સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પુનિત_જીવન

પુનિત જીવન સંસ્મરણો – 3, પ્રારંભિક વ્યવસાયકાળ

અભ્યાસ છોડ્યા પછી, થોડાક વખતમાં ધંધુકામાં જ પોસ્ટ ઓફિસમાં પટાવાળાની નોકરીએ ચઢી ગયા હતા. પહેલો પગાર હતો – મહિનાના અગિયાર રૂપિયા! અને માતાએ એ રકમ ભગવાનને ધરી દીધી હતી! પણ  બે જ મહિના બાદ એ નોકરી છૂટી ગઈ હતી.

નસીબ અજમાવવા તેઓ અમદાવાદ આવ્યા અને એક ઓળખીતાને ઘેર રહ્યા. કશે નોકરી ન મળતાં રેલ્વે સ્ટેશને પોટલાં ઊંચકવાનું કામ કરવા લાગ્યા. પણ ઓળખીતાને ખબર પડતાં, તેમણે તાર ખાતાનું કામ શીખી લેવા સલાહ આપી. આથી તે શીખવા જૂનાગઢ એક વરસ રહી શીખી આવ્યા. પણ નોકરી એમ ક્યાં રેઢી પડી હતી? નરોડામાં તાર ખાતામાં નોકરી મળી ત્યાં સુધી ફરી મજૂરી કરી.

શહેરમાંથી ચાલતા નરોડા જવા અને પાછા આવવામાં અને સાવ આછા પગારના કારણે, તેમને બહુ તકલીફ પડે છે; એવી માતાને ખબર પડતાં, તેમણે તેમને પાછા બોલાવી લીધા. બહુ રાહ જોયા બાદ ત્યાં એમને તાર ખાતામાં જ સાવ મામૂલી પગારે, પટાવાળાની નોકરી મળી.

આ દરમિયાન એમની પત્નીના પહેલા સીમંતનો પ્રસંગ આવ્યો. માની બધી બચત વાપરતાંય પત્નીનું પલ્લું ગીરવે મૂકી પ્રસંગ ઊજવવો પડ્યો.

નવી આવનારી સાંસારિક જવાબદારીઓ પટાવાળાની નોકરીમાં તેઓ કદાપિ ઊઠાવી નહીં શકે, તેવા ખ્યાલથી ફરી નસીબ અજમાવવા એ નોકરી છોડી અમદાવાદ આવ્યા. પણ હવે ઓળખીતાને ઘેર રહેવાની હિમ્મત ન રહી. કુલી જમાતના નેતાએ એમને બિલ્લો ન હોવા છતાં મજુરી મેળવવમાં સારી મદદ કરી. બીજા દિવસે તો બે રૂપિયા કમાયા! ફૂટપાથ પર રહેવું, અને પોટલાં ઊંચકવા – એવા માહોલમાં પણ ભૂખ્યાં ફૂટવાસવાસીઓની તેઓ સહાય કરતા. કોઈને ખવડાવ્યા વગર પોતે જમતા ખાતા નહીં.

પણ આમ છૂટક મજૂરીમાં, રહેવાના ઠેકાણાં વગર શી રીતે દળદર ફિટશે, એ વિચાર એમને સતત અકળાવતો. ફરી પેલા ઓળખીતા પાસે ગયા, અને એમની ભલામણથી એક વૈદને ત્યાં માસિક વીસ રૂપિયાના પગારથી, કામ કરવા રહ્યા. એમના ઓટલે જ પડી રહેવાની પરવાનગી પણ મળી! એક મહિનો સખત વૈતરું કરાવ્યા બાદ વૈદરાજે એક પૈસો પણ પગાર ન આપ્યો.

અને ફરી પાછી નોકરીની શોધ અને ફૂટપાથનો આશરો.

લેખક - નરહરિ ન. દવે; સંપાદક - પુનિતપદરેણુ

————-

સાભાર

  • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
  • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.

