સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પાવર

હોટલ ગુલશન – એક સ્વાનુભવ

     એસ.એસ.સી. નું પરિણામ આવવાની થોડીક ઘડીઓ જ બાકી હોય તેમ, વાતાવરણ એકદમ તંગ છે.  જાણે કે, શહેરના રસ્તાઓ પર હુલ્લડ બાદ લાદવામાં આવેલો કરફ્યૂ ! ર.વ. દેસાઈ વાળો ‘ભારેલો અગ્નિ’ જ જોઈ લો!

      વાતાવરણ એકદમ તંગ છે. સુરેશ! તમે … વીસ્તારમાં આવેલી હોટલ ગુલશનના રીસેપ્શન કાઉન્ટરની સામે અસહાય બનીને ઉભા છો. તમારા બધા સાથીદારો, મદદનીશો, સશસ્ત્ર સહાયક સુરક્ષા કર્મચારીઓમાંનું કોઈ તમારી સાથે નથી. તમારી સામે હોટલનો માલીક અહમદ લાલઘુમ આંખો કરી ઝેર ઓકી રહ્યો છે. તેની એક બાજુમાં મજબુત બાંધાના, મવાલી જેવા લાગતા,  તેના ચાર મદદનીશો આંખના એક જ ઈશારે તમારી પર ત્રાટકી પડવા તૈયાર ઉભેલા છે. નીચે મખમલી ફર્શ ઉપર તેનો એક નોકર બે ચાર જગ્યાએ નજીવા ઘા થયેલી હાલતમાં,દેખીતી રીતે તરફડીયાં મારવાનો  ડોળ કરીને પડ્યો છે. બીજી બાજુએ લુચ્ચી આંખો વાળો, સ્પષ્ટ રીતે બેઈમાનદાર, પોલીસ ખાતાનો સબ ઈન્સ્પેક્ટર પરમાર તમને સમાજના દુશ્મન માનીને, તમારી તરફ કરડાકીથી જોઈ રહ્યો છે.

      અહમદ– “ સાહેબ! જુઓ આ મારા નોકરને જાની સાહેબના માણસોએ કશી ઉશ્કેરણી વગર કેટલો માર્યો છે?હું અને મારા આ મદદનીશો વચ્ચે ન પડ્યા હોત તો એ ખુદાનો પ્યારો થઈ ગયો હોત.“ પેલાએ બરાબર સમયસર દર્દનો ઉંહકારો ભરવાનો ડોળ કર્યો.

     પરમાર – “ મીસ્ટર જાની ! તમે વીજળી કમ્પનીમાં આવી ગુંડાગીરી કરો છો? અહમદ  જેવા પ્રતીષ્ઠીત સજજનને આમ હેરાન કરો છો? અહમદ ભાઈ, હું તમારી જગ્યાએ હોત તો અત્યારે આ નોકરની જગ્યાએ આ કમબખ્ત સુરેશ જાની નીચે પડેલા હોત.”

     સાચું કહો ને, તમારી જાતને હીન્દી ફીલ્મના કોઈ દૃષ્યના એક અસહાય પાત્ર તરીકે તમે નીહાળી રહ્યા ન હતા? કઈ કવેળાએ તમને આ હોટલ પર વીજ ચોરી માટે દરોડો પાડવાની કમત સુઝી હતી.

      વાત જાણે એમ છે કે, બીજા ઝોનલ મેનેજરો સાથે તમે કમ્પનીના અત્યાર સુધીના ઈતીહાસમાં ન થયા હોય તેવા, વીજ ચોરી પકડવાના અભીયાનમાં સવારથી આખો દીવસ વ્યસ્ત હતા. ચારેય ઝોનના આ કામ કરતા બધા કર્મચારીઓ અને કમ્પનીના સુરક્ષા અધીકારીની મોટી સશસ્ત્ર સેના સાથે, વીજ ઉપયોગના રેકર્ડની સઘન ચકાસણી અને અન્વેષણ કર્યા બાદ, સો જગ્યાઓએ વીજચોરી પકડવા મરણીયાની જેમ, યુધ્ધના ધોરણે આખો દીવસ કામગીરી ચાલી હતી. પણ ‘ખોદ્યો ડુંગર અને નીકળ્યો ઉંદર’ એ ન્યાયે ખાસ કાંઈ ચોરી પકડાણી ન હતી. છ સાત સાવ નાના કીસ્સા પકડાયા હતા; જેની વીજચોરીની આકારણીની રકમ આ ઓપરેશનના ખર્ચ જેટલી પણ ન હતી. વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને શું રીપોર્ટ આપીશું તેની ચીંતા ચારે મેનેજરોને કોરી ખાતી હતી.

      ત્યાં જ એક ઓફીસરે બાતમી આપી હતી કે, શહેરના …… વીસ્તારમાં આવેલી ગુલશન હોટલમાં ઘણા વખતથી ચોરી થાય છે. એનો માલીક કોઈને મીટર ચકાસવા દેતો નથી અને સામાન્ય રીતે આ કક્ષાની ત્રણ તારક હોટલને વીજળીનું જેટલું બીલ આવે, તેના દસમા ભાગનું બીલ પણ બનતું ન હતું. તે ઓફીસરે પોતાની અંગત ડાયરીમાંથી બધી માહીતી સૌ મેનેજરોને બતાવી હતી.

    આથી તમારી બાકીની સેનાને વીખેરી, માત્ર જરુરી સ્ટાફ સાથે ગુલશન હોટલમાં તમે ચારે મેનેજરો ગયા હતા. એક ઓફીસર ચકાસણી કરવાની વીનંતી સાથે હોટલની અંદર ગયો હતો. તમે બધા પરવાનગી મળે તેની રાહ જોઈને બહાર ઉભા હતા. થોડી જ વારમાં એ ઓફીસર ભયભીત ચહેરે દોડતા બહાર આવ્યો હતો. કોઈએ તેના ગાલ પર કચકચાવીને લાફો માર્યો હતો.

    લાલઘુમ ચહેરે અને લગભગ રડમસ અવાજમાં એ બોલી ઉઠ્યો હતો,” જલદી ભાગો . નહીં તો એ લોકો હથીયારો લઈને આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યા છે.” હજુ એ બોલવાનું પુરું કરે એ પહેલાં જ મવાલી જેવા દેખાતા આઠ માણસો લાકડીઓ, પાઈપો અને સાઈકલની ચેનો લઈને તમારા સ્ટાફ તરફ ધસી ગયા હતા. લાકડીઓનો માર પડતાંની સાથે જ તમારો નીશસ્ત્ર સ્ટાફ ભાગમ દોડ કરવા માંડ્યો હતો. સુરક્ષા અધીકારી અધીકારી શ્રી. શેઠ અને તેમના સ્ટાફે વીરતાપુર્વક, મુકાબલો કરવા કોશીશ કરી હતી. પણ આ અચાનક થયેલા હુમલાના કારણે એ બરાબર સભાન ન હતા. આથી માર ખાઈ એ પાછા પડ્યા હતા. શ્રી શેઠ બહાદુરીથી લાકડી લઈ અને એક હાથમાં રીવોલ્વર રાખી, તેનો ઉપયોગ કરવાની ધમકી સાથે ઝઝુમ્યા હતા. પણ એકાએક એક મવાલીએ તેમના માથામાં સાઈકલની ચેન ફટકારી હતી. લોહી નીગળતા, તમ્મર ખાઈને તે રસ્તા પર પડી ગયા હતા. આ ભયંકર દૃષ્ય જોઈ બધો  સ્ટાફ દુર રાખેલી જીપોમાં બેસી પલાયમાન થઈ ગયો હતો.

     તમે અને તમારા એક સાથી મેનેજર થોડીક બાજુમાં અને ગભરાઈ ગયેલા રાહદારીઓની વચ્ચે ઉભેલા હોવાને કારણે, આ તોફાનીઓની નજરે ચઢ્યા ન હતા. હોટલનો સ્ટાફ પાછો ગયો કે તરત જ તમે લોકોએ શેઠને બેઠા કરી એક કારમાં બેસાડ્યા હતા. તમારા મેનેજર સાથી સાથે મસલત કરી એમ નક્કી કર્યું હતું કે, તેઓ શેઠને સીવીલ ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે લઈ જશે અને બીજી કારમાં તમે નજીક આવેલા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવવા જશો.

