સૂરસાધના

ગુજરાતી લેખિનીમાં સ્વૈરવિહાર

Category Archives: પ્રવાસવર્ણન

કુળદેવીની પહેલી યાત્રા

૧૯૭૭ , કનોડા

શિયાળાની બપોર હોવા છતાં. ધોમધખતો તડકો હતો. અમારા જોડિયા દીકરા આશરે બે વર્ષના હતા અને તેડાવા માટે રડતા હતા. રસ્તો સાવ ધૂળિયો અને આબડ ખુબડ હતો. હજી અમારાં કુળદેવી બહુસ્મર્ણા માતાના મંદિરની ધજા તો ઘણે દૂર હતી. રીક્ષા કે ગાડા જેવું કોઈ સાધન મળી જાય એની અમે આશા રાખતાં હતાં. એસ. ટી ની બસે અમને કલાક પહેલાં , ડામરના રસ્તા પરથી આ ધૂળિયા રસ્તાના જન્કશન પાસે છોડી દીધા હતાં.
આ દુઃસાહસ કરવા માટે મનોમન અફસોસ પણ થઈ રહ્યો હતો. પણ છેવટે એ વ્યથાનો અંત આવ્યો, અને પડું પડું કરી રહેલા મંદિરના દરવાજા પાસેના ઓટલા પર ધબ કરીને અમે બેસી ગયા! થોડોક હાહ ખાઈ અમે અંદર ગયા અને મંદિરની હાલતની ચાડી ખાતા ધર્મશાળના એક જૂના ઓરડામાં આશરો મેળવ્યો. સાથે અમને પાણીનું માટલું અને કોલસાનો ચૂલો પણ જાતે ભોજન બનાવવા મળી ગયો!

વાત એમ છે કે, મારાં સાસુ – સસરાએ સિદ્ધપુરમાં એમનાં કુળદેવી સિદ્ધેશ્વરી માતાના થાનકમાં હવન રાખ્યો હતો. બે દિવસ ત્યાં બાદશાહી મજા માણી અમે અમદાવાદ પાછા જવા નીકળ્યા હતાં. સાથે જ્યોતિના કાકા મુકુંદરાય જાની અને કૈલાસકાકી પણ હતાં. સિદ્ધપુરથી નીકળતી વખતે એમણે વાત વાતમાં કહ્યું હતું ” આપણાં કુળ દેવી બહુસ્મર્ણા માતાનું થાનક રસ્તામાં જ આવે છે. ”
મારા બાપુજીએ પણ આ વાત મને કહી હતી, પણ પગપાળો અને કઠણ રસ્તો હોવાના કારણે એ અમને ત્યાં લઈ ગયા ન હતા. આથી અમે નક્કી કર્યું કે, રસ્તામાં આવતા સદુથલા ગામ સુધીની જ ટિકિટ લેવી અને ઘણી જૂની આશકા પૂરી કરવી. આમ જાતરા કહેવાય એવી, અમારી કઠણ જાતરાની શરૂઆત થયેલી!

થોડોક આરામ કરી, કૂવાના થાળા પરથી જાતે ડોલ વડે પાણી ખેંચી અમે બાજુની ટૂટલ ફૂટલ ઓરડીમાં નાહ્યાં અને પછી મંદિરમાં માતાજીનાં દર્શન કરવા ગયાં. ઉપર બતાવેલ મૂર્તિ તો હમણાંની છે . ( ફોટો સૌજન્ય – અમારી ભત્રીજી કૌમુદી જાની) પણ એ વખતે તો એક નાના ગામના મંદિરની હાલત જેવી હોય તેવી જ મંદિરની હાલત અને એવા જ મૂર્તિના શણગાર હતાં.

પણ, અમે શ્રધ્ધાથી માતાજીની પૂજા કરાવી, અંતરથી વંદન કર્યા અને સિદ્ધ પુરથી લાવેલ નાળિયેર ચઢાવી, સાસુમાએ આપેલ મગસનો પ્રસાદ ધરાવી, માતાજીનો પ્રસાદ ભાવથી આરોગ્યો .

સાંજે જ્યોતિ અને કૈલાસ કાકીએ ઘણા વખત પછી કોલસાનો ચૂલો પ્રગટાવવાની જહેમત તાજી કરી અને ગામના કરિયાણાની દુકાનમાંથી લાવેલ ચોખા અને દાળ ઓરી ખોચડી રાંધી. ત્યારે અમે બરાબરની ઊઘડેલી ભૂખને સંતોષી શક્યા!

રાતે ગંધાતી ગોદડીઓ પર આડા તો પડ્યા, પણ મછ્છરોના પ્રેમને શી રીતે રોકવો એ અનેક સમસ્યાઓમાંની એક હતી! પણ થાક એટલો બધો લાગેલો કે, જેમ તેમ સવાર તો પડી અને અમે પાછા એ જ રસ્તે રિટર્ન મુસાફરી શરૂ કરી. જો કે, એક ગાડાંની સહેલ મળી ગઈ હતી, એટલે પહોંચતી વખતની હરકતો ન હતી. સાત વરસની દીકરી અને જોડિયા દીકરાઓને પણ આ અવનવા વાહનમાં મુસાફરી કરવાના નવા અનુભવનો ઉલ્લાસ હતો. આથી અમે નિર્વિઘ્ને મહેસાણાની બસ પકડી અને ત્યાંથી બીજી બસમાં અમદાવાદ પાછા ફર્યા.

આ થઈ ૪૨ વર્ષ પહેલાંની અમારી પહેલી યાત્રાની કથા.

