સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પુરાતત્વ

ટાઈગ્રીસને તીરે, ભાગ -3

ભાગ – 1  :   ભાગ – 2   

  

  ઈ.સ. પુર્વે 705 થી 681 સુધી રાજ્ય કરી ગયેલ આ રાજા મધ્યપુર્વના એ યુગનો સૌથી પ્રતાપી સમ્રાટ હતો. તુર્કસ્તાનના પહાડી પ્રદેશમાંથી ઉતરી આવેલા એસીરીયનોને બેબીલોનની શહેરી સંસ્ક્રુતીની વીક્રુતીઓ માટે એટલી બધી ઘ્રુણા હતી કે, સેન્નાચરીબે બેબીલોનને જમીનદોસ્ત કરી નાંખ્યું હતું અને ટાઈગ્રીસનાં પાણી વાળીને તેને ડુબાડી દીધું હતું. આજની તારીખમાં પણ ‘બેબીલોન’ શબ્દ પશ્ચીમના સમાજમાં પાપાચાર અને લંપટ વીલાસીતાના પ્રતીક જેવો ગણાય છે.

      પણ સેન્નાચરીબ ક્રુર હોવાની સાથે અત્યંત વીદ્યાવ્યાસંગી અને લલીતકળા અને સ્થાપત્યનો ચાહક પણ હતો. તેના મહેલમાં લેયાર્ડને કુલ 70 રુમો મળી આવ્યા. તેની દીવાલો પર આરસના 10,000 બાસ રીલીફો લગાડેલા હતા. આ દરેક શીલ્પ ચીત્ર 10 ફુટ ઉંચા અને ચાર ફુટ પહોળા છે!

       સૌથી વધારે નોંધપાત્ર વાત એ છે કે આ મહેલના પુસ્તકાલયના ખંડમાંથી સેન્નાચરીબના પૌત્ર અશુરબનીપાલે બનાવડાવેલી 25,000 પકાવેલી માટીની ચકતીઓ મળી આવી હતી. મેસોપોટમીયાના પ્રાચીન સુવર્ણકાળમાં જાણીતા બધાં જ્ઞાન અને માહીતીનું આ પુસ્તકાલયમાં મુદ્રાંકન કરવામાં આવેલું હતું. ઈતીહાસ, ચીકીત્સા, ઉપચાર, વીજ્ઞાન, ગણીત અને સાહીત્યની રચનાઓ અહીં ક્યુનીફોર્મ લીપીમાં સંગ્રહીત કરવામાં આવેલી હતી.

       તે વખતે તો આમાંનો એક અક્ષર પણ લેયાર્ડ ઉકેલી શક્યો ન હતો. પણ પચીસ વરસ પછી ઈ.સ. 1872માં જ્યોર્જ સ્મીથ નામના વીદ્વાનને આ લીપી ઉકેલવામાં સફળતા મળી હતી. અને ત્યારે મધ્ય પુર્વની લોકકથાઓ અને લોકગીતોમાં અમર એવા નોઆ અને ગીલ્ગમેશનાં સાહસો પ્રકાશમાં આવ્યાં હતાં. બાઈબલથી 2000 વર્શ પહેલાં આ કથાઓ લખાયેલી હતી. આ બે અવતારી અને વીર પુરુશોની વાતો આજે પણ સ્થાનીક સાહીત્યમાં ચમકતી રહે છે.

      આમાંનું ઘણું સંશોધન લેયાર્ડના મદદનીશ અને મોસલના ઓટોમન મેસોપોટેમીયન હોર્મઝ્દ રસ્સમના હાથે થયું હતું. તે 1826માં જન્મેલ ચાલ્ડીયન ( એક આરબ જાતી) હતો. લેયાર્ડની સહાયથી તે ઓક્સફર્ડમાં શીક્ષણ પણ મેળવી શક્યો હતો. પાછળથી ઈરાકના ઘણા પુરાતત્વીય સંશોધનોનો તે પ્રણેતા બની ગયો. તેના આગવા સંશોધનોમાં બલાવર પાસેનું અગાઉના એસીરીયન રાજા અશુરનર્સીપાલે બનાવડાવેલું મંદીર હતું. આ મંદીર ઉંચી નીચી છાજલીઓથી આવ્રુત્ત શહેરનો એક ભાગ હતું. એના એક મહેલનો દરવાજો વીસ ફુટ ઉંચો હતો અને કાંસાના બારણાંઓથી બીડાયેલો હતો.

      છેવટે આપણે એ ન ભુલીએ કે, કીશોરાવસ્થામાં ઓસ્ટેન લેયાર્ડે વાંચેલ અરેબીયન નાઈટ્સની વાતો અને સ્વપ્નો આ મહાન શોધના મુળમાં હતાં.

વધુ વીગતવાર અને અત્યંત રસપ્રદ અભ્યાસ માટે  અહીં ‘ક્લીક’ કરો 

     –  1  –     :   –  2  –   :    –  3  –

ટાઈગ્રીસને તીરે, ભાગ -2

ભાગ – 1  :     ભાગ – 3     

 સર સ્ટ્રેટફોર્ડના કામ અંગે ઓસ્ટીનને ઘણી વખત તુર્કસ્તાનમાં ફરવાની તક મળી અને તેણે જુના ઈતીહાસની ઘણી વીગતો ભેગી કરી. છેવટે 1945માં સર સ્ટ્રેટફોર્ડની નાણાંકીય મદદથી તે ફરી મેસોપોટેમીયા પાછો ફર્યો. અને નવેમ્બર મહીનામાં તે નીમરુડ પહોંચ્યો. આ દરમીયાન એસીરીયન ખંડેરો અંગે પુરાતત્વીય ખોદકામો શરુ થઈ ચુકયાં હતાં. મોસલ પાસે ખોર્સાબાદ ખાતે પોલ એમીલ બોટા નામના ફ્રેંચ પુરાતત્વવીદે ખોદકામ શરુ કર્યું હતું અને તેને નીનીવે પાસે ઈ.સ. પુર્વે 709 માં બંધાયેલ રાજા સારગનનો મહેલ તેને મળી આવ્યો હતો. હવે વીશ્વને મહાપ્રતાપી એસીરીયન સામ્રાજ્યની જાણ થઈ ચુકી હતી. બાઈબલની વાતો હવે માત્ર કલ્પનાના તુક્કા રહ્યા ન હતા.