    આમ … વીસ્તારના થાણામાંથી પોલીસ જીપમાં બેસી, સબ ઈન્સ્પેક્ટર પરમાર સાથે, ગુલશન હોટલમાં તમે એકલા પ્રવેશ્યા હતા. તમારી વીનંતીથી એ ભ્રષ્ટ પોલીસ ઈન્સ્પેક્ટરે ચકાસણી કરવા તમારા સ્ટાફને બોલાવવા તમને બહાર જવા દીધા હતા.પણ આવી ગંભીર પરીસ્થીતીનો આગોતરો કોઈ અનુભવ ન હોવાને કારણે, ભાગી જવાને બદલે વાઈસ પ્રેસીડેન્ટ સાહેબને આ કટોકટીની ખબર આપી, હોટલના રીસેપ્શન આગળ તમે પાછા ફર્યા હતા. ત્યાર બાદ હોટલમાં ભજવાયેલા, જુઠ્ઠા અને બેહુદા નાટકની ચરમસીમા જેવા ભાગમાં તમે સાવ અસહાય બનીને ઉપર વર્ણવ્યા પ્રમાણે, તમારી જીંદગીની, કદી ન ભુલાય તેવી, ઘટનામાં ગળાડુબ સંડોવાઈ ગયા હતા. પેલા નોકરને દેખીતી રીતે, હોટલના જ સ્ટાફે, પરમાર સાહેબની સહાનુભુતી મેળવવા, નજીવો માર મારી તરફડીયાં મારવાનો અભીનય કરતો રજુ કર્યો હતો.

     અહમદના એક સાથીએ તો હાથમાંની લાકડી પણ તમારી તરફ ધરી હતી, અને બીજાઓ આક્રમક સળવળાટ કરી રહ્યા હતા. અહમદ તમને મરણતોલ ઘાયલ કરી દેવાનો સ્પષ્ટ ઈરાદો સેવી રહ્યો હતો. એના બધાં જ ચીહ્નો તેના લાલઘુમ ચહેરા પર તરવરતા હતા. પરમાર સાહેબ તમને ફસાવ્યાના આનંદના અતીરેકમાં મુછમાં મલકાતા હતા. તેમના ચહેરા પર ફરકી રહેલુ, લુચ્ચું સ્મીત આ બદઈરાદાની ચાડી ખાતું હતું.

    કઈ ઘડીએ જમીન દોસ્ત થઈ, ખરેખર તરફડીયાં મારતા થઈ જશો તેવી ધાસ્તીથી, પસીને રેબઝેબ તમે અત્યંત મુશ્કેલીથી તમારો ભય છુપાવવા પ્રયત્ન કરી રહ્યા હતા.

     તમારા સદનસીબે, આ કટોકટીની ક્ષણે, ઈન્સ્પેક્ટર પરીખ હોટલમાં પ્રવેશ્યા. તેમને જોતાં જ પરમાર શીયાંવીયાં થઈ ગયો. પ્રભાવશાળી મુખવાળા અને દેખીતી રીતે પ્રામાણીક જણાતા, પરીખ સાહેબે જરુરી સવાલો પુછી, તમારું ઓળખપત્ર ચકાસી, તમને ધાસ્તી ન રાખવાની બાંહેધરી આપી દીધી. બની ગયેલ ઘટનાની આગળ પુછપરછ ચાલી રહી હતી ત્યાં જ; તમારા વાઈસ પ્રેસીડેન્ટ રામનાથન પણ ત્યાં આવી પહોંચ્યા.

     પછી તો તમારો જરુરી સ્ટાફ પણ પાછો આવી ગયો; મોડી સાંજ સુધી ચકાસણી ચાલી. પકડાયેલી ચોરીના સબબે હોટલનું વીજ જોડાણ કાપી નાંખવામાં આવ્યું. પણ અહમદે હોટલમાં રહેતા પ્રવાસીઓને અગવડ ન પડે તે માટે કાકલુદી ભરી વીનંતી કરી. હોટલનો સપ્લાય ચાલુ કરવાની અવેજી રુપે દસ હજાર રુપીયાનો રોકડ દંડ વસુલ કરવામાં આવ્યો. ગુનાની કબુલાત સાથે, બાકીની એક લાખ રુપીયાની રકમનો ચેક બીજા દીવસે ભરવાનું લેખીત વચન અહમદે આપી દીધું. પાવર સપ્લાય ફરી ચાલુ કરવામાં આવ્યો, અને તમે સૌ રવાના થયા.

    હોસ્પીટલમાં માથે પાટો બાંધેલા શેઠની હાલતની જાત તપાસ કરી, એમની વીરતા માટે એમને નવાજી, તબીયતની કાળજી લેવાની સુચના આપી તમે ઘરભેગા થયા .

    પણ જીવનની આ અવીસ્મરણીય ઘટના તમારા માનસમાં અવનવી સંવેદના અને સમાજની વાસ્તવીક તાસીરની એક છબી કંડારતી ગઈ. સાથે સાથે આવી પરીસ્થીતીનો મુકાબલો કરવાની એક અનોખી સુઝને પણ પ્રગટાવતી ગઈ.
……………………….

[ સુરેશ જાની સીવાય, બધા પાત્રોના નામ બદલી નાંખવામાં આવ્યા છે. ]

બરફનું કારખાનું કપાયું

     હું વ્યગ્ર ચીત્તે મારી ઓફીસમાં બેઠો હતો; ત્યાં ફોનની ઘંટડી રણકી ઉઠી.

     “ સાહેબ ‘કમળ’ને ચાલુ કરવાનો તમારો સંદેશો મળ્યો; પણ અમે અત્યારે અહીં ‘ગુલાબ’માં છીએ અને અહીં પણ ચોરી પકડાઈ છે.”

      અને મારી વ્યગ્રતા ગુસ્સામાં બદલાઈ ગઈ. અજાણતાં જ મારી મુઠ્ઠી વળી ગઈ અને મેં ફર્શ પર ગુસ્સામાં પગ પછાડ્યો.

      હમણાં થોડી વાર પહેલાં જ ‘કમળ’ અને ‘ગુલાબ’ નામનાં બરફનાં કારખાનાંના માલીક શ્રી. રતીલાલ, વીજયી મુદ્રામાં મારી ઓફીસમાંથી બહાર નીકળ્યા હતા. હજુ તો એ માંડ અમારી ઓફીસના ઝાંપા સુધી પહોંચ્યા હશે.

      મોટા ભાગનાં બરફનાં કારખાનાંઓમાં વીજચોરી થતી હોય છે; તેમ રતીલાલ પણ ચોરી કરી મબલખ નફો રળતા હતા. એક મહીના પહેલાં અમે એમના ‘કમળ’ ચોરી પકડી હતી. અંદાજે વપરાયેલ વીજળી અને દંડની રકમ નવ લાખ રુપીયા થતી હતી. અમે તેમની પાસેથી તેના તેત્રીસ ટકા રકમ ભરી દેવા માંગણી કરી હતી. પણ રતીલાલ તે ભરતા ન હતા. અમારી ઉપર આ રકમ ઓછી કરવા, અનેક જાતનાં દબાણ આવતાં હતાં.

     પણ તે દીવસે તો હદ થઈ ગઈ હતી. મારા ઉપરી અધીકારીએ મને ફોન પર કહ્યું હતું ,” જાની! તમે લોકો સારું કામ કરો છો; પણ ગાંધીનગરથી દબાણ છે. રતીલાલ તમને મળવા આવી રહ્યા છે. તેમની પાસેથી 40,000 રુ. લઈ ‘કમળ’ ચાલુ કરી આપવાનું છે. “

     ત્રણ લાખની સામે માત્ર આટલી જ રકમ! મારા સાહેબ સાથે મેં દલીલ કરવા પ્રયત્ન કર્યો; પણ તેમનો લાચારીમાં લેવાયેલો નીર્ણય માન્યા વગર મારો છુટકો જ ન હતો. નાની વીજચોરી કરનાર પાસેથી તો અમે પુરી રકમ વસુલ કર્યા બાદ અને ચેક સીકરાય તો જ જોડાણ ચાલુ કરી આપતા હતા. પણ મોટી રકમ હોય તો આ તેત્રીસ ટકાનો નીયમ લાગુ પડતો હતો.

     અમે જાનના જોખમે, બરફનાં કારખાનાંઓમાં વીજ ચોરી પકડવાનું અભીયાન છ મહીનાથી ચલાવ્યું હતું અને બરફનાં કારખાનાંઓમાંથી કમ્પનીને થતી આવક પાંચ ગણી કરી નાંખી હતી. કમ્પનીની મેનેજમેન્ટ પણ અમારા ઉપર બહુ જ ખુશ હતી. મીટીંગોમાં મેનેજીંગ ડીરેક્ટરે ખુદ અમારી પ્રશંસા કરી હતી.

     રતીલાલ આવ્યા હતા, અને આ 40,000 રુ.ની માતબર(!)રકમ રોકડમાં ભરી, મહાન સીધ્ધી પ્રાપ્ત કરવાની ખુમારીમાં, મારી ઓફીસમાંથી વીદાય થયા હતા. મેં ડંખતા દીલે અને કમને, કારખાનાંઓના વીસ્તારમાં કામ કરતા મારા માણસોને પેજર પર, કમળ ચાલુ કરી આપવાની સુચના આપી હતી.

     અને થોડી જ વારમાં ઉપર મુજબનો સંદેશ આવ્યો.

     અને મેં જવાબ આપ્યો, “ ગુલાબને કાપી નાંખો અને કમળ ચાલુ કર્યા વીના પાછા આવો.“

     આ ઘટના બાદ, ત્રણ જ દીવસમાં મારી બદલી કમ્પનીમાં વધારે મુશ્કેલીવાળી બીજી જગ્યાએ થઈ ગઈ! મને સમાચાર મળ્યા હતા કે, મારી બદલી થયાની ખુશાલીમાં બરફનાં કારખાનાંવાળાઓએ પેંડા વહેંચ્યા હતા!