અલબત્ત, પછી તો કુળદેવીના ઘણા ભક્તો ત્યાં જતાં થયાં. વ્યવસ્થા માટે એક ટ્રસ્ટ સ્થપાયું, અને ઘણા બધા ભાવિકોની સખાવતથી અત્યારે તો મદિરની જાહોજલાલી ઘણી વધી ગઈ છે. રહેવા, જમવાની પણ બહુ જ સરસ વ્યવસ્થા છે. વિજળી અને પમ્પના કારણે બધી આધુનિક સગવડો પણ થઈ ગઈ છે. એ વિસ્તારમાં ઓ.એન.જી.સી. ની ઓઈલ ડ્રિલિંગ કામગીરીને કારણે છેક ગામ સુધી પાકો રસ્તો પણ બન્યો છે. એસ. ટી. ની એક બસ પણ દરરોજ ત્યાં જવા અને પાછા આવવા મળી જાય છે.

હાલનું મંદિર

પણ, એ અફલાતૂન મુસાફરીની યાદ
અમારા દિલો દિમાગમાં કાયમી રહી ગઈ છે !

જિમ કોર્બેટ

સરસ પ્રવાસ વર્ણન …

આ લોગો પર ક્લિક કરો

 

ટ્વેલ્વ ઓ’ ક્લોક: આઇ ગો નોક્સવિલ, ટેનેસી – કિશોર પટેલ

       મારી પહેલી ટ્રેન મુસાફરીની દિલ ધડકાવી દે તેવી વાર્તા અહીં વર્ષો પહેલાં લખી હતી. આ રહી…

       લગભગ એ જ સમય ગાળામાં શ્રી. કિશોર પટેલ અમેરિકા પહોંચી ગયા હતા. હાલમાં તો તેઓ  ટોરોન્ટો રહે છે. પણ મારી એ સફરની એ વાતથી વધારે દિલ ધડકાવી દે તેવી સફરની એ વાતની શરૂઆત….

     ૧૯૬૦ના દાયકાના છેલ્લાં વર્ષોમાં ગુજરાતના વિધાર્થીઓમાં અમેરિકા ભણવા જવાનો એક વાવડ શરૂ થયો હતો. સ્ટૂડન્ટ વિઝા ઉપર ભણવા જવાનો એક રાફડો ફાટ્યો હતો. કોલેજની લોબીઓમાં “મારુ આઈ ટ્વેન્ટી આવી ગયુ” નો હર્ષનાદ ગૂંજતો હતો.

     ઓગસ્ટ ૧૯૬૯ની એક વહેલી સવારે હું વડોદરાના સ્ટેશન ઉપર, હારતોરાથી લદાયેલો, દુ:ખ, ભય, આનંદ, રોમાંચ એવી કેટલીયે મિશ્રિત લાગણીઓ અનુભવતો ઊભો હતો. આટલા હારતોરા તો મેં મારા લગ્નમાં પણ પહેર્યાં નહોતા! કદાચ આ જ હારતોરાએ, મને અમેરિકામાં શરૂઆતમાં પડેલી મુશ્કેલીઓથી લડતાં લડતાં, હારીને મેદાન છોડી, દેશ પાછા ફરતાં અટ્કાવ્યો હશે!

     હું મુંબઈથી નીકળી, લંડન થઈને ન્યૂયોર્ક ઊતર્યો. મારે ત્યાંથી હાર્ટફોર્ડ કનેક્ટીકટ, અમારા એક સંબંધીને ઘરે જવાનું હતું. મારે ન્યૂયોર્ક એરપોર્ટ ઉપરથી એમને કલેક્ટ કોલ કરવો એવું જણાવવામાં આવ્યું હતું. કલેક્ટ કોલ કરવો કેવી રીતે? કોને પૂછવું? કોને કહેવું?

પછી શું થયું?  એ જાણવા તમારે નીચેના ચિત્ર પર ‘ક્લિક’ કરવી રહી!

12_oclock

લીલી રેતીનો દેશ

રણમાં ઉગ્યો છોડ
પી જઈ તરસ આખી
વહાવે
લીલી રેતનો દરિયો

-શ્રીમતિ  રેખા સિંધલ

(  તેમના બ્લોગ  ‘ અક્ષયપાત્ર’  પર )

       રેખાબેને આ સુંદર કલ્પના ‘ રણછોડ’ માટે કરી છે પણ મને એ બહુ જ ગમી ગઈ; અને એ ઉપમા આપી દીધી આ વખતની ભારતયાત્રા પહેલાં નજર અંદાજ઼ કરેલા એક દેશ માટે.

    દુબાઈના એરપોર્ટ પર પગ મૂકતાં જ મારી પત્નીએ અને મિત્રોએ કરેલી એની પ્રશંસા યથાયોગ્ય લાગી. જોઈ લો અમેરિકાના કોઈ પણ એરપોર્ટને ટક્કર મારી દે તેવા એના એરપોર્ટનો આ નજ઼ારો… અને હજુ વધારે ભવ્ય નવું ટર્મિનલ તો જાન્યુઆરીમાં ખુલ્લું મુકાવાનું છે.

IMG_20121124_095203 IMG_20121124_095455
IMG_20121124_101402 IMG_20121124_101406 IMG_20121124_101415 IMG_20121124_101738 IMG_20121124_101744

મધરાતે તો એની આટલી જ ‘લીલાશ’ નજરે ચઢી હતી. પણ બીજા દિવસે વલીદાના જમાઈ નૌશાદ શાહુએ પ્રેમપૂર્વક ફરીને મને અના ખૂણે ખૂણાનું વિહંગાવલોકન કરાવ્યું.