       નવેમ્બરની નવમી તારીખે ઓસ્ટીને નીમરુડ ખાતે ખોદકામ શરુ કર્યું. પહેલા જ દીવસે એક ખાઈ ખોદતાં તેને એક દીવાલ મળી આવી. અને બહુ થોડા વખતમાં 25 ફુટ લાંબી અને 14 ફુટ પહોળી એક ઓરડી મળી આવી. આ ઓરડી 8 ફુટ લાંબા આરસના પથ્થરોમાંથી બનાવેલી હતી અને તેની ઉપર ક્યુનીફોર્મ લીપીમાં લખાણો પણ હતાં. પહેલા જ દીવસે તેને બીજી એક ઓરડી પણ મળી આવી હતી , જે બસો વરસ પછી રાજ્ય કરી ગયેલ રાજા એસારહેડ્ડોનના મહેલનો એક ભાગ હતી.

      થોડાક જ દીવસોમાં ઈ.સ. પુર્વે 883 થી 859 માં રાજ્ય કરી ગયેલ રાજા અશુરબનીપાલ બીજાનો મહેલ માટીના એ ઢગલામાંથી બહાર આવી ગયો.  આ બન્ને મહેલોમાં વીશાળ કદનાં, આરસનાં અનેક બાસ રીલીફ ( શીલ્પ ચીત્રો ) મળી આવ્યાં હતાં.

         assiria_2.jpg             asyria_1.gif          assiria_3.jpg

     આ બધાં ચીત્રો એવાં આબેહુબ કોતરેલાં હતાં જાણે કે, પથ્થરમાંથી ઘોડાઓ અને રથો બહાર આવી જશે. આ ઉપરાંત મોટા કદનાં માનવમુખાક્રુતીવાળા સીંહોનાં છવીસેક શીલ્પો પણ મળી આવ્યાં હતાં. એસીરીયન સંસ્ક્રુતીની આ બે ખાસીયતો ગણાય છે. આમાંના બે શીલ્પો લંડનના મ્યુઝીયમમાં જોઈ શકાય છે. આ શીલ્પ એટલાં તો મોટાં હતાં કે તેને ટાઈગ્રીસ નદીમાં તરાપા સુધી લઈ જવા 300 માણસોને કામે લગાડવા પડ્યા હતા. એ પ્રાચીન યુગમાં, છેક તુર્કસ્તાનથી, બગદાદ/ મોસલ પાસેની સપાટ ભુમી સુધી આટલા બધા પથ્થરોને શી રીતે લાવવામાં આવ્યા હશે એ વીચારતાં લોકો હેરત પામી જાય છે.

       આટલી મહાન શોધ આટલી જલદી થવાથી હવે ઓસ્ટીન લેયાર્ડ પુરા સમય માટે પુરાતત્વવીદ બની ગયો. હવે તેના કામની બ્રીટીશ સરકારે નોંધ લીધી હતી અને તેને બ્રીટીશ મ્યુઝીયમ તરફથી અખુટ નાણાં ભંડોળ મળતું થઈ ગયું હતું. હવે તેણે મોસલ પાસે તેણે સૌથી પહેલા જોયેલા માટીના ઢગલાઓ પર ધ્યાન કેન્દ્રીત કર્યું. અહીં બોટાને બહુ નજીવી સફળતા મળી હતી, પણ લેયાર્ડ વધુ ભાગ્યશાળી નીવડ્યો. વીસ ફુટ નીચે ખોદતાં એક મોટો દરવાજો તેને મળી આવ્યો , જેની આગળ સીંહાક્રુતીવાળા બે પ્રચંડ સીંહ સ્થાપેલા હતા. અને એક મહીનાના અથાગ પરીશ્રમ બાદ મહાન એસીરીયન રાજા સેન્નાચરીબનો મહેલ મળી આવ્યો. અહીં તો ખીચોખીચ શીલ્પો અને બાસ રીલીફથી ભરપુર નવ મોટા ઓરડા મળી આવ્યા.

– વધુ આવતા અંકે

       

ટાઈગ્રીસને તીરે, ભાગ – 1

  1830 – પારીસ.

     13 વર્શનો  ઓસ્ટીન હેન્રી લેયાર્ડ    તેના ઓરડામાં ‘અરેબીયન નાઈટ્સ’ ની દુનીયામાં ખોવાયેલો છે. એ તીલસ્મી, હેરતથી ભરપુર વાતોએ તેને એક જાદુઈ દુનીયામાં ગરકાવ કરી દીધો છે. એને દીવસરાત સપનાં આવે છે – એ અરબસ્તાનની ભુમીનાં – હારુન અલ રશીદના ઝાકઝમાળ બગદાદનાં. એ મોટો હશે ત્યારે બગદાદની ભાગોળોમાં એ તીલસ્મી દુનીયાને નજરે નીહાળશે. એનાં માબાપ અંગ્રેજ છે પણ પહેલાં ઈન્ગ્લેન્ડ અને ઈટાલી અને હવે ફ્રાંસમાં સ્થાયી થયેલાં છે.