——————————————

   આ સાવ સત્યઘટના છે. પણ બધાં નામ બદલી નાંખ્યા છે. 

પહેલો પગાર

मेरे गुलशनकी फीजाओमें बहार आ जाये
पहली तारीखसे पहले पगार आ जाये.

     પહેલી તારીખની પગારદાર માણસ કેવી આતુરતાથી રાહ જોતો હોય છે? પે-સ્લીપ એ સામાન્ય માણસના જીવનનો સૌથી વધુ ગમતો કાગળ હોય છે. ઓફીસના ટેબલ પરના ઇન-બોક્સમાં આવતો તે સૌથી વધુ ચીત્તાકર્શક કાગળ હોય છે. પ્રીયતમાના પ્રેમપત્રની જેમ તેની આતુરતાપુર્વક રાહ જોવાતી હોય છે.

      પણ જીવનનો પહેલો પગાર તો સૌથી સુખદ ઘટના હોય છે. અહીં મારા પહેલા પગારની વાત કરવાની છે.

      મારી બાવીસ વરસની એ ઉમ્મર સુધી મને રુપીયા મેળવવાનો  ખાસ અનુભવ ન હતો. બેસતા વરસની બહોણી કે, જન્મદીને ચાર આઠ આનાની બોણી કે, મામાને ઘેર શ્રાધ્ધનું જમવા ગયા હોઈએ ત્યારે ભાણીયાને દાનમાં અપાતા ચાર આઠ આના.. આ સીવાય પોતાની આવક શું કહેવાય તેનો કોઈ પ્રત્યક્ષ ખ્યાલ મને ન હતો.

      હું મારા ભણતરના છેલ્લા વર્શની છેલ્લી પરીક્ષા આપીને મે વેકેશનની આરામદાયક પળોમાં લાયબ્રેરીની ચોપડી વાંચી રહ્યો હતો; ત્યાં રાજામુન્દ્રીથી મોટાભાઈનો તાર આવ્યો કે, ’પેપર મીલમાં સુરેશની નોકરી પાક્કી છે. તેને તરત અહીં મોકલી આપો.’ અને આપણે તો બાપુ ઉપડ્યા. એ મુસાફરીની વાત તો અગાઉ કરેલી જ છે. ( તે વાંચવા અહીં ‘ક્લીક’ કરો. )

       પહેલી નોકરી મેળવવી કેટલી દુશ્કર હોય છે? પણ મને તો ભાઈની લાગવગથી, મારો કોઈ અનુભવ ન હોવા છતાં અને કોઈ અરજી કર્યા વીના નોકરી મળી ગઈ. આપણે તો બાપુ નોકરીયાત બની ગયા – અલબત્ત શીખાઉ તરીકે જ તો. કશું કામ કરવાનું હતું જ નહીં. નવી મીલ બની રહી હતી, અને હજુ તો સીવીલ કામ ચાલતું હતું. અમારું મીકેનીકલ મશીનરી ગોઠવવાનું કામ તો બે મહીના પછી શરુ થાય તેવી વકી હતી. એટલે અમે નવાસવા ચાર પાંચ શીખાઉઓને ફેક્ટરી અને મશીનરીના ડ્રોઈંગનો અભ્યાસ કરવાનું કહ્યું હતું. નવોસવો ધસમસતો ઉત્સાહ અને સરખે સરખાની સંગત. વસંતમાં ગુંજતા ભમરા જેવો તરવરાટ અમારા હોવાપણામાં છલકાતો હતો. વળી કંટાળીએ એટલે એકબીજાને ભાશા શીખવવાનું પણ માથે લીધું હતું. હું આન્ધ્રવાસીઓને હીન્દી શીખવતો, અને એ લોકો મને તેલુગુ.

       પણ બધાના દીલમાં ખરેખરી આતુરતા હતી – પહેલો પગાર મેળવવાની. હું તો 31મી મેના દીવસે જોડાયો હતો. એટલે મને તો એમ કે, ‘થોડોજ એક દીવસનો પગાર મળે? આવતા મહીને જ મળશે’. એક બે જણ બે ત્રણ મહીનાથી જોડાયેલા હતા. અને છેવટે મારે માટે નસીબદાર એ સાતમી તારીખ આવી પહોંચી. હવે વાત જાણે એમ છે કે, અમારી એ મારવાડી કમ્પનીમાં પગાર પહેલી તારીખે નહીં પણ પછીના મહીનાની સાતમી તારીખે થતો. એટલે પહેલી તારીખ નહીં પણ સાતમી તારીખનો બધાને ઈંતજાર રહેતો. બીજા મીત્રો તો પગાર લેવા ઉપડ્યા. હું તો મારી ખુરશી પર બેસી રહ્યો હતો. ત્યાં એક અનુભવીએ કહ્યું ,” અલ્યા, જાની! ચાલ તનેય કદાચ પગાર મળશે.”

      આપણે તો બાપુ! હરખમાં અને નવીસવી ઉત્કંઠાથી તેમની સાથે જોડાયા હોં! અમારું બધું હાઉસન જાઉસન ચીફ કેશીયર શ્રી. લાહોટીજીની પનાહમાં પહોંચી ગયું. અમે બધા લાઈનમાં ઉભા રહી ગયા. હવે ત્યાં એવી સીસ્ટમ કે, બધાને પગાર રોકડો જ મળે. ગમે તેવો મોટો ઓફીસર ના હોય! હા, જનરલ મેનેજર જેવાને લાહોટીજી જાતે તેમની ઓફીસમાં જઈને આપી આવે. પણ મારા ભાઈ જેવા ચીફ એન્જીનીયરને પણ એ લાઈનમાં ઉભા રહેવું પડતું.

       લાહોટીજીની પ્રશંસા કરતા બધા લાઈનમાં ઉભા હતા. એક જુના જોગી બોલ્યા,” અરે, ભાઈ, નોકરી ભલે સોમાણીજીની કરીએ; પણ લક્ષ્મી તો લાહોટીજીની મહેરબાનીથી જ મળે.” લાહોટીજીને પણ આ પ્રશંસા બહુ જ ગમતી. અને ધીરજના અંતે મારો વારો આવ્યો. કપાળમાં મોટ્ટો ચાંલ્લો કરેલા લાહોટીજીએ તેમના નાકની છેક કીનારે ઉતરી આવેલા ચશ્માની ઉપરથી ચુંચી આંખે મારી તરફ નજર કરી; આ નવા નક્કોર પ્રાણીને ધ્યાનથી નીહાળ્યો અને વદ્યા,” वो सीवील ईन्जीनीयर जानी सा’बके छोटे भाई होते हो ना?!”

      મેં ગભરાતાં ગભરાતાં ડોકું ધુણાવી હા પાડી. અને તરત લક્ષ્મીનારાયણ સોમાણીના એ સેવકે પગાર પત્રકમાં પહેલાં મારી સહી લીધી, અને પછી એક દીવસના પગારના બરાબર અઢાર રુપીયા પકડાવી દીધા. મારો એ પહેલો પગાર હાથમાં આવતાં વીજળીના તારને અડ્યો હોઉં એવી ઝણઝણાટી મારા અંગ પ્રત્યંગમાં વ્યાપી ગઈ. એ નવી નક્કોર નોટોનો સુંવાળો સ્પર્શ અને તેની મીઠ્ઠી સુગંધ મનને તરબતર કરી ગઈ. નોટો ગણવા જેવી ધીરજ જ ક્યાં હતી? હું તો લાઈનમાંથી બહાર જવા નીકળ્યો. તરત લાહોટીજીએ ટપાર્યો,” एय, लडके! हमेश रुपीया गीनना सीख.” બાપાએ શીખવાડેલું એ અમદાવાદી જ્ઞાન લાહોટીજીએ તાજું કરાવી દીધું.

      અને મનમાં નક્કી કરી રાખ્યું હતું તેમ, પગારની આ માતબર રકમ ખીસ્સામાં ઘાલીને હું તો મીલના કમ્પાઉન્ડની બહાર આવેલી પોસ્ટ ઓફીસમાં પહોંચી ગયો. અમદાવાદથી નીકળ્યો ત્યારે મારા બાપુજીએ સુચના આપી હતી કે, પહેલો પગાર આવે તેમાંથી થોડીક રકમ બહેનો માટે મોકલજે. મેં પંદર રુપીયાનો મનીઓર્ડર મારી આ પહેલી કમાણીમાંથી બહેનોના નામે મોકલી આપ્યો. બાકી રહેલી રકમ ઘેર જઈ સીધ્ધી ભાભીના હાથમાં મુકી દીધી. મને ખીસ્સાખર્ચ કરવાની કોઈ જ ટેવ ન હતી. ઉલટાનું હવે ઘરખર્ચમાં ભાગીદાર થયાનું મને ગૌરવ હતું. ભાભીએ ના લીધા અને કહ્યું , “આમાંથી બજાર જઈ સાંજે આઈસક્રીમ લઈ આવજો.” અને એ જમાનામાં ત્રણ જણા ખાઈ શકે એટલો આઈસક્રીમ મળતો પણ ખરો.