દુબાઈના મોલમાં શ્રી. નૌશાદ શાહુ

દુબાઈના મોલમાં શ્રી. નૌશાદ શાહુ

IMG_3142

આ હતું…. એ દેશનું આજથી ૩૦ વર્ષ પહેલાંનું દૃષ્ય…

ગલ્ફના દેશોના કાળા સોના ‘પેટ્રોલિયમ’નું એક ટીપું પણ દુબાઈમાં નથી; કે નથી એક ટીપું વરસાદ પણ ત્યાં વરસતો. પણ જોઈ લો આ લીલોતરી…

અદભૂત ‘ વોટર મેનેજમેન્ટ’ની કમાલ…

IMG_3074 IMG_3104 IMG_3121

      ઝનૂની મનાતી આરબ જાતિના એક અદના શેખનાં સ્વપ્ન, લગન, ધર્મસહિષ્ણુતા, ચાણક્ય બુદ્ધિ , વેપારી કુશળતા અને વહીવટી સૂઝે આ ચમત્કાર સર્જી દીધો છે. માત્ર વેપાર અને પાવર જનરેશનને આનુશંગિક ડિસેલિનેશન ( દરિયાના ખારા પાણીને મીઠું કરવાની ટેક્નિક) ની આ બધી માયાજાળ છે.

આ રહી વિકી ઉપર ઢગલાબંધ માહિતી ….

અને આ રહી… મારા કેમેરાની આંખે ઝડપેલ વૈભવ….

સલામ દુબાઈના મહમ્મદ શેખને

અને ફેબ્રુઆરી- ૨૦૧૩ માં ખુલ્લો મુકાયેલો આ વિશ્વનો આ સૌથી મોટો ફૂલોનો બગીચો

( સાભાર – ડો. રાજેન્દ્ર ત્રિવેદી )

This slideshow requires JavaScript.

યે હસીં વાદીયાં, યે ખુલા આસમાં

બે -અઢી કલાકના ટ્રેકિંગ પછી એક પહાડી પસાર કરીએ એટલે નજર સામે આખો ફૂલોની આખી સૃષ્ટિ હાજરાહજૂર થઈ જાય. આખે રસ્તે પણ જાતજાતનાં ફૂલો આવતાં જાય – જુદી જુદી જાત, રંગ અને ગંધધરાવતાં ફૂલો જોઈને લાગે કે આપણે વેલીમાં આવી ગયા છીએ. પેલી પહાડી પસાર કરીએ કે તરત જએક વિશાળ, ખુલ્લી, ફૂલોથી લથબથ ખીણ તમારી સામે હાજર થઈ જાય. નજર પહોંચે ત્યાં સુધી બસ,ફૂલો જ ફૂલો. ઉપર ખુલ્લું આકાશ, સામે હિમાચ્છાદિત પહાડો અને એ બેની વચ્ચે ફૂલોની વિશાળ ખીણ.

 આ અનુભવને ન તો શબ્દોમાં ઢાળી શકાય, ન કેમેરામાં ઝડપી શકાય. બસ, એને અનુભવવો જ પડે.
આ આખી વેલી ફૂલોથી ભરી પડી છે પણ થોડા થોડા અંતરે ફૂલોના પ્રકાર બદલાતા જાય છે. એકજગ્યાએ મોટે ભાગે એક જ જાતના ફૂલ જોવા મળે. થોડે આગળ જઈએ એટલે પાછી ફૂલની જાતબદલાય, સુગંધ બદલાય, રંગ અને દેખાવ બદલાય. બસ, ચાલ્યા જ કરવાનું મન થાય.
—————
ખુશ ખુશ થઈ ગયા ને?

પિરામીડોના દેશમાં, ભાગ -૭ : છેલ્લા બે દિવસ

ભાગ – ૧ કેરોમાં ઉતરાણ ઃ      ભાગ – ૨ પિરામીડ પ્લાઝા  ઃ    ભાગ – ૩ ઇજિપ્શિયન મ્યુઝિયમ   

ભાગ – ૪ કોપ્ટિક મ્યુઝિયમ  ઃ    ભાગ – ૫ મેમ્ફિસ, સક્કારા  ઃ    ભાગ – ૬, રોઝેટા શીલાલેખ    

 ચાર દિવસોમાં કેરો ખાતે અને તેની નજીક જે જે જગ્યાઓ જોવા ધાર્યું હતું; તે બધી જોવાઈ ગઈ. પાંચમા દિવસે આમ તો એલેક્ઝાન્ડ્રિયા જઈ શક્યો હોત; પણ કેરોથી ઘણે દૂર આવેલ હોવાથી, મારા ટૂર આયોજક પુત્ર વિહંગની ત્યાં જવા મનાઈ હતી. એ આજ્ઞા પિતાવત્  પાળી !! બાકી ઇજિપ્ત પર ગ્રીક સંસ્કૃતિના પ્રભાવની ઝલક મેળવવા અને ક્લિયોપેટ્રા, જુલિયસ સીઝર અને એન્થનીને યાદ કરી લેવા માટે ત્યાં જવું પડે! કેરોમાં એ બધાનું નામોનિશાન જોવા ન મળ્યું.   

લો………અહીં જાતે એનો અભ્યાસ કરી લો.   અને…….. આ તો ખાસ….

File:The Burning of the Library at Alexandria in 391 AD.jpg

જુલિયસ સીઝરની ચઢાઈ વખતે બાળી મૂકેલી લાયબ્રેરી

ખેર, ઇજિપ્તની આવતી મુલાકાતમાં એનો અને  ‘અબુ સિમ્બલ’ નો વારો !

File:Nefertari Temple Abu Simbel May 30 2007.jpg

    ‘નેફરેતી’નું મંદિર

   આમ પાંચમો દિવસ આરામનો દિવસ હતો. બપોરના અગિયારેક વાગે નીચે આવી, સ્વિમિંગની મોજ માણી.