     પણ આ દીવાસ્વપ્ન લાંબું ચાલી શકે તેમ નથી. માબાપની નબળી આર્થીક પરીસ્થીતીને કારણે ઓસ્ટીન કોલેજમાં આગળ ભણી શકે તેમ નથી. લન્ડનની તેના કાકા બેન્જામીનની કાયદાની પેઢીમાં તેને કમને કારકુન તરીકે નોકરીએ જોડાવું પડે છે. પણ તેનું ચીત્ત તો છે; એ તીલસ્મી બગદાદમાં. છ વર્શ પછી તેને આવી મુસાફરી કરવાની તક મળે છે. તેના બીજા એક કાકા સીલોન( શ્રીલંકા)માં કાયદાની પેઢીમાં સારું કમાય છે અને ઓસ્ટીનને ત્યાં આવવા કહે છે.

     અને એક સોહામણી સવારે પોતાના મીત્ર એડવર્ડ મેટફોર્ડ કે જેને સીલોનમાં કોફી પ્લાન્ટેશન શરુ કરવું હતું તેની સાથે ઓસ્ટીન સફરમાં ઉપડી ગયો. એડવર્ડને દરીયાઈ સફરમાં બીમારી લાગી જતી હતી, માટે બન્નેએ જમીનમાર્ગે જવાનું નક્કી કર્યું. ઓસ્ટીનને તો આ ભાવતી બાબત હતી. તે હવે પોતાની સ્વપ્નભુમી બગદાદ જઈ શકશે.

     આમ 1839ની એક સાંજે ઓસ્ટીન ઘોડાની પીઠ ઉપર સવાર થઈને ટાઈગ્રીસ નદીના પશ્ચીમકાંઠે ઉભો હતો. સામે કાંઠે ધુળીયું મોસલ શહેર ખડું હતું. સામે ધુળના મોટા ઢગલા પડ્યા હતા, જે પુરાણા નીનીવે શહેરના ખંડીયેરોને ઢાંકીને તેના ભવ્ય ભુતકાળની હાંસી ઉડાવતા હતા. ઓસ્ટીનને મનમાં બહુ દુખ થતું હતું કે કોઈ કેમ આ જગ્યાએ ખોદકામ કરીને એ ભુતકાળને ઉખેળતું નથી? તેને એમ ખબર પડી હતી કે, વીસેક વરસ પહેલાં બગદાદમાં એક અંગ્રેજ અફસરે આવા ઢગલાઓ ઉખેળ્યા હતા અને થોડાંક શીલ્પ અને માટીની ચકતીઓ ( Tablets) ઈન્ગ્લેન્ડ લઈ ગયો હતો. એ ચકતીઓ પરની ચીત્રલીપી કોઈ ઉકેલી શકે તેમ નહતું.

    ઓસ્ટીન ત્યાંથી પચાસ માઈલ દુર આવેલા કાલા શરગત ગામે પણ ગયો; જ્યાં બાઈબલમાં વર્ણવેલ નીમરુડ શહેરના આવા જ અવશેશો હતા. લોકવાયકાઓ એમ કહેતી હતી કે, નીમરુડ બાઈબલના પ્રખ્યાત નોઆનો વંશજ હતો અને એસીરીયન સામ્રાજ્યની તેણે સ્થાપના કરી હતી. તેના નામ પરથી જ એ પુરાતન શહેર સ્થાપવામાં આવ્યું હતું.

     આ દ્રશ્યો અને આ બધી લોકવાયકાઓ જોયાં અને સાંભળ્યા બાદ, ઓસ્ટીન શી રીતે સીલોન જઈ શકે? તેની સપનભોમકા તેને મળી ગઈ હતી. તે તરાપામાં બેસીને ટાઈગ્રીસ નદીમાં બગદાદ પહોંચ્યો. તેણે પર્શીયામાં ( હાલનું ઈરાક) નવા સાહસો કરવાનું નક્કી કર્યું. પણ આ બધું સંશોધન કરવા માટે તો તે સાવ લુખ્ખો હતો.

      તે યુરોપના રસ્તે પાછો વળ્યો – એ આશામાં કે તેને પીઠબળ અને પૈસા આપનાર કોઈ ‘હરીનો લાલ’ મળી જાય. રસ્તામાં તે કોન્સ્ટન્ટીનોપલ (હાલનું ઈસ્તમ્બુલ) રોકાયો. ત્યાં સદભાગ્યે તેની મુલાકાત ત્યાંના અંગ્રેજ એલચી સર સ્ટ્રેટફોર્ડ કેનીંગ સાથે થઈ. કેનીંગને લાગ્યું કે ઓસ્ટીન પાસે રાજદ્વારી કામો માટે બહુ જરુરી એવી મેસોપોટેમીયા અને પર્શીયાની જાતીઓ અને ટોળીઓની માહીતી છે અને સંશોધનની તમન્ના છે. તેણે તેને નોકરીએ રાખી લીધો.

………  વધુ આવતા અંકે

——————————————————-

ભાગ – 2  :   ભાગ – 3 

     

એક મંદીરની શોધમાં ભાગ -3

ભાગ -1  :       ભાગ -2 

હવે આગળનો રસ્તો એટલો કઠણ ન હતો કારણકે, મંદીરમાંથી પાછળની બાજુનો દરવાજો અને આગળ  જતો રસ્તો, બન્ને ઘણા મોટા હતા.  રસ્તો પણ રાજમાર્ગ જેવો લાગતો હતો. આ રસ્તા ઉપર પણ ઝાડીઓ તો છવાયેલી જ હતી. બે જ માઈલ ચાલ્યા બાદ  તેઓ એક બીજા મોટા દરવાજાની સામે આવી પુગ્યા.