      તમને થશે કે, ‘લો, વાત પુરી થઈ.’ પણ ખરી મજાની વાત તો હવે મારા બીજા (!) પહેલા પગારની કરવાની છે.

      પેપર મીલમાં છ માસ નોકરી કર્યા બાદ મને અમદાવાદમાં જ નોકરી મળી ગઈ – અંગ્રેજ કમ્પનીમાં, ઘર આંગણે, કોઈ તાલીમ માટે નહીં પણ સીધી નીમણુંક  અને લટકાના પાંત્રીસ રુપીયા વધારે પગારથી.  ત્યાં પણ હું 30મી નવેમ્બરે જોડાયો. પણ આ થોડી દેશી મારવાડી પેઢી હતી? બધા ફટાફટ અંગ્રેજીમાં જ વાત કરે. અને મારા જેવા મગન માધ્યમમાં ભણેલાને તો બહુ લઘુતા લાગે. કોઈની જોડે વાત કરવાની પણ હીમ્મત નહીં. એક વાક્ય અંગ્રેજીમાં બોલતાં ફેં ફેં થઈ જાય.

      અહીં તો ડીસેમ્બરની સાતમી તારીખ પસાર થઈ ગઈ; પણ પગારની કોઈ વાત જ નહીં. કોઈને પુછાય પણ શી રીતે? હું તો બાપુ મનમાં અમે મનમાં મુંઝાઉં. મારી નીમણુંક કમ્પનીના મોટા સાહેબો બેસતા હતા તે માળ ઉપર ટેક્નીકલ આસીસ્ટન્ટ તરીકે થઈ હતી. મારા જેવા નાનાં મગતરાં ત્યાં કોઈ ન હતાં. મને બહુ જ મુંઝારો થતો.

      હવે તો છેક સત્યાવીસમી તારીખ પણ આવી ગઈ. મને મળતી ટપાલમાં સરસ ટાઈપ કરેલી પે સ્લીપ આવી ગઈ. પણ પગાર પત્રકમાં સહી ક્યારે કરાવશે અને ક્યારે નવી નક્કોર નોટો મારા હાથમાં મળશે, તે ઉચાટ. કોને પુછું? છેક જાન્યુઆરીની સાતમી તારીખ આવી ગઈ; પણ માળા કોઈ પગાર આપવાની વાત ન કરે. મને થયું, ‘આના કરતાં પેલા બાપની ગરજ સારે તેવા, દેશી લાહોટીજી સારા.’

       છેવટે હીમ્મત કરીને અમારી ઓફીસનો પટાવાળો ચા આપવા આવ્યો હતો, તેને બીતાં બીતાં મારી હરકત જણાવી. એ તો બાપુ હસી પડ્યો.

      તેણે મને કહ્યું,” અરે, સાહેબ! તમે તો ઓફીસર કહેવાઓ. તમને થોડો અમારી જેમ કવરમાં રોકડો પગાર મળે? એ તો ગયા મહીનાની પચીસમી તારીખે તમારી બેન્કના ખાતામાં જમા થઈ ગયો હશે.”

      હું તો આ વાત માની જ ન શક્યો. પહેલી તારીખની પહેલાં પગાર પચીસમીએ – પાંચ દીવસ વહેલાં?  મને તો ‘ન ભુતો ન ભવીશ્યતી’  અથવા  ‘ કહેતા ભી દીવાના ઔર સુનતા ભી દીવાના.’ જેવી આ વાત લાગી.

      જેવી બપોરની રીસેસ પડી કે તરત ઓફીસની બાજુમાં આવેલી મારી બેન્ક્માં હું તો પહોંચી ગયો. તપાસ કરી તો ખરેખર પટાવાળાએ કહ્યું હતું, તેમ ડીસેમ્બરની પચીસમી તારીખે મારો પગાર જમા બોલતો હતો. મનમાં થયું, ‘ ભઈ, વીલાયતી ઈ વીલાયતી!’  

       મને ખુશી તો થઈ. પણ લાહોટીજીના હાથેથી મળેલા એ અઢાર રુપીયાનો સ્પર્શ ક્યાં;  એ સુગંધ ક્યાં; અને એ બાપની મમતા જેવી સલાહ ક્યાં? પછી તો હજારો રુપીયાના પગાર સુધી પહોંચ્યો પણ … એ પહેલો પગાર તે પહેલો પગાર , એની કોઈ મીસાલ જ નહીં.

આતશ

એ અદભૂત દિવસોની એક યાદ - સૌજન્ય શ્રી. અશોક પટેલ

એ અદભૂત દિવસોની એક યાદ – સૌજન્ય શ્રી. અશોક પટેલ

23 નવેમ્બર – 1978

        રાતના અગીયાર વાગ્યા હતા. હું અમારા નવા બનતા પાવરસ્ટેશનના સ્વીચગીયર ફ્લોર ઉપર માથે હાથ દઈને; થાકથી લોથપોથ થઈ બેઠો હતો. આખો દીવસ માત્ર મોંકાણના જ સમાચાર મારો સ્ટાફ લાવતો રહ્યો હતો.

      હું  ઈલેક્ટ્રીકલ વીભાગના ચાર્જમાં હતો. મારી સાથે અઢાર અલગ અલગ ટીમો કામ કરી રહી હતી. બીજા દીવસે તો અમારી કમ્પનીના 110 મે.વો. ના પહેલા અને નવા યુનીટનું, કોલસાથી ચાલતું બોઈલર પહેલી જ વાર ચાલુ કરવાનું હતું. આખા પાવર હાઉસને ચાલુ કરવાની જટીલ પ્રક્રીયાનું આ પહેલું સોપાન હતું ; આ પહેલો અને બહુજ અગત્યનો માઈલ-સ્ટોન હતો. કેટલાય મહીનાના સતત કામના પરીપાક જેવો આ અવસર હતો. કમ્પનીના મેનેજીંગ ડીરેક્ટર ખુદ અમારો ઉત્સાહ વધારવા પધારવાના હતા; અને તેમના હસ્તે ચાંપ દબાવી પહેલવહેલી વખત ઓઈલ ફાયરીંગ કરવાનો કાર્યક્રમ હતો.

      અને અહીં અમારી ઈલેક્ટ્રીકલ મશીનરીના ટ્રાયલ રનમાં બધ્ધે અમને સરીયામ નીશ્ફળતા જ મળી રહી હતી. ક્યાંક કોઈ પંખો ચાલુ થતો ન હતો. ક્યાંક સ્વીચગીયરની કોઈલ બળી ગઈ હતી. ક્યાંક પાવર સપ્લાય જ આવતો ન હતો. ક્યાંક કંટ્રોલ રુમમાંથી ઓઈલ પમ્પ ચાલુ કરવામાં તકલીફ હતી. એર કોમ્પ્રેસર ચાલુ થવામાં ધાંધીયાં કરતું હતું. ક્યાંક કંટ્રોલ સરકીટનો ફ્યુઝ ટકતો જ ન હતો. ક્યાંક લાઈટો ચાલુ થતી  ન હતી અને સાવ અંધારું હતું.

         મારા લીસ્ટ પ્રમાણે અમારી સીસ્ટમમાં એ ક્ષણે 26 ફોલ્ટ હતા. આ બધા અવરોધો ક્યારે દુર થાય અને ક્યારે અમે ઘેર જઈને આરામ કરીએ ? અને બીજા દીવસની સવારના આઠ વાગે તો બધી સીસ્ટમો ચેક કરીને ઓપરેટીંગ સ્ટાફને સફળ રીતે બતાવવાની હતી; જેથી દસ વાગ્યે મોટા સાહેબ આવે ત્યારે, સમય બગાડ્યા વીના માત્ર નાળીયેર વધેરી, ઓઈલ ફાયરીંગ ચાલુ કરી શકાય.

      હવે મારી ધીરજનો અંત આવી ગયો. મેં મારી આજુબાજુએ બેઠેલા મારા મદદનીશ ઓફીસરોને કહ્યું,” બધાં કામ બંધ કરી દો.  બધાને કાલે સવારે સાત વાગે આવવાનું કહો. તાજા થઈને આવીશું એટલે બધા ઉકેલ મળી જશે.”

      મારા મુખ્ય મદદનીશ ચન્દ્રકાંતે મને કહ્યું,” સાહેબ! આટલા બધા ફોલ્ટ શી રીતે એક જ કલાકમાં દુર થશે? “

      મેં કહ્યું,” નહીં થાય તો હું જાહેર કરીશ કે બોઈલર લાઈટ અપ નહીં થઈ શકે.”