પુનિત –જીવન સંસ્મરણો – ૨, અભ્યાસકાળ

પ્રાથમિક શાળામાં ભણતા હતા; ત્યારે રજાના દિવસે એક જોશી મહારાજ એમના આંગણામાં આવી ચઢ્યા. બાલકૃષ્ણને જોઈ તેમણે આગાહી કરેલી કે, ‘આ બાળક મોટો થશે, ત્યારે મહાપુરુષ બનશે; પણ નવમા વરસે એને ઘાત છે.”

અને બન્યું પણ એમ જ. નવમા વરસે તેમના શરીરે બળિયા ફૂટી નીકળ્યા હતા. એ જમાનામાં એનો કોઈ ઉપચાર ન હતો. પણ નવમા દિવસે લગભગ મોતના મોંમાંથી એમનો ઉગાર થયો. જો કે, એમના શરીર પર ચાઠાં તો રહી જ ગયાં.

માધ્યમિક શાળામાં એમના એક શિક્ષક શાંતિમિયાં (?) એ તેમનામાં રહેલી કવિત્વશક્તિને પિછાણી અને લખવા ઉત્તેજન આપ્યું. એ એક શિક્ષકના અવસાન બાદ નિશાળમાં યોજાયેલી શોકસભામાં એમને અંજલિ આપતી કવિતા તેમણે વાંચી સંભળાવી હતી. ત્યાર બાદ શાંતિમિયાં એમને એક કવિતા લખી લાવે તો એક પૈસો ઈનામ આપતા. આ ગાળામાં તેમણે હજારો કવિતાઓ લખી હતી. જો કે, એમાની એક પણ સચવાઈ નથી.

બ્રાહ્મણ હોવાના કારણે એક વખત આ સમયમાં ભરવાડ લોકોના સમૂહલગ્ન પ્રસંગે તેમને બીજા બ્રાહ્મણો સાથે લગ્ન કરાવવા પણ લઈ ગયા હતા!

તેર વર્ષની ઉમ્મરે મકાન ગીરે મૂકીને તેમનાં લગ્ન માતાએ કરાવ્યાં હતાં. પણ તે વખતના કુરિવાજોને કારણે પરણવા જતી વખતે વિધવા માનો આશિર્વાદ ન લઈ શક્યા; એ વસવસો એમને જીવનભર રહ્યો હતો;  ખ્યાતિ મેળવ્યા બાદ કરેલા સમાજ સુધારાઓમાં આવા આકરા અનુભવો બીજરૂપ હતા.

શાળાજીવન દરમિયાન નબળી સ્થિતિના કારણે તેમણે ક્રિકેટ ટીમમાં જોડાઈ શકે તેમ ન હતું. પણ બીજા સાગરિતોના આગ્રહવશ જોડાવું પડ્યું હતું. પણ ફીની અવેજીમાં તેમણે જાતે જ મહેનતનું બધું કામ પોતાને માથે ઊપાડી લીધું હતું. એ ઉમ્મરથી જ પ્રામાણિકતાના ગુણ તેમનામાં ખીલેલા હતા.

મેટ્રિકમાં આવ્યા ત્યારે તેમને વાંચવા ચશ્માંની જરૂર ઊભી થઈ હતી. પણ ખરીદી ન શકે એટલી ગરીબી હતી. માતાએ વાસણ વેચવા કાઢ્યાં; ત્યારે તેમને એ અસહ્ય થઈ ગયું , અને અભ્યાસ છોડી દીધો હતો.

લેખક - નરહરિ ન. દવે; સંપાદક - પુનિતપદરેણુ

————-

સાભાર

  • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
  • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.

પુનિત –જીવન સંસ્મરણો – ૧, બાલ્યકાળ

અમે અમદાવાદમાં જે વિસ્તારમાં રહેતા હતા, તે સારંગપુર વિસ્તારમાં જ જેમનું આખું જીવન પસાર થયું;  તે ‘પુનિત મહારાજ‘  માટે મને અનહદ માન છે.