દરવાજાની બન્ને બાજુ એક કીલ્લાની મસ મોટી દીવાલ હતી. તેની અંદર એક  મોટું શહેર, અતીતના ગર્ભમાં લપાઈને ઘોરતું હતું. તેની આ કુમ્ભકર્ણ નીદ્રાનો પ્રકૃતીએ પુરો લાભ ઉઠાવ્યો હતો. અહીં સંસ્કૃતી ઉપર પ્રકૃતીએ આક્રમણ કર્યું હતું !  વીશુવવૃત્તીય આબોહવાથી વકરેલી વનસ્પતી સૃશ્ટીએ માનવ ગેરહાજરીનો પુરો લાભ ઉઠાવ્યો હતો !

ખ્મેર પ્રજાનું આ  ‘ અંગકોર થોમ ‘ શહેર હતું.  40 ચોરસ માઈલ વીસ્તારમાં ફેલાયેલું આ શહેર, કદાચ તેના સમયગાળાના વીશ્વમાં સૌથી મોટા શહેરોમાંનું એક હતું.  પણ સર્વનાશની સુનામી તેની ઉપર મન મુકીને ફરી વળેલી હતી. ચારે બાજુ ખંડેરોના ઢગના ઢગ ખડકાયેલા હતા. સેંકડોની સંખ્યામાં મંદીરો, મોટા મહાલયો, અને હજારો નાનાં મોટાં ઘરો , આ બધાંની ઉપર સર્વનાશનું ઘોડાપુર ફરી વળેલું હતું. પાંચસો વર્શ સુધી વનરાજી આ બધા ઉપર વકરી અને વીફરી હતી. મકાનોની આખી ને આખી દીવાલો મદમસ્ત વૃક્ષોએ પાડી નાંખી હતી. મસ મોટાં વૃક્ષો ઘરોની છતને તોડી ફોડીને ઉપર વીલસી રહ્યાં હતાં.  અનેક તુટેલાં શીલ્પો કકડા થઈને બાજુમાં પડ્યાં હતાં.

અહીં પણ, ધોળે દહાડે વાઘોની ત્રાડો અને જંગલી હાથીઓની ચીઘાડો સંભળાતાં હતાં.

સ્તબ્ધ બનેલી આ ટુકડી પાછી વળી. ગણતરીના દીવસોમાં જ  બધા ગામમાં સહીસલામત પાછા આવી ગયા. ગરીબડી પ્રજાએ તેના ગજા પ્રમાણે મુહોત અને પીટરનું સન્માન કર્યું. મુહોત નોમ પેન્હ પાછો ફર્યો. ત્યાંની ફ્રેન્ચ સરકાર પણ આ શોધને આગળ ધપાવે તેવી સક્ષમ કે દુરંદેશી વાળી ન હતી, અને તેમની નજર તો વ્યાપાર, ધર્મ અને શાસનના પ્રસારથી વધારે આગળ જોઈ શકે તેમ ન હતી.

થોડા સમય બાદ મુહોત વતન જવા પાછો  ઉપડ્યો. તેણે  લાઓસમાંથી પસાર થઈને બર્મા જવાનું હતું. પણ લાઓસના જંગલોમાં જ તેનું મેલેરીયાના કારણે મૃત્યુ થયું. સદ્ ભાગ્યે તેનો સામાન તેના સાથીદારોએ સ્થાનીક ફ્રેન્ચ હકુમતને સુપ્રત કર્યો. છેવટે તેનો બધો સામાન 1861 ની સાલમાં પારીસ પાછો ફર્યો. તેની નોંધપોથીઓ પરથી આ બધી ઘટના પ્રકાશમાં આવી.

ત્રણ જ વર્શમાં આ નોંધપોથીઓ ફ્રાન્સ અને બ્રીટીશ જર્નલોમાં છપાઈ. ત્યારે પશ્ચીમના જગતને આ ભુલાયેલા મહાન સ્થાપત્યોની જાણ થઈ. ફ્રેન્ચ સરકાર સફાળી જાગી. આ સ્થળના સંશોધન અને વીકાસ માટે યોજનાઓ ઘડાઈ, અને અમલમાં મુકાઈ. સો વર્શ કામ ચાલ્યું અને પુરાણા સ્થાપત્ય અને ઈતીહાસના મહાન વારસા તરીકે, બન્ને સ્થળોનો  થઈ શકે તેટલો સર્વાંગ વીકાસ કરવામાં આવ્યો.

આજની તારીખમાં ‘ અંગકોર વાટ’ અને ‘ અંગકોર થોમ ‘ કપુચી (કમ્બોડીયા) ના સૌથી વીશીશ્ટ  સહેલાણી ધામો બની ગયાં છે અને અબજો ડોલરની કમાણી કમ્બોડીયાને કરાવે છે.

સ્લાઈડ શો – સાભાર શ્રી. મહેન્દ્ર ઠાકર , મુંબાઈ

 

This slideshow requires JavaScript.