      મારા બધા મદદનીશો સાવ નીરાશ વદને મારી સામે જોઈ રહ્યા. બધાને મારા માટે બહુ જ પ્રેમ અને આદર હતાં. મારે નીચાજોણું થાય તે વીચાર માત્રથી તે સૌ દુખી દુખી થઈ રહ્યા હતા. તેમના મોં પરના હાવભાવ આ વેદનાની, આ બીરાદરીની સાક્ષી પુરતા હતા. હું તેમની યાતના સમજી શક્યો. મને પણ તે સૌ માટે એટલો જ પ્રેમ હતો. એ બધા એમની તાકાતનો છેલ્લો ટુકડો વાપરી રહ્યા હતા, અને છતાં નસીબ અમને યારી આપતું ન હતું. બધા જાણે એક અણકથ્યા, અનોખા સંબંધના તાંતણે બંધાયેલા હતા.

       મેં કહ્યું, “ તમે ચીંતા ન કરો. સવારની મીટીંગમાં હું પહોંચી વળીશ.“

       હું ઉભો થઈ ગયો. બધાએ કામ બંધ કર્યું. જે ટીમો દુર કામ કરતી હતી, તે બધાનેય પાટીયાં પાડવાની આલબેલ અપાઈ ગઈ. બધા મ્લાન વદને ઘર ભણી રવાના થયા.

        હું મારી આદત પ્રમાણે ઘેર જતાં પહેલાં, બે માળ ઉપર આવેલા કન્ટ્રોલ રુમ તરફ ગયો. ત્યાંનો રાતનો ઓપરેટીંગ સ્ટાફ પણ મારી વેદના સાથે સમદુખીયો બની, મારી સામે મ્લાન વદને નીહાળી રહ્યો હતો. ત્યાંથી હું બોઈલરના ફાયરીંગ ફ્લોરનો આંટો મારી, રોજના ક્રમ પ્રમાણે સીડી વાટે નીચે ઉતરવા ગયો.

         અને ત્યાં જ મને એક લોકલ કન્ટ્રોલ પેનલની પાછળના ભાગના બારણાંની તરડમાંથી લાઈટ આવતી દેખાઈ. હું તે તરફ વળ્યો. બારણું ખોલીને જોયું તો એ સાવ નાનકડી જગ્યામાં ટુંટીયું વાળીને યતીન વાયરોનું ટેસ્ટીંગ કરી રહ્યો હતો. તે જ્યાં કામ કરતો હતો તે તો ખુલ્લી જગા હતી. એક બાજુએ 12 મીટર નીચે અમારી સરહદની બીજી બાજુએ સાબરમતી નદી હતી. બીજી બાજુએ, બીજી ટીમોના ટેસ્ટીંગ કામ માટે કુલીંગ ટાવર અને તેને આનુશંગીક એક મોટો પમ્પ ચાલુ હતાં. બન્ને બાજુથી સુસવાટા મારતો ઠંડો પવન ફુંકાઈ રહ્યો હતો. આ બન્ને ઠંડાગાર પવનથી રક્ષણ મેળવવા તે પેનલ બંધ કરી, અંદર ભરાઈ, કામ કરી રહ્યો હતો.

      મારી આંખો તેની આ કર્તવ્ય પરાયણતા જોઈને આર્દ્ર થઈ ગઈ. મેં યતીનને કામ બંધ કરવા કહ્યું. સવારે સાત વાગ્યે આવી કામ ફરી શરુ કરવાનો આદેશ આપ્યો. તે પણ નીરાશ વદને ઘર ભણી રવાના થયો.

      હું ઘેર ગયો. પણ કલાક સુધી ઉંઘ ન આવી. કાલે મીટીંગમાં કેવા ફીયાસ્કાનો મારે સામનો કરવાનો છે; તેનો ખયાલ મનમાં સતત ઘુમરાયા કરતો હતો. પણ શરીરના થાકે મનની વ્યથા ઉપર વીજય મેળવ્યો અને હું ઘસઘસાટ ઉંઘી ગયો. સવારે ચા પીને બરાબર સાત વાગે મારા થડા પર હું હાજર થઈ ગયો! બધા સાથીદારો પણ આવી ગયા હતા. રાત દરમીયાન મળી ગયેલા આરામના પ્રતાપે બધાના મોં પર નવી તાજગી અને નવી આશા દેખાતાં હતાં. સૌ સૌના કામે વળગી ગયા.

       અને નહીં ધારેલી ઘટનાઓ બનવા માંડી. એક પછી એક સારા સમાચાર મળવા માંડ્યા. જે તકલીફો ગઈકાલે કલાકો સુધી સુલઝતી ન હતી, તે એક એક કરીને મીનીટોમાં ઉકલવા માંડી. નવ વાગ્યા અને એક બે સીવાય બધા પ્રશ્નો ઉકલી ગયા હતા.

       મેં મીટીંગ માટે કન્ટ્રોલ રુમ તરફ પ્રયાણ કર્યું. મારા ઉપરીઓ, પાવર સ્ટેશન સુપ્રીન્ટેન્ડન્ટ શ્રી. બાસુ અને તેમના ડેપ્યુટી શ્રી. હર્ષવાલને  મારી તકલીફોની ખબર હતી. તેમણે આતુરતાથી મને પુછ્યુ,” શું જાની! સીંહ કે શીયાળ? “

        અને મારા મોંમાંથી અનાયાસે જ શબ્દો સરી પડ્યા,” સાહેબ, ભગવાનની ક્રુપાથી આપણે આજે બોઈલર લાઈટ અપ કરીશું જ. “

        બાજુમાં બેઠેલા બીજા ખાતાના અધીકારીઓ પણ અમારા ઈલેક્ટ્રીકલ વીભાગની ગઈકાલની વ્યથાઓથી માહીતગાર હતા. બધાએ આકસ્મીક જ એક સાથે તાળીઓ પાડી, મારા વક્તવ્યને વધાવી લીધું. ત્યાં જ ઓપરેશનના ઈન ચાર્જ અધીકારીએ મારું ધ્યાન બહાર ઉભેલા યતીન તરફ દોર્યું. તે મને કાંઈક કહેવા માંગતો હતો. મેં તેને અંદર બોલાવ્યો. તેણે મને કાનમાં ખુશખબરી આપી. તે જે ઈગ્નીશન સરકીટ પર કામ કરી રહ્યો હતો, તે દુરસ્ત થઈ ગઈ હતી. છેલ્લો અવરોધ પણ દુર થઈ ગયો હતો. મેં આ માહીતી મારા ઉપરીઓને આપી. સુપ્રીન્ટેન્ડન્ટ સાહેબે અને મેનેજીંગ ડીરેક્ટરે તેને અભીનંદન આપ્યા. હમણાં જ ઓફીસર તરીકે કાયમી થયેલા યતીનને માટે તો આટલા મોટા સાહેબોની દાદ મળે એ સુવર્ણચન્દ્રક જેવું બહુમાન હતું.

         અને દસ વાગે મોટા સાહેબના વરદ હસ્તે, પહેલી વાર અમારા બોઈલરમાં આતશ પ્રગટ્યો.

         અમારા અંતરમાં પ્રગટેલી આશા, આનંદ, આત્મવીશ્વાસ અને સ્વમાનની જ્યોતનું અને મહેનત અને સ્વાર્પણની ભાવનાનું આનાથી વધારે સારું શું પ્રતીક હોઇ શકે?

હાયર એન્ડ ફાયર

       તેનું નામ મીમી હતું. તે બાવીસેક વરસની અમેરીકન તરુણી હતી. તે લુઈસીયાનામાં આવેલા બુમોન્ટની નજીક એક કારખાનાના સમારકામનું કામ કરતી કોન્ટ્રાક્ટરની કમ્પનીમાં કામ કરતી હતી.

        હું અને મારા અન્ય પાંચ સહકાર્યકરો અમારી અમદાવાદની વીજળી કમ્પની તરફથી તાલીમ માટે અમેરીકા આવ્યા હતા. આ દેશમાં સમારકામની આધુનીક તાલીમ અમે લઈ રહ્યા હતા. આ સાઈટ ઉપર બીજી બાબતોની સાથે અમે કેપીટલ મેન્ટેનન્સના ટાઈમ મેનેજેમેન્ટ માટે કોમ્પ્યુટરના ઉપયોગ વીશે પણ માહીતી મેળવવાના હતા. બોબ ત્યાં મેનેજર હતો અને તે સમારકામના પ્રોજેક્ટ માટે પર્ટ (PERT) કઈ રીતે વાપરવું; તે સારી રીતે જાણતો હતો.

       બોબે અમને આ બધું સમજાવવા માંડ્યું. તેના આદેશ પ્રમાણે મીમી કોમ્પ્યુટરને સુચનાઓ આપતી હતી અને બોબ જે કાંઈ બતાવવા માંગે તે તત્કાળ મોનીટરના સ્ક્રીન પર લાવી દેતી હતી. બન્નેની સંગત લાજવાબ હતી. મીમી જાણે કે આ વીશય પુરેપુરો જાણતી હોય તેમ અમને લાગવા માંડ્યું.

       બધી વાત પતી ગઈ એટલે અમે બોબને પુછ્યું, “ બોબ! મીમી મીકેનીકલ એંજીનીયર છે કે ઈલેક્ટ્રીકલ? “

       તરત મીમી પોતે જ બોલી,” ના, રે ના; હું તો હજી ગ્રેજ્યુએટ જ છું.” અહીં મેટ્રીકને ગ્રેજ્યુએટ કહે છે !