IMG_2741 IMG_2637

        અહીં એક અવનવો અનુભવ થયો. દૂર બે યુવાનો પૂલમાં મસ્તી કરી રહ્યા હતા. ‘કાકા’-ઈસ્ટાઈલે એમની   સાથે સંગત કરવા મન થયું. અને થોડાક જ પ્રયત્ને બરફ સાવ ઓગળી ગયો.

      કેવી હતી, એ સંગતની રંગત?

      એમાંના એક જણને સાવ ભાંગ્યું ટુટ્યું અંગ્રેજી આવડે. એ અલેક્ઝાન્ડ્રિયાથી ફ્રાન્સના માર્સેલ્સ જઈને સ્થાયી થયેલો.  તળ માર્સેલ્સના બીજાને તો અંગ્રેજીનો એક શબ્દ પણ ન આવડે. પૂરેપૂરો ફ્રેન્ચ બચ્ચો.

     અને છતાં અડધો કલાક એમની સાથે દીલ ભરીને સંગત હાલી. તેમણે  ગાંધીજી, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન વિ.ને યાદ કર્યા. મેં ‘કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો’ના એડમન્ડ દાંતે અને ‘લા મિઝરેબલ’ના જ્યાં વાલજ્યાં ને. અને મારી બહુ જ માનીતી થ્રીલર નવલકથા – ‘જેકલ ઇઝ આઉટ’ ને!

      ભાષાની અડચણ છતાં, અમે માંડ માંડ છૂટા પડ્યા. આંતરરાષ્ટ્રીય સંગતનો કદાચ આ પહેલો અને છેલ્લો અનુભવ હતો.

    સાંજે એક સાહસ કર્યું. મુખ્ય રસ્તા પરથી એરપોર્ટ જતી એક બસમાં ચઢી બેઠો અને બસની અંદર અને બહાર, કેરોના જન જીવનને પેટ ભરીને નીહાળ્યું.

  • આપણા જેવા  જ સામાન્ય માણસોની, રોજબરોજની ઓફિસથી પોતાના માળામાં પાછા જવાની વ્યથાઓ, કથાઓ.
  • બસમાં અરબ ભાષામાં ન સમજાય છતાં પણ ભાવનું અનુમાન કરી શકાય એવી ગોઠડીઓ
  • બસમાં ચઢવા/ ઊતરવાની/ ઊભા રહેવાની હાલાકીઓ.
  • રસ્તા પરની દુકાનોમાં થતી ચહલ પહલ

…………..

      અને છેલ્લા દિવસની સવાર આવી પહોંચી. છેક સાંજનું પ્લેન પકડવાનું હોવા છતાં, શુક્રવાર હોવાના કારણે ૧૨ વાગે એરપોર્ટ પર પહોંચી જવાનું નક્કી કર્યું હતું. દસેક વાગે અલીને કહ્યું, “ફલાફલ તો બે વખત આરોગ્યું. પણ બીજી કોઈ શાકાહારી વાનગી ન મળે?”

      અને અલી એક હોટલમાં લઈ ગયો અને ત્યાં ‘કશેરી’ નો આસ્વાદ કરાવ્યો- ઇજિપ્શીયન ભેળ !

      અહીં વાંચીને જાતે બનાવી લો!

      અને છેલ્લો મુકામ.. દુબાઈ જવા એરપોર્ટ તરફ પ્રયાણ. એરપોર્ટ પર આડે ધડે પાર્ક કરેલી કારોની વણજાર વચ્ચેથી  દૂર રાખેલાં કાર્ટ  લઈ આવવાની પળોજણ. ઝડપભેર સામાન એમાં મૂકી દેવાની ઉતાવળ…

     અને એરપોર્ટના દરવાજે પહોંચતાં જ અલીનું ભરેલા શ્વાસે મારી તરફ ધસમસતા  દોડી આવવું!

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો 'અલી'

દિલદાર દોસ્ત વલીદાની યાદ અપાવી ગયેલો ‘અલી’

      મારી હાથમાં રાખવાની થેલી હું એની ટેક્સીમાં ભૂલી ગયો હતો!

     મારું સમસ્ત અસ્તિત્વ (!) એમાં હતું – અલબત્ત ટૂરિસ્ટ તરીકેનું જ તો. પાસપોર્ટ, ઇન્ડિયન વિસા, ટિકીટ, ડોલરો, ક્રેડિટ કાર્ડ… બધું જ.

     અલીને એ ખબર હતી; અને છતાં એ ખાનદાન આરબે  હું ખોવાઈ જાઉં એ પહેલાં એ બધું મને સુપ્રત કરી દીધું. હું રીતસર અલીને ભેટી જ પડ્યો.

માનવતા મરી પરવારી નથી.

      ‘રામસેસ’ અને ‘નેફરેટી’ તો ક્યારનાય ભુલાઈ ગયા છે; પણ ‘અલી’ અને આ અનુભવ મરણ લગણ યાદ રહી જશે.

આર્ટ ઓફ લિવિન્ગ આશ્રમ – વાસદ

        ૨૦૧૦-૨૦૧૧ની અમદાવાદ મુલાકાત દરમિયાન ‘આર્ટ ઓફ લિવિન્ગ’ વિશે જાણવાના કુતૂહલ માત્રથી એનો કોર્સ મારી ભત્રીજી કૌમુદી જાનીની દોરવણી હેઠળ કર્યો હતો. પણ એ વખતે એનું અમલીકરણ કરવા જેટલી જાગૃતિ આવી ન હતી.

      ત્યાર બાદ છ એક મહિને ઇરવિન્ગ, ટેક્સાસમાં આર્ટ ઓફ લિવિન્ગ સેન્ટરમાં શ્રી. વેન્કટની દોરવણી હેઠળ રિપિટર કોર્સ કર્યો અને ત્યારે નક્કી કર્યું કે, એ કોર્સના છેલ્લા દિવસે અપાતી સૂચના અનુસાર કમ સે કમ ૪૦ દિવસ એનું અટક્યા વગર પાલન કરીશ.