—————————————————————

ફ્રેન્ચ અને ડચ વીદ્વાનોએ દક્ષીણ ભારતના તજજ્ઞોની મદદથી, પ્રાપ્ત બધાં લખાણોનો અભ્યાસ કરી, અંગકોરના સામ્રાજ્યનો વીગતવાર ઈતીહાસ ખંખોળી નાંખ્યો છે ; અને તેને તવારીખવાર સંશોધીત કર્યો છે. ટુંકમાં તેની વીગત નીચે પ્રમાણે છે –

 • ઈ.સ પુર્વે 800  –  ભારતના વેપારીઓ અને સાગર ખેડુઓએ ત્યાંની જંગલી પ્રજાને હીન્દુ ધર્મ આપ્યો.
 • ઈ.સ. 800 – ખ્મેર રાજા  જયવર્મન બીજાએ 50 વર્શ રાજ્ય કરી અંગકોરના સામ્રાજ્ય અને રાજવંશની ની સ્થાપના કરી. તેણે પોતાની જાતને  ખ્મેર પ્રજાના રાજા અને ઈશ્વરના અવતાર તરીકે સ્થાપીત કરી. તેના વંશજોએ અંગકોરમાં 600 વર્શ રાજ્ય કર્યું.
 • ઈ.સ. 899 – તેના પુત્ર યશોવર્મને ‘ અંગકોર થોમ ‘ શહેર બનાવવાની શરુઆત કરી.
 • ઈ.સ. 1100 –   અંગકોર થોમ શહેરની વીધીવત સ્થાપના
 • ઈ.સ. 1200 – રાજા સુર્યવર્મને ‘ અંગકોર વાટ મંદીર’ બનાવવાની શરુઆત કરી.
 • જયવર્મન સાતમાએ અંગકોર થોમ શહેરને ફરતો કોટ બનાવ્યો.
 • ઈ.સ. 1400 – ગજા ઉપરાંતના મહાન સ્થાપત્યના ખર્ચા અને સીયામ ( અત્યારનું થાઈલેન્ડ ) ના આક્ર્મણ સામે અંગકોર ટકી ન શક્યું. ખ્મેર રાજા અને બધી વસ્તી ભાગીને ‘નોમ પેન્હ’ જઈને વસ્યા.
 • બે વર્શ બાદ સીયામના આક્રમકો પાછા આવ્યા, પણ શહેર અને મંદીર બન્ને વેરાન બનેલાં હતાં.
 • જંગલોમાં ઘેરાયેલી બન્ને જગાઓમાં પછીના કોઈ શાસકોને રસ ન હતો.
 • લગભગ 1500 – પોર્ચુગીઝ લોકોએ પહેલી વાર ખંડેરો જોયાના સમાચાર આપ્યા, પણ આ પ્રદેશ વેપારી દ્રશ્ટીએ અગત્યનો ન હોવાથી આ વાત ભુલાઈ ગઈ.
 • 1860 – કમ્બોડીયા, લાઓસ અને વીયેટનામ  ફ્રેન્ચ શાસન નીચે આવ્યા. મુહોતનું સાહસ અને શોધ.
 • 1863 – અંગકોરના જીર્ણોદ્ધારની શરુઆત.
 • 2007 – અંગકોર વાટનો વીશ્વની સાત અજાયબીઓમાં સમાવેશ.

‘અનુપમા’ પર સરસ , માહિતી સભર લેખ 

એક મંદીરની શોધમાં – ભાગ-2

 ભાગ -1   :   ભાગ – 3         

        તળાવ ઘણું મોટું હતું. આરામ કરી બીજા દીવસની સવારે આગળ પ્રયાણ માટે બાથ ભીડી. સાથે માત્ર બે જ કનો હતી. આથી એમ નક્કી કર્યું કે કાફલો ત્યાં જ રહી પડાવ નાંખે, અને મુહોત, પીટર, એક ભોમીયો અને એક સશક્ત મજુર એટલા જ આગળ વધે. સાથે જરુરી ખોરાક અને ઝાડી ઝાંખરા કાપવાનો સામાન લીધો.

    પણ આટલા મોટા તળાવમાં ક્યાંથી કીનારે ઉતરવું? ભોમીયો હોંશીયાર હતો.

     તેણે કહ્યું – ” જો કોઈ મોટી જગ્યા હશે તો તેના લોકોએ તળાવમાંથી પાણી ત્યાં સુધી લઈ જવાની નીક કે નહેર બનાવી હશે.”

      મુહોતને આ વાત ઠીક લાગી. આથી તળાવની ઉત્તર દીશાના છેડે પહોંચી, આવી કોઈ નહેરની તપાસ શરુ કરી. ભાગ્યવશાત્  આવી એક સાંકડી નહેર મળી આવી પણ ખરી. તેમાં બન્ને કનો હંકારી. માંડ એક કનો જાય તેટલી પહોળાઈ હતી. કો’ક ઠેકાણે તો તે કચરાથી પુરાઈ ગયેલી પણ હતી. ત્યાં તો ચાલીને કનો ખેંચવી પણ પડી. ઘણે ઠેકાણે બે ય  કાંઠાં પરનાં ઝાંખરાં ભેગાં થઈ ગયા હતાં. તે કાપવા પણ પડ્યા.

      પણ થોડેક જ આગળ ગયા અને નહેર તો પુરી થઈ ગઈ. અને ત્યાંથી જ પત્થરથી લાદેલો દસેક ફુટ પહોળો રસ્તો શરુ થતો હતો. ચારે જણ ઉત્સાહમાં નાચી ઉઠ્યા. પણ એ આનંદ ક્ષણજીવી જ નીવડ્યો. રસ્તાની બન્ને બાજુથી દુર્ગમ ઝાડીઓ કેલાઈ ગયેલી હતી.એ ઝાડીઓ કાપતાં કાપતાં ચારેક કલાક પછી સાંજના સમયે તે લોકો  એક મોટા દરવાજા તરફ આવી પહોંચ્યા.