આજે એમનો પરિચય પ્રગટ કરવાની સાથે, એમના જીવનની ઘટનાઓને ટૂંકમાં નેટ વાચકોને પીરસવાનો સંકલ્પ લેવાઈ ગયો. આભાર શ્રી. પ્રવીણ અને મીનાબેન ઠકકરનો કે, તેમણે મારી ૨૦૧૦/૨૦૧૧ ની અમદાવાદ મૂલાકાત વખતે, મને તેમના જીવન ચરિત્રનું પુસ્તક અત્યંત પ્રેમપૂર્વક ભેટ આપ્યું.

આ પુસ્તકમાંથી ક્રમશઃ ‘ પુનિત મહારાજ’ ના જીવનની ઘટનાઓ ટૂંકમાં અહીં મૂકવામાં આવશે.

———————————

ભાંખોડિયાં ભરતા હતા, ત્યારથી માતા લલિતાદેવી સાથે મંદિરે જતા હતા; અને ભજનો સાંભળી માથું ડોલાવતા હતા. સમજણા થયા પછી, કદીક માતા મંદિરે ન લઈ જાય, તો સાથે લઈ જવા આગ્રહ કરતા. સાવ સામાન્ય સ્થિતી હોવા છતાં ઘેર કોઈ અભ્યાગત આવે તો જમાડ્યા વગર લલિતાદેવી ન જવા દેતા. આ સંસ્કાર એમના પાયામાં ધરબાયેલા હતા.

ઘરની સ્થિતી સુધારવા તેમના પિતા એક મેમણ મિત્રની સલાહથી કોલમ્બો ગયા; પણ ત્યાં ન ફાવ્યું , અને ગંભીર માંદગી લઈને પાછા આવ્યા. એ માંદગીએ એમનો ભોગ લીધો, ત્યારે ૧૯૧૪ ના મે મહિનામાં છ જ વર્ષની ઉમ્મરે બાલકૃષ્ણે પિતાની છત્રછાયા ગુમાવી.

દુઃખ ભૂલવા લલિતાદેવી ભજન/ કથા સાંભળવા જતાં અને સાથે અચૂક પુત્રને લઈ જતા.એક કથામાં આવડા નાના બાળકને રસ લેતો જોઈ, કથાકારે એમને વ્યાસપીઠ પર સાથે બેસાડ્યા અને એમની પાસે રામધૂન ગવડાવી. ત્યારથી રામધૂન ગાવાની લગની બાલકૃષ્ણને લાગી ગઈ. ગોઠિયાઓને રમતમાં પણ તે રામધૂન ગવડાવતા.

ધંધુકામાં એમનાં પાડોશી, દિવાળીબા ચુસ્ત મરજાદી વૈષ્ણવ ધર્મ પાળતાં. એમને બજારમાં, દૂરથી સીધું લાવી આપવાની જવાબદારી બાલકૃષ્ણે ઊપાડી લીધી હતી.

અત્યંત ગરીબ અવસ્થામાં ઘર ચલાવવા લલિતાદેવી જાતજાતનાં વૈતરાં કરતાં. બાલકૃષ્ણ માતાની આ વ્યથા જોઈ આકૂળ વ્યાકૂળ બની જતો; અને પોતાનાથી થઈ શકે તેટલી માતાને મદદ કરતો. વધારે જોર વાળાં કામ તો નાનો બાળક શી રીતે કરી શકે; પણ રૂનાં કાલાં ફોલવામાં એ માતાને મદદ કરતો.

આવી ગરીબીમાંય ખાનદાન માતાએ તેમની જમીન પર ખેતી કરતા વિધુર ખેડૂતના દિકરા થોભણને બાલકૃષ્ણની સાથે ઉછેરવાની જવાબદારી લીધી હતી.

આમ બાળપણથી જ સેવા અને ભક્તિના સંસ્કાર તેમના લોહીમાં વણાઈ ગયા હતા.

લેખક - નરહરિ ન. દવે; સંપાદક - પુનિતપદરેણુ

—————–

સાભાર

  • પ્રભુનો પ્રતિનિધિ ( પુનિત મહારાજ પ્રતિષ્ઠાન)
  • આ પુસ્તક પ્રેમપૂર્વક ભેટ આપનાર ભજનિક મીનાબેન અને પ્રવીણભાઈ ઠક્કર.