      બોબે ઉમેર્યું,” પણ તે આ કામ માટે એક એન્જીનીયર કરતાં પણ વધારે ઉપયોગી છે. તેને બધું મોંઢે થઈ ગયું છે. અમને તરત તે વીગતો ભરીને પરીણામો પ્રીન્ટ કરી આપે છે. આથી અમે સાઈટ ઉપર વધારે ધ્યાન આપી શકીએ છીએ. પણ અફસોસ, આજે તેનો છેલ્લો દીવસ છે. “

       અમને આશ્ચર્ય થયું. બોબને પુછ્યું, “ કેમ ? તમે તેને રજા આપો છો?”

        બોબ બોલ્યો, “ અમારો કોન્ટ્રક્ટ પતવા આવ્યો છે. હવે મીમીનું કામ પતી ગયું છે. અમે હવે બીજી સાઈટ પર જઈશું. મીમી ત્યાં ન આવી શકે. અમારે ત્યાં મીમી જેવી બીજી કોઈ વ્યક્તીને રોકવી પડશે.”

       આપણે ત્યાં તો બીજા દીવસે નોકરીએ ન આવવાનું હોય તો; તે માણસના તો મોતીયાં જ મરી ગયાં હોય.

       અમે પુછ્યું,” પણ તેને બીજી નોકરી મળી જશે?”

       મીમી જ બોલી ,” કેમ નહીં? બોબે સરસ મજાનું સર્ટીફીકેટ મને આપ્યું છે જે. ”

        બોબે ઉમેર્યું,” યસ, મીમી વીલ હેવ નો પ્રોબ્લેમ.”

        અમે આ અમેરીકન સ્પીરીટ જોઈ અવાચક થઈ ગયા.

સેલ્સમેન

       અમારી ઓફીસનો પટાવાળો એક વીઝીટીંગ કાર્ડ મારા ટેબલ પર મુકી ગયો. ‘ર.ચી.પટેલ’. મને તેને મળવાનું ખાસ મન ન થયું. મારે બીજાં ઘણાં કામ તે દીવસે હતાં. પણ તે છેક મુંબાઈથી આવેલો હતો. મેં ‘રચીપ’ને (!) મારી ઓફીસમાં બોલાવ્યો. તે એક માઈક્રોપ્રોસેસર વાળા ટેસ્ટીંગ સાધન બનાવતી કમ્પનીનો સેલ્સમેન હતો. નવી જ સવલતો તે સાધન આપતું હતું. અમને સમારકામના કામમાં તે બહુ કામમાં લાગે તેમ હતું. આ વીશયના ઘણા પ્રશ્નો મેં તેને પુછ્યા. તેણે બહુ સરસ રીતે મારી બધી શંકાઓનું સમાધાન કર્યું. હવે આ બાબતનો હું નીશ્ણાત તો નહીં , પણ મારા હાથ નીચે કામ કરતા એન્જીનીયરો પાસેથી શીખેલી કેટલીક બાબતો વીશે મેં તેને વધારાના પ્રશ્નો પુછ્યા. તેના પણ રચીપે બહુ સરસ જવાબ આપ્યા.

        હવે મને થયું કે ‘આ તો બહુ કામનું સાધન લાગે છે. લાવ અમારા આ બાબતના નીશ્ણાતને બોલાવું’. મેં અમારા ઈન્સ્ટ્રુમેન્ટ ખાતાના ઉપરી મેનેજરને બોલાવ્યા. તેમણે તો આવીને ઘણી વીશદ માહીતી માંગી – મને તો ગ્રીક અને લેટીન લાગે તેવી.   તે બધાના પણ તેણે બહુ જ સરસ અને સંતોશકારક જવાબ આપ્યા. અમને બન્નેને થયું કે, આ સાધન તો જરુર ખરીદવા જેવું છે.

        પણ ખરી રસ પડે તેવી વાત તો હવે આવે છે ….

        રચીપ ગુજરાતી હતો એટલે મને જરા અંગત સવાલ પુછવાનું મન થયું. મેં રચીપને પુછ્યું ,” અરે, રચીપ! તમે આ વીશયના સ્નાતક ક્યાંથી થયા?’

       રચીપ ,” સાહેબ! હું તો બી.કોમ. જ છું.”

       મને સાનંદાશ્રર્ય થયું. કોમર્સ ગ્રેજ્યુએટ હોવા છતાં તેની આ વીશયની જાણકારી એક નીશ્ણાતને પણ શરમાવે તેવી હતી. વધારે વાતો કરતાં ખબર પડી કે ઈજનેરીની માસ્ટરની પદવી ધરાવતા બીજા સેલ્સમેનો કરતાં તે વધુ વેચાણ કરતો હતો અને તેની કમ્પનીમાં તેને બહુ ઝડપથી પ્રમોશનો મળતાં હતાં.

        મેં તેને છેલ્લો સવાલ કર્યો,” તમારી સફળતાનું રહસ્ય શું?”

        રચીપનો જવાબ આંચકો આપી દે તેવો હતો,” સાહેબ! શરાબ! “   હું ચમકી ગયો.

         તેણે ફોડ પાડ્યો. “ સાહેબ! ખોટું કાંઈ ધારી ન લેતા.  મારી  જીવાદોરી જેવું આ કામ મારે માટે શરાબ છે. તેમાં હું ડુબી જાઉં છું. આ સાધન અને તેના વીજ્ઞાનને લગતી, મારે જરુરી બધી માહીતી મેં તેના નીશ્ણાતો પાસેથી મેળવીને મોંઢે કરી લીધી છે. જ્યારે કોઈ નવી પ્રોડક્ટ અમારી કમ્પની બજારમાં મુકે છે; તે પહેલાં હું તેનો આવો અભ્યાસ  કરી લઉં છું. તમને જાણીને આનંદ થશે કે, અમારા માલીકે મને તેમના એક બીજા સાહસમાં ભાગીદાર બનાવવા મને આમંત્રણ પણ આપ્યું છે. ”

        મનોમન મેં આ ‘શરાબી’ને નમન કરી લીધા.

સ્લમમાં સફર

    1999 ની સાલની આ વાત છે. હું તે વખતે ઈલેક્ટ્રીસીટી કમ્પનીના એક ઝોનમાં કામ કરતો હતો. મોટા શહેરોમાં વીજળીના વીતરણના કામને પહોંચી વળવા શહેરના જુદા જુદા વીસ્તારોના નાના ઝોન અથવા વીભાગ બનાવવામાં આવે છે. મારા ઝોનના ચાર્જમાં હું હતો એટલે, બધા મને રીપોર્ટ કરતા હતા. આવા ઝોનમાં તો જાતજાતના  અને ભાતભાતના કામો હોય. એક નાનકડી કમ્પની જ જોઈ લો. વીજળીની ચોરી પકડવાનું અને અટકાવવાનું  કામ પણ આના એક ભાગ રુપે. બહુ જ ગંદું અને મુશ્કેલ પણ અત્યંત જરુરી આ કામ. મારો ઝોન અમારી કમ્પનીમાં સૌથી મોટો. એટલે બધી જાતના ઘરાકો અમારા વીસ્તારમાં હતા.

     એક દીવસ અમારા મીટર રીડીંગ ખાતાના અધીકારીએ ચર્ચા દરમીયાન એવો રીપોર્ટ આપ્યો કે એક ગામ પાસે આવેલ …..નગર નામના સ્લમ વીસ્તારમાં વ્યાપક પ્રમાણમાં ચોરીઓ થાય છે. મેં મનોમન ત્યાં ધાડ પડવાનું નક્કી કર્યું. અમે આવા નીર્ણયો અગાઉથી જાહેર નથી કરતા હોતા. બધી તૈયારીઓ પતે પછી છેલ્લી ઘડીએ જ, જગાથી એકાદ માઈલ દુર હોઈએ, ત્યારે સ્થળનું નામ,  જાહેર કરીએ, જેથી ગુપ્તતા જળવાય અને માહીતી ગુનેગારોને પહોંચી ન જાય.

     બહુ મોટો  વીસ્તાર હતો, અને મને પણ સ્લમ વીસ્તાર જોવાની ઈચ્છા હતી, માટે હું પણ આ ધાડની કામગીરીમાં જોડાયો. અમારી ફોજ બહુ  મોટી હતી. બીજા બે ખાતાંઓનો સહકાર પણ લીધેલો હતો. મારી સાથે સોએક માણસોનો સ્ટાફ, વાહનો, બંદુકધારી સીક્યોરીટી ગાર્ડ અને બીજી સામગ્રી હતાં. મારી સરદારી નીચે બધું હાઉસન જાઉસન ત્યાં પહોંચ્યું. અમે કામગીરી શરુ કરી.