      મુસાફરી શરુ કર્યે એક મહીનો થઈ ગયો હતો. પણ આ શોધે તેમનામાં નવી આશાનો સંચાર કર્યો. દરવાજાની બન્ને બાજુ એક ખાસી મોટી માનવસર્જીત ખાઈ હતી. 200 વાર પહોળી તે ખાઈ બન્ને તરફ એક માઈલ સુધી વીસ્તરેલી હતી. પણ તેમને તો દરવાજાની અંદર શું છે તે જોવામાં વધારે રસ હતો. ખાઈ ઓળંગીને બધા આગળ વધ્યા, હવે રસ્તો વધારે વ્યવસ્થીત હતો, થોડે આગળ જતાં એક અદ્ ભુત દ્રશ્ય નજરે પડ્યું. પાંચ ઉંચા શીખરો વાળા  અને અત્યંત ઉંચી દીવાલોથી ઘેરાયેલા એક ભવ્ય મંદીરની સામે તેઓ આવી  પહોંચ્યા હતા. બહારની દીવાલો પર જાતજાતના શીલ્પ કોતરેલા હતા.  દીવાલ પર થોડે ઉપર નૃત્યાંગનાઓનાં સુમધુર શીલ્પો દેખાતાં હતા. મંદીરનો દરવાજો ઓળંગી તેઓ અંદર પેઠા.

     – નકશો

   –  મંદીર

                                            
      જગતના સૌથી મોટા મંદીરમાં પાંચસો વર્શ પછી કોઈ માનવે પગ મુક્યો હતો. આ અંગકોર વાટનું મહાન મંદીર હતું.  બધા ઉત્સાહમાં નાચી ઉઠ્યા. એક મહીનાની મહેનત અને મુશ્કેલીઓ સફળ નીવડી હતી. કમ્બોડીયાના ‘ તોન્લે સેપ ‘ તળાવની નજીક આવેલા આ મહાન મંદીરને ભુતકાળની કરાળ કંદરામાંથી તેમણે બહાર આણ્યું હતું.

( અર્વાચીન યુગની સાત અજાયબીઓમાંની એક,
ભારતના ભવ્ય ભુતકાળને ઉજાગર કરતા,
રાજા સુર્યવર્મન બીજાએ જેને બનાવવાની શરુઆત કરી હતી તે 
‘ અંગકોર વાટ ‘ ના મંદીર માટે વધુ માહીતી માટી અહીં ‘ક્લીક’ કરો )

     જગ્યાનું વીગતે અવલોકન કરતાં તેમને આ મંદીરની ભવ્યતાનો ખ્યાલ આવ્યો. ફુટબોલના નવ મેદાન થાય તેટલી મોટી જગ્યામાં આ મંદીર બનાવેલું હતું. ચારે બાજુ એક એક માઈલ લાંબી દીવાલો હતી અને તેની બહાર ચારે બાજુ ખાઈ. મંદીરની દીવાલો પર ઘણાં બધાં લખાણો કોતરેલાં હતાં. મોટા ભાગનાં લખાણો સંસ્કૃત ભાશામાં હતાં. જો કે, કોઈને પણ એ ભાશા આવડતી ન હતી. મુખ્ય ભાગમાં હીન્દુ દેવતાઓની મોટી મુર્તીઓ હતી. ક્યાંક ક્યાંક તો મુર્તીઓ પર સોનાના અવશેશો પણ દેખાતા હતા. વચ્ચે એક રાજાની મુર્તી પણ સ્થાપેલી હતી. કદાચ તે પણ દેવોની જેમ પુજાતી હશે તેમ લાગ્યું. કોઈ પણ ગ્રીક કે રોમન સ્થાપત્યને ઝાંખું પાડી દે તેટલી તેની ભવ્યતા હતી. બુદ્ધ સાધુઓ પણ આ જગ્યાનો  સાધના અને પુજા માટે તેનો ઉપયોગ કરતા હશે તેમ જણાયું.

    મદીરની પાછળની બાજુએ બીજો વધુ મોટો દરવાજો હતો; અને તેમાંથી આગળ વધારે મોટો રસ્તો જતો હતો. હજુ તેમને માટે વધારે રહસ્યો ખુલવાના બાકી હતા! 

     તેમણે ફરી આગળ પ્રયાણ શરુ કર્યું.

– વધુ આવતા અંકે

એક મંદીરની શોધમાં – ભાગ -1

પુરાતત્વની એક સત્યકથા પર આધારીત

      શનીવારની એક સાંજે, જંગલમાંથી આવીને તે થાક ઉતારી રહ્યો હતો; અને ભેગા કરેલા અવનવી વનસ્પતીના નમુના વીભાગવાર જુદા પાડી રહ્યો હતો. વીશુવવૃત્તીય વીસ્તારના એક દેશના એક તળાવની થોડે દક્ષીણે આવેલા એક નાના શા શહેરમાં તે હજુ બે એક અઠવાડીયા પહેલાં જ આવ્યો હતો. હેન્રી મુહોતને પેરીસથી એ દેશના વીશુવવૃત્તીય જંગલોની વનસ્પતીઓની શોધખોળ કરવા, એક વર્શ પહેલાં નીયુક્ત કરવામાં આવ્યો હતો. આ નાના’શા ગામમાં તે સાવ કંટાળી ગયો હતો. આમ તો તે ધાર્મીક ન હતો, પણ બીજાં ફ્રેન્ચ ભાશા બોલતાં લોકોને મળાશે, તે આશાએ તેણે રવીવારની ચર્ચની સભામાં જવાનું નક્કી કર્યું.

