા તરફ ધ્યાન ખેંચી રહી હતી.

ક્યાંક ખટારામાં ભરાઈને આવેલો સામાન નીચે ઉતારવામાં આવી રહ્યો હતો. ક્યાંક લાકડાંના ખોખાં ખોલીને મશીનરીના ભાગ બહાર કઢાતા હતા. ક્યાંક વીજળીનાં દોરડાં નંખાઈ રહ્યાં હતાં. ક્યાંક ખટારામાંથી રેતી તો ક્યાંક પથ્થરની કપચી જમીન પર ઠલવાઈ રહ્યાં હતાં. ક્યાંક  માપપટ્ટી વડે જમીન પર અથવા લોખંડના ગર્ડર પર માપ લઈ નીશાન કરવામાં આવી રહ્યાં હતાં,

ક્યાંક નાનકડી સાઈટ ઓફીસોમાં કામચલાઉ ટેબલ પર ડ્રોઈંગ પાથરી એન્જીનીયરો, ગંભીરતાથી નકશાઓનો ઉંડો અભ્યાસ કરી રહ્યા હતા. ક્યાંક ટેબલ ખુરશી પર બેસી, સુપરવાઈઝરો થયેલા કામનો હીસાબ ડાયરીઓ અને રજીસ્ટરોમાં નોંધી રહ્યા હતા. ક્યાંક માથે ટોપા પહેરી સાહેબ લોકો થઈ રહેલા કામનું નીરીક્ષણ કરી રહ્યા હતા.

ક્યાંક થાકેલા મજુરો ઘડીક પો’રો ખાવા ધોમ ધખતા તડકામાં ચાંદનીની શીતળતાનો અનુભવ કરતાં પાણી પી રહ્યા હતા. એક છેડે ઘોડીયાઘરમાં નાનાં બાળ કીલ્લોલ કરી રહ્યાં હતાં; અને એક ખુણામાં બે માતાઓ પોતાનાં નાનકડાં ભુલકાંઓને સ્તનપાન   કરાવી રહી હતી.

સવારના દસ વાગ્યાના સુમારે આખી સાઈટ પર,  ભારતના વીધ વીધ રાજ્યોમાંથી આવેલા, આશરે સાતસો માણસો કામ કરી રહ્યાં હતાં.

અહીં એક મોટા ફાઉન્ડેશનનું કોન્ક્રીટીન્ગ ચાલી રહ્યું છે. તૈયાર થશે પછી, એની ઉપર આઈ.ડી.ફેન ગોઠવાશે અને બોઈલરમાંથી બહાર નીકળતા ગરમાગરમ ધુમાડાને ઉંચી ચીમની તરફ ધકેલશે.  પાવર સ્ટેશનની મશીનરીનાં ફાઉન્ડેશનમાં આ ત્રીજા નમ્બરનું મોટું ફાઉન્ડેશન છે. ત્રણ કોન્ક્રીટ મીક્સર મશીનો મોટા અવાજે અંદર નાંખેલા, કપચી રેતી, સીમેન્ટ અને પાણીના મીશ્રણને એકરસ કરી રહ્યાં છે. બાજુમાં આ બધા સામાનના મોટા ઢગલા પડેલા છે. થોડી થોડી વારે આ મશીનો પોતાના મહાકાય અને ગોળ ફરતા પેટને આડું કરીને સીમેન્ટના રસથી ખદબદેલા મુખમાંથી તૈયાર થયેલો કોન્ક્રીટ ઓકી કાઢે છે. તરત તગારાંઓમાં ભરાઈને, આ કોન્ક્રીટ લોખંડના પાંજરાઓથી  ભરચક,  ફેનના ફાઉન્ડેશનના લાકડાના માળખામાં ઠલવાઈ રહ્યો છે. ત્રીસેક માણસો આ અગત્યના કામમાં  પરોવાયેલા છે. આખી સાઈટ ઉપર, આજની તારીખમાં સૌથી અગત્યનું આ કામ પુર જોશમાં ચાલી રહ્યું છે.અને તેના આખરી તબક્કામાં છે. .

અને ત્યાંજ એક ધડાકો થાય છે. બોઈલરના મહાકાય માળખાની ઉપર, 45 મીટર ઉંચે, ગર્ડર ગોઠવી રહેલો, એક મદ્રાસી ફીટર નીચે પડી ગયો છે. લોહીના ખાબોચીયામાં લથપથ તેની કાયા લગભગ નીશ્ચેતન બનીને પડી છે. થોડીક જ વારમાં આજુબાજુ એક ટોળું ભેગું થઈ જાય છે. શું થયું છે તે જાણવા ઉત્સુક કામદારોને દુર રાખવામાં, સાઈટ પરનો સીક્યોરીટી સ્ટાફ માંડ માંડ સફળ થાય છે. તાબડતોબ ઝબુકતી લાલ લાઈટ વાળી અને સાયરનનો તીવ્ર અવાજ કરતી એમ્બ્યુલન્સ વાન સ્થળ પર આવી પહોંચે છે. આ દુર્ભાગી ફીટરને હોસ્પીટલ લઈ જવા તરત તે નીકળી પડે છે.