     આમ તો એ ઝુંપડપટ્ટી ન હતી. સરકારી ખાતાએ બાંધેલાં પાકાં મકાનો હતાં. પણ એક રુમ અને રસોડાનાં એ મકાનો ઝુપડપટ્ટીને પણ શરમાવે તેવાં હતાં. મકાનોની દરીદ્રતાની સાક્ષી પુરતાં બધાં ચીહ્નો ચારે બાજુ દ્રશ્ટીગોચર થતાં હતાં. દરેક મકાનને એક કેબલ  વડે પાવર આપવામાં હતો. અમે  જોયું કે મોટા ભાગના મકાનોમાં આવા કેબલ પર એક જગ્યાએ કાળી ટેપ મારેલી હતી, અને તેમાંથી એક પાતળો વાયર ઘરમાં જતો હતો. અમે ટેપ ખોલીને જોયું, તો તેમાં બે પાતળી ખીલીઓ ઠોકેલી હતી, અને તે ખીલીઓ સાથે પેલો પાતળો વાયર જોડેલો હતો. આમ મીટરની આગળથી જ, સાવ અણઘડ રીતે, પાવર ચોરી લેવામાં આવતો હતો.

   અમે તે બધી સામગ્રી કાઢી નાંખી, અને તે મકાનને સપ્લાય આપતી સ્વીચમાંથી ફ્યુઝ કાઢી નાંખ્યા.  આ અંગેની કાયદાકીય નોટીસ પણ તે મકાનમાં હાજર બાઈને આપી દીધી. તે બાઈ તો ઓશીયાળી નજરે અમારી સામે જોઈ રહી. રડું રડું થતી તેની આંખ કાંઈક કહી રહી હતી. મને જરા ઉત્કંઠા થઈ.

      મેં તે બાઈને પુછ્યું -” તમારે કાંઈ  કહેવું છે?”

      ડુમાથી રુંધાયેલા અવાજે તે બોલી.” સાયેબ! હો રુપીયા દાદાને આપવાના ચ્યાંથી લાઈશું?”

     મને થયું -‘ આ કોની વાત કરે છે?’

     મારી સાથેના આ વીસ્તારના જાણકાર ઈલેક્ટ્રીશીયને મને કહ્યું –  ” આ વીસ્તારના નામચીન ….દાદાની તે વાત કરે છે. આપણે જઈએ પછી, સો રુપીયા લઈને ‘દાદા’નો માણસ ફરી પાછો સપ્લાય આપી દેશે! જેની પાસે રુપીયા હોય તે જલસા કરે. દર મહીને પચાસ રુપીયા ‘દાદા’ને આપવાના. આપણી કમ્પનીને ડીક્કો !”

    હું તો હેબત જ ખાઈ ગયો. આખું સમાંતર તંત્ર ચાલે! અને અમારા પાવરના જોરે ‘દાદા’ નો પાવર વધતો જાય. ( એ વખતે મને કોઈ ‘દાદા’ નહોતું કહેતું – મોટ્ટો સાયેબ મુઓ ‘તો ને ! )

   હવે મને અમારા આખા ઓપરેશનની વ્યર્થતા સમજાઈ. કશો અર્થ જ નહોતો. ઉલટાનું અમારી ધાડથી તો ‘દાદા’ને બીજી વધારાની આવક થવાની હતી! વધારે દુશણો પોશાવાનાં હતાં.

   વ્યગ્ર ચીત્તે હું તે મકાનથી આગળ જવા નીકળ્યો. બાજુના ઘરની બહાર એક ખાટલા પર ધોમધખતા તડકામાં એક દમીયલ ડોસો ખાંસતો પડ્યો હતો. ઘરમાં તેના તુટેલા ફુટેલા ખાટલા માટે કોઈ જગા ન હતી. આ ‘એરકંડીશન’ (!) જગા તેને ફાવી ગઈ લાગતી હતી. સુતાં સુતાં જ તે આજુબાજુ ગળફા થુંકતો   હતો. બાજુમાં જ બે સાવ નાગાંપુગાં બાળકો ધુળમાં મજાથી રમતાં હતાં.

   થોડેક આગળ ગયા. દુરથી બીહામણા દેખાવવાળા, લુખ્ખા જેવા બે ત્રણ માણસો અમારી પ્રવૃત્તી નીહાળી રહ્યા હતા. મેં પેલા જાણકારને પુછ્યું કે તે કોણ હતા.

     તેણે કહ્યું – ” ‘દાદા’ના માણસો છે. આપણા જવાની રાહ જોઈ રહ્યા છે. આપણે જઈએ પછી તેમની ઉઘરાણી અને રીપેરની(!) કાર્યવાહી   શરુ. આપણા પર એ લોકો વારી ગયેલા છે – વધારાની આવક થવાનીને! ”  

   થોડે આગળ ગયા. ત્યાં એક મકાનના બારણામાં આવા બીજા બે લુખ્ખાઓ બેઠેલા હતા. મને કહેવામાં આવ્યું કે તેઓ ‘બેવડા’નું વેચાણ કરે છે. તેમણે મને પણ કહ્યું – ” સાયેબ! દેશીનો ‘ટેસ’ કરવો સં ? વીલાયતીય સં – તમને મફતમાં ‘ટેસ’ કરાવહું .”

     આ હતું ગાંધીજીના  ગુજરાતના  મુખ્ય શહેરમાં દારુબંધીનું વરવું ચીત્ર !

      વળી આગળ ગયા. એક મકાનના બારણાંમાં આંખોના નીર્લજ્જ ઈશારા કરતી, સોળેક વરસની બે છોકરીઓ ઉભેલી હતી. અડધી ખુલ્લી છાતીમાંથી ખીલતું જોબન લુંટાવા માટે લચકી રહ્યું હતું. તેમણે સાવ નાની ચદ્દી પહેરેલી હતી, અને તેમનો એક હાથ પોતાની ખુલ્લી સાથળ ઉપર સુચક રીતે ફરી રહ્યો હતો.

      હવે તો મારી ધીરજનો અંત આવી ગયો. હું મારી જાતને બહુ જ અસહાય અને અકાર્યક્ષમ થયેલી જોઈ શક્યો. હું મોટેથી મારા અધીકારીઓને બરાડીને બોલ્યો ” ચાલો પાછા. ઓપરેશન બંધ. આ ધાડનો કોઈ અર્થ જ નથી.”

     અમે બધા વ્યગ્ર ચીત્તે ઓફીસે પાછા ફર્યા.

     પણ ત્રણ દીવસ સુધી મેં જોયેલાં એ વરવાં દ્રશ્યો સ્મૃતીપટલને કોરતાં, આક્રોશતાં રહ્યાં. ચીસો પાડી પાડીને સ્લમની એ દુનીયા મારી સભ્યતાને  પડકારી રહી હતી. આખા સમાજને પડકારી રહી હતી. સુફીયાણી પંડીતાઈની, સ્વપ્નીલ, રુડી  અને રુપકડી આલમની હાંસી કરી રહી હતી. મારા દંભના પડદા વીદારી રહી હતી.

મારી પહેલી મુસાફરી

       આમ તો મારા બાપુજી રેલ્વેમાં નોકરી કરતા, એટલે ફર્સ્ટ ક્લાસનો પાસ તેમને મળતો. આથી તેમણે અમને ઘણી બધી મુસાફરીઓ કરાવેલી, પણ તે બધી તો બાદશાહી. મારા બાપુજી જુના જમાનાના અને ઘણા ચીવટવાળા, એટલે ઘેરથી નીકળીએ ત્યારથી જ પાછા આવવાનું રીઝર્વેશન થઈ ગયેલું હોય.આખી મુસાફરી નીર્વીઘ્ને અને તેમની છત્રછાયામાં પસાર થાય.
       પણ આજે વાત કરવાની છે તે મારા જીવનમાં, મેં પોતે કરેલ પહેલી મુસાફરીની…

———————————————–

        મે મહીનાની આનંદભરી બપોર હતી. ભણતરના છેલ્લા વર્ષની પરીક્ષા હમણાં જ પતી હતી. લાયબ્રેરીમાંથી સવારે લાવેલી ચોપડી વંચાતી હતી. ત્યાંજ બોંબધડાકા જેવો એ તાર( ટેલીગ્રામ) આવ્યો. મોટાભાઈ ( પીયુશભાઈ) મને રાજામુન્દ્રી ( આન્ધ્રપ્રદેશ )  બોલાવતા હતા. તે ત્યાંની પેપર મીલમાં ચીફ એન્જીનીયર હતા અને નોકરીનું નક્કી થઈ જશે, તેવી હૈયાધારણ આપી હતી. અત્યારના યુવાનો જેવી કેરીયરની કોઈ કલ્પના કે ચીંતા ન હતી. મસ્તીમાં જ ભણાઈ ગયું હતું. કોઈ અરજીઓ પણ હજુ કરી ન હતી. આ તો સામે ચાલીને લાડુ મોંમાં આવી ગયો હતો.