          બીજા દીવસે તે ચર્ચમાં ગયો. પીટર નામનો પાદરી મોટે ભાગે તો સ્થાનીક ભાશામાં જ બાઈબલમાંથી વાંચી રહ્યો હતો; પણ થોડાએક શબ્દો, થોડાં ઘણાં ફ્રેંચ સાંભળનારાં માટે પણ બોલી રહ્યો હતો. સભા પતી ગઈ, પછી પીટરે બીજી ઔપચારીકતા પતાવી, બધા ફ્રેન્ચ લોકોને પોતાના કમરામાં આવવા નીમંત્ર્યાં. સ્વાભાવીક રીતે જ તેનું ધ્યાન નવાગંતુક મુહોત પર વધારે રહ્યું. ઘણી બધી વાતો થઈ. મુહોતને સ્થાનીક ઈતીહાસ , ભુગોળ, રીતરીવાજ વીગેરે વીશે જાણવાની ઘણી ઉત્કંઠા હતી. કાળી ચા અને બીસ્કીટની સાથે વાતોના ગપાટા પણ ખાસ્સા ચાલ્યા.  વાતવાતમાં પીટરે એક લોકવાયકાની વાત કરી. ગામથી પચાસેક માઈલ દુર, તળાવની ઉત્તરે ભયંકર જંગલની વચ્ચે ઘણાં જુનાં ખંડેરો છે અને એક મસ મોટું મંદીર પણ છે. પરંતુ દુર્ગમ જંગલને કારણે કોઈ ત્યાં જઈ શકતું નથી. તે કોણે બનાવ્યાં અને શા કારણે તુટી ગયાં તે પણ કોઈ જાણતું ન હતું.

           મુહોત ઘેર ગયો, પણ આ વાત તેના મગજમાં ઘુમરાતી રહી. તેને વનસ્પતીશાસ્ત્ર ઉપરાંત ઈતીહાસમાં બહુ જ રસ હતો. આ પ્રદેશ વીશે તેને આવું બધું જાણવાની બહુ ઈચ્છા હતી, પણ સ્થાનીક લોકોમાં ભણેલા ગણેલા લોક ખાસ ન હતા. જે હતા તે પણ આવી વાયકાઓ સીવાય કશું જ જાણતા ન હતા. તે  આ દેશના પાટનગરમાં આવ્યો ત્યારે તેને એટલું  જાણવા મળ્યું હતું કે, 1500 ના અરસામાં પહેલવહેલા પોર્ચુગીઝ લોકો આ બાજુ આવ્યા, તેના સો એક વરસ પહેલાં, અહીં બહુ જ જાહોજલાલી વાળી સંસ્કૃતી અને સામ્રાજ્ય હતાં, પણ દુશ્મનોના  આક્રમણમાં તે સામ્રાજ્યનો અંત આવ્યો હતો. અહીંની સ્થાનીક પ્રજા બહુ જ ગરીબ હતી. પીટર પણ વર્શો પહેલાં આવી ગયેલા પોર્ચુગીઝ લોકોના અહેવાલો, લોકવાયકાઓ વી, સીવાય કાંઈ જાણતો ન હતો. રાત્રે તેને સપનાંમાં ચીત્રવીચીત્ર પહેરવેશ પહેરેલા, કો’ક અજાણ્યા લોકો કોઈ અવનવી, ભગવાનની મુર્તીની પુજા કરતાં, ઢોલના ધબકારે નાચતાં અને તેની તરફ ધસી આવતા દેખાયા. પસીને રેબઝેબ તે ઝબકીને જાગી ગયો. સવારની ચા પીતાં તેણે સંકલ્પ કર્યો કે તે ખંડેરોની ભાળ ગમે તે ભોગે કરવી જ.

          બીજા રવીવારે ફરી પાછો આ જ ક્રમ ચાલ્યો.

         મુહોતે કહ્યું –“ પાદરી સાહેબ, મારે ગીચ જંગલોમાં, છેક અંદરના ભાગમાં મારા કામ અંગે જવું છે. જો તમે તૈયાર હો તો, આપણે તે જ વીસ્તારમાં મારી શોધખોળ માટે જઈએ. ખંડેરોની તલાશ પણ થશે, અને મારી વનસ્પતીની પણ. એક સાથે બે કામ થશે.”

          પીટરે કહ્યું “ ચર્ચ માટે બીજી કોઈ વ્યવસ્થા થાય તો હું આવું. મને પણ આવું સાહસ કરવાનું ગમે. આવા કામમાં એકાદ બે અઠવાડીયા તો થઈ જ જાય ને.”

           બન્ને યુવાન હતા, અને બહુ આસાનીથી મીત્રો તો બની જ ગયા હતા. આ કામ અંગે સાથે રહેવાની તક મળશે તેવું બન્નેને મન થયું.

             પછીના અઠવાડીયે તે દેશના પાટનગરમાં આવેલી, દેવળની મોટી કચેરીમાંથી આ માટેની વ્યવસ્થા થઈ ગઈ. બીજા પાદરીને એક મહીના માટે નીમવામાં આવ્યો. આમ 1860 ના માર્ચ મહીનામાં પુરતી સાધાન સામગ્રી, અને માણસોનું હાઉસન જાઉસન બે ગાડાંઓમાં ભરીને બન્ને મીત્રો ઉપડ્યા. સાથે સ્થાનીક જંગલોના બે ભોમીયા પણ લીધા હતા.

           ગામ અને ખેતરો પુરાં થયાં, અને ભયંકર જંગલની શરુઆત થઈ. ઉત્તર દીશા જાળવી રાખી કાફલો આગળ વધ્યો. અડાબીડ મોટાં વૃક્ષોની વચ્ચે બકરાં ચરાવનાર ગોવાળીયાઓએ બનાવેલી, નાનીશી કેડી તેમણે પકડી. બે ત્રણ માઈલ તો મુસાફરી ઠીક ઠીક ચાલી. પણ પછી એકાએક કેડી બંધ થઈ ગઈ. હવે શું કરવું?