     અને હવે એ સાધના આ જણના જીવનનો એક અવિભાજ્ય હિસ્સો બની રહી છે. એનાથી થયેલ ફાયદા – જનહિતાય અહીં રજુ કર્યા હતા.

    આ રહ્યા…

    આ ફાયદાઓનો અનુભવ કર્યા પછી, આર્ટ ઓફ લિવિન્ગનો એડવાન્સ કોર્સ કરવા બહુ જ મન હતું. ૨૦૧૨ની દેશ યાત્રામાં એ ઇચ્છા પૂરી થઈ. ફરીથી કૌમુદીએ એ માટે આરક્ષણ કરી આપ્યું, અને આ બંદાની સવારી મહી નદીના કાંઠે આવેલ ‘શ્રી. શ્રી.આશ્રમ’ – વાસદ ખાતે આવી પહોંચી.

Vasad_10 Vasad_9 Vasad_8 Vasad_7 Vasad_5 Vasad_6 Vasad_4 Vasad_3 Vasad_2 Vasad_1

   અને એ ચાર દિવસ ગુરૂશ્રી મેઘલભાઈની દોરવણી હેઠળ એ કોર્સ કર્યો. એ અંગે વિશેષ માહિતી આપવાની નથી. એ તો જાતે અનુભવ લઈને જ આત્મસાત્  કરી શકાય.

   પણ એટલું જ ટૂંકમાં કહીશ કે, ધ્યાન અંગેની ઘણી બધી ગેરસમજૂતિ દૂર થઈ ગઈ. ધ્યાન, તપ, સાધના જીવનથી અળગા બનીને કરવાની ચીજ નથી; એ તો જીવનને સભર, સરસ, કલ્યાણકારી, મંગળ, આનંદમય અને પૂર્ણ રીતે હકારાત્મક બનાવવાની કળાનો એક ભાગ છે – એની પ્રતીતિ થઈ ગઈ. આ સત્યની ગંભીરતા સમજવા ત્રણ દિવસનું આર્ય મૌન જરૂરી હોય છે. એના પાઠ લેતી વખતે કોઈ ચર્ચા કરવાની મનાઈ હોય છે.

     જાતજાતની રીતે ધ્યાન કરવાની રીતોમાં બરાબર ધ્યાન રાખવાનું બહુ જ જરૂરી હોય છે!

    અને જ્યારે આ બધી રીતોથી માહેર થઈએ ત્યારે બધા જ આત્મજ્ઞાનીઓ કહેતા આવ્યા છે – તેની યથાર્થતા સમજાય છે –

ધ્યાનને પ્રવૃત્તિ બનાવવાની નથી.
જીવનની દરેક પ્રવૃત્તિને ધ્યાનમય બનાવવાની છે.

    અને ત્યારે જ …
સતત વર્તમાનમાં
જાગૃત રહેવાની કળા
ધીમે ધીમે આવડતી જાય છે.

    અને નોંધી લો કે…સન્યાસ લેનાર માટે આ કળા શીખવાની જરૂર છે; એનાથી વધારે સંસાર સાગરમાં અટવાયેલા મારા, તમારા, સૌને માટે

.………  છે, છે અને છે જ.

એ આશ્રમના ફોટાઓ અહીં જોઈ શકશો.

———————-

બસ આનાથી વિશેષ કશું કહેવાનું નથી. બધી જાતની ચર્ચાઓ પણ આ લેખ અંગે બંધ છે !!

વાચકને કોઈ પ્રશ્ન જરૂરી લાગે તો ઈમેલથી જાણ કરવા વિનંતી છે.

પિરામીડોના દેશમાં, ભાગ-૫, મેમ્ફિસ, સક્કારા

મેમ્ફિસ – ઈજિપ્તના જૂના સામ્રાજ્યની રાજધાની;

સક્કારા એ સામ્રાજ્યના સમ્રાટોનું કબ્રસ્તાન, સૌથી પહેલા પિરામીડનું ઉદ્‍ભવસ્થાન

– ઈશુ ખ્રિસ્તથી ૩૦૦૦  વર્ષ પહેલાંનાં સંસ્કૃતિનાં સ્થાનક.

        અને અત્યારે જુઓ તો? એક કરોડની વસ્તીવાળા, ધમધમતા કેરો થી માંડ ૨૫ કિ.મી. દૂર આવેલાં બે નાનકડાં ગામડાં! પણ એના સુવર્ણકાળમાં કેરો તો શું, યુરોપિયન સભ્યતાની જનેતા જેવી  ગ્રીક સંસ્કૃતિનું પણં કોઈ નામોનિશાન ન હોતું. અરે! ફિનિશિયનો પણ ૧૫૦૦ વર્ષ પછી ભૂમધ્ય સમુદ્રને ખૂંદવાના હતા.

       મારી ઇજિપ્ત સફરના ચોથા દિવસે ભૂતકાળની એ મહાન અસ્તિત્વની રજ માથે તો નહીં ; પણ મારા જોડા નીચેથી સરકી!

       યુવાન અવસ્થામાં આવી ઐતિહાસિક  જગ્યાઓએ જવાની તક મળે તો ભાવવિભોર બની જતો. જીવનના ૭૦ વર્ષ પુરા થવાને માંડ બે મહિના બાકી છે ત્યારે, કદાચ આવી ભાવુકતા ખરી પડી છે – માથાના વાળની કની!