          બાપુજી તરત સ્ટેશને જઈ મારી ટીકીટ કઢાવી આવ્યા. બહેને ( અમારી બાને અમે બહેન કહેતાં. ) થોડો નાસ્તો બનાવી આપ્યો અને ત્રણેક કલાકમાં તો બંદા ઉપડ્યા. છેલ્લી ઘડીએ ખરીદેલ ટીકીટમાં રીઝર્વેશન તો ક્યાંથી હોય? પણ બાપુજી અમદાવાદ સ્ટેશને કામ કરે એટલે, તેમની લાગવગથી કુલીએ બારી પાસેની સારી સીટ પર જગ્યા કરી આપી. સુરત ઉતર્યો.  ત્યાંથી જ ઉપડતી ટાપ્ટી લાઇનની ગાડી હજુ મુકાઈ ન હતી. એટલે જેવી ગાડી મુકાઈ કે તરત ચઢી ગયો, અને સારી જગ્યા મળી ગઇ. ભુસાવળ સુધીની તો શાંતી થઈ.

       બંદા રાજાપાઠમાં!

        ભુસાવળ રાત્રે બે વાગે આવે. સ્ટેશન જતું રહેશે તો શું; તેના ઉચાટમાં જાગતો જ રહ્યો. ચીક્કાર ગીરદીમાંથી માંડ રસ્તો કરી ભુસાવળ સ્ટેશને ઉતર્યો. રાત્રે ત્રણ વાગે મુંબાઇ–હાવરા વચ્ચેની કો’ક મેલ ગાડી પકડવાની હતી. ગાડી આવી. ચીક્કાર ડબ્બો. માંડ માંડ અંદર ચઢ્યો. ઉભા રહેવાની જગ્યા માંડ મળી.

         બીજા દીવસે બપોરે બાર વાગે વર્ધા. મારી હાલત તો પીધો હોય તેવી. દાતણ પણ કરેલ નહીં અને ઉતરતાં પેટીનું હેન્ડલ તુટ્યું. ઉતરીને દોરી બાંધી. પાછી અઢી વાગે ચોથી ગાડી પકડવાની હતી, અને તે પણ કઇ? ગ્રાન્ડ ટ્રન્ક એક્સપ્રેસ, દીલ્હી–મદ્રાસ મેન લાઈન પર! આ વખતે તો નક્કી કર્યું કે, રીઝર્વેશનવાળા ડબામાં જ ચઢવું છે. ઇશ્વરકૃપા કે, ટી.ટી.ઈ. ના હૃદયમાં રામ વસ્યા, અને મને  બેસવાની એક સીટ આપી. રાજસીંહાસન મળ્યું હોય તેવો આનંદ થયો. પણ ત્રીજા દીવસની આગળની મુસાફરીનો કાલ્પનીક ઓથાર માથા પર સવાર હતો, એટલે મુસાફરીમાં કાંઈ જામ્યું નહીં! ઉચાટથી બેઠો રહ્યો.

        ત્રીજા દીવસની વહેલી સવાર! પાંચ વાગે વીજયવાડા સ્ટેશન પર ઉતર્યો. ‘ગુડ ગુડ’ ભાષા(તેલુગુ) માં જ બધા બોલે!  આપણને ઉચાટવાળી મુસાફરીમાં ઊંઘ તો શી રીતે  આવી હોય? કડવી વખ જેવી અને સમ ખાવા માત્ર જ દુધ નાંખેલી કોફી પીધી, પણ તે તો અમૃત જેવી લાગી ! ઘેરાયેલી આંખો, વીખરાયેલા વાળ, અને ત્રણ દીવસથી નહીં નહાયેલા શરીરમાંથી પ્રસરતી, મહેનતના પસીનાની સોડમ!  કાળા સીસમ જેવા લોકો, આ પરદેશી જેવા લાગતા ગોરાવાનના છોકરા સામે જોયા જ કરે. મારા મનમાં તો બોસ! શંકા-કુશંકાઓનાં વાવાઝોડાં ધસી આવે. સાયક્લોનો જ સાયક્લોનો ! મારી ઉમ્મર આમ તો બાવીસ વર્ષની, પણ એકવડીયા બાંધાને કારણે સાવ નાનો લાગતો. મનમાં તો હું ખરેખર ધ્રુજું. આ રાક્ષસ જેવા દેખાતા લોકોના દેશમાં ક્યારે ભાઈ-ભાભીને મળું; એ જ તે ક્ષણનું એક માત્ર જીવનલક્ષ્ય હતું! દ્રૌપદી સ્વયંવરમાં અર્જુને કરેલા મત્સ્યવેધ જેવું ! પણ મારી દ્રૌપદી ક્યાં?! અને જો મારી ઈવડી-ઈએ મને એ વખતે જોયો હોત તો ? આપણો સંસાર આંધ્રમાં જ કોઈ શ્યામ-સુંદરી સાથે જોડાયો હોત !

          છ કે સાડા છ વાગે ગાડી આવી – કઇ? મદ્રાસ – હાવરા મેલ. ચીક્કાર ગીરદી. રીઝર્વેશનનો ડબ્બો ઘણો દુર હતો. ત્યાં સુધી જવાની માનસીક હીમ્મત અને  શારીરીક તાકાત હોય; તો ત્યાં સુધી જઉં ને? મારામાં એ અભુતપુર્વ સામર્થ્ય ક્યાંથી આવ્યું; એ એક મોટું રહસ્ય છે; જેનો ઉકેલ હજુ સુધી મને મળ્યો નથી.  હીમ્મત કરી, વીર નર્મદને યાદ કરી, યાહોમ કરીને ઝંપલાવ્યું. માંડ ડબ્બામાં પેંઠો. પેટી મુકવાની જગા તો હોય જ ક્યાંથી? પેટી ખભે ઝાલીને કલાકેક સુધી માત્ર એક જ પગ પર કઈ રીતે ઉભો રહ્યો હોઈશ, તે કલ્પી જોજો.  થોડી વારે કોઈના દીલમાં રામ વસ્યા, અને મને ઉપરની બર્થ પર પેટી મુકવાની જગા કરી આપી. ધીરે ધીરે બે પગ મુકવાની જગા પણ થઈ ગઈ !

         ઈશ્વર કેટલો દયાળુ હોય છે, તેની સાક્ષાત પ્રતીતી થઈ ગઈ!

          બપોરના બારેક વાગ્યાના સુમારે રાજામુન્દ્રી સ્ટેશન આવશે, તેના સુહાના દીવાસ્વપ્નો જોતાં સમય પસાર થતો ગયો. ખુલ્લા બારણામાંથી કૃષ્ણા–ગોદાવરી વચ્ચેના ફળદ્રુપ પ્રદેશના હૃદયંગમ દૃશ્યોય મનને કોઇ શાતા આપતા ન હતા. ગોદાવરી નદીના મહાન અને અતીશય લાંબા પુલ પરથી ગાડી પસાર થઈ રહી હતી; ત્યાં જ ઝબકારો થયો! મોટાભાઈ  જ્યારે છેલ્લી વાર અમદાવાદ આવેલા, ત્યારે એમ કહેતા હતા કે; તે ‘ગોદાવરી’ સ્ટેશને ઉતરે છે. ગાડી ગોદાવરી સ્ટેશનનો  સીગ્નલ વટાવી પ્લેટફોર્મ પર ઉભી રહેવાની તૈયારી કરી રહી હતી, ત્યારે જ આ કેવળ-જ્ઞાન લાધ્યું ! 

        અભુતપુર્વ સામર્થ્ય દાખવી, આગળવાળાને હડસેલી, બંદાએ ખરેખર યાહોમ કરીને બારણાં તરફ મરણીયો પ્રયાસ કરીને ઝંપલાવ્યું ! એક છલાંગ અને અડબડીયું ખાતાં બચીને , ગોદાવરી સ્ટેશન પર મારું પ્રત્યક્ષ અવતરણ થયું!

        ભાઈ હાજર હતા. તેમણે મારા દીદાર જોઇને એક જ પ્રશ્ન કર્યો : ‘કેમ તને કોઇએ માર્યો હતો?” તમે નહીં માનો – હું રીતસર રડી પડ્યો. ભાઈએ આશ્વાસન આપ્યું, કે

       ‘ એ તો એમ જ હોય! –  પોતાના પગ પર ઉભા રહીએ ત્યારે આમ પણ બને, એવું પણ બને!

       અમે ઘર તરફ પ્રયાણ આદર્યું. ત્યાં ગરમા-ગરમ પાણીથી નહાવાની જે મજા આવી છે. ભાભીએ બનાવેલી ગુજરાતી મસાલાવાળી ચાની સાથે ગરમા ગરમ વઘારેલી ઈડલી આરોગવાની  જે લીજ્જત આવી હતી, તે પછી ફાઇવસ્ટાર હોટલમાં પણ કોઈ દીવસ આવી નથી!

        કાલે શું ખાધું હતું, તેય મને યાદ રહેતું નથી. પણ મે – 1965 માં કરેલી આ મુસાફરી,  ગઈકાલે જ જાણે બની હોય, તેવી યાદ છે. ત્યાર બાદ તો ઘણી બધી મુસાફરીઓ કરી – જાત જાતના વાહનોમાં –  પણ આનો તો રંગ જ ન્યારો હતો!

         વો ભુલી દાસ્તાં ફીર યાદ આ ગયી……