               હવે તો જંગલને કાપીને જ રસ્તો કરવો પડે તેમ હતું. યાહોમ કરીને ઓછાં ઝાડ કાપવા પડે તે રીતે, તેમણે આવા કામના જાણકાર, સ્થાનીક મુખીયાની મદદથી રસ્તો કરવા માંડ્યો. ગીચ ઝાડી કાપવી પણ કાંઈ રમત વાત ન હતી. નીચે ઘણી જગ્યાએ છીછરા પાણીનાં ખાબોચીયાં કે કાદવ પણ હતાં. ઘણીવાર તેમની સાથેનાં ગાડાંઓનાં પૈડાં કાદવમાં અડધા ખુંચી જતા. માંડ માંડ મજુરો ગાડાંને ઘાંચમાંથી બહાર કાઢતા. હવે રસ્તો સીધો ઉત્તર તરફ ન રહ્યો. વાંકાંચુંકા થતા , મંથર ગતીએ તેઓ આગળ વધતા ગયા. રાતે વાઘોની ડરામણી ત્રાડો અને દીવસે જંગલી હાથીઓની ચીંઘાડો હૈયું વીદારી નાંખતી હતી. ખાવાપીવામાંય રસ્તામાં જે કાંઈ મળે, તેનાથી ચલાવી લેવાનું હતું, કારણકે લોટ વી, સામગ્રી બહુ મર્યાદીત હતી. સ્થાનીક રસોઈયાની સમજ અને આવડત સ્વીકારી લીધા વીના બીજો કોઈ વીકલ્પ ન હતો. રસ્તે ચાલતાં સ્થાનીક મજુરો તેમની કર્ણપ્રીય પણ સમજ ન પડે તેવી ભાશામાં ગીતો ગાઈ રહ્યા હતા. પીટરે સમજાવ્યું કે તેમની જુની વાયકાઓની કથાઓ, અને યુદ્ધમાં કામ આવી ગયેલા યોદ્ધાઓની શુરાતન કથાઓનાં આ ગીતો હતાં. મુહોતને તો હવે દીવસે પણ પેલાં સ્વપ્નો દેખાવાં માંડ્યાં !

         ઘણી જગ્યાઓએ તો મોટાં ઝાડ એટલાં અડાબીડ ઉગેલાં હતાં કે, બે ચાર ઝાડ કાપ્યાં સીવાય છુટકો જ ન હતો. આમ થાય ત્યારે કાફલો સાવ રોકાઈ જતો. માત્ર એક બે ભોમીયા જ આગળ જાતમાહીતી મેળવવા જઈ આવતા. મેલેરીયામાં પટકાઈ ન જવાય તેનો હમ્મેશ ભય પણ માથે સવાર રહેતો. પીટરને થતું કે ‘ક્યાં આ જંજાળ વહોરી’ ;  પણ મુહોતના જ્ઞાનથી તે બહુ જ પ્રભાવીત થયો હતો, અને નવી દોસ્તી બરાબર જામી ગઈ હતી. એકલા પાછા જવામાં વધારે મોટાં જોખમો હતાં. હવે તો આગળ ધપવા સીવાય બીજો કોઈ જ આરો ન હતો. મુહોત તેની અજાણ એવી જાતજાતની વનસ્પતીઓની જાણ પેલા ભોમીયા અને દુભાશીયા પીટરની સહાયથી લઈ રહ્યો હતો. તેની સ્કેચબુક સુંદર વનસ્પતી ચીત્રોથી ભરાવા માંડી હતી.

         આમ સફરને ત્રણ અઠવાડીયાં તો જોતજોતામાં થઈ ગયાં. જંગલ તો ક્યાંય ટસનું મસ થતું ન હતું. ક્યાંક હાથીઓએ  કરેલા રસ્તા મળતા, પણ તેમની દીશા ભાગ્યે જ અનુકુળ આવતી. આશાનો દીપક બુઝાવાની તૈયારી કરી રહ્યો હતો. મજુરો પણ થાકથી લોથ પોથ થઈ ગયેલા હતા. બધા ઘેર પાછા જવાની લ્હાયમાં પડી ગયા હતા.

        પીટરે હીમ્મત કરીને કહ્યુ, ” મુહોત! પાછા ફરવામાં જ ડહાપણ છે. ”

        મુહોતે કહ્યું , ” આપણે ત્રણ દીવસ રાહ જોઈએ. જો આ જ ક્રમ ચાલુ રહે અને તળાવ ન મળે તો પાછા.”

        આમ બે મીત્રો વચ્ચે ગંભીર ચર્ચા ચાલી રહી હતી; ત્યાં એક ભોમીયો ભરેલા શ્વાસે દોડતો આવ્યો અને કહ્યું ” હાથીઓએ બનાવેલો એક જુનો રસ્તો મળ્યો છે, અને તે બરાબર  તળાવ તરફ જ જાય છે. ” બન્ને મીત્રોમાં આશાનો સંચાર થયો. કાફલો પણ ઉત્સાહમાં આવી ગયો. બેળે બેળે ભોમીયાએ કહ્યું હતું તે કેડી સુધી તો પહોંચ્યા. કેડી મળ્યા પછી કામ થોડું સરળ બન્યું. ઝાડ કાપવાની નોબત ફરી ન આવી. એ જ દીવસે સાંજે તો આખો કાફલો તળાવના કાંઠે આવી પુગ્યો.

– વધુ આવતા અંકે

 ભાગ -2     :   ભાગ – 3