       પણ આવી જગ્યાઓએ એની જનક પ્રજાને સલામી જરૂર અપાઈ જાય છે. પાંચ હજાર વર્ષ પહેલાંની એ પ્રજાએ આટલાં જટિલ સ્થાપત્યો બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી –  જ્યારે દુનિયામાં બીજી મોટા ભાગની જગ્યાઓમાં માણસ માંડ ખેતી કરતાં શીખ્યો હતો. અને અલબત્ત એમના નાયકો, ફેરો – ભલે બધા રાજાઓ અને સમ્રાટોની જેમ સત્તા અને સમૃદ્ધિની પાછળ પાગલ હતા  –  પણ આ કક્ષાની નેતાગીરી પૂરી પાડવી, એ  પણ કાંઈ નાની સૂની સિદ્ધિ તો ન જ હતી.

File:Egypt-Hieroglyphs.jpg

મેમ્ફિસ

File:Saqqara pyramid.jpg

સક્કારા

     ખેર, ઈતિહાસને બાજૂએ મુકીએ તો,એ દિવસની ખુશનુમા સવારમાં,  કેરોથી મેમ્ફિસ અમે માંડ અડધા કલાકમાં પહોંચી ગયા. મેમ્ફિસમાં એક નાનકડું આઉટડોર મ્યુઝિયમ જોવા મળ્યું.રામસેસની ખંડિત પ્રતિમાને સૂતેલી જોઈ, અને બીજાં બધાં સ્થાપત્યો પણ. આજુબાજુ લહેરાતી ખજૂરીઓ પણ મનમોહક લાગતી હતી. આપણે ત્યાં ભાગ્યે જ જોવા લળે તેવાં ખચ્ચરો અને એમનાથી ચલાવાતી ગાડીઓ પણ મારે માટે એક નવાઈની ચીજ હતી.

     મેમ્ફિસમાં કલાકેક ગાળી, થોડેક જ દૂર આવેલા સક્કારાનાં સૌથી પ્રાચીન પિરામીડ અને તેમની બાજુના મંદિરની મુલાકાત લીધી. સક્કારામાં કોઈ લીલોતરી જોવા ન મળી. તળ ઇજિપ્તના રણપ્રદેશની ઝાંખી અહીં મળી – નાઈલનો પ્રભાવ અહીં સુધી પહોંચતો ન હતો.

      રસ્તામાં હુક્કાની લહેજત મફતમાં આપતી ચાની દુકાનમાં ગરમાગરમ ચાની ( દૂધ વિનાની જ તો !)  પણ લહેજત માણી.

     ૫૦૦૦ વરસ પહેલાં વીતી ગયેલા એ સમયના અવશેષ અને  એ બે જગ્યાઓની  સ્મૃતિઓની ઝલક આ રહી….

      સૌથી વધારે યાદ રહી જાય એવી વાત હતી- આ બે મુલાકાતો પતી ગયા પછી, ઇજિપ્તની વણાટ કળાના એક કારખાનાની મુલાકાત. નાનાં આસનોથી માંડીને મોટી કાર્પેટો બનતી જોવા મળી; અને આ એકવીસમી સદીમાં પણ ઇજિપ્તની પ્રાચીન કળા અકબંધ મોજૂદ જોઈ હરખ થયો. ખાસ તો સીધે સીધા વાણાના સ્થાને વાંકા ચૂંકા વાણા પરોવી બનાવાતી અદ્‍ભૂત ડિઝાઇનો જોઈ એ કલાકારની આવડત અને કળા માટે અનહદ માન ઉપજ્યું.

     આ બધી મુલાકાતો પતાવી, ફરીથી ફલાફલનું જમણ પણ પતાવી હોટલ પર પહોંચ્યો;  ત્યારે બપોરનો માંડ એક વાગ્યો હતો. સાંજે પિરામીડ પ્લાઝામાં પ્રકાશ અને ધ્વનિ શો જોવાનું મન થયું; અને અલીને વાત કરતાં, એ તો અલબત્ત તૈયાર થઈ જ ગયો !

      અને સાંજે એ અદ્‍ભૂત જગ્યાએ ફરીથી પહોચી ગયો. જીવનમાં બે વખત આવા શો જોયા હતા. અમદાવાદના ગાંધી આશ્રમ અને દિલ્હીના લાલ કિલ્લામાં. પણ આ સ્થાનની ભવ્યતા તો બેમિસાલ હતી. આટલા મોટા ફલક પર સ્ફિન્ક્સની સામે બેસીને અને ત્રણ ત્રણ ગગન ચુંબી પિરામીડોને રંગબેરંગી પ્રકાશમાં પ્રજ્વલિત થતા જોવાનો રોમાંચ સાવ અલગ જ હતો. અને સાથે એન ભવ્ય ઈતિહાસની ગાથાનું શ્રવણ.

IMG_2989 IMG_2995 IMG_3008 IMG_3010 IMG_3018

——-

પિરામીડોના દેશમાં, ભાગ -4, કોપ્ટિક મ્યુઝિયમ

       મ્યુઝિયમમાંથી બહાર આવ્યો. બપોરના ૧૨ વાગી ગયા હતા. ‘અલી પાછો નહીં આવે તો કેમેરાના પણ બાર વાગી જશે.’ –  એ ભય પણ ભુખની સાથે સતાવી રહ્યો હતો. અલી પણ આવી ગયો, અને કેમેરા પણ – ફરી ચાલુ થઈને.

      બે દિવસ , સતત ઘેરથી આણેલાં મેથીના થેપલાંને સવારના નાસ્તા બાદ  આરામ આપવાનું નક્કી જ કર્યું હતું.  ઈજિપ્તની વાનગી ’ફલાફલ’ આરોગવા ઇચ્છા હતી. અલીને આ વાત કરી; અને ભીડથી ઉભરાતા નાના રસ્તા પર એણે બાજુમાં કાર ઊભી રાખી અને મને રાહ જોવાનું કહી, એ તો બાજુની ગલીમાં ચાલ્યો ગયો અને થોડી વારે ફલાફલનાં બે પેકેટ લઈ આવ્યો.