સાઈટ પરનો આ ચોથો અકસ્માત છે. સૌને ખાતરી છે કે, આગલા ત્રણ અકસ્માતોની જેમ આ પણ પ્રાણઘાતક જ નીવડવાનો છે. આટલે ઉંચેથી પડેલ આ જણ બચી જાય; તેવી શક્યતા નહીંવત છે. તરત બધે કામ બંધ પડી જાય છે, રોષે ભરાયેલા કારીગરો અને મજુરોનાં ટોળે ટોળાં ઠેર ઠેર એકઠાં થઈ ગયાં છે. બધાં કામ ઠરીને ઠપ્પ થઈ ગયાં છે. આવા પ્રાણઘાતક અકસ્માતો વીશે બધે ગુસ્સો અને આક્રોશ વ્યક્ત થઈ રહ્યાં છે. લાલચોળ આંખોવાળો,  અને પરસેવે રેબ ઝેબ એક કામદાર ઉભરાતા ગુસ્સામાં, હાથમાં પકડેલા લોખંડના સાધનને હથીયાર તરીકે વાપરવાની ચેષ્ટા કરી રહ્યો છે.

સાઈટનો પ્રોજેક્ટ મેનેજર સુધીર તાબડતોબ અકસ્માતના સ્થળ પર આવી પહોંચ્યો છે. પરીસ્થીતીનો તાગ કાઢીને એની આજુબાજુ એકઠા થયેલા વીવીધ કામોના ઈન ચાર્જ  એંજીનીયરો અને મેનેજરોને આજના દીવસ પુરતું, કામ બંધ રાખવા  સુચના આપે છે.સમો વરતીને ડાહ્યા ઈન ચાર્જ સાહેબોએ રજા જાહેર કરી દે છે.

પણ સીવીલ કામનો મેનેજર નયન કહે છે,” સાહેબ! આઈ.ડી. ફેન ફાઉન્ડેશનનું કોન્ક્રીટીન્ગ કામ બંધ કરી દઈએ તો, પોણું પુરું થયેલું કામ નકામું જાય. આખું ફાઉન્ડેશન તોડી નાંખી નવેસરથી બનાવવું પડે. લોખંડના સળીયાથી ખીચોખીચ એને તોડતાં જ એક અઠવાડીયું નીકળી જાય અને ફરીથી ભરવામાં બીજા પંદર દીવસ. જો આ કામ ચાલુ રાખી શકાય તો આ નુકશાન અને સમયનો બગાડ અટકાવી શકાય. “

બાહોશ સુધીરને નયનની આ વાત તરત સમજાઈ ગઈ છે. પણ ઉશ્કેરાયેલા કામદારોને ફરીથી કામે લગાડવા, એ બહુ જ મુશ્કેલ કામ છે. ક્યાંક કોઈક થોડીક ઉશ્કેરણી કરે; તો કામદારોનું આખું  ટોળું હીંસક બની શકે તેમ છે.

સુધીર અને નયન ફેનના એ ફાઉન્ડેશનના કામ તરફ  પ્રયાણ કરે છે. બધા કામદારો અને મજુરો વકાસેલાં મોંઢે  ટોળે વળીને ઉભાં છે. એક પ્રચંડ આવેગ સાથે, સુધીર બાજુમાં પડેલા, લોખંડના એક પીપને ચતું કરાવી, તેની ઉપર ચઢી જાય છે. તેના મુખ પર શોકની કાલીમા છવાયેલી છે; પણ મનમાં એક મક્કમ નીર્ધાર સવાર થયેલો છે.

સુધીરના મોંમાંથી બુલંદ અવાજે વાણી સરવા માંડે છે.

“ ભાઈઓ અને બહેનો! આજે આપણે બોઈલરના સ્ટ્રક્ચર પરથી થયેલા અકસ્માતના કારણે બહુ જ દુખી છીએ. ભાઈ શંકર અન્ના આપણી સાઈટ પર ગભીર રીતે ઘવાયા છે. આપણને બધાંને આ માટે બહુ જ દુખ થયું છે. જાણે કે, આપણો સગો ભાઈ રામજીનો પ્યારો થઈ જવાનો હોય; તેવી લાગણી તમને અને મને થઈ આવી છે. આ બહુ જ સ્વાભાવીક છે. આજના દીવસ માટે આપણે સાઈટ પરનાં બધાં કામ બંધ રાખવાની જાહેરાત કરી જ છે.

પણ તમે લોકો જે કામ કરી રહ્યાં હતાં, એ એવું કામ છે , જેને બંધ રાખી શકાય તેમ નથી. એમ કરીએ તો મોટું નુકશાન થાય તે તો ઠીક; પણ લગભગ પતવામાં આવેલા આ ફાઉન્ડેશનને  તોડીને નવેસરથી બનાવવું પડે. મારી તમને હાથ જોડીને વીનંતી છે કે, અડધો જ કલાક આ કામ ચાલુ  રાખીએ, તો આ બધી જફા ટાળી શકાય. તમારા સૌનાં દુખમાં હું સહભાગી છું.

ભાઈ શંકર અન્ના બહુ જ ઈમાનદાર અને કર્તવ્યનીષ્ઠ કારીગર હતો. એને આવું થાય તે હરગીજ પસંદ ન પડ્યું હોત. એના સાચા કામદારી જુસ્સાને માન આપીને, આપણે આ કામ ચાલુ રાખીએ તેવી મારી આપ સૌને આગ્રહ ભરી વીનંતી છે. આપણે બધા એક મીનીટ મૌન પાળીને આ કામ ફરીથી શરુ કરીશું?”

અંતરમાંથી નીકળેલ આ વાણીની ધારી અસર થાય છે. એક મીનીટ મૌન પાળીને આઈ.ડી ફેનના ફાઉન્ડેશનનું એ કામ ફરીથી શરુ થાય છે અને અડધો જ કલાકમાં પુરું કરવામાં આવે છે.

……………..

સત્યકથા પર આધારીત