      મેં એને કહ્યું,” ચા/કોફીની સાથે આ ખાઉં તો ઠીક.”

     તેણે હકારમાં ડોકું ધૂણાવ્યું અને થોડીક વારે કોપ્ટિક મ્યુઝિયમની પાસે આવેલી એક દેશી ‘કોફી શોપ’ આગળ કાર ઊભી રાખી. અને આખીયે સફરમાં યાદગાર રહી જાય એવી અરબ –સંગતનો મને લ્હાવો મળી ગયો.

     ગરમાગરમ ઇજિપ્શીયન ચા અને ફલાફલ આરોગવા લાગ્યો, અને અલી એના હુક્કાની લહેજત. ટેબલ ખાલી થયા પછી પાછળ નજર કરી તો પાંચેક અરબ ડોસાઓ આતુરતાથી અમારી તરફ જોઈ રહ્યા હતા. ત્રણ જણા ‘ ડોમિનો’ ની રમત રમતાં રમતાં મારી તરફ ડોકિયાં કરી લેતા હતા. થેલીમાંથી સુગંધી સોપારી કાઢીને મુખવાસની મઝા માણી રહ્યો હતો; ત્યાં મને અળવીતરું કરવાનું સૂઝ્યું –

‘ આમેય હાદજન ખરો ને?’

    સોપારીના બે પાઉચ કાઢીને મેં એ ડોસાઓને ધર્યા. એક જણે હિમ્મત કરીને સોપારીનો એક ટુકડો મોંમાં મૂક્યો અને મેન્થોલની ચરચરાટી અને સાકરની મધુરતા ચાખી મલકી ઊઠ્યો. હવે બીજાએ પણ હિમ્મત કરી. પણ એના ખૂલેલા સાવ બોખા મોંને નિહાળી મને ગમ્મત સૂઝી. ‘ Not for you.’ કહેતાં કહેતાં મારી સાબૂત બત્રીસી તેને બતાવી. આખું ટોળું ભાષાના માધ્યમ વિના પણ ખડખડાટ હસી પડ્યું.  અને અમારી વચ્ચેનો બરફ ઓગળી ગયો. ભાંગી ટૂટી ભાષામાં એમની ભારત વિશેની જાણકારી અને સદ્‍ભાવની લાગણીઓ નાઈલના મુક્ત પ્રવાહની કની વહેવા લાગી.
ગાંધીજી, સલમાન ખાન, અમિતાભ બચ્ચન,ઐશ્વર્યાને એ લોકોએ યાદ કર્યા.
મેં નાસર,  સાદત, નેફરેટી, ક્લિયોપેટ્રા અને રામસેસને …

બપોરની એ દસ પંદર મિનીટ ભારત – ઇજિપ્ત વચ્ચેની બિરાદરીની એક નાનકડી કડી બની રહી.

     હવે અલીનો બંદગીનો સમય થઈ ગયો હતો. મેં પણ તેના આશ્ચર્ય વચ્ચે મસ્જિદમાં અંદર આવવાની પરવાનગી માંગી. એ તો ખુશ ખુશ થઈ ગયો. અને મેં પણ એ સરસ મસ્જિદમાં દસેક મિનીટ માટે  ‘સુદર્શન ક્રિયા’ કરી લીધી. તે સુમધુર બિરાદરીની ઝલકો આ રહી…

અને છેલ્લે..

        બપોરના એ આખરી મુકામ – કોપ્ટિક મ્યુઝિયમમાં અમે પહોંચી ગયા. ઇજિપ્તની આપણી ઓળખ એક જૂની, વિદાય લઈ ચૂકેલી સંસ્કૃતિના અવશેષ કે એક ઝનૂની અરબ દેશ તરીકેની જ છે. પણ ઇશુ ખ્રિસ્તના અમુક અનુયાયીઓએ ધાર્મિક ત્રાસથી બચવા મિસરમાં આશરો લીધો હતો; એ વાત કદાચ આપણે જાણતા નથી. રોમના શહેનશાહે ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યાર બાદ મિસરમાં વિકસેલ ‘કોપ્ટિક’ સમ્પ્રદાયે ગુરૂકૂળ અને આપણા મુનિઓ યાદ આવે તેવી (Monesticism) ખ્રિસ્તી વિચારની શાખા વિકસાવી હતી. આખાયે ખ્રિસ્તી જગતમાંથી એ આશ્રમની યાત્રા કરવા ખ્રિસ્તી સાધકો મિસરની મુલાકાત લેતા.

Loading Image

      અરબોના આક્રમણ પછી, કોપ્ટિક સંસ્કૃતિનો અંત આવ્યો હતો. પણ એ ગાળાની અદ્‍ભૂત કલાકારીગીરી, જીવન પદ્ધતિ અને અંતરયાત્રાની અનોખી રીતની સુંદર ઝલક આ મ્યુઝિયમમાં જોવા મળે છે. પાછા વળતાં રસ્તામાં એક બે ઐતિહાસિક મસ્જિદો અને છેલ્લા તુર્ક શહેનશાહનો વૈભવી મહેલ પણ ઊડતી નજરે જોઈ લીધો.

       અને વધતી જતી વસ્તીએ રહેઠાણ માટે અપનાવાયેલા કબ્રસ્તાનનો વિસ્તાર પણ અલીએ બતાવી દીધો.
હાય રે! આધુનિક માનવ જીવનની કઠણાઈઓ!

      આ રહી કેમેરાની આંખે એ યાદગાર બપોરની ઝલક( અલબત્ત અહીં પણ મ્યુઝિયમની અંદર કેમેરા લઈ જવાની મનાઈ હતી.) …

કોપ્ટિક સંસ્કૃતિ વિશે વિશેષ અહીં…

વધુ આવતા અંકે…

પિરામીડોના દેશમાં, ભાગ -3, ઇજિપ્શિયન મ્યુઝિયમ

     ત્રીજા દિવસે તૈયાર થઈને હોટલની બહાર નીકળ્યો; એ ચિંતા સાથે કે, ‘અલી જો એનું વચન ન પાળે ; અને એને બીજો ઘરાક મળી ગયો હોય તો, મારે સારથી-શોધ નવેસરથી આરંભવી પડે.’  પણ અલી જેનું નામ? ……બરાબર આઠના ટકોરે એ તો હાજર થઈ ગયો.

     અને ગીઝા છોડીને તળ કેરોમાં મારી ત્રીજા દિવસની સફર શરૂ થઈ. નાઈલ ઓળંગતાં જ વિશ્વની આ સૌથી લાંબી નદીનો વિશાળ પટ જોઈ મન પ્રસન્ન થઈ ગયું. હજારો વર્ષથી તળ આફ્રિકામાંથી આ માતા કાંપ ખેંચી લાવે છે; અને દરેક ચોમાસે પૂર ફેલાવી નાઈલ ખીણને ફળદ્રૂપ કરી નાંખે છે. મીસરની મહાન સંસ્કૃતિ જેના તટમાં વીકસી, વીલસી એ જ આ લોકમાતાએ રૂદનનાં પોશ પોશ આંસુ સાર્યાં છે – એસિરિયન,  ગ્રીક, રોમન, અરબ, તુર્ક, ફ્રેન્ચ , બ્રિટીશ, અને જર્મન સૈન્યોનાં ધાડે ધાડાંઓએ પાશવી હત્યાકાંડથી જૂની સંસ્કૃતિઓને છીન્ન ભીન્ન કરી નાંખી, એના શોકમાં.

      કે પછી- આ બધી મારા અલ્પ જ્ઞાન આધારિત કલ્પનાઓ માત્ર જ છે? નદી તો એમની એમ અક્ષુણ્ણ અવિચળ વહેતી જ રહી છે ને?

  [ ‘સરિતા’ની આત્મકથા વાંચવા ઈજન છે…  ભાગ -૧  ;      ભાગ -૨ ;     ભાગ-૩ ]

   ખેર.. એના તટનાં આ ચિત્રો મનભરીને માણી લો..

    અને ઓલ્યા ‘ટાવર ઓફ ઇજિપ્ત’ની છબી ખેંચતાં મારો કેમેરા રીસાણો. એના સેલની આવરદા ખતમ થઈ ચૂકી હતી. મેં એનો સેલ ખરીદી લાવવાની વિનંતી અલીને કરી અને હું ઇજિપ્તની સંસ્કૃતિનું મ્યુઝિયમ જોવા રવાના થયો.

    એના પ્રવેશ કક્ષમાં સૌથી આગળ જ ‘રોઝેટા શીલાલેખ’નો ફોટો મૂકેલો હતો- જેના થકી એ પુરાતન સંસ્કૃતિની સાવ ભૂલાઈ ગયેલી લીપી ડેસિફર( ગુજરાતી પર્યાય?)  થઈ હતી. એ મહાન શીલાલેખની વાત માટે તો એક અલગ લેખ જ લખવો રહ્યો. આખાયે મ્યુઝિયમમાં ઈતિહાસ, સ્થાપત્ય, કળા, પુરાતત્વ, નાઈલની  અદભૂત સંસ્કૃતિ વિ.ની વાતો પાર્શ્વભૂમિમાં જ રહ્યા કરી; અને મીસરની એ મહાન પ્રજાએ ૫૦૦૦ વર્ષ પહેલાં પેદા કરેલો એ ખજાનો જોઈ માનવ મહેરામણની તાકાત માટે અનહદ માન ઉભરાયા જ કર્યું. ( અને એ ન ભૂલાય કે બહુ જ નાનો એવો હિસ્સો જ આ મ્યુઝિયમમાં છે, ઘણો મોટો ભાગ તો યુરોપનાં મ્યુઝિયમોમાં કેદ પડેલો છે!)

    મ્યુઝિયમની અંદર ફોટા પાડવાની મનાઈ હતી. પણ એની બહાર મારા સ્માર્ટ ફોન વડે પાડેલા ફોટા આ રહ્યા…

   જો કે, નેટ ઉપરથી તો ઢગલાબંધ ફોટા અને સાહિત્ય તો મળી જ રહેશે. લો એક આ સેમ્પલ…

King Tut, Cairo

      પણ આ અમદાવાદીને સતત એ ચિંતા રહ્યા કરી કે, ‘સેલ ખરીદવાના કામ સાથે, સાવ અજાણ્યા અલીને મેં મારો અમદાવાદમાંથી ૧૩,૦૦૦ રૂ.ની માતબર રકમમાં ખરીદેલો કેમેરા પણ આપી દીધો. અલી પાછો નહીં આવે તો?’

    પણ એ દિલાવર દિલના અરબે મારી શંકા કુશંકાઓને ખોટી પાડી દીધી. તેણે નવા સેલ ખરીદી, કેમેરા ચાલુ કરાવી દીધો હતો – અને મને અકબંધ સોંપી દીધો. એની આ નેકીએ માનવ મૂલ્યોમાં મારી શ્રદ્ધા બેવડાવી દીધી.

    હવે પછીનો મારો મૂકામ હતો ‘ કોપ્ટિક મ્યુઝિયમ’ પણ એની વાત તો હવે પછીના લેખમાં જ કરવી પડશે.